ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી.

गिरि सरि सिंधु भार नहिं मोही।
जस मोहि गरुअ एक परद्रोही।।

જ્યારે રાવણ અને તેના રાક્ષસોનો પૃથ્વી પર અત્યાચાર વધી ગયો ત્યારે ધરતીમાતા ગાયનું રૂપ ધારણ કરીને દેવતાઓની પાસે ગયાં. દેવતાઓ પણ રાક્ષસોના અત્યાચારથી ગુફામાં સંતાઈ ગયા હતા. દેવતાઓએ કહ્યું કે અમે કંઈ કરી શકીશું નહીં. ગાય અને દેવતાઓ બ્રહ્મા અને શિવજી પાસે ગયાં. બધાં મળીને વિચાર કરવા લાગ્યાં કે આપણે શું કરીશું? ભગવાન વિષ્ણુ આપણને ક્યાં મળશે? કોઈએ કહ્યું કે વૈકુંઠમાં મળશે, કોઈએ કહ્યું કે ક્ષીરસમુદ્રમાં મળશે. કોઈ નિર્ણય કરી શકતું ન હતું કે ભગવાન ક્યાં મળશે? જ્યારે બધાંએ બોલવાનું બંધ કર્યું ત્યારે શિવજીએ કહ્યું કે-

हरि ब्यापक सर्बत्र समाना।
प्रेम तें प्रकट होहिं मैं जाना।।

હરિ સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે પરંતુ જ્યાં પ્રેમ હોય, જ્યાં ભક્તિ હોય ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. બધાં શિવજીને સાધુવાદ આપવા લાગ્યાં. બ્રહ્મા સ્તુતિ કરે છે. બ્રહ્મા આપણને શિખવાડે છે કે સ્તુતિ કેવી રીતે કરાય.

सुनि बिरंचि मन हरष तन पुलकि नयन बह नीर।
अस्तुति करत जोरि कर सावधान मतिधीर।।

ભગવાન શિવજીની વાત સાંભળી બ્રહ્માના મનમાં આનંદ થવા લાગ્યો. શરીર પુલકિત થઈ ગયું. આંખોમાંથી અશ્રુધાર વહેવા લાગી. બ્રહ્માજી બુદ્ધિને એકાગ્ર કરીને સ્તુતિ કરવા લાગ્યા. આકાશવાણી થઈ, ‘તમે ચિંતા કરતા નહિ. હું સૂર્યવંશમાં અંશ સહિત મનુષ્યરૂપે પ્રગટ થઈશ અને પૃથ્વીનો ભાર હરણ કરીશ.’

દેવતાઓએ જેવી આકાશવાણી સાંભળી કે તરત જ ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા, ‘કામ થઈ ગયું.’ બ્રહ્માજીએ બધાને રોક્યા અને કહ્યું કે ‘ભગવાન પ્રગટ થશે. તમારે પણ કંઈક કરવાનું છે. તમે બધા તમારા અંશોથી વાનર રૂપ પ્રગટ કરો અને બધા ભગવાનને સહાયતા કરો.’ ભગવાન શિવે વિચાર્યું કે હું હનુમાન થઈને પ્રભુની સેવા કરીશ.

અયોધ્યામાં દશરથ રાજા વિચારે છે કે ઘડપણ આવી ગયું પરંતુ હજુ પુત્ર-પ્રાપ્તિ ન થઈ. દશરથ રાજાએ વશિષ્ઠ મુનિ પાસે આવીને કહ્યું કે તમારી કૃપાથી મને બધું મળ્યું છે પરંતુ હજુ પુત્ર-પ્રાપ્તિ થઈ નથી. વશિષ્ઠ મુનિએ દશરથ રાજાને પુત્રેષ્ટિ યજ્ઞ કરવાનું કહ્યું.

પુત્રેષ્ટિ યજ્ઞ થયો છે. યજ્ઞમાંથી સ્વયં અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા અને ચરુ વશિષ્ઠ મુનિને અર્પણ કર્યો. વશિષ્ઠ મુનિએ દશરથ રાજાને ચરુ આપીને કહ્યું, ‘આમાં જે ખીર છે તે રાણીઓને ખવડાવો. તેમને પુત્ર-પ્રાપ્તિ થશે.’ કૌશલ્યા, સુમિત્રા અને કૈકયીએ પ્રસાદ ગ્રહણ કર્યો. ત્રણેય પત્ની ગર્ભવતી થઈ છે.

યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ બધું અનુકૂળ થઈ ગયું. જડ અને ચેતન બધાં હર્ષથી ભરપૂર થઈ ગયાં કારણ કે ભગવાન શ્રીરામ સુખનું મૂળ છે. આના સંદર્ભમાં જ ગોસ્વામી તુલસીદાસે શ્રીરામચરિતમાનસમાં ભગવાન શ્રીરામચંદ્ર માટે સુખનિધાન, સુખકંદ, સુખપુંજ, સુખઘન, સુખધામ, સુખમૂલ ઇત્યાદિ સુખમૂલક વિશેષણોનો ખાસ ઉપયોગ કર્યો છે.

સર્વત્ર આનંદ છવાઈ ગયો અને ભગવાન પ્રગટ થાય છે.

नौमी तिथि मधु मास पुनीता।
सुकल पच्छ अभिजित हरिप्रीता।।

मध्य दिवस अति सीत न घामा।
पावन काल लोक बिश्रामा।।

ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર માસ, નવમી તિથિ, શુકલ પક્ષ, અભિજિત નક્ષત્ર અને મધ્ય દિવસ એટલે કે બપોરે બાર વાગ્યે થયો. ત્યારે વધારે ઠંડી પણ ન હતી અને ગરમી પણ ન હતી. કાળ પવિત્ર થઈ ગયો. બધા લોકોનાં મન અને શરીરમાં વિશ્રાંતિ આવી ગઈ. શીતલ, મંદ, સુગંધી વાયુ વહેવા લાગ્યો. વનમાં બધાં વૃક્ષો ફળ અને ફૂલ આપવા લાગ્યાં. પર્વતોની ખાણોમાંથી મણિ અને રત્ન નીકળવા લાગ્યાં. બધી નદીઓમાં અમૃત જેવું પાણી વહેવા લાગ્યું. આકાશમાં દેવતાઓ વિમાનમાં આવીને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આકાશમાં ધમાધમ નગારાં વાગવા લાગ્યાં. નાગ, મુનિ, દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા અને ભગવાન પ્રગટ થયા. તુલસીદાસ લખે છે –

भए प्रगट कृपाला, दीनदयाला, कौसल्या हितकारी।
हरषित महतारी, मुनि मन हारी, अद्भुत रूप बिचारी।।

लोचन अभिरामा, तनु घनस्यामा, निज आयुध भुजचारी।
भूषन बनमाला, नयन बिसाला, सोभा सिंधु खरारी।।

મા કૌશલ્યા દર્શન કરે છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને શ્રીનારાયણ ચતુર્ભુજ પ્રગટ થયા છે. નયન વિશાળ છે. ગળામાં વનમાલા છે. सोभा सिंधु खरारी. ભગવાનને ખરારી શું કામ કીધા? ખરારી એટલે ખર-અરિ, ખરના શત્રુ. ભગવાન રામે ખર-દૂષણ નામના રાક્ષસોને કેવી રીતે માર્યા?

જ્યારે લક્ષ્મણે શૂર્પણખાનાં નાક-કાન કાપી નાખ્યાં ત્યારે શૂર્પણખા પહેલાં ખર-દૂષણ રાક્ષસ પાસે ગઈ. ખર-દૂષણ ચૌદ હજાર રાક્ષસોને લઈને શ્રીરામની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ખર-દૂષણ અને રાક્ષસોને ભગવાન શ્રીરામ મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ એક પણ રાક્ષસ મરતો નથી. શ્રીરામ રાક્ષસોનાં ગળાં કાપે છે, વળી પાછાં નવાં ગળાં ઊગી જાય છે. આકાશમાં દેવતાઓ જુએ છે કે રામ ખર-દૂષણને મારી શકતા નથી. દેવતા પણ ગભરાઈ જાય છે. ખર-દૂષણે ખૂબ તપસ્યા કરીને બ્રહ્મા પાસે વરદાન માગ્યું હતંુ કે, ‘અમને કોઈ મારી ન શકે.’ બ્રહ્માએ કહ્યું કે ‘તમારે મરવું તો પડશે જ. તમે એવું વરદાન માગો કે તમે જેવી રીતે ઇચ્છો તેવી રીતે તમારું મૃત્યુ થાય.’ ત્યારે ખર-દૂષણે માગ્યંુ કે ‘અમને બીજા કોઈ ન મારી શકે. જો અમે પરસ્પર એકબીજા યુદ્ધ કરીએ તો જ મરીએ.’ બ્રહ્માએ કહ્યું, ‘તથાસ્તુ.’

ભગવાન રામે જોયું કે દેવતાઓ ગભરાઈ ગયા છે ત્યારે ભગવાને એક કૌતુક કર્યું.

सुर मुनि सभय प्रभु देखि मायानाथ अति कौतुक कर्यो।
देखहिं परसपर राम करि संग्राम रिपु दल लरि मर्यो।।

ભગવાને બધાને પોતાનું રૂપ આપી દીધું. બધા રાક્ષસોએ શ્રીરામનું રૂપ ધારણ કર્યું. રાક્ષસોએ જોયું કે તેમની સામે શ્રીરામ ઊભા છે. તુરંત બધા પરસ્પર એકબીજાને મારવા લાગ્યા અને થોડી જ વારમાં બધા ‘રામ રામ’ કહેતાં કહેતાં મરી ગયા.

राम राम कहि तनु तजहिं पावहिं पद निर्बान।
करि उपाय रिपु मारे छन महुँ कृपानिधान।।

‘રામ રામ’ કહેતાં બધા નિર્વાણ, મોક્ષ પદ પામી ગયા.

ભગવાન શ્રીરામ રાક્ષસોને પણ ક્ષણભરમાં રામ બનાવી શકે છે. ભગવાન શ્રીરામનો જન્મ ફક્ત રાક્ષસોને મારવા માટે નથી થયો, રાક્ષસોને રામ બનાવવા માટે થયો છે. આપણા બધામાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ રાક્ષસો છે પરંતુ ભગવાનની કૃપાદૃષ્ટિથી આપણામાં ભગવાનનો આવિર્ભાવ થશે.

સ્વામી વિવેકાનંદ લખે છે –

જ્ઞાનાંજન વિમલ નયન, વિક્ષણે મોહ જાય.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં નયન વિમલ-પવિત્ર છે. એમની કૃપાદૃષ્ટિથી ક્ષણમાત્રમાં મોહાદિ શત્રુનો નાશ થઈ જશે.

તુલસીદાસ લખે છે –

मास दिवस कर दिवस भा मरम न जानइ कोइ।
रथ समेत रबि थाकेउ निसा कवन बिधि होइ।।

કહે છે કે જ્યારે ભગવાન શ્રીરામનો જન્મ થયો ત્યારે એક મહિના સુધી સૂર્યનો અસ્ત ન થયો અને એની કોઈને ખબર પણ ન પડી! રથ સમેત સૂર્ય ભગવાન ઊભા રહી ગયા. હવે રાત્રિ થતી નથી. તત્ત્વાર્થ રામાયણમાં કહે છે – ‘ચંદ્રે ભગવાન પાસે જઈને ફરિયાદ કરી કે પ્રભુ! હું પણ તમારાં દર્શન કરવા માગું છું પરંતુ આ સૂર્ય તો જતો જ નથી. તમે સૂર્યને લાભ આપ્યો અને મને વંચિત કર્યો.’ ભગવાને કહ્યું, ‘તું માઠું ન લગાડતો. આના પછી દ્વાપર યુગમાં હું જ્યારે કૃષ્ણરૂપે અવતરિત થઈશ ત્યારે હું રાત્રે આવીશ અને તને લાભ આપીશ.’ ચંદ્રે કહ્યું કે, ‘પ્રભુ! એ તો ઠીક છે પરંતુ દ્વાપર યુગ આવતાં તો ઘણી વાર છે.’ ભગવાને કહ્યું, ‘તો હું તને અત્યારે જ મારા નામ સાથે યુક્ત કરી દઉં છું. મારું નામ શ્રીરામચંદ્ર થશે.’ ચંદ્ર પણ ખુશ થઈને ચાલ્યો ગયો.

આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રીરામનો જન્મ બપોરે બાર વાગ્યે થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે બાર વાગ્યે થયો હતો. જે લોકો ભગવાનનું નામ-સ્મરણ કરશે એમના બાર વાગવાના જ છે. બાર વાગવાના એટલે બે કાંટા એક થવાના, જીવાત્મા- પરમાત્માનું મિલન, જીવ-શિવનું મિલન થવાનું. હવે આપણે જોઈશું કે ભગવાન શ્રીરામકૃષ્ણનો જન્મ ક્યારે થયો. ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં સ્વામી સારદાનંદ લખે છે કે ભગવાન શ્રીરામકૃષ્ણનો જન્મ રાત્રિના અંતિમ પ્રહરમાં, ૩૧ ઘડી વીતી ગઈ હતી અને રાત્રિના અંત થવામાં અર્ધી ઘડી બાકી હતી ત્યારે થયો હતો. શ્રીરામકૃષ્ણનો જન્મ એટલે રાત્રિનો નાશ અને દિવસનો પ્રારંભ. શ્રીરામકૃષ્ણે ચંદ્ર અને સૂર્ય બન્નેને લાભ આપ્યો. એટલે જે રામ રૂપે અવતરિત થયા હતા, જે કૃષ્ણ રૂપે અવતરિત થયા હતા તે ફરી પાછા અવતરિત થાય છે શ્રીરામકૃષ્ણ રૂપે.

શ્રીરામકૃષ્ણનો જન્મ એટલે નવા યુગની શરૂઆત. શ્રીરામચંદ્રે ઘણા રાક્ષસો માર્યા, શ્રીકૃષ્ણે પણ ઘણા રાક્ષસો માર્યા. શ્રીરામકૃષ્ણે જોયું કે આ બધા રાક્ષસો તો આપણા બધાંના હૃદયમાં બેઠેલા છે. જો આ બધા રાક્ષસોનો સંહાર થશે તો આપણું હૃદય અયોધ્યા બનશે, મથુરા બનશે, કામારપુકુર બનશે અને ભગવાનનો આવિર્ભાવ આપણા હૃદયમાં થશે. ક્યાં અસ્ત્રથી રાક્ષસોનો સંહાર થશે? ‘નામ-અસ્ત્ર.’ ભગવાનનું સતત નામ-સ્મરણ કરવાથી મનના મેલ ધોવાઈ જશે. પૂર્વ દિશામાં આગળ વધવાથી પશ્ચિમ દિશા પાછળ રહી જાય છે, એવી રીતે આપણે જેટલા ભગવાનની તરફ આગળ વધીશું એટલી આપણી કામના-વાસના ઓછી થતી જશે.

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ભગવાનનું નામ લેવાથી દેહ, મન, પ્રાણ પવિત્ર થાય છે.’ કોઈ એક વાર ભગવાનનું નામ લે અને કહે કે હવે હું પાપ નહીં કરું તો તે પવિત્ર થઈ જાય છે. ભગવાનની તરફ એક ડગલું જો આપણે આગળ વધીએ તો ભગવાન આપણી તરફ દશ ડગલાં આવે છે. આપણે જો ભગવાન તરફ ચાલવાનું શરૂ કરીશું તો ભગવાનને આપણી તરફ દોડવું પડશે.

અંતમાં, પ્રભુ પાસે પ્રાર્થના કે તેમના તરફ જવાની શક્તિ આપણને સહુને અર્પે અને આપણે બધા તેમની પાસે જઈને તેમનામાં સમાઈ જઈએ. આપણા બધાના બાર વાગી જાય – એ જ પ્રાર્થના.

Total Views: 1,273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.