મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ રીતે જુએ છે, ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘જે માતા સામે મંદિરમાં બિરાજે છે અને જેનું પૂજન થાય છે, તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનાની ઓરડીમાં એ જ વસી રહી છે; અને એ જ માતા આ પળે મારા પગ દાબી રહી છે. ખરેખર, હું તમને હંમેશાં કલ્યાણમયી શ્રીજગદંબાની જીવંત પ્રતિમારૂપે જોઉં છું.’ આવી હતી શ્રીમા શારદાદેવી વિશેની ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ધારણા !

હવે કલ્પના કરો કે, જેમની બુદ્ધિપ્રતિભા અગમ્ય અને અસીમ છે તેવા કેટલા લોકોને શ્રીમાએ પ્રતિભાસંપન્ન બનાવ્યા ! તેથી શ્રીમા શારદાદેવી પ્રતિભાનું સાકાર સ્વરૂપ છે, તેનું પ્રમાણ એ છે કે તેમણે ભૂતકાળમાં ઘણાય લોકોને પ્રતિભાસંપન્ન બનાવ્યા અને વર્તમાનમાં તેમના પ્રભાવ હેઠળ કેટલાય લોકો પ્રતિભાસંપન્ન બની રહ્યા છે.

માનવ-અવતારની અને માનવ-લીલાની દૃષ્ટિએ જો આપણે તેમની વાત કરીએ તો આપણને શું જોવા મળે છે ? શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીએ અણીશુદ્ધ પવિત્ર જીવન વિતાવ્યું હતું – સર્વોત્કૃષ્ટ લગ્નજીવન – જ્યાં શ્રીરામકૃષ્ણ શ્રીમાને જગન્માતાની દૃષ્ટિએ જોતા અનેે શ્રીમા શ્રીરામકૃષ્ણને ઈશ્વર સ્વરૂપે જોતાં. એમ એ બંને સ્થૂળ લગ્નજીવન જીવ્યાં નહોતાં. એક વખત શ્રીમા શારદાદેવી ઉદ્વિગ્ન બન્યાં અને વિસ્મય પામ્યાં કે સંતાન નહિ હોય તો શું થશે? શ્રીરામકૃષ્ણ તેમના વિચારો જાણી ગયા અને કહ્યું, ‘ચિંતા ન કરશો, હું તમને પછીથી ઘણાં બધાં સંતાનો આપીશ. બધાં તમને ‘મા’ કહેશે અને તેઓ સૌ ખૂબ પ્રતિભાવાન હશે.’

જ્યારે હું યુવાનોને કહું છું કે શ્રીશારદાદેવી એક પ્રતિભાવાન સ્ત્રી હતાં, ત્યારે તેમના માનવામાં આવતું નથી. તેઓ પૂછે છે, ‘તમે શા માટે તેમને પ્રતિભાવાન કહો છો? આપ તેમને મા જેવાં કહી શકો. તેઓ સામાન્ય દેખાવનાં અશિક્ષિત, ગામડાનાં સ્ત્રી હતાં કે જેઓે પોતાના ચહેરાને ઘૂંઘટથી ઢાંકી રાખતાં. એટલું જ નહિ, તેઓ લખી પણ શકતાં નહોતાં. જ્યારે મનીઓર્ડર આવતો ત્યારે તેઓ સહીને બદલે અંગૂઠો મારતાં. એવી વ્યક્તિને તમે પ્રતિભાસંપન્ન કેવી રીતે કહી શકો ?’

હું તેમને પૂછું છું, ‘તમે સ્વામી વિવેકાનંદ વિશે શું માનો છો ?’ તેઓ સૌ એકી અવાજે બોલી ઊઠે છે, ‘ઓહ ! એક મહાન પ્રતિભાવાન વ્યક્તિ !’ હું તેમને કહું છું કે જ્યારે સ્વામીજીને શિકાગો-અમેરિકામાં વિશ્વધર્મપરિષદમાં જવાનું થયું ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ઘણા પંડિતોએ તેમને ચેતવ્યા હતા કે સમુદ્રની પાર જશો તો તમે જ્ઞાતિભ્રષ્ટ થઈ જશો અને આ સિવાય પણ ઘણાં વિઘ્નો હતાં. તેઓ કોઈ નિર્ણય ન કરી શક્યા. તેથી તેમણે શ્રીશારદાદેવીને પોતાના પરદેશગમન માટે અભિપ્રાય આપવા પત્ર લખ્યો અને શ્રીશારદાદેવીએ જવાબ આપ્યો, ‘હા’ અને આશીર્વાદ પાઠવ્યા. એમણે શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્ર વિશે પોતાને જે દર્શન થયું હતું તે પણ જણાવ્યું. જેવી સ્વામીજીને આ અનુમતિ મળી કે તેઓ નાચવા લાગ્યા અને તેમની આંખોમાં પાણી આવી ગયાં. તેઓએ પોતાની જાતને કહ્યું, ‘હાશ, હવે બધું ઠીક થઈ ગયું. માની પણ ઇચ્છા છે કે હું જાઉં !’ સ્વામીજી અનિર્ણયાત્મક પરિસ્થિતિમાંથી મુક્ત થયા અને અમેરિકા જવાનું નક્કી કર્યું. આમ, કોઈ પણ મોટા અને અગત્યના નિર્ણય માટે સ્વામીજી જેવી મહાન વ્યક્તિ પણ શ્રીશારદાદેવીની સલાહ લેતી. આથી આપણે સમજી શકીએ છીએ કે શ્રીમા શારદાદેવી કેવાં મહાન હશે!

નેતૃત્વ ક્ષમતા

આધુનિક જમાનામાં કહેવાય છે કે કાબેલ વ્યક્તિ પાસે નેતૃત્વ ક્ષમતા હોવી જરૂરી છે. રોબર્ટ ગ્રીનલિફે ‘સર્વન્ટ લીડરશીપ’ની ક્ષમતા વિશે આધુનિક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમના મત પ્રમાણે આધુનિક સમયમાં દાદાગીરીથી કશું થઈ શકતું નથી. હવે જ્ઞાની કર્મચારીનો સમયગાળો છે. પરંતુ ઘણાં વર્ષો પહેલાં શ્રીમા શારદાદેવીએ ‘સર્વન્ટ લીડરશીપ’ શું છે એ પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. તેમણે કોઈ પણ પદ સ્વીકાર્યું ન હતું, સંઘમાતા હોવા છતાં ક્યારેય પોતાનો અધિકાર પ્રદર્શિત કર્યો ન હતો. ઘણાને એવું લાગે છે કે રામકૃષ્ણ સંઘ સ્વામી વિવેકાનંદે શરૂ કર્યો. ના, ‘રામકૃષ્ણ મિશન’ સંસ્થા ૧૮૯૭માં પશ્ચિમથી સ્વામીજી પરત ફર્યા ત્યાર પછી તેમણે શરૂ કરી. પરંતુ એ શ્રીમા શારદાદેવી જ હતાં કે જેમણે માતૃત્વ દ્વારા રામકૃષ્ણ સંઘને જન્મ આપ્યો, પોષ્યો અને ટકાવી રાખ્યો. કેવી રીતે?

૧૮૯૦ના માર્ચમાં શ્રીમા શારદાદેવી બોધગયા ગયાં હતાં અને ત્યાં તેમણે એક વિશાળ ધાર્મિક મઠ જોયો, જેમાં સાધુઓ અન્નવસ્ત્ર અને અન્ય ચીજવસ્તુઓની સાથે ખૂબ આરામપૂર્વક રહેતા હતા. શ્રીમાની આંખમાં આ જોઈને આંસુ આવી ગયાં અને શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરવા લાગ્યાં, ‘તમારું નામ લઈ મારાં સંતાનોએ સંસાર છોડ્યો છે અને પછી બે મૂઠી અન્ન માટે ભીખ માગતાં ફરે એ મારાથી નહીં જોઈ શકાય. મારી એ જ પ્રાર્થના છે કે તમારું નામ લઈ જે લોકો સંસાર છોડે તેમને સાધારણ ભરણપોષણનો અભાવ કદી ન થાય. એ લોકો બધા તમને અને તમારા આદર્શાેને અનુસરીને એકત્ર રહી શકે. સંસારના તાપથી દગ્ધ માણસો એમની પાસે આવી તમારી વાતો સાંભળીને શાંતિ મેળવી શકે તે માટે તો તમે આવ્યા હતા. એમને આ રીતે ભટકતા જોઈ મને બહુ દુ :ખ થાય છે. મારા પ્રાણ વ્યાકુળ બને છે.’ આમ તેઓ સંઘના સંન્યાસીઓ માટે અને સંઘની સ્થાપના માટે પ્રાર્થના કરતાં. આ પ્રાર્થના શ્રીરામકૃષ્ણદેવે સાંભળી તેમાં શંકા નથી. પરિણામે સ્વામી વિવેકાનંદે તેનાં આઠ વર્ષની અંદર ગંગાકિનારે બેલુર મઠની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદ એટલે શ્રીમા શારદાદેવીને ‘સંઘજનની’ કહેતા. એટલે કે રામકૃષ્ણ સંઘ અને રામકૃષ્ણ મિશનનાં જન્મદાયિની ‘મા’. એટલું જ નહીં શ્રીમા આ સંઘનાં પરમાધ્યક્ષ કે મહામંત્રી બન્યાં ન હોવા છતાં તેમણે રામકૃષ્ણ મિશનને પુષ્ટ બનાવ્યું હતું અને ટકાવી રાખ્યું હતું. વળી હંમેશાં શિષ્યોને માર્ગદર્શન આપ્યું હતું. હંમેશાં કટોકટીના સમયમાં કે કુદરતી આફત વખતે શ્રીમાએ સૌને માર્ગદર્શિત કર્યા હતા.

૧૮૯૯માં જ્યારે કલકત્તામાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. તેમનું સ્વાસ્થ્ય બરાબર ન હતું. પરંતુ જ્યારે તેમણે પ્લેગના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ તરત જ કલકત્તા પરત આવ્યા. લોકો આ ભયંકર રોગથી ડરના માર્યા કલકત્તા છોડી જવા લાગ્યા હતા. સ્વામીજીએ એક જાહેર વિનંતી કરી કે તેઓ ટૂંક સમયમાં રાહતકાર્ય કરશે એટલે લોકોએ શહેર છોડી ન જવું. ખરેખર, સ્વામીજીએ તરત જ રાહતકાર્ય શરૂ કર્યું. પરંતુ સ્વામીજીના ગુરુભાઈઓને નાણાંભીડને કારણે શંકા ગઈ કે આ કાર્ય થઈ શકશે કે નહિ ! તેઓ સ્વામીજીને મળ્યા અને કહ્યું, ‘તમે બહુ મોટા પાયા પર રાહતકાર્ય શરૂ કર્યું છે. પરંતુ આપણી પાસે પૂરતાં નાણાંનો અભાવ છે ! હવે આપણે શું કરીશું? તમે લોકોને આશ્વાસન અને ખાતરી આપ્યાં છે કે રામકૃષ્ણ મિશન બધાંને રાહત પહોંચાડશે તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’

જવાબમાં સ્વામીજીએ કહ્યું, ‘ભાઈ ! તમે શા માટે ચિંતા કરો છો ? આપણે સાધુ છીએ, આપણે એક વૃક્ષ નીચે પણ પડ્યા રહીશું. જરૂર પડ્યે આપણે મઠ માટે હમણાં જ ખરીદેલી જમીન વેચીને પણ રાહતકાર્ય કરીશું.’

બધા ગુરુભાઈઓ ભયભીત થઈ ગયા કારણ કે તેઓ જાણતા હતા કે સ્વામીજી એક વાર જે કહે છે તે તેઓ કરી બતાવશે અને કોઈની હિંમત નથી કે તેમનો વિરોધ કરી શકે. સ્વામીજી શિવનો અવતાર હતા – ‘શિવાવતાર’. ક્યારેક તેઓ ‘આશુતોષ’ બની જતા. પરંતુ જ્યારે તેઓ પોતાનું રુદ્રરૂપ ધારણ કરતા ત્યારે કોઈ તેમની પાસે ફરકી શકતું નહિ. એટલે કોઈપણ ગુરુભાઈની હિંમત નહોતી ચાલતી કે સ્વામીજીની જમીન વેચવાની ઇચ્છાનો વિરોધ કરી શકે. તેથી તેઓ શ્રીમાને શરણે ગયા અને પૂછ્યું, ‘મા, હવે શું કરવું ? સ્વામીજી તો કહે છે કે તેઓ મઠની જમીન વેચી નાખશે.’ ત્યારે શ્રીમાએ કહ્યું, ‘નરેનને બોલાવો.’ સ્વામીજી આવ્યા ત્યારે શ્રીમાએ કહ્યું, ‘મારા પ્રિય નરેન, મેં સાંભળ્યું છે કે તું હમણાં જ લીધેલી મઠની જમીન વેચી નાખવાનો વિચાર કરે છે.’ સ્વામીજીએ કહ્યું, ‘હા, મા ! મારાથી લોકોનું દુ :ખ જોવાતું નથી.’ ત્યારબાદ શ્રીમા શારદાદેવીએ કહ્યું, ‘જો, શ્રીરામકૃષ્ણ પાસે તારું ઘડતર થયું છે. તું ગમે તેવી કઠોર પરિસ્થિતિનો સામનો કરી શકીશ. સ્વાભાવિક રીતે તું એક વૃક્ષ નીચે પણ રહી શકીશ. પરંતુ મઠ માત્ર તારા એકલા માટે જ નથી. મારાં ઘણાં સંતાનો પછીથી આવશે અને તેઓ રામકૃષ્ણ સંઘના સંન્યાસી બનશે. તેઓ તારી જેમ કઠોર પરિસ્થિતિનો સામનો નહિ કરી શકે અને આ મઠ કંઈ માત્ર બે-પાંચ વર્ષ માટે નથી. એ તો હજારો વર્ષ સુધી રહેવાનો છે. તો તું એ જમીન કેવી રીતે વેચી શકે?’

આપણે કહીએ છીએ કે શ્રીમા અભણ હતાં. પરંતુ તેઓ કેટલાં બુદ્ધિશાળી હતાં ! કેટલી વિદ્વત્તા હતી ! કેવાં પ્રતિભાવાન હતાં ! શ્રીમાએ આગળ કહ્યું, ‘નરેન, મને કહે કે આ જમીન તારી છે ?’ સ્વામીજીએ ઉત્તર આપ્યો, ‘મા, આ જમીન મેં ટ્રસ્ટના નામે કરી દીધી છે.’ ત્યારે શ્રીમાએ કાનૂની મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું, ‘તો પછી તું તેને ટ્રસ્ટીઓને પૂછ્યા વગર કેવી રીતે વેચી શકે ?’ સ્વામીજી ચૂપ રહ્યા. અલબત્ત, પછી દાનની રકમ મળી અને જમીન વેચવાની જરૂર ન પડી અને રાહતકાર્ય ચાલુ રહ્યું. શ્રી શારદાદેવીનો નિર્ણય અંતિમ હતો. સ્વામીજી પોતે પણ શ્રીમાની ઇચ્છાની વિરુદ્ધ કંઈ કહી ન શક્યા. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વહીવટને જ્યાં સુધી લાગે વળગે છે, શ્રીમા સુપ્રિમ કોર્ટ જેવાં હતાં.

બંગાળના ગવર્નર લાૅર્ડ કારમાઈકલે એક વખત પોતાના ઢાકાના ભાષણમાં રામકૃષ્ણ મિશન વિશે પ્રતિકૂળ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઘણા ક્રાંતિકારીઓ સાધુ બની રામકૃષ્ણ મિશનમાં જોડાય છે અને પોતાની અસામાજિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવે છે, જે બંગાળને અને ભારતને બન્નેને ખૂબ હાનિ પહોંચાડે છે.’ એ હકીકત છે કે ઘણા ક્રાંતિકારીઓ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો દ્વારા પ્રેરણા મેળવી સંન્યાસી બન્યા હતા એટલે એવી પૂરી આશંકા હતી કે રામકૃષ્ણ મિશન પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ બીકને કારણે ઘણા ભક્તોએ પણ મિશનમાં આવવાનું બંધ કર્યું. સ્વામી સારદાનંદ મહારાજ તે વખતે મિશનના સચિવ હતા. આવી પરિસ્થિતિ તેમને ચિંતાજનક લાગી. કેટલાંક સ્થળેથી એવું પણ દબાણ થવા લાગ્યું કે મઠના જે સાધુઓ ભૂતકાળમાં ક્રાંતિકારી હતા તેમને સંઘમાથી બહાર કાઢી મૂકવામાં આવે નહિતર બધા ભક્તો આવવાનું બંધ કરશે અને છેવટે બ્રિટિશ સરકાર મિશન પર પ્રતિબંધ લાગશે.

પરંતુ સ્વામી સારદાનંદ મહારાજને થયું કે મિશનમાં સારું કાર્ય કરી રહેલા સાધુઓ સાથે આવો વ્યવહાર કેમ કરી શકાય. આમ તેઓ દ્વિધામાં હતા. કોઈ નિર્ણય પર આવી શકતા ન હતા. અંતે તેઓ શ્રીમા પાસે તેમનું માર્ગદર્શન લેવા ગયા. અને જુઓ, શ્રીમા કેટલાં બુદ્ધિશાળી હતાં! તેમણે એક સાવ સાદી સલાહ આપી. તેમણે કહ્યું, ‘શરત, તમે ગવર્નરને મળીને એમ કહો કે અમારો મઠ એક આધ્યાત્મિક સંસ્થા છે જેને રાજકારણ કે ક્રાંતિકારી ચળવળ સાથે કોઈ નિસ્બત નથી. ભૂતકાળમાં કેટલાક સાધુઓ ક્રાંતિકારી હતા તે સાચું પરંતુ અત્યારે તેઓ આધ્યાત્મિક જીવનમાં મગ્ન છે. ગવર્નરને કહો કે તમારા પ્રતિનિધિને મોકલો અને તેમને જાતે તે સાધુઓનું કામ, તેઓ કેવી રીતે ધ્યાનમાં બેસે છે અને દર્દીઓની કેવી સારવાર કરે છે તે જોવા દો.’

સ્વામી સારદાનંદ મહારાજે તરત જ ગવર્નરની કચેરીની મુલાકાતની મંજૂરી લીધી અને ગવર્નરના નિજી સચિવ ડબલ્યૂ. આર. ગોર્લેને મળી બધી વાત સમજાવી. પરિણામે ૨૬ માર્ચ, ૧૯૧૭ના નિવેદનમાં ગવર્નરે જાહેર કર્યું કે તેમને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ વિશે હવે જરા પણ શંકા નથી અને તેઓ આવી બિન-રાજકીય પ્રવૃત્તિઓને બિરદાવે છે. આમ આખો પ્રશ્ન હલ થઈ ગયો. જુઓ તો શ્રીમા શારદાદેવી કેવાં બુદ્ધિમાન હતાં ! તેમની એકમાત્ર સલાહે રામકૃષ્ણ મઠને બચાવી લીધો.

ત્રણ પ્રકારની બુદ્ધિપ્રતિભા

પ્રતિભાવાન વ્યક્તિ પાસે આધુનિક યુગમાં ત્રણ પ્રકારની બુદ્ધિપ્રતિભા હોવી જોઈએ. IQ-બુદ્ધિ આંક, EQ-ભાવનાત્મક આંક, SQ-આધ્યાત્મિક આંક. IQ-આપણે સૌ જાણીએ છીએ. ત્યારપછી ૧૯૯૧માં ડૅનિયલ ગાૅલમેને શોધી કાઢ્યું કે EQ-ભાવનાત્મક આંક વધારે અગત્યનો છે. અને હવે સૌથી છેલ્લે SQ. આૅક્સફર્ડ યુનિવર્સિટીના પ્રાૅફેસર દાના ઝોહરે SQ-આધ્યાત્મિક આંક વિશે એક પુસ્તક લખ્યું. લેખક કહે છે કે તે અંતિમ બુદ્ધિઆંક છે. તેમણે કહ્યું, ‘ચેતાતંત્રની દૃષ્ટિએ, જીવવિજ્ઞાનની દૃષ્ટિએ, મનોવિજ્ઞાનની દૃષ્ટિએ, શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ- આમ દરેક રીતે SQ એ IQ અને EQનો પાયો છે એવું તારણ પ્રતિપાદિત થયું છે. IQ શું છે ? એ આપણને જીવનની રમત કેમ રમવી એ બતાવે છે. EQ બદલાતી વ્યૂહરચના સાથે બદલાતાં પરિબળોથી જીવનની રમત કેવી રીતે રમવી તે બતાવે છે અને SQ આપણને બતાવે છે કે જીવનની રમત રમવી કે નહિ- એ આપણી પસંદગી પર નિર્ભર છે. આધ્યાત્મિક બુદ્ધિ આપણા જીવનના અર્થની ગૂંચને ઉકેલે છે. એ આપણે શા માટે આ ધરતી પર માનવજન્મ ધારણ કર્યો છે, એ રહસ્યને ઉદ્ઘાટિત કરે છે. શ્રીમા શારદાદેવી પાસે આ ત્રણેય પ્રકારની બુદ્ધિપ્રતિભા હતી. તેઓ અતિ તીક્ષ્ણ બુદ્ધિસંપન્ન હતાં. તેમની પાસે પ્રબળ ભાવનાત્મક બુદ્ધિ હતી. કેટકેટલીય વિવિધ પ્રકારની વ્યક્તિના સંપર્કમાં તેઓ દરરોજ આવતાં. તેમને એક પાગલ માતા અને તેની તોફાની, ગાંડી દીકરી રાધુ સાથે રહેવું પડતું. તેઓ બન્ને દરેક રીતે શ્રીમાને તકલીફમાં મૂકી દેતાં. ત્યાર પછી હતાં નલિની અને માકુ. તેઓ પણ લગભગ પોણા ભાગનાં પાગલ જેવાં હતાં. કેવાં પાગલોથી શ્રીમા ઘેરાયેલાં હતાં ! વળી ગોલાપ-મા પણ હતાં, મહાન ભક્ત છતાં અતિ ઉગ્ર સ્વભાવનાં. આમ દરેક પ્રકારની વ્યક્તિઓ શ્રીમાના એ વિશાળ કુટુંબમાં હતી અને છતાંય શ્રીમા અત્યંત શાંતિથી અને ધૈર્યપૂર્વક રહેતાં તેમજ દરરોજના એક લાખ મંત્રજાપ કરતાં.

મેં જ્યારે પહેલી વાર આ વાંચ્યુ ત્યારે હું પણ નહોતો માની શકતો. તેથી મેં એક વરિષ્ઠ સંન્યાસીને પૂછ્યું, ‘મહારાજ, દરરોજ એક લાખ જપ કરવા એ કેવી રીતે શક્ય છે ? આપણા હૃદયના ધબકારાની સાથે પણ જો આપણે જપ કરીએ તોપણ એ સંખ્યા એક લાખ નહિ થાય.’ સ્વામીએ કહ્યું, ‘તમે સમજ્યા નથી. બંગાળીમાં કહેવાય છે- હું તને એક લાખ રૂપિયા આપીશ કે એક લાખ કેરી આપીશ. એનો અર્થ અઢળક કે બહુ મોટી સંખ્યા, તે એક ખાસ સંખ્યા માટે નહિ. એટલે એક લાખ જપ એટલે ખૂબ વધારે જપ.’ એ સ્વામી બીજા કોઈ નહિ પણ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગંભીરાનંદજી મહારાજ. હું ચૂપ થઈ ગયો.

કેટલાક વખત પછી આ વાતચીતનો ઉલ્લેખ તેમણે એક જાહેરસભામાં કર્યો અને કહ્યું, ‘તમે જાણો છો, એક બ્રહ્મચારી મારી પાસે આવ્યો અને મેં તેને આમ ઉત્તર આપ્યો. પરંતુ હું તે ઉત્તરથી સંતુષ્ટ ન હતો. પરંતુ હમણાં જ થોડા સમય પહેલાં જયરામવાટી ગયો હતો ત્યાં મને એ પ્રશ્નનો ઉત્તર મળ્યો.’ તેમને મળેલો જવાબ શો હતો ? મહારાજે કહ્યું, ‘જ્યારે હું શ્રીમાના જૂના નિવાસસ્થાનમાં ધ્યાન કરતો હતો ત્યારે મને અચાનક સ્વામી વિરજાનંદજી મહારાજ જે કહેતા હતા તે યાદ આવ્યું. તેઓ કહેતા હતા કે માનસિક જપની ગતિ હૃદયના ધબકારાની ગતિ કરતાં ક્યાંય વધુ હોય છે.’ એટલે હવે મને માનવામાં આવ્યું કે શ્રીમા ચોક્કસ એક લાખ જપ કરતાં હતાં. તેમના મનની એકાગ્રતા એટલી અદ્‌ભુત હતી કે દિવસ દરમ્યાન કઠોર પરિશ્રમ પછી માત્ર એક કે બે કલાક તેમના માટે એક લાખ જપ કરવા માટે પૂરતા હતા. તેમની મંત્રજાપ કરવાની ઝડપ એટલી આશ્ચર્યજનક હતી કારણ કે તેઓ માનસિક જપ કરતાં અને એમની એકાગ્રતા જબરદસ્ત હતી. તેઓ ખરેખર જ આધ્યાત્મિક પ્રતિભાસંપન્ન હતાં.

આ વાતને સમજાવવા એક પ્રસંગનો ઉલ્લેખ કરી શકાય. એક સમયે યુવાન વયના સ્વામી વિરજાનંદ (પછીથી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ) માથાના દુ :ખાવાથી પરેશાન હતા. તેમણે ઘણા ડોક્ટરો સાથે આ બાબતે પરામર્શ કર્યો હતો. પરંતુ તેઓ આ તકલીફને દૂર ન કરી શક્યા. છેવટે તેમણે શ્રીમા શારદાદેવી પાસે જઈ પોતાની તકલીફ વિશે વાત કરી. અને તેઓએ શું કર્યું? શ્રીમાએ એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો, ‘મારા પ્રિય પુત્ર! તું સહસ્રારમાં (મસ્તિષ્કના શિખર પર) ધ્યાન કરે છે?’ સ્વામી વિરજાનંદે કહ્યું, ‘હા, મા.’ શ્રીમાએ કહ્યું, ‘ઓહ! એ જ તકલીફ છે. તારે તે ચક્રમાં લાંબા સમય સુધી ધ્યાન ન કરવું જોઈએ. હૃદયના મધ્યમાં આવેલ અનાહત ચક્રમાં ધ્યાન કરવાની કોશિશ કર. જો તારે સહસ્રારમાં ધ્યાન કરવું હોય તો માત્ર થોડી મિનિટ માટે કર.’

આ સલાહ પછી સ્વામી વિરજાનંદે સહસ્રારમાં ધ્યાન કરવાનું બંધ કર્યું અને થોડા દિવસોમાં તેની માથું દુ :ખવાની ફરિયાદ એની મેળે દૂર થઈ ગઈ. કોઈ ડોક્ટર તેમનો એ રોગ દૂર ન કરી શક્યા તે શ્રીમાએ પળવારમાં એ તકલીફ સમજી અને યોગ્ય ઇલાજ બતાવ્યો. આ પરથી તમે સમજી શકો છો કે શ્રીમા શારદાદેવી કેટલાં (કેવાં) પ્રતિભાવાન હતાં.

આપણે સૌ શ્રીમા શારદાદેવીને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પ્રતિભાસંપન્ન બનાવે કે નહીં, આપણી ભક્તિ હંમેશાં તેમના પ્રતિ રહે. આપણે એવું સમજીએ કે તેઓ આપણને આશીર્વાદ આપવા અને પ્રેમ આપવા જેટલી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા, તે પણ ઘણું છે. જે માનસિક શાંતિની આપણે ઇચ્છા કરીએ છીએ તે જો આપણને આ થકી મળી જાય તો પણ પૂરતું છે.

Total Views: 469

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.