ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન પ્રદર્શિત કરે છે. જટાયુને પણ આનંદ થયો કે પંચવટીમાં ભગવાન શ્રીરામ રહેશે અને મને રોજ તેમનાં દર્શન થશે. વળી હું પણ ભગવાનની સેવા કરવાનો પ્રયત્ન કરીશ. જટાયુ અને સંપાતિ બન્ને ભાઈઓએ સૂર્યની પાસે જવાનો પ્રયત્ન કર્યો હતો. જટાયુ સૂર્યનો તાપ સહન ન કરી શકવાથી પાછો ફર્યો, જ્યારે સંપાતિ સૂર્યની વધુ સમીપ ગયો અને તેથી સંપાતિની પાંખો સૂર્યના તાપથી બળી ગઈ. સંપાતિ આકાશમાંથી નીચે ધરતી પર ચંદ્રમા મુનિના આશ્રમમાં પડ્યો. તે રડતાં રડતાં કહે છે, ‘હવે તો મારાથી કશું જ કાર્ય નહીં થાય.’ ચંદ્રમા મુનિએ તેને ખોળામાં લીધો અને કહ્યું, ‘સંપાતિ, તું ચિંતા ન કર. તારી પાંખો ફરી પાછી આવી જશે, જ્યારે તું સીતાજીની શોધમાં નીકળેલા વાનરોને સીતાજીનું સંધાન આપીશ. તારી પાંખો સળગી ગઈ છે પરંતુ તારી આંખોની શક્તિ અપાર છે. તું ઘણે દૂરની વસ્તુ જોઈ શકે છે. તારામાં જેટલી શક્તિ છે, તે શક્તિ તું ભગવાનના કાર્યમાં લગાડીશ તો શક્તિની વૃદ્ધિ થશે.’

ભગવાને આપણને સૌને કંઈક ને કંઈક શક્તિ આપી છે. આપણે જો એ શક્તિનો સદ્ઉપયોગ કરીશું તો એ શક્તિની વૃદ્ધિ થશે અને જો દુરુપયોગ કરીશું તો આપણો સર્વનાશ થશે. જેવી રીતે ભગવાને રાવણને ખૂબ શક્તિ આપી હતી પરંતુ રાવણે એ શક્તિથી બીજાઓને દુ :ખ-કષ્ટ આપ્યાં હતાં તેથી કુળ સહિત તેનો સર્વનાશ થઈ ગયો. સંપાતિ જ્યારે વાનરોને સીતાની ભાળ આપે છે ત્યારે તેની બળી ગયેલી પાંખો તરત જ ફરી પાછી ફૂટી નીકળે છે. સંપાતિ આનંદથી ઊડતાં ઊડતાં પ્રભુના મહિમાનું ગાન કરે છે.

જટાયુ વિચારે છે કે જે સૂર્યની પાસે હું ન જઈ શક્યો, તે જ સૂર્યવંશના પ્રભુ શ્રીરામ મારી સમક્ષ પધાર્યા છે. સૂર્યથી મને તાપ મળ્યો પરંતુ પ્રભુ મને શીતળતા પ્રદાન કરે છે.

જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરે છે ત્યારે સીતાજી વિલાપ કરતાં કરતાં સહાયતા માટે પોકારે છે. ત્યારે જટાયુ રાવણને લલકારે છે અને કહે છે, ‘તું સીતાને છોડી દે નહીંતર ભગવાન શ્રીરામ તારો કુળ સહિત વિનાશ કરશે.’ રાવણે પાછળ જોયું તો પહેલાં તો તેને એવું લાગ્યું કે એક વિશાળ પર્વત તેની પાછળ દોડતો આવે છે. જટાયુએ રાવણના માથાના વાળ પકડીને રાવણને ધરતી પર ફેંકી દીધો. ત્યાર પછી જટાયુએ સીતાજીને સહાય કરીને એક વૃક્ષ નીચે બેસાડ્યાં અને પોતે ફરી પાછો રાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાવણને તેણે પોતાની ચાંચના પ્રહારોથી મૂર્છિત કરી દીધો. જ્યારે રાવણને પુન : ભાન આવ્યું ત્યારે તલવાર કાઢી અને વળી પાછો જટાયુ સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાવણે તલવારથી જટાયુની પાંખો કાપી નાખી. જટાયુ ધરતી પર ઢળી પડ્યો.

અહીં એક પ્રશ્ન થાય છે કે જટાયુ સીતાજીને બચાવવાનો પ્રયત્ન કરે છે. રાવણ પરસ્ત્રીનું અપહરણ કરે છે. એમ લાગે છે કે રાવણની જીત થાય છે અને જટાયુની હાર થાય છે. આપણે સમાજમાં પણ જોઈએ છે કે જે લોકો ખરાબ કાર્યો કરે છે તેઓ આનંદમાં રહે છે, એ લોકોની જીત થાય છે. અને જે લોકો સત્યના પથે ચાલવાનો પ્રયત્ન કરે છે એમની હાર થાય છે અને તે લોકોને ઘણાં દુ :ખ-કષ્ટ સહન કરવાં પડે છે.

આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા ક્ષુદિરામના જીવનમાં જોઈએ છે કે તે દેરેગ્રામમાં રહેતા હતા. ત્યાંના જમીનદારે ક્ષુદિરામને કોર્ટમાં ખોટી સાક્ષી આપવાનું કહ્યું પરંતુ ક્ષુદિરામે તેમ કરવાની ના પાડી ત્યારે જમીનદારે તેમના પર ખોટો કોર્ટ-કેશ કરીને તેમની બધી સંપત્તિ પડાવી લીધી. આમ, ક્ષુદિરામ પથના ભિખારી જેવા થઈ ગયા. પરિણામે ક્ષુદિરામ પોતાના પરિવારની સાથે ચાલતાં ચાલતાં કામારપુકુર આવ્યા. ત્યાં તેમના મિત્ર સુખલાલ ગોસ્વામીએ તેમને આશ્રય આપ્યો અને પોતાની થોડી જમીન પણ ક્ષુદિરામને આપી. અહીં પણ એવું લાગે છે કે ક્ષુદિરામની હાર થઈ. પરંતુ શું ખરેખર ક્ષુદિરામની હાર થઈ છે ? જે લોકો સત્યના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે છે એમને દુ :ખ-કષ્ટ વેઠવાં પડે છે. પરંતુ અંતે ભગવાન એમને એટલું બધું આપે છે કે એની કંઈ વિસાત નથી. ક્ષુદિરામને ઘેર સ્વયં ભગવાન અવતરે છે. ભગવાન સામે ચાલીને તેમના ઘેર પધારવા માગે છે. જો ક્ષુદિરામ જમીનદારની વાત માનીને અસત્ય બોલ્યા હોત તો તેમની સંપત્તિ તો બચી જાત, પરંતુ તેમના ઘેર ભગવાનનું આગમન ન થાત.

જટાયુની હાર થઈ પરંતુ પ્રભુ શ્રીરામ સામે ચાલીને જટાયુની પાસે આવે છે, જટાયુને પોતાના ખોળામાં લે છે, એના મસ્તક પર પોતાના હાથ મૂકે છે. જ્યારે જટાયુએ આંખ ખોલીને જોયું તો પોતે ભગવાનના ખોળામાં છે. ભગવાનનાં દર્શન થતાં જ તેની બધી પીડા ચાલી ગઈ.

કર સરોજ સિર પરસેઉ, કૃપાસિંધુ રઘુબીર ।।
નિરખિ રામ છબિ ધામ મુખ, બિગત ભઈ સબ પીર ।।

જટાયુ કહે છે, ‘પ્રભુ, તમારાં દર્શન કરવા માટે મેં આ દેહને ટકાવી રાખ્યો છે. રાવણ સીતાજીનું અપહરણ કરી દક્ષિણ દિશામાં ગયો છે. મેં ઘણો જ પ્રયત્ન કર્યો પરંતુ મારાથી સીતા માતાની રક્ષા થઈ શકી નહીં. હવે આ શરીર જવા માગે છે.’ આ સાંભળીને ભગવાનની આંખોમાં આંસુ છલકાયાં. ભગવાન રુદન કરે છે, રડતાં રડતાં ભગવાનનાં આંસુથી જટાયુનો દેહ ભીંજાઈ જાય છે. ભગવાન કહે છે, ‘હું તમારો દેહ અચળ કરી દઈશ. તમે તમારો દેહ ટકાવી રાખો.’ જટાયુએ હસતાં હસતાં કહ્યું, ‘પ્રભુ, સાંભળ્યું છે કે મહાન પાપી પણ જો મૃત્યુ સમયે તમારું નામ-સ્મરણ કરે તો તે મુક્ત થઈ જાય છે. અને હું જોઉં છું કે અહીં હું તમારા ખોળામાં છું, તમારો હાથ મારા મસ્તક પર છે. આવો લાભ ક્યાંથી મળવાનો છે ? પ્રભુ, તમે તો મને ખોળામાં લઈ લીધો છે.’

ખોળે લઈ લેવાનો અર્થ એ થાય છે કે કોઈને પુત્ર ન હોય અને જો તે બીજાના પુત્રને પોતાના ખોળે લઈ લે તો તેની બધી સંપત્તિ જેને ખોળે લઈ લે તેને મળી જાય. અહીં જટાયુ કહે છે કે, ‘પ્રભુ, તમે તો મને ખોળે લઈ લીધો છે. હવે શું જોઈએ ?’ ભગવાન કહે છે, ‘જેના મનમાં બીજાનું હિત કરવાની ઇચ્છા છે તેના માટે કશું જ દુર્લભ નથી.

પરહિત બસ જિન્હ કે મન માંહી ।
તિન્હ કહુઁ જગ દુર્લભ કછુ નાહીં ।।

તમે તો પૂર્ણકામ થઈ ગયા છો, હું તમને શું આપું? શરીરત્યાગ કરીને તમે મારા ધામમાં જશો. પરંતુ એક વાત યાદ રાખજો કે તમે જ્યાં જશો ત્યાં મારા પિતાજી દશરથની સાથે તમારી મુલાકાત થશે. ત્યારે તમે તેઓને સીતાહરણની વાત કહેતા નહીં. જો હું રામ હોઉં તો આ સીતાહરણની વાત સ્વયં રાવણ તેના કુળ સહિત આવીને કહેશે.’ ભગવાન કહેવા માગે છે કે હું રાવણનો કુળ સહિત સંહાર કરીશ અને રાવણ પોતે આવીને કહેશે કે મેં સીતાનું અપહરણ કર્યું તેથી મારી આવી દશા થઈ.

સીતા હરન તાત જનિ ।
કહહુ પિતા સન જાઈ ।।
જાૈં મૈં રામ તો કુલ સહિત ।
કહિહિ દસાનન આઇ ।।

અહીં એક વિચારવા જેવી વાત છે કે જ્યાં દશરથ રાજા ગયા છે ત્યાં જટાયુ જવાના છે અને રાવણ પણ કુળ સહિત ત્યાં જ જશે.

રામચરિત માનસમાં પ્રસંગ છે. જ્યારે રામ-રાવણનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે ભગવાન શ્રીરામે ઇન્દ્રને અમૃતનો વરસાદ વરસાવવાનું કહ્યું. અમૃતવર્ષાથી બધા મૃત વાનરો સજીવન થઈ ગયા પરંતુ રાક્ષસો સજીવન ન થયા. ભગવાનને પણ આશ્ચર્ય થયું. તેમણે ઇન્દ્રને પૂછ્યું કે આનું કારણ શું છે ? ઇન્દ્રે કહ્યું, ‘પ્રભુ, જ્યારે રાક્ષસો યુદ્ધ કરતા હતા ત્યારે એમના મનમાં એક જ વિચાર હતો કે રામને હણવાના છે. એ બધા ‘રામ, રામ’ કરતા મર્યા એટલે મુક્ત થઈ ગયા અને વાનરોના મનમાં વિચાર હતો કે અમારે રાવણનો વધ કરવો છે. વાનરો ‘રાવણ, રાવણ’ કરતા મર્યા એટલે તેઓ મુક્ત થયા નથી. માટે તેઓ અત્યારે સજીવન થઈ ગયા.’

ગીધ દેહ તજિ ધરિ હરિ રૂપા ।
ભૂષન બહુ પટ પીત અનૂપા ।।
સ્યામ ગાત બિસાલ ભુજ ચારી ।
અસ્તુતિ કરત નયન ભરિ બારિ ।।

જટાયુએ દેહત્યાગ કરીને નારાયણનું ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે. આભૂષણો અને પીળું પીતાંબર ધારણ કરીને ભગવાનની સ્તુતિ કરતા કરતા ભગવાનના ધામમાં જાય છે.

અબિરલ ભગતિ માગિ બર ।
ગીધ ગયઉ હરિધામ ।।
તેહિ કી ક્રિયા જથોચિત ।
નિજ કર કીન્હી રામ ।।

ભગવાન શ્રીરામ સ્વયં જટાયુનો અગ્નિસંસ્કાર કરે છે, મુખાગ્નિ મૂકે છે, શ્રાદ્ધક્રિયા કરીને પિંડદાન આપે છે. જે સૌભાગ્ય ભગવાનના પિતા દશરથ રાજાને નથી મળ્યું તે સૌભાગ્ય જટાયુ પ્રાપ્ત કરે છે. ભગવાને પોતે પોતાના પિતાનો અગ્નિસંસ્કાર નથી કર્યો, મુખાગ્નિ નથી મૂક્યો પરંતુ અહીં ભગવાન પોતાના હાથે જટાયુ માટે આ સઘળી મરણોત્તર ક્રિયાઓ કરે છે. જે લોકો બીજા માટે પોતાના પ્રાણનું બલિદાન આપે છે, સત્યના માર્ગે ચાલે છે તેઓનું સ્થાન ભગવાનના ખોળામાં હોય છે.

ભગવાને આપણને સૌને કંઈક ને કંઈક શક્તિ અને સામર્થ્ય આપ્યાં છે. ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે તેમણે આપણને આપેલ આ દુર્લભ તન-મન-ધન સર્વસ્વનો પરહિતમાં સદ્ઉપયોગ થાય. આ શક્તિ ભગવાનના કાર્યમાં નિયોજીત થાય એવી શક્તિ પ્રભુ આપણને અર્પે.

Total Views: 736

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.