(ગતાંકથી ચાલુ)

મોકળા મેદાનનો માનવી

વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ.

શરૂઆતથી જ એક ચમકીલી તસવીર! કાળ વૈશાખીનું તોફાન, ઝંઝાવાત. કાળા આકાશને ચીરતી વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટથી મત્ત બનેલું સમગ્ર વાતાવરણ, ઘુમરી લેતા પાગલ જલ સાથે સઢ અને હલેસાંનું યુધ્ધ જાણે! જુવાન છોકરો હા…હા કરતો હસે છે; હલેસાં ઝાલેલાં બાવડાંની પેશીઓ, સ્નાયુઓ આવેગથી ફૂલી ઊઠ્યાં હતાં. એના ઘનઘોર વાળનાં જુલ્ફાં અવ્યવસ્થિત બની હવામાં ઊડતાં હતાં. આકાશની વિદ્યુત નીચે ઊતરી આવીને જાણે જલી રહી હતી એની વિશાળ આંખોમાં! બધા જ લોકો ડરના માર્યા થથરી રહ્યા હતા. કેવળ એ જુવાનના કંઠે જ રમતું હતું ઝંઝાવાતનું ગાન!

વિશ્વનાથ દત્તે ગંભીર બની પોતાના પુત્રને કહ્યું, “દક્ષિણેશ્વર જવાના બીજા રસ્તાઓ પણ છે. આવા વાવાઝોડામાં નાવમાં ન જઇએને તોય ચાલે. રામ તો ઘોડાગાડી કરીને જ જાય છે!”

પુત્ર નરેન્દ્રનાથ ચૂપચાપ સાંભળીને ચાલ્યા આવ્યા. રામદત્ત ઘોડાગાડી કરીને જાય એ ખરું, પણ એ તો રામદત્તનો રસ્તો, પણ મારો?

આહિરીટોલાના ઘાટે વાવાઝોડાની સમીસાંજે નરેન્દ્ર દત્ત તો ચડી બેઠા નાવમાં. હવે તે પરમહંસની પાસે જશે. આવી જ રીતે ઘણા બધા વંટોળને વટાવીને એણે પરમહંસને પામવા પડશે. આ જ તો હશે એનું એડવેન્ચર – રોમાંચક અભિયાન!

શિમલાના આ અતિ સાહસિક પ્રબળ પ્રતાપી જુવાન નરેન્દ્ર દત્તે એ વખતે ગાન હજુ રચાયું નહોતું એ જ ગીત, બીજી ભાષામાં, કદાચ બીજા શબ્દોમાં ગાયું હશે એણે ‘આજે ઝંઝા – રાતે મારા અભિસાર –’

શિમલાનો પ્રબળ પ્રતાપી જુવાન નરેન્દ્રનાથ દત્ત. “મિત્રોનો જાન, સામાજિક સંમેલનનો એ મધ્ય મણિ, મુખ્ય હીરો, નિ:સંદેહ પ્રતિભાથી ચમકતો, પ્રેરણા દિવ્ય બોહેમિયન (સ્વૈરવિહારી)” એમ મિત્ર વજેન્દ્રનાથ શીલ એને કહેતા. નરેન્દ્રનાથને મન જીવન એક સજીવ ગહન ગંભીર કંઇક – અનંત પ્રશ્નોથી આકુળ એક ખાસ સમુદ્ર જાણે એમનું હાસ્ય, એમની ખુશી, એમની રમત, એ બધું જ એ પેલા સાગરના રૌદ્ર, ગગનચુંબી ઊર્ધ્વ તરંગ.

ફરી કહું છું, સ્વામી વિવેકાનંદજીની જે મૂર્તિ આજે આપણી સમક્ષ ખડી છે, તેમાં જો કે મેદાનની રમતોનું નામ-નિશાન નથી. તેઓ યુગ પ્રવર્તક મહાપુરુષ – તેઓ પણ રમતના મેદાનમાં ઊતરેલા – પણ એમણે મેદાનને જીવનની અંતિમ પળ સુધી છોડ્યું નહોતું – અને એમની આ બધી વાતો ચોક્કસ નવાઇભરી લાગશે જ. અમેરિકાથી પાછા આવ્યા ત્યારે કલકત્તાની સંવર્ધન સભામાં સ્વામીજી બોલેલા, ‘હું કલકત્તાનો જ છોકરો; અહીંની જે ધૂળમાં બેસીને રમ્યો છું, એના પર બેસીને જ તમારી જોડે વાત કરવા માગું છું.’ સ્વામીજીની એ વાતોને, એ શબ્દોને આપણે માનીએ છીએ એક સુંદર ભાષણ જ, પણ એને ગંભીર પણે લેતા નથી, એમાં વિશ્વાસ નથી કરતા. જેમની સામે જોતાંય અપાર વિસ્મય જાગે, તેઓ પણ શું આપણી જેમ રમ્યા હતા? – તેઓ પણ શું ચપળ, ચંચળ અને નાનકડા હતા?

કેવળ આપણે જ નવાઇ નથી પામ્યાં. વિદેશી ચરિત્ર લેખક શ્રી લૂઇ બર્કે પણ વિવેકાનંદ વિષે આમ લખ્યું છે. સ્વામીજીનાં ભાષણોને જ્યારે આપણે યાદ કરીએ કે પાદરી વગેરેને તેઓ કેવી રીતે કઠોર આંચકા દઇ શકતા? તે વાત જ્યારે યાદ આવે – પ્રચંડ અવરોધો અને ઇર્ષ્યાથી ચલિત વિરોધી વાતાવરણની વચ્ચે થઇને કેવા અદમ્ય, તેજ અને રાજવી મહિમાથી તેઓ હરતાફરતા? એનો વિચાર કરું અને જ્યારે ચિંતવું છું કે ધ્યાનની નીરવ અસીમમાં તેઓ કઇ રીતે પળે પળે ડૂબી જતા? ત્યારે ભૂલી જાઉં છું – બધાં જ ભૂલી જાય કે તેઓ કેટલા તરુણ હતા?

સમુદ્રના હંસની જેમ ડૂબકી મારતાં અથવા પ્રિયજનો વચ્ચે પ્રાણ ખોલી ખુલ્લા દિલે હસવાનું તેમને કેટલું ગમતું! ત્રીસના કોઠાને એકદમ તળિયે એમની વય હતી એટલે જ તેઓ એવું કરતા, એમ નથી; બીજું પણ કારણ છે, તેઓ અસીમની સીમાએ ઊભા હતા, જ્યાં જગત્ જનનીનો નિત્ય ઉત્સવ હતો. સ્વામીજી ગંભીર ભાવે નિત્ય ભાવે તરુણ – યુવાન.

કથાની લગામ ઢીલી કરીએ કે તરત જ ઘોડાના ડાબલાનો અવાજ સંભળાવા માંડે છે. પહેલાં જ હાજર થાય ઘોડેસ્વાર વિવેકાનંદ! વિવેકાનંદના પ્રિય સમ્રાટ અકબર બાદશાહનો પગ ઘોડા પર ચડવાથી મરડાઇ ગયો હતો; અને બીજો એક પ્રિય દિગ્વિજયી નેપોલિયન તો ઘોડાની પીઠ પર જ ઊંઘ ખેંચી લેતો! તેથી વિવેકાનંદને પણ ઘોડે ચડવું પડેલું. ક્યારે? ક્યે વખતે? આજીવન – જીવનભર જ. તબડાક તબડાક કરતા પ્રથમથી જ તેઓ ચાલ્યા છે. પિતા વિશ્વનાથ દત્તે એક વાર પૂછેલું, ‘બિલે, તું મોટો થઇને શું બનીશ?” બિલે ગર્વભેર બોલી ઊઠેલા, “કોચમેન”. શ્રીમાન વીરેશ્વરની આંખોમાં ત્યારે હતી રંગીન છબી – ઘરનો કોચમેન ગાડીચાલક એમને ખોળામાં બેસાડી ખૂબ આકર્ષક વાર્તા કરતો તે – “જુઓ બિલેબાબુ, તમને ઘોડા પર બેસાડીને ઘોડો એવો તો ભગાવીશ કે, ઘોડો સામા છાપરા પર ચડી જશે; હવામાં ઊડશે અને તબડાક તબડાક કરતો ભાગશે, અને જે પક્ષીરાજ ઘોડો છે ને? જો, એના પર બેસોને તો તમે વાદળ સુધી પણ પહોંચી શકો.”

બિલુબાબુ બાળપણથી જ કલ્પના સમૃદ્ધ હતા. સંભવ છે કે અસંભવ જેવો સવાલ એમના મનમાં કદી જાગે જ નહીં. એની એમને મુદ્દલ પરવા જ નહીં, તેથી ભવિષ્યમાં ‘પક્ષીરાજ ઘોડો ખરીદવાની’ પ્રતિજ્ઞા કરતાં એમને વાંધો નહોતો આવ્યો. બિલુબાબુએ જ્યારે એમના પિતાને પોતાની પસંદગીના વ્યવસાયરૂપે કોચચાલક થવાની વાત કરેલી, ત્યારે એ ઉમેરવાની જરૂર નથી કે, એમણે પક્ષીરાજ ઘોડાના જ ચાલક બનવા ઈચ્છ્યું હતું.

પક્ષીરાજ ઘોડો ભલે ન મળ્યો, થોડાં જ વર્ષમાં એક સફેદ ઘોડો એમને જરૂર મળી ગયેલો. એના પર ચડીને બાળક નરેન્દ્ર હો – હા કરતાં કલકત્તાના રસ્તા પર એને જરૂર દોડાવ્યો છે. એ દેવભોગ્ય દ્રશ્યનો ઉલ્લેખ ખાસ ન જોવા મળ્યો છતાં (એનો ઉલ્લેખ માત્ર મહેન્દ્રનાથ દત્તના પુસ્તકમાં જ છે.) એ બાળક જ્યારે વિશ્વવીર બન્યા, ત્યારે તેમની ઘોડેસ્વારીનું થોડુંક વર્ણન એક વિખ્યાત બંગાળી પાસેથી જાણવા મળેલું. એ હતા અશ્વિનીકુમાર દત્ત.

૧૮૯૭ ની સાલનો મે કે જૂન મહિનો. અશ્વિનીકુમાર અલમોડા ગયેલા. એક દિવસ રસોયાના મોંએ સાંભળ્યું,” એક અદ્ભુત બંગાળી સાધુ આવ્યા છે. એ અંગ્રેજી બોલે છે. ઘોડે ચડે છે અને રાજાની જેમ ઘૂમતા ફરે છે.” એ સાધુ ચોક્કસ કોણ છે એ તો અશ્વિનીકુમાર તે જ પળે સમજી ગયા. અને એ “સૈનિક-સંન્યાસી”ની શોધમાં નીકળી પડ્યા; અને રસ્તામાં બધાને પૂછવા માંડ્યા. “સ્વામી વિવેકાનંદ! કોણ એ? એને તો નથી ઓળખતો! ઓહ એ! ઘોડેસ્વાર સાધુ એ રહ્યા, જુઓ ને! – ઘોડા પર ચડી આવે છે – આ – સામે!”

અશ્વિનીકુમારે જોયું. દૂરથી દોડતા ઘોડાની પીઠ પર ઊડતાં ભગવાં વસ્ત્રો. એક બંગલાના દરવાજા પાસે આવી ઘોડો ઊભો રહ્યો. એક યુરોપિયને દરવાજો ઉઘાડ્યો, ઘોડાની લગામ ઝાલી, મોં પાસેથી. અને બંગલા સામે લઇ ગયા. સંન્યાસી ઘોડા પરથી ઊતરી પડ્યા.

વાતો કેવી કવિતા જેવી મીઠી લાગે છે, નહિ! પરંતુ વાસ્તવથી પણ વધુ વાસ્તવિક. ઘણાબધા પત્રોમાં સ્વામીજીએ પુખ્ત વયની એમની ઘોડેસ્વારીની વાતો લખી છે.

“તમે જો મને પર્વતના હરણની જેમ પહાડ પર કૂદતો – ફરતો જોયો હોત, અથવા અધ્ધર શ્વાસે ઘોડો દોડાવતો પહાડી રસ્તા પર ઊતરતો – ચડતો જોયો હોત તો – તો તમને ખૂબ નવાઇ લાગત”(દાર્જિલિંગ, ૧૮ એપ્રિલ ૧૮૯૭)

“અહીં મારું નિત્ય કર્મ – યોગ્ય પરિમાણમાં કસરત કરવી. પહાડ પર ચડવું, બહુ દૂર સુધી ઘોડો દોડાવવો….આ પછી આપણે જ્યારે મળશું ત્યારે જોજો, હું પહેલવાન જેવો લાગીશ.” (અલમોડા, ૩ જૂન)

“ઘોડેસવારીની અતિશય ટેવ થઇ ગઇ છે. વીસ-ત્રીસ માઈલ એકીસાથે ચાલ્યો જાઉં તોય બિલકુલ દરદ કે થાક લાગતો નથી.” (અલમોડા, ૧૦ જૂન)

અમેરિકા અને યુરોપનાં કેટલાંક વર્ષના પરિશ્રમે એમની જિંદગીનું વીસ વર્ષનું આયુષ્ય હરી લીધું હતું. એ પછી ભારતમાં પગ મૂકતાં જ સંપૂર્ણ દેશનું આહ્‌વાન-કોલંબોથી કલકત્તા સુધી રથે ચડી, વિજયી વીરની ઘોષણા:

‘આપણને જોઇએ છે જ્વાલામય વાણી, એથીય વધુ જોઇએ છે જ્વાલામય કર્મ; હે મહાપ્રાણ! ઉત્તિષ્ઠત જાગ્રત (ઊઠો જાગો)’ – જ્યારે આ શબ્દો બોલેલા ત્યારે તેમનો પોતાનો દેહ અંદરથી સળગીને ખાખ બની ગયેલો. અને છતાંય તેઓ ત્યારે પણ હસે છે અને કહે છે. “હવે વધુમાં વધુ ચાર-પાંચ વર્ષ છું- I shall not live to see forty!” (હું ચાલીશમું વર્ષ જોવા જીવીશ નહિ)

અલમોડામાં ઘોડાની પીઠે ચડીને જીવનનો આનંદ શી રીતે કરી પામ્યા, એ વાત તેઓ ડોક્ટરને કહે છે – “મેં સવાર-સાંજ ઘોડે ચડીને પૂરતી કસરત કરવા માંડી છે, અને એના પરિણામે ખરેખર જ મારી તબિયત ખૂબ સારી થઈ ગઈ છે, એવું મને લાગે છે. કસરત શરૂ કરીને પહેલા જ અઠવાડિયામાં મને તબિયત એટલી સારી લાગી કે, નાનપણમાં હું જ્યારે કુસ્તી કરતો, ત્યારે જેવું સારું લાગતું એવું પછી ફરી જે કદી નહોતું લાગ્યું એવું સારું ત્યારે લાગ્યું. સાચે જ, મનમાં થયું કે શરીર સારું હોવું એ પણ એક આનંદનો વિષય છે. પહેલાં શરીરના દરેક કાર્યમાં શક્તિનો પરિચય મળતો, દરેક સ્નાયુની પેશીનું હલનચલન આનંદ દેતું…….શક્તિની પરીક્ષામાં જી.જી. અને નિરંજન બંનેને એક પળમાં ભોંય ભેગા કરી શકતો.”

એમના દેહમાં અસીમ તાકાત હતી. ચાલવામાં, હરવાફરવામાં, જીવનમાં આનંદ: પણ એ આનંદ જે માનવતાની જરૂરિયાતે ચૂસી લીધો હતો તેને હિમાલયમાં પાછો જઈને વિવેકાનંદે ફરીથી હૃદયની તાકાતથી પાછો મેળવી લીધો હતો. ‘જાગી ઊઠી’ હતી એમની નિત્ય મૂર્તિ. –

“દાક્તર, આજકાલ હું જ્યારે તુષારાવૃત્ત પર્વતશિખરો સામે બેસીને ધ્યાનમાં બેસી શ્લોક પાઠ કરું છું કે “ન તસ્ય રોગો ન જરા, ન મૃત્યુ: પ્રાપ્તસ્ય હિ યોગાગ્નિમય શરીરમ્” – ત્યારે જો તમે મને એક વાર જોઈ શક્યા હોત!”

પરંતુ સ્વામી વિવેકાનંદ માટે અહીં જે એક મુખ્ય અધૂરપ, એક ખામી, ત્રુટિ હતી તે સાયકલોનની – ઝંઝાવાતની. વંટોળિયાની અથવા અવલાંશેની (હિમપ્રપાતની) – તે વિના વિલંબે જ જાણે ફળદાયી બની. પચીસ ત્રીસ માઈલ રોજ ઘોડેસવારી કરવી એ તો સ્વસ્થ શરીર માટે પણ હાનિકારક અને વળી તેઓ તે બીમાર, તંદુરસ્તી પાછી મેળવવાના ઇચ્છુક! આરોગ્યલાભના ઇચ્છુક! એટલે એથી તેમનું શરીર ખરાબ થાય એ અનિવાર્ય જ તો! થયું પણ એમ જ. “મારું શરીર આઘે તડકામાં વધુ પડતી ઘોડેસવારી કરવાને લીધે જરાક કથળ્યું છે.” (૧૩મી જુલાઈ) “જરાક કથળ્યું છે.” એ પછી રીતસર તબિયત બગડી ગઈ, બીજે વર્ષે જ્યારે ફરી અલમોડા જવાની વાત નીકળી ત્યારે આ ધર્મધ્વજધારી યોધ્ધાએ ડરીને પત્રમાં લખ્યું “ના, ના હવે અલમોડા નહિ, – ઘોડેસવારીના પરિણામે નક્કી રોગનું આક્રમણ થશે.” (૧૮ એપ્રિલ ૧૮૯૮)

પણ શું એનું એક સહજ સમાધાન નથી? ઘોડે ન ચડીએ તો ય ચાલે જ તો! હાય! આત્મા જ્યાં વ્યસ્ત ત્યાં દેહનું વિઘ્ન? અને વિવેકાનંદ તો આત્માવાન્!!

પોતાને ઉઘાડે છે સ્વામીજી :

“મારા શરીરનો બાંધો દ્રઢ – સશક્ત; તેથી હું જેમ જલદીથી સાજો થઈ શકું તેમ વળી વધારાની શક્તિ મારા દેહમાં રોગ પણ આણે છે. દરેક વિષયમાં જ હું ચરમ-પંથી! એ તો ઠીક, તંદુરસ્તીની બાબતમાં પણ એવો જ. કાં તો હું લોખંડ જેવો દ્રઢ, આખલા જેવો અસીમ બલશાળી, અને નહિ તો પછી એકદમ ભગ્નદેહ – મોતને તટે સૂતેલો.” (૩ જૂન, ૧૮૯૭)

તેથી સ્વામીજી તો ઘોડે ચડશે જ. એટલું જ નહિ પરંતુ, પોતે એકલા જ ચડશે એવું યે નહિ, જેઓ ચડતાં ડરે એમને પણ ઘોડે ચડાવી, ઘોડાને પાછળથી ચાબૂક ફટકારશે, જ્યારે જુએ કે ડરતા ઘોડેસ્વારને લઈને ઘોડો અધ્ધર શ્વાસે, પૂરપાટ દોડે છે ત્યારે ખડખડાટ હાસ્યથી ગગન ગજવી મૂકશે. આ ઘટના કંઇ ઉપજાવી નથી કાઢી. સ્વામી વિરજાનંદની આવી દુર્ગતિ એમણે કરેલી. એમની દુર્ગતિ અને સ્વામીજીને મજા!’ – એ પછી જ તૃપ્તિમય વિચાર – “મારા શિષ્યો વીર થશે.”

ઘોડેસ્વારીની બાબતમાં જ સ્વામીજીએ એમની એક પહેલાંની ખુલ્લા મેદાનની વીરત્વભરી કથાનો એક પત્રમાં ઉલ્લેખ કરેલો :

“હું ઊભા પહાડ પર પૂરપાટ પહાડી ઘોડો દોડાવવામાં જ મજા માણું છું, તમારી સાયકલ કરતાં આ ચોક્કસ વધુ જ ઉન્માદપૂર્ણ. જો કે એ અનુભવ પણ મને વિમ્બલડનમાં થઇ જ ગયો છે. અહીં માઇલોના માઇલો સુધી ચઢાણ, માઇલોના માઇલો ઉતરાણ, રસ્તો થોડા ફૂટ જ પહોળો, ઊભા પહાડ પર જાણે લટકી રહ્યો છે, અને નીચે હજારો ફૂટ ઊંડી ખીણ.”

હિમાલયના ભયંકર રસ્તા પર જો કે ઘોડો દોડાવવો એ વિમ્બલડનની સાયકલસવારી કરતાં વધુ ઉન્માદ પૂર્ણ એ ખરું, પણ સાયકલસવારી પણ સાવ ઓછી ઉન્માદ પૂર્ણ તો ચોક્કસ નહોતી જ. સ્વામીજીની સાયકલસવારીનું વર્ણન એમના ભાઈ મહેન્દ્રનાથે કર્યું છે. તેઓ ત્યારે ઈંગ્લેન્ડમાં હતા.

એક દિવસ સ્વામીજી ખૂબ ખુશખુશાલ. બપોરે બાર વાગ્યે કહે “ચલ-બધા મળીને સામેના મેદાનમાં જઈ સાયકલ ચલાવીએ.” મિસ મૂલરનો આર્થર નામનો એક માળી હતો. એણે મિસ મૂલરના ગ્રીન હાઉસમાંથી એક સાયકલ કાઢી અને મેદાનમાં મૂકી આવ્યો. સ્વામી શારદાનંદે સાયકલ પકડી, અને સ્વામીજી મહેન્દ્રનાથના ખભા પર હાથ મૂકી સાયકલ પર ચડી બેઠા. ટેવાયેલા નહિ, એટલે બંને જણે બંને બાજુથી સાયકલને સાચવવા માંડ્યા. એ પછી સ્વામીજી સ્વામી શારદાનંદને કહે, “હવે તું ચડ, શીખને! થોડા દિવસ પ્રેકટીસ કરીશ તો આવડી જશે.” સ્વામી શારદાનંદ તો મરજી નહોતી તોય એમનું માન રાખવા સાયકલ પર બેઠા તો ખરા, પણ શરીર જાડું, ડરેય ખૂબ લાગતો હતો. તેથી બંને બાજુથી અમે બંને જણા સાયકલ પર એમને પકડી રાખતા હતા. આર્થર માળીનો નાનો છોકરો થોડે દૂર વાડને ટેકે ઊભો ઊભો તમાશો જોતો જાય ને ખડખડાટ હસતો જાય. સ્વામીજી એ છોકરડા માળીને હસતો જોઈ મજાક કરી બોલ્યા, “અરે! આપણને સાયકલ શીખતા જોઈ માળી છોકરો મશ્કરી કરે છે! અરે, મશ્કરી શાનો કરે છે?” સ્વામી શારદાનંદ થોડી વારમાં ઊતરી ગયા. સ્વામીજી ફરી સાયકલ પર ચડ્યા. તે દિવસે તેઓનું મન ખૂબ ખુશ હતું, ધીમે સ્વરે બંગાળી ગીત ગાવા માંડ્યા, ‘શોખની તરણી મારી કોણે વહાવી તરંગે – વહી જાય તરી સવાર વેળ, માન્યું આ જળ – ખેલ, મધુર વહે છે સમીર, વહી જશે રંગે.”

અત્યંત મધુર એક છબી, એક ચિત્ર પરમ અંતરંગ! પણ એ છબીને જો. ‘મધુર સમીરે એ વહી જવું નદીમાં ન હોય, પણ જે હવામાં શૂન્યમાં જોવાની હોય તો પછી એ નીરખનાર માટે નિરાપદ ન રહે. શૂન્યમાં? હા, શૂન્ય અવકાશમાં. સ્વામીજી વિમાનયુગના માનવી નહોતા. પણ ત્યારે બલૂનમાં ઊડવાની શરૂઆત થઈ ગઈ હતી.

 

સંદર્ભ સૂચિ

૧. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા : પુષ્પ ૧૦ (૧૯૮૩) પૃ. સં ૧૫૫
૨. એજન પૃ. સં ૧૬૦
૩. એજન પૃ. સં ૧૬૨
૪. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા પુ. ૧૧ (૧૯૮૪) પૃ. સં – ૩૦૯
૫. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા પુ. ૧૨ (૧૯૮૪) પૃ. સં – ૧૯૭ – ૯૮
૬. એજન પૃ. સં – ૨૩૧

ભાષાંતર : ડો. સુકન્યા ઝવેરી

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.