૨૦૧૫ની રામનવમીના ત્રણ દિવસ પહેલાં રાજપીપડાથી ૧૬ કી.મી દૂર ગુવાર ગામમાં નર્મદા તટે આવેલ રામાનંદ સંત આશ્રમમાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. આશરે ૪ એકરમાં ફેલાયેલ આશ્રમ અસંખ્ય ફળ-ફૂલોનાં વૃક્ષો-લતાઓથી શોભતું જાણે નંદનવન!!! અન્યાન્ય ભવનો, નર્મદા તટ તરફ ૨૪ નાનીસી કુટીયાઓ અને બીજા માળે ગુલાબી પથ્થર અને આરસપહાડના પથ્થરોથી શોભતું સુંદર મંદિર, ભોયતળિયે ભંડાર-કોઠાર અને પહેલા માળે સંત નિવાસ.

સંન્યાસીએ શ્રીમંદિરમાં પ્રવેશ કર્યો. મધ્‍યભાગના ગર્ભગૃહમાં બેઠેલાં શ્રીરામજાનકીનાં રૂડાં રૂપાળાં સ્વરૂપો! વિવિધ શાલીગ્રામ સાથે શ્રીપ્રભુના વાઘાઓની સજાવટ, તેમજ ચંદન અને ફૂલોથી શોભતો શૃંગાર અદ્ભત હતો, સાથે તે પૂજારીનો ભક્તિભાવ અને કૌશલ્યને પ્રગટ કરતા હતા. જમણા હાથના ગર્ભગૃહમાં શ્રીશ્રી વેષ્ણોદેવી અને શ્રીશ્રી નર્મદામૈયાના અતિસુંદર સ્વરૂપો! શ્રીમંદિર અને આશ્રમની વિસ્તૃત માહિતી ગયા અંકોમાં આપેલ છે. તેથી અહીં વિસ્તૃત માહિતી આપશું નહીં.

આશ્રમના પ્રાગંણમાં આવેલ યજ્ઞશાળામાં સંન્યાસીએ પોતાનું આસન લગાવ્યું. અગાઉ શૂલપાણેશ્વરની જાળીમાં સાથે ચાલેલા અને સંન્યાસીના પરમમિત્ર સમા બની ગયેલ રામાયતી સાધુ-મહાત્યાગીજી થોડા દિવસ પહેલાં જ આ આશ્રમમાં આવી ગયા હતા. તેમને જાણ થતા તેઓએ તરત જ શ્રીમંદિર નીચે આવેલ સંતનિવાસના સહશયનખંડમાં સંન્યાસીનું આસન લગાવડાવી દીધું. થોડા ઝાંખા પ્રકાશવાળો પરંતુ આશ્રમના કેટલાક ઠંડા ઓરડાઓમાંનો એક! તે વર્ષે ઉનાળો કેવો પ્રખર હતો તે અનુભવાયું જ નહીં!

આ રામાનંદ સંત આશ્રમના મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર અભિરામદાસ ત્યાગીજી સાધારણ રીતે ગુરુપૂર્ણિમાના સમયે આવે અને ચાતુર્માસ કરે. બાકીના સમયે તેઓના બીજા આશ્રમમાં વિચરણ કરતા હોય છે. આ મહારાજની ઉદારતા તથા બધા જ સાધુઓ પ્રત્યેનાં પ્રેમ અને કરુણાને કારણે આ આશ્રમમાં નાથ સંપ્રદાય હોય કે ઉદાસીન, દસનામી સાધુ સંપ્રદાય કે વૈષ્ણવ રામાયતી બધા જ પ્રકારના સાધુઓ માટે અબાધ આવન-જાવન તથા સાધન ભજનની સ્વતંત્રતા હતી. પૂ. મહારાજ કેટલા બધા ઉદાર હતા તેની એક ઘટના છે.

એકવાર આશ્રમના ટ્રસ્ટી, પૂજારી અને કોઠારી પૂ. મહારાજ પાસે ફરીયાદ કરવા ગયા કે કેટલાંક નિયમો બનાવવા પડશે, કારણ કે કેટલાક સાધુઓ એમ ને એમ પડ્યા રહે છે. ભંડારામાં, ખાવાપીવામાં પહેલાં અને સેવાકાર્યમાં છેલ્લે હોય છે. પૂ. મહારાજ ગંભીર બની ગયા અને કહ્યું, ‘જુઓ, નિયમો કરવાથી સંતસેવા ન થાય.’ બધા શાંત બની ગયા અને ચાલ્યા ગયા. વળી થોડા વખત પછી બધા પૂ. મહારાજ પાસે ગયા અને કહ્યું, ‘આ સાધુસંતો આશ્રમમાં રહે છે કંઈક કર-સેવા આપે એવું ફરજિયાત કરવું જોઈએ. વળી પૂ. મહારાજે કહ્યું, ‘એ લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે?’ ટ્રસ્ટીએ કહ્યું, ‘હા, મહારાજ ત્રણવાર. સવારે બાલભોગ, બપોરે અને સાંજે ભોજન ગ્રહણ કરે છે.’ પૂ. મહારાજે કહ્યું, ‘તેઓ ભોજન ગ્રહણ કરે છે તે જ તેમની સેવા છે!!!’ બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

આમ છતાં બધું સંચાલન મુખ્યત્વે પૂજારી અને મુખ્ય કોઠારી ઉપર હતું. પૂજારી મહારાજ ખૂબ જ મિલનસાર અને ભલા મહાત્મા હતા. પરંતુ કોઠારી કઠોર હતા. સંન્યાસીઓ પ્રત્યે સ્વભાવગત દ્વેષપૂર્ણ અને બે-ચાર ચેલા છોડીને બીજા સાધુઓ પ્રત્યે પણ અસમાન ભાવ હતો.

તેમની એક વસ્તુ મને ખૂબ ગમી. કોઠારી મહારાજને તેના બે-ત્રણ ચેલા સિવાય કોઈના નામ આવડે નહીં કે યાદ ન રહે, તેથી કોઈ કામ માટે કોઈને બોલાવવાનું હોય તો ‘એ સીતારામ’, ‘એ સીતારામ’ કહીને બોલાવે. મને તો તે ખૂબ જ ગમી ગયું. એક રીતે ભગવાનનું નામ લેવાય જાય અને કામ પણ થઈ જાય! આનો તો કોઈ કોપીરાઈટ હતો નહીં, એટલે સંન્યાસીએ પણ કોપી કરી લીધી.

નર્મદાપરિક્રમા પછી સંન્યાસીનો વડોદરા સ્થિત આશ્રમમાં મુકામ થયો. ત્યાં એક સંન્યાસી સેવકો, સ્વયંસેવકો, બ્રહ્મચારી અને નાના સાધુઓને પણ ‘એ સીતારામ’ કહીને બોલાવતા. પછી તો આ બધા લોકો ટેવાઈ ગયેલા કે સંન્યાસી સીતારામ બોલે એટલે મને જ બોલાવે છે. એકવાર એવું થયું, કાર્યાલયમાં સેવક, સ્વયંસેવક અને બ્રહ્મચારી ત્રણે હાજર હતા, મારે સેવકનું કામ હતું. સંન્યાસી પોતાની ટેવ મુજબ ‘એ સીતારામ’ બોલ્યા તો ત્રણેયે સંન્યાસી સામું જોયું અને કહે કોણ સીતારામ આવે? એકે રમૂજી ટકોર કરી, ‘મહારાજ, હવે નામ આપી દો. સીતારામ એક, સીતારામ બે… વગેરે.’ એક બ્રહ્મચારી તો સંન્યાસી પાસે ખાનગીમાં હસતાં હસતાં આવી કહ્યું, ‘મહારાજ, મારું નામ બ્રહ્મચારી પરાગ છે, સીતારામ નથી.’ સંન્યાસીએ પણ હસતાં હસતાં કહ્યું, ‘પરાગ નામ નાશવંત છે, સીતારામ નામ શાશ્વત છે.’ અસ્તુ.

આમ, વધુ સમય આ રામાનંદ સંત આશ્રમમાં રહેવું હોય તો આ કોઠારી મહાત્માની વક્રદૃષ્ટિથી બચવું રહ્યું અને સામાન્ય કૃપાદૃષ્ટિ હોવી જરૂરી હતી. શ્રીમાએ તેની પણ અપૂર્વ વ્યવસ્થા કરી આપી.

આ આશ્રમમાં ભોજનશાળામાં રસોઈ પકવવાનું કામ ત્યાગી મહાત્માઓ જ કરતા. સંન્યાસીઓ અને વધારાના ત્યાગીઓ શાકભાજીની અમાન્યા (કાપવાનું) અથવા આશ્રમનાં બીજાં સેવાનાં કાર્યો કરતાં. આશ્ચર્યની વાત એ હતી કે આ આશ્રમમાં વિશાળ મંદિરમાં ભગવાનની સેવા, 80 જેટલા લોકોનો સવાર-સાંજ ભોજનપ્રસાદ, ચા, બાલ-ભોગ વગેરે હોવા છતાં એક પણ પગારદાર સેવકો હતા નહીં!!!

Total Views: 451

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.