‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી પ્રેરાઈને જ સંતપુરુષ પ્રાર્થના કરે છે અને લૂંટારા લૂંટ કરે છે. આપણે અંગીકાર કરેલી કાર્યપદ્ધતિ યોગ્ય ન હોય તો તે અશુભ કહેવાય. જ્યારે તેની ક્રિયા યોગ્ય અને ઉચ્ચ હોય ત્યારે તે શુભ કહેવાય છે. પણ આ વૃત્તિ એક જ હોય છે—સ્વાધીનતા માટેનો સંઘર્ષ.’1

‘તમસો મા જ્યોતિર્ગમય’ —અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની મથામણનું નામ જ છે જીવન. એક રોપાને વાવીએ ત્યારે જોઈશું કે પ્રકાશની દિશામાં જ એની ડાળખીઓ પ્રસરે છે. તમે એવી કોઈ વ્યક્તિને નહીં મળો કે જે વિકાસ પામવાનો પ્રયત્ન ન કરતી હોય.

જો આપણે સાચી રીતે વાપરી શકીએ તો મહત્ત્વાકાંક્ષા આપણા માટે એક અમોઘ શસ્ત્ર બની શકે. વિદ્યાર્થીઓ સારી કારકિર્દી બનાવવાની આશામાં અઘરી પરીક્ષાઓ આપે છે. મા પોતાના બાળકની સંભાળ રાખવા માટે દિવસભર કામ કરતી રહે છે. એક પક્ષી પણ માળો બનાવે છે અને દાણા શોધી લાવી એના બચ્ચાને ખવડાવે છે. અત્યારે પોતે જે અવસ્થામાં છે એથી વધુ સારી અવસ્થા પ્રાપ્ત કરવાનો સંઘર્ષ પ્રત્યેક જીવ કરે છે. શ્રીરામકૃષ્ણદેવે સ્વયં કહ્યું હતું કે હું ભક્તોનો રાજા થવા માગું છું.

પણ આ સંઘર્ષ તમે સત્‌ના રસ્તા પર ચાલીને પણ કરી શકો અને અસત્‌ના રસ્તા પર ચાલીને પણ કરી શકો. પરીક્ષા પાસ કરવા માટે જો એક વિદ્યાર્થી મહેનત કરશે તો બીજો વિદ્યાર્થી ચોરી કરશે; ધનપ્રાપ્તિ માટે જો એક વ્યક્તિ વ્યવસાયનો વિસ્તાર કરશે તો બીજી વ્યક્તિ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરશે.

શ્રેષ્ઠત્વને પ્રાપ્ત કરવાના શુભ અને અશુભ આ બે રસ્તા છે. જો આપણે શુભના રસ્તા ઉપર ચાલી, મહેનત કરી, સત્ય-અહિંસા-તપ-સંતોષ-ઈશ્વરપ્રણિધાનના રસ્તા પર ચાલી પોતાનો વિકાસ સાધવાનો પ્રયત્ન કરીશું તો ધીરે ધીરે આપણી અજાણતાવશત: જ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર રૂપી દુર્ગુણો ક્ષય પામતા જશે.

અવશેષે, જીવનના આરે આવી સાક્ષાત્કાર કરીશું કે આપણે પોતાના જીવનમાં જેટલી મહેનત કરી છે એ બધી આ દુર્ગુણોના બંધનથી મુક્તિ મેળવવા માટે જ કરી છે, ભલે આપણે એ વિશે સભાન હતા કે નહીં. આપણે વિચારતા હતા કે ધન મળશે કે પ્રતિષ્ઠા મળશે તો આપણને સાચો આનંદ મળશે. પણ છેવટે તો સાચો આનંદ આપણને દુર્ગુણોની મુક્તિથી જ મળ્યો છે.

આની પણ પારે જઈ, દુર્ગુણોથી મુક્તિ મેળવ્યા બાદ પણ, આપણે સાધનામાં રત રહીએ તો આપણે આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરીશું. શ્રીરામકૃષ્ણદેવ જ્યારે પંચવટીમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એક દિવસ ઓચિંતાના ધનવૈભવ, કપડાં અને ઘરેણાં, સુંદર સ્ત્રી, રાજકીય આધિપત્ય જેવાં પ્રલોભનો એમની સમક્ષ આવી પડ્યાં. શ્રીરામકૃષ્ણ તરત જ રોતાં રોતાં માને પોકારવા લાગ્યા અને કાતરસ્વરે પ્રાર્થના કરવા લાગ્યા કે માનાં દર્શન સિવાય એમની કોઈ આકાંક્ષા નથી. સાથે જ માએ દર્શન આપ્યાં અને તેઓ સમાધિના મહાનંદમાં ગરકાવ થઈ ગયા.

સ્વામીજી આગળ કહે છે: ‘સ્વાધીનતા એ જ જડ કે ચેતન સર્વ પ્રકૃતિનું એક લક્ષ્ય છે; અને જાણ્યે કે અજાણ્યે સર્વ આ લક્ષ્ય માટે વિગ્રહ વહોરે છે. સંતપુરુષ ઇચ્છે છે તેના કરતાં ચોરનો સ્વાધીનતાનો પ્રકાર સાવ જુદો છે; સંત જે સ્વાધીનતા માગે છે તે વડે તે અનંત, અનિર્વચનીય આનંદ તરફ જાય છે, જ્યારે લૂંટારાની લગની એના આત્માનાં બીજાં બંધનો ઘડે છે.’2

સ્વાધીનતા બે પ્રકારની છે: એક તો છે ક્ષુધા, તૃષ્ણા, રોગ, શોક, સંતાપ વગેરેથી મુક્તિ અને બીજી છે ભવરોગ કે ભવબંધનમાંથી મુક્તિ. જે લોકો શારીરિક પ્રયોજનમાંથી મુક્ત થવાને જ જીવનનું લક્ષ્ય માને છે તેઓ ઘણી વખત આડા માર્ગે ચડી ક્ષુધા-નિવારણનો પ્રયત્ન કરશે.

પરંતુ એક સંતને ખબર છે કે માયાના બંધનમાં પડી આપણે જન્મજન્માંતર કર્મ કરતા રહીએ છીએ અને પ્રત્યેક કર્મ આપણા મન ઉપર સંસ્કાર છોડી જાય છે. કર્મ અને કર્મ-સંસ્કારના આ વિષચક્રથી મુક્તિ એ જ સાચી સ્વાધીનતા છે. સંન્યાસીનું ગીત નામક કવિતામાં સ્વામીજી કહે છે:

વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,
ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;
ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;
ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.
સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.
તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજેઃ
‘ઓમ તત્ સત્ ઓમ્.’
‘લણે તે જે વાવે, અફર,’ જન ક્હેઃ ‘કારણ સદા
ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.
બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી
રહી સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં.’
ખરું એ સૌ; કિન્તુ સહુથી પર આત્મા વિલસતો,
વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;
અને સંન્યાસી, તે તું જ પરમ, ર્‌હે ઘોષ ગજવીઃ
‘ઓમ તત્ સત્ ઓમ્.’
અને એવી રીતે દિન પછી દિને કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા. પુનરપિ નહીં જન્મ ધરશે.
નહીંં હું – તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુઃ આનન્દઘનતાઃ
તું છે તત્ જાણે લે પરથી પરઃ પોકાર કર તુંઃ
‘ઓમ તત્ સત્ ઓમ્.’3

Footnotes

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 1.56
  2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 1.56
  3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 8.276
Total Views: 765

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.