આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ

એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું કે ઉચ્ચતર વિકાસપ્રાપ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ખરાબ કાર્ય. જો એક અસંસ્કૃત વ્યક્તિ દુર્વ્યવહાર કરે તો તે સુસંસ્કૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ દુર્વ્યવહાર જેટલો ખરાબ નથી. માણસ જેટલો વધારે વિકસિત હશે, એની જવાબદારી એટલી જ વધારે હશે. માણસનો જેટલો નૈતિક વિકાસ વધારે હશે, નૈતિક વિકાસહીન વ્યક્તિની તુલનામાં એની પાસેથી જ શ્રેષ્ઠતર આચરણની અપેક્ષા કરવામાં આવશે. આ બન્નેનાં દાયિત્વ સમાન નથી.

આપણે જેમ જેમ વિકસિત બનીએ, તેમ તેમ આપણે નૈતિક દૃષ્ટિથી પણ સુસંસ્કૃત થવું જોઈએ. સામાન્ય લોકો સફેદ જૂઠ બોલતાં અચકાતા નથી. મોટા ભાગના લોકો અર્ધસત્ય કહેવામાં સંકોચ રાખતા નથી. પરંતુ સાધકના જીવનમાં એક સમય એવો આવે છે, જયારે તે એટલો સંવેદનશીલ બની જાય છે કે મજાકમાં પણ અર્ધસત્ય કહેવામાં એને પીડા થાય છે. જે પણ હોય, કદાચ તમારે સમજૂતી કરવી પડે તો એને ક્યારેય ઉચિત ન કહો, પણ સમજૂતીને સમજૂતી જ સમજો, આદર્શ નહીં; ભૂલને ભૂલ જ જાણો, એને ઉચિત બનાવવાનો પ્રયત્ન ન કરો.

જ્યાં સુધી વ્યક્તિનું મન સ્થૂળ છે, ત્યાં સુધી તે કેવળ બાહ્ય આચરણથી બચે છે. જયારે તે સૂક્ષ્મ બની જાય ત્યારે તે ખરાબ વિચારોથી પણ બચે છે, અને આ બંનેમાં વિચાર હંમેશાં અધિક મહત્ત્વપૂર્ણ હોય છે. નૈતિક અને આધ્યાત્મિક જીવનમાં ચિંતનને આચરણથી વધારે મહત્ત્વ આપવું જોઈએ. પરંતુ એક સ્થૂળ મન આ સમજી શકતું નથી. એક અવિકસિત મનવાળો માણસ વસ્તુતઃ (અશુભથી ) પ્રભાવિત થવા છતાં પણ એમ સમજે છે કે તે પ્રભાવિત થયો નથી. આ જ મજા છે. ખરાબ વિચાર ખરાબ કાર્યની જેમ જ ખરાબ છે. ઉચ્ચતમ નૈતિકતાના સ્તર પર આ શરતનું પાલન થવું જોઈએ, વિચાર પવિત્ર હોવા જોઈએઃ વાણી શુદ્ધ હોવી જોઈએ, ક્રિયા પણ શુદ્ધ હોવી જોઈએ. અને મનની પવિત્રતા વિના વાણી શુદ્ધ થઈ શકતી નથી અને કર્માે પણ ઓછાં શુદ્ધ હશે. આપણે જોઈએ છીએ કે ઉચ્ચતમ નૈતિક સ્તર પર વ્યક્તિ ન તો કોઈ અશુભ કાર્ય કરે છે, ન તો કરાવે છે અને ન તો અનુમોદન કરે છે. એનું ઉત્તરદાયિત્વ ત્રિવિધ હોય છેઃ એણે કોઈ ખરાબ કાર્ય ન કરવું જોઈએ, કોઈ ખરાબ કાર્ય ન કરાવવું જોઈએ, અને કોઈ ખરાબ કાર્યનું અનુમોદન ન કરવું અથવા એનાથી લાભ ઉઠાવવો ન જોઈએ. (પાતંજલ યોગસૂત્ર, ૨.૩૪)

પ્રલોભનોથી બચોઃ

આધ્યાત્મિક પ્રશિક્ષણની અવધિમાં આપણે સૂક્ષ્મ તથા સ્થૂળ બંને પ્રકારનાં પ્રલોભનોથી યથાસંભવ દૂર રહેવું જોઈએ. જે આપણને પ્રલોભિત કરે, એવી બધી વસ્તુઓને દૂરથી જ નમસ્કાર કરવા જોઈએ, એની પાસે ન જવું જોઈએ. આવનારા લાંબા સમય સુધી આપણે પોતાની શક્તિ પર બહુ વધારે ભરોસો ન રાખવો જોઈએ. કુસંસ્કારોથી પૂર્ણ આપણું મન એટલું દૂષિત છે કે એક વાર એને કદાચ ખરેખર ઝાટકો આપવામાં આવે તો તે અંતઃહીન સમસ્યાઓ પેદા કરી શકે છે. કામ, ઈર્ષા, અશ્લીલતા- આ બધી વાતો આપણી અંદર છુપાઈને પડેલી છે, અને આપણને પોતાનો શિકાર બનાવવાની ફિરાકમાં છે. આથી આપણે સાવધાન રહેવું જોઈએ.

મનમાં ક્ષુદ્ર અને અચાનક આવેલા મહત્ત્વહીન તરંગોના રૂપમાં વિદ્યમાન ખતરા પ્રત્યે આપણે બહુ જ ઓછા સજાગ રહેવાને કારણે સમસ્યા પેદા થાય છે. બાહ્ય સંવેદન, કદાચ તે અત્યન્ત સૂ્ક્ષ્મ અને તકલીફથી દેખાતાં હોય, ધીરે ધીરે મનને પ્રભાવિત કરે છે. ક્યારેક કોઈ જૂના અપવિત્ર સંસ્કારની સ્મૃતિ આપણને વિચલિત કરવામાં પર્યાપ્ત બને છે, કેમ કે બીજ અથવા કારણ હંમેશાં અંદર જ રહે છે, બહાર ક્યારેય નહીં. જો બીજ ભીતરમાં ન હોય તો તે ક્યારેય અંકુરિત થઈ શકતું નથી.

કોઈ પણ જાતની આસક્તિ મસ્તકને ધૂંધળું કરવાને તથા સાધકના મનનો આધ્યાત્મિક નાશ કરવાને માટે પર્યાપ્ત છે, પણ જ્યારે આસક્તિ અને ક્રોધ ભેગાં થઈ જાય છે, ત્યારે સંપૂર્ણ મન વિક્ષિપ્ત થઈ જાય છે, અને બધી પ્રગતિ રોકાઈ જાય છે. વ્યક્તિ પર વાસનાનું પ્રભુત્વ સ્થાપિત થવાથી ઉચ્ચતર જીવન માટે સંઘર્ષનો અંત આવી જાય છે. એટલા માટે આપણે હાનિકારક સંવેદનોથી, ભલેને તે ઘણાં સૂક્ષ્મ કેમ ન હોય, સાવધાનીપૂર્વક દૂર કરવાં જોઈએ. અને પોતાના મનને ઉચ્ચ વિચારોમાં લગાવી રાખવું જોઈએ. આપણે નિમ્ન પ્રવૃત્તિઓ અને ભાવનાઓને ઊભી થવાનો કોઈ અવસર આપવો જોઈએ નહીં. આપણે, કમ સે કમ આપણી સાધનાના પ્રશિક્ષણ સમયમાં વિપરીત લિંગની વ્યક્તિઓના, તથા સમાન લિંગની એવી વ્યક્તિઓના સંગથી દૂર રહેવું જોઈએ, જેઓ પૂર્ણપણે નૈતિક જીવન યાપન કરતા નથી.

આપણે વાસનાઓને આપણા ઉપર સવાર થવાનો અવસર આપવો જોઈએ નહીં. ચિંતન કરવું એ મનનો સ્વભાવ છે, અને જો આપણે સમસ્ત જૂના અપવિત્ર સંસ્કારોને હટાવીને શુભ અને પવિત્ર વિચાર નહીં કરીએ, તો તે અશુભ અને અપવિત્ર ચિંતન અવશ્ય કરશે. આથી ઊઠો અને કામમાં લાગી જાઓ. સદા સાવધાન રહો, તથા બુદ્ધિમત્તા અને લગન સાથે સત્યપથનું અનુસરણ કરો. સુષુપ્તિ પર્યંત, મૃત્યુ પર્યંત વેદાંત વિચારમાં મનને પૂર્ણ રાખો. (આસુપ્તેરામૃતેઃ કાલં નયેદ્વેદાંતચિંતયા- અપૈય્યા દીક્ષિતકૃત સિદ્ધાંત લેશ સંગ્રહ પરિસંખ્યા વિધિ વિચાર, અ.૧)

Total Views: 710

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.