આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી થતી ત્યાં સુધી બહાર ‘રામરાજ્ય’ની સ્થાપના ન થઈ શકે. હૃદયમાં શ્રીરામની પ્રતિષ્ઠા કરતાં પહેલાં આપણે એ પણ સમજવું પડશે કે ‘રામ’ માત્ર અયોધ્યાના રાજા માત્ર નથી, એક ઐતિહાસિક પાત્ર માત્ર નથી પણ તેઓ સ્વયં શાશ્વત ઈશ્વરના અવતાર છે.

ગોસ્વામી તુલસીદાસજીની દૃષ્ટિએ પણ રામ એક ઐતિહાસિક પાત્ર જ નહીં પણ સાક્ષાત્ પરબ્રહ્મ પરમેશ્વર પણ છે. તેમણે ત્રેતાયુગમાં અવતાર લીધો હતો પણ તેઓ આજે ય હાજર છે. તો પછી તેઓ દેખાતા કેમ નથી? તેના ઉત્તરમાં તુલસીદાસજી કહે છે:

मुकुर मलिन अरु नयन बिहीना।
राम रूप देखहिं किमि दीना।।

રાવણ અને તેના સૈનિકો રામ સાક્ષાત્ દેહ ધારણ કરી આવ્યા ત્યારે પણ શું તેમને ઓળખી શકયા હતા? તેઓના માટે રામ શત્રુ હતા એટલે તુલસીદાસજીએ રાવણને ‘બિંસહુ લોચન અંધ’ (વીસ આંખવાળો અંધ)ની ઉપાધિ આપી હતી.

‘રામ મનુષ્ય છે કે ઈશ્વ૨?’ આના ઉત્તરરૂપે જ ‘રામચરિતમાનસ’માં સમસ્ત રામકથા કહેવામાં આવી છે. તેના ત્રણેય શ્રોતાઓનો એક જ પ્રશ્ન છે. રામને પત્નીના વિરહમાં રડતા જોઈને સતીના હૃદયમાં સંશય ઉત્પન્ન થઈ ગયોઃ

ब्रह्म जो ब्यापक बिरज अज अकल अनीह अभेद।
सो कि देह धरि होइ नर जाहि न जानत बेद।।

પાર્વતીના રૂપમાં તેમણે ફરી શિવજીને એ જ પ્રશ્ન કર્યો-

जौं नृप तनय त ब्रह्म किमि नारि बिरहँ मति भोरि।
देखि चरित महिमा सुनत भ्रमति बुद्धि अति मोरि।।

ગરુડ પણ રામને લંકામાં નાગપાશથી મુક્ત કરી પોતે સંશયગ્રસ્ત થઈ જાય છે અને કાગભુશુંડજીને પૂછે છે-

भव बंधन ते छूटहिं नर जपि जा कर नाम।
खर्ब निसाचर बाँधेउ नागपास सोइ राम।।

ત્રીજા શ્રોતા ભરદ્વાજ વ્યંગમાં યાજ્ઞવલ્કયને પૂછે છે:

एक राम अवधेस कुमारा।
तिन्ह कर चरित बिदित संसारा।।
नारि बिरहँ दुखु लहेउ अपारा।
भयउ रोषु रन रावनु मारा।।
प्रभु सोइ राम कि अपर कोउ जाहि जपत त्रिपुरारि।
सत्यधाम सर्बग्य तुम्ह कहहु बिबेकु बिचारि।।

ખરેખર, આપણી આ સાધારણ બુદ્ધિ દ્વારા અવતાર-તત્ત્વ સમજવું મુશ્કેલ છે. પ્રત્યેક યુગમાં ધર્મની સ્થાપના માટે અને દુષ્ટોના વિનાશ માટે તેઓ મનુષ્યદેહ ધારણ કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।। 7।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।। 8।।

‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે. ત્યારે ત્યારે હે અર્જુન! હું પોતે પ્રગટ થાઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે યુગે યુગે ધર્મની સ્થાપના કરવા માટે હું જન્મ લઉં છું.’

‘રામચરિતમાનસ’માં પણ શિવજી પાર્વતીજીને ભગવાન રામના અવતારના હેતુ વિષે કહે છે-

तस मैं सुमुखि सुनावउँ तोही।
समुझि परइ जस कारन मोही।।
जब जब होइ धरम कै हानी।
बाढहिं असुर अधम अभिमानी।।
करहिं अनीति जाइ नहिं बरनी।
सीदहिं बिप्र धेनु सुर धरनी।।
तब तब प्रभु धरि बिबिध सरीरा।
हरहि कृपानिधि सज्जन पीरा।।
(રામચરિતમાનસ-બાલકાંડ – ૧૨૦/૩-૪)

‘જેવું મને સમજાય છે, તે કારણ હે સુમુખી! હું તમને સંભળાવું છું, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધમ અભિમાની અસુરો વધી પડે છે, વર્ણવી ન શકાય તેવી અનીતિ કરે છે; તેમ જ બ્રાહ્મણો, ગાયો, દેવો તથા પૃથ્વી દુઃખ પામે છે, ત્યારે કૃપાના ભંડાર પ્રભુ અનેક પ્રકારનાં શરીરો ધરી સજ્જનોની પીડા હરે છે.’

પુરાણોમાં ગાથા આવે છે કે હિરણ્યાક્ષ જ્યારે પૃથ્વીને ચોરીને લઈ જાય છે, ત્યારે ભગવાન વરાહના રૂપમાં અવતાર લઈ હિરણ્યાક્ષનો વધ કરે છે અને પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. હિરણ્યકશિપુ જ્યારે સંસાર પર અત્યાચાર કરવા લાગે છે અને પ્રહ્‌લાદનો વધ કરવા જાય છે ત્યારે ભગવાન નૃસિંહના રૂપમાં અવતાર લઈ હિરણ્યકશિપુનો વધ કરીને પ્રહ્‌લાદની રક્ષા કરે છે. ત્રેતાયુગમાં શ્રીરામના રૂપમાં અવતરી રાવણ, કુંભકર્ણ, વગેરેનો વધ કરે છે અને દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતરી શિશુપાલ, દન્તવક્ત્ર અને કંસ વગેરેનો વધ કરે છે.

આ સંદર્ભમાં એક મજેદાર પ્રસંગ છે. ભારતના પ્રસિદ્ધ રામાયણ-પંડિત રામકિંકર ઉપાધ્યાયનું ‘રામચરિતમાનસ’ પર પ્રવચન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું હતું. તુલસીદાસજીએ આ ગ્રંથમાં વર્ણન કર્યું છે કે રાવણ અને કુંભકર્ણના ત્રણ જન્મો થયા. સત્યયુગમાં હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષના રૂપમાં, ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણના રૂપમાં અને દ્વાપરમાં શિશુપાલ અને દન્તવક્ત્રના રૂપમાં. યુગો તો ચાર છેઃ સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ. એક વ્યક્તિએ કહ્યું છે કે, તો તો આપણો આ કલિયુગ સૌથી સારો. કારણ કે આ યુગમાં રાવણ અને કુંભકર્ણનો જન્મ નથી થતો, જો જન્મ થયો હોત તો જરૂર તુલસીદાસજી એનું વર્ણન કરત. પંડિતજીએ હસીને જવાબ આપ્યો, ‘નહીં ભાઈ, એવું નથી. વાત એમ છે કે બીજા યુગોમાં તો રાવણ અને કુંભકર્ણ એક એક વ્યક્તિના રૂપમાં આવ્યા પણ આ યુગમાં તો આ બંને એટલા રૂપમાં આવ્યા કે કોનું નામ લખવું અને કોનું ન લખવું!’ ખરેખર તો આપણા યુગની સમસ્યા તો વધારે મુશ્કેલ છે કારણ કે આપણા બધાની સમસ્યા અંતઃકરણમાં રહેવાવાળી દુર્વૃત્તિઓ અને દુર્વિચારોની છે. આપણા બધાના અંતઃકરણમાં મોહરૂપી રાવણ, અહંકારરૂપી કુંભકર્ણ, કામરૂપી મેઘનાદ, વગેરે રાક્ષસો નિવાસ કરી રહ્યા છે અને તેમનો વિનાશ કરવો વધારે દુષ્કર છે.

‘વિનયપત્રિકા’ ગ્રંથમાં ગોસ્વામી તુલસીદાસજી આ યુગના આ રાક્ષસોનું વર્ણન કરતાં લખે છે –

मोह दशमौलि, तद्भ्रात अहँकार,
पाकारिजित काम बिश्रामहारी।
लोभ अतिकाय,मत्सर महोदर दुष्ट,
क्रोध पापिष्ठ-विबुधांतकारी।।

‘આ શરીરરૂપી લંકામાં મોહરૂપી રાવણ, અહંકારરૂપી તેનો ભાઈ કુંભકર્ણ અને શાંતિ નષ્ટ કરવાવાળો કામરૂપી મેઘનાદ છે. લોભરૂપી અતિકાય, મત્સરરૂપી દુષ્ટ મહોદર, ક્રોધરૂપી મહાપાપી દેવાન્તક વગેરે રાક્ષસો છે.’

‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઇન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર કાર્ય સંપન્ન કરવા માટે અભિનંદન દેવા આવ્યા. પણ નવાઈની વાત! દેવોના દેવ મહાદેવ દેખાતા નથી. છેલ્લે, શિવજી આવે છે. પણ કયારે? તુલસીદાસજી કહે છે કે, જ્યારે દેવતાઓ સ્તુતિ કરીને પોતપોતાનાં વિમાનો પર ચડીને ચાલ્યા ગયા ત્યારે ઉત્તમ અવસર જાણીને સુજ્ઞ ભગવાન શંકર શ્રીરામચંદ્રજી પાસે આવ્યાઃ

सुमन बरषि सब सुर चले चिढ़ चिढ़ रुचिर बिमान।
देखि सुअवसरु प्रभु पहिं आयउ संभु सुजान।।

પણ આશ્ચર્યની વાત, શિવજી શ્રીરામચંદ્રની પ્રશંસા કરવાને બદલે હાથ જોડીને શ્રીરામને કહે છે-

मामभिरक्षय रघुकुल नायक।
धृत बर चाप रुचिर कर सायक।।
मोह महा घन पटल प्रभंजन।
संशय बिपिन अनल सुर रंजन।।
अगुन सगुन गुन मंदिर सुंदर।
भ्रम तम प्रबल प्रताप दिवाकर।।
काम क्रोध मद गज पंचानन।
बसहुँ निरंतर जन मन कानन।।

‘હે રઘુકુળ સ્વામી! સુંદર હાથોમાં શ્રેષ્ઠ ધનુષબાણ ધરતા આપ મારી રક્ષા કરો. આપ મહામોહરૂપી મેઘસમૂહને છિન્નિભિન્ન કરનારા પ્રચંડ પવનરૂપ છો, સંશયરૂપી વનને ભસ્મ કરતા અગ્નિરૂપ છો. અને દેવોને આનંદ આપનાર છો. આપ નિર્ગુણ-સગુણ દિવ્ય ગુણોના ધામ અને પરમ સુંદર છો; ભ્રમરૂપી અંધકારનો નાશ કરતા પ્રબળ પ્રતાપી સૂર્યરૂપ છો, કામક્રોધ અને મદરૂપી હાથીઓના નાશ માટે સિંહ સમાન આપ સેવકના મનરૂપી વનમાં નિરંતર વસો.’

આમ, શિવજી પણ તુલસીદાસની જેમ માને છે કે કેવળ બહારના એક રાવણના વધથી સમસ્યાઓનું સમાધાન નહિ થઈ જાય. મનમાં પેઠેલ કામ, ક્રોધ, લોભ મોહરૂપી રાક્ષસોનો વધ આવશ્યક છે.

સંત ગોસ્વામી તુલસીદાસ રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામના ચરિત્રનું વર્ણન એક મનુષ્યના રૂપમાં નથી કરતા પણ એવા શાશ્વત ઈશ્વરના રૂપમાં કરે છે, જે આજે પણ આપણા જીવનમાં ઉદ્‌ભવતી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેમની દૃષ્ટિમાં શ્રીરામ અને તેમની લીલા સાર્વકાલિક છે. ‘રામચરિતમાનસ’ના ઉત્તરકાંડમાં એક પ્રસંગ આવે છે. શ્રીરામ વાનરને વિદાય આપતી વખતે કહે છે.

अब गृह जाहु सखा सब, भजेहु मोहि दृढ़ नेम।
सदा सर्बगत सर्बहित, जानि करेहु अति प्रेम।।

‘ઘેર જઈને દૃઢ નિયમપૂર્વક ભજન કરજો. પ્રત્યેક દેશ અને પ્રત્યેક કાળમાં બધાને મારું સ્વરૂપ સમજીને બધાને પ્રેમ કરવો અને બધાની સેવા કરવી એ જ મારું ભજન છે.’

આપણે રામ-ભજન તો કરીએ છીએ પણ ભજનની ઉપરોક્ત વ્યાખ્યાને ભૂલી જઈએ છીએ અને તેથી જ આપણા સંકુચિત હૃદયમાં અથવા બહાર સમાજમાં રામરાજ્ય સ્થપાતું નથી.

રામ-ભજન વિષે ગાંધીજીએ લખ્યું હતું-

‘મારો અભિપ્રાય એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની જેમ ન થઈ શકે. આ અતિશય કઠિન કાળમાં રામાયણ પણ અવળું જ જપાય છે. એટલે કે એ પણ ઘણે ઠેકાણે આડંબરને ખાતર, કેટલીક જગાએ પોતાના સ્વાર્થને ખાતર અને કેટલીક જગાએ વ્યભિચારને પોષવાને ખાતર પણ જપાયેલું મેં ભાખ્યું છે… તેથી જે રામનામનો પ્રચાર કરવા ઇચ્છે છે તેણે પોતે એ પ્રચાર પોતાના હૃદયમાં કરી રામનું સામ્રાજ્ય ત્યાં સ્થાપી પ્રચાર કરવો.

એ વસ્તુને જગત ઝીલી લેશે અને રામનામ જપશે. પણ જ્યાં ત્યાં અને જેમ તેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડને ઉમેરીને રામનામને નિંદવું અને નાસ્તિક્તાનો ધોધ ચાલી રહ્યો છે તેનો વેગ વધારવો.

દેશની વર્તમાન સંકટકાળની પરિસ્થિતિમાં ગાંધીજીનો આ ઉપદેશ આજે પણ કેટલો પ્રાસંગિક છે! આજે આવશ્યકતા છે રામનામનો પ્રચાર બહાર કરતાં પહેલાં પોતાના હૃદયમાં કરવાની. આજે આવશ્યકતા છે શાશ્વત રામને હૃદયસિંહાસને બેસાડવાની. કારણ કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના હૃદયમાં રામરાજ્ય ન સ્થપાય ત્યાં સુધી આપણા ભારત દેશમાં રામરાજ્યની સ્થાપના થવી અશક્ય છે.

શ્રીરામકૃષ્ણદેવે જટાધારી ગોપાલમંત્રની દીક્ષા લઈ, વાત્સલ્ય ભાવની સાધના કરી અને શ્રીરામચંદ્રની બાલગોપાલમૂર્તિનાં દિવ્ય દર્શન હરપળે પામવા સમર્થ બન્યા હતા. પોતાની અનુભૂતિને તેઓ એક પ્રખ્યાત હિન્દી દોહા દ્વારા પ્રગટ કરતા –

जो राम दशरथका बेटा, वो ही राम घटघट में लेटा।
वो ही राम जगत पसेरा, वो ही राम सब से न्यारा।।

આપણે આ શાશ્વત રામને પ્રાર્થીએ કે તેઓ આપણને તેમના આ શાશ્વત સ્વરૂપને સમજવાની અને પોતપોતાના હૃદયમાં રામરાજ્ય સ્થાપવાની શક્તિ આપે જેથી સમાજમાં રામરાજ્ય સ્થાપવાનો માર્ગ મોકળો બને.

Total Views: 550

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.