હિન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવનો દેહ-મનયુક્ત વ્યક્તિત્વ તથા જીવન ત્રણ ગુણો દ્વારા પરિચાલિત થાય છે, જે હંમેશાં મિશ્રિત રહે છે. એમાં તમસ નિષ્ક્રિયતાનું, રજસ ક્રિયાશીલતાનું, તથા સત્ત્વ જ્ઞાનનું તત્ત્વ છે. માનવનો સ્વભાવ આ ગુણોમાંથી કોઈ એક અથવા બીજાના અધિકપણા પર નિર્ભર કરે છે. આ ગુણોનું સંતુલન જીવનની મુખ્ય સમસ્યા છે. આ ગુણો છત પર જવાની સીડી સમાન છે, આળસુ માણસે ઉપર ચડીને કર્મઠ બનવાનું છે, કર્મઠે પવિત્ર બનવાનું છે. સત્ત્વની વૃદ્ધિ થવાથી મન શુદ્ધ અને પવિત્ર બની જાય છે સત્ત્વ, સત્ય સુધી જનારી ગાડીનું સૌથી ઉપરનું સોપાન છે, પરંતુ તે સત્ય નથી.

આપણી પવિત્રતાથી આપણને ભગવત્‌ સાક્ષાત્કાર થવો જોઈએ. ભગવત્પ્રાપ્તિનો અર્થ છે, બધા જ ગુણોનું અતિક્રમણ કરવું. શ્રીરામકૃષ્ણની એક કથામાં ગુણોની તુલના ત્રણ ડાકુઓની સાથે કરવામાં આવી છેઃ

એક ધનવાન માણસ જંગલની વચ્ચેથી જઈ રહ્યો હતો. એવા સમયે ત્રણ ડાકુઓએ આવીને એને ઘેરી લીધો. બધું જ છીનવી લઈને એક ડાકુએ કહ્યું, ‘હવે આને રાખીને શું કરીશું, આને મારી નાખો.’ આમ કહીને તે એને મારવા માટે તૈયાર થયો. ત્યારે બીજો ડાકુ બોલ્યો, ‘એને જાનથી ન મારો, હાથ-પગ બાંધીને એને અહીં જ છોડી દો. પછી તે પોલીસને ખબર આપી શકશે નહીં.’ આ પ્રમાણે એને બાંધીને ડાકુઓ એને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા.

થોડા સમય પછી ત્રીજો ડાકુ પાછો આવ્યો. આવીને બોલ્યો, ‘મને ખેદ છે, તમને બહુ જ દુઃખ થયું. હું તમારું બંધન ખોલી નાખું છું.’ બંધન ખોલી નાખ્યા પછી એ માણસને રસ્તો બતાવતો ડાકુ ચાલવા લાગ્યો.

સરકારી રસ્તા પાસે આવીને એણે કહ્યું, ‘આ રસ્તેથી ચાલ્યા જાવ, હવે તમે આસાનીથી તમારા ઘરે જઈ શકશો.’ એ માણસે કહ્યું, ‘આ શું મહાશય! તમે પણ ચાલો, તમે મારો કેટલો ઉપકાર કર્યાે છે. મારા ઘરે આવશો તો મને બહુ જ આંનદ થશે.’ ડાકુએ કહ્યું, ‘નહીં, હું ત્યાં આવીશ તો છૂટી નહીં શકું, પોલીસ મને પકડી લેશે.’ આમ કહીને, રસ્તો બતાવીને તે પાછો ચાલ્યો ગયો.

પહેલો ડાકુ તમોગુણ છે જેણે કહ્યું, ‘આને રાખીને શું કરીશું, મારી નાખો.’ તમોગુણથી વિનાશ થાય છે. બીજો ડાકુ રજોગુણ છે, રજોગુણથી મનુષ્ય સંસારમાં બદ્ધ થાય છે, અનેકાનેક કાર્યોમાં જકડાઈ જાય છે. રજોગુણથી ઈશ્વરને ભૂલી જવાય છે. સત્ત્વગુણ જ કેવળ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો છે. દયા, ધર્મ, ભક્તિ, આ બધાં સત્ત્વગુણથી ઉત્પન્ન થાય છે. સત્ત્વગુણ જાણે કે અંતિમ સીડી છે. એના પછી જ છે અગાશી. મનુષ્યનું ધામ છે પરબ્રહ્મ. ત્રિગુણાતીત ન થાય ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન થતું નથી.

પરમાત્મા તથા ભગવત્‌-સાક્ષાત્કાર આપણું લક્ષ્ય હોવું જોઈએ, એટલે કે પોતાની અંદર અનુભવ કરવો અને ત્યાર બાદ બીજા બધામાં એનો સાક્ષાત્કાર કરવો. આપણો આદર્શ તે વ્યક્તિ છે, જે કોઈ ગુણથી બંધાતો નથી, જેણે ભગવાનને જાણી લીધા છે, તથા જે ગુણોનાં બધાં જ કાર્યોથી અલિપ્ત રહે છે. શુભ વિચારોની સહાયતાથી અશુભ પ્રવૃત્તિઓથી છુટકારો મેળવીને એણે સત્ત્વનું પણ અતિક્રમણ કરી લીધું છે અને અનુભવાતીત સ્થિતિને પ્રાપ્ત કરી લીધી છે. એનું મન વધારેમાં વધારે તો સત્ત્વની સીડી સુધી ઊતરી શકે છે, પરંતુ એની નીચે ક્યારેય જઈ શકતું નથી.

ફક્ત નૈતિકતા માણસને આધ્યાત્મિક બનાવી શકતી નથી. નૈતિકતાને જીવનનો સાર-સર્વસ્વ માનવી: ‘પ્રોટેસ્ટેન્ટિઝમ’ કહેવાતા મતની આ ત્રુટિ છે. નૈતિકતા જરૂરી છે, અને પહેલાં પૂર્ણ નૈતિક જીવન યાપન કર્યા વિના આધ્યાત્મિકતા થઈ શકતી નથી. પરંતુ માત્ર નૈતિકતા આધ્યાત્મિકતા હોવાનો દાવો કરી શકતી નથી, જે નૈતિક આદર્શના સ્તરથી બહુ ઉપર છે.

Total Views: 645

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.