(૫)

આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫.

સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. બાજુના કોઈ મકાનમાં વાદ્યસંગીત વાગી રહ્યું હતું. આ સાંભળીને શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું, ‘દસ વર્ષની (એક) બાલિકાએ મને આવું (વાદ્ય સંગીત વગાડીને) સંભળાવ્યું હતું.’ ૧

થોડી વાર પછી એમણે પોતાના દર્દ વિશે કહ્યું; ‘ઘા તણાય છે.’ દર્દની જગ્યા બતાવવા માટે તેમણે માસ્ટર મહાશયને પોતાનું ગળું બતાવ્યું. શ્રીરામકૃષ્ણ ડોક્ટર પ્રતાપના આવવાની રાહમાં વચ્ચે વચ્ચે વ્યગ્ર બની જતા હતા. રસ્તા પરથી એક ઘોડાગાડીનો અવાજ સાંભળતાં જ તેઓ બોલી ઊઠ્યા. ‘એ ગાડી, એ ગાડી (આવી છે)’

રાખાલે જૂનું ઘી લગાડવાની વાત કરી. તેમણે ઈશારાથી સંમતિ આપી. લગભગ દશ વાગે માસ્ટર નિશાળે ચાલ્યા ગયા. બપોરે બે વાગ્યે પાછા આવ્યા. શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) ક્યાં ? (કાલીને) આપી દો.

આજે મુર્શિદાબાદથી એક વૈષ્ણવ ભક્ત આવ્યા છે. થોડા દિવસો પહેલાં જ, એટલે કે ૨૭મી સપ્ટેમ્બરે શ્રીરામકૃષ્ણે બલરામભવનમાં એમના ઉપર વિશેષ કૃપા કરી હતી. ભાવાવસ્થામાં શ્રીરામકૃષ્ણે પોતાના ચરણકમળ એમના વક્ષ:સ્થળ પર મૂક્યા હતા. શ્રીરામકૃષ્ણ (વૈષ્ણવને) ‘જપ કરશો ?’

વૈષ્ણવ, ‘સાંજ પડવા દો.’

સુરેન્દ્ર મિત્ર ઠાકુરના પ્રિય ભક્ત છે. તેઓ શિમલા નામના મહોલ્લામાં રહે છે. ઠાકુર એમને સુરેન્દર કે સુરેશ કહીને બોલાવે છે. સુરેન્દ્રના ઘેર દુર્ગાપૂજા થતી હતી, પણ થોડા વરસોથી એ પૂજા બંધ થઈ ગઈ હતી. આ વરસે એમણે પૂજા કરવાનો સંકલ્પ કર્યો હતો. એમના પ્રાણપ્રિય ઠાકુર ગળાના દર્દથી પીડાગ્રસ્ત છે. એમનાથી એ જોઈ શકાતું નહોતું. એટલા માટે તેઓ આવતા નહોતા. આજે તેઓ શ્યામપુકુરના મકાનમાં પહેલીવાર આવ્યા છે.

શ્રીરામકૃષ્ણની ચરણ-વંદના કરીને તેમણે કહ્યું, ‘દુર્ગાપૂજાના આયોજનમાં વ્યસ્ત હતો એટલે આવી શકયો નહીં.’

શ્રીરામકૃષ્ણ, ‘બરાબર છે.’

સુરેન્દ્ર, ‘વ્યસ્તતાની વાત નથી, પણ બસ આવી શકયો નહીં.’

શ્રીરામકૃષ્ણ, ‘ઠીક છે.’

સાંજના સાત વાગે દેવેન્દ્રનાથ, માસ્ટર મહાશય, વગેરે શ્રીરામકૃષ્ણ પાસે હાજર છે. શ્રીરામકૃષ્ણે પોતાનાં દર્દ વિશે કહ્યું; ‘જાણે ચાકુ ભોંકાઈ રહ્યું છે.’ થોડીવાર સુધી શ્રીરામકૃષ્ણ વાતો કરતા રહ્યા. પછી બોલ્યા, ‘કાનની પાસે (પીડા) થાય છે. એવું કેમ ?’ એવું માનવામાં આવે છે કે કેન્સર ગળામાંથી એમના શરીરના બીજા ભાગોમાં ફેલાઈ રહ્યું હતું. ખાસ કરીને કાન બાજુ ફેલાઈ રહ્યું હતું.

દેવેન્દ્રનાથ, ‘હવે વધારે નહીં ફેલાય.’

શ્રીરામકૃષ્ણ, ‘જેવી રીતે (બાબુ) પોતાની ગાદીમાં પાછો આવે છે.’

નિરંજને પોતાને ચોકીદાર બનાવી દીધો છે. તેઓ અચાનક ઓરડામાં આવ્યા અને ભક્તોને કહેવા લાગ્યા, ‘બધા ઊઠો, હવે વધારે ભીડ નહીં.’

(૬)

આજે શુક્રવાર, ૭ ઓક્ટોબર ૧૮૮૫. સવારના લગભગ દસ વાગ્યા છે. શ્યામપુકુરના મકાનના બીજા માળે ઠાકુરના ઓરડામાં ગિરીશચંદ્ર ઘોષ, માસ્ટર મહાશય, મોટા ગોપાલ વગેરે હાજર છે. શ્રીરામકૃષ્ણ પોતાના રોગની વેદના વિશે જણાવી રહ્યા છે; ‘ઘાની ઉપર જાણે છરીથી કરેલો કાપો.’ (ખૂબ દુખે છે) ઠાકુર શ્રીરામકૃષ્ણથી હવે કઠણ વસ્તુઓ ખાઈ શકાતી નથી. ભાતની કાંજી, રવો ને દૂધ જ એમનો પથ્ય આહાર છે. ગિરીશચંદ્રે ઠાકુરને પથ્ય વિશે પૂછ્યું. પછી કહ્યું : ‘જો આપ દોઢ શેર દૂધ પી શકતા હો  એની વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી ? હું ગોલાપ – માને વાત કરીશ.’

ગોલાપ – મા સાથે વાત કરવા ગિરીશ ઓરડામાંથી બહાર ગયા.

ગોલાપ – મા ઠાકુર માટે પથ્ય આહાર અને ભક્તો માટે ખાવાનું બનાવતાં.

ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગિરીશ ઘોષની ભક્તિ પાંચ-પાવલી ને પાંચ આના છે.

ઓરડામાં દાખલ થતાં જ તેઓ પ્રબળ આવેશમાં બોલી ઊઠયા; ‘જ્યારે આપ સ્વસ્થ હો ત્યારે હું દુષ્ટતા આચરું એ અલગ વાત છે. પરંતુ આ સ્થિતિમાં આપને જોઈને બહુ જ દુ:ખ થાય છે.’ ગિરીશચંદ્ર રડવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ, ‘કેમ રે, શું થયું ભાઈ ?’

શ્રીરામકૃષ્ણની આંખોમાં પણ આંસુ આવી ગયાં. એમણે આંસુ લૂછી નાખ્યાં. થોડી વાર પછી ગિરીશચંદ્ર શ્રીરામકૃષ્ણની રજા લઈ ચાલ્યા ગયા. ઠાકુર પથારીમાં સૂઈ ગયા. એમને પસીનો થવા લાગ્યો. ડોક્ટર પ્રતાપચંદ્ર આવ્યા છે. ઠાકુર જમવા બેઠા છે. ડોક્ટર સાહેબ અને માસ્ટર મહાશય ઠાકુરને જમતા જોઈ રહ્યા. ધીરેન્દ્રે એક થાળીમાં દૂધ-ભાત ભેગાં કરીને પીરસ્યાં. થાળી જોઈને શ્રીરામકૃષ્ણે કહ્યું; ‘આટલું નહીં.’ માસ્ટર મહાશય, ‘થોડું વધારે ખાવું સારું. આપનું શરીર એટલું બધું દુર્બળ છે કે જરા સરખી ચિંતાથી પસીનો થવા લાગે છે, આ સાંભળીને શ્રીરામકૃષ્ણે સ્નેહભરી દૃષ્ટિથી  માસ્ટર મહાશય સામે જોયું.

રાખાલે માસ્ટર મહાશયને શ્રીરામકૃષ્ણની આ રીતની અસ્વસ્થતાનું કારણ જણાવ્યું. આ વાત સામાન્ય અનુભવથી પર અને સંકેતપૂર્ણ છે. શ્રીરામકૃષ્ણે રાખાલને જણાવ્યું હતું કે જુદા જુદા પ્રકારના લોકોની લાવેલી અશુદ્ધ વસ્તુઓ ખાવાથી આ રોગ થયો છે. દૃષ્ટાંત રૂપે ઠાકુરે ગુરુ નાનકની એક વાર્તા સંભળાવી. એમણે કહ્યું; ‘અસાધુની વસ્તુઓ ખાવા ગયો, તો મેં જોયું કે બધી લોહીથી લથપથ થયેલી છે.’ સાધુને શુદ્ધ વસ્તુઓ આપવી જોઈએ. અશુદ્ધ રીતથી મેળવેલી વસ્તુઓ ન આપવી જોઈએ.૧ શ્રીરામકૃષ્ણે રાખાલને બીજા એક અલૌકિક દર્શન વિશે જણાવ્યું. ‘જોયું કે દક્ષિણેશ્વરમાં વડલાના ઝાડની નીચે એક પરમહંસ ઊભા છે. તેના ગળામાં ઘા છે.’ આ સાંભળીને એવું લાગે છે કે કદાચ શ્રીરામકૃષ્ણને ગળામાં કેન્સર થવાનો પૂર્વાભાસ થઈ ગયો હતો.

શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લઈને માસ્ટર મહાશય પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના ઘેર ગયા.

પ્રાણકૃષ્ણ બાજુમાં જ આવેલી રામધનમિત્ર લેનમાં રહે છે. માસ્ટર મહાશય પ્રાણકૃષ્ણ બાબુ સાથે વાતચીત કરતા રહ્યા. માસ્ટર મહાશયે પ્રાણકૃષ્ણ બાબુને જણાવ્યું કે શ્રીરામકૃષ્ણ કહે છે કે તેઓ પુરાણના મતને માને છે. શ્રીરામકૃષ્ણ પોતાને જગન્માતાનું બાળક માનીને એ ભાવને લઈને રહે છે. જગન્માતાના પુત્ર ઠાકુર પોતાની મા ઉપર સંપૂર્ણપણે આધારિત છે.

સાંજના સાત વાગ્યા પછી માસ્ટર મહાશય પ્રાણકૃષ્ણ બાબુને લઈને શ્યામપુકુરવાળા મકાનમાં આવી પહોંચ્યા. પંખો ન મળતાં એક ચાદરની ગડી કરીને તેનાથી તેઓ ઠાકુરને હવા નાંખવા લાગ્યા. ઠાકુરે ઈશારાથી શશીને એક પંખો લાવી આપવા કહ્યું. હવે માસ્ટર મહાશય ઠાકુરને પંખાથી હવા નાંખવા લાગ્યા.

પ્રસંગ જોઈને પ્રાણકૃષ્ણે એક વાત કહી. વાતમાં થોડું કઢંગાપણું હતું. પણ તે તેમની આંતરિક સ્થિતિને પ્રગટ કરી રહી હતી. પ્રાણકૃષ્ણ, ‘આપ આપની પીડા કોઈ બીજાને કેમ આપી દેતા નથી ?’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણ ફક્ત હસ્યા. કંઈ બોલ્યા નહીં. થોડીવાર પછી ભક્ત ચુનીલાલ બોઝના ઘરની સ્ત્રીઓ ઠાકુરને જોવા આવી. એટલે માસ્ટર મહાશય અને પ્રાણકૃષ્ણ બાબુ ઓરડાની બહાર ચાલ્યા ગયા.

(૭)

ગુરુવાર, આઠમી ઓક્ટોબર, ૧૮૮૫. ત્રીજા પહોરે માસ્ટર મહાશય ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા છે. આમ તેમ વાતો કર્યા પછી શ્રીરામકૃષ્ણે કહ્યું; ‘કાલે વાળંદને બોલાવજો. કાલે શુક્રવાર છે.’ હવે શ્રીરામકૃષ્ણ પોતાના દર્દ વિશે કહી રહ્યા છે. ‘ખૂબ વેદના થાય છે. શું દૂધથી (દર્દ) વધારે વધી જાય ?’

માસ્ટર મહાશયે હિંમત આપતાં કહ્યું ‘ચિંતા ન કરો.’

શ્રીરામકૃષ્ણ ધીમે ધીમે ઓરડામાં ચાલતા રહ્યા. તેઓ માસ્ટર પ્રત્યે પ્રેમપૂર્વક જોઈને હસી રહ્યા.

શ્રીરામકૃષ્ણ, ‘ચાલવાથી દર્દ થાય છે.’

રાત પડી ગઈ છે. લગભગ સાડા સાત વાગ્યા હશે. શ્રીરામકૃષ્ણ સૂઈ ગયા છે. ભક્ત દેવેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના પગ દબાવી રહ્યા છે. માસ્ટર મહાશય ત્યાં જ બેઠા છે. સેવાનું આ મનોહર દૃશ્ય અત્યંત ચિત્તાકર્ષક હતું. નિદ્રામાંથી જાગતાં શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું; ‘નિતાઈ ડોક્ટરે કહ્યું છે, કંઈ ભય જેવું નથી.’

ઠાકુર શ્રીરામકૃષ્ણની સેવાની જવાબદારી દેવેન્દ્રને સોંપીને માસ્ટર મહાશય પોતાના ઘેર પાછા ફર્યા. એ વખતે રાતના આઠ વાગ્યા હતા.

(૮)

શ્યામપુકુરના મકાનના બીજા માળે ઓસરીવાળા બે ઓરડા છે. એક પૂર્વ-પશ્ચિમ બાજુ અને બીજો ઉત્તર-પશ્ચિમ બાજુ. પહેલા ઓરડામાં શ્રીરામકૃષ્ણ રહે છે. તેમને ખૂબ દર્દ થાય છે.

આજે શુક્રવાર છે. સુદ એકમ. નવમી ઓક્ટોબર, ૧૮૮૫. માસ્ટર મહાશયે બપોરે આવીને જોયું તો ઠાકુર સૂઈ ગયા છે. એમની પાસે નંદલાલ બેઠા છે. નંદલાલ કેશવચંદ્ર સેનના ભત્રીજા છે. ઠાકુરને એમના પર સ્નેહભાવ છે. તેઓ ઠાકુરને પંખો નાંખી રહ્યા છે અને કે.સી. બેનર્જીનો ભત્રીજો નંદલાલના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો છે.

થોડીવાર પછી શ્રીરામકૃષ્ણ ઊંઘમાંથી જાગ્યા. તેમણે કહ્યું; ‘ઓશિકા પરથી માથું સરી જવાને કારણે ઝટકો લાગવાથી (ઘા) લવકારા મારે છે. (પીડા થાય છે) જોયું, જેમ આવી રીતે એક જમીનનો ટુકડો (જમીનનો ટુકડો ખેંચીને બતાવ્યો)છે, એ ચીકાશ કે રસીથી ભરેલો છે.

થોડા સમય બાદ શ્રીરામકૃષ્ણે ફરીથી કહ્યું, ‘હોમિયોપથીથી ગૂમડું સૂકાઈ જાય છે.’

માસ્ટર મહાશય, ‘મળની સાથે (ચીકાશ કે રસી) નીકળી આવે છે.’

શ્રીરામકૃષ્ણ હસી પડ્યાને બોલ્યા, ‘ક્યાંનું, શું…’

માસ્ટર મહાશય, ‘લોહીની સાથે વિષ્ટા બની જાય છે…’

થોડીવાર પછી માસ્ટર મહાશયે કહ્યું, ‘ડોક્ટર પર વિશ્વાસ ન રાખવાથી ડોક્ટર ચિડાઈ જાય છે.’

એ પછીનું દૃશ્ય – ઠાકુર શ્રીરામકૃષ્ણનો ઓરડો સૂર્યાસ્ત થઈ ગયો છે. રાત થઈ ગઈ છે. બાગબજાર સ્ટ્રીટની પાસે ગંગાકિનારે અન્નપૂર્ણા ઘાટમાં એક ગિરિ સંન્યાસી રહે છે. તે ઠાકુરને મળવા આવ્યા છે.

ગિરિ સંન્યાસી, ‘…. નારાયણ હરિ.’

શ્રીરામકૃષ્ણ ઊભા થયા અને હાથ જોડીને સંન્યાસીને નમસ્કાર કર્યા. પછી તેઓ બેસી ગયા અને ગિરિ સંન્યાસીને પણ બેસવા માટે ઈશારો કર્યો. એ સમયે ઠાકુરના ઓરડામાં માસ્ટર મહાશય, રામચંદ્ર દત્ત વગેરે હતા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને), ‘(ડોક્ટર) આવ્યા નહીં.’

ડોક્ટર ભાદુડી અને ડોક્ટર પ્રતાપચંદ્ર મજુમદાર આવવાના હતા. ઠાકુર એ લોકો વિશે પૂછી રહ્યા હતા.

રામચંદ્ર, ‘શું આજે તેમની આવવાની જરૂર છે ?’

શ્રીરામકૃષ્ણ, ‘ના.’

આ બાજુ સંન્યાસી વાતચીત કરતા રહ્યા. શ્રીરામકૃષ્ણે ઈશારો કરી માસ્ટર મહાશયને જણાવી દીધું કે ગિરિ સંન્યાસી નકામો માણસ છે. ગિરિ – સંન્યાસી પાસેથી સત્યનારાયણ વિશેની તાત્ત્વિક વાતો સાંભળીને શ્રીરામકૃષ્ણ એકવાર હસ્યા પણ હતા. શ્રીરામકૃષ્ણની રાતની સેવા માટે આજે માસ્ટર મહાશય રાત રોકાશે. રાત થઈ ગઈ. શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું, ‘મચ્છરદાની બાંધી દો.’ મચ્છરદાની બંધાઈ ગયા પછી શ્રીરામકૃષ્ણે ઈશારાથી કહ્યું, ‘હવે છોડી નાંખો,’ રાત આરામથી વીતી. સવાર પડતાં માસ્ટર મહાશય પોતાના ઘેર ગયા.

(૯)

બીજા દિવસે શનિવાર હતો. ૧૦ ઓક્ટોબર ૧૮૮૫. 

બીજા માળે શ્રીરામકૃષ્ણ પાસે માસ્ટર મહાશય આવ્યા. બપોરના ત્રણ વાગ્યા છે. ઠાકુરના ગળાના દર્દમાં થોડી રાહત છે. વાત કરતાં કરતાં શ્રીરામકૃષ્ણે ગળામાંથી નીકળતા લોહીની વાત કરી કહ્યું:

‘(લોહી નીકળવું) જો બંધ થાય તો ને !’

માસ્ટર મહાશય, ‘સારું થવામાં જ છે.’

શ્રીરામકૃષ્ણ, ‘ના, તે બધું બદલાઈ ગયું છે.’ 

ડોક્ટર દોકૌડીએ તપાસીને કહ્યું હતું કે ઠાકુરના ગળામાં સાધારણ એવું ગૂમડું છે. પછી સાબિત થયું કે ડોક્ટર દોકૌડીનું નિદાન ખોટું હતું. અહીં ઠાકુર શ્રીરામકૃષ્ણ દોકૌડી ડોક્ટરના ખોટા નિદાન વિશે વાત કરી રહ્યા છે.

દ્વિજ આવ્યો છે. દ્વિજની ઉંમર પંદર-સોળ વર્ષની હશે. એની નાની નાનીમાએ તેનું પાલન પોષણ કર્યું છે. એના પિતાએ બીજાં લગ્ન કરી લીધાં છે. કોઈ વિદેશી વાણિયાની ઓફિસમાં મેનેજર છે. એમને દ્વિજનું શ્રીરામકૃષ્ણ પાસે આવવું-જવું પસંદ નથી… એક દિવસ શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું હતું: તેનામાં (દ્વિજમાં) અનુરાગ ઘણો છે. કદાચ તે અહીંનો કોઈ હશે. (અર્થાત્ ઠાકુરના અંતરંગમાંનો). માસ્ટર મહાશય, ‘જી હા, નહિતર આટલો અનુરાગ કેવી રીતે હોઈ શકે ? દ્વિજ જેવા સત્ત્વગુણી બાળકને ધાર્મિક માર્ગ પર આગળ વધારી દેવો એ જ શ્રીરામકૃષ્ણનો ઉદ્દેશ હતો.

દ્વિજ પર દૃષ્ટિ પડતાં જ શ્રીરામકૃષ્ણના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. માસ્ટર મહાશયે દ્વિજને (ઈશારો કરી) પૂછ્યું: ‘ગાડી મળી ગઈ હતી ?’ કુતુહલથી શ્રીરામકૃષ્ણે પૂછ્યું, ‘શું’ શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશય પ્રત્યે) શું પૂર્ણને જોયો હતો ? શું… તેણે અહીં આવવાની) ના પડી દીધી ?’ શ્રીરામકૃષ્ણ ફરીથી પોતાની પીડા બાબતમાં માસ્ટર મહાશયને કહે છે, ‘કોઈ રેચક દવા આપી શકે ખરા ?’ 

તારાપદ આવ્યા છે. તેઓ ગિરીશચંદ્ર ઘોષની નાટકમંડળીના સભ્ય છે. ૧૧મી માર્ચ ૧૮૮૫ના રોજ બલરામભવનમાં ઠાકુર અને ગિરીશચંદ્રને તારાપદે ચૈતન્યલીલાનાં ત્રણ ગીતો સંભળાવ્યાં હતાં. શ્રીરામકૃષ્ણે એના કંઠે ‘કેશવ કુરુ કરુણા દીને’ ગીત સાંભળીને ખૂબ પ્રશંસા કરી હતી.

શ્રીરામકૃષ્ણે તારાપદને જોઈને માસ્ટર મહાશયને કહ્યું, ‘એના આવવાથી હું ડરું છું.’ ઠાકુર શ્રીરામકૃષ્ણે તારાપદને પોતાનાં ચરણસ્પર્શ કરવા દીધાં. તેમણે તારાપદને પ્રતિનમસ્કાર કર્યા.

દક્ષિણેશ્વરથી મોટા ગોપાલ અને યોગિન આવ્યા છે. શ્રીરામકૃષ્ણે એ લોકોને પૂછ્યું, ‘કેમ છે ?’ માસ્ટર મહાશયને એવું લાગ્યું કે ઠાકુર શ્રીમા વિશે પૂછી રહ્યા છે.  મોટા ગોપાલે કહ્યું, ‘બધું બરાબર છે. આમ કેમ છો ?’

થોડી વાર પછી શ્રીરામકૃષ્ણ પૂર્ણ વિશે કહે છે, ‘…ખૂબ ચતુર છે. અહીં આવવા લાગ્યો છે.’ એમણે ઈશારો કરી ફરી કહ્યું. ‘આજે બે વખત આવ્યો હતો.’ પૂર્ણની વાત કરતાં કરતાં તેઓ ભાવ-વિભોર બની ગયા. બોલ્યા, ‘આહા !’

મહેન્દ્ર મુખર્જી આવ્યા છે. મહેન્દ્રનું ઘર બાગબજારમાં મદન-ગોપાલ મંદિરની થોડી ઉત્તર બાજુએ આવેલું છે. તે પ્રિયનાથ મુખર્જીના ભાઈ છે. મહેન્દ્ર અને પ્રિયનાથની પાસે આટા, રવા અને તેલની મીલો છે. ૨૧મી સપ્ટેમ્બર ૧૮૮૪ના દિવસે આ જ મહેન્દ્રની ગાડીમાં બેસીને શ્રીરામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં ચૈતન્યલીલા નાટક જોવા ગયા હતા. મહેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણની કૃપા મેળવીને ધન્ય બની ગયા છે. તેમના તરફ ઈશારો કરીને શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું: ‘(મહેન્દ્રને) હુક્કો આપો.’

ઠાકુરની પાસે ધીરેન્દ્રનાથ બેઠા છે. એમણે માસ્ટર મહાશયને કહ્યું, ‘આજે રાતે આપ અહીં રોકાઈ જાઓ. આપને માટે રોટી બનાવું ?’

માસ્ટર મહાશય રહેવા માટે સંમત થઈ ગયા. એમણે ધીરેન્દ્રને કહ્યું, ‘બે ત્રણ રોટીથી કામ થઈ રહેશે.’ શ્રીરામકૃષ્ણ, ‘હા, વધારે નહિ… રાત્રે જાગવું પડશે.’

ઠાકુરના ઓરડામાં ચૂનો છંટાવવાનો હતો એટલે માસ્ટર મહાશયે મોટા ગોપાલને દક્ષિણેશ્વર જતાં પહેલાં એક રૂપિયો આપ્યો.

૧. શ્રીરામકૃષ્ણે કહ્યું; ‘નેપાળથી એક છોકરી આવી હતી. દિલરૂબા વગાડીને તેણે ખૂબ સરસ ગાયું હતું. ભજન ગાતી હતી. કોઈએ પૂછયું તારા લગ્ન થઈ ગયાં છે ? તેણે કહ્યું; ‘હવે બીજા કોની દાસી બનું ? એક ભગવાનની દાસી છું. (શ્રીરામકૃષ્ણ કથામૃત, તૃતીય ભાગ, પૃ. ૫)

૧. શ્રીરામકૃષ્ણ કથામૃત, પ્રથમ ભાગ, પૃ. ૧૨૨

૧. શ્રીરામકૃષ્ણ કથામૃત ત્રીજો ભાગ, પૃ. ૯૯ અને ૧૫૫

૨. શ્રીરામકૃષ્ણ કથામૃત ત્રીજો ભાગ, પૃ. ૭૨

૩. આ વાતથી જાણી શકાય છે કે ૧૦ ઓક્ટોબરે શ્રીમા દક્ષિણેશ્વરમાં જ હતાં.

૪. આ બાબતમાં અક્ષયકુમાર સેને પુંથિ પૃ. ૩૮૬માં લખ્યું છે કે બાગબજારમાં મહેન્દ્ર મુખરજી રહેતા હતા. તેઓ પરમ ઉદાર હતા… પ્રભુના ભક્ત હતા.

Total Views: 165

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.