શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી
૧ જુલાઈ, ૧૯૨૦

અમે ઠાકુર વિશે વાતો કરતા હતા.

સ્વામી તુરીયાનંદ – ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો થાય તો ગળા પર છરી મારીશ.’ શું વાત! ઠાકુરના હૃદયમાં એકવાર (કામભાવે) થોડો ઉછાળો માર્યો હતો. સાથે સાથે જ તેઓ પછડાટ ખાતા ખાતા માની સામે આવીને પડ્યા. તેમના મનનું ગઠન જે પ્રકારે હતું તેથી તેઓ નિશ્ચય એમ જ કરતા – જે બોલતા એ જ કરતા. જેઓ આ રીતે બોલી શકે તેમને શું મા તરછોડી શકે? એવી રીતે બોલી શકે તો (માની કૃપા) ખરેખર થાય કોણ જાણે!

कामादि दोष रहितं कुरु मानसं च – કેવી વાત!

વૃદ્ધ વયમાં કામભાવ થાય તો ખૂબ જ મુશ્કેલ! કોઈ કહેતું કે વૃદ્ધાવસ્થામાં એ બધું વધારે થાય. ઇચ્છા છે પરંતુ ઇન્દ્રિયવૃત્તિઓ શિથિલ હોય. તે તો મહા આપત્તિ. નિરોધ કરવાની strength (શક્તિ) પણ તે સમયે ઘટી જાય.

અચ્છા, આ કામભાવ શું છે? એક વૃત્તિ વિશેષ સિવાય બીજું તો કાંઈ નહિ!

ભક્ત – દૃષ્ટ ઇન્દ્રિયોનો એક આનંદ વિશેષ.

સ્વામી તુરીયાનંદ – આના ઊંડાણમાં તો એક Psychology (માનસ વિજ્ઞાન) છે ને? એ શું – એ છે એકત્વની ઇચ્છા. આ પણ એ જ પ્રેમ (ઈશ્વરપ્રેમ)નો એક aspect (પ્રકાશવિશેષ) છે. પણ મનુષ્ય તો ભૂલ કરે. Gross (સ્થૂળ)થી આરંભ કર્યો છે માટે તે શુદ્ધ વસ્તુ સુધી નથી લઈ જઈ શકતો. (અહીં તુરીયાનંદજી સ્થૂળ પ્રેમથી શરૂઆત કરીને શુદ્ધ પ્રેમ સુધી જવાની વાત કરે છે. પણ આ રસ્તો ખૂબ લાંબો હોવાથી જે લોકો સ્થૂળથી શરૂઆત કરે તેઓ શુદ્ધ સુધી પહોંચી શકતા નથી.) કોઈ કોઈને તેનાથી જ થાય છે જેમ કે ચંડીદાસ, ચંડીદાસની વાત સાંભળી છે ને? (સ્થૂળ પ્રેમથી શરૂઆત કરીને ઈશ્વરપ્રેમ સુધી ગયા છે.)

‘રજકિનીરૂપ કિશોરીસ્વરૂપ કામગંધ નાહિ તાય’- તેમાં કામગંધ નથી. કેવી સુંદર વાત! અને બિલ્વમંગલ, તુલસીદાસ. તુલસીદાસ ખૂબ જ સ્ત્રીપરાયણ હતા. પત્ની પોતાના પિતાના ઘરે જતાં હતાં અને તુલસીદાસ તેમની પાછળ પાછળ જતા હતા. પત્ની નારાજ થઈને બોલ્યાં, ‘આ અનુરાગનો એક તલભાર પણ જો ભગવાન પ્રત્યે આપ્યો હોત તો તેમને મેળવી શકત.’ તરત જ વિવેક જાગૃત થઈ ગયો, તેઓને તો તેનાથી જ વિવેક આવી ગયો. પ્રેમ અને કામભાવ બન્ને એકદમ નજીક છેને! તેથી ઠાકુર કહેતા, ‘કામ અંધ, પ્રેમ નિર્મળ ભાસ્કર.’ મનુષ્યબુદ્ધિ રહે તો કામ, અને ભગવત્‌બુદ્ધિ રહે તો પ્રેમ.

ભક્ત – ગોપીઓને તો પહેલાં ભગવત્‌બુદ્ધિ નહોતી, પહેલાં તો તેમને સ્થૂળ પર જ આસક્તિ હતીને?

સ્વામી તુરીયાનંદ – ના એમ નહિ. ભાગવતમાં ગોપીઓની સ્તુતિમાં જોવા મળે છે કે આરંભથી જ ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યે ભગવદ્‌ભાવ હતો. ગોપીઓ જ્યારે તેમની પાસે જતી ત્યારે તેઓ (શ્રીકૃષ્ણ) તેમને (ગોપીઓને) જતા રહેવાનું કહેતા. તેઓ કહેતી, ‘અમે પતિ, પિતા, પુત્ર, સ્નેહીઓ, મિત્રો બધાંનો ત્યાગ કરીને તમારી પાસે આવ્યાં છીએ, તો હવે ક્યાં જઈએ? તમે જ તો અંતરાત્મા સ્વરૂપે બધાંમાં વિરાજિત છો.’

ગોપીઓનું શ્રીકૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ concentration (મનની એકાગ્રતા) થયું હતું. જો એક પળ concentration થાય તોપણ ભગવદ્‌ભાવ પ્રગટ થાય. કામ, ક્રોધ, ભય, સ્નેહ તેમાંથી કોઈપણ દ્વારા તન્મયતા આવી શકે. કામ – ગોપીઓની જેમ, ક્રોધ – કંસની જેમ, ભય – શિશુપાલની જેમ, સ્નેહ – મા યશોદાની જેમ વગેરે.

कामं क्रोधं भयं स्नेहमैक्यं सौहृदमेव च।
नित्यं हरौ विदधतो यान्ति तन्मयतां हि ते॥
– ભાગવત્‌ ૧૦/૨૯/૧૫

પરંતુ મન સંપૂર્ણ શુદ્ધ ન થાય તો તે બધું થાય? તું કેવી વાત કરે છે.

પ્રેમ જદિ હોય તબે અવશ્ય ભાજન,
આછે ક્ષુધા નાહિ અન્ન ના હોય એમન.

અર્થાત્‌ જો ઈશ્વર ઉપર પ્રેમ હોય તો ઈશ્વર મળશે જ. ક્ષુધા છે પણ અન્ન ન મળે એમ ક્યારેય ન બને.

Total Views: 649

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.