(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી મીડ વાઈકોફ (Mrs. Carrie Mead Wyckoff), મિસિસ એલિસ મીડ હેન્સબ્રો (Mrs. Alice Mead Hansbrough), અને મિસ હેલન મીડ (Ms. Helen Mead) એમના પ્રધાન અનુયાયીઓ હતાં. સ્વામીજી જાન્યુઆરી, 1900નાં કેટલાંક અઠવાડિયાં સાઉથ પેસેડિના (South Pasadena) નગરસ્થિત એમના ઘરે રોકાયા હતા. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, પૃ. 253-54ના આધારે આ લેખની રચના થઈ છે. અવતરણ ચિહ્નોમાં આપવામાં આવેલ વાક્યો મિસિસ હેન્સબ્રો દ્વારા કથિત છે. -સં.)

રિંગ-અરાઉન્ડ-ધ-રોઝી, અમેરિકન બાળકોની એક રમત

સ્વામીજી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત ઉચ્ચકોટિના સંત હતા અને જટિલ દર્શનશાસ્ત્ર ઉપર એમની સંપૂર્ણ પકડ હતી, પણ સાથે જ તેઓ બાળકોની જેમ સરળ અને રમુજી હતા. મીડ ભગિનીઓના ઘરે રહેવાના સમયે તેઓ મિસિસ હેન્સબ્રોની ચાર વર્ષની દીકરી ડોરોથી અને મિસિસ વાઈકોફના સત્તર વર્ષના દીકરા રાલ્ફ સાથે ઘણો સમય વિતાવતા.

“સ્વામીજી ઘણીવાર આંગણામાં બાળકોની સાથે રમતા. ડોરોથીના કેટલાક મિત્રો હતા કે જેઓ એની સાથે રમવા આવતા. સ્વામીજી એમના હાથ પકડીને રિંગ-અરાઉન્ડ-ધ-રોઝી (અમેરિકન બાળકોની એક રમત) રમતા.”

રમતાં રમતાં સ્વામીજી બાળકોની જેમ જ આનંદમાં ગરકાવ થઈ ઘેલા થઈ જતા. પરંતુ છેવટે તો સ્વામીજી સ્વામીજી જ હતા ને! એમનું મન સતત ભારતની વર્તમાન અધોગતિ અને એની ભવિષ્યની ઉન્નતિનો માર્ગ શોધતું રહેતું હતું. તેઓ બાળકોની રમતો અને શિક્ષણપદ્ધતિનો અભ્યાસ કરતા અને કેવી રીતે ભારતમાં એનો અમલ થાય એ વિચારતા રહેતા.

એલિસ અને ચેશાયર કેટ, એલિસ ઇન વન્ડરલેન્ડ

“સ્વામીજીને બાળકોની સાથે ગપ લગાવવાનું ખૂબ ગમતું. તેઓ બાળકોને પ્રશ્નો પૂછતા રહેતા—તેઓ આ રમત કેમ રમે છે, વગેરે. તેઓ બાળવિકાસની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લેતા અને અમારી સાથે ઘણીવાર એની ચર્ચા પણ કરતા. સ્વામીજી બાળકોને શારીરિક દંડ આપવાના સખત વિરોધમાં હતા. તેઓ કહેતા કે એમને પોતાને દંડ મેળવવાથી ક્યારેય કોઈ લાભ થયો ન હતો. એમણે કહ્યું હતું: ‘બાળકોને ડર લાગે એવું કોઈ પણ કામ હું ક્યારેય પણ નહીં કરું.’”

સ્વામીજી ક્યારેક આંગણામાં બાળકોની સાથે બેસીને ચિત્રવાર્તાઓવાળાં પુસ્તકોનું અધ્યયન કરતા. 19મી સદીની મધ્યમાં અંગ્રેજ લેખક ચાર્લ્સ લ્યુટવિજ ડોડસન દ્વારા ‘લુઇસ કેરોલ’ ઉપનામે લખવામાં આવેલ ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’ અને ‘એલિસ થ્રુ ધ લુકિંગ ગ્લાસ’ એ બે બાળવાર્તાઓ સ્વામીજીને ખૂબ જ પ્રિય હતી. તેમાં એલિસ નામની એક છોકરીની વાર્તા છે જે સસલાંના દરમાં પડી ગયા બાદ કલ્પનાના વિશ્વમાં જતી રહે છે જ્યાં વિચિત્ર અને માનવીની જેમ બોલી શકતાં જીવો વસવાટ કરે છે.

આખી વાર્તા હાસ્યાસ્પદ, તરંગી અને અતાર્કિક પ્રસંગોની આસપાસ વણાયેલ છે. જેમ જેમ આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધતા જઈએ અને ભોગ્ય વસ્તુઓનો મોહ ઓછો થતો જાય એમ એમ આપણે અનુભવીશું કે જગત પણ ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ની જેમ હાસ્યાસ્પદ, તરંગી અને અતાર્કિક છે.

“સ્વામીજી ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ અને ‘એલિસ થ્રુ ધ લુકિંગ ગ્લાસ’ પુસ્તકોને વિશેષ પસંદ કરતા. તેઓ કહેતા કે એ પુસ્તકો મનુષ્યના મનની કાર્યપ્રણાલી યથાર્થ રીતે વર્ણવે છે અને જે રીતે લુઈસ કેરોલે આ પુસ્તકો લખ્યાં છે એનાથી પ્રમાણિત થાય છે કે તેઓ એક સામાન્ય લેખક ન હતા અને એમની પાસે એક અંતર્દૃષ્ટિ હતી.”

સ્વામીજી કહેતા: “(‘એલિસ ઈન વન્ડરલેન્ડ’) આ (19મી) સદીમાં બાળકો માટે લખાયેલ સહુથી અદ્‌ભુત પુસ્તક છે.”

ઘડિયાળમાં સમય જોતું સસલું, એલિસ ઇન વન્ડરલેન્ડ

પોતાના એક પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું હતું:

“આ વિશ્વમાં પ્રકૃતિના નિયમ કે પૂર્વાપર સંબંધ જેવી કોઈ વસ્તુ નથી પણ આપણે માની બેસીએ છીએ કે પ્રકૃતિ નિયમાનુસાર ચાલે છે. … (સાચા અર્થમાં તો) પ્રકૃતિ ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’માં વર્ણવાયેલ અસંબદ્ધ ઘટના પરંપરાનું પ્રતિબિંબ માત્ર છે.”

એલિસ અને હુકો પીતો કાનખજૂરો

અહીં આપણે પ્રકૃતિના નિયમ વિશે શ્રીરામકૃષ્ણદેવનું એક વર્ણન યાદ કરીએ:

“એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’

‘કેવી તો નાખી દેવા જેવી વાત છે!’ મેં આશ્ચર્યચકિત થઈ કહ્યું, ‘જે નિયમ બનાવે તે પોતાની ઇચ્છાનુસાર તે રદ કરી નવો નિયમ ઘડે.’

‘એ શી રીતે બને?’ મથુરે કહ્યું. ‘લાલ ફૂલ પેદા કરતો છોડ ધોળા કે એવા બીજા રંગનાં ફૂલ પેદા જ ન કરી શકે—કારણ, એ નિયમ છે. સફેદ ફૂલ પેદા જ ન કરી શકે—કારણ, એ નિયમ છે, લાલ ફૂલ ઉગાડતા છોડ પર ઈશ્વરને સફેદ ફૂલ ઉગાડતા જોવું મને ગમશે.’

‘ઈશ્વર એ પણ કરી શકે,’ હું બોલ્યો, ‘કારણ એ બધું એની ઇચ્છા પર અવલંબે છે.’

મથુરને ખાતરી થઈ નહીં. બીજે દિવસે મંદિરના બાગમાં આંટા મારતાં મેં જોયું કે જાસૂદના છોડની એક ડાળ પર બે ફૂલ હતાં, એક લાલ અને બીજું હિમધવલ. મેં એ તોડી લીધું અને મથુરને બતાવ્યું. તે જોઈને એ કહે: ‘બાબા, આપની સાથે હું હવેથી કદીય દલીલ નહીં કરું.’”

(‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ’, પૃ.154)

સ્વામીજીની વાત આગળ વધારતાં મિસિસ હેન્સબ્રો કહે છે:

“એક દિવસ શાળામાં રજા હતી. સવારના નાસ્તા બાદ સ્વામીજી નિયમિત પાઈપ ફૂંકતા. તેઓએ એકાએક પાઈપ બાજુ પર રાખી ડોરોથીને પોતાની પાસે બોલાવી. બાળકી સ્વામીજીની પાસે ઘૂંટણની વચ્ચે જઈ, એમના પગ ઉપર હાથ રાખીને ઊભી રહી.

“સ્વામીજીએ એમના હાથ ડોરોથીના ગળાની પાછળ, જ્યાંથી વાળની શરૂઆત થાય છે ત્યાં રાખ્યા અને ધીરે ધીરે ટકોરા મારતાં મારતાં એમના હાથ માથાની ઉપર અને ભ્રમરની વચ્ચે સુધી લઈ આવ્યા. ત્યાર બાદ એમણે રાલ્ફને બોલાવ્યો અને એની સાથે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું. રાલ્ફ ઘૂંટણિયે ભેર બેઠો હશે, કારણ કે મને યાદ છે કે સ્વામીજીને ખુરશી છોડીને ઊભા થવું પડ્યું ન હતું.”

મિસિસ હેન્સબ્રો માટે આ એક પવિત્ર પ્રસંગ હતો. એમને લાગ્યું હતું કે એ દિવસે એમની પુત્રી અને ભત્રીજાએ સ્વામીજીના વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ આ પ્રસંગને ‘બેપ્ટિઝમ’ (દીક્ષા મેળવવાનો ખ્રિસ્તી શબ્દ) કહેતા. જો કે સ્વામીજીએ પોતે આ પ્રસંગને કોઈ નામ આપ્યું ન હતું કે એની કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જ્યારે મિસિસ હેન્સબ્રોએ આના વિશે પૂછ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું, “આ તો માત્ર એક ભારતીય રિવાજ છે.” અને આમ આ પવિત્ર પ્રસંગનો નિરવે અંત આવ્યો.

રાલ્ફને સ્વામીજી પર ખૂબ શ્રદ્ધા હતી અને પ્રસંગાનુસાર એમની વ્યક્તિગત સેવા કરતો, જેમ કે સ્વામીજીના જૂતા પાલીશ કરી દેવા, એમના માટે ઉપરના માળથી તમાકુ લઈ આવવું, અને સ્વામીજીના કહ્યા અનુસાર બીજાં નાનાં-નાનાં કામો કરી દેવા. સ્વામીજી એની સાથે ઘણીવાર ચર્ચા કરતા.

એક દિવસે એમણે રાલ્ફને કહ્યું: “શું તું તારી પોતાની આંખોને જોઈ શકે છે?” રાલ્ફે ઉત્તર આપ્યો કે ના, એ માત્ર એને અરિસામાં જ જોઈ શકે છે. સ્વામીજીએ કહ્યું, “ઈશ્વર પણ આવા જ છે. તેઓ તારી આંખ જેટલા જ તારી નજીક છે. તું એમને જોઈ શકતો નથી, છતાં પણ એ તારા પોતાના જ છે.”

Total Views: 401

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.