ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા.

શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાય વિશે બંગાળીમાં વાત કરતાં કહ્યું, ‘આ સંપ્રદાયમાં ત્રણ ઉપદેશો મુખ્ય છે- ‘નામે રુચિ’ (પ્રભુના નામ માટેનો પ્રેમ), ‘વૈષ્ણવેર સેવા’ (વૈષ્ણવોની – પ્રભુભક્તોની સેવા) અને ‘જીવે દયા’ (જીવ માત્ર પર દયા). ‘જીવે દયા’ એ શબ્દો બોલ્યા પછી શ્રીરામકૃષ્ણદેવ ભાવાવેશમાં આવી ગયા. થોડી વાર પછી અર્ધબાહ્ય અવસ્થામાં આવીને તેઓ સ્વગત બોલવા લાગ્યા, ‘જીવ માત્ર પર દયા! જીવ માત્ર પર દયા! અરે! પૃથ્વી પર સળવળતો એક ક્ષુદ્ર કીડો વળી બીજા જીવો પ્રત્યે દયા બતાવે! તું વળી દયા બતાવનાર કોણ? ના! દરેક જીવ તો શિવસ્વરૂપ છે, જીવની શિવજ્ઞાનથી સેવા કરવી જોઈએ.’

આત્માના ઊંડાણમાંથી આવતા આ શબ્દો દરેક જણે સાંભળ્યા, પરંતુ નરેન્દ્રનાથ સિવાય કોઈ પણ એનો મર્મ પકડી શક્યા નહીં. ઓરડામાંથી બહાર નીકળતી વખતે તેમણે કહ્યું, ‘ગુરુદેવના એ અદ્ભુત શબ્દોમાં મેં અપૂર્વ પ્રકાશ જોયો! સામાન્ય રીતે કઠોર અને કર્કશ ગણાતા વેદાંત જ્ઞાનનો અને ભક્તિનો એમણે કેવી મધુર રીતે મેળ બેસાડી દીધો!’ શ્રીરામકૃષ્ણદેવે સમાધિ અવસ્થામાં ઉચ્ચારેલી આ જ્ઞાનવાણીથી નરેન્દ્રનાથ સમજી ગયા કે સમાજના વર્તુળથી બહાર રહીને સંન્યાસી જે વેદાંત ધર્મનું આચરણ કરતો હોય તે જ વેદાંત ધર્મનું આચરણ સમાજની અંદર રહીને થઈ શકે અને આપણા રોજબરોજના તમામ પ્રશ્નોના નિરાકરણમાં એનો વિનિયોગ થઈ શકે. આ શબ્દોમાંથી તેમને ભક્તિ માર્ગ વિશે એક નવી સમજણ મળી. જ્યાં સુધી ઈશ્વર સાથે એકતાનો સાધકને અનુભવ ન થાય, ત્યાં સુધી ખરી ભક્તિનો ઉદય થતો નથી.

પ્રાણીમાત્રમાં અને પ્રાણીમાત્ર દ્વારા ઈશ્વરનો અનુભવ કરીને અને મનુષ્ય જાતિની સેવા દ્વારા ભક્ત સાચી ભક્તિનો અધિકારી બને છે. એ જ પ્રમાણે કર્મયોગ વિશે પણ નરેન્દ્રનાથને શ્રીરામકૃષ્ણદેવના આ શબ્દોમાં નવો પ્રકાશ મળ્યો. પ્રત્યેક દેહધારી જીવ એક પણ પળ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એટલે પૃથ્વી ઉપર ફરતા ઈશ્વરના સ્વરૂપ સમા મનુષ્યની સેવા કરવા તરફ એણે પોતાની તમામ પ્રવૃત્તિઓ વાળવી જોઈએ.

શ્રીરામકૃષ્ણદેવે ઉચ્ચારેલી ‘શિવજ્ઞાનથી જીવસેવા’ની ઉક્તિમાં નરેન્દ્રનાથને ભક્તિયોગ, જ્ઞાનયોગ, અને કર્મયોગનો અદ્ભુત સમન્વય સાંપડ્યો, દૈનિક જીવનમાં દરેક મનુષ્ય વેદાંતને કેવી રીતે વ્યવહારમાં આચરી શકે તેનો અપૂર્વ ઉપાય તેમને મળ્યો. ઓરડામાંથી બહાર નીકળતી વખતે નરેન્દ્રનાથે કહ્યું, ‘જો ઈશ્વરની ઈચ્છા હશે અને એવો દિવસ આવશે તો આ મહાન સત્યને હું જગત સમક્ષ રજૂ કરીશ અને પંડિત કે મૂર્ખ, રાય કે રંક, બ્રાહ્મણ કે ભંગી સૌ એનો સાક્ષાત્કાર કરી શકે એવું હું કરીશ.’

ઈશ્વરે તેમને આ તક આપી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નરેન્દ્રનાથ સંન્યસ્તવ્રત ગ્રહણ કરી સ્વામી વિવેકાનંદ બન્યા. પરિવ્રાજકરૂપે સમસ્ત ભારતનું તેમણે ભ્રમણ કર્યું. ઈશ્વરની અલૌકિક કૃપાથી શિકાગો વિશ્વ ધર્મસભામાં તેમણે સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો, ચાર વર્ષ સુધી વિદેશમાં વેદાંતનો પ્રચાર કરી ઈ.સ. ૧૮૯૭માં તેઓ ભારત પાછા ફર્યા, કોલંબોથી અલ્મોડા સુધી તેમનું ભવ્ય સ્વાગત થયું અને પછી કલકત્તામાં તેમણે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ– ‘શિવજ્ઞાનથી જીવસેવા’ને મૂર્ત સ્વરૂપ આપવા ‘રામકૃષ્ણ મિશન’ નામની સંસ્થાની સ્થાપના કરી. આજે રામકૃષ્ણ મિશન દ્વારા દેશ-વિદેશમાં ચાલતાં અસંખ્ય સેવા કાર્યોની પાછળ શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય પ્રેરણા રહેલી છે, આ બધાં સામાજિક સેવાકાર્યો નથી પણ પરમ તત્ત્વની વિભિન્ન રૂપોમાં ઉપાસના છે.

આજથી ઠીક એકસો વર્ષ પૂર્વેની વાત છે. ૧લી મે ૧૮૯૭નો એ ઐતિહાસિક દિવસ. શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી બલરામ બોઝના ઘેર (જે ઘરમાં શ્રીરામકૃષ્ણદેવે એકસોથી વધુ વાર પદાપર્ણ કર્યું હતું) શ્રીરામકૃષ્ણદેવના ભક્તો, ગૃહસ્થો તેમ જ સંન્યાસીઓ સ્વામી વિવેકાનંદજીના આમંત્રણથી ભેગા મળ્યા. સ્વામીજીના મનમાં ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના ઉપદેશને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા માટે જે યોજના આટલા સમયથી ઘોળાઈ રહી હતી તે આ સભા સમક્ષ જાહેર કરતાં તેમણે કહ્યું, ‘જુદા જુદા દેશોમાં ભ્રમણ કર્યા પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે કોઈ મહાન અને કાયમી કાર્ય કરવું હોય તો સંઘની સ્થાપના કર્યા વગર ચાલવાનું નથી… જેમના નામથી અમે સૌ સંન્યાસી બન્યા છીએ, જેમને આદર્શ તરીકે સ્વીકારીને આ સંસારમાં તમે સૌ ગૃહસ્થ જીવન ગાળી રહ્યા છો, જેમનું પવિત્ર નામ અને જેમના અપૂર્વ જીવન અને ઉપદેશનો પ્રભાવ આ બાર વર્ષોની અંદર જ પૂર્વ તેમ જ પશ્ચિમમાં અભૂતપૂર્વ વેગથી પ્રસરી રહેલ છે, તેમનું નામ આ સંઘ સાથે જોડવામાં આવશે એટલે આ સંઘનું નામ ‘રામકૃષ્ણ મિશન’ રહેશે. આપણે તો ગુરુદેવના દાસ છીએ. તમે સૌ આ કાર્યમાં સહાય આપો.’

સૌએ આ દરખાસ્તને વધાવી લીધી અને નવા સંઘના ઉદ્દેશ નીચે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા :

નામ : સંઘનું નામ ‘ધી રામકૃષ્ણ મિશન’ રહેશે.

ધ્યેય : મનુષ્ય જાતિના કલ્યાણ માટે જે સત્યોનો શ્રીરામકૃષ્ણદેવે ઉપદેશ આપ્યો અને જેમનું પોતાના જીવનમાં એમણે પ્રત્યક્ષ આચરણ કરી બતાવ્યું, એ સત્યોનો ઉપદેશ કરવો અને લોકોને પોતાની ઐહિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે જીવનમાં એ સત્યોનું પ્રત્યક્ષ આચરણ કરવામાં સહાય કરવી.

કાર્ય : ભિન્ન ભિન્ન ધર્મોએ એક જ અખંડિત સનાતન ધર્મનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, એવું જાણીને એ બધા ધર્મોના અનુયાયીઓ વચ્ચે બંધુભાવ કેળવવાની શ્રીરામકૃષ્ણદેવે શરૂ કરેલી પ્રવૃત્તિને સાચી ભાવનાથી વેગ આપવો.

કાર્યપદ્ધતિ નીચે પ્રમાણે નક્કી કરવામાં આવી :

(૧) લોકોના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણના કાર્યને સહાયક બને એવાં જ્ઞાન કે વિજ્ઞાનો શીખવવા માટે કુશળ બને એ રીતે વ્યક્તિઓને તાલીમ આપવી.

(૨) કળા અને ઉદ્યોગોને ઉત્તેજન આપી આગળ વધારવા.

(૩) જે રીતે વેદાંતના તેમ જ અન્ય ધર્મોના સામાન્ય વિચારી શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં સ્ફૂટ થયા હતા તે રીતે એવા વિચારોને લોકો સમક્ષ મૂકવા અને તેમનો પ્રચાર કરવો.

મિશનના ઉદ્દેશો અને આદર્શો કેવળ આધ્યાત્મિક અને માનવસેવાના હોવાથી એને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નહી રહે એવું ઠરાવવામાં આવ્યું.

નાતજાતના કે ધર્મના કે સંપ્રદાયના ભેદભાવ વગર જે કોઈ વ્યક્તિને શ્રીરામકૃષ્ણદેવના જીવનકાર્યમાં શ્રદ્ધા હોય અથવા જેનામાં સંઘના ઉદ્દેશો અને ધ્યેય પ્રતિ સહકાર કે સહાનુભૂતિની ભાવના હોય તે વ્યક્તિ સભ્ય બની શકે એવો ઠરાવ કરવામાં આવ્યો.

ઠરાવો પસાર થયા પછી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. સ્વામી વિવેકાનંદજી પોતે મુખ્ય પ્રમુખ બન્યા. સ્વામી બ્રહ્માનંદજી અને સ્વામી યોગાનંદજી અનુક્રમે કલકત્તા શાખાના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા. એવું નક્કી કરવામાં આવ્યું કે દર રવિવારે બલરામબાબુના ઘેર સભા ભરવી. આમ ત્રણ વર્ષ સુધી સભા ભરાતી રહી. સ્વામી વિવેકાનંદજી પોતે પણ, જ્યારે જ્યારે તેઓ કલકત્તામાં રહેતા ત્યારે, આ સભાઓમાં ઉપસ્થિત રહેતા.

ઈ.સ. ૧૮૯૯માં સ્વામી વિવેકાનંદજીએ બેલુડ મઠની સ્થાપના કરી અને ૧૯૦૧માં ટ્રસ્ટ ડીડ કરીને તેનું સંચાલન ટ્રસ્ટી મંડળના હાથમાં સોંપી દીધું. મઠનું મુખ્ય ધ્યેય હતું – આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય (પોતાના આત્મ – સાક્ષાત્કાર તેમ જ જનકલ્યાણ માટે સંન્યાસીઓને કેળવવા) આ મઠની સ્થાપના થતાં રામકૃષ્ણ મિશનનું સ્વતંત્ર અસ્તિત્વ મટી ગયું અને મિશનની પ્રવૃત્તિઓ મઠના કાર્યવાહકોએ ઉપાડી લીધી.

પરંતુ સમય જતાં કાર્યક્ષેત્ર વિસ્તર્યું અને જવાબદારીઓ વધી એટલે લોકસેવા તથા અન્ય પ્રવૃત્તિઓ યોગ્ય રીતે ચાલી શકે એટલા માટે ‘રામકૃષ્ણ મિશન’ને અલગ સંસ્થા રૂપે ઈ.સ. ૧૯૦૯માં ‘સોસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, ૧૮૬૦’ પ્રમાણે રજિસ્ટર્ડ કરવામાં આવી.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બન્ને સંસ્થાઓ તરીકે અલગ છે. પરંતુ બન્ને સંસ્થાઓ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે. મિશનનું કાર્યવાહક મંડળ અને મઠનું ટ્રસ્ટી મંડળ સરખાં જ છે. આ બન્નેનું વડું મથક બેલુડ મઠ છે. પરંતુ બન્નેનાં કાર્યક્ષેત્રો વચ્ચે ભેદરેખા હોવાથી બન્નેના ફંડો, હિસાબો વગેરે જુદા રહે છે. અવશ્ય બન્નેના પ્રેરણાસ્રોત છે – શ્રીરામકૃષ્ણદેવ પોતે.

આજે રામકૃષ્ણ મિશન દ્વારા દેશના કેટલાય ભાગોમાં કરોડો રૂપિયાના રાહત કાર્યો ચાલી રહ્યાં છે. મોટી મોટી ઈસ્પિતાલોમાં અને દવાખાનાઓમાં લાખો રોગીઓની સેવા થઈ રહી છે, આદિવાસી ક્ષેત્રોમાં ગ્રામવિકાસની વિભિન્ન યોજનાઓ ચાલી રહી છે. આ બધાં સેવાનાં કાર્યોમાં નિમગ્ન સંન્યાસીઓને વાહનોમાં ફરતા જોઇને, ઑફિસોમાં કાર્યરત જોઈને ઘણાના મનમાં શંકા જાગે છે કે ‘શું આ લોકો ખરેખર સંન્યાસનો ધર્મ બજાવી રહ્યા છે? શું આ જ શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ હતો?’ આ શંકા નવી નથી. સ્વામી વિવેકાનંદજીને પોતાને પણ રામકૃષ્ણ મિશનની આ ક્રાન્તિકારી યોજનાને અમલમાં મૂકતાં પહેલાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અરે! તેમના ગુરુભાઈઓ પણ તેમની યોજનાને શંકાની નજરે જોતા, તેમનો વિરોધ કરતા.

સ્વામી વિવેકાનંદજીએ કઈ પરિસ્થિતિમાં ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી, કેવી રીતે આ શંકાનું સમાધાન કર્યું એ બધું જાણ્યા પછી ખાતરી થાય છે કે ‘રામકૃષ્ણ મિશન’ની દિવ્ય યોજનાની પાછળ શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય પ્રેરણા અને દિવ્યકૃપા જ રહેલી છે.

સ્વામી વિવેકાનંજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે વાર્તાલાપ કરતી વખતે કહ્યું, ‘મારા જીવનના મોટામાં મોટા એક પ્રલોભનનો સામનો મારે અમેરિકામાં કરવો પડ્યો.’ એક મહિલાએ ટીખળ કરતાં પૂછ્યું, ‘આપને પ્રલોભિત કરનારી એ મહિલા કોણ છે?’ સ્વામીજીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, ‘ઓહ, એ કોઈ મહિલા નથી. એ તો છે – સંઘ શક્તિની ભાવના (Power of Organization).’ સ્વામીજી અમેરિકનવાસીઓની સાથે હળીમળીને, સંઘબદ્ધ થઈને કાર્ય કરવાની ભાવનાથી પ્રભાવિત થયા હતા. તેઓ માનતા કે ભારતવાસીઓ આટલી ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદાર હોવા છતાં વિકાસમાં પાછળ રહી ગયા તેનું એક મુખ્ય કારણ છે – સંપીને રહેવાની ભાવનાનો અભાવ. એક સંસ્થા પ્રારંભ કરવાથી કેટલી સમસ્યાઓ ઉદ્ભવી શકે તેનાથી પણ સ્વામીજી માહિતગાર હતા. તેથી જ ‘રામકૃષ્ણ મિશન’ સંસ્થા પ્રારંભ કરતાં પહેલાં તેમણે ખૂબ વિચાર કર્યો. સમસ્ત જગતના કલ્યાણ માટે આધ્યાત્મિક ક્રાન્તિ લાવવા માટેની તેમની યોજના માટે એક કાયમી સંસ્થાની અનિવાર્યતા જાણ્યા પછી જ તેમણે આ સંસ્થાનો પ્રારંભ કર્યો. અમેરિકામાં સફળતાપૂર્વક ચાલી રહેલી અનેક સંસ્થાઓને જોયા પછી તેમને સંસ્થા સ્થાપવા માટે થોડી વધુ પ્રેરણા મળી, અને તેના આયોજન વિશેની વધુ માહિતી મળી એ વાત નિર્વિવાદ છે પણ તેથી એમ માનવું કે તેમની સંસ્થા સ્થાપવાની યોજના પાશ્ચાત્ય દેશોથી આયાત કરેલી હતી, તે અજુગતું છે.

બલરામબાબુને ત્યાં ૧લી મે, ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ તે જ દિવસે સ્વામી વિવેકાનંદજીના ગુરુભાઈ સ્વામી યોગાનંદજીએ તેમને પૂછ્યું, ‘આ બધું તમે પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે કરો છો. તમે કહી શકશો કે શ્રીરામકૃષ્ણદેવ આવી કંઈ સૂચના આપતા ગયા છે?’ સ્વામીજીએ ઉત્તરમાં કહ્યું, ‘આ બધું શ્રીરામકૃષ્ણદેવની પદ્ધતિ પ્રમાણે નથી થતું એમ તમે કેવી રીતે જાણો છો? તેમની ભાવના અનેકગણી વિશાળ હતી. શું તેને તમે તમારી મર્યાદિત જીવનદૃષ્ટિના વાડામાં બાંધી રાખવાની હિંમત કરો છો? મર્યાદાઓને હું તોડી પાડીશ અને તેમની નિઃસીમ પ્રેરણાને પૃથ્વી પર સર્વત્ર ફેલાવી દઈશ…. સંપ્રદાયોથી ખીચોખીચ ભરેલી આ દુનિયામાં એક નવો સંપ્રદાય ઉમેરવા માટે હું જન્મ્યો નથી.’

શ્રીરામકૃષ્ણદેવની દિવ્યકૃપાથી જ તેઓ આ યોજનામાં પ્રવૃત્ત થયા છે, એવું દર્શાવવા સ્વામી વિવેકાનંદજીએ આગળ કહ્યું, ‘આ જીવનમાં વારંવાર મને તેમની કૃપાની ખાતરી મળતી રહી છે. તેઓ પાછળ ઊભા રહી બધું કાર્ય મારી પાસે કરાવે છે. નિરાધાર સ્થિતિમાં ભૂખથી પીડાતો જ્યારે હું એક ઝાડ નીચે પડ્યો હતો, જ્યારે લંગોટી માટે મારી પાસે કપડાનો એક ટુકડો પણ ન હતો અને પાસે એક પાઈ પણ રાખ્યા વિના મેં દુનિયાના પરિભ્રમણની પ્રતિજ્ઞા લીધી, ત્યારે પણ શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી સર્વ પ્રકારની સહાય મને મળી રહી હતી. વળી આ વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે હૈયું દળાય તેટલું માણસ ઊભરાયું હતું ત્યારે, જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો તેનું કારણ? તેનું કારણ તેમની કૃપા! અને તેમની કૃપાની લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો. હવે આ દેશમાં પણ કંઈક કરીને મારે મારા કાર્યનું સમાપન કરવું છે. માટે બધા સંશયો ત્યજીને મારા કાર્યમાં સહાય કરો. તેમની ઈચ્છાથી બધું પાર પડશે.’

સ્વામી યોગાનંદજીએ સ્વામીજીને ફરી આ વિશે ચેતવ્યા ત્યારે તેઓ બોલ્યા, ‘હકીકતમાં સામાન્ય અનુયાયીઓ શ્રીરામકૃષ્ણદેવને જેટલા સમજ્યા છે તેટલા જ માત્ર એ નથી, તેમના ચરિત્રની અનેક બાજુઓ હતી અને માનસિક વલણો પણ અનંત હતાં. બ્રહ્મજ્ઞાનની, નિર્વિશેષ તત્ત્વજ્ઞાનની મર્યાદાનો પણ કદાચ તમે ખ્યાલ કરી શકો, પણ તેમના મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય નહીં! તેમની કરુણાપૂર્ણ આંખોની એક દૃષ્ટિથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થાય! તેમ ન કરતાં આ વખતે તેમણે મને એકલાને સાધન બનાવી કાર્ય કરાવવાનું પસંદ કર્યું છે. તમે જ કહો, એમાં હું શું કરી શકું?’

આ પ્રસંગના થોડા દિવસો પછી બલરામબાબુના મકાનમાં જ એક અન્ય મહત્ત્વપૂર્ણ બનાવ બન્યો. હળવી ચર્ચા ચાલતી હતી ત્યારે સ્વામીજીના એક અન્ય ગુરુભાઈએ ટકોર કરી કે મિશનની યોજનાઓ સાથે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો મેળ બેસી શકે એમ નથી. શ્રીરામકૃષ્ણદેવની સાધના અને ભક્તિનો પ્રચાર કરવાને બદલે આ યોજનાઓ તો ગુરુભાઈઓને સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પરોવી રાખવાનું કાર્ય કરી રહી છે. એનાં કાર્યોને પરિણામે કદાચ સંન્યાસીઓ બહિર્મુખ થઈ જાય અને તેથી સાધનામાં અંતરાય ઊભો થાય. તેમણે મંતવ્ય રજૂ કર્યું કે સંન્યાસની આ નવી પદ્ધતિને કદાચ શ્રીરામકૃષ્ણદેવે પોતે પણ વખોડી કાઢી હોત.

સ્વામીજીએ શરૂઆતમાં આ મંતવ્યોને હળવી રીતે લીધાં અને રમૂજમાં સામી કટોર કરતાં કહ્યું, ‘તમને શું ખબર પડે? હજી તો અજ્ઞાન છો. શ્રીરામકૃષ્ણદેવને સારો ચેલો મળ્યો! જેવા ગુરુ તેવા ચેલા! પ્રહ્લાદની જેમ તમારું જ્ઞાન મૂળાક્ષરોના ‘ક’ થી જ અટકી ગયું છે! પ્રહ્લાદ બિચારો કૃષ્ણનો ‘ક’ જોઈને ત્યાં જ અટકી ગયો. તમે ભક્તો છો; બીજા શબ્દોમાં કહું તો લાગણીવેડામાં રાચતા મૂર્ખા છો! તમને ધર્મની શી ગતાગમ? હજી બાળકો છો બાળકો!….’

આવી રીતે વાતો કરતાં કરતાં સ્વામીજી ગંભીર બની ગયા અને ભાવાવેશમાં કહેવા લાગ્યા, ‘તમારી ભક્તિ અને મુક્તિની કોને પડી છે? શાસ્ત્રોના કથનની કોણ દરકાર કરે છે? તમોગુણમાં સબડતા મારા દેશબાંધવોને જો હું જાગ્રત કરી શકું અને કર્મયોગની પ્રેરણા આપીને મનુષ્યો તરીકે એમને પગભર કરી શકું તો હજાર વખત પણ રાજીખુશીથી નરકમાં જવા માટે હું તૈયાર છું.’

આમ બોલતાં બોલતાં એમનો અવાજ રુંધાઈ ગયો અને એમનું આખું શરીર તીવ્ર લાગણીથી ધ્રૂજવા લાગ્યું. તેઓ લાગણીનો પ્રવાહ રોકી શક્યા નહીં, એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. વિદ્યુતના ઝબકારાની પેઠે તેઓ એકદમ ઊભા થઈ ગયા અને પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. એક ક્લાક તેઓ પોતાના ઓરડામાં ભાવસમાધિની અવસ્થામાં રહ્યા. તેમના ગુરુભાઈઓએ જોયું કે એમની અર્ધ મીંચેલી આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને આખું શરીર રોમાચિંત થઈ ગયું હતું. ભાવસમાધિ પૂરી થયા પછી સ્વામીજીએ કહ્યું ‘…. મારી જાતને જ્ઞાનરૂપી લોખંડી શૃંખલાઓથી જકડી રાખવાનો પ્રયત્ન કરું છું, કારણ કે હજી મારી માતૃભૂમિ માટેનું મારું કાર્ય પૂરું થયું નથી. અને જગતને મેં હજી મારો સંદેશ પૂરેપૂરો સંભળાવ્યો નથી; એટલે જ્યારે મને વિવશ બનાવવા માટે ભક્તિનો ભાવ ઊભરાવા લાગે કે તરત જ હું એને સખત ફટકો મારું છું અને તીવ્ર જ્ઞાનનો આશ્રય લઇ વજ્ર હૈયાનો બની જાઉં છું. અહો! મારે ઘણું કાર્ય કરવાનું છે! હું તો શ્રીરામકૃષ્ણદેવનો ગુલામ છું અને એ મારા માટે કાર્ય કરવાનું રાખતા ગયા છે, જ્યાં સુધી એ કાર્યને પૂરું કર્યું નથી ત્યાં સુધી એ મને વિશ્રાંતિ આપવાના નથી! અરેરે! એમની તો શી વાત કરું? અરે! મારા પ્રતિ શો એમનો પ્રેમ!’

ઉપરના બનાવો પછી સ્વામીજીના ગુરુભાઇઓને પ્રતીતિ થઇ કે શ્રીરામકૃષ્ણદેવ પોતે જ સ્વામી વિવેકાનંદજી દ્વારા કાર્ય કરી રહ્યા છે, સ્વામીજીની દિવ્ય યોજનાની પાછળ શ્રીરામકૃષ્ણદેવની જ દિવ્ય પ્રેરણા અને દિવ્ય કૃપા કાર્ય કરી રહી છે.

આ વર્ષે રામકૃષ્ણ મિશનની શતાબ્દી દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાશે ત્યારે સ્મરણ રાખીએ કે ‘રામકૃષ્ણ મિશન’ એક સંસ્થા નથી એ એક દિવ્ય યોજના છે, જેનો પ્રારંભ હજુ માત્ર એક સો વર્ષ પહેલાં થયો છે. સ્વામીજીના પોતાના કથન અનુસાર આ યોજનાને ચરમસીમા પર પહોંચતાં પંદરસો વર્ષ લાગશે. નાત-જાત, સંપ્રદાય, ધર્મ કે દેશના ભેદભાવ વગર સંસારના સર્વજનોના કલ્યાણ માટે – સર્વ જીવોનાં સર્વ પ્રકારનાં દુઃખો – આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક – દૂર કરવા માટે, આ દિવ્ય યોજનાનો પ્રારંભ થયો છે. તેની પાછળ ‘અવતાર વરિષ્ઠ’ શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય કૃપા અને દિવ્ય પ્રેરણા રહેલી છે. ચાલો, આપણે પણ, સ્વામીજીએ આપેલ આ મહામંત્ર – આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ ને પોતાના જીવનનો આદર્શ બનાવીને પોતપોતાની રીતે આ દિવ્ય યોજનામાં પોતાનું યોગદાન આપીએ.

Total Views: 32
By Published On: April 25, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram