સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમના નામ પ્રમાણે જ તેઓ સ્વભાવથી તપસ્વી હતા. તેમનું જીવન એક આદર્શ સંન્યાસીનું જીવન હતું, જે તેમના રોજબરોજના જીવનના પ્રત્યેક કાર્યમાં ઝળકતું હતું. મહારાજજી એક કુશળ પ્રશાસકની સાથે બહુ મોટા વિદ્વાન પણ હતા. તેમણે અંગ્રેજીમાં ઘણાં પુસ્તકો લખ્યાં છે અને કેટલાક મૂળ ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો છે. દરેક મહાન કાર્યની પાછળ અતિ અધિક શ્રમ અને લગન હોય છે. પૂજ્ય મહારાજજીએ સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો, જે આજે પણ ઘણા લોકો અતિ ઉત્સાહપૂર્વક વાંચે છે.

સ્વામી તપસ્યાનંદજી મહારાજ એ વખતે ચેન્નાઈ મઠના અધ્યક્ષ હતા. ચેન્નાઈ મઠથી અનેક અંગ્રેજી અને તમિલ-તેલુગુ પુસ્તકોનું પ્રકાશન થતું હતું. એક વાર ચેન્નાઈ આશ્રમમાંથી બે સંન્યાસીઓ બેંગલોરના પુસ્તક પ્રદર્શનમાં રામકૃષ્ણસંઘ દ્વારા પ્રકાશિત સાહિત્ય વેચાણ કેન્દ્ર પર લઈ ગયા. ત્યાંથી પરત આવતાં જ સ્વામી તપસ્યાનંદજીએ તેમને પુસ્તક વેચાણ બાબતે પૂછ્યું. બંને સંન્યાસીઓએ પૂરું વિવરણ આપતાં કહ્યું કે ત્યાં શ્રીમદ્ ભાગવતના અંગ્રેજી અનુવાદની બહુ જ માગ હતી અને પુસ્તક પ્રદર્શનમાં ક્યાંય પણ એ ગ્રંથ ઉપલબ્ધ નહોતો. તેઓએ સ્વામી તપસ્યાનંદજીને વિનંતી કરી કે જો તેઓ આ ગ્રંથનો અનુવાદ કરે તો અંગ્રેજી વાચક તેનો લાભ લઈ શકે અને રામકૃષ્ણ મિશન દ્વારા એવા સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ થાય એવી અપેક્ષા પણ વાચકો દ્વારા કરવામાં આવી છે.

જ્યારે બંને સંન્યાસીઓએ આ પ્રસ્તાવ રાખ્યો, ત્યારે મહારાજજીની ઉંમર ૭૫ વર્ષની હતી. મહારાજજીએ સ્પષ્ટ કહી દીધું કે આ ઉંમરે શ્રીમદ્ ભાગવત જેવા મોટા સંસ્કૃત ગ્રંથનો અંગ્રેજી અનુવાદ તેમનાથી નહિ થઈ શકે. પરંતુ જ્યારે તેમને આ વિષયમાં વધુ આગ્રહ કર્યો, ત્યારે તેમને કહ્યું કે તેઓ વિચારીને કહેશે.

એક અઠવાડિયા પછી સ્વામી તપસ્યાનંદજી મહારાજે બંને સાધુઓને બોલાવીને કહ્યું કે જો તેઓ શ્રીમદ્ ભાગવતના અંગ્રેજી અનુવાદના કાર્યનો આરંભ કરે, તો તેને પૂર્ણ કરતાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગશે. સાધુઓએ કહ્યું, ‘સમયનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ અમને આપના સ્વાસ્થ્યની ચિંતા છે.’ મહારાજે આ બાબતમાં કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી. પછીના દિવસે તેમણે એક સંન્યાસીને એક બાજુ વપરાયેલા અને એક બાજુ કોરા એવા કાગળોનો જથ્થો લાવવા કહ્યું. મહારાજ હંમેશાં એવા જ કાગળોનો ઉપયોગ કરતા. તેમનું કહેવું હતું કે બધી જ સંપત્તિ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની છે અને આપણે તેનો સદુપયોગ કરવો જોઈએ. મહારાજે ફરી એ જ સંન્યાસીને પાટી-પેન લાવવા કહ્યું. સંન્યાસી સાંભળીને અવાચક થઈ ગયા કે પાટી-પેન લઈને મહારાજ શું કરશે ! મહારાજે કહ્યું, ‘ક્યારેક ક્યારેક અનુવાદની ભાષા બરાબર ન હોય તો શા માટે કાગળ બગાડવો? જો મારી પાસે પાટી હોય, તો તેમાં લખીને ભૂંસી પણ શકાય અને સુધારેલો અનુવાદ પછીથી કાગળ પર લખી શકાય.’

મહારાજે કાર્યનો શુભારંભ કરી દીધો. કાર્યાલયમાં બેસીને પણ તેઓ અનુવાદ કર્યા કરતા હતા. જ્યારે ભક્તો આવે ત્યારે કલમ મૂકી તેમની સાથે વાતો કરતા અને તેમના ગયા પછી ફરી પોતાનું કાર્ય શરૂ કરી દેતા. આવું તેઓ બહુ સરળતાથી કરી શકતા હતા, આથી તેમના વિચારપ્રવાહમાં કોઈ ખલેલ પહોંચતી ન હતી.

કેટલાક દિવસો પછી તેમણે એ જ સંન્યાસીને બોલાવીને કહ્યું, ‘જુઓ, સમયના અભાવને કારણે આ અનુવાદનું કાર્ય બહુ ધીમી ગતિએ થઈ રહ્યું છે. એટલે હું વિચારું છું કે વહેલી સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અનુવાદનું કાર્ય કરું અને ત્યાર પછી મારી નિત્ય ઉપાસના કરવા બેસું.’ સાધુ પણ ભાવુક થઈ ગયા કે મહારાજને આ ઉંમરે પણ આટલો પરિશ્રમ કરવો પડે છે.

કેટલાક દિવસ બાદ રાજ્ય વિદ્યુત વિભાગે એક સૂચનાપત્ર બહાર પડ્યો કે નિશ્ચિત વિદ્યુત યુનિટ વપરાયા પછી વધારાના યુનિટ પર બમણું બિલ ભરવું પડશે. આથી મહારાજ ચિંતામાં પડી ગયા. સાધુ લોકો ખુશ થયા કે હવે મહારાજ પ્રાત :કાળ ૩ વાગ્યે ઊઠીને અનુવાદનું કાર્ય બંધ કરી દેશે. જ્યારે મહારાજે એક સંન્યાસીને ફાનસ લાવવાનું કહ્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. મહારાજ પ્રાત :કાળ ફાનસના અજવાળામાં અનુવાદ કરવા ઇચ્છતા હતા. સાધુઓએ તેનો વિરોધ કર્યો કે આમ કરવાથી મહારાજની આંખો બગડી જશે. પરંતુ મહારાજે કહ્યું કે બાળપણમાં ગામડામાં રહેતા ત્યારે તેઓ ફાનસનો જ ઉપયોગ કરતા હતા અને તેમને એની આદત છે. સદ્નસીબે કેટલાક દિવસો પછી રાજ્ય વિદ્યુત વિભાગે એ પ્રતિબંધ હટાવી દીધો.

અનુવાદ કરતી વખતે પહેલાં મહારાજ પાટીમાં લખતા હતા અને પછી કાગળ પર લખી ટાઇપિસ્ટને આપ્યા પછી અંગ્રેજીના એક વિદ્વાન ભક્તને પ્રૂફ સંશોધન માટે દેતા. બે વર્ષ સુધી આવી રીતે કામ કર્યા પછી તેમનો અનુવાદ પૂર્ણ થયો. તેમણે એક સંન્યાસીને બોલાવ્યા અને બાળસહજ આનંદ વ્યક્ત કરીને તેમના હાથમાં પાંડુલિપિ સોંપી રાહતનો દમ લીધો.

પરંતુ ત્યાર પછી જે થયું, તેમાં સાચે જ પૂજનીય મહારાજની અનાસક્તિ પ્રતિબિંબિત થાય છે. તેમણે એક સંન્યાસીને બોલાવીને પુસ્તકની છપાઈ વગેરે માટે થનાર ખર્ચનું મૂલ્યાંકન કરવાનું કહ્યું. એક-બે દિવસ પછી તે સંન્યાસીએ પૂ.મહારાજને કહ્યું કે શ્રીમદ્ ભાગવતના અંગ્રેજી અનુવાદને ચાર ભાગોમાં સારી રીતે છપાવવામાં લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ થશે. યાદ રહે કે પૂજનીય મહારાજ ત્યારે રામકૃષ્ણ મઠ, ચેન્નાઈના અધ્યક્ષ હતા અને ચેન્નાઈ મઠથી પુસ્તકોનું પ્રકાશન પણ થતું હતું.

મહારાજને આ ખર્ચ બહુ વધારે લાગ્યો. તેમણે સંન્યાસીને બોલાવીને કહ્યું, ‘આ કાર્ય માટે શ્રીરામકૃષ્ણદેવની સંપત્તિનો આટલો વ્યય કરવો ઉચિત નથી.’ તેમણે સંન્યાસીને કહ્યું કે પાંડુલિપિનો થપ્પો બાંધી તેને ક્યાંક રાખી દે. બધાને દુ :ખ થયું કારણ કે સૌએ મહારાજને બે વર્ષ સુધી નિરંતર આ કાર્ય કરતા જોયા હતા. પરંતુ મહારાજના મનમાં આને માટે કોઈ દુ :ખ ન હતું. સાધુઓએ મહારાજને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પુસ્તક છપાઈ ગયા પછી તેના વેચાણથી મળેલી રકમથી તે ખર્ચની ભરપાઈ થઈ જશે, પરંતુ મહારાજ ન માન્યા. અંતત : સાધુઓએ તેમને સમજાવીને કહ્યું કે તેઓ પૂર્વ પ્રકાશન પ્રસ્તાવ યોજના દ્વારા બે લાખની રકમ જમા કરાવ્યા પછી પુસ્તક છપાવવા મોકલશે. અનિચ્છાએ તેમણે આ માટે સહમતી આપી. આ સિવાય પણ મહારાજે પોતે પણ સિંગાપુર તથા મલેશિયામાં શ્રીમદ્ ભાગવત ઉપર પ્રવચનો આપ્યાં હતાં અને તેથી પણ દાનની રકમ પ્રાપ્ત થઈ શકી હતી.

આપણે ગીતામાં વાંચીએ છીએ કે આપણે કર્મ કરવું જોઈએ, પરંતુ તેના ફળની ઇચ્છા ન હોવી જોઈએ. સ્વામી તપસ્યાનંદજી મહારાજનું જીવન તેનું જ્વલંત ઉદાહરણ હતું.

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.