સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર, અન્નવસ્ત્ર વગર, અથાગ પરિશ્રમ કરી ભારે કષ્ટો વેઠી મઠ ચલાવે છે એ યાદ આવ્યું ને તેથી તેઓ વ્યાકુળ થઈ ગયાં. પાછળથી એમણે કહ્યું હતુંઃ ‘મઠ માટે મેં કેટલાં આંસુ સાર્યાં હતાં! કેટલી પ્રાર્થના ઠાકુર પાસે કરી હતી! અને તેથી એમની કૃપાથી આજે આ મઠબઠ બધું થયું છે. ઠાકુર ચાલ્યા ગયા પછી આ છોકરાઓએ સંસારનો ત્યાગ કર્યાે ને થોડા દિવસ માટે એ ભાડાના મકાનમાં એકત્ર રહ્યા. પછી છૂટા પડી જઈ સ્વતંત્રપણે અહીંતહીં ભટકવા માંડ્યા. ત્યારે મારા મનમાં ખૂબ દુઃખ થયું ને હું ઠાકુર પાસે પ્રાર્થના કરવા લાગી કે, ‘હે ઠાકુર! તમે આવ્યા, આ થોડા ભક્તો સાથે લીલા કરી, આનંદ કરી ચાલ્યા ગયા. શું આમ જ બધું પૂરું થઈ જશે? તો પછી આટલાં કષ્ટ વેઠીને અવતરવાની શી જરૂર હતી? મેં કાશી ને વૃંદાવનમાં જોયું કે ઘણા સાધુઓ ભિક્ષા માગી ખાય છે ને ઝાડની નીચે રહીને અહીંતહીં ફર્યા કરે છે. આવા સાધુઓનો તો અભાવ ન હતો. તમારું નામ લઈ મારાં છોકરાંઓએ સંસાર છોડ્યો છે ને પછી બે મૂઠી અન્ન માટે ભીખ માગતા ફરે એ મારાથી નહીં જોઈ શકાય. મારી એ જ પ્રાર્થના છે કે તમારું નામ લઈ જે લોકો સંસાર છોડે તેમને સાધારણ ભરણપોષણનો અભાવ કદી ન થાય. એ લોકો બધા તમને ને તમારા આદર્શાેને અનુસરીને એકત્ર રહી શકે, ને સંસારના તાપથી દગ્ધ માણસો એમની પાસે આવી તમારી વાતો સાંભળીને શાંતિ મેળવી શકે તે માટે તો તમે આવ્યા હતા. એમને આ રીતે ભટકતા જોઈ મને બહુ દુઃખ થાય છે. મારા પ્રાણ વ્યાકુળ બને છે…’ ત્યાર પછી નરેને (સ્વામી વિવેકાનંદે) ધીરે ધીરે આ બધું કર્યું.’

આ વાણીનો પ્રત્યેક શબ્દ શ્રીમાનો અસીમ માતૃસ્નેહ, સંઘ તરફની એમની પ્રીતિ, શ્રીરામકૃષ્ણના સંઘની વિશિષ્ટતા ને ભવિષ્યમાં તેની શક્યતાઓ વિષે એમની નિશ્ચિત ધારણા અને એક સ્થાયી મઠની સ્થાપના માટેનો એમનો આગ્રહ વ્યક્ત કરે છે. આ બધી આશાઓ ને આકાંક્ષાઓ માત્ર એમના મનના તરંગો જ ન હતા કારણ કે જેટલા દિવસો તેઓ આ મર્ત્યલોકમાં રહ્યાં તેટલા દિવસ સંઘ સારી રીતે સ્થપાય ને ચલાવાય એ માટે એમણે યથાશક્તિ પ્રયત્નો કર્યા હતા. ‘પ્રેમ સંઘની પ્રાણશક્તિ છે’ એમ તેઓ માનતાં હતાં. જેમ સંઘનો પ્રત્યેક સભ્ય એમના આશીર્વાદ મેળવવા તલસતો તેમ તેઓ પણ ઇચ્છતાં કે સંઘના સાધુ-બ્રહ્મચારીઓ વચ્ચે પણ અતૂટ ભ્રાતૃભાવ સ્થપાય.

કોઆલપાડાના આશ્રમના તે વખતના અધ્યક્ષ બ્રહ્મચારીઓ પાસે ફક્ત કામની આશા રાખતા. પણ તેના બદલામાં તેમની દેખરેખ રાખતા નહોતા; તેમને માટે ખાવાપીવાની પણ સારી વ્યવસ્થા ન હતી. તેથી ઘણાઓએ આશ્રમ છોડી શ્રીમાનું અથવા સ્વામી સારદાનંદનું શરણ લીધું હતું, તો પણ અધ્યક્ષ પોતાની ભૂલ નહોતા સમજી શકતા. પણ શ્રીમા પાસે આવી ફરિયાદ કરતાઃ ‘મા, આ લોકો પહેલાં મારું કહ્યું માનતા, પણ હવે નથી માનતા. તેઓ આપની કે શરત્ મહારાજની પાસે જાય તો આપ એમનું પ્રેમથી જતન કરી પાસે રાખો છો. એમને સારું ખાવાનું આપો છો. પણ આપ જો એમને આશ્રય ન આપો ને થોડુંક સમજાવી મારી પાસે પાછા મોકલી આપો તો તેઓ મારું માનશે.’ આ સાંભળી શ્રીમાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યુંઃ ‘એ કેમ બને? આ બધું શું કહો છો? પ્રેમ જ આપણું બળ છે. પ્રેમથી જ પ્રભુનો સંસાર ઘડાયો છે. ને હું તો મા છું; તમે મારી પાસે છોકરાઓના ખાવા-પીવા માટે ને પહેરવા-ઓઢવા માટે આવી રીતે ફરિયાદ શા માટે કરો છો?’ આશ્રમવાસીઓને વારંવાર મલેરિયા થતો તોપણ અધ્યક્ષ તેમની સંભાળ નહોતા રાખતા. શ્રીમાને એની ખબર પડવાથી તેમણે તેમને માટે પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરી. આ અધ્યક્ષની કડકાઈની ટીકા કરતાં શ્રીમાએ એક વાર પૂછ્યુંઃ ‘આવું સંકુચિત મન રાખી હુકમ ચલાવો તો આશ્રમ કેવી રીતે ચાલશે? ભલેને છોકરાઓ તમારા જ વિદ્યાર્થીઓ હોય. પોતાના દીકરાઓને પણ કોઈ વધારે વઢે તો તેઓ પણ છેવટે જુદા થઈ જાય છે.’

આશ્રમના આ અધ્યક્ષ પ્રતિ શ્રીમાને ખૂબ સ્નેહ હતો અને એ પણ શ્રીમા પર ખૂબ ભક્તિ રાખતા. પણ તેથી કંઈ શ્રીમા અન્યાય સહન કરે? રાધુને લઈ શ્રીમા જ્યારે કોઆલપાડામાં હતાં ત્યારે આ અધ્યક્ષે એક દિવસ એમને જણાવ્યું કે બ્રહ્મચારીઓ આ આશ્રમમાં રહેવા નથી ઇચ્છતા ને બીજી જગ્યાએ જાય છે. તેથી શ્રીમાએ એવી વ્યવસ્થા કરી દેવી જોઈએ જેથી એ લોકો બીજા આશ્રમમાં ન રહી શકે, પણ કોઆલપાડામાં જ રહી શ્રીમાની સેવા કરે. આ સાંભળી તરત જ શ્રીમા જરા ગુસ્સે થઈ બોલ્યાંઃ ‘તમે મારી પાસે શું કહેવડાવવા માગો છો? તેમને બીજે ક્યાંય રહેવાનું નહીં મળે એમ હું કહું શી રીતે? એ બધા મારા છોકરાઓ છે; પ્રભુને શરણે આવ્યા છે; એ લોકો જ્યાં રહેશે ત્યાં જ ઠાકુર એમની સંભાળ લેશે. શું તમે મારી પાસે એમ કહેવડાવવા માગો છો કે એ લોકો બીજે ક્યાંય આશ્રય ન પામે? આ વાત હું કોઈ દિવસ નહીં કરી શકું.’ શ્રીમાનો તીવ્ર સ્વર અને લાલ મુખ જોઈ સૌ ભય પામ્યા. તરત જ ભક્તિભાવવાળા અધ્યક્ષે એમને ચરણે પડી ક્ષમા માગી.

આમ જરૂર પડ્યે શ્રીમા અધ્યક્ષને ટોકતાં, પણ બીજી બાજુ આશ્રમવાસીઓને પણ સદુપદેશ આપતાં. ઉપર વર્ણવેલ પ્રસંગના થોડા દિવસ પહેલાં શ્રીમા જયરામવાટીમાં હતાં ત્યારે ત્યાં આવેલ એક બ્રહ્મચારીને તેમણે કહ્યું હતુંઃ ‘જો, બધાની સાથે સંપીને રહેવું જોઈએ. ઠાકુર કહેતા ‘શ-ષ-સ’ એટલે બધું સહન કર્યે જાઓ. સંભાળ રાખનાર પ્રભુ બેઠા જ છે.’ આશ્રમ જીવનમાં અસંખ્ય અડચણો છતાં તેઓ બધાં સંતાનોને સંઘબદ્ધ થઈને આશ્રમમાં જ રહેવા ને કામ કરવા કહેતા.

પ્રબળ વૈરાગ્યની પ્રેરણાથી સ્વામી વિશુદ્ધાનંદ, શાંતાનંદ, અને ગિરિજાનંદ ઘર છોડીને, પગે ચાલીને, કોલકાતાથી જયરામવાટી પહોંચ્યા. તેમની, ખાસ કરીને સ્વામી વિશુદ્ધાનંદની, ઇચ્છા હતી કે શ્રીમાના આશીર્વાદ મેળવી પરિવ્રાજકરૂપે તેઓ ભ્રમણ કરવા નીકળી પડશે અને કોઈ મઠ અથવા આશ્રમમાં રહ્યા વગર આખું જીવન તીર્થસ્થાનોનાં દર્શન અને તપશ્ચર્યામાં વિતાવશે. શ્રીમાએ હેતપૂર્વક તેમને આવકાર્યા, એમની વાતો સાંભળી ને જમાડ્યા. બીજે દિવસે તેમણે કહ્યુંઃ ‘આજે તમે ત્રણેય વાળનું મુંડન કરાવો ને ભગવાં પહેરો. કાલે તમને સંન્યાસની દીક્ષા આપીશ.’ બીજે દિવસે (૨૯મી જુલાઈ, ૧૯૦૭) ત્રણેયના હાથમાં ભગવું વસ્ત્ર ને કૌપીન આપી ઠાકુર પાસે તેમણે પ્રાર્થના કરીઃ ‘હે ઠાકુર! એમના સંન્યાસ વ્રતનું રક્ષણ કરજો. મોટા પર્વત પર કે ગાઢ જંગલમાં, જ્યાં પણ તેઓ રહે, એમને કાંઈક ખાવા મળે તે જોજો.’ પણ એ લોકો ભટકતા ફરે એ વાત શ્રીમાને બિલકુલ ગમતી ન હતી. તેથી વિદાય આપતી વખતે તેઓ બોલ્યાંઃ ‘ઠાકુરનું શરણ જ્યારે લીધું છે ત્યારે તમારે આટલી કઠોરતા રાખવાની જરૂર નથી. તોપણ તમે જ્યારે પરિવ્રાજક થઈને ફરવાનો સંકલ્પ કર્યાે છે તો હું આટલું કરવા દઉં છું. તમે કાશી સુધી ચાલીને જાઓ. ત્યાં હું તારકને (સ્વામી શિવાનંદને) લખું છું. એ તમને ત્યાં રહેવા દેશે. એની પાસે રહી તમારું સંન્યાસ જીવન ઘડી લો. એની પાસે તમારા સંન્યાસ-નામ પણ લેજો.’ આ સલાહ પ્રમાણે તેઓ કાશી જવા ઊપડ્યા. એમની સાથે શ્રીમા ગામના સીમાડા સુધી ગયાં ને પછી સજળ નયને વિદાય આપી. કાશીમાં શ્રીમાના આદેશ પ્રમાણે સ્વામી શિવાનંદજીએ એમને સઘળી વ્યવસ્થા કરી આપી.

Total Views: 485

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.