ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. શ્રીરાધાજી તેમની જ સ્વરૂપા શક્તિ છે. શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણની અભિન્નતા શાસ્ત્રસંમત પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ દિવ્ય ચિન્મય આનંદવિગ્રહ અને રાધાજી દિવ્ય ચિન્મય પ્રેમવિગ્રહ છે. શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે. એક પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :

यथा त्वं च तथाहं च भेदो हि नावयोर्ध्रुवम् ।

यथा क्षीरे च धावल्यं यथाग्नौ दाहिका सति ।

यथा पृथिव्यां गन्धश्च तथाहं त्वयि संततम् ॥

‘હે રાધાજી ! જે તમે છો, એ જ હું છું. આપણા બન્નેમાં કિંચિત્ પણ ભેદ નથી. જેમ દૂધમાં ધવલપણું, અગ્નિમાં દાહિકાશક્તિ અને પૃથ્વીમાં ગંધ છે, તે જ રીતે હું તમારામાં અને તમે મારામાં છો.’

येयं राधा यश्च कृष्णो रसाब्धि

र्देहश्चैक: क्रीडनार्थं द्विधाभूत् ।

देहो यथा छायया शोभमान:

श्रृण्वन् पठन् याति तद्धाम शुद्धम् ॥

‘આ રાધાજી અને શ્રીકૃષ્ણ આનંદરસના સાગર છે. તેઓ એક જ છે. લીલા કરવા માટે તેમણે બે સ્વરૂપો ધારણ કર્યાં છે. જેમ છાયાથી દેહ શોભાયમાન છે, તેમ શ્રીરાધાજીથી શ્રીકૃષ્ણ શોભાયમાન બને છે. તેમનાં ચરિત્ર વાંચવા-સાંભળવાથી જીવ તેમના શુદ્ધ પરમધામને પ્રાપ્ત કરે છે.’

લીલાવિહારી ભગવાન શ્રીકૃષ્ણ રસેશ્ર્વર છે. નિત્ય વિહારિણી, નિત્યવિહારની બીજભૂતા, રસસાગરા, મહારાસની અધિષ્ઠાત્રી દેવી ભગવતી શ્રીરાધિકાજી રસેશ્ર્વરી છે. રસેશ્ર્વર અને રસેશ્ર્વરીના મહામિલનને જ મહારાસ કહે છે. આ મહારાસ નિત્ય છે, અખંડ છે, અનંત છે. કણ અને બ્રહ્માંડમાં શ્રીરાધાકૃષ્ણનું નૃત્ય અવિરત ચાલુ જ છે. બ્રહ્માંડ જાણે તેમના નૃત્ય માટેનો ચોક છે, રાસચોક છે. શ્રીકૃષ્ણ અને રાધા એક છે. લીલાર્થે બે બને છે. આ અદ્વિતીય છતા બેનું મિલન તે જ મહારાસ છે.

પદ્મપુરાણ, પાતાલખંડ : 50- 57માં ભગવાન શિવજી દેવર્ષિ નારદજીને કહે છે :

बहूनां किं मुनिश्रेष्ठ विना ताभ्यां न किंचन ।

चिदचिल्लक्षणं सर्वं राधाकृष्णमयं जगत् ॥

‘હે મુનિવર ! અધિક તો શું કહું ? આ સમગ્ર અસ્તિત્વમાં તેમના સિવાય કશું નથી. આ અખિલ જડચેતન જગત શ્રીરાધાકૃષ્ણમય જ છે.’

એક રૂપમાં શ્રીરાધાજી શ્રીકૃષ્ણનાં આરાધિકા છે. અન્ય રૂપમાં શ્રીરાધાજી શ્રીકૃષ્ણની આરાધ્યા, ઉપાસ્યા પણ છે. ‘आराध्यते असौ इति राधा’ જેમની આરાધના થાય છે, તે શ્રીરાધાજી છે. શક્તિ અને શક્તિમાન વચ્ચે અભેદ હોવા છતાં તેમના કોઈ સ્વરૂપમાં શક્તિની પ્રધાનતા હોય છે, તો બીજા કોઈ સ્વરૂપમાં શક્તિમાનની પ્રધાનતા હોય છે. શ્રીરાધાવલ્લભી સંપ્રદાયમાં શ્રીરાધાજીની આરાધના થાય છે. અને શ્રીકૃષ્ણને શ્રીરાધામંદિરના દ્વારપાળ પણ બતાવવામાં આવે છે. જુઓ ભક્તોની ભાવવિચિત્રતા.

‘रस्यते अ सौ इति रस:’ ‘આ વ્યુત્પત્તિ અનુસાર રસની સત્તા જ આસ્વાદન માટે છે. પોતાને પોતાનું આસ્વાદન કરાવવા રસરાજ રસરૂપ (रसो वै स:) શ્રીકૃષ્ણ પોતે જ શ્રીરાધાજી બની જાય છે. એટલે વ્રજરસમાં ‘શ્રીરાધા’નો વિશેષ મહિમા છે. શ્રીકૃષ્ણ પ્રેમના પૂજારી છે તેથી તેઓ પોતાનાં પુજારણ શ્રીરાધાજીની પૂજા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીરાધાજીને પોતાના હાથથી સજાવે છે, શણગારે છે. શ્રીરાધાજી રૂઠે ત્યારે શ્રીકૃષ્ણ પોતાના પ્રાણને ન્યોચ્છાવર કરીને શ્રીરાધાજીને પ્રસન્ન કરે છે.

‘चाँपत चरन मोहनलाल

‘देख्यो दुश्यो मैं कुंज कुटीर में

बैठ्यो पलोटण राधिका पावन ।’

આ ઉક્તિઓ દ્વારા રસિક કવિઓએ શ્રીકૃષ્ણની આ પ્રેમપ્રવણતા અને શ્રીરાધાકૃષ્ણના યુગલ સ્વરૂપનો પરિચય આપ્યો છે.

ભક્ત કવિ જયદેવ ‘ગીતગોવિંદ’માં લખે છે :

स्मरगरलखण्डनं ममशिरसिमण्डनं

देहि पदपल्लवमुदारम् ।

ज्वलति मयि दारुणो मदन कदनानलो

हरतु तदुपहितविकारम् ॥

શ્રીકૃષ્ણ શ્રીરાધિકાજીને કહે છે,  ‘હે પ્રાણપ્રિયા ! કામદેવ રૂપી વિષનો નાશ કરનાર, અલંકાર સ્વરૂપ અનેક નવીન પર્ણો જેવાં કોમળ તારાં ચરણો મારા મસ્તક ઉપર મૂક. કામાગ્નિ (પ્રેમવિરહાગ્નિ) મારા હૃદયને બાળી રહ્યો છે. હે પ્રિયે ! તારાં ચરણનો સ્પર્શ તે અગ્નિને શાંત કરશે.’

આ શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ શ્રીરાધાજીનાં ચરણોને મસ્તક પર ધારણ કરવા ઇચ્છે છે. તેઓ શ્રીરાધાજીનાં ચરણપલ્લવની યાચના કરે છે.

જે એક છે, તે બે સ્વરૂપો ધારણ કરે, ત્યારે તો તેમની દ્વૈતાદ્વૈતલીલા આવી જ હોય ને !

શ્રીરાધાકૃષ્ણનાં સ્વરૂપ અને સંબંધને બુદ્ધિપૂર્વક સમજવાનું કાર્ય અશક્ય છે. શ્રીરાધા-કૃષ્ણતત્ત્વ સર્વથા અપ્રાકૃત છે. તેમની અપ્રાકૃતલીલા અપ્રાકૃત મન-બુદ્ધિ-દેહ દ્વારા અપ્રાકૃત પાત્રોમાં થાય છે. અપ્રાકૃત લીલાને જોવા, સાંભળવા, કહેવા, સમજવા માટે અપ્રાકૃત નેત્ર, કર્ણ, વાણી અને મનબુદ્ધિ જોઈએ. અપ્રાકૃતધામ ગોલોકથી આ લીલા કિંચિત્કાળ માટે આપણા આ ધરાતલ પર ઊતરી આવી, આ પ્રાકૃત જગતમાં પ્રગટ થઈ, તે પણ એક વિસ્મયજનક અપ્રાકૃત ઘટના જ છે ને! અપ્રાકૃત જગતમાંથી તેઓ પ્રાકૃત જગતમાં અવતરે એટલે તેઓ પ્રાકૃત બની જતા નથી, તેઓ તો અપ્રાકૃત જ રહે છે. હા, તેઓ પ્રાકૃત આવરણ ધારણ કરે છે અને પ્રાકૃત લાગે તેવી લીલા પણ રચે છે, છતાં તેઓ યુગલ સ્વરૂપ અપ્રાકૃત છે અને તેમની લીલાઓ પણ અપ્રાકૃત જ રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણ ઘનીભૂત આનંદ છે અને શ્રીરાધાજી ઘનીભૂત પ્રેમ છે. ભગવાનના આ આનંદ સ્વરૂપની પ્રતિમૂર્તિ જ પ્રેમવિગ્રહરૂપા શ્રીરાધાજી છે. શ્રીરાધાજી પ્રેમમયી અને શ્રીકૃષ્ણ આનંદમય છે. જ્યાં આનંદ છે ત્યાં પ્રેમ છે અને જ્યાં પ્રેમ છે ત્યાં આનંદ છેે. પ્રેમ અને આનંદનું અદ્વૈત તે જ રાધાકૃષ્ણનું અદ્વૈત દિવ્ય પ્રેમરસસારવિગ્રહ હોવાથી શ્રીરાધાજી મહાભાવસ્વરૂપા છે. તે નિત્ય નિરંતર પ્રિયતમ શ્રીકૃષ્ણને આનંદ પ્રદાન કરતાં રહે છે. ભગવાન શ્રીકૃષ્ણ તો પૂર્ણબ્રહ્મ છે. તેમને પ્રેમસુખેચ્છા શા માટે હોય ? કેવી રીતે હોય એવો પ્રશ્ન થઈ શકે છે.

ભાવ અને પ્રેમ પરમાત્માથી પૃથક્ નથી. પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. શ્રીરાધાજી પ્રેમના આશ્રય છે અને શ્રીકૃષ્ણ પ્રેમના વિષય છે. શ્રીરાધાજીનો દિવ્ય અપ્રાકૃત ભાવ જ પરબ્રહ્મ શ્રીકૃષ્ણમાં દિવ્ય પ્રેમસુખેચ્છા ઉત્પન્ન કરી શકે છે. શ્રીરાધાજીનો દિવ્ય પ્રેમ અચિંત્ય અને અનિર્વચનીય છે. શ્રીરાધાજીનો કૃષ્ણપ્રેમ પરમ પવિત્ર, પરમ વિશદ્ધ અને પરમ ઉજ્જવળ છે. સુવર્ણને અગ્નિમાં વારંવાર તપાવવાથી તેની અશુદ્ધિઓ બળીને ભસ્મ થઈ જાય છે. તેવો જ અત્યંત શુદ્ધ અને ઉજ્જવળ સુવર્ણ સમાન શ્રીરાધાજીનો કૃષ્ણપ્રેમ છે.

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.