શિકાગોના મેયર રિચાર્ડ એમ. ડૅલૅના યજમાનપદે યોજાયેલા આંતરરાષ્ટ્રીય નવ સહસ્રાબ્દિ મહોત્સવમાં ભારતના પ્રતિનિધિરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ, સ્વામી જિતાત્માનંદજી ૨૮ ડિસે. ૯૯ના રોજ રાતના ૧૦.૩૦ વાગ્યે . શિકાગો પહોંચ્યા. શિકાગો મિલેનિયમ ઉત્સવનું આયોજન વિશ્વના ઉચ્ચજ્ઞાનને મેળવવા અને વિશ્વના વિવિધ સંસ્કૃતિધર્મ અને પ્રકૃતિના લોકો વચ્ચે સંવાદનો, સંદેશવ્યવહારનો વધુ સારો સેતુ રચવાના ઉચ્ચત૨ ઉદ્દેશને સિદ્ધ કરવા થયો હતો. સ્વામી જિતાત્માનંદજીની ભારતના એક આદર્શ પ્રતિનિધિરૂપે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું એ આપણા સૌ માટે ગર્વની વાત છે. ૨૦૦ જેટલા દેશોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો અને દરેક પ્રતિનિધિ સાથે એક વ્યક્તિ પણ સાથે રહેલ. એમની સાથે આવેલ ગૌહાટીના ૨૧ વર્ષના ઍન.સી. સી.ના શ્રેષ્ઠ કેડૅટ કું. તીલા વ્હીષ્ટ હતાં. તેમના અધિકૃત યજમાન ડૉ. નિરંજન શાહે હવાઈ મથકે અને હિઆત રિજન્સી હૉટેલમાં સહસ્રાબ્દિ સમિતિના વ્યવસ્થાપકોએ રાતના ૧૨,૩૦ વાગ્યે તેમનું સ્વાગત કર્યું. સંન્યાસી હોવાને કારણે એમના માટે ૨૦ મે માળે એક પથારીવાળા અલગ ખંડની વ્યવસ્થા હતી. અને બાકીના અતિથિની વ્યવસ્થા ૧૧મે માળે હતી. તેમણે ખંડમાં પ્રવેશ કર્યો ત્યારે રાત્રિના એક વાગ્યો હતો. ૨૯મીએ સવારે ૯.૩૦ વાગ્યે આ સુવિધાસજ્જ આરામદાયી હૉટેલ છોડીને તેઓ રામકૃષ્ણ સંઘના શિકાગોના કેન્દ્ર – શિકાગો વિવેકાનંદ વેદાન્ત સોસાયટી, સાઉથ, હાઈડ પાર્કમાં પહોંચી ગયા. એ જ દિવસે સાંજે ડૉ. નિરંજન શાહના નિવાસસ્થાને બંને-ભારતીય પ્રતિનિધિઓનું-શિકાગોના સુખ્યાત ભારતીય નેતાઓ અને અમેરિકાના ભારતીય રાજદૂતના પ્રતિનિધિઓ દ્વારા અભિવાદન થયું હતું. આ અભિવાદન સમારંભમાં શિકાગો વેદાન્ત સોસાયટીના સ્વામી ચિદાનંદજી અને સ્વામી વરદાનંદજી પણ ઉપસ્થિત હતા. ૨૬ ડિસે.૯૯નો દિવસ શ્રી શ્રીમાનો જન્મજયંતી દિન હતો. ડૉ. નિરંજન શાહે સ્વામીજીને ‘ભારતીય સ્ત્રીઓ અને તેમનો આદર્શ’એ વિશે બોલવા વિનંતી કરી. એમણે વક્તવ્ય આપ્યું અને થોડું ભજન-સંગીત પણ આપ્યું અને શ્રીમદ્ સ્વામી ચિદાનંદજી મહારાજે શ્રી શ્રીમાની આરતી પૂજા કરી. ત્યાર પછી ભોજન સમારંભ હતો. ડૉ. રશ્મિ શાહની વિનંતીથી તેઓ એમની સાથે એમના મિત્રના નિવાસસ્થાને રોકાયા. ૩૦મી ડિસેમ્બરે હિઆત રિજન્સી હૉટેલમાં સી.ઍન.ઍન., ‘ઍન.આર.આઈ.ઈંડિયા’ નામના ભારતીય માસિકના તંત્રી ડૉ. વિજય પ્રભાકર અને ભારતીય ખ્રિસ્તીઓના આગેવાન શ્રી સિંઘા સાથે સ્વામીજીની રૂબરૂ મુલાકાત – વાતચીત – પરિચર્ચા યોજાઈ હતી. ૩૦મીએ સાંજે તેઓ શિકાગો કેન્દ્રમાં પરત આવ્યા. એ સમય દરમિયાન શિકાગોના ભક્તજનો તેમને સ્વામી વિવેકાનંદની પદધૂલિથી પાવન થયેલાં સ્થળો અને અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ ગયા. ૩૧મીએ બપોરે ત્રણ વાગ્યે આ મહોત્સવની અંતિમ ઉજવણીમાં ભાગ લેવા તેઓ નીકળ્યા. આ નવસહસ્રાબ્દિ મહોત્સવ બપોરે ૪.૩૦ વાગ્યે શરૂ થયો અને અહીંના સુખ્યાત કવિ, સંગીતજ્ઞો અને લેખકો દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ મહોત્સવ પૂરો થયો. ત્યાર પછી ફૂટબોલના મેદાન કરતાં પણ ઘણા મોટા અને ભવ્ય એવા મૅકોર્મિક હૉલમાં આ ભવ્ય ભોજન સમારંભનું આયોજન થયું હતું. ૨૦૦૦ જેટલા મહેમાનો માટે ૨૦૦ જેટલાં ટેબલ્સની વ્યવસ્થા હતી. એક ટેબલ પર ૧૨ વ્યક્તિ ભોજન લઈ શકે તેવી સુવિધા હતી. કાચના અને સિરેમિકના બલ્બમાંથી આવતા અદ્‌ભુત પ્રકાશ-સંયોજનથી ટેબલને શણગારવામાં આવ્યું હતું. સ્વામીજી, ભારતના કૉન્સલ જનરલ અને બીજા અહીંના સુખ્યાત ભારતીયો સાથે ભોજન લેવા બેઠા. આ કાર્યક્રમ બરાબર રાતના ૧૨ કલાકે પૂરો થાય એ રીતે આ નવસહસ્રાબ્દિના સ્વાગતાર્થે ભવ્ય આતશબાજીનું આયોજન પણ હતું. મધ્યરાત્રિના ૧૨ને ૫ મિનિટે સ્વામીજી શિકાગો કેન્દ્રમાં પહોંચ્યા અને મધ્યરાત્રિએ શ્રીમંદિરમાં પ્રવેશ્યા. તા. ૧લી જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ રાજકોટના ભક્ત કુટુંબના સભ્ય, ૬૫ વર્ષની વયના ડૉ. રશ્મિ શાહ સાથે તેઓ અને બીજા ભક્તજનો ગેન્જીઝ ટાઉન મઠમાં ગયા. ૨જી તારીખે તેઓ શિકાગો પરત આવ્યા. અહીં ડૉ. શાહના મિત્ર શ્રી અશોક પટેલના નિવાસસ્થાને યોજાયેલા સન્માન સમારંભ યોજાયો હતો. અહીં ભારતીય જનો જેમાંના મોટાભાગના ગુજરાતીઓ ઉપસ્થિત હતા.

૪થી જાન્યુઆરીના રોજ શિકાગો કેન્દ્રથી ન્યુયૉર્કનું વિમાન પકડવા વહેલી સવારે તેઓ નીકળ્યા. હળવી હિમવર્ષા ચાલુ હતી. તેઓ સવારના ૧૦.૧૫ કલાકે ન્યુયૉર્ક પહોંચી ગયા. વિમાન મથકેથી મૂળ રાજકોટના શ્રી રાજેન ગોહિલ મને સીધા ન્યુયૉર્ક વેદાન્ત સોસાયટીમાં લઈ ગયા. શ્રીમત્ સ્વામી તથાગતાનંદજીએ તેમનું અભિવાદન કર્યું. એમની સાથે ભોજન લીધું. બપોરના ૧ વાગ્યે તેઓ રાજેન ગોહિલ સાથે રિજલી મૅનોર જવા નીકળ્યા. તે દિવસે સાંજે પાંચ વાગ્યે કડકડતી ઠંડી ઠંડા સૂસવાતા પવન વચ્ચે તેઓ રિજલી મૅનોર પહોંચ્યા. આ પાવનકારી પુણ્યભૂમિ પર અહીંના સ્વામીજી અને ભક્તજનોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. સ્વામી વિવેકાનંદે આ સ્વર્ગીય-દિવ્યભૂમિને-કૅટ્સ્કિલ‌ પર્વતમાળાઓની પોતાની ઈ.સ. ૧૮૯૫થી ૧૯૦૦ના સમયગાળામાં ત્રણ ત્રણ મુલાકાત વખતે દિવ્યતા-આધ્યાત્મિકતાની શક્તિના પ્રવાહથી ભરપૂર ભરી દીધી હતી. બીજા દિવસે સવારે તેઓ સ્વામી વિવેકાનંદજી, સ્વામી અભેદાનંદજી, સ્વામી તુરીયાનંદજી, ભગિની નિવેદિતા અને અન્ય સંન્યાસીઓ જ્યાં રહ્યા હતા, તેવી ઈમારતોના દર્શને ગયા. આજે રિજલી મૅનોરની ૮૩ એકર વિશાળ લીલીછમ લૉનયુક્ત હરિયાળી આ પુણ્યભૂમિ દિવ્યતા અને શાંતિનું કેન્દ્રસ્થાન બની ગઈ છે.

૫મી જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યે રિજલી મૅનોરથી નીકળીને લાઉડન વીલે થઈને રાતના આઠેક વાગ્યે બૉસ્ટન વેદાન્ત સોસાયટી પહોંચ્યા. શ્રીમદ્ સ્વામી તથાગતાનંદજી મહારાજે ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એમણે પોતાના ગુરુ સ્વામી અખંડાનંદજી મહારાજ અને એમના સંબંધો વિશે વિગતે વાત કરી. હાર્વર્ડ યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થી જગતમાં તેમણે પોતે આધ્યાત્મિક ભાવ જાગરણના કરેલા કાર્ય માટે વિશિષ્ટ સેવાની કદરદાની રૂપે પ્રાપ્ત કરેલ ‘જીવન સિદ્ધિ પ્રાપ્તિ સ્મૃતિ ચિહ્ન’ – “Lifetime – Achievement Plaque” પણ જોવા મળ્યો.

૬ઠ્ઠી જાન્યુઆરી સવારે બૉસ્ટન કેન્દ્રના સ્વામી ત્યાગાનંદજી સાથે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી વિસ્તારની મુલાકાતે ગયા. જ્યાં હાર્વર્ડ ગ્રેજ્યુએટ ફિલૉસૉફિકલ સમક્ષ સ્વામી વિવેકાનંદે વેદાન્ત પર સુપ્રસિદ્ધ વ્યાખ્યાન આપ્યું હતું તે ઈમારતના એક ખંડમાં ગયા. પછી હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રંથાલયની મુલાકાત લીધી. આ પુસ્તકાલય જોઈને કલકત્તાની પ્રૅસિડન્સી કૉલેજ પુસ્તકાલયની યાદ આવી જ જાય. યુનિવર્સિટી તો ક્રિસમસની રજાઓ પછી ખૂલવાની હતી અને અણધારી ઠંડીનું મોજું ફરી વળતાં વિદ્યાર્થીઓ પણ ઘણા ઓછા હતા. પછી તેઓ MIT કૅમ્પસ બહારથી જ જોઈને પ્રૉવિડન્સ વેદાન્ત કેન્દ્ર જવા ઉપડ્યા. અહીં ભક્તજનોએ તેમનું અભિવાદન કર્યું. ભોજન લઈને વેદાન્ત સોસાયટી માટે ખરીદેલી વિશાળ ઈમારત પણ જોઈ. સ્વામીજીને બે શબ્દો કહેવા માટે અને થોડું ભજન- સંગીત પીરસવા વિનંતી કરવામાં આવી. બપોરના ૧ વાગ્યે તેઓ ન્યુજર્સિ જવા નીકળ્યા.

૭મી જાન્યુઆરીની સવારે તેઓ પ્રિસ્ટૉન યુનિવર્સિટીમાં ગયા. અહીં ૮૮ વર્ષની ઉંમરના અમેરિકાના સુખ્યાત ભૌતિક નાક શાસ્ત્રી જ્હૉન એ. વ્હીલર (મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન જે સ્થાન-દરજ્જો પ્રિસ્ટૉન યુનિ.માં ભોગવતા હતા. એ જ સ્થાને જ્હૉન વ્હીલર વિરાજે છે.) સાથે ચર્ચા માટે એમને નિમંત્રણ મળ્યું હતું. તેમનું નિવાસસ્થાન યુનિ. કૅમ્પસમાં જ હતું. તેમની સાથેનો વાર્તાલાપ પણ તેમના ઘેર જ ગોઠવાયો હતો. જુલાઈ-૯૯માં પ્રૉ. વ્હીલરે સ્વામી જિતાત્માનંદજીના પુસ્તક ‘Modern Physics and Vedanta’ વિશે પોતાનો અભિપ્રાય આપતો પત્ર લખ્યો હતો. બંને વચ્ચે ભૌતિકવિજ્ઞાન, ઉપનિષદો, વેદાન્તફિલસૂફી વિશેની ચર્ચા એક કલાક સુધી ચાલી. રાજેન ગોહિલે આ વાર્તાલાપને રૅકોર્ડ કરી લીધો અને આ સ્મરણીય ઘટન ઘણા ફોટોગ્રાફસ પણ લીધા. ત્રણ દિવસ પછી પ્રિન્સટૉન યુનિ.ના ભૌતિક વૈજ્ઞાનિકોને સંબોધન કરવા પ્રૉ. વ્હીલરે તેમને વિનંતી કરી. પણ તેમનો કાર્યક્રમ બીજે સ્થળે ગોઠવાઈ ગયો હતો એટલે એમને હવે પછીની કોઈ તારીખ વાર્તાલાપ માટે આપવાની ખાતરી આપી. એમણે કોટના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને વક્તવ્યનો વિષય પણ લખી. આપ્યો. વિષય હતોઃ The Search for unity in Physics and life – ‘ભૌતિકવિજ્ઞાન અને જીવન વચ્ચેના ઐક્યની શોધના’ એ કાગળ પર એમણે પોતાના હસ્તાક્ષર પણ કરી આપ્યા. પ્રૉફેસર વ્હીલરે પોતાના કૅમેરામાં બંનેનો ફોટૉગ્રાફ પણ લઈ લીધો. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ય તેઓ કારપાર્ક સુધી વિદાય આપવા આવ્યા અને ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી સફેદ રૂમાલ ફરકાવતા રહ્યા. કેવી અદ્‌ભુત આનંદદાયી અને સ્મરણીય હશે એ મહાન વૈજ્ઞાનિક વ્હીલર સાથેની એ પળો! ૭મીએ સાંજે ન્યુયૉર્ક વેદાન્ત સોસાયટી પહોંચ્યા. સ્વામી તથાગતાનંદજીએ પોતાનો સાપ્તાહિક વર્ગનો સમય એમના વાર્તાલાપ અને ભજન-સંગીત માટે બદલાવી નાખ્યો. તેમણે આધ્યાત્મિક જીવન વિશે એકાદ કલાક પ્રવચન આપ્યું અને ૪૫ મિનિટ જેટલો સમય ભજન-સંગીત પીરસ્યું.

૮મી જાન્યુઆરીએ સવારે ૬.૧૫ કલાકે રાજેન ગોહિલ સાથે વૉશિંગ્ટન જવા નીકળ્યા. અહીં ડૉ. પંકજ ઘોષની આગેવાની હેઠળ નરેન્દ્રપુર રામકૃષ્ણ મિશનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક મિલન સમારંભ અને ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ભોજન પછી તેઓ વૉશિંગ્ટન શહેર જોવા નીકળ્યા. વ્હાઈટ હાઉસ અને સ્મારકગૃહો વગેરે જોયાં. અંતે વૉશિંગ્ટન અને મૅરિલન્ડની સીમાએ આવેલા નવા કેન્દ્રમાં પહોંચ્યા. યુવાન અમેરિકન સંન્યાસીના નેતૃત્વ હેઠળ એક અદ્‌ભુત સુંદર આકાર લેતું આ કેન્દ્ર ૫ એકર જમીન પ૨ આવેલું છે. અહીં થોડાં ભજન-ગીતો રજૂ થયાં, વાતચીત થઈ અને સામાન લઈને વૉશિંગ્ટનથી સાંજના ૫ વાગ્યે ન્યુજર્સિ જવા નીકળ્યા. પ કલાકની મંજિલ કાપીને તેઓ રાતના ૧૦ વાગ્યે શ્રી રાજેન ગોહિલના નિવાસે સ્થાને પહોંચ્યા.

અહીંથી તેઓ ૯મી જાન્યુઆરીની સવારે ચા-નાસ્તા પછી તરત ન્યુયૉર્ક રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રમાં જવા નીકળ્યા. ત્યાં સવારે ૯.૩૦ વાગ્યે પહોંચ્યા. શ્રીમદ્ સ્વામી આદીશ્વરાનંદજીએ અગાઉથી સ્વામી જિતાત્માનંદજીનું રવિવારનું વ્યાખ્યાન ગોઠવી દીધું હતું. પ્રારંભમાં અમેરિકાના ભક્તજનોના ઓર્ગન પર દિવ્ય મંત્રોચ્ચાર અને શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી વિશેના પાશ્ચાત્ય કૉરસ ગીતોનો આનંદદાયી કાર્યક્રમ રહ્યો. ત્યાર પછી ‘આ સંસ્કૃતિના- સભ્યતાના સંરક્ષક શ્રીરામકૃષ્ણદેવ’ વિશે તેમણે એકાદ કલાકનું પ્રવચન આપ્યું. આ સભામાં ૧૫૦ જેટલા ભાવિકો હતા, જેમાં મોટા ભાગના અમેરિકનો હતા. પ્રવચન પછી મિત્રોને મળ્યા. બપોર પછી ગુજરાતના ભક્તજન ડૉ. શાહ ન્યુયૉર્ક શહેરની મુલાકાતે લઈ ગયા. શ્રીમદ્ સ્વામી આદીશ્વરાનંદજી મહારાજે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. એમની સાથે વાતચીત કરવા સારો એવો સમય મળ્યો.

૧૦મી જાન્યુઆરીએ સવારે જ્હૉન એફ. કૅનૅડી હવાઈ મથકે વિદાય આપવા શ્રી રાજેન ગોહિલ આવ્યા હતા. અહીંથી અમેરિકાના પૂર્વમાંથી પશ્ચિમ છેડા તરફ યાત્રા કરવાની હતી. તેઓ સાફ્રાંસિસ્કો હવાઈ મથકે, બપોર પછી ૧૨.૫૦ કલાકે ઊતર્યા. સ્વામી પ્રબુદ્ધાનંદજીએ સ્વાગત કર્યું. રાજકોટના ભક્ત શ્રી રમેશ કાપડિયા તેમની ગાડીમાં સાફ્રાંસિસ્કો વેદાન્ત કેન્દ્રમાં લઈ ગયા. એ જ રાત્રે ભોજન લીધા પછી શ્રી રમેશ કાપડિયા તેમને અને સ્વામી પ્રબુદ્ધાનંદજીને ઑલેમા લઈ ગયા. કૅલિફોર્નિયાના મધ્યભાગમાં ઊંડાણમાં ૨૦૦૦ એકરમાં આવેલ એક અનન્ય આધ્યાત્મિક સાધના કેન્દ્ર છે. અહીં આકાશને આંબી જતાં ઊંચાં ઊંચાં વૃક્ષોવાળું રેડવૂડ જંગલ છે, આ કેન્દ્રના ઘાસિયાં મેદાનો અને વાંકીચૂંકી-ચઢ ઉતરવાળા પર્વતીય માર્ગો પર સફેદ હરણો અહીં તહીં દોડતાં રહે છે. અહીં ભક્તજનો માટે અને સાફ્રાંસિસ્કોના સત્યશોધકો માટે અને આધ્યાત્મિક ઝંખનાવાળા ભાવિકો માટે અવારનવાર આધ્યાત્મિક શિબિરોનું આયોજન થાય છે.

૧૧મીની સાંજે સાન્ફ્રાંસિસ્કો કેન્દ્રના સ્વામી વેદાનંદજી તેમને અને સ્વામી પ્રબુદ્ધાનંદજીને ગાડીમાં બર્કલે વેદાંત સોસાયટીમાં લઈ ગયા. અહીં રાતના ૮ વાગ્યે ‘વિજ્ઞાન અને આધ્યાત્મિકતા’ વિશે સ્વામી જિતાત્માનંદજીનું પ્રવચન હતું. પ્રવચન પછી રાત્રિભોજનનું આયોજન થયું હતું. ૪૦ જેટલા ભાવિકોમાંથી અરધા અમેરિકન અને અરધા ભારતીય હતા. ૧૨મી જાન્યુઆરીની સવા૨ે રમેશ કાપડિયા તેમને ઑકલેન્ડ યુનિટેરિયન ચર્ચમાં લઈ ગયા. અહીં સ્વામી વિવેકાનંદે ૧૦૦ વર્ષ પહેલાં પોતાનું પ્રવચન આપ્યું હતું. ચર્ચના ભાવિકોએ વ્યાસપીઠ પર પીત્તળની તકતી લગાડી અને ચર્ચના પ્રવેશદ્વાર પર સ્વામીજીની છબી રાખવામાં આવી છે. આ સ્થળના થોડા ફોટા લઈને કારમાં બર્કલે થઈને સૅકમૅન્ટો કેન્દ્રમાં જવા ઉપડ્યા. બપોરના ૧૨ વાગ્યે ત્યાં પહોંચ્યા. રસ્તામાં ઠંડા સૂસવાતા વાયરા ફૂંકાતા હતા. સૅકમૅન્ટો વેદાન્ત સોસાયટીના વડા સ્વામી પ્રપન્નાનંદજીએ (દેવદાસ મહારાજે) તેમનું અભિવાદન કર્યું. સાંજનાં ‘આધુનિક વિજ્ઞાન વેદાન્તના પંથે’ વિશે પ્રવચન હતું. ૭૫ જેટલા ભાવિકો આવ્યા હતા. શંકુ આકારનાં લીલાંછમ પર્ણોવાળાં ઈટાલિયન વૃક્ષો અને રમણીય, ઉપવનમાં દેવ-દેવીઓની પ્રતિમાઓથી આ આશ્રમ ભવ્ય અને સુંદર લાગે છે.

૧૩મી જાન્યુઆરી એ સૅકમૅન્ટોથી હવાઈમાર્ગે પૉર્ટલેન્ડ પહોંચ્યા. ઍરપોર્ટ ઉપર સ્વામી શાંતરૂપાનંદજી અને ભક્તજનોએ સ્વાગત કર્યું. શ્રી શ્રીમાની ભાવમૂર્તિની વિશેષ ઉપસ્થિતિમાં અહીંના મંદિરનું વાતાવરણ દિવ્ય અને આધ્યાત્મિક સ્ફૂરણાના ભાવથી ભર્યું ભર્યું લાગ્યું, શ્રી શ્રીમાના સાક્ષાત્ શિષ્ય બ્રહ્મલીન સ્વામી અશેષાનંદજીની ૫૦ વર્ષની તપસાધના અને પરમ સાત્ત્વિક સાધુ જીવનનું પરિણામ એટલે આ મંદિર. સાંજે ‘શ્રીરામકૃષ્ણદેવ’ પર પ્રવચન હતું અને ત્યાર પછી ભોજનનું આયોજન હતું.

૧૪મી જાન્યુઆરીએ પૉર્ટલેન્ડથી સાન્ફ્રાંસિસ્કો પહોંચ્યા. હવાઈ મથકેથી નરેન્દ્રપુર, રામકૃષ્ણ મિશનના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કૉમ્પ્યુટર વિજ્ઞાનના એક સફળ-સમર્થ વૈજ્ઞાનિક, શ્રી સૌગત ગુહા આશ્રમમાં બપોરના ભોજન પહેલાં લઈ ગયા. સાન્ફ્રાંસિસ્કોની કૉન્વેન્ટ સાધ્વીઓએ સાંજના ૪.૩૦ વાગ્યે તેમને અને સ્વામી પ્રબુદ્ધાનંદજીને પ્રશ્નોત્તરી માટે નિયંત્રણ આપ્યું હતું. ૧૫મીએ સ્વામી પ્રબુદ્ધાનંદજી શહેરની મુલાકાતે લઈ ગયા. સાંજના ૫ વાગ્યે સ્વામી પ્રબુદ્ધાનંદજી, અને એક નવા બ્રહ્મચારી ત્યાગીશ ચૈતન્ય તેમને લૉસ્ એન્જિલિસ જવા માટે હવાઈ મથકે મૂકવા આવ્યા. રાતના ૮.૩૦ વાગ્યે ત્યાં પહોંચ્યા પછી હવાઈ મથકેથી એક ભાવિક ભક્તજન બેંગાલી સમાજ સંઘની એક માસિક સભામાં લઈ ગયા. અહીં સ્વામી સર્વદેવાનંદજી તેમની રાહ જોતા હતા. ત્યાં ‘શ્રીરામકૃષ્ણદેવ’ વિશેનું ૫૦ મિનિટનું પ્રવચન અને એક ભજન ગાઈને હૉલીવૂડ વેદાન્ત સેન્ટરમાં જવા ઉપડ્યા અને રાતના ૧૦.૧૫ કલાકે ત્યાં પહોંચ્યા. અહીંના શ્રીમદ્ સ્વામી સ્વાહાનંદજી મહારાજ ભારતમાં હોવાથી સ્વામી સર્વદેવાનંદજીએ હૉલિવૂડ અને તેનાં વિવિધ કેન્દ્રોમાં કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ૧૬મી જાન્યુઆરીને રવિવારે હૉલીવૂડ કેન્દ્રમાં ‘આધુનિક વિજ્ઞાન વેદાન્તના પંથે’ વિશે પહેલેથી જ તેમનું પ્રવચન ગોઠવાઈ ગયું હતું. મોટા ભાગના મૂળ અમેરિકાવાસીઓએ એક કલાક સુધી આ પ્રવચન અને અંતે ‘ચિદાનંદ રૂપઃ શિવોઽહમ્ શિવોડહમ્’ ધ્યાનથી સાંભળ્યું. ઑફિસના વિશાળ સભાખંડમાં ચા-નાસ્તા સાથે ૭૫ મિનિટનો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. એ જ દિવસે સાંજે તેઓ અને સ્વામી સર્વદેવાનંદજી ટુબૅકોના મઠમાં ગયા. ભોજન સાથે સંન્યાસીબંધુઓ સાથે વાતચીત થઈ. ૧૭મીની સવારે ચા-નાસ્તા પછી સાનડિયાગો કેન્દ્ર જવા ઉપડ્યા. ત્યાં સવારે ૧૦ વાગ્યે પહોંચી ગયા. એ જ દિવસે સાંજે તેઓ લાલજી મહારાજ, સ્વામી સર્વદેવાનંદજી અને હૉલીવૂડના બ્રહ્મચારી પ્રસૂન અહીંના પ્રાણીઘર જોવા ગયા. સાનડિયાગો કેન્દ્રમાં પાછા આવીને મંદિરમાં આરતી અને ભજનમાં ભાગ લીધો. ૧૮મીએ સવારે તેઓ અહીંથી ડિઝનીલૅન્ડ જવા નીકળ્યા. ડિઝનીલૅૅંડનો થોડો ભાગ જોઈને તેઓ સાંજના હૉલીવૂડ પહોંચી ગયા.

૧૯મીએ સવારે સાન્તાબાર્બરા કૉન્વેન્ટમાં પહોંચ્યા. ભોજન બાદ સાંજે ૪.૩૦ વાગ્યે ‘વિજ્ઞાન અને વેદાન્ત’ વિશેનું પ્રવચન હતું. નજીકની કૅલિફોર્નિયા યુનિ.ના વૈજ્ઞાનિકો પણ તેમાં આવ્યા હતા. રાતના ભક્ત અને ભાવિ નૉબેલ પારિતોષિકના શક્ય વિજેતાઓમાં ૧૫મા ક્રમે રહેલાં અર્થશાસ્ત્રી જ્યોતિ સેનગુપ્તની સાથે ભોજન લીધું. ૨૦મી જાન્યુઆરીની સવારે હૉલીવૂડના દિવ્યભાવથી ભર્યાભર્યા શ્રી મંદિરમાં કેટલાંક તેમનાં ભજન-ગીતોનું રૅકૉડીંગ કરવામાં આવ્યું. બપોર પછી તેઓ પાસાડેના હાઉસમાં પહોંચ્યા. અહીં સ્વામી વિવેકાનંદે ૬ સપ્તાહ જેટલો સમય ભગિની શાંતિ, ભગિની કલ્યાણી, અને ભગિની લલિતા સાથે ગાળ્યો હતો. યુ.ઍસ.ઍ.ની સરકારે આ ઘરને સ્વામીજીના અમર વારસાના સ્મારક ગૃહ રૂપે જાહેર કર્યું છે અને એ આજે મઠની અમૂલ્ય મિલ્કત બની ગઈ છે. આ સ્મૃતિગૃહની દેખરેખ હૉલીવૂડ કેન્દ્રના એક સંન્યાસી રાખે છે. અને આ ગૃહને છેલ્લાં સો વરસથી એમના મૂળરૂપમાં જ રહેવા દઈને એની બહુ સારી રીતે જાળવણી થઈ રહી છે. અહીં થોડો સમય રોકાઈને તેઓ હૉલીવૂડ પરત આવ્યા. ૨૧મીએ સવારે ૬.૩૦ વાગ્યે સ્વામી સર્વદેવાનંદજી તેમને ડૅટ્રૉઈટ જવા માટે હવાઈ મથકે વિદાય આપવા આવ્યા.

હું ૨૧મીએ સાંજના ૩.૩૦ કલાકે ભારે હિમવર્ષા ઠંડી અને પવનની વચ્ચે શિકાગો થઈને ડૅટ્રૉઈટ પહોંચ્યા. તેમના યજમાન ડૉ. રશ્મિ શાહ તેમના નિવાસ સ્થાને લઈ ગયા. રાતના એમને ઘેર કેટલાંક ગુજરાતી કુટુંબોનું મિલન યોજાયું હતું. ૨૨મીએ ફલીંટ એન્ડ ડેવિસનના ભારતીયોમાં ‘હિન્દુ મંદિરમાં આધ્યાત્મિક જીવન’ વિશે એક વાર્તાલાપ યોજ્યો હતો. હિમ વર્ષા ફરીથી ચાલુ થઈ ગઈ. ૨૩મીએ વહેલી સવારે ૩.૪૫ કલાકે તેઓ ડૉ. રશ્મિ શાહ સાથે ડૅટ્રૉઈટના હવાઈ મથકે જવા નીકળ્યા. હિમવર્ષા, સૂસવતા વાયરા અને લપસણા રસ્તાને લીધે તેઓ ત્યાં બે કલાકે પહોંચ્યા. સવારના ૮ વાગ્યે તેઓ શિકાગો હવાઈ મથકે પહોંચ્યા. ત્યાંથી ૧૦ વાગ્યે શિકાગો કેન્દ્રમાં પહોંચ્યા. અહીં રવિવારનું તેમનું ‘સ્વામી આ યુગના પણ પયગંબર શા માટે?’ એ વિશે પ્રવચન હતું. પ્રવચન પછી ભાવિકોના આગ્રહને વશ થઈને તેમણે થોડાં ભજન ગીત રજૂ કર્યાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને માટે ભોજન પ્રસાદનું આયોજન હતું. સાંજના શ્રીમત્ સ્વામી ચિદાનંદજી મહારાજ સાથે ઉષ્માભરી વાતચીત-ચર્ચા થઈ. એમણે જ વાર્તાલાપ અને ભોજનની વ્યવસ્થા કરી હતી. સાંજના ૪.૩૦ વાગ્યે તેઓ શિકાગોના ઑહેર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે જવા ઉપડ્યા, તેમના અહીંના મુખ્ય યજમાન ડૉ. નિરંજન શાહ તેમની ગાડીમાં હવાઈ મથકે લઈ ગયા. વિદાય આપવા ઊમટી પડેલા શિકાગોવાસીઓની સ્વામી જિતાત્માનંદજીએ ૮.૨૦ કલાકે વિદાય લીધી. ૨૫મી જાન્યુઆરીની સવારે ૨.૫૦ કલાકે લંડન થઈને વિમાન મુંબઈ પહોંચ્યું. એ જ દિવસે સાંજે પાંચ વાગ્યે તેઓ મુંબઈથી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પહોંચ્યા. અહીં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને સુહૃદજનો અભિવાદન કરવા તેઓશ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

સંકલન – લેખન :– મનસુખભાઈ મહેતા

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.