સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે. માત્ર માનવદેહમાં આત્મલક્ષી ભાન જાગે છે, એ ભાન છે અનાત્મથી આત્મ તત્ત્વ જુદું હોવાનું ભાન. પરંતુ, આરંભના તબક્કાઓમાં, આ આત્મ તત્ત્વ મુખ્યત્વે બાહ્ય જગતથી ઘડાયેલો, અનાત્મ તત્ત્વ આધારિત અહંકાર છે. મનુષ્ય હજી પશુ કક્ષાએ વર્તી રહ્યો છે; પરંતુ, પોતાની આત્મજાગૃતિને વધારે ઊંડી કરવાનું અને, પોતાના મનોદૈહિક વ્યક્તિત્વના નિયમન દ્વારા પોતાની ભીતર રહેલા નિત્ય મુક્ત, પવિત્ર, તેજસ્વી આત્માનો સાક્ષાત્કાર કરવાનું સાધન એની પાસે છે. પરંતુ, આ શક્તિ અને તક છતાં, મનુષ્ય એમ કરવામાં નિષ્ફળ જાય અને, બધા સંસારી પદાર્થોમાં પોતાની જાતને ડૂબેલી રાખવામાં સંતોષ માને તો, એની બધી દુન્યવી સફળતાઓ છતાં, એ પોતાની જાતને મહામૂર્ખ ઠરાવે છે. એ આધ્યાત્મિક આત્મહત્યા છે. શરીર, ઇન્દ્રિયો અને મનનાં, કુદરતે મનુષ્યને આપેલાં સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને, પોતાના આ સાચા સ્વરૂપના સાક્ષાત્કાર માટે, ઉપનિષદો, ફરી ફરીને, મનુષ્યને અનુરોધ કરે છે. પોતાના મનોદૈહિક જીવતંત્રને આત્માની ઘોર બનાવવાને બદલે આગળ વધવા, ઉત્ક્રાંતિ સાધવા ઉપનિષદો મનુષ્યને આગ્રહ કરે છે. એક ખૂબ યાદગાર શ્લોક (કઠ., ૩.૧૪)માં ઉપનિષદો આહ્‌વાન કરે છે, ‘ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ સ્વામી વિવેકાનંદે પૂર્વમાં અને પશ્ચિમમાં છાપરે ચડીને આ પોકાર્યું હતું.

જે લોકો આ પોકારને સાદ દેતા નથી તેમનું ભાગ્ય ઈશ ઉપનિષદના ત્રીજા શ્લોકમાં દર્શાવાયું છે. આધ્યાત્મિક અંધાપાથી આપણે જીવનનાં એવાં સ્વરૂપોમાં અને માર્ગોમાં પ્રવેશીએ છીએ કે, આ આત્માની લગરીક જેટલીયે ઝાંખી આપણે પામી શકતાં નથી. અંધકારમાં રહેવું ગમતું હોય એવાં કેટલાક લોક છે પણ, મોટા ભાગનાંને પ્રકાશમાં રહેવું ગમે છે. આવી પસંદગી કરનારાંઓની જુદી જુદી કક્ષાઓ અને જુદી જુદી સિદ્ધિઓ હોય છે. કેવળ સંસારીપણું જવલ્લે જ જોવા મળે છે; વર્ડ્ઝવર્થના શબ્દોમાં, ઘણાખરાં માણસોને ‘અમરતાનો સંદેશ’ સાંપડતો હોય છે.

વેરાન રણમાં પડતા જલબિંદુ માફક એ અનુભવ પળમાત્રનો હોય તેવું બને. જ્ઞાન એ રીતે ઝબકી જાય; વાદળો ક્ષણ માટે હટી જાય અને સૂર્ય પ્રકાશે. પરંતુ વાદળો ફરી પાછાં ગોરંભાય અને દર્શન ચાલ્યું જાય. આમ આપણે આજથી કાલ જીવીએ. પણ, જીવનના બધા અનુભવોને કામે લગાડીને, ચિન્તનમાં, આપણાં કૃત્યોના મૂલ્યાંકનમાં અને, આપણા જીવનને વેગ અને દિશા આપવામાં થોડો સમય વ્યતીત કરીને, વધારે ને વધારે લાંબા થતા જતા ગાળા માટે અનુભૂત દર્શનને આપણે જોઈ શકીશું; પછી, ‘અમરતાનો સંદેશ’ થોડો વધારે કાયમી અને વધારે સ્થિર બનશે.

આત્માનું ભાન કેળવવું, આપણા દિવ્ય સ્વરૂપને ઓળખવું, જીવનની અનુભૂતિઓમાં અને તેમના દ્વારા આનો સદા વિકાસ સાધવો તે આધ્યાત્મિક પ્રગતિનું રહસ્ય છે. સંસારી મનુષ્ય અને આધ્યાત્મિક સાધક વચ્ચેનો ભેદ આ જાગૃતિ છે. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણને સાચા સાધકનાં અને સંસારીઓનાં લક્ષણો વર્ણવતા આપણે જોઈએ છીએ. એક જીવંત શબ્દચિત્રમાં શ્રીરામકૃષ્ણ એક સંસારી માનવીના મૃત્યુના પ્રસંગનું વર્ણન કરે છે. એક વૃદ્ધ માણસ મરવા પડ્યો છે. એની આસપાસ એનાં બાળકો અને સગાંસંબંધીઓ ટોળે વળી આતુરતાથી વાટ જુએ છે. પેલો ડોસો ચોમેર નજર ફેરવે છે; ઓરડાના ખૂણામાં એક દીવો બળે છે તે બે વાટ વાળો છે, તેલનો દુર્વ્યય થતો જોઈ, ક્ષીણ થઈ ગયેલે અવાજે, એક વાટ બુઝાવી તેલ બચાવવાનું પુત્રને કહે છે. પોતાની આખી જિંદગી એ પોતાના પૈસાને વળગી રહ્યો છે અને તે વાપરવાનું કદી શીખ્યો નથી; પૈસાથી છૂટા પડવું એને ગમતું ન હતું. હવે મોત એનો દરવાજો ખખડાવે છે; પોતાની બધી માલમત્તા મૂકીને એને જવું પડવાનું; પણ પોતે એ સમજી શકતો નથી. એ કટોકટીની પળે પણ, સંસારનો મોહ ભગવાનનું ચિંતન કરવા, જીવનનાં બીજાં ઉચ્ચતર મૂલ્યોનો વિચાર કરવા એને મુક્ત કરતો નથી; પસાર થતી પળ માટે પણ એનામાં જ્ઞાનજ્યોત પેટાતી નથી. આના કરતાં વધુ દયાજનક શું હોઈ શકે? આપણે આ દૃશ્ય વિશે વિચાર કરીએ છીએ ત્યારે, આપણું ચિત્ત પ્રશ્ન ઉઠાવે છે: શું આ માનવની મહત્તા છે? શું માનવ બુદ્ધિ અને શક્તિ આટલી હદે જ પહોંચી શકે છે? એ ખ્યાલ માત્રથી હૈયું બેસી જાય છે! મનુષ્ય આ જ ઊંચાઈ સુધી જવાનો હોય તો, માનવજાત માટે લ્યાનત છે. પરંતુ આપણાં હૃદય આપણને ખાતરી આપે છે કે, બાબત એવી નથી અને, પૈસો તેમજ સત્તા છતાં જીવન નિષ્ફળ છે. આવો માણસ નિષ્ફળ છે કારણ કે, જીવવાની કળાની એને જાણ નથી, જીવવાનો આનંદ એણે માણ્યો નથી.

ઇન્દ્રિય વિષયો સાથેના ઇન્દ્રિયોના સંપર્કથી મજા આવે છે; પણ સાચો આનંદ આત્માના ઊંડાણમાંથી પ્રગટ થાય છે. માનવહૃદયમાં આનંદનું સનાતન ઝરણ વહી રહ્યું છે; એનો સાક્ષાત્કાર તે જ જીવનની સિદ્ધિ છે, જ્ઞાનની પરિપૂર્ણતા છે, જ્ઞાન અને અનુભૂતિની ફલશ્રુતિ છે. તો, આ જ્ઞાનને અને, એની સાથે જતાં શાંતિને તથા આનંદને આપણા જીવનમાં અભિવ્યક્ત કરવાં તે જીવનની કળા છે. જીસસની દૃષ્ટાંતકથા (લૂક, ૧૨,૨૦-૨૧)માં સ્વર્ગના રાજ્યનું છે તેમ, જ્ઞાન પણ જીવનથી આઘેના કોઈ સ્થાને મળવાનું નથી; એ ભીતર છે:

‘ફરોસીઓએ તેને પૂછ્યું, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેણે જવાબ આપ્યો: ઈશ્વરનું રાજ્ય જોતા રહેવાથી નહીં આવે;

‘જુઓ આ રહ્યું! પેલું રહ્યું! એમ પણ તમે નહીં કહી શકો, કારણ, નિરખો, ઈશ્વરનું રાજ્ય તમારી અંદર જ છે.’

મંથન કરીને છાશમાંથી માખણ તારવીએ એમ, જીવનના ‘મંથન’માંથી જ્ઞાન કાઢવાનું શ્રીરામકૃષ્ણ કહેતા. એ કહેતા કે, ‘દૂધને અને પાણીને ભેગાં કરો તો, ઘણી કડાકૂટ પછી તમે તેમને જુદાં કરી શકો. પણ, એ દૂધનું રૂપાન્તર માખણમાં કર્યા પછી તમે એ પિંડાને પાણીમાં રાખો તો એ ભળશે નહીં.’ જીવનરીતિનું આ લાક્ષણિક વર્ણન છે. જીવનમાંથી જ્ઞાન ‘મથી’ કાઢવું જોઈએ અને, એ જ્ઞાનથી સજ્જ થયા પછી, આપણે સંસાર સાથે ભળી શકીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરી શકીએ અને, પાતળા થયા વિના કે ખોવાઈ જવાયા વિના, કોઈ પણ પરિસ્થિતિમાં જીવી શકીએ. એ આધ્યાત્મિક સ્વાતંત્ર્ય છે, એ પૂર્ણતા છે. ‘સ્વર્ગમાંના તમારા પિતા પૂર્ણ છે તેમ, તમે પણ પૂર્ણ બનો.’ (મેથ્યુ, ૫.૪૦માં જીસસ અનુરોધ કરે છે) આ પૂર્ણતા દરેક પુરુષ, સ્ત્રી કે બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, એમ વેદાન્ત કહે છે.

ઈશ ઉપનિષદના પછીના પાંચ શ્લોકોનું વસ્તુ આત્માનું સ્વરૂપ, માનવીની વારસાગત દિવ્યતા છે, જે ઉત્ક્રાંતિ વ્યાપારની કલગીરૂપ છે. આપણે હવે તેનું અધ્યયન કરીશું.

આત્માના અજ્ઞાનમાં જીવન વ્યતીત કરવાનો પ્રયત્ન કરનારને જે અંધકાર અને દુ:ખ ઘેરી વળે છે તેની સામે, આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો ત્રીજો શ્લોક અધ્યાત્મમાર્ગના પ્રવાસીને ચેતવે છે. પછીના પાંચ શ્લોકમાં એ ઉપનિષદ ઊંધું ચિત્ર આપે છે. જે દિવ્ય તત્ત્વ તમારામાં અને મારામાં છે, જે બધામાં છે અને સર્વ જગતને આવરી લે છે તે આત્માનું સ્વરૂપ પછી તે વર્ણવે છે, ભલે આપણા ઇન્દ્રિયાનુભૂતિના કે જાગૃતિના ક્ષેત્રમાં તે ન આવતું હોય. ચોથો અને પાંચમો શ્લોક આ પ્રમાણે છે:

અનેજદેકં મનસો જવીયો
નૈનદ્દેવા આપ્નુવન્ પૂર્વમર્ષત્ ;
તદ્ધાવતોઽન્યાન્ અત્યેતિ તિષ્ઠત્
તસ્મિન્ અપો માતરિશ્વા દધાતિ —

‘આત્મા એક જ છે. એ અચલ છે; છતાં એ મન કરતાં વધારે વેગવાન છે. આમ એ વેગવાન હોવાથી એ ઇન્દ્રિયોનીયે પહોંચની બહાર છે. એ સદા સ્થિર છે છતાં, બધા દોડતા પદાર્થોને એ આંબી જાય છે. કેવળ પોતાની ઉપસ્થિતિથી એ બ્રહ્માંડ શક્તિ બધા જીવિત પદાર્થોની પ્રવૃત્તિને ચલાવે છે.’

તદેજતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વન્તિકે ;
તદન્તરસ્ય સર્વસ્ય તદુસર્વસ્યાસ્ય બાહ્યત: —

‘એ ચાલે છે; એ નથી ચાલતું; એ દૂર છે, એ ખૂબ નજીક છે, એ આ સર્વની અંદર છે; ખરે જ એ આ સર્વની બહાર છે.’

આ બે અને એ પછીના ત્રણ શ્લોકોમાં કેટલા ગહન વિચારો સમાયેલા છે! અનુભૂતિ જેટલી ગહન, તેટલી જ તે વર્ણવવી અઘરી; ત્યાં ભાષા નાકામિયાબ નીવડે છે; વિચારણા પણ નિષ્ફળ જાય છે. બાકી રહે છે માત્ર ઇંગિતો ને સૂચનો. એટલે, આ શ્લોકો સમજવા અઘરા છે. એ કોયડા જેવા છે અને વિરોધાભાસી પણ છે. પરંતુ, એમાં જ, એ ગહન વિચારોમાં, આપણને સત્યને પંથે દોરે તેવાં, અમરતાનાં ઇંગિતો સાંપડે છે.

આત્મા એક જ છે એમ આ શ્લોક કહે છે. આ શ્લોકમાં અને, અન્યત્ર અનેક સ્થળે, ઉપનિષદો પોકારે છે કે, મનુષ્ય અને કુદરતમાં અંતિમ સત્ય એક જ છે, બે નહીં. આત્મા અનંત છે, અમર છે, એને સીમા નથી. તો પછી એ વ્યક્ત કઈ રીતે થાય? જે વસ્તુનો અનુભવ આપણને ઇન્દ્રિયો વડે થાય તેનું વર્ણન કશાકના ઉપલક્ષમાં કરી શકાય. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, રંગ, વજન વગેરેના ઉલ્લેખ આપણે કરી શકીએ. વ્યાખ્યા માત્ર મર્યાદા છે કારણ કે, આપણે વસ્તુની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે એને મર્યાદિત કરીએ છીએ; એક પદાર્થના આવા અને આવા ગુણ છે એમ આપણે કહીએ છીએ ત્યારે, આપણે એમ સૂચવીએ છીએ કે, એનામાં અમુકતમુક બીજા ગુણો નથી. એટલે, એક અમર્યાદિત વસ્તુ વ્યાખ્યાયિત થઈ જ શકે નહીં. કારણ કે, એ ક્યાં પૂરી થાય છે અને બીજી વસ્તુથી ક્યાં જુદી પડે છે એમ આપણે કહી શકતા નથી.

અનંત હોવાનો દાવો કરતા તમામનું આ સ્વરૂપ છે પણ, વ્યાખ્યાને અભાવે એને ગ્રહણ કરવું કઠિન છે. આત્મા અનંત સત્ય હોય તો, એને સમજવું કઈ રીતે? આત્માને સમજવામાં સહાયરૂપ થાય તેથી, અનુભવમાં આવતી એક વસ્તુ છે ને, એ છે આકાશનો ખ્યાલ, સ્થલનો ખ્યાલ. આપણે આકાશની વ્યાખ્યા કરવા યત્ન કરીએ છીએ ત્યારે, આપણે મુશ્કેલીઓ અનુભવીએ છીએ; એ વિશાળતાનું, વ્યાપનું સૂચન કરે છે. પણ આપણે એનો સ્થાનનિર્દેશ કરી શકતા નથી. ત્યારે, ઊલટ પક્ષે, અવકાશ સ્થાનની પરિકલ્પનાનો આધાર છે. અવકાશ અત્ર, તત્ર, સર્વત્ર છે, અંદર છે, બહાર છે. એટલે, વેદાન્તની પરિભાષામાં, આકાશની અનંત અને નિર્ગુણની, બ્રહ્મની કે આત્માની સંજ્ઞા છે.

સ્થલ-કાલ અનવચ્છેદત્વ

ગઈ સદીમાં, અવકાશ ભરતા પદાર્થને વૈજ્ઞાનિકો ‘ઈથર’ નામે ઓળખાવતા અને વિજ્ઞાનમાં તેની પરિકલ્પના આવશ્યક ગણાઈ હતી. પણ, ઈથર શું છે એ સમજવાનો વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો ત્યારે, એમને એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કે, વૈજ્ઞાનિક પરિભાષામાંથી એની સદંતર હકાલપટ્ટી જ કરી નાખી. પણ વીસમી સદીમાં, ઈથરની પરિકલ્પનાનું નવા સ્વાંગમાં પુનરાવર્તન થતું આપણને જોવા મળે છે. એનો અર્થવિસ્તાર પણ થયો છે. દૂર થતા કાર્ય જેવી ઘટનાને સમજાવવા માટે, ઓગણીસમી સદીના વિજ્ઞાનની અવ્યાખ્યાયિત સત્યની પરિકલ્પનાને સ્થાને, વીસમી સદીનું વિજ્ઞાન અવકાશને, એના નવા સત્યના બે ઘટકોમાંથી એક – અનવચ્છેદત્વ – માં ઘટાડી નાખે છે. કાલ-સ્થલની અખંડિતતાની આ નવી વિભાવનામાં, વેદાન્તની વ્યાખ્યાથી પર, અનંત અને અમર આત્માની નજીકનો અભિગમ આપણને જોવા મળે છે. આત્મા અખંડ સ્થલ-કાલ નથી પણ, એ વૈજ્ઞાનિક વિભાવના આત્માનું નિકટતમ અને ઉત્તમ પ્રતીક છે. વાસ્તવમાં, વેદાંતી ચિંતકોએ આકાશ, અર્થાત્, સ્થલવિભાવનાનો ઉપયોગ બ્રહ્મ કે આત્માના પ્રતીક તરીકે એટલા માટે કર્યો હતો કે, એને મર્યાદા નથી, એ નિત્ય-શુદ્ધ છે અને અવિનાશી છે.

સંસારના અનુભવોને અને પદાર્થોને માનવમન સ્થલ અને કાલની પરિભાષામાં નિર્ણીત કરે છે. પણ સ્થલ અને કાલ ખરેખર છે શું? અર્વાચીન વૈજ્ઞાનિક વિચારણા જણાવે છે કે સ્થલ અને કાલમાં પોતાનું સત્ય નથી; બંને સાપેક્ષ વિભાવનાઓ છે. એ બંનેનું સંયોજન થયા પછી જ્યારે, એ સ્થલ-કાલ બને છે ત્યારે જ, વીસમી સદીના વિજ્ઞાન માટે તે એક ઉપયોગી વિભાવના બને છે.

(ક્રમશ:)

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.