(નવેમ્બરથી આગળ)

સ્વચ્છતા માટે સ્વામીજીનો ખૂબ જ આગ્રહ રહેતો અને મઠમાં ગંદકી કે અવ્યવસ્થાને તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ. તેથી તેઓ સાધુઓ ઉપર ચાંપતી નજર રાખતા કે, જેથી તે લોકો જે તે વસ્તુઓ તેના યથાસ્થાને રાખે અને પોતાનાં વસ્ત્રો તેમજ પથારી ચોખ્ખી રાખે. અમારે અમારી પથારીની ચાદરો તેમજ ઓશીકાં દરરોજ તડકે મૂકવાં પડતાં અને તેમાં માંકડ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડતું. વખતોવખત સ્વામીજી અમારી પથારી પર સૂઈને જાતે જ તેનું નિરીક્ષણ કરી લેતા. એક વખત હું સ્વામીજી સાથે હતો ત્યારે તેમણે મઠમાં કંઈક ગંદું જોયું. તરત જ તેમણે સંઘના અધ્યક્ષ (પ્રમુખ) સ્વામી બ્રહ્માનંદજીને બોલાવી પૂછ્યું, ‘રાજા, આ જગ્યા આટલી ખરાબ (ગંદી) કેમ છે? જો તમે મઠને સ્વચ્છ ન રાખી શકતા હો તો તેના કરતાં તો આપણે ઝાડ નીચે રહીએ તે જ વધારે સારું, હવે જ્યારે મઠ સ્થાપ્યો જ છે તો પછી આપણે તેને સ્વચ્છ રાખવો જ રહ્યો.’ આ રીતે સ્વામીજી અમને સ્વચ્છતા જાળવતાં શીખવતા.

જો કોઈની આંગળીના નખ ગંદા હોય તો સ્વામીજી તે વ્યક્તિના હાથનું પાણી પીતા નહિ. આ કારણે એમણે એક વખત મને ઠપકો આપતાં કહેલું, જો, તારા હાથની આંગળીના નખ ગંદા હશે તો હું તારું આપેલું પાણી પીશ નહિ. કોઈ પોતાના પહેરેલા વસ્ત્રથી હાથ લૂછે તો પણ સ્વામીજી ગુસ્સે થતા. એક વખત મેં દાડમ છોલીને તેના દાણા સ્વામીજીને આપ્યા. પછી હાથ ધોઈ મેં મારા પહેરેલા કપડાથી તે લૂછ્યા, તે જોઈ સ્વામીજી બોલ્યા, ‘આ શું? ફરીથી એ જ હાથથી તું મને પીરસવાનો કે? સાવધાન! ક્યારેય ફરીથી આવું કરતો નહિ!’ અમારી ખરાબ ટેવો સુધારવા તેઓ કડક ભાષાનો ઉપયોગ કરતા. મેં સાંભળ્યું છે કે, શ્રીરામકૃષ્ણદેવ પણ સુઘડતા અને સ્વચ્છતામાં ખૂબ જ ચોક્કસ હતા અને એ જ વસ્તુ તેઓ પોતાના શિષ્યોને પણ શીખવતા. ઠાકુર બધી જ વસ્તુઓ વ્યવસ્થિત તેમ જ યથાસ્થાને રાખવાના આગ્રહી હતા. સ્વામી તુરીયાનંદજી કહેતા, ‘જે વ્યક્તિ અંદરથી વ્યવસ્થિત હોય તે બહારથી પણ હોય અને તે જ પ્રમાણે જે બહારથી વ્યવસ્થિત દેખાય તે અંદરથી પણ એવી જ હોય છે.’

સ્વામીજી સંન્યાસીઓને સાધુ-જીવનના આદર્શોથી કેવી રીતે પ્રેરિત કરતા, તે વિષે હવે હું થોડું કહીશ. તેઓ સંન્યાસીઓના બે ભાગ પાડતા -આજીવન (નૈષ્ઠિક) બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ એમાંથી પ્રથમ પ્રકારના લોકો સખત તપશ્ચર્યા કરે છે. તે લોકો મુંડન પણ કરાવતા નથી; પોતાનો ખોરાક પોતેજ રાંધે, શાસ્ત્રાભ્યાસ કરે, બીજાને ઉપદેશ આપે અને એકનિષ્ઠ ભક્તિથી સાધના કરે છે. જ્યારે બીજા પ્રકારના એટલે કે સંન્યાસીઓ પોતાના જીવનને પોતાની મુક્તિ તેમ જ લોકોના ભલા માટે સમર્પી દે છે. (‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’ના આદર્શ માટે પોતાનું જીવન સમર્પિત કરે છે.) જ્યારે કોઈ નવો બ્રહ્મચારી મઠમાં દાખલ થાય, ત્યારે સ્વામીજી તેને બેલુર ગામમાંથી અથવા તો તેની આસપાસના વિસ્તારમાંથી ભિક્ષા માગી લાવવા કહેતા. ત્યાર બાદ તે જાતે જ માગેલી ભિક્ષા રાંધી, ઠાકુરને ધરાવે અને પછી ગ્રહણ કરે. સ્વામીજી ક્યારેક બીજા સંન્યાસીઓને પણ ભિક્ષા લેવા મોકલતા. આપણે સાધુ છીએ એ પ્રકારનું વલણ જાળવી રાખવું જોઈએ.’ સ્વામીજી અમને યાદ અપાવતાં કહેતા. આ પરંપરાના પાલન તેમ જ તેની જાળવણી માટે સ્વામીજીએ પોતાની મહાસમાધિના એક માસ પહેલાં સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી શિવાનંદજી અને સ્વામી શારદાનંદજીને ભિક્ષા લેવા મોકલ્યા હતા. જ્યારે તે લોકો ભિક્ષા લાવ્યા ત્યારે સ્વામીજીએ તેમાંથી આનંદથી થોડો ભાગ લીધો. સ્વામીજીએ પછી સ્વામી શિવાનંદજીને કહ્યું, ‘તમને તે ગમે કે ન ગમે પણ સંન્યાસીની આ ભિક્ષા માગવાની પરંપરા ક્યારેય છોડી દેતા નહિ.’ એ વખતે થોડા જ સમય બાદ સ્વામી શિવાનંદજી વારાણસીનું કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા હતા તેથી સ્વામીજીએ તેમને આ યાદ અપાવ્યું હતું.

સંન્યાસીઓ સ્ત્રીઓની સાથે છૂટથી હળેમળે તે સ્વામીજીને ગમતું નહિ. સંન્યાસીઓ અને ગૃહસ્થો વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો સાથે પણ તેઓ ક્યારેય સંમત થતા નહિ અને ગૃહસ્થ લોકો સંન્યાસીની પથારી પર બેસે કે એકદમ જ તેમની બાજુમાં બેસી જમે તે પણ સ્વામીજી પસંદ કરતા નહિ. સ્વામીજી દરેક સંન્યાસીને આ વાક્ય યાદ રાખવા કહેતા, ‘મેરુ પર્વત અને રાઈના દાણા વચ્ચે, સૂર્ય અને આગિયા વચ્ચે, સમુદ્ર અને સરોવર વચ્ચે જે ફરક છે તેવો જ ફરક સંન્યાસી અને ગૃહસ્થ વચ્ચે છે.’ ગૃહસ્થ અને સંન્યાસીઓના સાથે જમવા વિષે સ્વામીજી કેવા કડક હતા તેનો એક દાખલો આપું. એ વખતે બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણદેવ મંદિર નીચે જમવાનો ઓરડો હતો. સંન્યાસીઓ અંદર જમતા, જ્યારે ગૃહસ્થો બહાર વરંડામાં જમવા બેસતા. એક સ્વામીજીના એક ગૃહસ્થ ભક્ત સાંત્રાગાચીના ગોવિંદબાબુ અંદરના ઓરડામાં સંન્યાસીઓ સાથે જમવા બેસી ગયા. આ જોઈ સ્વામીજી બોલ્યા, ‘તમે કેમ સંન્યાસીઓ સાથે બેઠા છો? મહેરબાની કરી વરંડામાં ભક્તો સાથે બેસો.’ ગોવિંદબાબુએ તરત જ આજ્ઞાનું પાલન કર્યું. આ રીતે સ્વામીજી સંન્યાસીઓ અને ગૃહસ્થો વચ્ચેની ભેદરેખા જાળવી રાખતા.

સ્વામીજી અમને ધ્યાન તેમ જ કર્મયોગ – બંનેની સાધના કરવાનું કહેતા. તેઓ કહેતા, ‘લાંબા સમય સુધી તમે ધ્યાન કરી શકો નહિ તેથી ધ્યાન પછી જેટલો પણ સમય મળે તેનો કર્મયોગમાં ઉપયોગ કરો. કર્મયોગથી મનની શુદ્ધિ થાય છે.’ અમે જો ધ્યાન ન કરીએ, અથવા કંઈ કામ ન કરીએ પણ તેના બદલે જો ખાલી ખોટાં ગપ્પાં મારીએ તો સ્વામીજીને તે જરાય ગમતું નહિ. તેઓ આળસને ધિક્કારતા. જ્યારે કંઈ જ કામ ન હોય ત્યારે પણ સ્વામીજી કોઈ પણ કામ શોધી કાઢતા અને અમને તે કરવા પ્રેરતા. આળસ કરવી અને ગપ્પાં મારવાં તે તેમના સ્વભાવની વિરુદ્ધ હતું. સ્વામીજી પોતે શાસ્ત્રાભ્યાસ કરતા અને સંન્યાસીઓને તે શીખવતા અને આ પરંપરાને મઠમાં જાળવી રાખવા ઇચ્છતા. સ્વામીજીના સમયમાં સાંજે જમ્યા બાદ રાત્રે બધા જ સંન્યાસીઓ ભેગા મળી શાસ્ત્રાભ્યાસના વર્ગમાં શું વાંચ્યું તેના વિષે ચર્ચા કરતા.

એ વખતે મિશનનાં બે કેન્દ્રો શરૂ થયેલાં સ્વામી અખંડાનંદજીના માર્ગદર્શન નીચે એક અનાથાશ્રમ અને એક વારાણસી સેવાશ્રમ, સ્વામીજીના હૃદયમાં વારાણસી સેવાશ્રમ માટે કૂણી લાગણી હતી, અને તેઓ હંમેશાં તે આશ્રમના સભ્યોને પ્રોત્સાહન આપતા. તેમણે તે કેન્દ્ર માટે એક અપીલ પણ લખેલી. શરૂઆતમાં તો સેવાશ્રમનું નામ હતું ‘દરિદ્રો માટે રાહત કેન્દ્ર’ અને તેનું સંચાલન ગૃહસ્થો કરતા. સ્વામીજીએ કહ્યું, ‘રાહતનો અર્થ તમે શું કરો છો? કોઈ એક વ્યક્તિ બીજા લોકોને રાહત આપી શકે કે? કેન્દ્રનું નામ ‘સેવાગૃહ’ એમ ફેરવી નાખો અને તેનું સંચાલન સંન્યાસીઓને સોંપી દો નહિતર સંસ્થા લાંબી ચાલશે નહિ.’ સ્વામીજીની મહાસમાધિ બાદ વારાણસી સેવાશ્રમ ‘સેવાગૃહ’ બની ગયો અને તે ‘રામકૃષ્ણ-મિશન’ને સોંપી દેવામાં આવ્યો.

કાલીકૃષ્ણ ટાગોર કરીને કલકત્તાની એક ધનાઢ્ય વ્યક્તિએ એક વાર સ્વામી નિરંજનાનંદજીને કહ્યું : ‘વારાણસી આશ્રમ માટે જે કંઈ જરૂર હશે તે હું આપીશ.’ આ સાંભળી સ્વામીજીએ સ્વામી નિરંજનાનંદજીને લખ્યું કે, ‘જો કાલીકૃષ્ણ ટાગોર વારાણસી આશ્રમને મદદરૂપ થવા ઇચ્છે છે તો એક હજાર વાર શિવપૂજા કરવાથી જે ફળ મળે તે ફળ તેને મળશે.’ એક દિવસ સ્વામીજીએ કાલીકૃષ્ણ ટાગોરને મળવાનો નિર્ણય કર્યો. તે વખતે સ્વામી અખંડાનંદજીએ સ્વામીજીને કહ્યું, ‘શા માટે આપણે એક જ વ્યક્તિ પાસેથી સંપૂર્ણ પૈસા લેવા જોઈએ? જો દરેક વ્યક્તિ આ ઉમદા કાર્યમાં ફાળો આપે તો તે વધુ સારું કહેવાય.’

ઈ.સ. ૧૯૦૨માં વારાણસી સેવાશ્રમની મુલાકાત લઈ સ્વામીજી અતિ પ્રસન્ન થયા. એક દિવસ તેમણે કહ્યું, ‘સેવાશ્રમમાં કામ કરતી દરેક વ્યક્તિને મારી પાસે આવવાનું કહેજો; હું તે બધાંને મંત્રદીક્ષા આપીશ.’ અને ખરેખર, તેમણે બધાને મંત્રદીક્ષા આપી.

સ્વામીજીની સૂચના અનુસાર ૧૯૦૧માં કનખલ (હરિદ્વાર) ખાતે એક સેવાશ્રમ ખોલવામાં આવ્યો. સ્વામી અખંડાનંદજીને તો આવા પ્રકારના કાર્ય માટે ખૂબ સહાનુભૂતિ હતી જ, પરંતુ તેમને આ પહેલાં કલકત્તામાં કંઈક કામ શરૂ કરવું હતું. એક દિવસ સ્વામીજીએ કહ્યું, ‘આ બંગાળના છોકરાઓ કંઈ જ કરતા નથી પરંતુ વારાણસીના છોકરાઓ મારા ઉદ્દેશ મુજબ જ કાર્ય કરી રહ્યા છે.’ સ્વામીજી અમને ચીવટ અને ખંતથી કાર્ય ધપાવવા સલાહ આપતા એક વખત તેમણે મને કહેલું : ‘જુઓ, ગંગાકાંઠે શ્રીઠાકુરને પ્રસ્થાપિત કરવા હું ગાંડાની જેમ બાર બાર વર્ષ ભમ્યો, જ્યારે તમારા લોકોમાં કોઈ ચોક્કસ કાર્ય પાર પાડવાની ધીરજ કે ખંતનો અભાવ જણાય છે. ફક્ત આ વૃદ્ધ સચ્ચિદાનંદમાં જ તે પ્રકારની કાર્યક્ષમતા છે.’ એક પ્રકારના જુસ્સાથી કામ કરવાની સલાહ અમને સ્વામીજી આપતા. એક દિવસ મારી હાજરીમાં તેમણે સ્વામી કલ્યાણનંદજીને કહ્યું, ‘જો, કલ્યાણ હું શું જોવા ઇચ્છું છું તે ખબર છે? મઠની એક બાજુએ શ્રીરામકૃષ્ણદેવનું મંદિર હશે કે જ્યાં સંન્યાસીઓ તેમ જ બ્રહ્મચારીઓ ધ્યાન ધરશે અને ત્યાર બાદ આ ધ્યાન-ધારણાનો પોતાના વ્યાવહારિક ક્ષેત્રમાં ઉપયોગ કરશે.’ વેદાંતને વ્યાવહારિક બનાવવાનો સ્વામીજીનો ઇરાદો હતો. ચર્ચા-વિચારણાની તેઓ પરવા કરતા નહિ.

શાસ્ત્રો માટે સ્વામીજીને ખૂબ જ આદર હતો. તેઓ તેનો અભ્યાસ કરી બીજા લોકોને પણ તેમ કરવા પ્રોત્સાહિત કરતા. તેમણે મને કહેલું : ‘જો તું બીજું કંઈ પણ ન વાંચી શકે તો કંઈ નહિ પણ ગીતા તો વાંચજે જ.’ તેમની ઇચ્છા તો બેલુર મઠમાં સંસ્કૃત વ્યાકરણ (પાણિની)ની શાળા ખોલવાની હતી. પાણિનીના વ્યાકરણના પ્રખર વિદ્વાન એવા પંડિત મોક્ષદાચરણ સમાધ્યાયી મઠના ભક્ત હતા. જ્યારે પણ તેઓ મઠની મુલાકાતે આવે ત્યારે સ્વામીજી તેમને સંસ્કૃત શાળા ખોલવા પ્રોત્સાહિત કરતા.

(ક્રમશ:)

અનુવાદ : કુ. સીમા માંડવીયા

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.