સ્વામી વિવેકાનંદે મે 1893 થી ડિસેમ્બર 1896 સુધીની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન શિકાગો ધર્મ પરિષદમાં વિશ્વ વિખ્યાત પ્રવચનો આપ્યાં અને ત્યાર બાદ પૂર્વ અમેરિકાનાં અનેક રાજ્યોમાં ભ્રમણ કરી વેદાંત અને વિશ્વ શાંતિનો સંદેશ આપ્યો હતો. જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં તેમણે વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા રાજ્ય સાહિત્ય, કલા અને વિજ્ઞાનનું એક મહત્ત્વનું કેન્દ્ર છે. એમનાં કેલિફોર્નિયા સ્થિત શિષ્યોમાં પ્રધાન હતાં ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી મીડ વાઈકોફ (Mrs. Carrie Mead Wyckoff), મિસિસ એલિસ મીડ હેન્સબ્રો (Mrs. Alice Mead Hansbrough), અને મિસ હેલન મીડ (Ms. Hele Mead).

સ્વામીજી જાન્યુઆરી, 1900નાં કેટલાંક અઠવાડિયાં સાઉથ પેસેડિના (South Pasadena) નગરમાં સ્થિત એમના ઘરે રોકાયા હતા. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, પૃ.248ના આધારે આ લેખમાં એ દિવસોનું વર્ણન આપવામાં આવ્યું છે.

મીડ ભગિનીઓનું ઘર બે માળનું હતું. એની છાપરાવાળી ઓસરીના એક ખૂણામાં ગુલાબી-પીળા રંગની (Gold of ophir) ગુલાબની વેલ પ્રસરી હતી. ઓસરીની સામે ઘાસથી આચ્છાદિત એક મોટો બગીચો હતો. બગીચાના કેન્દ્રમાં પાઈનનું એક વિરાટ વૃક્ષ શીતળ છાંયો આપી રહ્યું હતું. ઘર નાનકડું હોવા છતાં એમાં મોકળાશનો ભાવ હતો. ઘરમાં જ પ્રવેશતાં પ્રથમ આવે છે હવા-ઉજાસથી ભરપૂર ઓરડો. આ ઓરડાની જમણી બાજુમાં બીજા માળે જવાની સીડી છે, ડાબી બાજુમાં બેઠકખંડ છે અને સામેની બાજુમાં છે ભોજનકક્ષ.

બેઠકખંડની એક બારી ગુલાબની વેલવાળી ઓસરીમાં ખૂલે છે અને બીજી બારી પૂર્વ દિશામાં ખૂલે છે કે જ્યાં સ્વામીજીના સમયમાં સંતરાનો બગીચો હતો. ભોજનકક્ષ આખા ઘરની લંબાઈ જેટલો છે અને  સૌથી મોટો ઓરડો છે. સ્વામીજીએ પોતાનો સૌથી વધુ સમય આ ભોજનકક્ષમાં હિમપાતથી રાહત મેળવવા માટે બનાવેલ અગ્નિ-સ્થળની સામે મીડ ભગિનીઓની સાથે મોડી રાત સુધી વાર્તાલાપ કરવામાં વિતાવ્યો હતો. ભોજનકક્ષની પાછળ રસોડું છે અને આ રસોડાનો દરવાજો પાછળની બાજુ આવેલ મોટી ઓસરીમાં ખૂલે છે.

પેસેડિનામાં મીડ ભગિનીઓનું ઘર

સીડી ચઢીને બીજા માળે જતાં આપણે એક નાનકડા ઓરડામાં અને પ્રવેશીએ છીએ જેની ડાબી બાજુ બે શયનકક્ષ છે, જમણી બાજુમાં છે બાથરૂમ અને સામેની બાજુમાં છે એક બીજો શયનકક્ષ કે જ્યાં સ્વામીજી રહ્યા હતા. નવથી દશ સ્કવેર ફૂટના (square foot) આ ઓરડામાં બે બારીઓ છે. એક પૂર્વ દિશામાં ખૂલે છે અને બીજી દક્ષિણ દિશામાં. અહીં આપેલ ફોટામાં આપણે પૂર્વ તરફની બારી જોઈ શકીએ છીએ. એની સામે સ્વામીજીના સમયમાં વિશાળ એપ્રીકોટનું (apricot) વૃક્ષ ઊગ્યું હતું. દક્ષિણ દિશાની બારી ઘરની પાછળ આવેલ બગીચામાં ખૂલે છે. જો થોડું દૂર જોઈએ તો આપણને વૃક્ષાચ્છાદિત ટેકરીઓની હારમાળા દેખાશે. આ ટેકરીઓની છાયામાં જ મીડ ભગીનીઓનું ઘર વસેલું હતું. ઘરની ચારે બાજુએ નીરવતા અને વનરાજિ પ્રસરેલ હતી.

ઘરની પાછળ આવેલ બગીચામાં મીડ ભગીનીઓના પિતા શાકભાજી, અને ફળ ઉગાડતા. ઘરની પૂર્વ દિશામાં સંતરાનો બગીચો હતો અને પશ્ચિમ દિશામાં એક વિરાટ ઓક (Oak)નું વૃક્ષ હતું. આ વૃક્ષની એક ડાળી પર હીંચકો ટાંગી મિસિસ હેન્સબ્રોની દીકરી હીંચકો ખાતી.

નીરવ શહેરના એક નીરવ વિસ્તારમાં આવેલ આ ઘરમાં રહીને સ્વામીજીને ભારતની યાદ આવી ગઈ હતી. આ ઘરમાં ત્રણ મીડ ભગિનીઓ સિવાય એમના પિતા મિસ્ટર મીડ, મિસિસ હેન્સબ્રોની ચાર વર્ષની દીકરી ડોરોથી (Dorothy), મિસિસ વાઈકોફનો સત્તર વર્ષનો દીકરો રાલ્ફ (Ralph), અને ઘરની સંભાળ રાખવાવાળાં મિસ ફેરબેન્ક (Miss Fairbank) રહેતાં હતાં. સ્વામીજીની દિવ્ય ઉપસ્થિતિથી ઘર આનંદથી મઘમઘી ઊઠ્યું હતું, માટે જ એ નવાઈની વાત નથી કે આ નાનકડા ઘરમાં આટલા બધા લોકો સ્વામીજીની સાથે શાંતિથી રહી શક્યા હતા.

આજે આ ઘર આપણી દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત ‘વેદાંત સોસાયટી’ના હસ્તક છે અને સ્વામીજીના શયનકક્ષમાં મંદિર બનાવવામાં આવ્યું છે. જાે આજે આપણે આ ઘરની મુલાકાત લઈશું તો સહજે સ્વામીજીની એક સદી પહેલાંની દિવ્ય ઉપસ્થિતિ અનુભવી શકીશું.

(ડાબેથી જમણે) 1. મિસિસ કેરી મીડ વાઈકોફ, 2. રાલ્ફ, 3. હેલન મીડ, 4. મિસિસ એલિસ મીડ હેન્સબ્રો, 5. પાછળ ઊભેલી બાળકી છે ડોરોથી

મિસિસ હેન્સબ્રો કહે છે: “જયારે સ્વામીજી લોકોને મળવા માટે બહાર જતા ત્યારે પોતાના પોશાક વિષે ખૂબ સજાગ રહેતા પણ ઘરે રહેતા ત્યારે એ વિષયે ઝાઝું ધ્યાન આપતા નહિ. એક રવિવારે એમણે કહ્યું, ‘હું ઘરે શા માટે ચીવટપૂર્વક પોશાક પહેરું—મારે લગન તો કરવાનાં નથી.’ એક દિવસ જયારે મારો ભત્રીજો રાલ્ફ એમનાં જૂતાં પોલિશ કરી રહ્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે: ‘રાલ્ફ, તને ખબર છે, સભ્ય સમાજનો આડંબર અર્થહીન છે!’ પશ્ચિમી સભ્યતાનો આગ્રહ કે પ્રત્યેક સમય અને પ્રત્યેક પ્રસંગ માટે એક ચોક્કસ પોશાક હોવો જોઈએ—એ દેખાડા સિવાય બીજું કાંઈ નથી એમ કહી તેઓ એને નકારી દેતા.”

રોજ સવારે સ્વામીજી સફેદ અને કાળો  હેરિંગબોન-ટ્વીડ બાથ-રોબ (ઘરમાં પહેરવાનો એક પ્રકારનો પોશાક) પહેરી પોતાના પહેલા માળના શયનકક્ષમાંથી નીચે આવતા. એમનો પોશાક કમરે એક દોરડીથી બાંધેલો રહેતો. સ્નાન કરીને આવતા માટે એમના વાળ અસ્તવ્યસ્ત અને ભીના રહેતા. એ સમયના એમના ફોટો પરથી ખબર પડે છે કે એમના વાળ ખાસા લાંબા હતા. બધાને એમના વાળ ખુબ ગમતા એટલે એમની ઇચ્છાને માન આપીને તેઓ પોતાના વાળ કપાવતા નહિ. મિસિસ હેન્સબ્રો યાદ કરે છે: “સાચું કહું તો, એમના વાળ એટલા સુંદર હતા અને એમના ચહેરાની લાક્ષણિકતાઓને એટલી સરસ રીતે અભિવ્યક્ત કરતા કે અમે એમને વાળ કપાવવા દેતા નહિ. સ્વામીજી પોતે કોઈ વિરોધ ન કરતા. તેઓ પોતાના બાહ્ય દેખાવ પ્રતિ પૂરા નિશ્ચિંત હતા.”

નીચે આવ્યા પછી અને સવારના નાસ્તાના સમય પહેલાં તેઓ ઘરની પાછળ આવેલ એકાંત બગીચામાં અથવા ઘરની બાજુમાં આવેલ એકાંત રસ્તા ઉપર ટહેલતા. ચાલતા ચાલતા તેઓ ક્યારેક ભજન ગાતા કે મંત્રપાઠ કરતા તો ક્યારેક ગહન ચિંતનમાં મગ્ન થઇ જતા.

સવારના નાસ્તાનો સમય હતો 7.30નો કારણ કે રાલ્ફનો 8.30નો શાળાનો સમય હતો અને ત્રણે બહેનોમાં સહુથી નાની, વીસેક વર્ષની ઉંમરની હેલનનો પણ નોકરીનો સમય થઇ જતો. એ લોસ એંજલસ માં એક જગ્યાએ સેક્રેટરી હતી. સ્વામીજી તૃપ્તિપૂર્વક પણ સહજપાચ્ય અમેરિકન નાસ્તો કરતા. એમના નાસ્તામાં ખાંડ અને મલાઈવાળી કોફીના બે કપ સહિત ફળ અને બે ટોસ્ટ રહેતા. એક દિવસ મિસિસ હેન્સબ્રોએ સ્વામીજીને કોફીનો ત્રીજો કપ પીવાનો ખૂબ આગ્રહ કર્યો. છેવટે સ્વામીજીએ સહમત થઇને કહ્યું: “ઠીક છે. સ્ત્રીઓનું કામ જ છે પુરુષોને લોભિત કરવાનું.” પણ સામાન્ય રીતે સ્વામીજી ભોજનમાં, કોફી પીવામાં, અને પાઇપ ફૂંકવામાં ખૂબ સાવધ રહેતા.

સ્વામીજી હેલનને “ભત્રીજી હેલન” કહી સંબોધતા. હેલન અને રાલ્ફ નાસ્તો કરી જલદી નીકળી જતાં પણ સ્વામીજી, મિસિસ હેન્સબ્રો, અને મિસિસ વાઇકોફ શાંતિથી નાસ્તો કરતાં. તેઓ ક્યારેય ઉતાવળ કરતાં નહિ. જયારે એમનો ક્લાસ ન હોય એ દિવસે સ્વામીજી નાસ્તા પછી પાછા ટહેલવા નીકળતા અથવા પુસ્તકાલયમાં ચોપડીઓ પર નજર ફેરવતા.

Total Views: 557

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.