(શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ સ્વામી ગંભીરાનંદ દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ (પૃ.274) નામક પુસ્તકમાંથી અહીં લેવામાં આવ્યા છે. -સં.)

સને ૧૯૧૧ના એપ્રિલ મહિનામાં એક મોટી ભૂલ કર્યા પછી પણ એક સંન્યાસી ‘ઉદ્‌બોધન’માં રહેતા હતા. સ્વામી બ્રહ્માનંદ અને બીજા પ્રૌઢ સાધુઓની ઇચ્છા હતી કે એ ‘ઉદ્‌બોધન’ છોડી બેલુર મઠમાં જાય. પણ તેમણે માન્યું નહીં. એક દિવસ સ્વામી શારદાનંદે શ્રીમા પાસે ફરિયાદ કરી કે ‘મહારાજની (સ્વામી બ્રહ્માનંદની) ને અમારી વાત શું ગણકારવી જ નહીં? મહારાજના આદેશને માન આપી એણે બે ત્રણ દિવસ માટે પણ મઠમાં જઈને રહેવું જોઈએ.’

થોડા દિવસ પછી આ વાતનો ઉલ્લેખ કરી શ્રીમાએ કહ્યું કે પોતે પણ તેને મઠમાં જઈ રહેવાનું કહ્યું હતું પણ તે માનતા ન હતા. એને માટે દિલગીરી દર્શાવી શ્રીમાએ કહ્યુંઃ ‘સાચી વાત છે. વડીલોની વાત માનવી જોઈએ. એને કામ કરવાની ઇચ્છા નથી. કામ કર્યા વગર કંઈ મન સારું રહે?’ શ્રીમાએ બધી રીતે એનું મન બદલવાનો પ્રયત્ન કર્યાે પણ એના પ્રત્યે એમનો સ્નેહ ઓછો ન થયો.

આ વાતને એક વર્ષ વીત્યા બાદ એમના એક ત્યાગી સંતાને આવીને કહ્યું કે કોઈ કોઈ કહે છે કે સેવાશ્રમ-ઇસ્પિતાલ ચલાવવી, ચોપડીઓ વેચવી, હિસાબ રાખવો, વગેરે કામો સાધુજીવનને અનુકૂળ નથી; કારણ કે ઠાકુરે પણ આવું કંઈ કર્યું ન હતું. કામ કરવું જ હોય તો પૂજા, જપ, ધ્યાન વગેરે જ કરવાં જોઈએ. બીજાં બધાં કામો મનને વિષય તરફ ખેંચીને સાધુને ઈશ્વરથી વિમુખ કરે છે. એની બધી વાત સાંભળી શ્રીમાએ દૃઢતાથી કહ્યુંઃ ‘કામ નહીં કરો તો આખો દિવસ કરશો શું? ચોવીસ કલાક કંઈ ધ્યાન-જપ કરી શકાય? ને ઠાકુરની વાત કરો છો? એમની વાત જ જુદી. એમને મિષ્ટાન્ન મથુર આપતો ને તમને અહીં ખાવાનું મળે છે; કારણ, તમે કામ કરો છો. નહીં તો એક મૂઠી અન્ન માટે ઘેર ઘેર ભટક્યા કરશો? પ્રભુ જેમ ચલાવે છે, તેમ જ ચાલશો. મઠ આ પ્રમાણે જ ચાલશે. જે લોકો આમ ન રહી શકે તે ચાલ્યા જાય.’

સને ૧૯૧૨માં કાશીમાં રહેતી વખતે શ્રીમા એક દિવસ શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા ચાલતો વૃદ્ધાઓનો આશ્રમ જોવા ગયાં હતાં. એ જોઈ એમણે કહ્યુંઃ ‘આ અનાથ, વૃદ્ધ સ્ત્રીઓની સેવા કરવી એ નારાયણની સેવા કરવા બરોબર છે. અરે! આ છોકરાઓ કેવું સુંદર કામ કરે છે!’ ને આ જ બાબતમાં બીજી એક વાર બોલ્યાં હતાંઃ ‘દીકરી, બધું જ એમની ઇચ્છા પ્રમાણે થાય છે. એ પોતે જ જાણે છે કે કોની પાસે શું કરાવવું?’

એક દિવસ જયરામવાટીમાં જપ-ધ્યાન વિશે એમણે કહ્યું હતુંઃ ‘આખો વખત જપ-ધ્યાન કેટલાં માણસો કરી શકે? એના કરતાં મન સ્થિર કરી, ચંચળ ન બની, કામ કરવું વધારે સારું. મનને છૂટું મૂકો તો મુશ્કેલીઓ ઊભી કરે. મારા નરેને આ બધું જોઈને જ નિષ્કામ કર્મની શરૂઆત કરી.’

શ્રીમાને વિશ્વાસ હતો કે આ સંઘ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાના નવા સંદેશનો જગતમાં જરૂર પ્રચાર કરશે. એક મઠના અધ્યક્ષ એમની પાસે ખેદ કરતાં બોલ્યા કે સાધારણ જનસમાજ પાસેથી સહાનુભૂતિ ન મળવાથી એમના કામકાજની પ્રગતિ બરાબર થતી નથી, કારણ કે દેશના લોકો ભાંગતાં જ શીખ્યા છે, સર્જન કરતાં નથી શીખ્યા. ત્યારે એમને આશ્વાસન આપતાં શ્રીમાએ કહ્યુંઃ ‘દીકરા! ઠાકુર કહેતા કે જ્યારે મલય પવન વાય ત્યારે જે વૃક્ષોમાં જરા પણ સારતત્ત્વ હોય છે તે બધાં જ ચંદન બની જાય છે. આ મલય પવન તો વાય છે. હવે બધાં જ ચંદન થઈ જશે, સિવાય કે વાંસ કે કેળનાં વૃક્ષ.’

આશ્રમ ને આશ્રમવાસીઓની બધી મુશ્કેલીઓ તરફ શ્રીમાની દૃષ્ટિ ખેંચાતી ને તેઓ પ્રત્યેક વિષયમાં યોગ્ય સલાહ ને ઉત્સાહ આપતાં. કોઆલપાડાના આશ્રમમાં મફત દવાખાનામાં એવા ઘણા રોગીઓ આવતા કે જેઓ બીજી જગ્યાએથી પૈસા આપીને દવા વેચાતી લઈ શકે. આ જાણી આવા લોકોને તદ્દન મફત દવા આપવાની બંધ કરવી જોઈએ, આવી સૂચના લઈ આશ્રમના અધ્યક્ષ શ્રીમા પાસે અનુમતિ લેવા ગયા. પણ શ્રીમાએ એમની ઉદાર દૃષ્ટિથી કહ્યું કે ‘જે માગવા આવે તે બધા જ અભાવથી પીડાય છે એમ જાણવું. તેથી દરેકને દવા આપવી જોઈએ.’ આમ મફત દવાખાનાના દરવાજા સૌને માટે ઉઘાડા રહ્યા.

કોઆલપાડાનો આશ્રમ રામકૃષ્ણ મઠના તાબા હેઠળ આવ્યો તે પહેલાં આશ્રમના કાર્યકરો સ્વદેશી ચળવળમાં ડૂબેલા હતા. પણ શ્રીમાએ જોયું કે આ લોકોની શક્તિ કોઈ રચનાત્મક કામ વિના ફક્ત નકામી વાતોમાં વેડફાઈ જાય છે. તેથી તેમણે કહ્યુંઃ ‘જુઓ, તમે ફકત વંદે માતરમ્‌ના બરાડા પાડી ભટકો નહીં. સાળ લઈ આવો ને વણવાનું શરૂ કરો. મને પણ ઇચ્છા થાય છે કે એક ચરખો મળે તો હું પણ સૂતર કાંતું. તમે લોકો કામમાં લાગી જાઓ.’ આશ્રમને ધર્મનું કેન્દ્ર કરવા માટે શ્રીમાએ ત્યાં શ્રીરામકૃષ્ણને અધિષ્ઠાતા તરીકે સ્થાપ્યા હતા તે આ પહેલાં જ કહેવામાં આવ્યું છે.

આશ્રમના બ્રહ્મચારીઓમાં જ્ઞાન મેળવવાની ઇચ્છા વધારવા પણ એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. એમની સેવામાં જે બ્રહ્મચારીઓ હતા તેમને તેમણે કહ્યું હતુંઃ ‘જુઓ, પરદેશથી ઘણા ભકતો અહીં આવશે. તેથી તમે અંગ્રેજી ભાષા શીખી લો.’ અંગ્રેજી શિખવાડવા માટે પહેલાં સ્વામી ધર્માનંદ ને તે પછી ઢાકાના શ્રીકૃષ્ણભૂષણને તેમણે રાખ્યા હતા. શ્રીમા કામ કરવા ઉત્સાહ આપતાં પણ સાથોસાથ તેનાં ખરાબ પરિણામો વિષે પણ સચેત હતાં. કેટલાક સાધુઓ સારા ઉદ્દેશથી મઠો સ્થાપ્યા પછી વ્યાવહારિક કામોમાં એટલા બધા તલ્લીન થઈ જાય છે કે ઈશ્વરપ્રાપ્તિના માર્ગથી એમનાં મન અવળે રસ્તે વળી જાય છે.

તેથી શ્રીમાએ સ્વામી તન્મયાનંદને એક વાર સાવધાન કરતાં કહ્યુંઃ ‘ઊલમાંથી નીકળી ચૂલમાં પડવું? સંસાર છોડીને આવ્યા ને નામ ન લેતાં માત્ર કામ જ કરવું? આશ્રમ તો એક બીજો સંસાર થયો. સંસાર છોડી લોકો આશ્રમમાં આવે પણ આશ્રમ માટે એટલો મોહ બંધાય કે એ આશ્રમ છોડવો ગમે જ નહીં?’

વૈરાગ્યની સાથે માતૃસ્નેહનો અપૂર્વ સુમેળ—એ શ્રીમાના જીવનમાં બીજી એક ધ્યાન રાખવા જેવી બાબત હતી. અંતઃકરણપૂર્વક તેઓ તેમનાં સંતાનોનું કલ્યાણ થાય એમ ઇચ્છતાં. જયરામવાટીમાં એક વાર દુર્ગાપૂજાની સંધિપૂજા વખતે અનેક માણસોએ એમનાં ચરણોમાં પુષ્પાંજલિ અર્પ્યા પછી તેઓએ એક બ્રહ્મચારીને બોલાવી કહ્યુંઃ ‘બીજાં ફૂલ લઈ આવ અને રાખાલ, તારક, શરત્, ખોકા, યોગેન, ગોલાપ તરફથી પુષ્પાંજલિ આપ. મારાં જાણીતાં ને અજાણ્યાં તમામ સંતાનો તરફથી ફૂલો અર્પણ કર.’

આ પૂજા ગ્રહણ કરી થોડો વખત શ્રીરામકૃષ્ણની છબી સામે શાંત ચિત્તે બેસી હાથ જોડી પ્રાર્થના કરીઃ ‘આ લોકમાં ને પરલોકમાં સૌનું કલ્યાણ થાઓ.’ તેવી જ રીતે ૧૯૧૮માં ‘ઉદ્‌બોધન’ના મકાનમાં એમના જન્મદિવસે બધાંએ ફૂલો ધરી એમની પૂજા કર્યા પછી શ્રીમાએ બ્રહ્મચારી વરદાને પાસે બોલાવી, માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યુંઃ ‘આજે એક વિશેષ દિન છે. તું જયરામવાટી ને કોઆલપાડાના સૌના નામે પુષ્પાંજલિ આપ.’ ત્યાર પછી એમણે શ્રીરામકૃષ્ણ પાસે બધાનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી.

Total Views: 624

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.