(શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર જીવંત હતા એ વખતે જેટલી નિષ્ઠાથી એમના સ્થૂળ દેહની સેવા કરતા એટલી જ નિષ્ઠાથી તેઓએ ઠાકુરની મહાસમાધિ બાદ એમના સૂક્ષ્મ દેહની સેવા કરી હતી. 26 જુલાઈ, સ્વામી રામકૃષ્ણાનંદજીની શુભ જન્મતિથિ ઉપલક્ષે મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા, તાઁર પત્ર ઓ રચનાસંગ્રહ’માં પ્રકાશિત અંશોના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.)

શ્રીરામકૃષ્ણદેવને કેન્સર થઈ ગયું હતું. ઠાકુર કોલકાતા આવે તો ભક્તો એમને નિયમિત મળવા જઈ શકે અને સેવા કરી શકે. એટલા માટે 11 ડિસેમ્બર, 1885ના રોજ ભક્તો એમને કોલકાતાના કાશીપુર ઉદ્યાનઘરમાં લઈ આવ્યા. એમની સેવાનો ભાર ગ્રહણ કરવા માટે ઠાકુરના કેટલાક યુવા ભક્તો કાશીપુરમાં જ રહી ગયા. આ યુવાઓમાંના એક હતા શશી અને બીજા હતા લાટુ. તેઓના પ્રમુખ હતા નરેન (સ્વામી વિવેકાનંદ).

લાટુ મહારાજ ઠાકુરના પરમ ભક્ત રામચંદ્ર દત્તના ઘરમાં ચાકર હતા. ઠાકુરની પાસે આવીને તેઓ ત્યાગ, ભક્તિ, અને વૈરાગ્યના પ્રવાહમાં એવા તો વહી ગયા હતા કે રામબાબુએ એમને ઠાકુરની સાથે જ રહી એમની સેવા કરવાનું કહ્યું હતું. ઠાકુરની મહાસમાધિ બાદ જ્યારે યુવા શિષ્યોએ વિધિવત્‌ સંન્યાસ ગ્રહણ કર્યો હતો ત્યારે લાટુ મહારાજની અદ્‌ભુત આધ્યાત્મિક પ્રગતિ જોઈને સ્વામી વિવેકાનંદે એમને સ્વામી અદ્‌ભુતાનંદ નામ આપ્યું હતું અને શશી મહારાજની ઠાકુર-સેવામાં નિષ્ઠા જોઈને એમને સ્વામી રામકૃષ્ણાનંદ નામ આપ્યું હતું.

અદ્‌ભુતાનંદજી પોતાની ગામઠી શૈલીમાં શશી મહારાજ વિશે અનેક વાતો કહે છે. તેઓ ‘નરેન’ (સ્વામી વિવેકાનંદ) ને અપભ્રંશ કરીને ‘લોરેન’ કહેતા.

ઠાકુરના સદેહે અંતિમ દિવસો દરમિયાન યુવા શિષ્યો મન-પ્રાણ ઢાળીને એમની એવી સેવા કરતા કે એમના ભક્તિબંધનથી બંધાઈને ઠાકુર શરીરત્યાગ પણ કરી શકતા ન હતા. અદ્‌ભુતાનંદજી કહે છે:

“એક દિવસે ઠાકુરે શશીભાઈને ખૂબ આદર કર્યો અને કહ્યું, ‘જો! તમે બધાએ સેવા કરીને મને બાંધી રાખ્યો છે; જો તમે કહો તો એકવાર ત્યાં જઈને જોઈ આવું.’”

બીજા એક દિવસની વાત કરતાં અદ્‌ભુતાનંદજી કહે છે:

“કેટલાય દિવસ ઠાકુર શશીભાઈને કહેતા, ‘અરે! સ્નાન કરીને ખાઈ આવ, હું અત્યારે સારો છું, મને અત્યારે કોઈ સેવાની જરૂર નથી, જા ખાઈ આવ.’

“એ જ દિવસે એક ભક્તે કોઈ એક બાગમાં જમરૂખનાં ફૂલ જોઈને શશીભાઈને એના ખબર આપ્યા હતા. શશીભાઈ એ જ દિવસે એ બાગમાંથી જમરૂખ તોડી લાવ્યા. જમરૂખ જોઈ ઠાકુર અવાક્‌ થઈ ગયા અને કહ્યું, ‘આ સમયે જમરૂખ ક્યાં મળ્યા રે?’”

16 ઓગસ્ટ, 1886ની રાત્રે ઠાકુરે મહાસમાધિ ગ્રહણ કરી. એ રાતે ઠાકુર ઘણા સમય સુધી સમાધિસ્થ રહ્યા હતા. અદ્‌ભુતાનંદજી કહે છે:

“(ભક્તોએ) ઘણા સમય સુધી કીર્તન કર્યા પછી રાતે એક વાગ્યે એમની (ઠાકુરની) સમાધિ ભાંગી ત્યારે એમણે થોડી રવાની ખીર ખાધી. શશીભાઈએ ખવડાવી હતી. ત્યાર બાદ એકાએક ઠાકુર ફરીથી સમાધિમગ્ન થયા. થોડીવાર પછી ઠાકુરના ભક્ત ઉપાધ્યાય આવ્યા. તેમણે ઠાકુરના શરીરે અને માથામાં ઘી ચોપડવાનું કહ્યું. શશીભાઈએ ઠાકુરના શરીરે ઘી ચોપડ્યું અને વૈકુંઠબાબુ ઠાકુરના પગે ઘી માલીશ કરવા લાગ્યા. એનાથી પણ ઠાકુરની સમાધિ ભંગ થઈ નહીં.”

ભક્તો સમજી ગયા કે ઠાકુરે હંમેશને માટે શરીરત્યાગ કરી દીધો છે. કાશીપુર સ્મશાનમાં ઠાકુરને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. શશી મહારાજ શોકમાં એટલા ગરકાવ થઈ ગયા હતા કે અદ્‌ભુતાનંદજી કહે છે:

“શશીભાઈ એક પંખો હાથમાં લઈને ચિતાની પાસે બેઠો હતો, એની પાસે શરતભાઈ (સ્વામી સારદાનંદ) હતો. શશીભાઈને તો મેં હાથ પકડીને ઊભો કર્યો. શરત્્ભાઈ અને લોરેનભાઈએ એને કેટલો સમજાવ્યો, બાકી શશીભાઈ તો એક વાક્ય પણ બોલ્યો નહીં.”

ભક્તો સહુ ભેગા મળીને ઠાકુરનું નામકીર્તન કરે એ માટે રામબાબુએ કાંકુડગાછી ઉદ્યાનગૃહમાં આશ્રમની શરૂઆત કરી હતી. ઠાકુરની મહાસમાધિ બાદ એમના અસ્થિનો એક અંશ આ આશ્રમમાં પધરાવવામાં આવ્યો હતો.

અદ્‌ભુતાનંદજી કહે છે:

“જન્માષ્ટમીના આગલા દિવસે હું રામબાબુના ઘરે ગયો. ત્યાંથી થઈને કાંકુડગાછી ઉદ્યાનમાં ગયો. બીજા દિવસે સવારે રામબાબુના ઘરેથી કીર્તન કરતાં કરતાં બધા મળીને કાંકુડગાછી ગયા. શશીભાઈ પોતાના માથા પર (ઠાકુરના અસ્થિનો) કળશ ધારણ કરીને લઈ ગયો. ત્યાં કળશની ઉપર માટી ફેંકતા જોઈને શશીભાઈ રોઈ ઊઠ્યો અને કહ્યું, ‘અરે, ઠાકુરના શરીરે ખૂબ વાગે છે.’ શશીભાઈની વાત સાંભળીને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.”

ઠાકુરની મહાસમાધિના થોડા દિવસો પછી 19 ઓક્ટોબર, 1886ના રોજ યુવા શિષ્યોએ કોલકાતાના વરાહનગર વિસ્તારના એક જીર્ણશીર્ણ મકાનમાં શ્રીરામકૃષ્ણ મઠની સ્થાપના કરી. સ્થાનિક રહેવાસીઓ એ મકાનને ‘ભૂતઘર’ કહેતા, કારણ કે ત્યાં કેટલાક લોકોએ આત્મહત્યા કરી હતી. વરાહનગર મઠમાં નાણાંનો અભાવ તો હતો જ પણ સાથે જ ગુરુભાઈઓ સાધન-ભજનમાં એટલા તન્મય થઈ ગયા હતા કે શારીરિક અભાવ પ્રત્યે તેઓ ભ્રૂક્ષેપ પણ કરતા નહીં. સવારનું ભોજન મળ્યું તો સાંજનું ન મળે, અને જો સાંજનું મળ્યું તો બીજે દિવસે સવારનું ન મળે. ગુરુભાઈઓ જો ધ્યાન કરવામાંથી નિરત થતા તો શાસ્ત્રચર્ચામાં ડૂબી જતા અને શાસ્ત્રચર્ચામાંથી વિરત થતા તો શ્રીરામકૃષ્ણદેવના પ્રસંગ ઉપાડતા. એ દિવસોની વાતો કરતાં અદ્‌ભુતાનંદજી કહે છે:

“એના જેવો મોટો દાતા કોણ છે! શશીભાઈએ જ તો ભીક્ષા કરીને અમને ખવડાવ્યું છે. શશીભાઈ શંખ અને ઘંટી વગાડતા, એમાંથી જ તો અમને બે વેળાનું ભોજન મળતું. જે આટલા લોકોને બે વેળાનું ખવડાવે, એને તમે દાતા નહીં કહો? વરાહનગર મઠમાં શશીભાઈ એવી તો આરતી કરતા કે શું કહું? એ વખતે ઠાકુરઘર ગમ્‌ગમ્‌ કરતું (આધ્યાત્મિકતાથી સભર થઈ જતું). શશીભાઈ ‘જય ગુરુદેવ, જયગુરુદેવ’નો નાદ કરતા.

“તેઓ હંમેશાં ચિંતા કરતા રહેતા કે ઠાકુરની સેવા કેવી રીતે ચાલશે, એમને શું શું ભોગ આપશે, અને ક્યારે શું ધરાવશે. ઠાકુરપૂજાનું બધું કામ શશીભાઈ પોતાના હાથે જ કરતા. અમને કહેતા—તમારે કશી ચિંતા કરવાની જરૂર નથી, તમ-તમારે સાધન-ભજન લઈને પડ્યા રહો; ઠાકુરની કૃપાથી બધી વસ્તુઓનો જુગાડ થઈ જશે.”

ઠાકુરના યુવા શિષ્યો રોજગાર છોડીને મઠમાં રહેતા, એ બધાને પસંદ ન હતું. રામચંદ્ર દત્ત વગેરે ભક્તોનો અભિપ્રાય હતો કે ઠાકુરે ગૃહસ્થાશ્રમમાં રહીને જ સાધન-ભજન કરવાનો ઉપદેશ આપ્યો છે. તેઓ ગુરુભાઈઓને કહેતા પણ ખરા કે ઘરે પાછા જઈને, સંસાર કરીને ઠાકુરનું નામ-સ્મરણ કરો. સાથે જ એ ભક્તો મઠમાં દાન આપે છે માટે મઠના વહીવટમાં તેઓનો અધિકાર છે તેમ માનતા.

આ સિવાય ગુરુભાઈઓમાં પણ મતભેદ હતો કે ઠાકુરે પોતે પોતાની વિધિવત્‌ પૂજા કરવાનું કહ્યું છે કે નહીં. શરૂઆતના થોડા દિવસ નરેન કહેતા કે તીવ્ર સાધના કરીને નિર્વાણ પ્રાપ્ત કરી લેવું એ જ એમના માટે શ્રેય છે. વિધિવત્‌ પૂજા-અર્ચના ઘણો સમય અને ઉપકરણ માગી લે છે. જો એની શરૂઆત થશે તો ગુરુભાઈઓ નિર્વાણના ધ્યેયથી ભટકી જશે. પરંતુ શશી મહારાજની શ્રદ્ધા એવી અડગ હતી કે તેઓ જેમ ઠાકુરની સદેહે સેવા કરતા એવી જ સેવા એમણે ઠાકુરની મહાસમાધિ બાદ પણ ચાલુ રાખી હતી. અદ્‌ભુતાનંદજી કહે છે:

“એક દિવસ ગુરુભાઈઓમાં ઠાકુરઘર (મઠના મંદિર) વિશે વાદવિવાદ ઊભો થયો. એ દિવસે ઠાકુરના એક ગૃહી ભક્તે (યુવા શિષ્યો વિશે) કટાક્ષ કરીને કહ્યું હતું, ‘સાલાઓ બીજું શું કરશે? જેમ શીતળા માતાને બેસાડે, એમ ઠાકુરની છબી બેસાડીને ઘંટા વગાડશે અને પૂજારીગીરી કરશે.’

“ભક્તની આ વાત સાંભળીને શશીભાઈ ખૂબ ગુસ્સે થઈ બોલ્યો હતો, ‘જે સાલાઓ આમ કહે, એમના રૂપિયા ઉપર હું મૂતરી દઉં છું.’ શશીભાઈને ગુસ્સો કરતાં જોઈને લોરેનભાઈને ખૂબ મજા આવતી. એટલે એણે હસતાં હસતાં કહ્યું, ‘જા સાલા! ભીક્ષા કરીને તારા ઠાકુરને ખવડાવ, જા.’

“લોરેનભાઈને આમ કહેતાં સાંભળીને શશીભાઈના મનમાં ખૂબ દુ:ખ થયું. એણે કહ્યું, ‘ભલે! તમારો એક પૈસો પણ જોઈતો નથી, હું ભીક્ષા કરીને ઠાકુરને ખવડાવીશ.’ એથી લોરેનભાઈ હસવા લાગ્યો અને કહ્યું, ‘શું રે! ભીક્ષા કરીને તારા ઠાકુરને પુરીનો ભોગ આપી શકીશ તો?’

“શશીભાઈએ ઉત્તેજિત થઈને કહ્યું, ‘હા આપી શકીશ, એ ભોગની પુરી પાછો તને ખાવા આપીશ.’

“સ્વામીજીએ ઉત્તેજનાનો ઢોંગ કરીને કહ્યું, ‘આવું ક્યારેય થશે નહીં; સાલા અમને ખાવાનું મળતું નથી અને તારા ઠાકુર પુરી-ભોગ ખાશે? ફેંકી દઈશ એવા ઠાકુરને, સમજ્યો?’

“આમ કહીને કૃત્રિમ ગુસ્સો બતાવીને લોરેનભાઈએ ઠાકુરઘર ભણી દોટ મૂકી. શશીભાઈએ પણ કૂદકો મારીને ઊભા થઈને અંગ્રેજીમાં કશું કહ્યું. ઠઠ્ઠા-મજાક કરતાં કરતાં એમને આવી તકરાર પર ઊતરી આવેલા જોઈને મારા મનમાં ખૂબ દુ:ખ થયું. મેં લોરેનભાઈને કહ્યું, ‘કેમ ભાઈ! શશીની સાથે તું વાદવિવાદ કેમ કરે છે? તારા મત અનુસાર તું ચાલ, શશીભાઈને એના મતે ચાલવા દે.’

“લોરેનભાઈએ મને પણ ધમકાવી દીધો. ધમકી સાંભળીને જેવી હું એક કઠોર વાત કહેવા ગયો, એવો જ લોરેનભાઈ હસી ઊઠ્યો—અને એવો હસ્યો કે શશીભાઈ પણ હસી ઊઠ્યો. બે મિનિટમાં તો બધા ગળે મળીને ઠાકુરપૂજાની વ્યવસ્થા કરવા લાગ્યા.”

નરેને શશી મહારાજની ઠાકુર-પૂજા ઉપર આટલી ગભીર આસ્થા જોઈને ભવિષ્યમાં ક્યારેય પણ ઠાકુર-પૂજા ઉપર વિરોધ ઉઠાવ્યો નહીં.

Total Views: 578

One Comment

  1. Rasendra Adhvaryu July 16, 2022 at 2:13 pm - Reply

    બધુંજ કથામૃતમાં નથી, લીલા પ્રસંગમાં નથી, પણ ઠાકુરના અનુયાયીઓ, સ્વામીના ગુરુભાઈઓના આવા સંસ્મરણો સંકલિત થયા છે અને એ આપણને વાંચવા મળે છે ત્યારે, ઠાકુરે એમના ગોઠિયાઓ સાથે આખી અવતાર લીલા કેવી રીતે કરી, આપણને શું શીખવવા કરી, એનો થોડોક ચિતાર મળે છે!

    અહીં લાટૂ મહારાજની, જેમ બન્યું એમજ સહજ યાદ કરી કહેવાની સરળતા, એને પ્રકાશિત કરવાની રામકૃષ્ણ સંઘની સત્યનિષ્ઠા અને નિખાલસતા… અદ્દભુતાનંદની જેમ અદ્ભૂત રીતે વર્તાઈ છે.

    ઠાકુર, મા, સ્વામીજી વિષે ‘વાંચીએ એટલું ખૂટે’ એવું આ બધું સૂચવે છે.

    રાજકોટ આશ્રમની આ સેવા સાચેજ આવા વાંચનથી વેગળા થયેલ આપણા સમાજ અને ખાસ તો અમારા જેવા વિદેશમાં વસેલા માટે મોટા ઉપકાર રૂપ છે.

    ખુબ ખુબ આભાર.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.