(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. – સં.)

વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે તારો રાજ્યાભિષેક થશે ત્યારે રામે કહ્યું કે મારા નાના ભાઈ ભરતનો રાજ્યાભિષેક કરો તો વધારે સારું, કારણ કે અમે બધા એક સાથે ભણ્યા, એક સાથે મોટા થયા, એક સાથે અમારાં લગ્ન થયાં. ફક્ત મારો રાજ્યાભિષેક થશે એમાં આનંદ નહીં આવે. વશિષ્ઠ મુનિએ કહ્યું કે રઘુવંશનો નિયમ છે કે મોટાનો રાજ્યાભિષેક થાય. રામે કહ્યું કે તમે તો મને મોટો બનાવવા માગો છો ને? જો હું અયોધ્યાનો રાજા થઈશ તો લોકો કહેશે કે રામ અયોધ્યાનો રાજા છે, પરંતુ જો ભરત અયોધ્યાનો રાજા થશે તો લોકો કહેશે કે અયોધ્યાના રાજાનો મોટોભાઈ રામ છે. હું તો અયોધ્યાના રાજાથી ઘણો મોટો બની જઈશ.

કૈકેયી પાસેથી જ્યારે ભરતે સાંભળ્યું કે તેણે રામને વનવાસમાં મોકલ્યા છે, ત્યાર પછી ભરતે ક્યારેય કૈકેયીને મા કહીને નથી બોલાવી. એક વાર રામે ભરતને પૂછ્યું, “ભરત, તું કૈકેયીમાતાને મા કહીને નથી બોલાવતો?” ભરતે કહ્યું, “ના, પ્રભુ.” રામે પૂછ્યું, “શા માટે નથી બોલાવતો?” ભરતે કહ્યું, “પ્રભુ, તમે મા કહીને બોલાવો છો?” રામે કહ્યું, “હા, ભરત, હું તો કૈકેયીમાતાને મા કહીને જ બોલાવું છું.” ભરતે કહ્યું, “પ્રભુ, હું પણ એવું માગું છું. કૈકેયીનો સંપર્ક તમારી સાથે જ રહે, મારી સાથે નહીં. જીવનો સંપર્ક ઈશ્વર સાથે રહે એ જ સારું. હું મા કહીને બોલાવતો હતો ત્યારે તેણે મને પોતાનો સમજીને તમને વનવાસ આપ્યો. હું તો એ માગું છું કે તે તમને જ પોતાના સમજે અને મને પારકો સમજે.”

વનવાસ દરમ્યાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વાલ્મીકિ મુનિના આશ્રમમાં પધારે છે ત્યારે શ્રીરામ કહે છે—

तात बचन पुनि मातु हित भाइ भरत अस राउ।
मो कहुँ दरस तुम्हार प्रभु सबु मम पुन्य प्रभाउ॥

પિતાનું વચનપાલન, માતા કૈકેયીનું હિત, મારો ભાઈ ભરત રાજા થશે અને તમારા જેવા ઋષિ-મુનિનાં દર્શન—આ બધું મારા પુણ્યનું ફળ છે કે જેથી મારો ચૌદ વર્ષનો વનવાસ થયો.

ભરત અયોધ્યાની સભામાં કહે છે—

मोहि समान को पाप निवासू।
जेहि लगि सीय राम बनबासू॥

મારા પાપને કારણે સીતા-રામનો વનવાસ થયો. મારો જન્મ ન થયો હોત તો સારું હોત. મારો જન્મ થયો એટલે જ કૈકેયીએ મારો રાજ્યાભિષેક અને રામના વનવાસનું વરદાન માગ્યું.

જ્યારે ભરત અને રામનું મિલન થાય છે ત્યારે ભરત કહે છે, “પ્રભુ, મારા પાપના ફળને કારણે તમારો વનવાસ થયો. તમારે ઘણું બધું દુઃખ વેઠવું પડ્યું.” રામે કહ્યું, “ભરત, હું તો આટલા દિવસ એમ જ માનતો હતો કે આ બધું મારા પુણ્યનું ફળ છે. પરંતુ મને આજે ખબર પડી કે આ તો તારા પાપનું ફળ છે. હું તો એમ વિચારું છું કે જે તારા પાપનું ફળ, એ મારા પુણ્યનું ફળ છે. તારા પુણ્યનું ફળ શું હશે?”

ભરત શ્રીરામને મળવા જાય છે ત્યારે રથમાંથી ઊતરીને ઉઘાડે પગે જાય છે. ભરત જ્યારે રથમાંથી ઊતરે છે ત્યારે બધાએ પગપાળા ચાલવાનું શરૂ કર્યું. કૌશલ્યામાતા રથમાંથી ઊતરીને ભરતને સમજાવે છે કે જો તું પગપાળા ચાલીશ તો બધા તેમ ચાલશે. સૌ લોકો દુર્બળ છે, કોઈ ઉપવાસ કરે છે. શ્રીરામ પાસે બધા પહોંચી નહીં શકે. કૌશલ્યામાતાની વાત સાંભળીને ભરત રથમાં ચડી ગયા. ધીરે ધીરે ભરતે પોતાનો રથ સૌથી પાછળ રાખી દીધો. હવે બધા જ આગળ છે, પાછળ કોઈ જોતા નથી; ત્યારે ભરત રથમાંથી ઊતરીને વળી પાછા પગપાળા ચાલવા લાગ્યા. સાધકે પોતાની સાધના છુપાવવી જોઈએ. લોકોને સાધનાની ખબર પડી જાય તો અડચણ ઊભી થાય. કોઈએ ભરતને પૂછ્યું, “તમે ઉઘાડે પગે આવો છો, તમને કષ્ટ નથી થતું?” ભરત કહે છે, “પ્રભુ શ્રીરામ પણ ઉઘાડે પગે વનવાસ ગયા છે. મને કષ્ટ એનું છે કે જ્યાં જ્યાં પ્રભુનાં ચરણ પડ્યાં છે, ત્યાં ત્યાં મારે મારા પગ મૂકવા પડે છે. જો હું મસ્તકથી ચાલી શકતો હોત તો સારું હતું, કારણ કે તો હું જ્યાં જ્યાં પ્રભુનાં ચરણ પડ્યાં છે, ત્યાં હું મસ્તક રાખી શકત.”

ભરત અયોધ્યાના સમાજ સાથે પ્રયાગરાજ તીર્થમાં જઈ પહોંચે છે. પ્રયાગરાજ એટલે ત્રિવેણી સંગમ. ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગમ સ્થળ. તીર્થોનો રાજા. જે કોઈ લોકો આવીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ—જે કંઈ માગે તેને તીર્થરાજ પ્રદાન કરે. ભરત પ્રયાગરાજ તીર્થ પાસે પ્રાર્થના કરે છે કે ક્ષત્રિયનો ધર્મ માગવાનો નથી, પરંતુ આજે હું મારો ધર્મ છોડીને તમારી પાસે માગું છું. મારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ કંઈ જ જોઈતું નથી. તો પછી શું જોઈએ છે? મારે તો એ જ જોઈએ છે—દરેક જન્મમાં શ્રીરામનાં ચરણમાં મારો અવિરત પ્રેમ રહે.

પ્રયાગરાજ તીર્થમાં ભરત ભરદ્વાજ મુનિના આશ્રમમાં જાય છે. ભરદ્વાજ મુનિ કહે છે, “અમે તપસ્વી છીએ. અમે કોઈની ખોટી પ્રશંસા કરતા નથી. અમે ઘણી તપસ્યા અને ભજન કર્યાં છે. એના ફળ સ્વરૂપે વનમાં બેઠાં બેઠાં અમને પ્રભુ શ્રીરામ, સીતા અને લક્ષ્મણનાં દર્શન થયાં. હું વિચારતો હતો કે તપસ્યાના ફળથી ઈશ્વરદર્શન થાય, પરંતુ ઈશ્વરદર્શનનું ફળ શું હશે? પરંતુ ભરત, આજે તારાં દર્શનથી મને ખબર પડી ગઈ કે ઈશ્વરદર્શનનું ફળ તમારા જેવા સંતનું દર્શન છે. જગત રામનું નામ જપે છે, પરંતુ મેં જોયું કે રામ ભરતનું નામ જપે છે.”

जग जपु राम, राम जपु जेहि।

રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે દેવતાઓએ વિચાર્યું કે રામ રાજા થશે તો રાક્ષસોનો વધ કોણ કરશે? એટલે દેવતાઓએ સરસ્વતીદેવીને પ્રાર્થના કરી કે તમે મંથરાની બુદ્ધિ ફેરવી નાખો. સરસ્વતીએ મંથરાની બુદ્ધિ ફેરવી અને મંથરાએ કૈકેયીની બુદ્ધિ ફેરવી. ભરતનો રામ પ્રતિ પ્રેમ જોઈને દેવતાઓને ડર લાગ્યો કે ભરતની વાત માનીને રામ પાછા આવી જશે. દેવતાઓએ વળી સરસ્વતીને પ્રાર્થના કરી કે તમે ભરતની બુદ્ધિ ફેરવી નાખો. સરસ્વતીએ કહ્યું કે ભરતની બુદ્ધિ ફેરવવાની ક્ષમતા મારામાં નથી. જ્યારે ઇન્દ્રે ગુરુ બૃહસ્પતિને કહ્યું કે તમે કંઈક કરો ત્યારે ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું કે તારી પાસે એક હજાર આંખો હોવા છતાં તું આંધળો છે. તારે જો તારી ઇચ્છા પૂર્ણ કરવી હોય તો ભરતની સેવા કર. ભરત સંત છે. સંત-સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. ઇન્દ્રે વાદળોને કહ્યું કે ભરતના મસ્તક ઉપર છાયા કરીને તમે ચાલો. ભરતને તડકો ન લાગે.

પ્રભુ શ્રીરામ પૃથ્વી પાસે પ્રાર્થના કરે છે કે હે મા, મારો ભાઈ ભરત ઉઘાડે પગે આવે છે. તેના પગમાં કાંટા ન વાગે, પથ્થર ન વાગે તેનું તું ધ્યાન રાખજે. કંટક-પથ્થર તું છુપાવી લેજે. મારો ભરત ઉઘાડે પગે આવે છે. પૃથ્વીમાતા પૂછે છે, “તમારો ભરત શું એટલો બધો કોમળ છે?” રામે કહ્યું, “ભરત વેદના સહન કરી શકે છે પરંતુ ભરત જ્યારે વિચારશે કે આવી જ વેદના મારા રામને પણ થઈ હશે તો એ કષ્ટ ભરત સહન નહીં કરી શકે.”

શ્રીરામની વનવાસ-યાત્રામાં જે લોકો શ્રીરામનાં દર્શન કરે છે તે લોકો પરમપદ પામવાના અધિકારી થઈ જાય છે. પરંતુ જે લોકો ભરતનાં દર્શન કરે છે તે લોકો પરમપદ પામી જાય છે.

રામ બધા લોકોને વનમાં દર્શન આપે છે અને સૌને છોડીને જાય છે. પરંતુ ભરત દર્શન આપીને સૌને પોતાની યાત્રામાં જોડતા જાય છે. તુલસીદાસ કહે છે કે હું પણ ભરતની યાત્રામાં ભરતની સાથે જ સામેલ થયો હતો, કારણ કે ભીડમાં ખોટો સિક્કો પણ ચાલી જાય છે. સૌથી મોટી વાત છે કે પ્રભુ સારા પારખું નથી એટલા માટે ભરત સાથે ભીડમાં મારા જેવો ખોટો સિક્કો પણ ચાલી જશે.

લક્ષ્મણને શંકા થાય છે કે ભરત રામ સાથે યુદ્ધ કરવા આવે છે. જ્યારે માણસને મોટું પદ મળે છે ત્યારે તેનામાં અહંકાર આવી જાય છે અને સારા-નરસાનો ભેદ ભૂલી જાય છે. ભરતને પણ અયોધ્યાના રાજાનું પદ મળ્યું છે એટલે રામ સાથે યુદ્ધ કરીને પોતાના રાજ્યને અચળ બનાવવા માગે છે એવું વિચારીને લક્ષ્મણ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. દેવવાણી થાય છે કે સમજી વિચારીને કાર્ય કરો. રામ લક્ષ્મણને કહે છે કે અયોધ્યાનું રાજ્ય શું, ભરતને બ્રહ્મા, વિષ્ણુ યા મહેશ્વરનું પદ મળી જાય તોપણ ભરતમાં અહંકાર નહીં આવે. ભરત જેવો ભાઈ બ્રહ્માની સૃષ્ટિમાં થયો નથી અને થવાનો પણ નથી. કદાચ અંધકાર મધ્યાહ્નના સૂર્યને ગળી જાય, કદાચ વાદળોમાં આકાશ સમાઈ જાય, કદાચ મચ્છરની ફૂંકથી સુમેરુ જેવો મોટો પર્વત ઊડી જાય—એ બધું શક્ય છે પરંતુ ભરતમાં પદનો અહંકાર આવે એ શક્ય જ નથી.

ભરતે દૂરથી રામને જોયા ત્યારે પ્રભુને દંડવત્ પ્રણામ કરે છે. લક્ષ્મણે એ જોઈને રામને કહ્યું—

भरत प्रनाम करत रघुनाथा॥
उठे रामु सुनि पेम अधीरा।
कहुँ पट कहुँ निषंग धनु तीरा॥

ભરત પ્રણામ કરે છે, સાંભળીને પ્રભુ પ્રેમથી અધીર થઈને દોડ્યા છે. શ્રીરામનું પીતાંબર પડી ગયું છે, તરકશ, ધનુષ અને બાણ પણ પડી ગયાં. આ રામ અને ભરતના હૃદયનું મિલન છે. ત્યાં વસ્ત્રનો પડદો તો ન જ રહે તો અસ્ત્ર-શસ્ત્ર પણ ક્યાંથી રહે! આ તો ભગવાન-ભક્તના હૃદયનું મિલન છે. જીવ-શિવનું મિલન છે. આત્મા-પરમાત્માનું મિલન છે. બંને એક થઈ ગયા છે. જે લોકો દર્શન કરે છે એમને પણ સમાધિ લાગી ગઈ છે. પ્રત્યેક મનુષ્યના જીવનનું ઉદ્દેશ્ય પણ આ જ છે—ઈશ્વર સાથે મિલન.

ભરત જેવા સંત પોતે તો ઈશ્વરને મળે છે, બીજા લોકોને પણ ઈશ્વરનો મેળાપ કરાવી આપે છે.

બોલો, ભક્ત અને ભગવાનની જય.

Total Views: 142

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.