(સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ)

સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું પદ ગ્રહણ કરતાં પહેલાં તેઓ રામકૃષ્ણ મઠ, ચેન્નઈમાં ૧૯૪૪થી ૧૯૭૧ સુધી સત્યાવીશ વર્ષ અધ્યક્ષ પદ પર રહ્યા. સ્વામી કૈલાશાનંદ મહારાજનું જીવન એક આદર્શ અને તપસ્વી સંન્યાસીનું જીવન હતું. તેમના દિવ્ય જીવનથી પ્રેરિત થઈને અનેક બ્રહ્મચારી રામકૃષ્ણ મઠ, ચેન્નઈમાં જોડાતા હતા.

સ્વામી કૈલાશાનંદ મહારાજ કહેતા કે શ્રીરામકૃષ્ણ દેવના અધિકાંશ સંન્યાસી શિષ્ય નિયમોના ખૂબ કઠોર અને કડક અનુશાસકો હતા, પણ તેઓનાં હૃદય આંતરિક પ્રેમથી ભરેલાં હતાં. તેઓ વિનોદપૂર્વક બ્રહ્મચારીઓને કહેતા, ‘આ તો સારું છે, તમે લોકો એમના સંપર્કમાં નથી આવ્યા! નહીંતર તો, શું ખબર? તમે લોકો એમના તીવ્ર ઠપકાથી અહીંથી ભાગી જાત.’

સ્વામી કૈલાશાનંદજી પણ સ્વયં કડક અનુશાસક હતા. સાધુ-બ્રહ્મચારી કે ભક્તોમાં કોઈ પણ વ્યક્તિ આશ્રમના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેઓ ખૂબ ઠપકો આપતા પણ આની પાછળ તેમનો કોઈ સ્વાર્થ કે અહંકાર નહોતાં. આમ કરવા પાછળની ભાવના તો આ જ હતી કે સાધકના જીવનમાં કોઈ આધ્યાત્મિક વિઘ્ન ન આવે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા કે નિયમોના પાલનથી જ નિયમોની પર જવાનું છે. સાધકે સાધનાની શરૂઆતના સમયમાં એક ખાસ સાધન-પ્રણાલી અનુસાર ચાલવાનું હોય છે. સ્વામી કૈલાશાનંદજી બ્રહ્મચારીઓને બે બાબતોમાં વિશેષ સાવધાની રાખવાનું કહેતા. એક, વ્યર્થ ચર્ચા અને બીજી, સમાચારપત્રોની રાજનીતિ. સાધુ-બ્રહ્મચારીઓ પણ સમાચારપત્રો ન વાંચવાના આ નિયમનું આનંદપૂર્વક પાલન કરતા. આ વિશે એક મજેદાર પ્રસંગ છે.

મહારાજ ત્યારે ચેન્નઈ મઠના અધ્યક્ષ હતા. આશ્રમમાં એક બ્રહ્મચારી મહારાજ ઇલેક્ટ્રીક વસ્તુઓનું કામ કરતા હતા. આશ્રમના આંગણામાં એક બલ્બ ઊડી ગયો હતો. તેઓને ત્યાં નવો બલ્બ લગાડવાનો હતો અને બલ્બ લગાડવા માટે ખુરશીની જરૂર હતી. ત્યાં એક ગોળ ટેબલ અને ખુરશીઓ હતાં, જ્યાં વિભિન્ન સમાચારપત્રો રાખેલાં હતાં. તેઓ ખુરશી લેવા માટે ત્યાં ગયા અને સ્વાભાવિક રીતે જ તેમની નજર સમાચારપત્રના મુખ્ય પાના પર પડી. જેવી બ્રહ્મચારી મહારાજની દૃષ્ટિ સમાચારપત્ર પર પડી કે જેનાથી તેઓ અજાણ હતા, તેમણે એક મોટી ગર્જના સાંભળી, જાણે કે કોઈ ક્રોધિત સિંહ ગર્જના કરતો હોય! અચાનક આવો અવાજ સાંભળીને બ્રહ્મચારી મહારાજ ડરના માર્યા ધ્રૂજવા લાગ્યા અને હાથમાંથી બલ્બ નીચે પડીને ફૂટી ગયો. તે કંઈ સમજી શકે તે પહેલાં જ સ્વામી કૈલાશાનંદ મહારાજે તેમને ઠપકો આપવાનું શરૂ કરી દીધું.

પછીથી તે બ્રહ્મચારી મહારાજ રામકૃષ્ણ સંઘના યોગ્ય સંન્યાસી બન્યા. આ ઘટનાનું સ્મરણ કરીને તેઓ કહેતા કે સ્વામી કૈલાશાનંદજી પાસેથી સ્નેહમય શિક્ષણ મેળવીને તેમને આધ્યાત્મિક જીવનમાં ખૂબ લાભ થયો.

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.