સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે…
જીવનમાં સહુથી વધુ દુ :ખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના કુટુંબીજનો આઘાતથી ભાંગી પડે છે, વિહ્વળ અને અશાંત બની જાય છે. હજુ ગઈકાલ સુધી તો જેઓ આપણી સાથે હસતા બોલતા હતા અને આજે ક્યાં જતા રહ્યા ? શું ફરી એનો કદી મેળાપ નહીં થાય? આ વાત પરિવારજનો સ્વીકારી શકતા નથી. તેમના માટે અસહ્ય બની જાય છે. એકના એક યુવાન પુત્રના મૃત્યુના આઘાતથી તેના પિતાના બધા જ વાળ એક જ રાતમાં ધોળા થઈ ગયા. અકસ્માતમાં પુત્રનું મૃત્યુ થતાં માતા એ આઘાત જીરવી ન શકી અને તે પાગલ થઈ ગઈ. આવા તો અસંખ્ય કિસ્સાઓ સમાજમાં બનતા જોવા મળે છે. એમાં પણ જ્યારે અકાળે અવસાન થાય છે, ત્યારે સ્વજનો એ આઘાત સહી શકતાં નથી. આક્રંદ, આંસુ, દુ :ખ અને ચિરવિરહની વેદનાની વ્યથા જિંદગીભર કુટુંબીજનો સહ્યા કરે છે. સમયે સમયે આ વિદાયનો ઘા રુઝાવાને બદલે તાજો થતો રહે છે. એક સ્વજનની વિદાયથી અનેક જિંદગીઓ દુ :ખી દુ :ખી થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ ?
મૃત્યુના દુ :ખમાંથી બહાર નીકળવાના બે માર્ગાે :
જીવનમાં સહુથી વધુ નિશ્ચિત અને છતાંય અકળ એવી જો કોઈ બાબત હોય તો તે મૃત્યુ છે. તે નિશ્ચિત તો છે જ, કેમ કે જન્મેલા દરેકને મૃત્યુ પામવું જ પડે છે. પણ સાથે સાથે તે સહુથી વધારે અનિશ્ચિત પણ છે. એ ગમે ત્યારે જીવન ઉપર ત્રાટકીને હસતા રમતા જીવનનો તાત્કાલિક અંત લાવી દે છે. પછી મૃત્યુ પામનાર તો જાય છે, બધાં જ બંધનોને છોડીને, પોતાના દેહને પણ પૃથ્વી ઉપર છોડીને સૂક્ષ્મ લોકમાં જાય છે. પણ પાછળ રહેલાનાં જીવન દુ :ખી થઈ જાય છે. એ દુ :ખ જિંદગીભર રહે છે. આ દુ :ખમાંથી મુક્ત થવાના બે માર્ગાે છે. તે આ પ્રમાણે છે :
પ્રથમ છે નકારાત્મક માર્ગ :
આમાં દુ :ખ આવી પડ્યું છે, તો રડવાનું અને ફક્ત રડવાનું જ. દુ :ખી થયા કરવાનું. ભાગ્યને અને વિધાતાને દોષ દઈને આંસુ સાર્યા કરવાનાં. પછી સમય જતાં દુ :ખ વિસરાતું જાય છે. પરિસ્થિતિ થાળે પડવા લાગે છે. મનુષ્ય પાછો સંસારની ઘરેડમાં નવી રીતે ગોઠવાઈને રોજિંદા જીવનનાં કાર્યો પૂર્વવત્ કરવા લાગે છે. મોટાભાગના લોકોના જીવનમાં આમ જ બનતું રહે છે અને જીવનનું ચક્ર ચાલ્યા કરે છે.
બીજો માર્ગ છે ચિંતનનો માર્ગ – જ્ઞાનનો માર્ગ :
આ બીજો માર્ગ એ બુદ્ધનો માર્ગ છે. દુ :ખનો ઉપયોગ કરીને ચિંતન દ્વારા મૃત્યુના રહસ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ. સ્વજનની ચિરવિદાયથી જીવનમાં ભયાનક આઘાત લાગે ત્યારે રડવાને બદલે બુદ્ધિને સતેજ કરીને મૃત્યુ ઉપર ચિંતન કરવું જોઈએ. કેમ કે રડવાથી પોતાને તો દુ :ખ થાય છે જ, પણ મૃતાત્માને પણ દુ :ખ થાય છે.
પરંતુ એના બદલે જો પ્રાર્થના કરવામાં આવે તો પોતાના અંતરમાં તો શાંતિ મળે જ છે, અને સદ્ગતના આત્માને પણ શાંતિ મળે છે. અંતરમાં શાંતિ આવતાં દુ :ખ ઓછું થઈ જાય છે. અને ચિંતન ચાલવા લાગે છે કે આખરે મૃત્યુ શું છે ?
કુમાર સિદ્ધાર્થના જીવનમાં આ ઘટના બની હતી. તેમણે કદી મૃતદેહને જોયો ન હતો. અગ્નિસંસ્કાર કરવા લઈ જતા શબને જોઈને તેમણે રથના સારથિને પૂછ્યું,
‘આ લોકો આ માણસને આમ બાંધીને ક્યાં લઈ જાય છે ?’
‘આ માણસ મરી ગયો છે, એટલે તેને બાંધીને સ્મશાને લઈ જાય છે.’
‘પણ તેને બાંધ્યો છે, તો તે બોલતો કેમ નથી ?’
‘કેમ કે તે મરી ગયો છે. હવે તે નિષ્પ્રાણ બની ગયો છે, એટલે હવે તે કદી બોલશે નહીં.’
‘તો હવે તેનું શું કરશે ?’
‘હવે એને બાળી નાંખશે.’
‘અરેરે, તો પછી એને દુ :ખ નહીં થાય ?’
‘ના, એને હવે કંઈ જ નહીં થાય. તેનું બધું પતી ગયું છે. હવે તેને સુખ- દુ :ખ એવી કોઈ લાગણી જ ન થાય.’
‘એમ ? તો આની જેમ બીજા કોઈ મરે ખરા ?’
‘અરે રાજકુમાર, બધા જ મરી જવાના. એક પણ માણસ એવો નથી કે જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ ન થાય.’
‘તો શું બધાં મરવા માટે જ જીવે છે ?’
‘હા, દરેકનું અંતિમ ગંતવ્યસ્થાન એ જ છે.’
‘તો શું મારે પણ મરવું પડશે ? મારા પિતા કપિલવસ્તુના રાજા શુદ્ધોધન, મારી પ્રિય પત્ની યશોધરા, વહાલો પુત્ર રાહુલ, આ બધાંને મરવું પડશે ? છંદક, શું તું અને હું પણ મરી જઈશું ?’
‘હા, આપણે બધાં મરી જઈશું.’
‘પણ ક્યારે ?’
‘એ ન કહી શકાય. મૃત્યુ તો ગમે ત્યારે આવીને માણસના પ્રાણને હરી લે. કોના પ્રાણને ક્યારે લઈ જાય એની કોઈનેય ખબર નથી હોતી.’
પછી એક રોગી અને એક વૃદ્ધને જોતાં કુમાર સિદ્ધાર્થે જાણ્યું કે દરેક મનુષ્યની આવી સ્થિતિ થાય છે અને પછી તે મરી જાય છે. આ જાણીને તેમના હૃદયમાં તીવ્રતમ આઘાત લાગ્યો. તેમનું ચિત્તતંત્ર ખળભળી ઊઠ્યું, તેઓ બેચેન બની ગયા. મૃત્યુના આઘાતે તેમને સાચા જ્ઞાનની શોધમાં પ્રેર્યા અને તે માટે તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું. અંતે નિર્વાણની પ્રાપ્તિ કરી બુદ્ધત્વને પામ્યા. આ છે મૃત્યુના દુ :ખમાંથી સાચી રીતે મુક્ત થવાનો માર્ગ. એ વિશે ચિંતન કરવાથી હૃદયમાં ઊંડી સમજણ જાગે છે કે જેનો જન્મ નિશ્ચિત છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. અને જેનું મૃત્યુ નિશ્ચિત છે, તેનો જન્મ પણ નિશ્ચિત છે. આ સમજ આવતાં જીવન અને મૃત્યુ એ બંને એક ખેલ છે, તે સમજાઈ જાય છે.
મૃત્યુને પણ ખેલ તરીકે માનવું : મોટાભાગના લોકો જીવનને ખેલ માનીને પોતાનું જીવન પસાર કરી શકે છે. પણ તેઓ મૃત્યુને ખેલ તરીકે સ્વીકારી શકતા નથી. એટલે જ્યારે મૃત્યુનો સામનો કરવાનું આવે છે, ત્યારે બેબાકળા બની જાય છે. પણ વાસ્તવમાં મૃત્યુ પણ એક ખેલ જ છે. આથી જો જીવનના ખેલને સારી રીતે ખેલવો હોય તો મૃત્યુના ખેલનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને ખેલના નિયમોનું બરાબર પાલન કરવું જોઈએ. જો નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જ સાચી રીતે ખેલ રમી શકાય છે અને તેમાં સાચો આનંદ મળે છે. આથી સર્વપ્રથમ તો એ ખેલના નિયમો જાણવા જોઈએ.
ખેલના બે નિયમો : જીવન અને મૃત્યુના ખેલના બે અફર નિયમો છે. એક છે કર્મનો નિયમ. અને બીજો છે પુનર્જન્મનો નિયમ. આ નિયમો ચોક્કસ છે. પહેલો કર્મનો નિયમ એમ કહે છે કે સારાં કર્મ કરશો તો તેનું ફળ સારું મળશે. ખરાબ કર્મ કરશો તો તેનું ફળ ખરાબ મળશે. બાવળ વાવો તો કાંટા જ લાગે. કેરી મળે નહીં. હવે જેઓ કર્મના કાયદાને સારી રીતે જાણી લે છે અને તેનું બરાબર પાલન કરે છે, તેઓ સારી રીતે જીવન જીવી શકે છે. તેઓ જીવનના ખેલના શ્રેષ્ઠ ખેલાડી તો બને જ છે, અને મૃત્યુના ખેલના પણ શ્રેષ્ઠ ખેલાડી બને છે. પરમાત્માએ તેમને પૃથ્વી ઉપર આપેલો સમયખંડ તેઓ ઉત્તમ કર્મોથી ભરી દે છે. આથી તેમને જીવનનો સાચો આનંદ મળે છે. તેમનું ચિત્ત સદાય પ્રસન્ન રહે છે. તેમને જીવનનો બોજો લાગતો નથી. અને મૃત્યુનો ભય પણ રહેતો નથી. તેઓ મૃત્યુને આનંદથી આવકારી શકે છે. કેમ કે તેઓને ખાતરી હોય છે કે પરમાત્માએ આપેલું જીવનકાર્ય પૂરું કરીને હવે હું આનંદધામમાં જઈ રહ્યો છું. આમ, એને જવાનું દુ :ખ હોતું નથી. સત્કર્મો દ્વારા જીવનને આનંદમય બનાવવા માટે કબીરજીએ પણ કહ્યું છે :
‘જબ તૂ આયા જગમેં,
જગ હંસે તુમ રોયે,
અબ ઐસી કરની કર ચલો,
તુમ હંસો જગ રોયે.’
એટલે કે સત્કર્મો દ્વારા એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે એવી વ્યક્તિનું મૃત્યુ થતાં જગત રડવા લાગે છે.
મરણનું સ્મરણ કરવું :
જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? યક્ષે યુધિષ્ઠિરને પૂછેલા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન આ હતો. તેના ઉત્તરમાં યુધિષ્ઠિરે જણાવ્યું કે જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય તો એ છે કે દરરોજ પોતાની સામે અનેક મનુષ્યોને મૃત્યુ પામતા જોવા છતાં દરેક માણસ એમ માને છે કે પોતે કદી મરવાનો નથી. અને તે રીતે જ તે જીવન જીવે છે. નામ, યશ, કીર્તિ, સામ્રાજ્ય અને સંપત્તિ પાછળની તેની દોટ ક્યારેય અટકતી નથી. જીવનનો અંત આવે ત્યારે જ તેને ભાન થાય છે કે આ દોટ વ્યર્થ હતી, પણ ત્યારે તો બાજી હાથમાંથી સરી ગઈ હોય છે. આથી જો મનુષ્યે ખરેખર સાચી રીતે જીવવું હોય તો મરણનું સતત સ્મરણ કરવું જોઈએ. દરેક દિવસ એમ માનીને શરૂ કરવો જોઈએ કે આધ્યાત્મિક સાધનાનો એ પહેલો દિવસ છે, અને પૃથ્વી ઉપરનો છેલ્લો દિવસ છે. તો જ તે ઉત્તમ રીતે જીવી શકે.
સંત એકનાથજીના જીવનનો એક પ્રસંગ છે. તેમની પાસે એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો, ‘આપ બધી પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહી શકો છો ? તમે મને શાંત રહેવાની કળા શિખવાડૉ.’ એકનાથજીએ તેના મુખ સામે જોયું અને પછી ગંભીર થઈને બોલ્યા, ‘અરે ભાઈ, એ હું તને નહીં શિખવાડી શકું. કેમ કે સાત દિવસમાં તો તું મરી જવાનો છે.’ આ સાંભળીને તેણે કહ્યું, ‘અરેરે, શું સાત જ દિવસ હવે મારે જીવવાનું છે? મારે તો હજુ ઘણાં કામ આટોપવાનાં છે.’ અને તે જતો રહ્યો. પછી સાતમે દિવસે એકનાથજી તેના ઘરે ગયા, તો તે માંદો પડીને પથારીમાં સૂતો હતો. એકનાથજીએ પૂછ્યું, ‘અરે, પથારીમાં કેમ સૂતો છે ?’
‘હું ગઈકાલથી માંદો પડ્યો છું. આજે હવે મૃત્યુની રાહ જોઈ રહ્યો છું. આજે સાતમો દિવસ છે. મારો છેલ્લો દિવસ.’
‘કોણે કહ્યું ?’
‘કેમ ? તમે કહ્યું હતું ને કે સાતમે દિવસે તું મરવાનો છે.’
‘હા, પણ તું એ તો કહે કે આ સાત દિવસમાં તેં કોની કોની સાથે ઝઘડો કર્યો ? તારું મન કેટલી વાર અશાંત થયું ?’
‘અરે, મારી પાસે એવો સમય જ ક્યાં હતો ? માથે મોત દેખાતું હતું એમાં હું કોની સાથે ઝઘડો કરું ? અને કોનું ખરાબ લગાડું ? બધું આટોપવામાં જ મારા છ દિવસો વીતી ગયા.’ ત્યારે એકનાથજીએ કહ્યું, ‘મરણને સતત સ્મરણમાં રાખવું એ જ છે, દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનો ઉપાય. અને એ જ છે જીવન જીવવાની કળાનું શિક્ષણ.’ આ સંદર્ભમાં કોઈએ સાચું જ કહ્યું છે કે –
‘જબ તક મૌત નજર નહીં આતી,
તબ તક જિંદગી રાહ પર નહીં આતી.
જિસને ઉસકી નજર કો દેખ લિયા,
ઉસે દુનિયા નજર નહીં આતી.’
આમ મૃત્યુનું સ્મરણ જીવનને પવિત્ર રાખે છે, અને તેને ઊર્ધ્વગામી બનાવે છે, અને પછી એ જીવનમાંથી રચાય છે મૃત્યુ પછીનું જીવન. એટલે પછી જે જીવનનો કાયદો છે, એ જ મૃત્યુનો કાયદો છે. અને તે છે પુનર્જન્મનો સિદ્ધાંત.
ખેલનો બીજો નિયમ – પુનર્જન્મનો સિદ્ધાંત :
જેઓ જન્મે છે, તેઓ અવશ્ય મૃત્યુ પામે છે અને જે મૃત્યુ પામે છે, તે અવશ્ય જન્મે છે. આ છે મૃત્યુનો કાયદો અને એ જ છે પુનર્જન્મનો સિદ્ધાંત. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આની સરસ સમજૂતી આપી છે.
તેઓ કહે છે :
‘जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ।।’
– અર્થાત્ જે જન્મે છે, તેનું મૃત્યુ નક્કી છે, તેમ મરનારનો જન્મ પણ નક્કી છે, માટે આ અટલ બાબતનો શોક કરવો યોગ્ય નથી.
હવે જે મૃત્યુ પામે છે, એ તો છે પંચમહાભૂતનું શરીર. અને એની અંદર જે આત્મા છે તે તો અજર અમર અવિનાશી છે. આથી આ સિદ્ધાંતમાંથી જ એક બીજો અફર સિદ્ધાંત મળે છે કે કદી કોઈ શરીર અમર રહી શકતું નથી અને કદી કોઈ આત્મા મરી શકતો નથી. ઘણા લોકો એવું કહે છે કે હિમાલયમાં યોગીઓ હજારો વર્ષોથી સદેહે જીવી રહ્યા છે, તો તે સાચી વાત નથી. હા, તેઓ સૂક્ષ્મરૂપે જરૂર વિચરણ કરતા હોય. સિદ્ધ યોગીઓ કદાચ પોતાનો સૂક્ષ્મ દેહ ટકાવી રાખે. પરંતુ કોઈનોય સ્થૂળ દેહ કાયમ ટકી શકતો નથી. જે જન્મે છે, તેને મૃત્યુ પામવું જ પડે છે. યોગીઓ કે અવતાર પુરુષો પોતાના આયુષ્યને થોડું લંબાવી શકે. પણ કેટલું ? થોડાં વર્ષો. આખરે તો તેમને પણ શરીર છોડવું જ પડે. કેમકે એ અફર નિયમ છે. પ્રસિદ્ધ પુરાણકથામાં સાવિત્રીએ પોતાની પ્રાર્થના દ્વારા યમરાજ પાસેથી મૃત સત્યવાનને પાછો મેળવ્યો. પણ એ કેટલા સમય સુધી ? આખરે તો સત્યવાન અને સાવિત્રી બંનેને શરીર છોડવું જ પડ્યું. આ નિયમને આધીન થવું જ પડ્યું.
પ્રાર્થના દ્વારા કોઈ વ્યક્તિના ટૂંકા આયુષ્યને લંબાવી શકાય છે, પણ એને અમર બનાવી શકાતું નથી. મધ્યપ્રદેશમાં થોડા સમય પહેલાં બનેલી આ ઘટના છે. એક બહેનના પતિને મગજમાં ગાંઠ થઈ હતી. તેનું ઓપરેશન કલાકો ચાલે તેવું હતું. ડાૅક્ટરો ઓપરેશનનું જોખમ લેવા ઇચ્છતા ન હતા. ઓપરેશન પછી પણ તે બચે તેવી કોઈ શક્યતા ડાૅક્ટરોને જણાતી ન હતી. પણ તે બહેનને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હતી. તેમનું આખું જીવન પ્રાર્થનામાં વીત્યું હતું. તેમણે ડાૅક્ટરોને કહ્યું, ‘ભગવાન સાથેનો આ છેલ્લો ખેલ હું ખેલી લેવા ઇચ્છું છું. તમે તેમનું આૅપરેશન કરો.’ મદ્રાસની વેલોર હાૅસ્પિટલમાં તેમના પતિનું આૅપરેશન થયું. કલાકો સુધી તે ચાલ્યું. બધાંના આશ્ચર્ય વચ્ચે એ આૅપરેશન સફળ થયું અને એ માણસ સાજો થઈ ગયો અને તે હજુ જીવે છે ! ડાૅક્ટરોને આ સમજાતું નથી કે આ ઓપરેશન કેમ સફળ થયું ? તેમણે તેની વીડિયોફિલ્મ ઉતારી હતી, તે વિદેશોમાં મોકલાવી તો વિદેશોના ડાૅક્ટરોને પણ આશ્ચર્ય થયું કે આ માણસ કેવી રીતે બચ્યો ? પણ તે બહેને ભગવાનને સતત પ્રાર્થના કરી હતી, તેનું એ પરિણામ છે. પ્રાર્થનાથી મૃત્યુને ટાળી શકાય છે, આયુષ્યને લંબાવી શકાય છે, પણ કાયમ માટે નહીં જ. એ વ્યક્તિનો ફરી સમય આવશે, ત્યારે તેણે શરીર છોડવું પડશે. આત્મા એકને એક શરીરમાં રહેતો નથી. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે,
वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्य-
न्यानि संयाति नवानि देही।।2.22।।
‘જે રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રોને છોડીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તે જ રીતે આત્મા જીર્ણ થયેલા દેહને છોડીને નવો દેહ ધારણ કરે છે.’ આત્માને નવા નવા દેહ ગમે છે. આ જન્મના કર્મ પ્રમાણે તેને નવા જન્મમાં નવો દેહ મળે છે. એ જ જીવન અને મૃત્યુનો નિયમ છે. જો પરમાત્મા પોતે દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે તો તેમણે પણ આ નિયમ સ્વીકારવો પડે છે. એટલે કે પોતાનું કાર્ય પૂરું કરીને તેઓ પણ દેહનો ત્યાગ કરી દે છે.
આત્માને કદી મૃત્યુ નથી :
દેહને મૃત્યુ અનિવાર્ય છે, તો આત્માને મૃત્યુ ક્યારેય સ્પર્શી પણ શકતું નથી. આથી જ આત્મજ્ઞાની યોગીઓ મૃત્યુથી કદી ચલિત થતા નથી. અને દેહમાં કદી આસક્ત થતા નથી. તેમને જીવનની લાલસા હોતી નથી. તેઓ નિત્યમુક્ત હોય છે. જો કોઈ તેમના શરીરની હત્યા કરવા આવે તો પણ તેઓ ચલિત થતા નથી. બાદશાહ સિકંદરને આવા નિત્યમુક્ત મહાત્માનો અનુભવ થયો હતો. જ્યારે તે વિશ્વ-વિજય કરવા નીકળ્યો, ત્યારે તેના ગુરુએ તેને કહ્યું હતું કે તું હિંદમાં જાય છે, તો ત્યાંથી કોઈ સાચા મહાત્માને મારા માટે લેતો આવજે. હિંદમાં વિજય મેળવ્યા પછી તેણે આવા મહાત્માની શોધ કરી. પોતાના મંત્રીને મોકલીને એ મહાત્માને તેડાવ્યા. પણ જ્યારે મહાત્માએ સિકંદર પાસે આવવાની ના પાડી દીધી, ત્યારે સિકંદર પોતે એમની પાસે ગયો. તેમને પ્રણામ કરીને કહ્યું, ‘તમે મારા દેશમાં ચાલો. હું તમને અપાર ધનસંપત્તિ આપીશ. તમારે હવે આ રીતે દિગંબર રહી જંગલમાં વૃક્ષની નીચે રહેવું નહીં પડે. તમને હું વિશાળ મહેલ આપીશ.’ ત્યારે એ સાધુ મહાત્માએ તેને કહ્યું, ‘હું શા માટે તારી સાથે આવું ? મને અહીં કોઈ વાતની કમી નથી. વૃક્ષ મને ફળ આપે છે. નદી મને પાણી આપે છે. વસ્ત્રોની મને જરૂર નથી. હું સદાકાળ આનંદમાં છું.’ કદી કોઈની પાસે ના સાંભળવાને નહીં ટેવાયેલા સિકંદરને આ જવાબમાં અપમાન થતું જણાયું અને તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે મહાત્માને મારી નાખવા માટે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, ઉગામી. એ જોઈને એ જ સ્વસ્થતાથી મહાત્મા બોલ્યા, ‘તું કોને મારીશ ? હું તો એ અજર અમર આત્મા છું, જેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી અને પવન સુકાવી શકતો નથી. એ તો નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ અને અનાદિ છે.’ અને વળી કહ્યું, ‘હું બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, પણ ચિદાનંદરૂપ શિવ છું. તું મને શું મારી શકવાનો હતો ?’ આત્મામાંથી નીકળતી આવી વાણી સિકંદરે કદી સાંભળી ન હતી. આ સાંભળીને તે હતપ્રભ બની ગયો. તેની તલવાર થંભી ગઈ. ત્યાં તો મહાત્માએ કહ્યું, ‘મૂર્ખ, તું પોતે જ જ્યાં તારા દેશમાં પહોંચી શકવાનો નથી, ત્યાં તું મને શું લઈ જવાનો હતો?’ પછી મહાત્માને પ્રણામ કરીને સિકંદર ત્યાંથી ચાલી નીકળ્યો. ખરેખર, તે પોતાના દેશમાં પહોંચી શક્યો નહીં. અધવચ્ચે જ મૃત્યુ પામ્યો. ત્યારે હિંદના સાધુઓની મહાનતાનો તેને ખ્યાલ આવ્યો હશે.
શરીર કદી અમર રહી શકતું નથી :
‘મારા પુત્રને કોઈ સજીવન કરી દો. મારો એકનો એક દીકરો, મારો લાડલો, મને છોડીને ચાલ્યો ગયો. હું એના વગર નહીં જીવી શકું.’ હાથમાં મૃતપુત્રને લઈને આક્રંદ કરતી કિસા ગૌતમીને જોઈને ભલભલાનાં હૃદય પીગળી જતાં હતાં. પણ તેના અકાળે મૃત્યુ પામેલા બાળપુત્રને મૃત્યુના દરબારમાંથી હવે કોણ પાછો લાવી શકે ? ત્યાં કોઈએ કહ્યું, ‘ભગવાન બુદ્ધ પાસે સંજીવની શક્તિ છે, તેઓ તારા પુત્રને જરૂર જીવતો કરી આપશે. તું તેમની પાસે જા.’ હાથમાં મૃતપુત્રના દેહને લઈને કિસા ગૌતમી બુદ્ધ પાસે આવી. આક્રંદભરી આજીજી કરી પુત્રને સજીવન કરી આપવા કહ્યું.
‘હું તારા પુત્રને જરૂર જીવતો કરી દઉં. પણ એ માટે મારે થોડા રાઈના દાણા જોઈએ છે. એ તું લાવી આપીશ?’
‘રાઈના દાણા ?’ એમાં શું ? હમણાં જ લાવી આપું?’
‘પણ એક શરત છે, જે ઘરમાં ક્યારેય કોઈનું પણ મૃત્યુ ન થયું હોય એ ઘરમાંથી તારે રાઈના દાણા લાવવાના છે.’
‘ભગવન્ ! એય મોટી વાત નથી. હમણાં હું એ લાવી આપું છું.’ કિસા ગૌતમીની આંખમાં આશાની ચમક આવી ગઈ કે હવે એનો પુત્ર જરૂર સજીવન થઈ શકશે.
એ ઘરે ઘરે રાઈના દાણા લેવા માટે ફરવા લાગી. કોઈએ કહ્યું, ‘અમારા દાદા મરી ગયા છે.’ બીજા ઘરે ગઈ તો કહ્યું, ‘અમારા પિતા મરી ગયા છે.’ ત્રીજા ઘરે ગઈ તો ત્યાં કહ્યું, ‘થોડા દિવસ પહેલાં જ અમારા કાકા મરી ગયા છે.’ તો કોઈની યુવાન પુત્રી તો કોઈનો દીકરો મરી ગયો હતો. તે ઘરે ઘરે ફરી વળી. પણ એકેય ઘર એવું ન હતું કે જ્યાં કોઈ કરતાં કોઈ મર્યું ન હોય. તે સાવ નિરાશ અને હતાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી અને કહ્યું, ‘પ્રભુ, તમે મંગાવેલા રાઈના દાણા હું લાવી શકી નથી. કોઈ ઘર મૃત્યુ વગર ખાલી નથી.’ ‘તો તને હવે સમજાય છે ને કે મૃત્યુ અનિવાર્ય છે ! અને જે શરીર આત્મા છોડી દે છે, એ શરીરમાં આત્મા પાછો આવતો નથી. એટલે મૃત્યુનો સ્વીકાર કરવો જ રહ્યો.’ પછી ભગવાન બુદ્ધે કિસા ગૌતમીને દેહ કદી અમર રહી શકતો નથી તેનું જ્ઞાન આપી તેને પુત્રમોહ અને શોકમાંથી મુક્ત કરી. આથી જ જ્ઞાની માણસો શરીરમાં આસક્ત થતા નથી. પણ અમર આત્મા સાથે જ તેઓ સંકળાયેલા રહે છે.
નચિકેતાએ પ્રાપ્ત કરેલું મૃત્યુનું રહસ્ય :
આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરનારા યોગીઓ અને સિદ્ધોને મૃત્યુ મૃત્યુરૂપ જણાતું જ નથી. જ્યારે શ્રીરામકૃષ્ણદેવે દેહત્યાગ કર્યો ત્યારે તેમનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદાદેવી રડવા લાગ્યાં. તેઓ બોલી ઊઠ્યાં, ‘મા કાલી, તું મને છોડીને ક્યાં ચાલી ગઈ?’ તેઓ શ્રીરામકૃષ્ણને સાક્ષાત્ કાલી માનતાં હતાં. તેમનું આક્રંદ જોઈને શ્રીરામકૃષ્ણદેવે એમને દર્શન દીધાં અને કહ્યું, ‘તમે શા માટે રડો છો ? હું ક્યાં મરી ગયો છું ? હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’ આ દર્શન પછી શ્રીમા શારદાદેવીને ખાતરી થઈ ગઈ કે શ્રીરામકૃષ્ણ ભૌતિક જગતના ઓરડામાંથી હવે સૂક્ષ્મ જગતના ઓરડામાં ગયા છે. તેમને કદી મૃત્યુ નથી. સૂક્ષ્મરૂપે તેઓ સદાય મારી સાથે છે. અવતારી પુરુષો સૂક્ષ્મરૂપે – ચેતનારૂપે હંમેશાં વિદ્યમાન રહી શકે છે અને ભક્તોને માર્ગદર્શન પણ આપી શકે છે. કેમ કે મૃત્યુ સિદ્ધ યોગીઓને માટે તો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાની સહજ ઘટના જ હોય છે. પરંતુ બધાંને કંઈ આ સમજ હોતી નથી. આથી જ તેમને મૃત્યુ ભયાવહ લાગે છે.
પરંતુ જો મૃત્યુને જાણવું હોય તો જીવનવિદ્યા જાણવી જોઈએ. બાળક નચિકેતાએ મૃત્યુના દેવ યમરાજ પાસેથી આ જીવનવિદ્યા જાણી મૃત્યુનું રહસ્ય પ્રાપ્ત કર્યું. કઠોપનિષદની આ સુપ્રસિદ્ધ કથા છે કે નચિકેતાના પિતાએ યજ્ઞ કરીને ઘરડી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી, ત્યારે બાળક નચિકેતાએ પિતાને આવું શા માટે કર્યું તે વિશે પૂછ્યું. વારંવાર ત્રણ વખત આ જ પ્રશ્ન પૂછતાં પિતા ચિડાઈ ગયા અને તેમણે નચિકેતાને કહ્યું ‘જા હું તને યમને દાનમાં આપું છું.’ પિતાની આજ્ઞાનું પાલન કરવા બાળક નચિકેતા યમલોકમાં આવ્યો, યમરાજા બહાર ગયા હતા, તેથી ભૂખ્યો- તરસ્યો ત્રણ દિવસ યમના દ્વારે બેસી રહ્યો. યમરાજા આવ્યા અને બાળકની આવી નિષ્ઠા જોઈને પ્રસન્ન થયા. તેને વરદાન માગવા કહ્યું, ત્યારે નચિકેતાએ કહ્યું, ‘મને જીવનવિદ્યા શિખવાડો, મૃત્યુનું રહસ્ય સમજાવો.’
‘અરે, તું તો હજુ બાળક છે, તારે એ જાણીને શું કરવું છે ? ભલભલા ઋષિઓ, તપસ્વીઓ પણ એ જાણી શકતા નથી. એ બહુ જટિલ છે, તું એ વાત છોડી દે. બીજું કંઈ પણ માંગી લે.’
‘ના, મારે તો એ જ જાણવું છે. જો બીજા બધા એ જાણી શકતા નથી, તો તો મારે ખાસ એ જ જાણવું છે.’
‘અરે, એના બદલામાં તને રાજપાટ આપું, અપાર ધનસંપત્તિ, હાથી-ઘોડા, નર્તકીઓ આપું.’
‘ના, મારે કંઈ જ જોઈતું નથી. બસ, તમે મને જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાવો.’ અનેક પ્રલોભનો આપવા છતાં બાળક તેની ઇચ્છામાંથી ચલિત થતો નથી. એ જોઇને પછી યમરાજા વધારે પ્રસન્ન થયા અને તેને આત્મવિદ્યાનું જ્ઞાન આપ્યું. જ્યારે મનની બધી જ એષણાઓ છૂટી જાય, કોઈ પ્રલોભનો લલચાવી ન શકે, અંતરમાં આત્મજ્ઞાન મેળવવાની એકમાત્ર ઝંખના જ હોય ત્યારે, નચિકેતા કે કુમાર સિદ્ધાર્થ કે સ્વામી વિવેકાનંદની જેમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાય છે. ફક્ત ઉપરછલ્લી જિજ્ઞાસા હોય કે આકસ્મિક સંજોગોને ખાતર ઇચ્છા જાગી હોય તો આ રહસ્ય પ્રાપ્ત થતું નથી. કદાચ માનસિક જ્ઞાન મળે પણ એ જીવનમાં ઊતરતું નથી, એની અનુભૂતિ થતી નથી, તેથી તે ચેતનાનો ભાગ બનતું નથી.
યમરાજે નચિકેતાને કહ્યું :
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते।
दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥
બધાં જ પ્રાણીઓમાં આ આત્મા રહેલો છે, પણ દેખાતો નથી. પરંતુ સૂક્ષ્મદર્શન કરનારાઓની એકાગ્રતાવાળી સૂક્ષ્મબુદ્ધિથી તે દેખાય છે. આ આત્માને કોઈ હણી શકતું નથી. તે શાશ્વત છે. સનાતન છે. અજર-અમર છે. આ આત્મજ્ઞાન યમરાજે નચિકેતાને આપ્યું. અને તેની અંતર્દૃષ્ટિ ખૂલી જતાં તે મૃત્યુના રહસ્યને પણ જાણી શક્યો.
ખરેખર મૃત્યુથી જીવનનો અંત આવતો નથી. જીવન તો શાશ્વત છે. શરીરના અંતની સાથે જીવન કદી નાશ પામતું નથી. આ જ છે જીવનના અને મૃત્યુના નિયમો. જેઓ આ નિયમોને જાણીને પોતાના જીવનમાં તેનું પાલન કરે છે, તેઓ જીવનના સ્વામી બનીને જીવન અને મૃત્યુના ખેલમાં જીત મેળવી પોતાનો પૃથ્વી ઉપરનો ફેરો સાર્થક કરે છે. તેના સમગ્ર જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે. અને તેની ગતિ પરમ શાંતિ પ્રત્યે અવિરત થતી રહે છે.
Your Content Goes Here