સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે:

“એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ વધુ બાજુઓનો તમે વિકાસ કરો તેમ તેમ વધારે આત્માઓ તમને પ્રાપ્ત થશે અને આ સઘળા આત્માઓ દ્વારા—ભક્તના આત્મા દ્વારા અને જ્ઞાનીના આત્મા દ્વારા—તમે વિશ્વને જોઈ શકશો. તમારા પોતાના સ્વભાવને ઓળખી લો અને તેને વળગી રહો.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮)

“એક અંગ” એટલે એક દૃષ્ટિબિંદુ. “ભક્તનો આત્મા” એટલે “ભક્તના અનુભવો અને સંસ્કાર.” જો એક ભક્ત પોતાના દૃષ્ટિબિંદુને વળગી રહી એમ કહે કે હું જે ભગવાનની પૂજા કરું છું એ જ સાચા અને બાકીના ખોટા, તો દુનિયા કજિયા-કંકાસથી ભરાઈ જશે. જો એક જ્ઞાની એમ કહે કે મારા જ્ઞાનના અનુભવો કે જ્ઞાનમાર્ગની સાધના જ સાચી, તો એ પણ ઝઘડાળુ બની જશે. આપણે ભક્તનો આત્મા કે જ્ઞાનીનો આત્મા પ્રાપ્ત કરીએ એનો અર્થ કે સઘળાં દૃષ્ટિબિંદુઓ પ્રતિ સહાનુભૂતિ રાખીએ.

આ સુવિચારને અનુરૂપ એક વાર્તા છે. આદિ શંકરાચાર્ય અને મંડન મિશ્રનો વાદવિવાદ જગપ્રસિદ્ધ છે. જ્ઞાનકાંડનો પક્ષ લઈ યુવા સંન્યાસી શંકરે કર્મકાંડના પક્ષધારી મંડન મિશ્રને વિવાદમાં હરાવ્યા. શરત હતી કે જો મંડન મિશ્ર હારી જાય તો તેમણે સંન્યાસ ગ્રહણ કરવો.

હાર્યા બાદ જ્યારે મંડન મિશ્ર સંન્યાસ ગ્રહણ માટે તૈયાર થયા ત્યારે મંડન મિશ્રનાં ધર્મપત્ની ઊભય ભારતીએ કહ્યું કે પત્ની એ પતિની અર્ધાંગિની છે માટે શંકરે તેમને પણ વાદમાં હરાવવા પડશે. જ્યારે શંકરાચાર્ય તેમની સાથે વાદ કરવા લાગ્યા ત્યારે તેઓએ શંકરાચાર્યને ઘરસંસાર કેવી રીતે ચલાવવો એના વિશે પ્રશ્નો કર્યા. હવે શંકરાચાર્ય પોતે બાળ સંન્યાસી હતા અને સંસાર વિશે એમની જાણકારી નહિવત્‌ હતી. માટે તેમણે અભ્યાસ કરવા થોડો સમય માગ્યો.

યોગબળથી શંકરાચાર્યે જાણ્યું કે એક રાજા મૃત્યુના કગારે ઊભા છે. એની ત્રણ રાણીઓ હતી. જો પોતે રાજાનો અનુભવ ગ્રહણ કરે તો તેઓ સંસારમાં પ્રવેશ કર્યા વિના જ સંસાર વિશે વાદવિવાદ કરી શકે. જેવો રાજાએ અંતિમ શ્વાસ લીધો એવા જ શંકરાચાર્ય પોતાનું સ્થૂળ શરીર ત્યાગી સૂક્ષ્મ શરીર કે અંત:કરણ દ્વારા એ રાજાના શરીરમાં પ્રવેશ્યા. રાજાના શરીરમાં કેટલાક મહિનાઓ રહી તેઓ સંસારની અનુભૂતિ પ્રાપ્ત કરી પોતાના સંન્યાસી શરીરમાં પાછા ફર્યા, ભારતી સાથે વાદ કર્યો, અને તેમને પણ હરાવ્યા.

સાધનમાર્ગનાં ઉચ્ચ સોપાનો સર કર્યા બાદ આપણું હૃદય ઉદાર બની જાય છે, અન્ય ધર્મપથ પ્રત્યે કે અન્ય આદર્શમાર્ગીઓ પ્રત્યે આપણી સહાનુભૂતિ જાગી ઊઠે છે. જેના પરિણામે આપણે એમની વિદ્યા, એમનાં અનુભવો, એમના સંસ્કારો સહજે ગ્રહણ કરી શકીએ છીએ અને ખૂબ ઝડપથી આપણી પોતાની સાધનામાં આગેકૂચ કરી શકીએ છીએ. અહીં સ્વામીજી પોતાના જ સ્વભાવને વળગી રહેવાની વાત કરે છે. એટલે આપણે માર્ગ પરિવર્તન નથી કરવાનો પણ અન્ય માર્ગોને સ્વીકાર કરવાના છે. જેમ કે શંકરાચાર્ય પોતે તો સંન્યાસ માર્ગને વળગી જ રહ્યા પરંતુ સાથે સાથે જ ગૃહસ્થાશ્રમનો અનુભવ પણ મેળવ્યો.

સ્વામીજી આગળ કહે છે:

“પ્રારંભ કરનારને માટે નિષ્ઠા (એક જ આદર્શમાં શ્રદ્ધા) એ એક જ માર્ગ છે; પણ શ્રદ્ધા અને અંતરની સચ્ચાઈથી બધુંય પ્રાપ્ત થશે. દેવળો, સિદ્ધાંતો, વિધિઓ એ કુમળા છોડના રક્ષણ માટેની માત્ર વાડો છે; પણ આગળ જતાં વૃક્ષ વધી શકે એટલા માટે તે બધી તોડી નાખવી જોઈએ.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮)

આપણે જ્યારે બાળક હોઈએ ત્યારે શાળામાં જઈ કેળવણી પ્રાપ્ત કરવી જ પડે છે. જો આપણે બાળપણ શાળાની શિસ્ત, નિયમબદ્ધતા, અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ન રહીએ તો પુખ્તવયના થયા બાદ રોજગારના સાધન મેળવવા કે સાંસારિક જવાબદારીઓ વહન કરવાનું અતિ કઠીન બની જાય છે. બીજી બાજુ, જો આપણે પુખ્તવયના થયા બાદ પણ શાળાનો ત્યાગ ન કરીએ તો જવાબદારી ગ્રહણ કરવી શક્ય નથી.

“એક રીતે જોઈએ તો નિષ્ઠા એ છોડને કૂંડામાં મૂકવા જેવું એટલે કે પ્રયત્ન કરતા આત્માને તેના ઇષ્ટ માર્ગમાં રક્ષણ આપવા જેવું છે.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૮-૪૯)

કથામૃતના લેખક માસ્ટર મહાશય સાથે ઈષ્ટનિષ્ઠા સંબંધે શ્રીરામકૃષ્ણદેવનો આ પ્રમાણે વાર્તાલાપ થયો હતોઃ

“શ્રીરામકૃષ્ણ: તમને (દુર્ગા) પૂજાની રજા પડી ગઈ?

મણિ: જી, હા. હું સપ્તમી, અષ્ટમી અને નવમીની પૂજાને દિવસે કેશવ સેનને ઘેર ગયો હતો.

શ્રીરામકૃષ્ણ: શું કહો છો?

મણિ: દુર્ગાપૂજાની બહુ સરસ વ્યાખ્યા સાંભળી છે.

શ્રીરામકૃષ્ણ: શું? કહો જોઈએ.

મણિ: કેશવ સેનને ઘેર રોજ સવારે ઉપાસના થતી, દસ અગિયાર વાગ્યા સુધી. એ ઉપાસના વખતે તેમણે દુર્ગા-પૂજાની વ્યાખ્યા કરી હતી. તેમાં તેમણે કહ્યું કે માની પ્રાપ્તિ કરી શકાય, જો મા દુર્ગાને કોઈ હૃદયમંદિરમાં લાવી શકે તો લક્ષ્મી, સરસ્વતી, કાર્તિક, ગણેશ, એની મેળે આવે. લક્ષ્મી એટલે ઐશ્વર્ય, સરસ્વતી એટલે જ્ઞાન, કાર્તિક એટલે શૌર્ય, ગણેશ એટલે સિદ્ધિ. એ બધાં એની મેળે આવી જાય, જો મા આવે તો.

ઠાકુરે બધું વિવરણ સાંભળ્યું. વચ્ચે વચ્ચે કેશવની ઉપાસના સંબંધે પ્રશ્નો કર્યા. છેવટે બોલે છે – ‘તમે જ્યાં ત્યાં જાઓ મા. તમારે અહીં જ આવવું.

જેઓ મારા અંતરંગ, તેઓ માત્ર અહીંયાં જ આવે. નરેન્દ્ર, ભવનાથ, રાખાલ એ બધા મારા અંતરંગ, તેઓ સામાન્ય નથી. તમે એક દિવસ એમને જમાડો.”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ ૧, પૃ.૮૮)

સ્વામીજી કહે છેઃ

“આપણે જેટલા અહીં છીએ તેટલા જ સૂર્યમાં અને તારાઓમાં છીએ. આત્મા દેશ અને કાળથી પર છે અને સર્વત્ર છે. ઈશ્વરની સ્તુતિ કરી રહેલું દરેક વદન મારું વદન છે, ઈશ્વરને જોનાર દરેક આંખ મારી આંખ છે. આપણે ક્યાંય પણ બંધનમાં નથી; આપણે શરીર નથી, વિશ્વ જ આપણું શરીર છે.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૪૯)

આ વાત જેટલી આત્મા વિશે સાચી છે એટલી જ આપણા ભાૈતિક દેહ વિશે પણ સાચી છે. આધુનિક ખગોળશાસ્ત્ર અનુસાર બ્રહ્માંડની ઉત્પત્તિ બીગ બેંગ (big bang) થી થઈ અને સર્વપ્રથમ હલકા અણુઓ જેમ કે હાઈડ્રોજન અને હિલિયમનું ગઠન થયું. ત્યાર બાદ તારાઓ બન્યા અને એમના કેન્દ્રમાં પરમાણુદહનથી હલકા અણુઓમાંથી ભારે અણુઓ જેમ કે કાર્બન, કેલ્શિયમ, વગેરેની રચના થઈ.

જ્યારે પોતાના જીવનચક્રના અંતે આ તારાઓ વિસ્ફોટ પામ્યા ત્યારે આ ભારે અણુઓ અવકાશમાં ચારે બાજુ ફેંકાયા. આ જ કાર્બન અને કેલ્શિયમમાંથી આપણા દેહનું ગઠન થયું છે. માટે આપણું શરીર સાચે જ તારાઓમાંથી ગઠિત થયેલ છે.

અને જેમ સ્વામીજી કહે છે, આત્મન્‌ તો સર્વવ્યાપી છે જ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ

सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम्।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति।।13.13।।

“એને ચારે બાજુ હાથપગ છે, ચારે બાજુ આંખો, માથાં અને મોઢાં છે, ચારે બાજુ કાન છે, અને એ લોકમાં બધાંને વ્યાપીને રહે છે.”

Total Views: 641

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.