સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું નથી; માત્ર તે જુદે સ્વરૂપે છે. આ પ્યાલો એ કાર્ય છે; તેનું એક કારણ હતું; અને એ કારણ આ પ્યાલારૂપે હાજર છે. કાચ નામના ઉપાદાનનો અમુક જથ્થો, વત્તા બનાવનારના હાથમાંનું બળ, એ છે અનુક્રમે ઉપાદાન અને નિમિત્ત કારણો; એ બંનેએ ભેળાં થઈને ‘પ્યાલો’ નામનો આ આકાર ઉત્પન્ન કર્યો.”

આપણે જોયું કે સ્વામીજી કઈ રીતે સૃષ્ટિની વર્ણના કરે છે. જે કંઈ પણ સૂક્ષ્મ રૂપે છે તેમાંથી કોઈ પણ વસ્તુ સ્થૂળ રૂપે પ્રગટ થાય છે ને વિકાસ પામે છે. જેમ કે, બીજમાંથી વટવૃક્ષ, ઈંડામાંથી પક્ષી તથા વાદળમાંથી નદી બને છે. અંતમાં, સ્થૂળ સ્વરૂપ વટવૃક્ષ બીજ રૂપે સૂક્ષ્મ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. વટવૃક્ષ બીજાં બીજને જન્મ આપીને નાશ પામશે, પક્ષી બીજાં ઈંડાંને જન્મ આપશે અને મૃત્યુ પામશે.

હજારો વર્ષો પહેલાં દર્શનશાસ્ત્રના પિતામહ કપિલ ઋષિએ કહ્યું હતું કે વિનાશ કે મૃત્યુ એ અંત નથી, પરંતુ જે સૂક્ષ્મ બીજમાંથી આપણો જન્મ થયો છે, એ જ સૂક્ષ્મ બીજમાં ફરી વિલીન થઈ જવું તે છે. ઘણાં વર્ષો પહેલાં યુરોપિયન પ્રજા સમજતી હતી કે શરીરના મૃત્યુની સાથે આ જગત-સંસારની સાથેનો આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો. આ જગત-સંસારમાં હવે આપણે આવવાનું નથી. પાછલી સદીમાં જ્યારે પ્રથમ વાર પિરામિડોને ખોલવામાં આવ્યા ત્યારે યુરોપિયન સંશોધકોએ જોયું કે બે-ત્રણ હજાર વર્ષ પહેલાં જે લોકોના મૃત્યુ થઈ ગયા હતા, તેમણે આ પિરામિડો એક નૌકા રૂપે બનાવ્યા હતા, જે એમને મૃત્યુલોકમાં લઈ જાય. પૃથ્વી પર તેમના માટે ભોગ-વિલાસની જે પણ સામગ્રી હતી તે મૃત્યુલોકમાં પણ તેની સાથે રહે અને તેનો ભોગ કરતા રહે માટે જ્યારે પિરામિડોને ખોલવામાં આવ્યા ત્યારે આ બધી વસ્તુઓ ત્યાં જોવામાં આવી હતી. તો આવી યુરોપિયન માનસિકતા હતી. પરંતુ આપણી હિન્દુ પરંપરામાં એ વાત સૌ પ્રથમ કરવામાં આવી કે મૃત્યુ એ અંત નથી. પરંતુ મૃત્યુ છે નવી શરૂઆતનું પ્રથમ સોપાન. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણી ભીતર રહેલો જીવાત્મા પોતાનાં સારાં-નરસાં કર્મોના આધારે નવું શરીર ધારણ કરે છે. આમ, મૃત્યુ એ અંત નહિ, પરંતુ નવીન શરૂઆત છે—આ સત્યની શોધ સૌ પ્રથમ ભારત દેશમાં થઈ હતી.

ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મમાં એવી માન્યતા છે કે શરીરના મૃત્યુ પછી ‘જજમેન્ટ દિવસ’ હોય છે, જ્યારે ઈશ્વર બધાનાં કર્મો અનુસાર તેઓને સ્વર્ગ કે નર્કમાં જવાનો આદેશ કરે છે. ત્યાં તેઓ અનંતકાળ સુધી સ્વર્ગ કે નર્કનો ભોગ કરતા રહે છે. જ્યારે હિન્દુ ધર્મમાં એવું નથી કે સ્વર્ગ કે નર્કની કલ્પના કરવામાં નથી આવી, પરંતુ એવું માનવામાં આવે છે કે જો તમે સારાં કર્મો કર્યાં હશે તો થોડા સમય માટે સ્વર્ગમાં જવા મળશે. પરંતુ જ્યારે તમારા પુણ્યનો ક્ષય થઈ જશે ત્યારે ફરી પાછા મૃત્યુલોકમાં આવવું પડશે. અને જો તમે પાપકર્મોનું આચરણ કર્યું હશે તો નર્કલોકમાં જવું પડશે અને પાપકર્મોનો ક્ષય થતાં ફરી મર્ત્યલોકમાં આવવું પડશે. આ જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ, સ્વર્ગ-નર્ક વગેરે ચક્રો જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી ચાલ્યા જ કરશે.

સ્વામીજીની હિન્દુ ધર્મ વિશેની સમજણ તથા અર્થઘટન અત્યંત ઉચ્ચ કક્ષાનું છે. સામાન્ય રીતે કોઈ પણ ભાષ્યકાર કે લેખક નાના નાના મુદ્દાઓને લઈને તેના પર અર્થવિસ્તાર કરે છે. પરંતુ સ્વામીજીની શૈલી અનોખી-અદ્‌ભુત છે. તેઓ હિન્દુ શાસ્ત્રોનો નીચોડ-સારતત્ત્વ લઈને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. સ્વામીજી કહે છે આ ચક્રાકાર જીવનની સૌ પ્રથમ કલ્પના આપણા કપિલ ઋષિએ કરી હતી. પશ્ચિમના ધર્મોએ ચક્રાકાર જીવનની કલ્પના નથી કરી. તેઓ એવી માન્યતા ધરાવે છે કે એક વાર જીવન સમાપ્ત થઈ ગયા પછી કદી પુનર્જીવિત થતું નથી. આજથી ચાર હજાર વર્ષ પહેલાં ‘ક્રિએશન ઇવેન્ટ’ નામની ઘટના બની અને ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી, અને જ્યારે ‘જજમેન્ટ ડે’ કે પ્રલયનો દિવસ હશે ત્યારે સંપૂર્ણ સૃષ્ટિ સમાપ્ત પણ થઈ જશે.

આધુનિક જીવવિજ્ઞાન પણ એ બાબતનું સમર્થન કરે છે કે જીવન ચક્રાકાર છે. એટમ બન્યા છે ઇલેક્ટ્રોન, પ્રોટ્રોન અને ન્યુટ્રોનમાંથી અને આ બધા સબ-એટોમિક પાર્ટિકલ બન્યા સ્ટ્રિંગ કે ક્વાર્કમાંથી. આ બે પ્રકારની થિયરી છે. મૃત્યુ બાદ આધ્યાત્મિક દૃષ્ટિએ જીવાત્માના જીવનનું એક નવું સોપાન આરંભ થાય છે એ તો ખરું જ, પરંતુ ભૌતિક દૃષ્ટિએ પણ આપણું શરીર તારલાઓનું બનેલું છે. જ્યારે તારાઓ (stars)નો વિસ્ફોટ થાય છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડમાં આ તારાઓનાં ભારે તત્ત્વો (heavier elements) વિખેરાઈ જાય છે. માતાના ગર્ભમાં જ્યારે DNA શરીરની રચના કરે છે ત્યારે શરીરના ગઠન માટે જે તત્ત્વોની આવશ્યકતા હોય છે, તે DNAમાંથી નીકળે છે. આથી સ્વામીજી કહે છે કે આ જીવનચક્ર ફક્ત આધ્યાત્મિક જ નથી પરંતુ શારીરિક પણ છે.

આ ટેબલને જો ભસ્મીભૂત કરી નાખવામાં આવે તો આ ટેબલ ફરીથી ઊર્જા અને પદાર્થ કણો (matter particles)માં વિલીન થઈ જશે. જો કોઈ મનુષ્યનું મૃત્યુ થાય ને તેને અગ્નિદાહ આપવામાં આવે કે દફન કરવામાં આવે તો તેનું શરીર પાછું એ જ તત્ત્વોમાં ભળી જશે, જે તત્ત્વોથી તેનું નિર્માણ થયેલું છે. જો આ પૃથ્વીનો વિનાશ કે વિસ્ફોટ થાય તો એ પાછી એ જ તત્ત્વોમાં ભળી જશે, જેમાંથી તેનો જન્મ થયો છે. આથી એ પ્રતીત થાય છે કે પરિણામ અને તેનું કારણ (effect and cause) એક સમાન જ છે. કારણ અર્થાત્‌ એ કે જેમાંથી સ્થૂળ વસ્તુ પ્રગટ થઈ છે. સૂક્ષ્મ વસ્તુમાંથી સ્થૂળ વસ્તુ પ્રગટ થઈ છે. એટલે કે સૂક્ષ્મ બીજમાંથી વટવૃક્ષ પ્રગટ થયું છે. અંતતઃ બંને એક જ છે. પક્ષી અને ઈંડું મૂળભૂત રીતે એક જ છે ફક્ત તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે.

ત્યાં એક પાણીનો ગ્લાસ કદાચ રાખેલો હશે તેની તરફ સંકેત કરીને સ્વામીજી કહે છે કે આ જે ગ્લાસ છે એ એક પરિણામ છે, તો તેનું કારણ પણ હોવું જોઈએ. એક વિશેષ પ્રકારની ધાતુને ગ્લાસને બનાવનાર ઉત્પાદક પોતાના હાથના બળથી એક અલગ સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. આ બળ (force) વિના ગ્લાસના પરમાણુઓ ટુકડેટુકડા થઈને વિખેરાઈ જાય છે. આમ, ગ્લાસના ઉત્પાદક, ગ્લાસ બનાવવા પાછળ લાગેલી ઊર્જા તથા ગ્લાસ બનાવવામાં ઉપયોગી ધાતુઓ—આ સર્વેના પરિણામે આ સ્વરૂપે ગ્લાસ આપણી સમક્ષ પ્રગટ થયો છે. જો આ ગ્લાસના ટુકડેટુકડા થઈ જાય તો જે ઊર્જાના બળને કારણે આ ગ્લાસનાં તત્ત્વો જોડાયેલાં રહ્યાં હતાં, તે તેનાં મૂળતત્ત્વોમાં વિલીન થઈ જશે તથા કાચના પરમાણુઓ જ્યાં સુધી કોઈ મોટી પ્રક્રિયા દ્વારા નવું સ્વરૂપ ધારણ ન કરે, ત્યાં સુધી એ જ સ્વરૂપમાં રહેશે.

સ્વામીજી: “બનાવનારના હાથમાં જે બળ હતું તે આ પ્યાલામાં ચોંટી રહેવાની શક્તિરૂપે હાજર છે; તેના વિના કાચના પરમાણુઓ જુદા પડી જાત. ઉપરાંત ઉપાદાન કાચ દ્રવ્ય પણ તેમાં હાજર છે. પ્યાલો તો આ સૂક્ષ્મ કારણોની નવા આકારે માત્ર અભિવ્યક્તિ જ છે. હવે જો તેનો ભાંગીને ભૂકો થઈ જાય, તો ચોંટી રહેવાની શક્તિરૂપે જે બળ હાજર હતું તે પાછું જઈને તેના પોતાના મૂળતત્ત્વમાં જોડાઈ જશે અને કાચના પરમાણુઓ નવા આકારો ન લે ત્યાં સુધી તે એમ ને એમ રહેશે.”

સ્વામીજી ઓગણીસમી સદીના વિજ્ઞાનની દૃષ્ટિએ વાત કરે છે, તેથી આજના આધુનિક વિજ્ઞાન સાથે કેટલીક બાબતો બંધબેસતી ન હોય એવું શક્ય છે, પરંતુ પદાર્થ અને ઊર્જામાંથી બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવી છે એ મૂળભૂત વિચાર તો એકસમાન જ છે, અને આ વસ્તુઓનો જ્યારે વિનાશ થાય છે ત્યારે પદાર્થ, ઊર્જા, સમય અને અવકાશમાં પરિણત થઈ જાય છે, જ્યાંથી તેઓનો ઉદ્‌ભવ થયો હતો. તો આ જે ચક્રાકાર જીવનની સંકલ્પના છે, તેનો સંપૂર્ણપણે સ્વીકાર આજનું આધુનિક વિજ્ઞાન પણ કરે જ છે.

જીવાત્મા એક પછી એક જીવન ધારણ કરે છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિના ચક્રમાંથી પસાર થાય છે અને અંતમાં તેના સત્‌-અસત્‌ કર્મોના આધારે નવું શરીર ગ્રહણ કરે છે. આ ચક્ર અનંતકાળ સુધી ચાલતું જ રહેશે, જ્યાં સુધી જીવાત્માની ભીતર એ ‘હૂશ’ (જ્ઞાન) ન આવે કે કોટિ કોટિ જન્મ તો ચાલ્યા ગયા, હજુ સુધી ઈશ્વરદર્શન તો થયું જ નથી! ઠાકુરનું એવું હતું કે એક દિવસ પસાર થઈ જતો તો તેઓ સંધ્યા સમયે રડી રડીને વ્યાકુળ હૃદયે મા-કાલીને કહેતા કે, “અરે, મા! એેક વધુ દિવસ પસાર થઈ ગયો. તમારાં દર્શન આજે પણ ન થયાં.”

સ્વામીજી: “આમ આપણે જોઈએ છીએ કે કાર્ય કારણથી કદી પણ જુદું હોતું નથી; કાર્ય એ કારણની વધુ સ્થૂળરૂપે પુનરુત્પત્તિ માત્ર છે. બીજું, આપણે જોઈએ છીએ કે આ બધાં વિશિષ્ટ રૂપો કે જેમને આપણે વનસ્પતિ, પશુઓ કે મનુષ્યો કહીએ છીએ, તે બધાંની ચડતીપડતીના રૂપમાં અનંત રીતે પુનરાવૃત્તિ થયા જ કરે છે.”

આથી આપણે જાણી શકીએ છીએ કે પરિણામ અને જેમાંથી તે પરિણત થયું છે, તે બંને ભિન્ન નથી. સૂક્ષ્મ રૂપે જે બીજ હતું, તેનું જ સ્થૂળ રૂપ પરિણામ (effect) છે. સ્વામીજી કહે છે કે બીજું આપણે એ શીખીએ છીએ કે જેેટલાં પણ આ વિવિધ સ્વરૂપો છે, જેને આપણે વનસ્પતિ, પશુ-પક્ષી કે મનુષ્ય તરીકે ઓળખીએ છીએ, તેના નિર્માણ-વિનાશની પ્રક્રિયા અનંતકાળ સુધી નિરંતર ચાલતી જ રહે છે.

સ્વામીજી: “બીજ વૃક્ષને ઉત્પન્ન કરે છે; વૃક્ષ બીજને ઉત્પન્ન કરે છે; તે બીજ પાછું બીજા વૃક્ષરૂપે ઊગે છે અને એ પ્રમાણે આગળ ને આગળ ચાલ્યા જ કરે છે; એનો ક્યાંય અંત જ નથી. પાણીનાં ટીપાં પહાડો પરથી દડતાં દડતાં નદીરૂપે સાગરમાં પહોંચે, પાછા ત્યાંથી વરાળરૂપે ઉપર ચડે, ત્યાંથી વરસાદરૂપે પહાડો પર પડે અને ત્યાંથી પાછાં સાગરમાં પહોંચી જાય. આમ ચડતી અને પડતી ચક્રગતિએ ચાલ્યા જ કરે છે.”

બીજમાંથી વૃક્ષ બને છે અને વૃક્ષમાંથી બીજ બને છે. આ પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે, તેનો કોઈ અંત નથી. સ્વામીજીએ કેવી સુંદર કલ્પના કરી છે! પહાડ પરથી પાણીનાં બિંદુઓ દડતાં દડતાં સમુદ્રની ભીતરમાં પડે છે અને બાષ્પીભૂત થઈને ફરી પાછાં વાદળ બનીને હવામાં ઊડીને વરસાદ રૂપે પહાડ પરથી સમુદ્રમાં જાય છે. આમ, ઉતાર-ચડાવનું આ ઘટનાચક્ર નિરંતર ચાલતું જ રહે છે.

સ્વામીજી: “તે જ પ્રમાણે સર્વ જીવનનું – જેને આપણે જોઈએ, અનુભવીએ, સાંભળીએ કે કલ્પના કરીએ, તે સમગ્ર અસ્તિત્વનું સમજવું.”

આ ચક્રાકાર જીવન બધી વસ્તુઓ માટે એક જ નિયમ મુજબ ચાલે છે. જે પણ વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ, શ્રવણ કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ કે જેના વિશે આપણે અનુમાન કરી શકીએ છીએ—એ સર્વે વસ્તુઓ આ વર્તુળાકારમાં જ ગતિ કરે છે.

સ્વામીજી: “જે જે આપણા જ્ઞાનની મર્યાદાની અંદર છે, તે તે બધું માનવશરીરની શ્વાસોચ્છ્વાસની ક્રિયા પ્રમાણે અંદરબહાર ચડતીપડતી રૂપે ચાલ્યા જ કરે છે. એક મોજું ચડે છે, બીજું પડે છે; ફરીથી ચડે છે, ફરીથી પડે છે; સૃષ્ટિમાંનું સર્વ કંઈ આ રીતે ચાલ્યા જ કરે છે. દરેક મોજાની પાછળ ખાડો હોય જ છે અને દરેક ખાડાની પાછળ મોજું હોય જ છે. એ જ નિયમ સમગ્રરૂપે જોતાં વિશ્વને પણ લાગુ પડવો જોઈએ, કારણ કે વિશ્વ એકરૂપ છે.”

આપણી જ્ઞાનેન્દ્રિયોની સીમામાં જે કંઈ પણ વસ્તુઓ છે, તે સર્વે એક જ પ્રકારે ગતિ કરે છે. જેમ કે, માનવશરીરમાં શ્વાસ લેવાની તથા છોડવાની જે ક્રિયા છે, તે જ પ્રમાણે ચડતી-પડતી રૂપે ચાલ્યા જ કરે છે. પાણીનો એક જુવાળ ઉપર ચઢે છે, અને નીચે પડે છે. આ ઘટનાક્રમ સતત ચાલ્યા જ કરે છે. આ જગતમાં સર્વે વસ્તુઓ આ જ મુજબ ચાલ્યા કરે છે. સમુદ્રમાં જે રીતે ભરતી-ઓટની પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે, તે જ પ્રકારે જીવન-મૃત્યુ અને આમ પુનર્જન્મનો ઘટનાક્રમ સતત ચાલ્યા જ કરે છે. સંપૂર્ણ વિશ્વ-બ્રહ્માંડને પણ આ કાયદો લાગુ પડે છે, કારણ કે સમગ્ર વિશ્વ અખંડ-એકરૂપ છે. એકરૂપતા અર્થાત્‌ જો આપણે ટેલિસ્કોપ લઈને રાત્રે આકાશમાં જોઈશું તો વિવિધ પ્રકારનાં ગ્રહો, તારા, આકાશગંગા વગેરે જોવા મળશે. તો વિભિન્ન પદાર્થો એકસમાન ન હોઈ શકે. દરેક તારા-ગ્રહોનું પોતાનું એક બંધારણ, કદ, વજન, ગુરુત્વાકર્ષણ બળ વગેરે ભિન્ન હોય છે પરંતુ તેના ભૌતિકશાસ્ત્રના નિયમો એકસમાન હોય છે, તો આ અર્થમાં વિશ્વ-બ્રહ્માંડ એકરૂપ છે.

સ્વામીજી: “આ વિશ્વ તેનાં કારણોમાં લય પામવું જ જોઈએ; સૂર્ય, ચંદ્ર, તારાઓ અને પૃથ્વી, શરીર અને મન, આ વિશ્વમાંની પ્રત્યેક વસ્તુ પોતાનાં વધુ સૂક્ષ્મ કારણોમાં પાછી જવાની જ, અદૃશ્ય થવાની જ, જાણે કે, નાશ પામવાની જ છે.”

સૂર્ય, ચંદ્ર, તારાઓ અને પૃથ્વી, આપણું મન, શરીર જે કંઈ પણ આ વિશ્વ-બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે, તે સર્વેને પોતાના મૂળ સ્વરૂપમાં લય પામવું જ પડશે. આપણાં પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયનું આ ઘટનાચક્ર છે, જેના વિશે સ્વામીજી આજની ભૌતિકશાસ્ત્રની ભાષામાં આપણને સમજૂતી આપે છે. શું જ્યારે પ્રલયમાં બધું વિલીન થઈ જશે ત્યારે તેનો સંપૂર્ણપણે નાશ થશે? સ્વામીજી કહે છે, તેનો સંપૂર્ણપણે નાશ નહિ થાય પરંતુ તેના સૂક્ષ્મ સ્વરૂપમાં પરત ફરશે, અને જ્યારે પુનઃ કલ્પનો આરંભ થશે ત્યારે એ જ સૂક્ષ્મ સ્વરૂપમાંથી ફરીથી નવી પૃથ્વીઓ, નવા સૂર્યો, નવા ચંદ્રો, નવા તારાઓ રૂપે પુનઃ જન્મ ગ્રહણ કરશે.

સ્વામીજી: “પરંતુ તે બધી વસ્તુઓ કારણોની અંદર સૂક્ષ્મ સ્વરૂપોમાં પડી રહેશે. આ બધાં સૂક્ષ્મ સ્વરૂપોમાંથી તે બધી ફરીથી પાછી નવી પૃથ્વીઓ, નવા સૂર્યો, નવા ચંદ્રો અને નવા તારાઓ રૂપે નીકળી આવશે. ચડતીપડતીની આ પરંપરામાંથી એક વધુ હકીકત પણ શીખવાની છે. બીજ વૃક્ષમાંથી નીકળે છે, પણ તે તરત જ વૃક્ષ થતું નથી; તેનો એક નિષ્ક્રિયતાનો ગાળો – કહો કે અતિ સૂક્ષ્મ અભિવ્યક્તિરહિત ક્રિયાનો એક ગાળો હોય છે.”

આ ચડતી-પડતી, જન્મ-મરણ અને સૃષ્ટિ-પ્રલય અંગે આપણે વધુ એક સત્ય જાણી લેવાની આવશ્યકતા છે કે જ્યારે વૃક્ષમાંથી બીજનો જન્મ થાય છે ત્યારે તત્કાળ જ તે વૃક્ષ નથી બની જતું. બીજ થોડા સમય માટે એકદમ સૂક્ષ્મ રૂપે, અવ્યક્ત રહીને કાર્ય કરે છે. બીજ જ્યારે જમીન પર પડે છે, તો તત્ક્ષણ વૃક્ષનું રૂપ ધારણ નથી કરતું. પરંતુ માટીમાંથી અંકુરિત થવા માટે તેને થોડો સમય જમીનની ભીતરમાં જ અવસ્થિત રહીને કાર્ય કરવું પડે છે. તો બીજ અમુક ચોક્કસ સમયગાળા માટે આપણી આંખોની દૃષ્ટિથી અદૃશ્ય રહીને પોતાનું કાર્ય કરે છે.

સ્વામીજી: “બીજને કેટલોક વખત જમીનની નીચે કામ કરવાનું હોય છે; ત્યાં તે ફાટે છે, જાણે કે બીજ વિલીન થઈ જાય છે અને એમાંથી પુનરુત્થાન પામે છે. એ જ પ્રમાણે આરંભમાં આ આખા વિશ્વને – અમુક કાળને માટે જેને અવ્યક્ત અવસ્થા કહેવામાં આવે છે તે – સૂક્ષ્મ રૂપમાં અદૃશ્ય અને અપ્રગટ રહીને કામ કરવાનું હોય છે; અને તેમાંથી નવી સૃષ્ટિ બહાર આવે છે. આ વિશ્વની એક અભિવ્યક્તિનો સમગ્ર ગાળો એટલે સૃષ્ટિનું સૂક્ષ્મ રૂપમાં સમાઈ જવું, એ સ્થિતિમાં અમુક કાળ સુધી રહેવું અને પાછું બહાર આવવું, તેને સંસ્કૃતમાં ‘કલ્પ’ કહે છે.”

અદૃશ્ય રૂપે કાર્ય કરીને બીજનું ઉપરનું સ્તર-સપાટી નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, અને ક્રમશઃ તેનો ક્ષય થતો જાય છે. તેના DNA-RNA નવું વૃક્ષ બનાવવાની પ્રક્રિયાનો આરંભ કરે છે. તો બીજના ક્ષય કે વિનાશ પછી જ નવા વૃક્ષનો જન્મ થાય છે. આમ, જન્મ તથા મૃત્યુની ઘટના પણ એકબીજા સાથે આ જ રીતે સંકળાયેલી છે.

સ્વામીજી કહે છે, આ જ પ્રકારે આ વિશ્વ-બ્રહ્માંડને સૃષ્ટિના આરંભમાં એક બીજ સ્વરૂપે સૂક્ષ્મ રીતે આ કાર્ય કરવાનું હતું—અવ્યક્ત અને અપ્રગટ રૂપે. તો બીજનું સૂક્ષ્મ-અવ્યકત રૂપે અમુક નિશ્ચિત સમયગાળા માટે રહેવું અને ફરીથી પ્રગટ થવું આ જે સંપૂર્ણ સમયચક્ર છે, તેને સંસ્કૃતમાં ‘કલ્પ’ અર્થાત્‌ જીવનચક્ર કહે છે.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.