ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની નીચે જમીન ઉપર ઘાસની પથારી કરીને સૂતાં છે, લક્ષ્મણ અને નિષાદરાજ આખી રાત્રી જાગતા બેઠાં બેઠાં સત્સંગ કરે છે. બીજે દિવસે સવારે ભગવાન ગંગા પાર કરશે. બધા નાવિકોમાં પણ ઉત્સાહ છે કે ભગવાન અમારી નાવમાં બેસે તો અમારું જીવન ધન્ય થઈ જાય. બધા પોતપોતાની નાવ સુંદર રીતે શણગારે છે. આ બધામાં કેવટ પણ એક નાવિક છે. એની પણ ઇચ્છા છે કે ભગવાન શ્રીરામ મારી નાવમાં બેસે. કેવટ ગરીબ છે. નાવ શણગારવાની તેની ક્ષમતા નથી. કેવટ ઉદાસ થઈને બેઠો છે. તે વિચારે છે કે શું ભગવાન શ્રીરામ મારી નાવમાં બેસશે ? કેવટની પત્નીએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું અને કહ્યું, ‘ભગવાન તમારી નાવમાં જ બેસશે. એક વાર તમે મને કહ્યું હતું કે ગુહરાજા શિકાર કરવા ગયા હતા અને ખૂબ તૃષાર્ત થયા હતા. પાણીની તરસ એટલી બધી લાગી હતી કે પાણી ન મળે તો એમ લાગતું કે તેમના પ્રાણ નીકળી જશે. ત્યારે તમે તેમને પાણી પિવડાવ્યું હતું. પ્રસન્ન થઈને ગુહરાજાએ તમને કહ્યું હતું કે તેં મારા પ્રાણ બચાવ્યા છે માટે તારે જે જોઈતું હોય તે માગી લે. ત્યારે તમે કહ્યું હતું, ‘પાણી પિવડાવવું એ તો મારી ફરજ છે. એમાં વળી માગવાનું શું ?’ ત્યારે ગુહરાજાએ કહ્યું હતું કે ‘ઠીક છે, તારે જ્યારે જરૂર હોય ત્યારે માગી લેજે.’ કેવટની પત્નીએ કહ્યું કે ‘તમે અત્યારે જાઓ. ભગવાન શ્રીરામ અને સીતાજી સૂતાં છે. ગુહરાજા પહેરો ભરે છે. તમે જઈને ગુહરાજાને કહેજો કે તમે તો અમારા નાવિકોના રાજા છો. કાલે ઢંઢેરો પિટાવી દો કે કાલે સવારે કોઈની નાવ ગંગા કિનારે ન રહે, ફક્ત મારી જ નાવ રહે કે જેથી હું ભગવાનને ગંગા પાર કરાવી શકું.’ આમ કેવટ રાત્રે જ ગુહરાજા પાસે ગયો અને આ વરદાન માગી લાવ્યો.

બીજે દિવસે સવારે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને ગુહરાજા જ્યારે ગંગા કિનારે આવ્યાં ત્યારે જોયું તો કેવટ એકલો ગંગા કિનારે નાવ લઈને બેઠો છે. ભગવાન કેવટ પાસે નાવ માગે છે.

માગી નાવ ન કેવટુ આના ।
કહઈ તુમ્હાર મરમુ મૈં જાના ।।
ચરણ કમલ રજ કહુઁ સબુ કહઈ ।
માનુષ કરનિ મૂરિ કછુ અહઈ ।।
છુઅત સિલા ભઇ નારી સુહાઈ ।
પાહન તેં ન કાઠ કઠિનાઈ ।।

ભગવાન શ્રીરામ કેવટ પાસે નાવ માગે છે, પરંતુ કેવટ નાવ લાવતો નથી. ભગવાનને કેવટ કહે છે કે હું તમારો મર્મ જાણું છું.

અત્યાર સુધી ભગવાનની પાસે જે લોકો આવતા હતા તેઓ કહેતા હતા કે પ્રભુ, વેદમાં તમારી સ્તુતિ થાય છે નેતિ નેતિ એટલે ન – ઇતિ, જેની ઇતિ ન કરી શકાય, જેનો પાર પામી ન શકાય. ભગવાન વાસ્તવમાં ઉપર વર્ણન કર્યું છે તેવા છે પરંતુ અહીં કેવટ કહે છે કે ભગવાન, હું તમારો મર્મ જાણું છું. કેવટ શું મર્મ જાણે છે? કેવટ ભગવાનને કહે છે, ‘તમારા ચરણકમલની રજમાં એવી કોઈ જડીબુટ્ટી છે કે જો આ ચરણરજ કોઈ પથ્થર પર પડે તો તે પથ્થર નારી થઈ જાય. મારી આજીવિકા આ નાવ છે. નાવ જો નારી થઈ જાય તો મારા કુટુંબનું ભરણપોષણ કેવી રીતે થશે ? એટલે મારે તમારા પગ ધોવા પડશે. ગરજ મારે નથી, ગરજ તમારે છે. તમારે ગંગા પાર જવું છે. તમારે જ કહેવું પડશે કે પગ ધોઈ આપ.’

જાૈં પ્રભુ પાર અવસિ ગા ચહહૂ ।
મોહિ પદ પદુમ પખારન કહહૂ ।।

કેવટ ભગવાનને કહે છે કે હું તમને ગંગા પાર કરાવી દઈને તમારી પાસે કોઈ ઉતરાઈ નહીં માગું એ હું દશરથ રાજાના શપથ ખાઈને કહું છું.

પદ કમલ ધોઈ ચઢાઇ નાવ, ન નાથ ઉતરાઈ ચહૌં ।
મોહિ રામ રાઉરિ આન દસરથ, સપથ સબ સાચી કહૌં ।।

લક્ષ્મણને ગુસ્સો આવી ગયો. એનો હાથ ધનુષ્ય-બાણ પર ગયો. એ જોઈને કેવટ કહે છે કે હું બાણથી પણ ડરતો નથી. તમે બાણ મારશો તોપણ ભગવાન સામે ઊભા છે, તેમનાં દર્શન કરતાં કરતાં મરવાથી મુક્તિ જ મળશે. ભગવાન હસી પડ્યા છે. કેવટનાં પ્રેમભર્યાં વચનો સાંભળીને પ્રભુ શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીની તરફ જુએ છે.

સુનિ કેવટ કે બૈન, પ્રેમ લપેટે અટપટે ।
બિહસે કરુનાઐન, ચિતઇ જાનકી લખન તન ।।

ભગવાન શ્રીરામ સીતાજી અને લક્ષ્મણની તરફ જોઈને હસે છે. સંતો કહે છે કે એનું એક કારણ છે. આ કેવટ પાછલા જન્મમાં કાચબો હતો. તેની ઇચ્છા હતી ભગવાન વિષ્ણુના ચરણકમલની સેવા કરવાની. ભગવાન વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શેષનાગની શય્યા પર સૂતા હતા. આ કાચબાએ પ્રયત્ન કર્યો ભગવાનના ચરણકમલ પાસે જવાનો કિંતુ શેષનાગ એને પૂંછડાથી મારીને સમુદ્રમાં ફેંકી દે છે. વળી ક્યારેક કાચબો શેષનાગનું પૂંછડું બચાવીને ચરણકમલ પાસે જવાનો પ્રયત્ન કરે છે તો શ્રીલક્ષ્મી દેવી એને હાથથી હડસેલી મૂકે છે. કાચબાએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ક્યારેક લક્ષ્મીજી તો, ક્યારેક શેષનાગ તેને ચરણકમલ પાસે જવા નથી દેતાં. કાચબાએ મૃત્યુની અંતિમ ક્ષણ સુધી પોતાનો આ પ્રયત્ન જારી રાખ્યો. આ કાચબો બીજા જન્મમાં કેવટ થયો છે. ભગવાન શ્રીરામ સીતાજી અને લક્ષ્મણની સામે જોઈને એટલા માટે હસે છે કે તમે બન્નેએ એને મારા ચરણકમલ પાસે આવવા દીધો ન હતો પરંતુ અત્યારે તમે કશું કરી શકવાનાં નથી.

કેવટ કહે છે કે આ બન્ને ચરણકમલની સેવા કર્યા પછી જ હું તમને ગંગા પાર કરાવીશ. ભગવાને કેવટને કહ્યું કે તું પાણી લઈ આવ અને મારા પગ ધોઈ દે. આ સાંભળીને કેવટ દોડ્યો અને ઘેર જઈને પત્નીને કહ્યું, ‘એક પાત્ર લાવ.’ પત્નીએ કહ્યું, ‘આપણી પાસે તો સારું પાત્ર નથી.’ કેવટ કહે છે, ‘ભગવાનના ચરણ પખાળવા માટે પાત્રની જરૂર નથી, પાત્રતાની જરૂર છે. આપણી લાકડાની કથરોટ લઈ આવ. ભગવાનના ચરણ લાકડાના પાત્રમાં ધોવાથી લાકડું પાણી પી જશે. એ કથરોટમાં તું લોટ બાંધજે. ભગવાનનો ચરણસ્પર્શ થયેલ પાત્રનું અન્ન ખાવાથી આપણી બુદ્ધિ પવિત્ર થશે.’ કેવટે કથરોટમાં ગંગાજલ લીધું છે. આજે ગંગાજીને પણ આનંદ ઊપજે છે કે જે ચરણમાંથી મારું અવતરણ થયું છે, એ ચરણો પખાળીને હું પણ ધન્ય થઈશ.

પદ નખ નિરખિ દેવસરિ હરષી ।
સુનિ પ્રભુ વચન મોહઁ મતિ કરષી ।।
કેવટ રામ રજાયસુ પાવા ।
પાનિ કઠવતા ભરિ લેઇ આવા ।।
અતિ આનંદ ઉમગિ અનુરાગા ।
ચરણ સરોજ પખારન લાગા ।।
બરષિ સુમન સુર સકલ સિહાહિં ।
એહિ સમ પુન્યપુંજ કોઉ નાહીં ।।

આનંદમાં આવીને ભગવાનના ચરણ ધોતાં ધોતાં કેવટ નાચી રહ્યો છે. ભગવાન કહે છે કે, ‘અરે! નાચવાનું બંધ કર. તું નાચીશ તો હું પડી જઈશ.’ કેવટે કહ્યું, ‘પ્રભુ! તમે મારું માથું પકડી રાખો તો તમને સહારો મળશે.’ અને ભગવાનનો હાથ કોઈના માથા પર પડે તો એના ભાગ્યની તો વાત જ શું કહેવાય ! દેવતા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં કહે છે કે કેવટ જેવો કોઈ પુણ્યશાળી નથી.

ભગવાનના ચરણ પખાળીને કેવટે ચરણામૃતનું પાન કર્યું છે, પોતાના પરિવારને પાન કરાવ્યું છે અને ગામના બધા લોકોને પણ પાન કરાવ્યું છે. કેવટ ભગવાનને કહે છે કે ‘પ્રભુ, મારા પિતૃપુરુષોનું તર્પણ બાકી છે, તમે મંત્ર બોલો અને અમે તર્પણ કરીશું.’ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ તર્પણવિધિના મંત્રો બોલે છે અને કેવટ તેમજ તેની પત્ની હાથમાં ગંગાજળ લઈને તર્પણવિધિ કરે છે. આમ, કેવટના પિતૃઓ પણ તૃપ્ત અને મુક્ત થઈ ગયા.

પદ પખારિ જલુ પાન કરિ, આપુ સહિત પરિવાર ।।
પિતર પારુ કરિ પ્રભુહિ પુનિ, મુદિત ગયઉ લેઇ પાર ।।

કેવટ ભગવાનને કહે છે કે પગ તો ધોઈ દીધા, પરંતુ હવે તમે જમીન પર પગ રાખીને પછી મારી નાવમાં બેસો તો વળી પાછી ધૂળ તમારા પગમાં ચોંટી જશે એટલે હું તમને ઊંચકીને નાવમાં બેસાડી દઈશ. જે ભગવાન સમગ્ર જગતનો ભાર વહન કરે છે, આજ એક ભક્ત ભગવાનનો ભાર વહન કરે છે. કેવટે ભગવાનને ઊંચકીને નાવમાં બેસાડ્યા. નાવમાં સીતાજી, લક્ષ્મણ અને ગુહરાજા પણ બેઠાં છે. કેવટ નાવ ચલાવે છે, પરંતુ વિચારે છે કે જો હું ભગવાનને ગંગાને સામે તીરે પહોંચાડી દઈશ તો ભગવાન નાવમાંથી ઊતરીને ચાલ્યા જશે. એટલા માટે કેવટ ગંગાના પ્રવાહની વચ્ચે જ નાવને આમતેમ ફેરવે છે. લક્ષ્મણે કેવટને પૂછ્યું કે તું નાવને આમતેમ કેમ ફેરવે છે ? કેવટે કહ્યું, ‘તમને ઉતાવળ શું છે ? મને ખબર છે કે તમારી પાસે ૧૪ વર્ષનો સમય છે. વનમાં ખુલ્લા પગે ચાલશો તો પગમાં કાંટા, પથ્થર વાગશે. વનમાં ભટકવા કરતાં આ નૌકાવિહારમાં શું તકલીફ છે? હું તો પૈસા પણ લેવાનો નથી. આ ભગવાને મને ચોરાસી લાખ જન્મના ફેરા ફેરવ્યા છે. મેં તમને કેટલા ફેરા ફેરવ્યા?’ ભગવાને લક્ષ્મણને કહ્યું, ‘ભાઈ, ચુપ રહો, નહિતર ઘણા ફેરા ફરવા પડશે.’ લક્ષ્મણ ચુપ થઈને બેસી ગયા. કેવટે થોડી વાર પછી ભગવાનને નદીના બીજા કિનારે ઉતાર્યા. ઉતાર્યા પછી કેવટ ભગવાનને દંડવત્ પ્રણામ કરે છે. ભગવાનને સંકોચ થાય છે કે હું કેવટને કાંઈ આપી શકતો નથી. સીતાજી ભગવાનના મનની વાત જાણી જાય છે. તેઓ હાથની મુદ્રિકા ઉતારીને પ્રભુના હાથમાં આપે છે. ભગવાન કેવટને કહે છે કે આ ઉતરાઈ લો. કેવટે ભગવાનના ચરણ પકડી લીધા અને કહ્યું, ‘પ્રભુ, આજે મને શું નથી મળ્યું ? મને બધું જ મળી ગયું છે. મારા દોષ, મારું દારિદ્ર, મારા હૃદયનો કામ-ક્રોધ-મોહાદિ દાવાનળ તમારાં દર્શનથી નાશ પામ્યાં છે. ઘણા જન્મોથી મજૂરી કરતો હતો, આજે વિધાતાએ મને પરિપૂર્ણ કરી દીધો છે. હવે કશી જ કામના નથી. પ્રભુ, તમારી કૃપાદૃષ્ટિ સર્વદા રહે એ જ પ્રાર્થના છે.’

કેવટ ઉતરિ દંડવત કીન્હા ।
પ્રભુહિ સકુચ એહિ નહિ કછુ દીન્હા ।।
પ્રિય હિય કી સિય જાનનિહારી ।
મનિ મુદરી મન મુદિત ઉતારી ।।
કહેઉ કૃપાલુ લેહિ ઉતરાઈ ।
કેવટ ચરન ગહે અકુલાઈ ।।
નાથ આજુ મૈં કાહ ન પાવા ।
મિટે દોષ દુખ દારિદ દાવા ।।
બહુત કાલ મૈં કીન્હિ મજૂરી ।
આજુ દીન્હ બિધિ બનિ ભલિ ભૂરી ।।
અબ કછુ નાથ ન ચાહિઅ મોરેં ।
દીનદયાલ અનુગ્રહ તોરેં ।।

સંતો કહે છે કે કેવટે કહ્યું, ‘નાઈ સે ન નાઈ લેત, ધોબી સે ન ધોબી લેત.’ કેવટ કહે છે કે ‘વાળંદ વાળંદ પાસેથી પૈસા ન લે, ધોબી ધોબીની પાસે પૈસા ન લે. જેઓનો ધંધો એક જ છે, તેઓ પરસ્પર લેણદેણ ન કરે. હું ગંગાનો નાવિક છું, હું લોકોને ગંગા પાર કરાવું છું. તમે ભવસાગરના નાવિક છો, તમે ભવસાગર પાર કરાવો છો. તમે જ્યારે મારી પાસે આવ્યા, તો મેં તમને ગંગા પાર કર્યા. હું જ્યારે ભવસાગરને કિનારે ઊભો હોઈશ, ત્યારે તમે પણ મને ભવસાગર પાર કરાવજો.’

ભગવાન શ્રીરામે, સીતાજીએ અને લક્ષ્મણે કેવટને ખૂબ વિનંતી કરી પરંતુ તેણે કંઈ જ લીધું નહીં ત્યારે ભગવાને તેને નિર્મળ ભક્તિનું વરદાન આપ્યું.

બહુત કીન્હ પ્રભુ લખન સિયઁ ।
નહિ કછુ કેવટુ લેઇ ।।
બિદા કીન્હ કરુનાયતન ।
ભગતિ બિમલ બરુ દેઇ ।।

કેવટનો પ્રસંગ સાધકના જીવનને સ્પર્શે છે. કેવટ પાછળના જન્મમાં કાચબો હતો. કાચબો ધીરે ધીરે ચાલે છે, પરંતુ અટકતો નથી. આપણને બધાને કાચબા અને સસલાની વાર્તા યાદ છે. આપણે બધા સાધકો છીએ. આપણે બધા સાધના કરીએ છીએ, વધારે સાધના આપણે કરી શકતા નથી. પરંતુ કાચબાની માફક સાધના કરતા રહેવાનું છે, પડતી મૂકવાની નથી. ઘણી વખત પ્રમાદવશ આપણે સાધના પડતી મૂકીએ છીએ. કાચબાએ ભગવાનના ચરણ સમીપે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે લક્ષ્મીજી અને શેષનાગે તેને ચરણો પાસે જવા ન દીધો. તે સમુદ્રમાં પાછો પડ્યો. લક્ષ્મીજી એટલે ધનસંપત્તિ. શેષનાગનાં હજાર મુખ છે અને તે મુખમાંથી વિષ નીકળે છે. આપણા મનમાં વિષયોની હજારો કામના-વાસના છે. આ ધનસંપત્તિ અને કામ-વાસનાની આસક્તિ સાધકને વારંવાર સાધનાના પથથી ભ્રષ્ટ કરે છે. પરંતુ જેટલી વાર કાચબો પડે છે, તેટલી વાર વળી પાછો ઊભો થઈને પ્રયત્ન કરે છે.

આપણે પણ કાચબાની જેમ જેટલી વાર પથભ્રષ્ટ થઈએ, તેટલી વાર પ્રયત્ન ચાલુ રાખવાનો છે. કાચબાએ મૃત્યુની અંતિમ ક્ષણ સુધી પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો અને બીજા જન્મમાં કેવટ બનીને તેની ઇચ્છા પૂર્ણ થઈ. આપણે પણ સાધના થોડી થોડી ભલે, પણ સતત ચાલુ રાખવાની છે. આપણે હિમ્મત હારવાની નથી. મૃત્યુની અંતિમ ક્ષણ સુધી આપણે સાધના ચાલુ રાખવાની છે, આપણને અવશ્ય સફળતા મળશે જ.

આપણે બધાય કેવટની જેમ પૂર્ણકામ થઈને પ્રભુ સમીપ જઈને કહી શકીએ-

નાથ આજુ મૈં કાહ ન પાવા ।
મિટે દોષ દુખ દારિદ દાવા ।।
– એ જ પ્રાર્થના.

Total Views: 1,415

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.