સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ પણ તેઓની સાથે હતાં. સ્વામીજીએ નિવેદિતા, સ્વામી તુરીયાનંદ, તેમજ અન્ય કેટલાક અમેરિકન શિષ્યો સાથે ન્યૂયોર્કની પાસેના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત એક રમણીય ભવનમાં ગ્રીષ્મ ઋતુના થોડા મહિના વિતાવ્યા હતા. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5ના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

આ સમય સુધીમાં સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા અનુસાર પૂરા વિશ્વમાં વેદાંતનો પ્રચાર કરી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી દીધી હતી અને જીવનના અંત સુધી પહોંચી ગયા હતા. 1902માં તો તેઓ મહાસમાધિમાં પ્રવેશ કરી દેવાના હતા. ત્યાગ, વૈરાગ્ય, અઢળક આધ્યાત્મિક બોધ પ્રતિક્ષણે તેઓના પ્રત્યેક વર્તન અને વાણીમાં છલકાઈ આવતો હતો.

ક્યારેક સ્વામીજી ‘દોઢ કલાક સુધી પિંજરા-બદ્ધ સિંહની જેમ ડગલાં ભરતાં ભરતાં’ નિવેદિતાને ‘નકલી વિનમ્રતા, બાહ્ય સૌંદર્ય તેમજ ભૌતિક સુખની લાલચની વિરોધમાં’ સાવચેત કરી દેતા અને ‘સમાજ તેમજ ઘરના તુચ્છ સંબંધોનો ત્યાગ કરવાની, ઇન્દ્રિયસુખનાં પ્રલોભનોનો દૃઢતાપૂર્વક સામનો કરવાની, પાનખરમાં વૃક્ષો નિહાળવાનો હર્ષોલ્લાસ એક આરામદાયક પથારી કે એક સ્વાદિષ્ટ મીઠાઈના આનંદ જેટલું જ ઇન્દ્રિયસુખ છે—એ સમજવાની, અને લોકોની પ્રશંસા અને નિંદાને ધિક્કારવાની’ ચેતવણી આપતા.

ક્યારેક તેઓ ભગવાન શિવ વિશે કહેતા: ‘મુક્તઆત્મા માટે ધ્યાન પણ એક બંધન છે. છતાં પણ અનંત અવતાર શિવ વિશ્વકલ્યાણ માટે ધ્યાનમાં મગ્ન છે… કારણ કે ધ્યાન એ સૌથી મહાન અને પ્રત્યક્ષ સેવા છે.’

સ્વામીજી ‘આનંદ તેમજ હાસ્યવિનોદથી ભરપૂર’ શ્રીરામકૃષ્ણની અને દક્ષિણેશ્વરમાં ગંગા કિનારે તેઓની નિશ્રામાં વિતાવેલ દિવસોની વાતો કરતા. માત્ર શિયાળની લાળીથી જ ભંગ થતી સંપૂર્ણ શાંતિમાં વિરાટ વટવૃક્ષ તળે એક પછી એક અનેક રાતો સુધી સ્વામીજીએ પૂરી રાતભર ધ્યાન કર્યું હતું.

નિવેદિતા ક્યારેક સ્વામીજીને પયગંબર કે રાજા કહીને સંબોધન કરતાં. એક પત્રમાં નિવેદિતા લખે છે:

‘‘મેં પયગંબરને શ્રીરામકૃષ્ણ વિશે આટલી વાતો કરતા પહેલાં ક્યારેય સાંભળ્યા નથી. શ્રીરામકૃષ્ણ લોકોનું અમોઘ મૂલ્યાંકન કરી શકતા, એમ તેઓએ (સ્વામીજીએ) કહ્યું. જેમનામાં આપણે કોઈ અપેક્ષા ન રાખી હોય એવી વ્યક્તિઓમાં પણ ઠાકુર સદ્‌ગુણ અને મહાનતા શોધી શકતા. આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે કોણે કેટલો કર્મનો બોજો હળવો કરવાનો છે, એ તેઓ ક્ષણભરમાં માપી શકતા.

‘‘સ્વામીજી કહે છે: ‘માટે જ ઠાકુર પ્રત્યે મારી આસ્થા કૂતરાની પોતાના માલિક પ્રત્યેની આસ્થા જેવી છે. લોકોનું મૂલ્યાંકન કરવામાં હું ઘણી વાર ખોટો પડ્યો છું પણ ઠાકુર તો હંમેશાં સાચા પડ્યા છે. માટે જ મને એમના મૂલ્યાંકન પર આંધળો વિશ્વાસ છે.’

‘‘ઠાકુર કોઈને વશીકૃત કરી માત્ર બે જ મિનિટમાં એના ભૂતકાળ અને ભવિષ્યની બધી વાતો જાણી લેતા એ જોઈ સ્વામીજી આપણી ચેતનાને તુચ્છ ગણતાં શીખ્યા હતા.

‘‘બેલુર મઠમાં બધા માને છે કે સ્વામીજી અર્જુન છે અને બધાએ અનુભવ્યું કે દક્ષિણેશ્વર ઉદ્યાનમંદિરમાં શ્રીકૃષ્ણ ફરીથી પોતાના શિષ્ય અર્જુનને એક નવી ગીતાનો બોધ આપે છે.’’

નિવેદિતા અને બીજાં એક શિષ્યા મેરીએન કલાકો સુધી સ્વામીજીનું સાંનિધ્ય મેળવીને ધન્ય થયાં હતાં. એ એમના માટે સ્વર્ગીય આનંદનો સમય હતો. નિવેદિતા પોતાની જાતને વિસ્મૃત થઈને અને મેરીએન માધુર્યમય નિરવતામાં મગ્ન થઈ સ્વામીજીને સાંભળ્યા કરતાં. સ્વામીજી એક વ્યક્તિની સાથે વાર્તાલાપ કરતા હોય, કે બે વ્યક્તિઓની સાથે ચર્ચા કરતા હોય, કે પછી સભાગૃહમાં વ્યાખ્યાન આપતા હોય—તેઓની વાતોમાં હંમેશાં આધ્યાત્મિક રત્નો વિખરાયેલાં પડ્યાં રહેતાં.

અતિ સામાન્ય વાર્તાલાપમાં પણ સ્વામીજી કોઈ એવી મૂલ્યવાન વાત કરી દેતા કે નિવેદિતા અભિભૂત થઈ તેનો પોતાના પત્રમાં ઉલ્લેખ કરવાનું ભૂલતાં નહીં. એ સમયે સ્વામીજી પોતાની એક શિષ્યા પાસે ચિત્ર દોરતાં શીખતા હતા. તેઓ કવિતા પણ સારી લખી શકતા. પોતે અર્જન કરેલી આ બે સામાન્ય કળાઓ ઉપર તેઓને ગર્વ પણ ઘણો હતો. એક દિવસ ભોજનના સમયે કેટલાક મિત્રોએ તેઓના ગર્વ ઉપર હાસ્યવિનોદ કરવાનું શરૂ કર્યું.

નિવેદિતા લખે છે:

‘‘મિસિસ બુલે કહ્યું કે કવિતા-લેખન ઉપર પોતાના ગર્વને કારણે સ્વામીજીની એટલી બધી મજાક થઈ છે કે હવે તેઓ પોતાની આબરૂ પણ ગુમાવવા બેઠા છે. મિસિસ બુલના પતિ સંગીત શીખતા અને પોતાની સંગીતકળાની ટીકા કે પ્રશંસાને તેઓ ક્યારેય ગણકારતા નહીં પણ રસ્તા બાંધવાની તેમની આવડત પર તેઓને ખૂબ ગર્વ હતો અને કોઈ તેમની પ્રશંસા કરતું તો તેઓ ફૂલીને ફાળકા થઈ જતા.

‘‘આ વાત સાંભળી બધા સ્વામીજીની મજાક ઉડાવવા લાગ્યા કે તેઓ કેવા ધર્મગુરુ છે એ વિશે લોકો શું કહે છે એની તેમને પરવા નથી, પણ તેમની ચિત્રકળા વિશે લોકોના અભિપ્રાય પ્રતિ તેઓ ખૂબ સભાન છે.

‘‘(સ્વામીજીએ મારાં ત્રણ-ચાર ચિત્રો અંકિત કર્યાં છે. એ ચિત્રો મારા કરતાં પણ વધારે કદરૂપાં છે. પણ એ ચિત્રો દોરવાનો સ્વામીજીનો આનંદ અદ્‌ભુત છે. વહાલા ‘રાજા’!)

‘‘એકાએક જાગરૂક થઈ સ્વામીજીએ કહ્યું: ‘યોગ અને પ્રેમ—એ બે અલગ સિદ્ધાંતો છે. પ્રેમ કરતાં અનેકગણો મહાન છે યોગ. હું ધર્મને પ્રેમ નથી કરતો, હું ધર્મ સાથે એકાકાર થઈ ગયો છું. હવે એ જ મારું જીવન છે. સંપૂર્ણ જીવન સમર્પિત કરી પોતે જે કળા મેળવી હોય એને કોઈ પ્રેમ નથી કરતું. જેને તમે પ્રેમ કરો છો એની સાથે તમે એકાકાર નથી થઈ શક્યા.

‘‘‘તમારા પતિ સંગીતને માત્ર પ્રેમ નથી કરતા, તેની સાથે તો તેઓ એકરૂપ થઈ ગયા છે. રસ્તા નિર્માણ વિશે તેઓ વધુ જાણતા નથી માટે તેઓ એને પ્રેમ કરે છે. ભક્તિ અને જ્ઞાન વચ્ચે આ જ તફાવત છે. [ભક્તિમાં તમે પ્રેમ કરો છો અને જ્ઞાનમાં તમે એકાકાર થઈ જાઓ છો.] માટે જ ભક્તિ કરતાં જ્ઞાન અનેકગણું ચડિયાતું છે.’’’

એક વખત સ્વામીજીએ ઠાકુરને કહ્યું હતું કે તેઓ હંમેશને માટે નિર્વિકલ્પ સમાધિમાં મગ્ન થઈ જવા માગે છે. ત્યારે ઠાકુરે એમને ધિક્કારીને કહ્યું હતું કે તારે તો એક વિરાટ વટવૃક્ષ બનવાનું છે કે જેની શીતળ છાયામાં અનેક પીડિત આત્માઓ વિસામો ગ્રહણ કરશે. પણ હવે જીવનના અંતિમ મુકામે પહોંચી સ્વામીજીનું મન ઊર્ધ્વમાર્ગે ધાવિત થઈ રહ્યું હતું. નિવેદિતા લખે છે:

‘સ્વામીજી પહેલાંની જેમ જ સંસારત્યાગ કરવાની વાતો કરતા હતા. નામ અને યશની ઘૃણા તો તેઓએ જીવનભર ગણાવી હતી પરંતુ એનો સાચો અર્થ શું એ માત્ર હવે જ સમજવાનું શરૂ કર્યું છે. વર્તમાન પરિસ્થિતિ એમના માટે અસહનીય બની ચૂકી છે. એક દિવસ એકાએક મારી તરફ ફરી ચહેરા ઉપર ‘પોતે બધું જ ગુમાવી દીધું છે’ એ વિકટ ભાવ સહિત મને કહ્યું, ‘હું અત્યારે ક્યાં છું!’ તેઓ વારંવાર કહેવા લાગ્યા, ‘હે રામકૃષ્ણ! હવે હું તમારી શરણમાં આવું છું. કારણ કે તમારાં શ્રીચરણોમાં જ મનુષ્યનો ઉદ્ધાર છે.’

‘‘આ શરીર તો હવે જવાનું જ છે તો એ ઉગ્ર તપસ્યા દ્વારા જ જશે. હું ઉપવાસ સહિત દિવસમાં દસ હજાર ૐકારનો જપ કરીશ. હિમાલયમાં ગંગાના કિનારે નિ:સંગ ‘હર હર’નો નાદ કરીશ. હું ફરીથી મારું નામ બદલી કાઢીશ અને આ વખતે કોઈને ખબર નહીં પડે કે હું કોણ છું. હું ફરીથી સંન્યાસ દીક્ષા લઈશ અને હવે હું કોઈની પણ પાસે ક્યારેય પાછો નહીં ફરું.

‘‘ફરીથી ધ્યાનની શક્તિ ગુમાવી બેસવાનું દુ:ખ એમના ચહેરા પર ફરી વળ્યું. ‘તમારા મ્લેચ્છો માટે થઈને મેં સઘળું ગુમાવ્યું,’ એમ કહી એક ખિન્ન હાસ્ય અને નિ:શ્વાસ સાથે તેઓ ચાલ્યા ગયા.’’

Total Views: 432

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.