સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને લજ્જા આવી રહી હતી કે તેઓ આર્થિક મદદ મેળવવાની આશાથી પોતાના મિત્ર પાસે ગયા હતા. તેઓ શ્રીકૃષ્ણના દર્શનથી થયેલ આનંદની હેલીમાં ઘર તરફ જઈ રહ્યા હતા. તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, ‘અરે! કેટલા આનંદ અને આશ્ચર્યની વાત છે! ભગવાન શ્રીકૃષ્ણનો પોતાના ભક્તોની તરફનો અનુપમ પ્રેમ મને સ્વયં અનુભવ કરવાનું સૌભાગ્ય મળ્યું. જેમના વક્ષઃસ્થળ પર સ્વયં લક્ષ્મીજી સદાય વિરાજમાન રહે છે, તેમણે મારા જેવા અત્યંત ગરીબને પોતાના ગળે લગાડ્યો. આટલું જ નહીં, તેમણે મને પોતાના પલંગ પર શયન કરાવડાવ્યું, જાણે કે હું એમનો સગો ભાઈ હોઉં! આહ, દેવતાઓના આરાધ્ય હોવા છતાં પ્રભુએ મારા પગ દબાવીને મારી સેવા કરી! પરમ દયાળુ શ્રીકૃષ્ણે એમ વિચારીને મને થોડુંક પણ ધન આપ્યું નહીં કે ક્યાંક આ ગરીબ ધન મેળવીને પાગલ ન થઈ જાય અને એમને ભૂલી જાય!’

આવી રીતે વિચાર કરતા કરતા સુદામા પોતાના ઘરની નજીક પહોંચી ગયા. ત્યાં તેઓ જુએ છે કે જ્યાં એમની ભાંગી-તૂટી ઝૂંપડી હતી ત્યાં એક રત્નજડિત વિશાળ મહેલ ઊભો છે! એમને પોતાની આંખો પર વિશ્વાસ આવ્યો નહીં. ત્યાં એમણે અનેક ઉપવન અને બગીચા જોયાં અને રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં તે જોયું. આ સ્થાનને જોઈને સુદામા વિચાર કરવા લાગ્યા, ‘હું આ શું જોઈ રહ્યો છું? આ કોની જગ્યા છે? જો આ તે જ સ્થળ છે કે જ્યાં હું રહેતો હતો તો આ આવું કેવી રીતે બની ગયું?’ તેઓ આવું વિચારી રહ્યા હતા ત્યાં જ સુંદર સુંદર સ્ત્રી-પુરુષો મંગળગીતો ગાતાં ગાતાં એમનો સત્કાર કરવા માટે આવ્યાં. પતિદેવનું શુભાગમન થયું છે એ સાંભળીને એમની પત્ની પણ ઝડપથી ઘરની બહાર નીકળી આવી. પોતાની પત્નીને કોઈ દેવાંગના જેવી અત્યંત શોભાયમાન અને સુંદર વસ્ત્રો તેમજ અલંકારો વડે સુસજ્જિત જોઈને સુદામા વિસ્મિત થઈ ગયા. એમણે સમજી લીધું કે એમની આ સંપત્તિ-સમૃદ્ધિનું કારણ એક જ હોઈ શકે કે શ્રીકૃષ્ણે એમના પર કૃપા કરી છે. સુદામા વિચારવા લાગ્યા, ‘મારો વહાલો મિત્ર શ્રીકૃષ્ણ આપે છે ઘણું જ, પણ એને માને છે થોડુંક! અને એમનો ભક્ત કદાચ એમના માટે થોડું પણ કંઈક કરી દે, તો તેઓ એને ઘણું જ માની લે છે. જુઓ તો ખરા! મેં ફક્ત એમને એક મુઠ્ઠી પૌંવા ભેટ ધર્યા હતા, પરંતુ દયાળુ ભગવાને એનો કેટલા પ્રેમથી સ્વીકાર કર્યાે! મને સંપત્તિની જરૂરિયાત નથી. હું તો બસ એ જ ઇચ્છું છું કે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ વધતો જાય.’

આ પ્રકારનો નિશ્ચય કરીને સુદામા પોતાની પત્નીની સાથે આટલા વૈભવની વચ્ચે પણ અનાસક્ત ભાવથી રહેવા લાગ્યા. તેઓ તો હર પળ શ્રીકૃષ્ણના ધ્યાનમાં જ તન્મય રહેતા. ધ્યાનના પ્રભાવથી એમને થોડાક જ સમયમાં ભગવાનનું નિત્યધામ કે જે સંતોનો એક માત્ર આશ્રય છે, પ્રાપ્ત થયું.

શ્રીકૃષ્ણનું બહુલાશ્વ અને શ્રુતદેવને ત્યાં જવું:

વિદેહની રાજધાની મિથિલામાં શ્રુતદેવ નામના એક અત્યંત ધાર્મિક અને કૃષ્ણભક્ત બ્રાહ્મણ રહેતા હતા. તેઓ પરમ શાંત, જ્ઞાની અને વિરક્ત હતા. તેઓ અત્યંત સંતોષી હતા અને એમને ભગવાનની ઇચ્છાથી જે કંઈ મળી જાય, એનાથી જ પોતાનો સંસાર ચલાવતા હતા. એ દેશના રાજા પણ એ બ્રાહ્મણની જેમ જ ભક્તિમાન હતા. એમનું નામ હતું બહુલાશ્વ.

એક વાર શ્રીકૃષ્ણને શ્રુતદેવ અને બહુલાશ્વ પર કૃપા કરવાની ઇચ્છા થઈ. એમણે પોતાના રથ પર સવાર થઈને વિદેહ દેશની તરફ જવા માટે પ્રયાણ કર્યું. એમની સાથે નારદ, વામદેવ, વ્યાસ વગેરે ઋષિઓ પણ હતા. તેઓ જ્યાં જ્યાં પહોંચતા, ત્યાં ત્યાંના નાગરિકો પૂજાની સામગ્રી લઈને ઉપસ્થિત થઈ જતા. શ્રીકૃષ્ણના મુખારવિંદ તથા ઉન્મુક્ત હાસ્યે લોકોના મનમાં સુખ અને શાંતિનો સંચાર કર્યાે. આ પ્રમાણે યાત્રા કરતાં કરતાં શ્રીકૃષ્ણ જલદીથી મિથિલા પહોંચી ગયા. એમના શુભાગમનના સમાચાર સાંભળીને મિથિલાના નાગરિકોના આનંદની સીમા ન રહી. તેઓ પોતાના હાથમાં પૂજાની વિવિધ સામગ્રી લઈને ભગવાનનો સત્કાર કરવા આવી ગયા. શ્રીકૃષ્ણનાં દર્શન કરીને એ બધાંના હૃદય આનંદથી ઊભરાઈ ઊઠ્યાં. તેઓએ શ્રીકૃષ્ણના સંગાથમાં આવેલા ઋષિઓને પણ નતમસ્તક પ્રણામ કર્યા. મિથિલાનરેશ બહુલાશ્વ અને શ્રુતદેવે એમ સમજીને કે ભગવાન શ્રીકૃષ્ણ આપણા પર અનુગ્રહ કરવા માટે આવ્યા છે, પ્રભુના ચરણોમાં પડીને એમને પ્રણામ કર્યા. શ્રીકૃષ્ણનાં દર્શન કરીને બન્ને ભક્તોનાં નેત્રોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યાં. બન્નેએ એકી સાથે મુનિમંડળ સહિત શ્રીકૃષ્ણને પોતપોતાના નિવાસ પર આતિથ્ય સ્વીકાર કરવાનું નિમંત્રણ આપ્યું. શ્રીકૃષ્ણ બન્નેમાંથી કોઈને પણ નિરાશ કરવા ઇચ્છતા ન હતા. આથી એમણે બન્નેની પ્રાર્થના સ્વીકારી લીધી. તેઓ એક જ સમયે જુદા જુદા રૂપમાં બન્નેના ઘરે પધાર્યા અને આ વાત એકબીજાને માલૂમ ન પડી કે ભગવાન મારા ઘર ઉપરાંત બીજે ક્યાંક પણ ઉપસ્થિત છે.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.