(કથામૃત ૧/૩/૧-૨ : ૫ માર્ચ ૧૮૮૨)

શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એક બાજુએ ઉચ્ચતમ આદર્શની વાતો છે તો બીજી બાજુએ વ્યાવહારિક જગતની ઉપયોગી વાતો પણ છે.

અધિકારીભેદ પ્રમાણે ઉપદેશ

સંસારના બધા લોકોના કલ્યાણ માટે જેમનું અવતરણ થયું છે, એમનો ઉપદેશ – જીવનસંદેશ શું ક્યારેય ગણ્યાગાંઠ્યા લોકો માટે હોઈ શકે ખરો? જો આવું બને તો અધિકાંશ લોકો એમના જીવનસંદેશથી વંચિત રહી જાય. એટલા માટે એક બાજુએ તેઓ જેમ બધું સહન કરી લેવાનો ઉપદેશ આપતા હતા. તેવી જ રીતે બીજી બાજુએ આવશ્યકતા પ્રમાણે ગૃહસ્થોને ફૂંફાડો મારવાનું પણ કહે છે.

બ્રહ્મચારી અને સર્પની બોધકથા

આ વિશે બ્રહ્મચારી અને સર્પની વાર્તાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે ગૃહસ્થે આત્મરક્ષા માટે આ ફૂંફાડો મારવાની આવશ્યકતા છે. પરંતુ ત્યાગી માટે બીજું જ વિધાન છે : આત્મરક્ષા કરવા પણ એને માટે આ ફૂંફાડો મારવાનું વિધાન નથી. એને માટે તો નિયમો ઘણા કઠોર છે. આ ફૂંફાડો મારવો એટલે એનો અર્થ આદર્શ સાથે બાંધછોડ કરવી એવો નથી, પરંતુ એનો અર્થ એ છે કે આદર્શને જીવનમાં વ્યવહારોપયોગી બનાવવા તેમાં થોડું પરિવર્તન કરી લેવું જોઈએ કે જેથી સાધારણ મનુષ્યના જીવનમાં તે આદર્શ ધીમે ધીમે સિદ્ધ થાય. શ્રીઠાકુર કેટલીય વાર પોતાના ભાવિ ત્યાગીસંતાનોને ધ્યાનમાં રાખીને ત્યાગવૈરાગ્યનો ઉપદેશ આપતા. ઉપદેશ દેતી વખતે જ્યારે એમને ખ્યાલ આવતો કે આ સમયે અહીં એવા ઘણા લોકો ઉપસ્થિત છે જે ત્યાગના આટલા ઉચ્ચ આદર્શનું અનુસરણ નહિ કરી શકે. એટલે તેઓ કહેતા : ‘અમે આ એક વાત કહી દીધી એમાંથી તમે લોકો પગમાથું છોડીને બાકીનું લઈ લો.’ અર્થાત્ તમે લોકો જેટલું સહી શકો તેટલું ગ્રહણ કરી લો. આ જે અધિકારીનો વિચાર કરવો એ આચાર્યનું કામ છે. એક જ પ્રકારનો આદર્શ બધા માટે ન હોઈ શકે. એટલા માટે એક જ પ્રકારનો ઉપદેશ પણ બધા માટે ન હોઈ શકે. એટલે જ આપણાં શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારના આદર્શોનો ઉલ્લેખ છે. બધા માટે એક જ આદર્શનું વિધાન ક્યાંય કરવામાં નથી આવ્યું. જ્યાં આ નિયમનું ઉલ્લંઘન થયું છે ત્યાં એવું જોવા મળ્યું છે કે એનું પરિણામ સમાજને માટે ઘાતક બન્યું છે. જેમકે બૌદ્ધ ધર્મના પ્રચારપ્રસારના સમયે સંન્યાસના આદર્શ પર એટલું બધું મહત્ત્વ અપાયું કે જે સામાન્ય માનવીઓ સંન્યાસ જીવનના અધિકારી નહોતા તેઓ પણ ટોળાબંધ સંન્યાસીઓ બનવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે અનધિકારીના હાથમાં પડવાથી સંન્યાસનો આદર્શ પોતાના મૂળ લક્ષ્યથી પથભ્રષ્ટ બની ગયો. પરંતુ ગીતાના યુગમાં આપણને એક ભિન્ન પ્રકારનું ચિત્ર જોવા મળે છે. ગીતામાં અધિકારી ભેદ પ્રમાણે ભિન્ન ભિન્ન ઉપદેશ છે. એ વાત સાચી છે કે કેટલાક સાધારણ નિયમો બધા માટે ઉપયોગી બની શકે છે પરંતુ જો એમાં લચીલાપણું ન હોય તો સમાજમાં એ ચાલી ન શકે અને એવું ન થઈ શકે તો આદર્શની અવનતિ થાય છે. આ પ્રકારની ઘટના કોઈ એક યુગમાં જ નહિ પણ અનેક યુગોમાં ઘટી છે. એટલે જ ભગવાને વારંવાર અવતરવું પડે છે અને જૂની વાતોને નવા સંદર્ભમાં રજૂ કરવી પડે છે. એટલે ગીતામાં ભગવાન કહે છે : ‘સ એવાયં મયા તેઽદ્ય યોગ: પ્રોક્ત: પુરાતન:’ – તે પ્રાચીન યોગ જ હું તને ફરીથી કહું છું.

શ્રીરામકૃષ્ણ અને વર્તમાન પથ

શ્રીઠાકુરે અનેકવાર આ વાત કહી છે કે ધર્મ સનાતન છે. આમાં કહેવા જેવી કોઈ નવી વાત નથી હોતી. પરંતુ જૂના સત્યને નવી રીતે પીરસવાનું હોય છે. સામાજિક પરિસ્થિતિ પ્રમાણે પ્રાચીન શિક્ષણ-ઉપદેશ થોડું ભિન્ન રૂપ ધારણ કરે છે; પણ મૂળતત્ત્વ પ્રત્યે કોઈ ભેદ ઊભો થતો નથી. જેમ ભગવાન સનાતન છે તેમ ભગવાનને પ્રાપ્ત કરવાના પથ પણ સનાતન છે. છતાં પણ આ સનાતન તત્ત્વ અને એમને પ્રાપ્ત કરવાના પથમાં અનંત પ્રકારનું વૈચિત્ર્ય છે. જ્યારે જ્યારે અવતાર આવે છે ત્યારે ત્યારે તેઓ આ તત્ત્વને અને પથને એ યુગને માટે ઉપયોગી બનાવીને સમાજમાં એનો પ્રચારપ્રસાર કરે છે. એટલે કે એમના ઉપદેશ-સંદેશની ભીતર બે ઉદ્દેશ્ય હોય છે : એક તો સનાતનતત્ત્વને ફરીથી જીવિત કરવું અને બીજું એ તત્ત્વોને યુગોપયોગી બનાવવાં. શ્રીઠાકુરના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે તેઓ ધર્મનાં સનાતન તત્ત્વોને પ્રાણવાન બનાવીને, બધાને માટે બોધગમ્ય બનાવીને, સહજસરળ રૂપે બધાની સામે પ્રસ્તુત કરે છે. અને એમનાં દર્શનથી ઈશ્વરના અસ્તિત્વ વિશેની અશ્રદ્ધા દૂર થતી જાય છે તેમજ મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ પણ સ્પષ્ટ થતો જાય છે; એટલું જ નહિ તેમણે ધર્મને વિધવિધ રીતે યુગોપયોગી પણ બનાવ્યો છે. તેઓ કહે છે : ‘જુઓ કળિયુગ માટે નારદીયાભક્તિ છે. આજકાલ મનુષ્ય પાસે એટલો સમય કે એટલી શક્તિ નથી કે તે યોગયજ્ઞ કે સંધ્યાવંદનાદિમાં લાંબો સમય ગાળી શકે. અત્યારે તો ગાયત્રીજપ કરવાથી પણ ચાલે. સંધ્યાનો લય ગાયત્રીમાં થાય છે અને ગાયત્રીનો લય ૐકારમાં થાય છે.’

ઈશ્વરનું નામ લેવા વિશે તેઓ કહે છે : ‘એમનું નામ લેવું મનમાં, વનમાં અને એકાંત ખૂણામાં.’ બને તેટલું મનમાં, વનમાં અને ખૂણામાં એમનું ચિંતન કરવું જોઈએ. વચ્ચે વચ્ચે એકાંતવાસ કરવો એ બધાને માટે અત્યંત આવશ્યક છે, આ વાત શ્રીઠાકુર વારંવાર કહે છે અને છતાં ય કોઈને માટે આ સંભવ ન બને તો એનો ય ઉપાય છે. તેઓ એક ખૂણામાં બેસીને નામરટણ કરે અને આ પણ શક્ય ન હોય તો માત્ર મનમાં અને મનમાં એમનું નામ લે.

ધર્મને યુગોપયોગી બનાવવા માટે શ્રીઠાકુરના અનેક ઉપદેશ છે. એમાંથી એક વાતને સ્વામી વિવેકાનંદ વિશેષ મહત્ત્વ આપે છે અને તે છે : ‘જીવ પર દયા નહિ; શિવ જ્ઞાને જીવ સેવા.’ દયા કરવાથી દયાપાત્રની તુલનામાં પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન ઉદ્‌ભવે છે. એટલે શ્રીઠાકુર કહે છે : ‘અરે દયા-બયા કેવી? દયા કરવાળો વળી તું કોણ? તું સેવા કર, બધાં પ્રાણીઓમાં તેમનો વાસ છે. એમ સમજીને શિવજ્ઞાને જીવની સેવા કરવી.’

શિવજ્ઞાને જીવસેવા

આ વાત સાંભળીને સ્વામીજીએ કહ્યું હતું : ‘આજે મેં એક અપૂર્વ વાત સાંભળી! જો ભગવાન મને અવસર આપશે તો આ વાતને હું કાર્યરૂપે પરિણત કરી બતાવીશ.’ શ્રીઠાકુરના આ ઉપદેશથી તેમને સૂત્ર તો લાધે છે પરંતુ આ બધું હોવા છતાં તેઓ શ્રીઠાકુર સમક્ષ પોતાનું પૂર્ણપણે આત્મસમર્પણ નથી કરતા, એટલું જ નહીં તેઓ પ્રતિવાદ પણ કરે છે. પરંતુ ધીમે ધીમે તેઓ સમજી જાય છે કે એમને માટે શ્રીઠાકુરની વાતોનો ઈન્કાર કે અસ્વીકાર કરવો સંભવ નથી. એટલે તો અંતે એમણે કહેવું પડ્યું : ‘આ પાગલ બ્રાહ્મણના ચરણોમાં આ વખતે તો મારું માથું વેંચાઈ ગયું!’ સ્વામીજીના સેવાધર્મ : ‘શિવજ્ઞાને જીવસેવા’નો જે ભાવ છે તેનો સૂત્રપાત અહીંથી થાય છે. આ શ્રીઠાકુરના યુગોપયોગી સંદેશનું જ્વલંત દૃષ્ટાંત છે. આવાં ઉદાહરણો આપણને એમના જીવનની અનેક ઘટનાઓમાં તેમજ એમના અનેક ઉપદેશોમાંથી મળી આવશે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ લોકો એમના ઉપદેશોની ભીતરથી નવાં નવાં સૂત્રો તારવશે.

સાપ અને બ્રહ્મચારીની બોધકથામાં આપણને જોવા મળે છે કે બ્રહ્મચારી સાપને કરડવાની ના કહે છે પરંતુ ફૂંફાડો મારવાની ના કહેતા નથી. કોઈનું બૂરું કરવાની મના કરે છે. પરંતુ અન્યાયને સમજ્યાવિચાર્યા વિના સહન કરવાનું નથી કહેતા.

પાત્ર પ્રમાણે ઉપદેશ

વળી અધિકારીભેદ પ્રમાણે ઠાકુરના સંદેશમાં પણ તારતમ્ય છે. જ્યારે એમણે સાંભળ્યું કે નિરંજને (સ્વામી નિરંજનાનંદ) હોડીમાં આવતી વખતે શ્રીઠાકુરની નિંદા થતી સાંભળીને એ નિંદકોને હોડી સાથે ડુબાડી દેવા માગતા હતા. ત્યારે તેમને ઠપકો આપતાં કહ્યું : ‘અરે આ શું! લોકો તો કેટલીય વાતો કરે છે. શું એટલા માટે જ તું હોડીને ડુબાડી દઈશ!’ આનાથી બરાબર વિપરીત ચિત્ર આપણને સ્વામી યોગાનંદના જીવનમાંથી મળે છે. તેઓ પણ આવી જ રીતે નાવમાં દક્ષિણેશ્વર આવી રહ્યા હતા. કેટલાક યાત્રીઓ શ્રીઠાકુર પર કટાક્ષ-વ્યંગ કરતા હતા. પરંતુ એમણે એમનો પ્રતિવાદ કે પ્રતિકાર ન કર્યો. જ્યારે શ્રીઠાકુરને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પ્રતિવાદ કે પ્રતિકાર કર્યા વિના ગુરુનિંદા સાંભળી લેવા માટે યોગાનંદજીની ભર્ત્સના કરી. આ એક વળી બીજા પ્રકારનો સંદેશ છે. આમ એમના સંદેશમાં કેટલું વૈચિત્ર્ય છે! એકવાર એમણે પોતાના કપડાંની બેગમાં વંદો જોયો અને એમણે પોતાના એક શિષ્યને વંદાને લઈને મારી નાખવા કહ્યું. પણ એ શિષ્ય અત્યંત કોમળ મનવાળો હતો, એટલે વંદાને બહાર લઈ ગયો અને જીવતો બહાર મૂકી આવ્યો. આ વાત જાણીને શ્રીઠાકુરે એ શિષ્યને ધુત્કારી કાઢ્યો. શિષ્ય તો અવાક્ બની ગયો. એણે તો વિચાર્યું’તું કે એમાં અહિંસાની પરાકાષ્ટા જોઈને એના પર શ્રીઠાકુર પ્રસન્ન થશે એને બદલે વાત તો સાવ ઊલટી થઈ ગઈ! પરંતુ શ્રીઠાકુરના ધુત્કારનો ઉદ્દેશ્ય એ હતો કે જો શિષ્ય તેમની આજ્ઞાનુસાર કાર્ય ન કરે અને પોતાની ઇચ્છાનુસાર કાર્ય કરતા રહે તો સાધનાપથમાં એમને માટે મોટી વિપત્તિ આવવાની સંભાવના છે. 

બદ્ધજીવ અને મુક્તિનો ઉપાય

એના પછી શ્રીઠાકુર ભિન્ન ભિન્ન પ્રકારના જીવોની વાત કરે છે. જીવ ચાર પ્રકારના છે : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યમુક્તજીવ. જે બદ્ધજીવ છે તે બધો સમય બંધનમાં જ રહે છે અને આ બંધનમાં જ એનો આનંદ સમાયેલો છે. મુમુક્ષુજીવ આ બંધનમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે અને એમાંથી કેટલાક બંધનો કાપીને નીકળી જાય છે, આવા લોકોને મુક્ત જીવ કહેવાય છે. મહામાયાની જાળમાં ક્યારેય ન ફસાનારા નિત્યમુક્તજીવ છે.

બદ્ધજીવના વિશે શ્રીઠાકુર કહે છે : ‘બદ્ધજીવ સંસારમાં કામિનીકાંચનમાં બંધાયેલા રહે છે, એમના હાથપગ બંધાયેલા છે…. એમ લાગે કે સમય નથી જતો તો પત્તે રમવા લાગે છે.’ એમની વાત સાંભળીને બધા સ્તબ્ધ છે. આ વાત શ્રોતાઓને સ્તબ્ધ કરી દેતી બાબત છે, કારણ કે આવું દૃશ્ય તો એ બધાએ જોયું છે પણ આવી દૃષ્ટિએ એમણે ક્યારેય એ વિશે વિચાર્યું નથી. સંસારમાં જે લોકો નોકરીમાંથી નિવૃત્ત થાય છે, એમના તરફ જોવાથી સમજી શકાય છે કે શ્રીઠાકુરે કેવું હુબહુ ચિત્ર ખેંચ્યું છે! જે સમયગાળાની પ્રત્યેક પળ આપણા માટે અમૂલ્ય છે તેને કેવી રીતે વેડફી દેવી તે માટે આપણે આ કેવી પ્રાણપ્રણ ચેષ્ટા કરીએ છીએ! સમયની આ સીમિત સીમાની વચ્ચે જીવનના ઉદ્દેશ્યને સફળ- સિદ્ધ કરવો એ કેટલું કઠિન કાર્ય છે! એને માટે એક ઉત્કંઠા, એક તીવ્ર વ્યાકુળતા હોવી જોઈએ. એ તો નથી, એનાથી ઊલટું આપણે એમ વિચારીએ છીએ કે આ સમય કેવી રીતે પસાર કરીશું! જો આપણે ખરેખર બંધનને બંધન સમજીને તેનો અનુભવ કરી શકીએ તો આ બંધન આપણને અસહ્ય જ લાગે. પણ જ્યાં બંધનનું જ જ્ઞાન નથી ત્યાં એ બંધનને દૂર કરવાનો પ્રયાસ કેવી રીતે થઈ શકે? ઊલટાનું જો કોઈ આપણને એ બંધનમાંથી મુક્ત થવાનો પથ બતાવે તો આપણે તેમને પ્રશ્ન પૂછી નાખીએ છીએ કે એ મુક્તિમાં આપણને ક્યું સુખ મળશે! કેટલાક દિવસ પહેલાં એક ચર્ચા ચાલતી હતી – ‘સહસ્ર બંધનોની વચ્ચે પામીશ હું મુક્તિનો સ્વાદ.’ પરંતુ આ ‘બંધનોની વચ્ચે’ શા માટે? શું એના પ્રત્યે મોટું આકર્ષણ છે એટલા માટે, મુક્તિનો સ્વાદ જોઈએ છે એ તો ઘણી સારી વાત છે, પરંતુ આ બંધનોની વચ્ચે શા માટે? 

આપણે બધા પ્રાય: એવી કલ્પના કરીએ છીએ કે મૃત્યુ પછી જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યાં પોતાનાં સ્વર્ગીય આત્મીય સ્વજનો સાથે આપણો મેળાપ થશે. એક family reunion – પારિવારિક મિલન જેવું બની રહેશે. ત્યાં આપણો કોઈ દુશ્મન જશે નહી; ત્યાં માત્ર તેઓ જ રહેશે જેમને આપણે ઇચ્છીએ છીએ. આપણામાંથી જે શાસ્ત્રોમાં માને છે, ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે, પોતાની જાતને શુદ્ધાચારી માને છે – પછી એ આચાર ભલેને ગમે તેવો હોય – તેઓ એવું જ વિચારે છે કે તેમની પાસે જ સ્વર્ગનો એકાધિકાર રહેશે. અત્યારે આપણે પ્રત્યક્ષરૂપે આ સંસાર ભોગવી રહ્યા છીએ અને મૃત્યુ પછીના કલ્પિત પરલોકનું એક સોનેરી સ્વપ્ન જોઈએ છીએ. જે પરલોકમાં આ જગતના બધાં બંધનો સાથે રહેશે. જીવની બદ્ધાવસ્થાનું આ પરમદૃષ્ટાંત છે. એટલા માટે આપણે કેટલીય વાર વિચારીએ છીએ કે આપણા જેવા સંસારી જીવો માટે, બદ્ધજીવો માટે શું કોઈ ઉપાય છે?

પરંતુ શ્રીઠાકુર આ જાતની નિરાશાની વાત સાંભળવાનું પસંદ ન કરતા. એટલા માટે તેઓ કહે છે : ‘ઉપાય તો છે જ. વચ્ચે વચ્ચે સાધુસંગ અને એકાંત નિર્જનમાં જઈને ઈશ્વરચિંતન કરવું જોઈએ, ઈશ્વરમનન કરવું જોઈએ અને ‘મને શ્રદ્ધા-ભક્તિ આપો’ એવી પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાયોમાંથી કોઈપણ ઉપાય એટલો કઠિન નથી જે નિતાંત સંસારીજીવ પણ ન કરી શકે. આપણી જે દુર્દશા છે એને આપણે સમજીએ તો છીએ પરંતુ એની સાથે ને સાથે આ શ્રદ્ધા-વિશ્વાસ રાખવાં પણ આવશ્યક છે કે આ બંધનમાંથી મુક્તિનો ઉપાય પણ છે. તે આપણા જ હાથમાં છે. આવું ન થવાથી જીવ તો હતાશાના અંધકારમાં ડૂબી જાય છે.

બૌદ્ધધર્મ અને ગીતાનો મત

બૌદ્ધધર્મની મુખ્ય વાત છે : ‘ચતુરાર્યસત્ય’ અર્થાત્ ચાર આર્ય સત્ય. એમાં પ્રથમ છે : ‘સર્વં ક્ષણિકં ક્ષણિકં દુ:ખમ્’ બધું ક્ષણિક અને દુ:ખમય છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે : ‘અનિત્યમ્ અસુખમ્ લોકમ્ ઇમમ્ પ્રાપ્ય ભજસ્વ મામ્’ આ અનિત્ય અને સુખરહિત જગતને પામીને મને ભજો. હવે એ બંનેને મેળવી જુઓ – બુદ્ધ કહે છે : ‘ક્ષણિકમ્’ અને શ્રીકૃષ્ણ કહે છે : ‘અનિત્યમ્’ બુદ્ધ કહે છે : ‘સર્વં દુ:ખમ્’ અને શ્રીકૃષ્ણ કહે છે ‘અસુખમ્’. એમની વાતોમાં ક્યાંય ભેદ નથી. આ સંસાર અનિત્ય છે અને આ અનિત્ય સંસાર દુ:ખમય છે.

હવે આ દુ:ખથી મુક્ત થવાનો ઉપાય શું છે? શ્રીઠાકુર કહે છે : ‘ઉપાય અવશ્ય છે.’ બુદ્ધ પણ કહે છે કે આ દુ:ખની નિવૃત્તિનો ઉપાય છે અને એ નિવૃત્તિનો ઉપાય માણસના હાથમાં જ છે. હવે જો કોઈ આ ઉપાય ન ગ્રહણ કરે તો એને માટે તે પોતે જ જવાબદાર છે. અહીં ‘સંસારી જીવ’નો અર્થ એ નથી કે જેણે વિવાહાદિ કરી લીધા હોય. પરંતુ ‘સંસરતિ ઇતિ સંસારી’ અર્થાત્ જે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાતો રહે છે તે સંસારી છે. જે લોકો આ ચક્રમાંથી છૂટવા કોઈ પણ પ્રકારની ચેષ્ટા નથી કરતા તે સંસારી જીવ છે. શ્રીઠાકુર કહે છે કે આવા સંસારી જીવો માટે પણ ઉપાય છે. અને એ ઉપાય છે : સાધુસંગ, ઈશ્વરચિંતન, મનન અને પ્રાર્થના. સૌથી પહેલાં જોઈએ સાધુસંગ, અર્થાત્ જે સંસારની જાળમાં ફસાયેલો ન હોય એવા એક વ્યક્તિનો સાથ. બુદ્ધના જીવનમાં વૈરાગ્યનો ઉદય બરાબર આવી રીતે થયો હતો. સિદ્ધાર્થ રોગ, શોક, જરા, મૃત્યુને જોઈને જ્યારે વિચારતા હતા કે આવું છે તો પછી આ જગતમાં સુખ છે ક્યાં. ત્યારે એમની દૃષ્ટિ એક સંન્યાસી પર, એક આનંદમય પુરુષ પર પડી. આ આનંદના સ્રોતને શોધતાં શોધતાં બુદ્ધ આ દુ:ખમાંથી નિવૃત્તિનો ઉપાય શોધી લે છે; ‘ચતુરાર્યસત્ય’નો આવિષ્કાર કરે છે એટલે સાધુસંગની જરૂર છે. જે સાધુ હોય તેમનામાં આનંદનો અતૂટ પ્રવાહ વહેતો રહે છે. એટલે એમના સંસ્પર્શમાં પણ જે લોકો આવે છે એમના જીવનમાં પણ એ ભાવનું થોડુંઘણું સંક્રમણ થઈ જ જાય છે. બુદ્ધે રોગશોકની વાત ક્યારેય સાંભળી ન હોય એવા અજ્ઞાની નહોતા; પરંતુ જ્યારે એમણે પોતાની નજરે આ બધું જોયું ત્યારે એની પ્રતિક્રિયા કંઈક બીજી જ થઈ. બરાબર એવી રીતે આપણે માનીએ છીએ. આ જીવન અનિત્ય છે, દુ:ખમય છે, પરંતુ વચ્ચે વચ્ચે સાધુસંગ કરતા રહેવાથી આપણને એ બોધજ્ઞાન મળે છે કે જે પરંપરાગત જીવન આપણે વિતાવી રહ્યા છીએ એની બહાર પણ એક આનંદમય જગત છે. એની શોધ કરવી એ આપણી સાચી કામના છે. એટલે વચ્ચે વચ્ચે સાધુસંગની જરૂર છે. ‘વચ્ચે વચ્ચે’ એટલા માટે કહ્યું છે કારણ કે આપણા જીવનમાં સંસારના સંસ્કારોએ એવા ઊંડાં મૂળિયાં જમાવી દીધાં છે કે એકાદવારના સાધુસંગથી એ મૂળિયાં ઊખેડવાં સંભવ નથી. એટલે વચ્ચે વચ્ચે સાધુસંગ કરવો પડશે. આવું કરતી વખતે મનની ભીતર એક ચેતના ઉદ્‌ભવશે, નવજાગરણ થશે. ત્યારે આપણે સમજી શકીશું કે જાગતા હોવા છતાં પણ આપણે કેટલી ભયાનક નિદ્રામાં પડ્યા છીએ! અને ત્યારે એક નવા આનંદમય જગતને આંખે આંખો ખોલીને જોવાની આપણી ભીતર એક આકાંક્ષા, તીવ્ર વ્યાકુળતા જાગશે. 

(ક્રમશ:)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.