કેલિફોર્નિયામાં વેદાંત

સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ પોતાની નાનકડી દીકરી ડોરોથી, પોતાના પિતા, તથા બે બહેનો સાથે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલિસ શહેરમાં રહેતાં હતાં. તેઓએ સ્વામીજીને પોતાના ઘરમાં રહેવા માટે આમંત્ર્યા હતા. જ્યારે સ્વામીજીએ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં વેદાંતપ્રચાર માટે જવાનો નિર્ણય લીધો ત્યારે અંતર્મુખ, ભીરુ મિસિસ હેન્સબ્રોના જીવનમાં ઝંઝાવાત સર્જાયો. સ્વામીજી પ્રતિ એમની નિષ્ઠાના પરિણામે, સ્વામીજીની પધરામણી થતા પહેલાં જ સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ કરી સ્વામીજીનાં પ્રવચનોની સમાચારપત્રોમાં જાહેરાત આપવી, પ્રવચન દરમિયાન ભારતમાં સેવાકાર્ય માટે ઉઘરાવાયેલ નાણાંની સંભાળ રાખવી, રહેવા માટેના મકાનની શોધ કરવી વગેરે દુષ્કર કાર્યો તેઓએ પોતાની ઉપર લઈ લીધાં.

તેઓએ સ્વામીજીનાં અન્ય એક અનુયાયી મિસિસ એસ્પિનોલ સાથે મળીને માર્ચ અને એપ્રિલમાં દૈનિક વર્ગ ચલાવવા માટે 1719 ટર્ક સ્ટ્રીટ પર એક મકાન ભાડે રાખ્યું. સ્વામીજીની સાથે એ જ મકાનમાં રહી તેઓ સ્વામીજી માટે ભોજન પકાવવાનું વગેરે બધું જ કાર્ય કરતાં. મિસિસ હેન્સબ્રો એ દિવસોની યાદો આપણા સૌ માટે લિપિબદ્ધ કરીને ગયાં છે. તેઓ પ્રતિ આપણું ચિરકાલ ઋણ વ્યક્ત કરી, આવો, આપણે એ દિવ્ય સ્મૃતિઓ વાગોળીએ.

ટર્ક સ્ટ્રીટ સ્થિત મકાનમાં સ્વામીજીની દિનચર્યા

સર્વ પ્રથમ સ્વામીજીની દિનચર્યા. સવારે તેઓ નિયમિત વર્ગ લેતા. સાંજે જો બીજું કંઈ કામ ન રહેતું તો સ્વામીજી બપોરે ભોજન બાદ લગભગ બે કલાક શયન કરતા. તેઓ હંમેશાં શાંતિથી શયન કરતા. સાંજે ક્યારેક તેઓ નિયમિત આવતા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ વેદાંતની વાતો કરતા, તો ક્યારેક જિજ્ઞાસુ સાધકોને અંગત વાર્તાલાપ દરમિયાન પ્રશ્નોના ઉત્તર આપતા. જો સાંજે કોઈ મુલાકાતીઓ ન હોય તો તેઓ વાંચન કરતા, ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કરતા, કે મિસિસ હેન્સબ્રો તથા મિસિસ એસ્પિનોલ સાથે સહજ વાર્તાલાપ કરતા. અહીં મિસિસ હેન્સબ્રોને શબ્દશ: ટાંકીએ:

સ્વામીજી જ્યારે ઘરે રહેતા ત્યારે તેઓ પોતાના મનમાં ચાલી રહેલ વિચારોને વાણી દ્વારા વ્યક્ત કરતા, કે જેથી તેઓ પોતાના વિચારોને સ્પષ્ટ માળખું આપી શકે. હું અનુમાન કરું છું કે તેઓનો વાર્તાલાપ આ કારણસર જ હશે. પરંતુ તેઓને એક શ્રોતા જોઈતો. તેઓ અમને અમારા પારિવારિક જીવન વિશે ઘણા પ્રશ્નો કરતા. ત્યારબાદ તેઓ ભારતના પારિવારિક જીવન વિશે ઘણું જણાવતા. તેઓ હંમેશાં ધીમા અવાજે વાત કરતા. મિત્રો સાથે વાર્તાલાપ કરવાના સમયે તેઓ ખૂબ શાંત રહેતા. તેઓ કોઈને ઠપકો આપતા હોય તો અલગ વાત છે.

તેઓ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણને હંમેશાં ‘આત્મારામ’ કહેતા. જ્યારે જ્યારે પણ મુશ્કેલીઓનો ઢગ સર્જાઈ જતો ત્યારે તેઓ કહેતા, “જો વધુ મુસીબતો આવી પડશે તો આપણે આત્મારામને જગાડીશું.”

ક્યારેક તેઓ પોતાના તથા પોતાના વૈશ્વિક મિશન વિશે કહેતા, “જગદંબાએ મને લાવી ફેંક્યો છે એક વિચિત્ર જગતમાં, વિચિત્ર વ્યક્તિઓની વચ્ચે, કે જેઓને નથી હું સમજી શકતો, કે નથી તેઓ મને સમજી શકતા. પરંતુ અહીં જેટલો સમય વીતતો જાય છે, મને લાગતું જાય છે કે પશ્ચિમના કેટલાક લોકો મારા પોતિકા છે, અને તેઓનું આગમન થયું છે મારા કાર્યમાં સહાયભૂત થવા માટે. મારા ‘પ્રિયતમ’ વિશે હું કોઈને કશું કહી શકતો નથી. શિકાગોમાં મને આવી જ એકલતા વર્તાતી. (પોતાના પ્રિયતમ ઈશ્વર સાથેનો દિવ્ય વાર્તાલાપ સ્વામીજી હિંદુધર્મમાં આસ્થા ન ધરાવનાર અમેરિકનોને કેવી રીતે વર્ણવી શકે?) મારો જન્મ થયો છે જગદંબાના કાર્ય માટે—જે દિવ્ય સંદેશનો પ્રચાર કરવાનો આદેશ મળ્યો છે તેને વિશ્વભરમાં ફેલાવી દેવા માટે.”

સ્વામીજી જગદંબા વિશે ઘણી વાતો કરતા, “પ્રત્યેક ધર્મના બીજનું ઉદ્‌ગમસ્થાન છે જગદંબા. તેઓ અહીં સાકાર રૂપમાં છે ખરાં, પરંતુ તેઓ તે રૂપ સાથે બંધાયેલાં નથી. જગદંબાના કેટલાક મનોરથ છે, આ મનોરથ વ્યક્તિઓ વિશે છે. તેઓ કેટલીક વ્યક્તિઓનો સંપર્ક કરશે, જો કે આ વાતની એ વ્યક્તિઓને ખબર નહીં પડે. ધીરે ધીરે જગદંબા આ વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષશે.”

સ્વામીજી કહેતા, “આ જગત એક વ્યાધિ સમાન છે. આપણે સૌ આ વ્યાધિથી ઝખમી થયા છીએ. અસત્‌ જગતરૂપી છે આ વ્યાધિ. આપણે આ વ્યાધિથી ગ્રસ્ત તો થયા છીએ પરંતુ આપણે સ્વીકારવા તૈયાર નથી કે આપણે બીમાર છીએ. આપણે આ ઝખમ પ્રત્યે ઉપેક્ષા કરીએ છીએ અને એને ફૂલોથી ઢાંકી દઈએ છીએ કે જેથી એ આપણી નજરોથી સંતાઈને રહે.”

સ્વામીજી ક્યારેક કેટલીક વિરોધાભાસી વાતો પણ કરતા. ઉદાહરણ તરીકે, પોતાનાં પ્રવચનો તથા વેદાંતપ્રચાર વિશે તેઓએ કહેલું, “હું આ બધી વાતો પહેલાં પણ કહેતો આવ્યો છું, વારંવાર, ફરી ફરીને પુનરાવર્તન કરતો આવ્યો છું.” (સ્વામીજી કદાચ કહેવા માગે છે કે તેઓ પૂર્વજન્મોમાં અવતારની સાથે આવીને આ જ આધ્‍યાત્મિક અમૃતવાણીનો પ્રચાર કરીને ગયા છે.)

એક દિવસે કહ્યું હતું, “વિવેકાનંદ છે જ નહીં.”

સાથે જ કહેતા, “આ બધા પ્રશ્નો મને ન કરો. હજુ પણ તમારી સમજ સાથે આ માયા મિશ્રિત થઈ રહેલી છે.”

અહીં મિસિસ હેન્સબ્રોની સ્મૃતિ પૂરી કરીએ અને સાથે જ સમાપ્ત કરીએ સ્વામીજીના એક પાસાની ચર્ચા.

સ્વામીજીનો ઠપકો અને કદર

ટર્ક સ્ટ્રીટ સ્થિત મકાનમાં તેઓ વિચારોને વાણી આપવા તથા શાંત રહેવા ઉપરાંત પોતાના વૈશ્વિક મિશનનું સંચાલન પણ કરતા. તેઓની સાથે રહેવું સહજ વાત ન હતી. આ તો સિંહની સાથે એક ગુફામાં રહેવા જેવું થયું. મિસિસ હેન્સબ્રો સ્વામીજીની સાથે ક્યારેક ક્યારેક વાદ-વિવાદ કરતાં, સ્વામીજી પોતાના કાર્યનું સંચાલન કઈ રીતે કરે છે એ વિષયક કોઈ મુદ્દાને લઈને પ્રશ્ન ઉઠાવતાં, સ્વામીજીનું કોઈ કાર્ય એવી રીતે કરતાં કે જે સ્વામીજીને પસંદ ન હોય, કે ક્યારેક કાર્યને લગતી ઝીણી ઝીણી વિગતો વીસરી જતાં.

સ્વામીજીનું કાર્ય કોઈ સામાન્ય કાર્ય તો હતું નહીં કે જે બેદરકારીપૂર્વક કરી શકાય. ખરું જોઈએ તો સ્વામીજીની દૃષ્ટિએ કોઈ પણ કાર્ય સામાન્ય હતું નહીં. અમેરિકાની પ્રથા અનુસાર સ્વામીજી બાથ-ટબ (Bathtub)માં સ્નાન કરતા. આ બાથ-ટબ નિયમિતરૂપે સાફ કરવું પડતું. સ્વામીજી મિસિસ હેન્સબ્રો પાસે આશા રાખતા કે આ બાથ-ટબ સાફ કરવાનું કાર્ય પણ તેઓ ગરિમાપૂર્ણ ચોકસાઈ સાથે કરે. કોઈ પણ કાર્યમાં નાનકડી ભૂલ થવાની સાથે જ સ્વામીજી આકરી ટીકા કરી દેતા.

મિસિસ હેન્સબ્રો કહે છે, “સ્વામીજી સમયે સમયે મને ઠપકો આપતા રહેતા. તેઓ સતત ભૂલો કાઢતા રહેતા અને ક્યારેક ક્યારેક તો તેઓ ખૂબ કઠોર થઈ જતા. તેઓ કહેતા, ‘જગદંબાએ મને કાર્યમાં સાથ આપવા માટે મૂર્ખાઓને મોકલ્યા છે.’ તો ક્યારેક કહેતા, ‘મારે મૂર્ખાઓની સાથે રહેવું પડે છે!’ સ્વામીજીએ ઠપકો આપવા માટે વિશેષ શબ્દભંડોળ એકત્ર કર્યું હતું. આ શબ્દભંડોળમાંનો એમનો પ્રિય શબ્દ હતો મૂર્ખ.”

પરિસ્થિતિ અનુસાર વૈવિધ્‍ય લાવવા માટે સ્વામીજી પોતાના આ શબ્દભંડોળમાંથી વિવિધ શબ્દો શોધી કાઢતા. મિસિસ હેન્સબ્રો લખે છે, “એક દિવસ સ્વામીજી જે હોલમાં પ્રવચન આપવાના હતા એ હોલનાં પગથિયાં ચઢતાં ચઢતાં એમણે મને સોંપાયેલ કાર્ય વિશે પૂછ્યું. હું એ કામ કરવાનું ભૂલી ગઈ હતી. મેં ઉત્તર આપ્યો કે હું કરવાની જ હતી પણ ન કરી શકી. સ્વામીજીએ ટીકા કરતાં કહ્યું, ‘તમારા ઉદ્દેશ તો સારા છે, પણ તમે સાવ અસુરની જેમ વર્તો છો.’”

મિસિસ હેન્સબ્રો સ્વામીજીના ઠપકાભર્યા શબ્દભંડોળનો સાહસ અને સરળતાપૂર્વક સામનો કરતાં. સ્વામીજીને આ અવશ્ય ગમતું હશે. તેઓ ભલે મિસિસ હેન્સબ્રોને કહેતા, “તમે મને ઉચિત સન્માન નથી આપતાં!” પરંતુ આપણને ખબર છે કે સ્વામીજી ખોટે ખોટા માન-સન્માનથી પણ અકળાઈ જતા. મિસિસ હેન્સબ્રો કહેતાં:

સ્વામીજીમાં સરળતા કેટલી હતી! તેઓ બધાને પોતાની સમકક્ષ લઈ આવતા. ઠપકાથી મને ક્યારેય ખોટું લાગ્યું નથી. હું ક્યારેક નારાજ થઈ જતી, અને ક્યારેક રૂમ છોડીને ચાલી જતી, પણ મોટાભાગે તો હું એમનો ઠપકો પૂરેપૂરો સાંભળી શકતી.

એક દિવસ હું સવારના નાસ્તા બાદ ભોજનકક્ષમાં કચરો વાળી રહી હતી. એ દરમિયાન સ્વામીજી કશુંક કહી રહ્યા હતા. મને યાદ નથી કે એ શું કહી રહ્યા હતા અને મેં શું ઉત્તર આપ્યો હતો. પરંતુ એકાએક તેઓ બોલી ઊઠ્યા, “તમે બેવકૂફ, બુદ્ધિહીન મૂર્ખ છો, ખરું કહું છું!” તેઓ નારાજગીપૂર્વક મને વઢતા જ રહ્યા. એકાએક મિસિસ એસ્પિનોલ ભોજનકક્ષમાં આવ્યાં. એમને જોઈને સ્વામીજી થોભી ગયા. મેં કહ્યું, “એમની ચિંતા ન કરો, સ્વામીજી, જો તમારો ઠપકો પૂરો ન થયો હોય તો ચાલુ રાખો!”

પરંતુ સ્વામીજીનું એક બીજું પાસું પણ હતું. તેઓ ભલે કહેતા કે, “હું ક્યારેય દિલગીરી વ્યક્ત કરતો નથી,” પરંતુ વઢ્યા પછી તેઓ અચૂક પાછા ફરતા અને એટલા મૃદુ અને સ્નેહાળ સ્વરે પૂછતા, “તમે શું કરો છો?” કે જાણે એમના મોઢામાં માખણ અને મધ પણ પીગળે નહીં. (અર્થાત્‌ તેઓ વધુ પડતી નિર્દોષતા પ્રગટ કરતા.) હું સમજી જતી કે તેઓ નારાજગી વ્યક્ત કર્યા પછી હવે સમાધાનનો રસ્તો શોધે છે. તેઓ કહેતા, “જેઓને હું સૌથી વધુ ચાહું છું, તેઓને જ હું સૌથી વધુ વઢું છું.”

હું વિચારતી કે તેઓને માફી માગતા પણ નથી આવડતી!

ઇચ્છા થઈ આવે તો સ્વામીજી કદર પણ ખૂબ કરી જાણતા. જે સમયે અમે ટર્ક સ્ટ્રીટ મકાન ત્યજીને આલામેડા શહેર પ્રસ્થાન કરી રહ્યાં હતાં, એ સમયે સ્વામીજી મને ઓવરકોટ (ખૂબ ઠંડીમાં પહેરવાનું લાંબા જેકેટ જેવું એક વસ્ત્ર) પહેરવામાં મદદ કરી રહ્યા હતા. તેઓએ કહ્યું, “તમે ભૂતની જેમ કામ કર્યું છે!”

તો આ હતી મિસિસ હેન્સબ્રોની સ્મૃતિ. સ્વામીજી એક પત્રમાં લખે છે, “મિસિસ હેન્સબ્રો અહીં છે, અને તેઓ કામ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. ઈશ્વર તેમનું ભલું કરે. ત્રણેય બહેનો દેવદૂત જેવી છે, નહીં? વચમાં વચમાં આવા દિવ્ય આત્માઓને જોવા-મળવાથી આ અર્થહીન જીવનનો અર્થ મળી જાય છે.”

મિસિસ હેન્સબ્રો જાણતાં હતાં કે સ્વામીજી કાર્ય કરવાના સમયે ભલે ગમે તેટલી નારાજગી વ્યક્ત કરતા હોય, તેઓનો મૂળ સ્વભાવ તો આત્મલીન, કરુણામય, આશીર્વાદથી ભર્યોભર્યો જ હતો. તેઓ કહેતાં, “જો સ્વામીજી કરુણામય ન હોત તો મને એમની સાથે રહેવા દીધી ન હોત.”

સંતાન વાત્સલ્ય

મિસિસ હેન્સબ્રો પોતાની દીકરી ડોરોથીને લોસ એન્જલિસ રાખીને આવ્યાં હતાં એટલે એની ચિંતા સાલતી રહેતી. ફરીથી આપણે એમની સ્મૃતિ ટાંકીએ:

મેં એક દિવસ નક્કી કરી લીધું કે હું ઘરે પાછી ફરી જઈશ. મેં તારીખ નિયત કરીને ટ્રેનમાં યાત્રા કરવા માટે મારો સમાન બાંધી લીધો. એકાએક મને અવાજ સંભળાયો, “તું નહીં જઈ શકે. તું વિદાયનો વિચાર જ માંડી વાળ.” સાથે સાથે જ એવો તો થાક મને લાગ્યો કે હું લથડિયું ખાઈને જમીન ઉપર આળોટી પડી. જો હું કશુંક ખાઉં તો સારું, મેં વિચાર્યું. પણ હાથ-પગ હલાવવાની શક્તિ જ જાણે હું હારી ગઈ. બાંધેલો સામાન જાણે કે માથા ઉપર બોજા સમાન લાગવા લાગ્યો. છેવટે મેં પાછા ફરવાનો વિચાર માંડી વાળ્યો. સ્વામીજીએ આ આખી ઘટના વિશે કશું કહ્યું નહીં. મને ખબર નથી કે મેં કોનો અવાજ સાંભળ્યો હતો.

એક સમયે સ્વામીજીએ કહ્યું હતું, “તમને એમ લાગે છે કે તમારી દીકરી તમને પ્રાણપણે વહાલી છે. પરંતુ એ પ્રેમ છે જ નહીં! એ છે એક મરઘીને પોતાનાં બચ્ચાં પ્રત્યે હોય એ. પોતાનાં બચ્ચાં માટે ખોરાક મેળવવા એ આખો દિવસ પરિશ્રમ કરશે, પણ જો બીજાનું બચ્ચું આવી પડશે તો એ શું કરશે?”

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.