મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી હતી, તેથી તેના પરિવારના સભ્યોએ કાયમ માટે તેને ઘરની બહાર કાઢી મૂકી. હવે તે એકલી રહેતી હતી અને ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરે છે. ત્યાં નજીકમાં આવેલ એક દેવી મંદિરની સાફ-સફાઈનું કાર્ય કરતી. દરરોજ સફાઈ કાર્ય કરતી વખતે દેવીને પ્રાર્થના કરતાં કહેતી, ‘હે માતા! જુઓ, હું કેવા રોગનો ભોગ બની છું. મારો રોગ મટાડી દો.’ આટલું બોલતાં તે રડી પડતી. તેના ઘરમાં બે ચિત્રો હતાં- એક શ્રીમા શારદાદેવીનું અને બીજું સ્વામી વિવેકાનંદનું. એ મહિલા શ્રીમાને ‘મેડમ’ અને સ્વામી વિવેકાનંદને ‘નરેન સ્વામી’ એવું સંબોધન કરતી. તેને ખબર નહોતી કે આ બન્ને કોણ છે.

એક રાત્રે તે મહિલાને સ્વપ્નમાં ‘મેડમ’ સ્વરૂપે શ્રીમા શારદાદેવી આવ્યાં અને કહેવા લાગ્યાં, ‘તને કોઈ વિશેષ રોગ નથી. તું નાગપુર જા ત્યાં મારાં સંતાનો છે. તું ત્યાં જા. તને સારું થઈ જશે.’

તે જ દિવસે તેણે નાગપુર જવા માટે કોઈકની પાસે પૈસા માગ્યા અને બસ દ્વારા તે નાગપુર પહોંચી. નાગપુર બસ સ્ટેન્ડ પર ઊતર્યા બાદ તે બન્ને ચિત્રો જે મળે તેને બતાવીને પૂછે છે, ‘નરેન સ્વામી અને આ મેડમ ક્યાં છે?’ આ ચિત્ર ઓળખીને કોઈકે કહ્યું, ‘અહીં ધંતોલીમાં એક આશ્રમ છે ત્યાં જાઓ.’

આ મહિલા ત્યાં આવી. આશ્રમમાં એક હાૅસ્પિટલ છે. હાૅસ્પિટલ શરૂ થયે માત્ર બે વર્ષ થયાં હતાં. તે મહિલા વહેલી સવારે ત્યાં પહોંચી ગઈ. ત્યાં એક મહિલા સફાઈ કરી રહી હતી. તે મહિલાએ તે બન્ને ચિત્રો સફાઈ કામદારને બતાવ્યાં. સફાઈ કામદારે કહ્યું, ‘ત્યાં આશ્રમ છે, મંદિરમાં જાઓ.’ મંદિરમાં જઈ તેણે જોયું કે તેની પાસે જે બે ચિત્રો હતા તેવાં જ ચિત્રો અહીં છે. પછી તે કોઈકને પૂછ્યું, ‘આ બે ક્યાં છે?’ તે વ્યક્તિએ મહિલાને સામો પ્રશ્ને કર્યાે, ‘તમને શું જોઈએ છે?’ મહિલાએ તરત જ જવાબ આપ્યો, ‘ આ મેડમે મને કહ્યું હતું કે મારાં સંતાનો નાગપુરમાં છે. તેઓ તમારા રક્તપિત્તના રોગને મટાડી દેશે.’

પેલી વ્યક્તિએ મહિલાને દવાખાનામાં મોકલી. ત્યાં એક નર્સ આવી અને તેણે ચામડીના વિશેષજ્ઞ ડાૅક્ટર ઉદય ચોરસિયાને ફોન કર્યાે અને કહ્યું, ‘સાહેબ, એક મહિલા આવી છે. તે કહે છે કે શ્રીમાએ તેને સ્વપ્નમાં કંઈક કહ્યું છે.’ આમ કહી નર્સે ડાૅક્ટરને ફોન પર મહિલા વિશે સવિસ્તાર વાત કહી અને કહ્યું, ‘સાહેબ, આજે તો તમે હાૅસ્પિટલમાં આવવાના નથી. શું તેને તમારા પ્રાઈવેટ ક્લિનિકમાં મોકલું?’ ડાૅક્ટરે જવાબ આપ્યો, ‘હા, મોકલો.’ એ મહિલાને ત્યાં મોકલવામાં આવી. ત્યાં એક અન્ય નર્સ હતી-ડાૅક્ટરની સહાયિકા. તેણે મહિલાની બધી વાત શાંતીથી વિસ્તારપૂર્વક સાંભળી અને ડાૅક્ટરને જણાવ્યું. ડાૅક્ટરે મહિલાને ૧૫ દિવસની દવા આપી અને કહ્યું, ‘બધું સારું થશે. હવે ૧૫ દિવસ પછી આવજો.’ દવા આપ્યા પછી સહાયિકાએ પૂછ્યું, ‘હવે તમે ક્યાં જશો?’

મહિલાએ કહ્યું, ‘મારે ગામ જઈશ. કોઈકની પાસે ભાડાના પૈસા માગી લઈશ. નહીંતર જે આ નરેન સ્વામી છે ને(ફોટો બતાવીને) તે બધી વ્યવસ્થા કરી દેશે.’ આ સાંભળીને સહાયિકાએ તે મહિલાના હાથમાં ૧૫૦ રૂપિયા આપ્યા. તે મહિલાએ કહ્યું, ‘જોયું, નરેન સ્વામીએ વ્યવસ્થા કરી દીધીને?’ આટલું કહીને મહિલા પોતાને ગામ ચાલી ગઈ. આ સહાયિકાએ ડાૅક્ટરને કહ્યું કે ‘આ મહિલા જ્યારે બીજી વખત આવે ત્યારે તેને બે-ત્રણ મહિનની દવા એકીસાથે આપી દેજો. તેને વારંવાર બોલાવવી નથી.’ પાછળથી જાણવા મળ્યું કે તે મહિલાનો રોગ મટી ગયો હતો. સ્વામી રાઘવેન્દ્રાનંદજીએ ૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ આ ઘટના કહી સંભળાવી અને કહ્યું, ‘ગયા શુક્રવાર(૨૭ માર્ચ)ની આ ઘટના છે. અર્થાત્ સાત દિવસ પહેલાંની.’

તો જુઓ, શ્રીમા શારદાદેવી આજેય સાક્ષાત્ વિદ્યમાન છે. જે પણ પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક શ્રીમાને પોકારશે, તેને અવશ્ય ઉત્તર સાંપડશે. શ્રીમા શારદાદેવી આદિશક્તિ છે. તેઓ આજેય વિદ્યમાન છે.

શ્રીમા શારદાદેવીનો જય હો.

Total Views: 311

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.