આપ સહુ વાચકોને જય ઠાકુર.

એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવની મુહુર્મુહુ ચરણધૂલિથી પવિત્ર બનેલ બલરામ મંદિર; પ્રસંગ હતો ભક્તોની સભા; અને સભાપતિ હતા સ્વયં સ્વામી વિવેકાનંદ.

ઉપસ્થિત ભક્તોમાંથી કોઈ કોઈ આશ્ચર્યચકિત થઈ વિચારતા પણ હશે કે ક્યાં એ દિવસો કે જ્યારે શ્રીરામકૃષ્ણ કોલકાતામાં ભક્તોના ઘરે જઈ જઈ ને ત્યાગ, ભક્તિ, અને ઈશ્વરપ્રેમનો સંદેશ આપતા હતા અને એક અજાણ્યો છોકરો નરેન એમના પગ પાસે બેસીને વિસ્મયપૂર્ણ નયને એમનું કથામૃતપાન કરતો હતો, અને ક્યાં આજનો દિવસ કે એ જ શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ પૃથ્વી ફરી વળ્યો હતો; યુરોપ, અમેરિકાના દિગ્ગજ પંડિતો, વૈજ્ઞાનિકો, અને ગર્ભશ્રીમંતો એ જ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો ગહનતાપૂર્વક અભ્યાસ કરી રહ્યા હતા; અને એ છોકરો નરેન આજે યુગાચાર્ય સ્વામી વિવેકાનંદમાં રૂપાંતરિત થઈ ગયો હતો કે જેનો વિજયરથ ખેંચવા માટે ભારતના રાજાઓ પોતે હરોળબદ્ધ થઈ ઊભા હતા! પણ આ તો શરૂઆત માત્ર હતી. સભાના આરંભે સ્વામીજીનું વક્તવ્ય ભારતમાં નવપ્રભાતના શંખનાદરૂપ હતું:

“જુદા જુદા દેશોનો પ્રવાસ કર્યા પછી મારા મનમાં ખાતરી થઈ છે કે એકાદ સંસ્થા ઊભી કર્યા વિના કોઈ પણ મહાન ઉદ્દેશ સફળ નથી થતો. એકાદ લોકશાહી સિદ્ધાંત પર અથવા સર્વસામાન્ય મતદાન દ્વારા આ દેશમાં એકદમ કોઈ સંસ્થા સ્થાપવાની મને વ્યવહારુ શક્યતા લાગતી નથી. આ બાબતમાં પશ્ચિમના લોકો વધારે કેળવાયેલા છે અને આપણા કરતાં તેઓ પરસ્પર ઓછો દ્વેષ રાખે છે. તેઓ ગુણની કદર કરતાં શીખ્યા છે. મારો જ દાખલો લઈએ. ત્યાં હું તો એક અત્યંત તુચ્છ માણસ હતો, છતાં તેમણે મને હૃદયપૂર્વક કેવો સત્કાર્યો અને મારી કેવી સેવા કરી તે વિચારો! આપણા દેશમાં પણ કેળવણી ફેલાતાં લોકો વધારે સહાનુભૂતિવાળા અને ઉદાર બનશે. જ્યારે તેઓ પોતાના વિચારોને પોતાના સંપ્રદાય કે પક્ષની મર્યાદા ઓળંગીને વિશાળ બનાવવાનું શીખશે, ત્યારે જ લોકશાહી ઢબની સંસ્થા દ્વારા કાર્ય કરવાનું શક્ય બનશે. આટલા માટે જ આ સંસ્થાને સરમુખત્યારની જરૂર છે; બધાએ તેની આજ્ઞા પાળવી જોઈશે. સમય જતાં આગળ ઉપર આપણે સામાન્ય મતદાનનો સિદ્ધાંત અમલમાં મૂકીશું.”

અમેરિકાથી પાછા ફર્યા બાદ ભારતમાં સ્વામી વિવેકાનંદનું સ્વાગત

આજે આપણને સ્વામીજીની આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. જ્યારથી આપણને સ્વતંત્રતા મળી છે ત્યારથી જ તો આપણે લોકશાહી ઢબે મતદાન કરતા આવ્યા છીએ અને આપણા નેતાઓની ચૂંટણી કરતા આવ્યા છીએ. આઝાદીના આ અમૃત મહોત્સવમાં જ્યારે આપણે ભૂતકાળમાં નજર દોડાવીએ છીએ ત્યારે આપણે સહજે લોકશાહીની સફળતા અનુભવી શકીએ છીએ. ક્યાં સ્વામીજીના સમયનું અતિ-દરિદ્ર ગુલામ ભારત અને ક્યાં આ ૨૧મી સદીનું ભારત. આજે આપણે ચંદ્ર અને મંગળ ઉપર અવકાશયાન મોકલી શકીએ છીએ, સુપર-કોમ્પ્યુટર બનાવી શકીએ છીએ, અને આપણી યુનિવર્સિટીના સ્નાતકો વિશ્વની મોટામાં મોટી કંપનીઓમાં ઉચ્ચપદે ગૌરવભર્યું સ્થાન મેળવી શકે છે.

હવે પ્રશ્ન થાય કે સ્વામીજીએ સરમુખત્યાર-શાહીની જે વાત કહી હતી એ શું ટૂંક સમય માટે અથવા રામકૃષ્ણ મિશન પૂરતી જ મર્યાદિત હતી? ઉત્તર છે, ના. સ્વામીજીએ જો એમ કહ્યું હોત કે સંન્યાસી સંઘ માટે એક સરમુખત્યારની જરૂર છે તો વાત અલગ હતી. સંન્યાસીઓ નિયમ અને શિસ્તબદ્ધતા જાળવી રાખે એ માટે એમની ઉપર કઠોર શાસનની જરૂર તો છે જ. પણ અહીં સ્વામીજીએ જે કારણ આપ્યું છે એ થોડું વિચારવા જેવું છે. તેઓ કહે છે કે જ્યાં સુધી આપણે યોગ્યતા અને પ્રતિભાની કદર કરવાનું ન શીખીએ ત્યાં સુધી આપણે લોકશાહી ઢબે સંસ્થા ચલાવવા માટે અસમર્થ છીએ.

પણ જેમણે સ્વામીજીનું જીવનચરિત્ર વાંચ્યું છે તેઓ કહેશે કે સ્વામીજીને પોતાને તો દરિદ્રની ઝૂંપડીથી લઈ પ્રમદાદાસ મિત્ર જેવા શાસ્ત્રજ્ઞ પંડિત, અલવરના મહારાજા મંગલસિંહ, જયપુરના મુખ્ય સેનાપતિ સરદાર હરિસિંહ લડકાની, ખેતડી નરેશ અજીતસિંહ વગેરે કેટલાય રાષ્ટ્રપ્રેમી ભારતીયોએ ખુલ્લા હૃદયથી આવકાર્યા હતા. તો પછી એમણે કેમ કહ્યું કે ભારતમાં યોગ્યતા અને પ્રતિભાની કદર નથી?

આનો ઉત્તર એ છે કે સ્વામીજીને જે આવકાર મળ્યો એની પાછળ સ્વયં યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવની શક્તિ કાર્યરત હતી. મહાસમાધિના હવે માત્ર ત્રણ-ચાર દિવસો જ બાકી રહેલા છે એમ જાણીને એમણે એક દિવસ નરેન્દ્રને બોલાવીને પોતાની સન્મુખે બેસાડ્યા અને એક નજરે એમના ભણી જોતાં જોતાં સમાધિમાં સરી પડ્યા. નરેન્દ્રનાથ પાછળથી કહેતા હતા કે, ત્યારે એમને અનુભવ થયેલો કે જાણે કે ઠાકુરના દેહમાંથી વીજળીના ઝબકારા જેવું એક સૂક્ષ્મ તેજકિરણ એમના શરીરમાં પ્રવેશી રહ્યું છે. અંતે એ પોતે પણ બાહ્યભાન ગુમાવી બેઠા. કેટલો વખત આ રીતે વીતી ગયેલો, એની સમજ એમને પડી નહિ. ચેતના પાછી આવતાં એમણે દીઠું કે, ઠાકુરનાં નયનેથી આંસુ વહી રહ્યાં છે, એનાથી અત્યંત ચકિત થઈને એમ કરવાનું કારણ એમને પૂછ્યું ત્યારે ઠાકુર બોલ્યા કે, ‘આજે જે કાંઈ હતું તે સર્વસ્વ તને આપી દઈને ફકીર બન્યો છું. તું એ શક્તિ વડે જગતનાં કામ કરીશ. કામ પૂરાં થઈ ગયાં પછી પાછો ફરી જજે.’ સાંભળીને નરેન્દ્રનાથ બાળકની જેમ રડવા માંડ્યા – ઊછળતા ભાવના આવેગને કારણે કંઠ રુંધાઈ જવાથી તેઓ કશું બોલી શક્યા નહિ. (યુગનાયક, 1.195)

તો પછી આ જ સ્વામીજીને વિદેશમાં આવકાર મળે એ વાતમાં તો કાંઈ આશ્ચર્ય ન હોવું જોઈએ કારણ કે વિદેશીઓ પણ ઈશ્વરીય શક્તિ તો અનુભવી શકે છે. પણ આ શંકાનું સમાધાન સ્વામીજી પોતે કરે છે. તેઓએ વારંવાર કહ્યું છે કે અમેરિકા સ્ત્રીઓ અને ગરીબ લોકોનું સ્વર્ગ છે પણ ભારતમાં રૂઢિવાદી સમાજવ્યવસ્થાએ એમને કચડી મૂક્યા છે:

આ દેશમાં જેવી કુતૂહલવૃત્તિ દેખાય છે તેવી બીજે તમે નહિ જુઓ. આ લોકોને બધી વસ્તુઓ જાણવાની ઈંતેજારી હોય છે; ને અહીંની સ્ત્રીઓ તો જગતમાં સૌથી વધુ પ્રગતિશીલ છે… એશિયાએ સંસ્કૃતિનાં બીજ વાવ્યાં, યુરોપે પુરુષનો વિકાસ સાધ્યો અને અમેરિકા સ્ત્રીઓનો તેમજ જનતાનો વિકાસ સાધી રહેલ છે, સ્ત્રીઓનું તેમજ મજૂરવર્ગનું એ સ્વર્ગ છે. (6.108)

અમેરિકન સંસ્કૃતિનો આ જ મહિમા છે. નમેલા અંગે, ભૂખ્યા પેટે, તથા એક નાની લાકડી અને કપડાંનું પોટલું લઈને વહાણમાંથી તાજા ઊતરેલા આઈરીશ-મેનને, અમેરિકામાં થોડા મહિના રહ્યા પછીની તેની સ્થિતિ સાથે સરખાવી જુઓ. એ હિંમતથી અને ટટ્ટાર ચાલતો થયો હશે. જે દેશમાંથી તે આવ્યો છે ત્યાં એ ગુલામ હતો; જે દેશમાં તે આવ્યો છે ત્યાં તે એક ભાઈ છે. (5.618)

સહજે ભય પામી જતા હોય, એકબીજા પ્રત્યે કઠોર વલણ અપનાવતા હોય, જેમના હૃદયમાં દયાનો દરિયો સુકાઈ ગયો હોય, કે અહંકારથી ભર્યા બીજાઓની ઉપર પોતાનો મત બેસાડી દેવા માગતા હોય એવા નાગરિકો ક્યારેય પણ એક ચરિત્રવાન સાચા લોકનાયકની ચૂંટણી કરી શકશે નહીં. તેઓ હંમેશાં પોતાના સ્વાર્થને માટે જ મત આપશે અને છેવટે સમાજનું પતન નોતરશે. આવો આપણે સહુ સ્વામીજીના ઉપદેશ અનુસાર આત્મશ્રદ્ધા, સંયમ, ત્યાગ, રાષ્ટ્રપ્રેમ, અને નૈતિકતા જેવા ગુણો કેળવીએ અને આપણી લોકશાહીને સક્ષમ બનાવીએ.

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.