રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજના મૂળ બંગાળી ગ્રંથ ‘શતરૂપે શારદા’ના ‘શ્રીમા શારદાદેવીર આવિર્ભાવેર તાત્પર્ય’ નામના લેખનો વડોદરાના ડૉ. કમલકાંતે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

૧. અતિ પ્રાચીનકાળથી ભારતદેશે નારી પ્રત્યે અત્યંત આદરભાવ વ્યક્ત કર્યો છે. આ દેશમાં અસંખ્ય સ્ત્રીઓએ જ્ઞાનનો અપૂર્વ મહિમા દર્શાવ્યો છે. વૈદિક યુગમાં અભૃણ ઋષિની પુત્રી ‘વાકે’ દેવીસૂક્તની ઉદ્‌ઘોષણા કરી જે આજે પણ અગણિત શ્રદ્ધાળુ હૃદયમાં ધ્વનિત થાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં (૨.૪.૩) મૈત્રેયી કહે છે – येनाहं नामृता स्यां किमहं तेन कृर्याम् । જેના વડે મને અમૃતત્ત્વ ના મળે એનો મારે શો ઉપયોગ? આ બધી સ્ત્રીઓની દૃષ્ટિ સર્વદા ભગવત્‌પ્રાપ્તિ પ્રત્યે નિબદ્ધ રહેતી. એ જ્ઞાનના અવલંબનથી જીવન સાર્થક થાય અને એના વિના જીવન વ્યર્થ જાય. માત્ર વૈદિકયુગમાં જ નહિ તેના પછીના પ્રાચીન ભારતવર્ષમાં પણ આવી અનેક મહીયસી નારીઓનો આવિર્ભાવ થયો છે. મધ્યયુગમાં પણ જોવા મળે છે વિષ્ણુપ્રિયા, મીરાંબાઈ જેવાં નારીરત્નો.

આધુનિક યુગમાં કલકત્તાની પરમ પુણ્યભૂમિ દક્ષિણેશ્વરમાં તે જ આદર્શ ફરી એકવાર પરિપૂર્ણ રૂપે પ્રગટ થાય છે. રાણીરાસમણિ દેવીમંદિરની સ્થાપના કરે છે. શ્રીરામકૃષ્ણદેવના પ્રથમ ગુરૂ રૂપે આવે છે યોગેશ્વરી ભૈરવી બ્રાહ્મણી. પછી ત્યાં એનાથી યે આશ્ચર્યકારક ઈતિહાસ રચાય છે. જેની કોઈ તુલના થઈ શકે નહિ. યુગાવતાર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાનાં પત્ની શારદાદેવીની ફલહારિણી કાલીપૂજાની રાત્રિએ ષોડશોપચારે જગન્માતા રૂપે પૂજા કરે છે. જેથી શારદાદેવીમાં રહેલી પ્રચંડ શક્તિ સ્વમહિમામાં પ્રતિષ્ઠિત અને જાગ્રત થાય છે.

નારી માતા રૂપે વિવિધ પ્રકારે સંસારનું હિત કરે છે પરંતુ તેમાં વધારામાં દેવીત્વનું આરોપણ થાય તો એક નવી ભાવધારા વહેતી થાય. જેથી માત્ર જગતનું કલ્યાણ થાય એટલું જ નહિ, માનવીને ભગવત્‌ પ્રાપ્તિ માટે સહાયરૂપ પણ બની શકે. શ્રી શ્રીમાએ તે શક્ય બનાવ્યું – તેમનામાં માતૃશક્તિ અને દૈવીશક્તિનું એક અનેરું સંમિલન જોવા મળે છે. શ્રીમાના દૈવી સ્વરૂપ સાથે માતૃસ્વરૂપનું ઐક્ય થવાથી સામાન્ય જગતવાસીને એક પરમ આશ્રયનું સ્થાન પ્રાપ્ત થાય છે. ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ અધ્યાય છે.

રામપૂર્વતાપિની ઉપનિષદમાં છે – ઉપાસકનાં કાર્યાર્થં બ્રહ્મણ: રૂપ કલ્પના – ઉપાસકને સહાયક થવા માટે નિર્ગુણ નિરાકાર બ્રહ્મરૂપ પરિગ્રહણ કરે છે. એમ કહ્યું છે શ્રીમદ્‌ ભગવતગીતામાં (૪.૧૧) છે – ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् – ભક્ત જે પ્રકારે મને ભજે છે હું તેવો જ ભાવ ધારણ કરીને તેની મનોકામના પૂર્ણ કરું છું. એમ વર્ણવેલ છે શ્રી શ્રીચંડીમાં (૧૨.૩૬) ઋષિ કહે છે – 

एवं भगवती देवी सा नित्यापि पुन: पुन: ।
संभूय कुरुते भूप जगत: परिपालनम् ॥

‘- હે રાજન્‌, દેવી ભગવતી જન્માદિ રહિત છે, પરંતુ વારંવાર રૂપ પરિગ્રહણ કરીને જગતનું પરિપાલન કરે છે.’ માટે જ બહુ પ્રાચીનકાળથી આપણા દેશમાં દેવીની ભિન્ન ભિન્ન પ્રકારની મૂર્તિઓ અથવા પ્રતિકો જોવા મળે છે. જે સર્વત્ર પૂજાય છે. દેવીનાં અસંખ્ય સ્તવનો તથા સ્તુતિઓ રચાયાં છે. દેવી આપણી સમક્ષ વિવિધ રૂપે વિભિન્ન ભાવે પ્રગટ થાય છે. દેવી છે ધનદાત્રી, વિદ્યાદાત્રી, નિરામયકર્ત્રી ત્રાણકારિણી, અસુરસંહારિણી. ચંડીમાં દેવીને સમસ્ત વિદ્યારૂપિણી, સમસ્ત નારીરૂપિણી કહેવામાં આવે છે. તુષ્ટ થતાં તેઓ ભક્તિ-મુક્તિ પ્રદાન કરે છે, રૂષ્ટ થતાં અધાર્મિક અને અનાચારીને શિક્ષા કરે છે. નારી રૂપે, શક્તિરૂપે, દેવીરૂપે, માતૃરૂપે આપણે અનાદિકાળથી દેવીની અર્ચના કરતા આવ્યા છીએ. રામપ્રસાદ, કમલાકાંત અને રાજા રામકૃષ્ણ ઇત્યાદિની ભક્તિથી આકૃષ્ટ થઈ તેઓ સ્વર્ગનું ઐશ્વર્ય ત્યજી માનવની ઝૂંપડીમાં પદાર્પણ કરે છે. ભક્તની તૂટેલી વાડ જાતે બાંધી આપે છે. કન્યારૂપે, જનનીરૂપે તેઓ શોકતપ્ત હૃદયને શાંતિનો અહેસાસ આપે છે. ખાસ કરીને પૂર્વ પ્રાંતના લોકો સ્વર્ગની દેવી જોડે આવા જ સંબંધો સ્થાપે છે. પરંતુ છતાંયે દેવી તો દેવી જ રહી જાય છે. મનુષ્યની જેમ શરીર ધારણ કરી અવતરતી દેખાતી નથી. શ્રી શ્રીમા શારદાદેવીના જીવનમાં આપણે દેવીની શરીર ધારણ કરવાની એક અદ્‌ભૂત પ્રક્રિયા જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવ પૂજિતા ભવતારિણી કાલીમા અને સ્થૂળ માનવ દેહધારિણી શ્રી શ્રીમા શારદાદેવી અભિન્ન હતાં.

મનુષ્ય દેવી ભગવતીને આ પ્રકારે માતૃરૂપે શા માટે ચાહે છે અને દેવી પણ તે ચાહના કેમ પૂર્ણ કરે છે એવો સવાલ ઉભો થાય છે. જો આવા માતૃરૂપનું પ્રાગટ્ય ન થાત તો આધ્યાત્મિક જગતમાં એક પ્રકારની અપૂર્ણતા રહી જાત. પૂર્વજ્ઞાત વસ્તુ, ભાષા અને ભાવનો આધાર લઈ મનુષ્ય ઉચ્ચતર સત્ય જાણી શકે. પરંતુ સાધક સાધનક્ષેત્રમાં જગદંબાને માતૃરૂપે પામવા માગે છે. જેથી તેને ઉચ્ચત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે માતૃભાવ સાધનાનું અંતિમ ચરણ છે. સ્વામી વિવેકાનંદ પણ કહે છે સંસારમાં માતાનું સ્થાન સર્વોચ્ચ ગણાય કારણ માતારૂપે જ જીવ સંપૂર્ણ સ્વાર્થ શૂન્યતા કેળવી શકે છે. સાધક પોતાની બુધ્ધિનું સંપૂર્ણતયા ઈષ્ટમાં લય કરી તેમાં શ્રધ્ધા રાખી માધુર્ય પૂર્ણ ચિદ્‌રસનું આસ્વાદન કરવા જો ઈચ્છતો હોય તો એકમાત્ર ઈશ્વરીય માતૃત્વમાં જ તે અભિલાષા પૂર્ણ થઈ શકે. ભગવતીનું માતૃરૂપે અવતીર્ણ થવું એક યુગ પ્રયોજન બની ગયું હતું. આજે ભારત એવું એક અભૂતપૂર્વ ચેતન વિગ્રહ હૃદયમાં સ્થાપીને ધન્ય બન્યું છે.

૨. સર્વમાં રહેલા બ્રહ્મરૂપિણી તે અદૃશ્યા આદ્યશક્તિ આ યુગમાં ફરીથી યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવની સહધર્મિણી રૂપે અવતીર્ણ થઈ જે પ્રમાણે એક બાજુ તે પરમપુરુષની લીલા પૂર્તિ કરી છે તે જ પ્રમાણે વિવિધ ક્ષેત્રમાં સ્વમહિમા પ્રગટાવી માનવસમાજને અકલ્યાણથી મુક્ત કરી ભાવિ ભારતને તથા સમગ્ર વિશ્વને નવા અભ્યુદયના પંથે દોરી જાય છે.

અંતરજગતમાં સુવૃત્તિ તથા કુવૃત્તિનો અવિરત સંગ્રામ ચાલતો હોય છે. ઉપનિષદમાં તે સંગ્રામનો નિર્દેશ દેવાસુર સંગ્રામ તરીકે કરવામાં આવ્યો છે. આજના વર્તમાન યુગમાં આસ્તિક્ય બુધ્ધિ, પરલોકચિંતા, ધ્યાનનિષ્ઠા વગેરે સદ્‌ગુણોનો અશ્રધ્ધા, જડવાદ, ભોગપરાયણતા વગેરે આસુરી ગુણો વડે પરાભવ થતાં ધર્મમાં ગ્લાનિ, અધર્મની વૃધ્ધિ તથા ઈર્ષ્યા, દ્વેષ, કામભાવનાનું આધિક્ય થઈ વિનાશકારી સંઘર્ષ થઈ રહ્યો છે – એ જ આજનો દેવાસુર સંગ્રામ કહેવાય, પરંતુ આધુનિક સમયમાં આ માનસિક સંગ્રામ પૌરાણિક દેવદાનવ સંગ્રામ કરતાં વધારે સંકટમય છે. અતીતનો તે સંઘર્ષ સ્થૂળ રૂપમાં સીમિત રહેતો હતો. આજનો સંઘર્ષ અંતર -જગતમાં હોવાથી રોજિંદા જીવનમાં પ્રસાર પામી મનુષ્યની માનવતાના મૂળમાં કુઠારાઘાત કરવા ઉદ્યુક્ત થયો છે. તેથી આજે દૈવી શક્તિનો પ્રભાવ અને અસુર વિનાશનનું કાર્ય માનસિક સ્તરે હોવું જોઈએ. મનુષ્યના અંતરમનમાં ભક્તિ, વિશ્વાસ અને પવિત્રતા પૂરેપૂરી ખીલી ઉઠતાં બહારના ક્ષેત્રમાં પરિવર્તન થવા લાગશે. તેથી જ આ યુગમાં શક્તિ અવતીર્ણ થાય છે, આંતરશત્રુના વિનાશ માટે.

૧૯મી શતાબ્દિના મધ્યકાળમાં સ્ત્રીજાતિના પ્રગતિ પથ પર ઘણી સમસ્યાઓ અવરોધ લાવતી દેખાય છે. અંગ્રેજ વિજીત ભારત ત્યારે પશ્ચિમની ભાવધારામાં સમાઈ ગયેલું જણાય છે. પશ્ચિમની વિદ્યા, બુદ્ધિ, શક્તિ અને સંપદના પ્રચંડ મોહે ભારતને યુરોપીય ભાવધારાનું અનુકરણ કરવા આકર્ષ્યું. ૧૯ જુલાઈ ૧૮૫૪ના રોજ સર ચાર્લ્સ વૂડે ભારતીય શિક્ષણ પદ્ધતિની પરિકલ્પના રજૂ કરી, તે ઉપરથી આવો મોહ કેવા પરિણામ લાવશે એનો સ્પષ્ટ આભાસ મળે છે. આ વિદેશી પદ્ધતિ અને પ્રભાવનો સ્વીકાર કરી ભારતે મોટી ભૂલ કરી હતી એવું કહેવાનો મતલબ નથી. કારણ ભારતીય સંસ્કૃતિનું આ જ એક વિશિષ્ટ વલણ રહ્યું છે કે આત્મસ્થ રહી બીજા પાસેથી નવા ભાવ કેળવી પોતાને સમૃદ્ધ બનાવવું. વર્તમાન યુગમાં આપણો નારી સમાજ પાશ્ચાત્ય નારી સમાજ પાસેથી નવા સંદેશ લઈ સમૃદ્ધ અને સતેજ બની શકે તે જ પ્રમાણે પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ ટકી રહેવા માટે આપણી પાસેથી માતૃભક્તિનો એક ઉચ્ચ આદર્શ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. બીજા દેશોમાં નારીને સન્માન મળે છે, પરંતુ પાશ્ચાત્ય દેશમાં આવા સન્માનની પાછળ સ્ત્રીના સૌંદર્યની ઉપાસનાની ભાવના રહેલી છે. જ્યારે ભારતમાં આદર્શ છે મોક્ષપ્રાપ્તિ, જે સંયમ વગર પ્રાપ્ત થાય નહિ. સતિત્વ અને માતૃત્વનો ભારતમાં વિશેષ સમાદર છે. આપણો આદર્શ છે સીતા, સાવિત્રી, દમયંતી. આવા બે પ્રકારના સંઘર્ષમાં આવતી પેઢી ક્યા રસ્તે જશે? આ પ્રશ્ન આજે જેટલો અગત્યનો બન્યો છે, એટલો સો વર્ષ પહેલાં જ્યારે શ્રી શ્રીશારદાદેવી અવતીર્ણ થયાં ત્યારે ન હતો. પરંતુ ભારતની ભાગ્યવિધાત્રી જાણે કે સમજી ગઈ હતી કે આ વૈદિક ભાવધારાના મહાપ્લાવનથી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ ન થાય તો આગળ જતાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય સભ્યતાનો એક યુગ્મ હર્મ્ય સ્થાપિત અશક્ય બની જશે. આ મહાવિપર્યયમાંથી ઉપર ઉઠવા માટે એક દૈવી-ગુરુ-માતૃશક્તિનો અત્યુચ્ચ આદર્શ હોવો અતિ આવશ્યક બની ગયું. જે બંને સભ્યતા માટે કલ્યાણકારી નીવડે.

આ જ ભૂમિકા લેવા માટે શ્રીમાનો આવિર્ભાવ તે યુગસંકટના સમયે થાય છે. શ્રીરામકૃષ્ણ તે વિશે જાણતા હતા. અને શ્રીમાને પણ કહી ગયા હતા. પછીથી શ્રીમા શારદાદેવીને એક ભક્ત સવાલ કરે છે -‘મા, બીજા અવતાર પુરુષો પોતાની શક્તિ સાથે તીરોધાન પામે છે, તો આ વેળા શ્રીઠાકુર તમને પાછળ મૂકી કેમ જતા રહ્યા?’ ઉત્તરમાં શ્રીમા કહે છે, ‘બેટા, જાણો છો ને આ વખતે શ્રીઠાકુરમાં માતૃભાવનું પ્રાધાન્ય હતું. તે માતૃભાવનો વિકાસ કરવા માટે મને પાછળ મૂકી ગયા છે.’ બીજા એક પ્રસંગે શ્રીમા કહે છે, ‘જ્યારે શ્રીઠાકુર જતા રહ્યા ત્યારે મને પણ થયું શરીર ત્યજી દઉં. ત્યારે દર્શન આપી ઠાકુરે કહ્યું – ના, તમારે રહેવું પડશે. ઘણું કાર્ય બાકી છે. પછીથી જોયું, ખરેખર ઘણું બધું કરવાનું બાકી છે.

૩. યુગસંકટનું પ્રયોજન જાણીને શ્રી શ્રીઠાકુરે વિભિન્ન પ્રકારે શ્રીમાને તેમનામાં રહેલી દૈવી શક્તિ ક્યા પ્રકારે આપણી જીવન સમસ્યા માટે ઉપયોગી થઈ પડે તે વિશે માર્ગદર્શન આપી તે શક્તિને પૂરેપૂરી જાગ્રત કરી દીધી હતી. એક બાજુ પોતાનો ત્યાગમય જીવનાદર્શ શ્રીમા સામે ઉન્મુખ કરે છે. ઉચ્ચ આધ્યાત્મિક જીવન માટે ક્યા પ્રકારે ચારિત્ર ઘડવું તે બતાવે છે. બીજી બાજુ દૈનંદિન જીવનચર્યા, દેવ-દ્વિજ-અતિથિ-પૂજન, ગુરુજનો માટે આદર, કનિષ્ઠ પ્રત્યે સ્નેહભાવ, સ્વજનની સેવા, એવા બહુવિધ વિષયે શ્રીમાને ઝીણવટપૂર્વક શીખવતા રહ્યા. ‘જ્યારે જેવું ત્યારે તેવું – જ્યાં જેવું ત્યાં તેવું, જેને જેવું તેને તેવું.’ આ નીતિને વળગી લોકવ્યવહાર, પરિવારવર્ગમાંના પ્રત્યેકની ભિન્ન રૂચી અને સ્વભાવ પ્રમાણે તેની જોડે વ્યવહાર. પ્રવાસ દરમિયાન જાળવવાની ખાસ સાવધાની, એટલે સુધી કે દીવાની વાટ સુદ્ધાં કેવી રીતે રાખવી – કશું જ આ શિક્ષણથી બહાર રહ્યું નહિ. તે પવિત્રહૃદયા, ધર્મપ્રાણા, પતિવ્રતા, સરલા ગ્રામ્યબાલા દેવતુલ્ય પતિ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી આનંદથી વિભોર બની ગઈ. પાછળથી શ્રીમા કહેતા – ‘તે સમયે એવું લાગતું જાણે કે હૃદયમાં આનંદનો પૂર્ણ કુંભ સ્થપાઈ ગયો છે. તે અનુભવથી મારું અંત:કરણ ભરપૂર રહેતું.’

આધુનિક શિક્ષાવિહીના, આભિજાત્યબોધરહિતા, સરલ સ્વભાવા શ્રીમાને ઓળખવા નાની સૂની વાત નથી. આ શુદ્ધ સત્ત્વમયી પવિત્રતારૂપિણી અત્યદ્‌ભૂત ચરિત્રને ભોગેશ્વર્યાસક્ત આધુનિક માનવ સમજવા અસમર્થ રહેશે તે વાત શ્રીઠાકુર જાણતા હતા. માટે પોતે જ એમનું સ્વરૂપ પ્રગટ કરવા ઉદ્યુક્ત થયા હતા. ષોડશીરૂપમાં પૂજન કરીને તેમનામાં દૈવીશક્તિનું આવાહ્‌ન કર્યું. પરંતુ તે સમયે તેનું સંપૂર્ણ તાત્પર્ય શ્રીમા જાણી શક્યા ન હતા. શ્રીઠાકુરના લીલાવસાનના પહેલાંના વર્ષો દરમિયાન તેમનો એક સુપરિકલ્પિત પ્રયાસ રહ્યો હતો એવું લાગે છે. તેઓ શ્રીમાને તેમનામાંના દેવિત્વનો અહેસાસ આપતા રહ્યા. પોતાની સાધના વડે પ્રાપ્ત કરેલા અનેક શક્તિશાળી બીજમંત્રો તેમને બતાવ્યા હતા. અધિકારીભેદે કેવા મંત્ર કોને આપવા તે સમજાવીને તેમનામાં રહેલી ગુરુશક્તિને જાગ્રત કરી હતી. તે સિવાય જે મહિલા અને બાલભક્તો આવતા તેમને શ્રીમા પાસે મોકલી આપતા જેથી માતૃભાવ પ્રસારનું એક ક્ષેત્ર બની રહે. માને પણ તેઓનો ભાર ગ્રહણ કરવા માર્ગદર્શન આપવા પ્રોત્સાહિત કરતા. પરંતુ અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આજે શ્રીમા જગતવરેણ્યા થઈ એક ઉચ્ચસ્થાને બિરાજે છે તે માત્ર શ્રીરામકૃષ્ણદેવની શિક્ષાથી જ નહિ. શિષ્યમાં શુભસંસ્કાર ના હોય તો ગુરુનો ઉપદેશ કાર્યકારી ન થાય. શ્રીમાના જીવનનું અવલોકન કરતાં ખ્યાલ આવે છે કે દક્ષિણેશ્વરના નિવાસના વર્ષો દરમિયાન જે પ્રમાણે શ્રીમા શ્રીઠાકુરના યુગધર્મ પ્રવર્તનના પ્રયાસ વિશે સજાગ હતાં તે જ પ્રમાણે શ્રીઠાકુર પણ શ્રીમાને પોતાનો કાર્યભાર સોંપવા માટે એટલા જ ઉત્સુક હતા.

૪. ભગવાન સ્વયં અથવા તેમની વિશેષ શક્તિ જ્યારે વિશ્વમાં અવતરે ત્યારે તેઓ પ્રચલિત રીતરિવાજ અને સામાજિક વ્યવસ્થામાં એક આકસ્મિક પરિવર્તન લાવતા નથી, પરંતુ તે જ આચાર-વિચારમાં એક નવો પ્રાણસંચાર કરી નવીન જીવન પ્રદાન કરે છે. માનવ સમક્ષ એક ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરી સામાન્ય માનવીને સ્વમહાત્મ્ય વડે તે તરફ પ્રેરે છે. શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીનું જીવન અને લીલાનું તાત્પર્ય સમજવાનો પ્રયાસ કરતાં આપણા ધ્યાનમાં આવશે કે તેમનો જીવનવેગ માત્ર પ્રાચીન આદર્શ અનુસાર તોલવા જતાં યથાર્થ સમજાશે નહિ. આ અતુલનીય ચરિત્રોમાં હતો વૈરાગ્યનો ચરમ ઉત્કર્ષ અને સાથે સાથે જનજાતિ માટે એક અદમ્ય કલ્યાણ સ્પૃહા. અહીં તિતિક્ષા આદિ ગુણો પર્વતની ગુહા કંદરમાં આબદ્ધ ન હતા. નગરજનોના કોલાહલ વચ્ચે પ્રકાશ પામ્યા હતા. શ્રીરામકૃષ્ણ મૂર્તિમંત ત્યાગ હોવા છતાં પોતાની જનનીની સેવા છોડી ન હતી. ભત્રીજા અક્ષયના મૃત્યુથી આંસુ વહાવ્યા હતા. પાસે આવેલી ધર્મપત્નીને આદરપૂર્વક આવકારી શિક્ષા પ્રદાન કરી પોતાના ઉત્તરાધિકારીની કક્ષામાં લઈ ગયા હતા. જનકલ્યાણ માટે જીવન સમર્પિત કર્યું હતું. શ્રીમાનું મન પણ સાધારણ દૃષ્ટિએ સંસારમાં કદિ લિપ્ત થયું નહિ. તેમના જીવનમાં પરિવાર પરિજનો પાસેથી નાના પ્રકારની માગણી થતાં એક માતૃસુલભ, અતુલનીય, સહાનુભૂતિ, ધૈર્યશીલતા, અનુકંપા અને સ્નેહસ્નિગ્ધ ક્ષમા જોવા મળે છે, જે દ્વારા ભવિષ્યની પેઢીને એક વિશિષ્ટ સંદેશ મળી રહે છે. શ્રીમા પોતે કહે છે – ‘આદર્શરૂપે જે કરવું જોઈતું હતું તેથી અનેકગણું વધારે કરી ચૂકી છું.’ શ્રીમાનો મોટાભાગનો સમય પારિવારિક સમસ્યાઓથી ઘેરાયેલો રહેતો. જે આપણને ખૂબ જ ક્લેષદાયક લાગે છે. પરંતુ તે સર્વની વચ્ચે રહી શ્રીમાનું આચરણ જાણે કે એક દૈવી શાંતિ અને પ્રસન્નતાથી પરિપૂર્ણ દેખાય છે. આ દેવમાનવીની લીલા તેથી ખૂબ જ ચિત્તાકર્ષક અને મધુર જણાય છે. શ્રીમાના જીવનમાં પ્રથમત: તેમની સંપૂર્ણ અનાસક્તિની ભાવના આપણને પ્રભાવિત કરે છે. જ્યારે કર્મમાં રત હોય છે ત્યારે એમ લાગે છે કે તેઓ આપણી જેમ જ શોકતાપથી ગ્રસ્ત છે. પરંતુ બીજી ક્ષણે તેઓ મેઘમુક્ત પૂર્ણચંદ્રની જેમ તેમનાં નિર્લિપ્ત સ્વરૂપનું દર્શન કરાવે છે. ઉદાહરણ તરીકે એક દિવસ જયરામવાટીમાં શ્રીમા દિવસના દસ-અગિયાર વાગે ઘરની સામેના ઓટલા પર બેઠાં હતાં. સામે જ શ્રીમાના ભાઈઓ કાલીમામા અને વરદામામાના અનાજ રાખવાના કોઠાર હતા. કાલીમામાએ જરા પોતાનો રસ્તો પહોળો કરી દેવાથી વરદામામાને અનાજ લાવવામાં મુશ્કેલી થવા લાગી. આને લીધે બન્ને ભાઈઓ વચ્ચે વાદવિવાદ અને પછી મારામારી થવા લાગી. આ જોઈ શ્રીમા શાંત રહી શક્યાં નહિ. વચ્ચે પડી બંનેને સમજાવવાનો વ્યર્થ પ્રયાસ કરતાં રહ્યાં. પણ ભાઈઓ તો ગુસ્સે થઈ પોત પોતાને ઘરે ચાલ્યા ગયા. ત્યારે શ્રીમા પણ જાણે કે ગુસ્સાના આવેશમાં ઓટલા પર એકદમ બેસી ગયાં, ક્ષણાર્ધમાં બધો ક્રોધ ક્યાં જતો રહ્યો. સંસારની સ્વાર્થસંઘર્ષજનિત અશાંતિની પાછળની શાશ્વત શાંતિનું પરમ આશ્વાસન પ્રકાશિત કરતાં એકદમ હસી પડ્યાં અને કહેવા લાગ્યાં – ‘મહામાયાની આ કેવી રમત! જીવ આટલું યે સમજતો નથી.’

માની આ પ્રકારની અનાસક્ત વૃત્તિ ભક્ત જોડે વ્યવહારમાં સર્વદા દેખાઈ આવતી. તે વ્યવહારમાં આત્મિયતા અને આંતરિકતા હોવા છતાં માયિક બંધન કે આકર્ષણ ન રહેતા. આંસુ અને હાસ્યની પાછળ એક વિક્ષેપવિહીન ગાઢ પ્રશાંતિ સર્વદા પ્રકાશ પામતી.

૫. ભગવત્‌ચરિત આ સંસારયંત્રની એક પોતાની પદ્ધતિ છે જે દેહધારણ કરેલા બધાને માન્ય કરવી પડે છે. અવતાર પુરુષો સુદ્ધાં તેમાં વ્યતિક્રમ કરી શકતા નથી. શ્રીરામકૃષ્ણદેવ કહેતા – ‘પંચભૂતના આ છટકામાં ફસાઈને બ્રહ્મ સુદ્ધાં રડી પડે.’ શ્રીમાએ પણ સંસારનો સ્વીકાર કર્યો હતો. સાથે સાથે તેના આઘાતને પણ. ભત્રીજી માકુના મૃતશિશુ માટે કોઆલપાડા આશ્રમમાં શ્રીમાને વ્યાકુળ આક્રંદ કરતાં જોઈ ઉપસ્થિત ભક્તોના મનમાં પ્રશ્ન જાગે છે. બીજા દિવસે મૈસુરથી પધારેલા ભક્ત શ્રીનારાયણ આયંગર પૂછે છે – ‘મા, તે બાળકના મૃત્યુથી સાધારણ માનવીની જેમ કેમ રડી પડ્યાં?’ ત્યારે શ્રીમા કહે છે – ‘હું તો સંસારમાં છું, સંસારવૃક્ષનું ફળ તો ભોગવવું પડે જ ને! તેથી જ મારું આ કલ્પાંત! શ્રીરામકૃષ્ણદેવ કહેતા – ‘નરલીલા દરમિયાન અવતાર યથાર્થ માનવી જેવું જ આચરણ કરે, ઓળખવું મુશ્કેલ થાય. મનુષ્ય થયાં છીએ તો મનુષ્યની જેમ જ ક્ષુધા, તૃષ્ણા, રોગ-શોક કોઈ સમયે ભય સુદ્ધાં!’

તો પણ હકીકત તો કંઈ જુદી જ હોય. અવતાર માનવ સદૃશ હોય ખરા પણ તેમના કાર્યકલાપનું એક જુદું જ તાત્પર્ય રહે છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનનું અધ્યયન કરતાં જોવા મળે છે કે તે ઘડી ઘડી સમાધિ અવસ્થામાં ચાલ્યા જતા. પરંતુ વ્યુત્થાન થતાં તેમના પ્રત્યેક કાર્યમાં એકસુત્રતા અને સૌષ્ઠવ રહેતા. જનકલ્યાણ અને લોકશિક્ષા માટે શરીર ધારણ કરેલા પુરુષોત્તમનાં જીવનનું દરેક પાસું સામાન્ય લોકો માટે આદર્શ સમાન હોય છે. વર્તમાનકાળના યુગાવતારનું એક મહત્ત્વનું અવદાન! શ્રીમાનું ચરિત્ર વિચારતાં આ જ વાત આપણને પ્રભાવિત કરે છે. શ્રીઠાકુરની જેમ શ્રીમાના જીવનમાં ચરમ સમાધિ અવસ્થા, ત્યાગ-વૈરાગ્ય, ભાવગાંભીર્ય – જે માણસને ભગવત્‌ અભિમુખ થવા મદદરૂપ થાય તે સર્વગુણોની જરાયે ઉણપ હતી નહિ. વધારામાં તેમનામાં સ્નેહ, સેવા, ઔદાર્ય, લજ્જા, વિનય વગેરે ગુણરાશિ એટલી બધી ખીલી ઉઠેલી કે ભોગલોલુપ માનવીને એક નવીન પ્રેરણા મળતી. સામાન્ય માનવી તો પોતાની જાતને સંભાળવામાં વ્યસ્ત રહે જ્યારે આ દેવમાનવીનું સંપૂર્ણ જીવન બીજા માટે સમર્પિત હતું.

૬. આપણે શ્રીમાના ચરિત્રના વિભિન્ન પાસાંઓ વિભિન્ન પ્રકારે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ આખરે તો તે સર્વ તેમના પુણ્ય વ્યક્તિત્વ દ્વારા વિકસિત એક જ મહાશક્તિના અનંતરૂપો છે. આપણી સીમિત બુદ્ધિ દ્વારા તે મહાશક્તિને યથાર્થ સમજવી અશક્ય છે. આપણી ધારણાશક્તિનાં અસામર્થ્યને લીધે આપણે શ્રી શ્રીમા શારદાદેવીને માતા, ગુરુ, દેવી – આવા વિભિન્ન સ્વરૂપે ચિંતન કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ હકીકતમાં તો આ ત્રિવિધરૂપ એક જ અખંડ શક્તિનું અવિભક્ત સ્વરૂપ છે. જ્યારે તે જનની રૂપે પાસે આવે ત્યારે તેમની અમોઘ જ્ઞાનદાયિની શક્તિનો અનુભવ થાય છે, જ્યારે જ્ઞાનદાયિની ગુરુરૂપે દૃષ્ટિ કરીએ તો તે જનની સુલભ સ્નેહથી આપણને પાસે ખેંચી લે છે. તેમ જ ગુરુ અને માતારૂપે ચાહીએ ત્યારે તેઓ તેમનું ઉચ્ચ દૈવીસ્વરૂપ વ્યક્ત કરી સ્વમહિમામાં પ્રતિષ્ઠિત જણાય છે. તેથી જ પરસ્પર સાપેક્ષ આ ત્રણ પ્રકારના દર્શન થાય ત્યારે ક્યું પ્રથમ અને ક્યું અંતિમ તે સમજાતું નથી. જો આપણે તદ્‌ગતચિત્ત તેમના જીવનનું ચિંતન કરીએ તો એમના સાચા સ્વરૂપની કંઈક અંશે ઝાંખી થાય. આપણા માટે પરમ આશ્વાસન તો એ જ છે કે શ્રીમાએ પોતાના સંતાનોને કોઈ નીગૂઢ દર્શન અથવા જટિલ વિચારોની ગૂંચવણમાં મૂકીને મુશ્કેલીમાં નાખ્યા નથી. તેઓ તો જીવમાત્ર માટે કલ્યાણપ્રદા જનની રૂપે પધાર્યાં હતાં. જે જનનીનો સ્નેહ સંતાનને સમજવા અથવા સમજાવવાનું પ્રયોજન થતું નથી.

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.