(લેખક સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 11મા પરમાધ્યક્ષ હતા. તેઓએ દસ મુખ્ય ઉપનિષદો, ભગવદ્ ગીતા, તથા બ્રહ્મસૂત્રનો શાંકરભાષ્ય સાથે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. એ ઉપરાંત, તેઓએ શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના પ્રામાણિક જીવનચરિત્રની પણ રચના કરી છે. વેદાંત અને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં તેમનું યોગદાન અપાર છે. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ 1945ના જાન્યુઆરી-માર્ચના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. – સં.)

જ્ઞાન, ઉપાસના, અને કર્મ

દર્શનશાસ્ત્રના દૃષ્ટિકોણથી વેદોની શિક્ષા આપણે સ્વાભાવિક રૂપે ‘જ્ઞાનમાર્ગ’ અને ‘કર્મમાર્ગ’માં વિભાજિત કરી શકીએ છીએ. પરંતુ વ્યાવહારિક દૃષ્ટિકોણથી જોતાં, આ બેની વચમાં એક મધ્યમ માર્ગ પણ છે, જે કર્મ અને જ્ઞાનના પથને સાંકળી લે છે અને દર્શાવે છે કે કર્મના માધ્યમથી ઉચ્ચ આધ્યાત્મિક શિખરો કેવી રીતે સર કરી શકાય અને દિન-પ્રતિદિનનું જીવન જ્ઞાનના પ્રકાશથી કેવી રીતે આલોકિત થઈ શકે. જ્ઞાનમાર્ગ દ્વારા દૈનિક જીવનને સુખ-શાંતિ-આશીર્વાદમય કેમ બનાવી શકાય એ વાત આપણા ઋષિમુનિઓ સારી રીતે જાણતા હતા. આ મધ્યમ પથ જ ‘ઉપાસના’ના રૂપે જાણીતો થયો. તેઓ એ પણ જાણતા હતા કે જ્ઞાન અને કર્મ માત્ર બે પથમાં જ વહેંચી શકાય એટલું સરળ આપણું જીવન નથી. એક મધ્યમ પથ અવશ્ય હોવો જ જોઈએ કે જ્યાં દર્શન કર્મને દોરે છે અને વળી દર્શન દ્વારા પથપ્રદર્શિત એ જ સત્કર્મ દર્શનને મિથ્યા તર્કવિતર્કના રૂપમાં બાષ્પીભૂત થઈ જતું બચાવે છે. એક જગત અવશ્ય હોવું જ જોઈએ કે જ્યાં સ્વર્ગ અને પૃથ્વીનો સંગમ થાય છે.

માટે જ હવે આપણે વેદોની શિક્ષા ત્રણ માર્ગમાં વિભાજિત કરીશું—જ્ઞાન, ઉપાસના, અને કર્મ. ઉપાસનાને આપણે ‘ધ્યાન’ના નામે પણ ઓળખી શકીએ છીએ.

ભગવદ્‌ ગીતામાં ધ્યાન

મધુસૂદન સરસ્વતીએ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાને આ જ ત્રણ ભાગમાં વિભાજિત કરી હતી. જો કે એમણે ઉપાસનાને બદલે ‘ભક્તિ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને કહ્યું હતું કે, ગીતા-ઉપદેશિત આધ્યાત્મિક સાધના અનુસાર ધર્મના પાલનથી ભક્તિનો ઉદય થાય છે અને છેવટે ભક્તિ જ્ઞાનમાં પરિણમે છે. હવે ગીતાની ભક્તિ એટલે જ ધ્યાન. પણ આ ધ્યાનને ઈશ્વર-પ્રેમથી આવરી લઈને સહજ-સરળ બનાવી દેવામાં આવ્યું છે.

આપણે જોઈશું કે આ જ ઉપાસનાનો પણ અર્થસાર છે. ગીતા-પ્રદર્શિત સાધના-પદ્ધતિમાં જીવનયાત્રાના ટુકડા કરવાના નથી હોતા; એમાં એવું નથી કહેવાયું કે આપણે એક દિવસ આપણાં બધાં કર્મોનો ત્યાગ કરી ભક્ત બની જવાનું છે. ગીતા તો એમ કહે છે કે બાહ્યકર્મ કરતાં કરતાં પણ આપણે આંતરિક પરિવર્તન લાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે રાજર્ષિ જનક.

જીવન એક ઘરેડમાત્ર ન બની જવું જોઈએ

ઉપનિષદ ભારપૂર્વક કહે છે કે જીવન એક ઘરેડમાત્ર ન બની જવું જોઈએ. કર્મ કરવું ઉદાત્ત અને અસરકારક તો છે જ, પરંતુ જ્યારે આપણે એને સમજણપૂર્વક કરીએ અને નૈતિક અને આધ્યાત્મિકરૂપે સમુન્નત કરીએ તો કર્મ કેટલુંય વધુ ઉદાત્ત અને અસરકારક બની જાય.

यदेव विद्यया करोति श्रद्धयोपनिषदा
तदेव वीर्यवत्तरं भवती।

(છાંદોગ્ય ઉપનિષદ, ૧.૧.૧૦)

વૈદિક યુગમાં વિદ્યાર્થીઓ પ્રતિદિન વેદપાઠ કરતા, પરંતુ આ દૈનિક પાઠ એ ઘરેડમાત્ર બની જાય એ હેતુથી તેઓ જે પાઠ કરે છે એની ઉપર ધ્યાન કરવાનું કહેવામાં આવતું. આ હતી તેઓની ઉપાસના. છાંદોગ્ય ઉપનિષદ કહે છે: ‘સામવેદમાં ઘણી ઋચાઓ છે. જે ઋચાથી ઉપાસક ઉપાસના કરવા ચાહતો હોય તે ઋચાનું ધ્યાન કરી લેવું, અને જે ઋષિએ તે ઋચાનું સ્મરણ કર્યું છે તે ઋષિનું પણ પ્રથમ તેણે ધ્યાન કરી લેવું, અને જે દેવતાની સ્તુતિ તે ઋચાથી કરવા ઇચ્છતો હોય તે દેવતાનું પણ ચિંતન પ્રથમ કરી લેવું.’ (૧.૩.૯)

પંચ અધિકરણયુક્ત ઉપાસના

આપણે તૈત્તિરીય ઉપનિષદમાં સંહિતા ઉપનિષદ અર્થાત્‌ અક્ષરોની સંહિતા (સંધિ) ઉપર ઉપાસના વિશે વાંચીએ છીએ. પાંચ અધિકરણ ધરાવતો इषेत्वा શબ્દ આપણે ચાર રીતે ઉચ્ચારિત કરી શકીએ છીએ. (૧) इषेના અંતે આવેલ एની સંધિ થશે (૨) त्वाની શરૂમાં આવેલ तની સાથે. (૩) त અક્ષર इषे અને त्वाનું જોડાણ કરે છે. જ્યારે આપણે આ શબ્દોનો ઝડપથી પાઠ કરીએ ત્યારે આપણે માત્ર इषे અને त्वा નહીં પરંતુ इषेत्‌त्वा ઉચ્ચારણ કરીએ છીએ. (૪) इषे અને त्वाની વચ્ચેનો અવકાશ त्‌ દ્વારા ભરાય છે—જ્યાં इषेના ए તથા त्वाના तની સંધિ થાય છે.

હવે एની પૃથ્વીના રૂપમાં કલ્પના કરો, પ્રથમ तની દ્યુલોક (સ્વર્ગ)ના રૂપમાં, દ્વિતીય तની વાયુના રૂપમાં, અને જે મધ્યાવકાશ છે એને આકાશના રૂપમાં કલ્પો. કારણ કે મધ્યાવકાશમાં જ પૃથ્વી અને આકાશની સંધિ થાય છે. ઉપનિષદ વધુ કહે છે કે પૂર્વરૂપને વેદ શીખવતા આચાર્યના રૂપમાં કલ્પો, ઉત્તરરૂપને શિષ્યના રૂપમાં, અને સંધિને આચાર્ય દ્વારા પ્રદત્ત વિદ્યાના રૂપમાં કલ્પો. કારણ કે વિદ્યા જ આચાર્ય અને શિષ્યને જોડે છે. આવી જ રીતે ચાર રૂપોને માતા, પિતા, સંતાન, અને પ્રજનન-ક્રિયાના રૂપમાં સમજી શકાય.

પંચ અધિકરણયુક્ત આ ઉપાસના દ્વારા આપણે શિષ્યનું ધ્યાન સંધિમાં વપરાતાં ચાર રૂપો તરફ દોરીએ છીએ. માત્ર અક્ષરોને જોડતી સંધિની સહાયે શિષ્ય વૈવિધ્યરૂપ જગતથી ઉપર ઊઠીને એક ભવ્ય વૈશ્વિક એકતાનું દર્શન મેળવે છે. આ ઉપાસના દ્વારા અધૂરી સમજથી સંતોષ નહીં પામીને શિષ્ય પોતાની બુદ્ધિ જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી વિસ્તૃત કરે છે. એની કલ્પના વિશાળતમ ફલક ઉપર વિસ્તાર પ્રાપ્ત કરે, જો કે સત્યના ભોગે નહીં. શિષ્ય માત્ર કલ્પના જ નથી કરતો પરંતુ એની ઉપર એકાગ્રતા પણ લાવે છે, જેથી એની સંકલ્પશક્તિ દૃઢ બને છે. એકાગ્રતા દ્વારા એની કલ્પના જીવંત અને પ્રકાશિત બની ઊઠે છે.

દિન-પ્રતિદિનની ઉપાસના

દિન-પ્રતિદિનની ઉપાસનાનું એક બીજું ઉદાહરણ જોઈએ. આપણા જીવનમાં મોટે ભાગે હિતસંબંધ વચ્ચેની વિસંવાદિતાને કારણે સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. જુદી જુદી ઇન્દ્રિયો પોતપોતાના વિષયો પ્રતિ આકર્ષિત કર્યા કરે છે તેથી વ્યક્તિત્વમાં વિસૂત્રતા ઊભી થવાથી જીવન નિરર્થક નિવડે છે.

અતિ પ્રાચીનકાળથી બૃહદારણ્યક ઉપનિષદે આપણને અદ્‌ભુત ધ્યાન દ્વારા જીવનની અસાધારણ વિશિષ્ટતા દૃષ્ટિગોચર કરવાનું શીખવ્યું છે. આપણે એવી પરિકલ્પના કરીએ કે જીવન એક ‘યજ્ઞ’ છે, એવા મહત્ત્વપૂર્ણ તથ્યની અવધારણા પર પહોંચ્યા છીએ. યજ્ઞદેવતાની સ્તુતિ કરવા ઉદ્‌ગાતાનો મધુર સ્વર સ્ફુરવાની તૈયારી છે. સફળતા હાથવેંતમાં છે એવા ભાવથી આપણે કૃતાર્થ થવાની તૈયારીમાં છીએ. પરંતુ ઇન્દ્રિયો પરસ્પર સંઘર્ષમાં ઊતરે છે અને એકબીજાની ઉપર પોતાની મહત્તાનો દાવો કરે છે. વધુમાં, આ સંઘર્ષ ઓછો હોય તેમ, ઇન્દ્રિયસમૂહ પરસ્પર મહત્તાની બાબતે સુનિશ્ચિત થવાથી સંઘર્ષ વધુ વણસે છે; કારણ કે ઇન્દ્રિયો કેટલીક વાર દેવભાવથી પ્રેરિત થતાં દેવો બને છે. આ જ ઇન્દ્રિયો ફરીથી મનસ્વી અને સ્વેચ્છાચારી બનતાં અસુરો બને છે. દેવો અને અસુરો વચ્ચે જે ઉત્તમ ગાન કરી શકે, તેનું નેતૃત્વ સ્વીકારીને તેઓ આ સંઘર્ષનો અંત લાવવાનું નક્કી કરે છે. તેથી—જીભ, કાન, નાક વગેરે—એક પછી એક આ માટે પ્રયાસ કરે છે. ગાનની સર્વોચ્ચતા બાબતે બંનેય પક્ષ વ્યક્તિગત દાવો કરે છે અને સમાધાન કરવા માગતા નથી. તેથી સ્વાર્થપરાયણતાને કારણે તે અસુરકક્ષાના બની જાય છે. અંતે આવે છે, પ્રાણ; જેનાં મહિમા-ગરિમાની શ્રેષ્ઠતા અન્યોન્યને અનુરૂપ સ્વીકૃત થાય છે. આમ ‘પ્રાણ’ને નિર્વિવાદ સર્વોચ્ચતા સાંપડે છે અને તેઓને આહ્‌વાનરૂપ મૃત્યુ કે વિધ્વંસમાંથી બચાવે છે.

આ પ્રકારના ધ્યાનથી આપણું ચિંતન ઇન્દ્રિય સ્તરેથી ઊર્ધ્વગમન કરીને ‘પ્રાણ’માં અવસ્થિત થાય છે, જ્યાં બધા ઐન્દ્રિક પ્રયાસો સુસંકલિત થાય છે અને જીવન ધન્ય બને છે.

‘પંચાગ્નિવિદ્યા’ નામે સુપ્રસિદ્ધ બીજી મહત્ત્વપૂર્ણ ઉપાસના લો. સૂક્ષ્મતાના ક્રમાનુસાર ઉદ્‌ભવેલ પાંચ પ્રકારના અગ્નિથી રચાયેલા સમષ્ટિ અગ્નિરૂપે સમગ્ર સચરાચર જગતની અત્રે પરિકલ્પના કરવામાં આવે છે. આ પંચાગ્નિ આત્મત્યાગના ભાવથી પરસ્પર સુગ્રથિત છે, જેના પરિણામે પ્રત્યેક સ્તરે નૂતન સર્જન, નૂતન જીવન અસ્તિત્વમાં આવી શકે છે. સ્વર્ગ નામના પ્રથમ અગ્નિમાં શ્રદ્ધાની આહુતિ અપાય છે, પરિણામે ચંદ્રલોક-પિતૃલોક અસ્તિત્વમાં આવે છે. વરુણદેવ નામના દ્વિતીય યજ્ઞમાં ચંદ્રની આહુતિ અપાય છે. આથી પૃથ્વી પર વર્ષા થાય છે. આ થયો તૃતીય અગ્નિ. આ યજ્ઞથી અન્ન પેદા થાય છે. તે અન્ન મનુષ્યોને અપાય છે. આ થયો ચતુર્થ અગ્નિ. પંચમ અગ્નિ છે પત્ની. સંતાન-જન્મરૂપે માનવજીવનનું અતિ સુપ્રસિદ્ધ અવતરણ પ્રગટ થાય છે, જે આ ધ્યાનમાંની પ્રેરણાનું સર્વોત્તમ અંગ છે.

પ્રાચીનકાળના ઋષિઓ બધી જ બાબતો અને પ્રક્રિયાઓને ઉચ્ચતર બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિથી મૂલવવાનું સાહસ ધરાવતા હતા. નિશ્ચિતપણે કહી શકાય કે તેઓએ ‘સત્ય’નું આદર્શીકરણ કર્યું નથી પરંતુ સત્યપૂર્ણ અને પ્રમાણગત તથ્યો દ્વારા આદર્શને આત્મસાત્‌ કર્યો હતો. તે પ્રાચીન પુરુષોની આધ્યાત્મિક દૃષ્ટિએ; પિતા, માતા અને વિવિધ અંગોના અધિષ્ઠાતા દેવો નવજીવનને ચેતના પ્રદાન કરનાર યજ્ઞમાંના પ્રતિનિધિરૂપ હતા. આ દૃષ્ટિબિંદુના વૈશ્વિકભાગ રૂપે પરલોકને અગ્નિરૂપે, સૂર્યને તેના ઈંધણરૂપે, કિરણોને તેના ધુમાડારૂપે, દિવસને અગ્નિપ્રકાશરૂપે, દિશાઓને કોલસારૂપે; અથવા મેઘ દેવતાને અગ્નિ, વર્ષાને તેના ઈંધણ, વાદળોને ધુમાડા, વીજળીને તેના પ્રકાશ, મેઘગર્જનાને કોલસારૂપે  આપણને વિચાર કરવાનું કહેવામાં આવે છે.

જીવનને યજ્ઞરૂપે મૂલવવાની સર્વશ્રેષ્ઠ વિભાવના છાંદોગ્ય ઉપનિષદમાં જોવા મળે છે, જે ઔપનિષદિક ઉપાસનાનું સૌથી મૂલ્યવાન સંગ્રહાલય છે. આ ઉપનિષદ ઘોષણા કરે છે: ‘पुरुषोवाव यज्ञ:’ – ‘મનુષ્ય સ્વયં યજ્ઞ છે’ અને આ કેવી રીતે સંભવ છે, તે વિગતવાર સમજાવે છે. सवनं નામે ઓળખાતા યજ્ઞમાં માનવજીવનને જીવનકાળના સુસંગત ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક જીવનકાળને તેના અધિષ્ઠાતા દેવ છે. સૌ પ્રથમ, જીવનના પહેલા તબક્કાના અધિદેવતા છે વસુઓ, જે જીવનની સ્થિરતા માટે કાર્ય કરે છે. કારણ કે જીવનના આ ગાળામાં સ્થિરતાની વિશેષ આવશ્યકતા રહે છે. યુવાકાળમાં રુદ્રો તેમનું અનુગમન કરે છે, તે છે શક્તિમાન દેવો—મોટે ભાગે ક્રૂર. તેથી મનુષ્ય યુવાકાળમાં જે કંઈ પણ કરે, તેમાં તેણે અત્યંત ન્યાયપૂર્ણ રહેવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં આદિત્યો અધિદેવતા હોય છે, જે પ્રત્યેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. પછી મનુષ્યો સંસારમાં પોતાનું મહત્તમ પ્રદાન કરીને, ઉચ્ચતર શક્તિઓથી પ્રેરિત થઈ અંતિમ વિદાય માટેની તૈયારી કરે છે. આના અનુસંધાનમાં, ક્ષુધા અને તૃષાજનિત ઉદ્વેગને સંઘર્ષ તેમજ સિદ્ધિવાળા ઉચ્ચતર જીવન માટેની ‘દીક્ષા’ રૂપે જોવાનું કહેવામાં આવે છે. વળી દાન, અહિંસા, સત્ય વગેરેને દક્ષિણારૂપે; આપણા શુભેચ્છક પાડોશીઓને આહુતિરૂપે; આનંદ-પ્રમોદ અને હાસ્યને દેવો માટેનાં સ્તોત્રો અને ભજનો રૂપે તેમજ મૃત્યુને યજ્ઞને અંતે કરાતા સ્નાનરૂપે જોવાનું કહેવામાં આવે છે.

જીવનને સાધનામાં પરિણત કરવાનાં બીજાં ઘણાં બધાં વ્યવહારુ સૂચનો છે. બૃહદારણ્યક ઉપનિષદ આપણને ‘મૃત્યુ તેમજ રોગ’ને તપસ્યા રૂપે જોવાનો આદેશ કરે છેઃ ‘વ્યાધિયુક્ત પુરુષને જે તાપ થાય છે—તે નિશ્ચય જ પરમ તપ છે… મૃતપુરુષને જેઓ વનમાં લઈ જાય છે, તે નિશ્ચય જ તપ છે… મૃત વ્યક્તિને જે પ્રકારે અગ્નિમાં રાખે છે, તે નિશ્ચય તપ છે…’

શ્રીશંકરાચાર્યે નિર્દિષ્ટ કર્યા મુજબ શ્વેતાશ્વતર ઉપનિષદ તેથીય આગળ વધે છે અને ગીતાજ્ઞાનનો સ્વીકાર કરીને નિષ્કામ અથવા ઈશ્વરપ્રીત્યર્થ કર્મ કરવાનું કહે છે. ઉદાહરણરૂપે આપણને જોવા મળે છે: तत्‌ कर्म कृत्वा विनिवर्त्य भूय:—ઈશ્વરપ્રીત્યર્થ કર્મ કરીને અને ત્યાર બાદ સર્વ કર્મ ત્યાગ કરીને. અથવા आरभ्य कर्माणि गुणान्वितानि—ઈશ્વરની ઉપાસના રૂપે કર્તવ્ય-કર્મ કરવાનો આરંભ કરીને.

રોજિંદા જીવન મધ્યે પરમ સત્ય બ્રહ્મની સતત સન્નિધિમાં કેવી રીતે રહી શકાય તેનું વ્યવહારુ સૂચન છાંદોગ્ય ઉપનિષદમાં જોવા મળે છે, ‘આ આત્મા હૃદયમાં છે… આ રીતે ધ્યાન કરવાવાળો (જાણવાવાળો) પુરુષ પ્રતિદિન સ્વર્ગલોકમાં જાય છે.’ આપણું હૃદય પરમાત્માનું મંદિર છે, જ્યાં વિરાજિત રહીને તેઓ આપણી સઘળી પ્રવૃત્તિઓનું નિદર્શન અને નિરીક્ષણ કરી રહ્યા છે તેવું મનમાં સતત સ્મરણમાં રાખવું, તે સાચે જ મુશ્કેલીભર્યું નથી. આપણે યંત્રમાત્ર છીએ અને પરમાત્મા છે આપણા સાચા જીવનઘડવૈયા. ખરેખર જે આવું ધ્યાન કરે છે તે નિત્ય પરમધામમાં વિરાજે છે. બૃહદારણ્યક ઉપનિષદની ઈશ્વર વિષયક ‘અંતર્યામી’ની વિભાવનામાં આ જ ખ્યાલ રહેલો છે. આ સૂચનો અને પૂર્ણ આદેશો ગીતાના પ્રસિદ્ધ શ્લોક (૯.૨૭)ની યાદ અપાવે છેઃ

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्॥

હે કુન્તી પુત્ર! તું જે કરે, જે ખાય, જે હોમે, જે આપે, જે તપ કરે, તે બધું મને અર્પણ કર.

આ બે શાસ્ત્રો વચ્ચેનો ભેદ એ છે કે ઉપનિષદોનો સંદેશ સંક્ષિપ્તમાં છે, ગીતાએ તેને વિગતપૂર્ણ સ્વરૂપે પ્રસ્તુત કર્યો છે; ગીતા કર્તવ્યને ઈશ્વરની ઉપાસના રૂપે કરવાનું જણાવે છે, જ્યારે ઉપનિષદો જીવનસત્તા રૂપે અનુભૂત થતી પરમસત્તા પ્રતિ આપણા સર્વસ્વની યજ્ઞાહુતિ કરવાનું કહે છે. આમ આપણે કેટલાંક ઉપનિષદો વિશે જોયું, જેને વ્યવહારુ વેદાંત કહી શકાય. પરંતુ ‘ઉપાસના’ અતિ વ્યાપક પદ છે, જે માત્ર પ્રવૃત્તિમય જીવનને જ આવરી લેતું નથી, તે નિવૃત્તિપરક જીવનને પણ સ્પર્શે છે. તે માત્ર ક્ષત્રિયોને લાગતું-વળગતું નથી, પરંતુ અન્ય વર્ણોનો પણ વિચાર કરે છે. જો કે મોટાભાગની ઔપનિષદિક પદ્ધતિઓ ક્ષત્રિય-પુરાતનોએ પ્રસ્તુત કરી હતી.

સૌ પ્રથમ ‘ઉપાસના’ શબ્દનો યથાર્થ મર્મ સમજીએ. શાબ્દિક અર્થમાં ઉપાસના એટલે આદર્શ પ્રતિ અગ્રસર થતા રહીને, સમીપમાં બેસવું. વેદાંત સાહિત્યમાં આ પદની ઘણી બધી વ્યાખ્યાઓ જોવા મળે છે. ‘વેદાંતસાર’ ગ્રંથમાંની વ્યાખ્યા પૂર્ણપણે સર્વસમાવેશક નથી. કારણ કે ઉપનિષદોમાં માત્ર બ્રહ્મોપાસના જ નહીં, પરંતુ અબ્રહ્મોપાસના જોવા મળે છે; તેનું લક્ષ્ય માત્ર સગુણ બ્રહ્મ નથી, પરંતુ બ્રહ્મથી કંઈક સવિશેષ છે. છાંદોગ્ય ઉપનિષદના ભાષ્યમાં શ્રીશંકરાચાર્યે આપેલ વ્યાખ્યા સૌથી વિશેષ ગ્રાહ્ય છે.

બૃહદારણ્યક ઉપનિષદ (૧.૩.૯)ના ભાષ્યમાં તેઓ લખે છેઃ ‘ઉપાસ્ય સંબંધી અર્થવાદમાં શ્રુતિ દ્વારા દેવતાદિનું જેવું સ્વરૂપ જ્ઞાત કરાવાય, તેવી જ રીતે સ્વરૂપને મન દ્વારા ઉપલબ્ધ કરીને તેના ઉપ (સમીપ) આસન કરવું—બેસવું અર્થાત્‌ લૌકિક પ્રત્યયોનું વ્યવધાન ન આવવા દઈને જ્યાં સુધી લૌકિક આત્માભિમાનની જેમ તે દેવતાદિના સ્વરૂપમાં આત્મત્વનું અભિમાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેનું ચિંતન કરવું તે ‘ઉપાસના’ છે, જેમ કે ‘દેવતા થઈને દેવતાઓમાં લીન થાય છે.’

આમ, શ્રીશંકરાચાર્યની દૃષ્ટિએ ધ્યાનની વિષયવસ્તુ કોઈપણ શાસ્ત્રીય વિષયવસ્તુ અથવા ઇષ્ટદેવતા અથવા બ્રહ્મ હોઈ શકે. તદ્‌ ઉપરાંત તે આવશ્યકપણે માનસિક પ્રક્રિયા છે અને તેનો ઉદ્દેશ છે આત્મૈક્ય. પરંતુ ઉપનિષદ સ્વયં જ્ઞાન નથી, આ ખાસ યાદ રાખવાનો મુદ્દો છે. ઉપનિષદ ચિત્તશુદ્ધિ દ્વારા આત્મસાક્ષાત્કાર પ્રતિ દોરી જઈ શકે, પરંતુ આત્મસાક્ષાત્કારથી તે અતિ દૂરનું શાસ્ત્ર છે. ચોક્કસપણે કહેવાય કે જ્ઞાન-સંપાદનની પદ્ધતિ અને ધ્યાન બંનેય માનસિક પ્રક્રિયાઓ છે. પરંતુ વસ્તુ અંગેનું જ્ઞાન જ્ઞાનેન્દ્રિયોના સંસર્ગમાં આવતી વસ્તુ સામે પ્રતિભાવ આપવાનું શરૂ કરે કે તરત જ વસ્તુજ્ઞાન થાય છે. ધ્યાનમાં ધ્યાતાની ઇચ્છા મુખ્ય ભાગ ભજવશે. ધ્યાતાને ધ્યાન કરવું કે ન કરવું કે તે જે પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માને છે તે મુજબ કરવાનું પૂર્ણ સ્વાતંત્ર્ય છે. ‘પંચદશી’માં આનો ભેદ સ્પષ્ટપણે ઉલ્લેખિત કરાયો છે. ‘પંચદશી’ ઉપાસનામાં ‘શ્રદ્ધા’ અંગે પણ ભાર મૂકે છે. સાધકને ધ્યેય-વિષયવસ્તુ તેમજ શાસ્ત્ર-નિર્દિષ્ટ અને ગુરુ-ઉપદિષ્ટ ધ્યાન પદ્ધતિમાં શ્રદ્ધા અચૂકપણે હોવી જોઈએ. જ્ઞાનમાં આવી શ્રદ્ધાની પૂર્વશરત નથી. બીજો મુદ્દો એ છે કે ઉપાસનાની વિષયવસ્તુઓ માત્ર કાલ્પનિક વસ્તુઓ કે વિભાવનાઓ નથી—વળી તે વાસ્તવમાં સાચી જ હોય તે જરૂરી નથી; પરંતુ તે શાસ્ત્ર-પ્રસ્તુત હોવી જોઈએ. આમ જ્ઞાન અને ધ્યાન બંને ભિન્ન છે. તેથી જો વેદોનું દ્વિભાજન કરીએ તો આપણે સ્વાભાવિક રીતે ધ્યાનના ભાગને જ્ઞાન કરતાં કર્મની અંતર્ગત મૂકીશું. શ્રીશંકરાચાર્યના બ્રહ્મસૂત્ર પરના ભાષ્યમાં આ અંગેનું વિશદ અને વિશિષ્ટ વિવેચન જોવા મળે છે.

નિદિધ્યાસન પદનું પણ અંદાજિતપણે ભાષાંતર ધ્યાન તરીકે કરાયું છે. કેટલાક વેદાંતવાદીઓ પણ સામાન્ય અર્થની દૃષ્ટિએ નિદિધ્યાસનને ધ્યાન ગણે છે. પરંતુ સુરેશ્વરાચાર્ય પોતાના વાર્તિકમાં દુઃખપૂર્ણપણે જણાવે છે કે આવું સમાનાર્થીપણું સંભવી શકે નહીં. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય પોતાની પત્ની મૈત્રેયીને કહે છે: आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यो मैत्रेय्यात्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेनेदं सर्वं विदितम्। (૪.૫) વિજ્ઞાન અર્થાત્‌ વિશિષ્ટજ્ઞાન.

અર્થાત્‌, અરે મૈત્રેયી! આ આત્મા જ દર્શનીય, શ્રવણીય, મનનીય અને ધ્યાન કરવા યોગ્ય છે. હે મૈત્રેયી! આ આત્માનાં દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાનથી આ બધાનું જ્ઞાન થઈ જાય છે.

આનું ભાષ્ય કરતાં સુરેશ્વરાચાર્ય કહે છે કે પ્રથમ ચરણમાં નિદિધ્યાસન અને તેના સ્થાને બીજા ચરણમાં વિજ્ઞાન પદની સ્થિતિ સૂચવે છે કે નિદિધ્યાસન એ સાધારણ ધ્યાન નથી પરંતુ તે ઉચ્ચતર કક્ષાનું ધ્યાન છે; જેમાં ઇચ્છાની પ્રભાવકતાનો ભાવ નથી, વિચાર પ્રક્રિયાની સચેતન નિયુક્તિ નથી, કે નથી કોઈપણ પ્રકારની બૌદ્ધિક કૌશલની અભિરુચિ. તે છે ‘હું બ્રહ્મ છું’, તે દૃઢ માન્યતાની નિરંતર ઉપસ્થિતિ અને છતાંય તે અપરોક્ષાનુભૂતિથી નિમ્ન કક્ષાએ છે: अनुवादे यथोक्तानां प्रक्रान्ते दर्शनादिषु। विज्ञानेनेत्यथ कथं निदिध्यासनमुच्यते॥ “ध्यानाऽऽशङ्कानिवृत्त्यर्थं विज्ञानेनेति भण्यते। निदिध्यासनशब्देन ध्यानमाशङ्क्यते यत:॥ अपरायत्तो बोधोऽन्न निदिध्यासनमुच्यते॥ આમ, આપણે એક બાજુ કર્મ અંતર્ગતની ઉપાસના તેમજ જ્ઞાન અંતર્ગતના નિદિધ્યાસનનો ભેદ તપાસ્યો. આપણે જોયું કે તેનું મુખ્ય કાર્ય મનને આત્મસાક્ષાત્કાર કરવા તત્પર કરવાનું છે. સાક્ષાત્કાર માનવ-અસ્તિત્વ પર સમગ્રતયા કાબૂ ધરાવે છે. તે તેની ભાવનાઓને ગહનતર બનાવે છે, ઇચ્છાને દૃઢતર બનાવે છે અને બુદ્ધિને વિસ્તારિત કરે છે. मनसैवानुद्रष्टव्य: એટલું જ કહીને ઉપનિષદો મૂક રહી જતાં નથી, પરંતુ પદ્ધતિનું નિદર્શન કરે છે, જેના દ્વારા અંતઃપ્રેરણા માટે આવશ્યક ચેતનાનો વિકાસ થાય. જેમ આપણે ચીજવસ્તુઓ એકઠી કરીએ છીએ, તેમ વેદાંત અનુસાર આપણે ઈશ્વરપ્રાપ્તિ કે ઈશ્વરદર્શન કરવાનું હોતું નથી. તેથી વિપરીત, આપણે સુષુપ્ત અનંતત્વનું પ્રગટીકરણ કરવાનું છે અને ક્રમશઃ પૂર્ણત્વ પ્રાપ્તિ સુધી વિકસિત થવાનું છે. અંતર્દૃષ્ટિના સ્વયંસ્ફુરિત અને ત્વરિત ઉઘાડ દ્વારા આત્મસાક્ષાત્કાર થાય છે. મનમાંથી સઘળી અશુદ્ધિઓ અને સાંસારિક વિક્ષેપો દૂર કરવાનું કાર્ય ઉપાસના કરી શકે છે અને મનને બ્રહ્મ પર એકાગ્ર કરી શકે છે, જેથી અવરોધ વિહીન આત્મપ્રકાશનું અવતરણ થઈ શકે. દીર્ઘકાલીન પ્રયાસો દ્વારા સર્વોચ્ચ પ્રત્યક્ષ જ્ઞાનની અનુભૂતિ થાય છે, જેમાં આત્મલક્ષી તેમજ વસ્તુલક્ષી તાદાત્મ્ય પૂર્ણતઃ સધાય છે. ઉપાસના આ પ્રારંભિક સોપાનોમાં સહાયભૂત થાય છે.

આપણે કેટલાંક દૃષ્ટાંતો જોઈએઃ પ્રવાહણ જૈવલિએ કેટલાક બ્રાહ્મણોને ઉપાસના શીખવી, જેમાં બ્રહ્મ તરીકે અનુભૂત સર્વોચ્ચ સ્થિતિમાં આત્મવિલીનીકરણ ન થાય ત્યાં સુધી પરિકલ્પનાને પરિચાલિત કર્યા કરવાની છે. આમ सामन्‌ ને वाक्‌ માં અવસ્થિત બતાવ્યા છે, જે प्राण પર અવલંબિત છે; જે પુનઃ अन्न પર આશ્રિત છે, જે અન્ન-જળની સહાયથી ઉત્પન્ન થાય છે. જળ ઊર્ધ્વ આકાશમાંથી ઉદ્‌ભવે છે. તે જડ પૃથ્વી પર અવસ્થાન કરે છે. આ પૃથ્વી બધી ચીજો પૈકીના સૂક્ષ્મતમ બ્રહ્મ પર આશ્રિત છે. આમ, આશ્રિતતાની શૃંખલાને સુદૂર પર્યંત લંબાવ્યા જઈએ છીએ અને આપણે પરમ સત્તાના સાન્નિધ્યથી દૂર રહી શકતા નથી. આ છે ઊર્ધ્વ ક્રમે વિકસતું જતું ધ્યાન.

અન્ય ઉપાસનામાં આ ઊર્ધ્વ ક્રમને ક્રમિકતા તથા વિસ્તરણ સાથે જોડવામાં આવ્યો છે. અત્રે તેનો અલ્પ ઉલ્લેખ કરી શકાય. हाउ, हाई, अथ વગેરે જેવા અર્થ વિહીન શબ્દો પર ધ્યાન કરવાનું કહેવામાં આવે છે જે સામગાનમાં પૂર્ણ સ્વરપ્રાપ્તિ નિમિત્તે પ્રયોજવામાં આવે છે. આપણે हाउને પૃથ્વી, हाईને વાયુ, अथને ચંદ્ર એમ અવધારણા કરવાની છે. અંતમાં પાંચ ભાગમાં વિભાજિત થયેલ साम ગાન પ્રાપ્ત થાય છે. અંતિમ ચરણમાં सामની પરમ ઐક્ય રૂપે અવધારણા થાય છે ત્યારે સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ત્રણેય લોક, ત્રણેય વેદ, સઘળું સ્થૂળ આકાશીય તારામંડળ, સઘળા જીવો અને બધી સૂક્ષ્મ વસ્તુઓ સુધ્ધાંના साम સાથેના તાદાત્મ્યનો બોધ કરાય છે. જે આમ ધ્યાન કરે છે તે બધાંય સાથે એકીભૂત થઈ જાય છે એમ કહીને ઉપનિષદ ઉપાસનાનો ઉપસંહાર કરે છે.

ઉપનિષદોએ બહિર્મુખી અનંત વિસ્તારનું પ્રબોધન કર્યું છે છતાંય તેઓ સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુમાં પણ ધ્યાન પ્રક્રિયાના નિયોજન બાબતે સાવધ રહ્યાં છે. આમ બધાં તત્ત્વો પૈકીનું સર્વોત્કૃષ્ટ સર્જન હોવાને કારણે પૃથ્વીને સર્વ તત્ત્વોના સારરૂપ કહેવાય છે. જળ પૃથ્વીનું સારતત્ત્વ છે, કારણ કે તે પૃથ્વીના કણોને એકીભૂત કરે છે. વનસ્પતિ અર્થાત્‌ વનસ્પતિના રસ જળનું સારતત્ત્વ છે; કેમ કે તે જીવન ધારણ કરાવે છે. આ રસોનું સારતત્ત્વ છે મનુષ્ય, કારણ કે તે બળ પ્રદાન કરે છે. વાણી એ મનુષ્યનું સારતત્ત્વ છે, કારણ કે તે મનુષ્યને પશુઓથી જુદો તારવે છે. ऋक्‌ મંત્રો વાણીનું સારતત્ત્વ છે. साम ऋक्‌ નું સારતત્ત્વ છે, કેમ કે વાણીની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે સંગીત. સર્વ सामનું સારત્ત્વ છે ओम.  ओमिति ब्रह्म. આમ, સારતત્ત્વોની શોધપ્રક્રિયા દ્વારા આપણને બ્રહ્મની ઉપલબ્ધિ થાય છે. અંતે આપણે એ નિષ્કર્ષ પર આવીએ છીએ—સર્વ કંઈ ૐમાંથી પ્રસૂત છે. ઓમ આ સર્વરૂપ છે. વિગમન અને નિગમનની દ્વિવિધ પ્રક્રિયા આપણને વસ્તુના કેન્દ્ર પ્રતિ દોરી જાય છે અને વૈશ્વિક દૃષ્ટિબિંદુ પ્રદાન કરે છે.

જીવનના વિવિધ સ્તર અને અધિકારીપણાના આધારે વિવિધ ઉપાસનાઓ પ્રસ્તુત કરવામાં આવી છે. વિજ્ઞાતમાંથી અવિજ્ઞાત અને સ્થૂળથી સૂક્ષ્મ—એ તેમનો ઉપદેશ હતો. ઉપાસનાકાંડ માત્ર વાનપ્રસ્થીઓ માટે જ હતો, એમ માનવું ભૂલભરેલું છે. ઉદાહરણ તરીકે સંહિતોપનિષદ અનુસાર ઉપાસનાઓ શિષ્યો માટે પણ છે. ગૃહસ્થો માટે પંચાગ્નિ વિદ્યા છે. યજ્ઞમાં નિયુક્ત પુરોહિતો—મંત્રગાન કરનારા, આહુતિ આપનારા, સામનું ગાન કરનારા—માટે પણ પર્યાપ્ત ઉપાસનાઓ હતી. વળી નિવૃત્તો માટેની પણ ઉપાસના હતી. તેઓએ પ્રચલિત પ્રકારે આનો પ્રારંભ કર્યો હતો—શિષ્યોએ અક્ષરજ્ઞાનથી, સાધારણ લોકોએ કર્તવ્ય-કર્મથી, ચિંતકોએ વિભાવનાઓથી અને ધ્યાન કરનારાઓએ નિમ્નકક્ષાના ધ્યાનથી પ્રારંભ કર્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાનો ઉદ્દેશ છે સ્થૂલનું સૂક્ષ્મમાં, વ્યષ્ટિનું સમષ્ટિમાં, અતીતનું વ્યાપકતામાં વિલીનીકરણ. આમ તે આપણને પ્રત્યેક કક્ષાએ અધિભૂત, અધિદૈવ અને અધ્યાત્મના તાદાત્મ્યની યાદ અપાવે છે. હકીકતમાં ઉપાસનાનો ઉદ્દેશ માત્ર બૌદ્ધિક જ્ઞાનપ્રાપ્તિ નથી પરંતુ આધ્યાત્મિક તાદાત્મ્ય પણ છે.

આગળ જોયું કે ઉપાસનામાં ઘણાં ભક્તિપરક તત્ત્વો છે. તે માત્ર વિચાર નથી. એમાં ભાવના અને સંકલ્પને અવકાશ છે. હેતુને નિશ્ચયપૂર્વક દૃઢતાથી વળગી રહેવાનું છે અને સંકલ્પને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખવાનો છે. અને સાકાર ઈશ્વર પ્રત્યેના અનુરાગ કરતાં તેનાથી ઉચ્ચતર આદર્શ એવા સચ્ચિદાનંદ પ્રત્યેના અનુરાગને મધુર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપનિષદો ભક્તિ સંપ્રદાયો સાથે સુમેળપૂર્વક ઈશ્વરનો પ્રેમ રૂપે સ્વીકાર કરે છે. કારણ કે ઉપનિષદો વદે છે—रसो वै स:—તે રસસ્વરૂપ છે.  कं બ્રહ્મ, खं બ્રહ્મ. બ્રહ્મ પરમાનંદ છે, બ્રહ્મ અનંત છે અને આ સર્વ જીવો બ્રહ્મમાંથી ઉદ્‌ભવે છે, જન્મ પછી બ્રહ્મમાં જીવે છે અને બ્રહ્મ પ્રતિ ગતિ કરે છે, અંતે બ્રહ્મમાં લીન થાય છે. સાકાર ઉપાસનાના દૃષ્ટાંતરૂપે છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યમાં અવસ્થિત દિવ્ય-સત્તાના ધ્યાનનો ઉલ્લેખ છે. તેની દાઢી સુવર્ણમય છે, તેના વાળ સુવર્ણમય છે, એના નખનો અગ્રભાગ સુધ્ધાં બધું જ સુવર્ણમય છે. તેનાં નેત્રો કમળ જેવાં રક્તિમ્‌ છે. આ સુવર્ણમય સત્તા સૂર્યમાં નિવસે છે અને તે સર્વ અશુદ્ધિઓથી પર છે. મુંડકોપનિષદમાં અગ્નિને તે પરમ પુરુષનું મસ્તક, સૂર્ય-ચંદ્રને તેનાં નેત્રો, વેદોને તેની ગિરા, પૃથ્વીને તેનાં ચરણો એવું બધું વર્ણન છે. ઉપનિષદોમાં ઈશ્વર સાથેની તદાકારિતાનો ઉલ્લેખ છે. મુંડકોપનિષદ ૐની સહાયથી ઈશ્વર પર મનની એકાગ્રતાની પ્રક્રિયાની સુંદર ઉપાસના શીખવે છે.

મુંડકોપનિષદનો સંદેશ છે: પ્રણવ ધનુષ છે, (સોપાધિક) આત્મા બાણ છે અને બ્રહ્મ તેનું લક્ષ્ય કહેવાય છે. તેનું સાવધાનીપૂર્વક વેધન કરવું જોઈએ અને બાણની જેમ તન્મય થઈ જવું જોઈએ. અર્થાત્‌ ‘ૐ મોટા ધનુષ્ય જેવો છે અને જીવાત્મા એ ધનુષ્યમાં રાખવા માટેનું બાણ છે. એ બાણને ધ્યાનથી તીક્ષ્ણ બનાવો. પછી એ ધનુષ્યને જોરથી ખેંચો, એટલે કે દુનિયાના વિચારોથી મનને પાછું ખેંચી લો અને એને બ્રહ્મ સામે તાકો. એ બ્રહ્મ તમારું લક્ષ્ય છે. એ બ્રહ્મને મનથી ભેદી નાખો.’

સ્વાભાવિકપણે એમ વિચારી શકાય કે આ પ્રકારની ભક્તિમય ઉપાસનાઓ ઘણી વાર સાકાર અને નિરાકાર સ્વરૂપની પ્રાર્થનાઓ સાથે સંયુક્ત હતી. શ્વેતાશ્વતર ઉપનિષદમાં (૩.૬) ભક્ત ભગવાન શિવને વિનવણી કરતાં પ્રાર્થના કરે છેઃ

यामिषुं गिरिशन्त हस्ते बिभर्ष्यस्तवे।
शिवां गिरित्र तां कुरु मा हिंसीः पुरुषं जगत्॥

‘હે ગિરિશન્ત! જીવો તરફ ફેંકવા માટે તમે પોતાના હાથમાં જે બાણ ધારણ કરી રાખ્યાં છે, હે ગિરિત્ર! તેને મંગલમય કરો, કોઈ જીવ કે જગતની હિંસા કરશો નહીં.’ આવી ઐહિક કલ્યાણની પ્રાર્થના સાથે નૈતિક અને આધ્યાત્મિક ઉદ્ધાર અર્થેની આતુરતાપૂર્વકની પ્રાર્થના પણ જોવા મળે છે.

असतो मा सद्गमय।
तमसो मा ज्योतिर्गमय।
मृत्योर्माऽमृतं गमय।।

અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લ‍ઈ જા.

कृषिर्भूवाचक: शब्दो णश्च निवृत्तवाचकः।
तयोरैक्यं परं ब्रह्म कृष्ण इत्यभिधीयते।

कृषि: भू એ સત્તાવાચક છે અને ण નિવૃત્તિવાચક છે અને તે બંનેની એકતા પરબ્રહ્મ કૃષ્ણ કહેવાય છે. તેવી જ રીતે પ્રાચીનતર ઉપનિષદો અક્ષરો અને સ્વરની સૂચકતા આધારિત ઉપાસનાઓ પ્રસ્તુત કરે છે. છાંદોગ્ય ઉપનિષદ (૮.૩.૩) કહે છેઃ હૃદય એ પરમાત્માનું ધામ છે. કેમ કે તેનો વ્યુત્પત્તિકારક અર્થ છે, ‘તે હૃદયમાં છે.’

બૃહદારણ્યક ઉપનિષદ (૫.૩.૧) વિસ્તારપૂર્વક આ ઉપાસનાનું સ્વરૂપ બતાવે છેઃ ‘આ પ્રજાપતિ છે—हृदय (બુદ્ધિ). તે બ્રહ્મ છે. તે બધું જ છે. हृदयના ત્રણ અક્ષર છે. हृ એક પહેલો અક્ષર છે, જે તેનું ધ્યાન કરે છે તેનાં સગાંસંબંધી તેના માટે ઉપહાર લાવે છે. द બીજો અક્ષર છે, જે તેનું ધ્યાન કરે છે તેને તેનાં સગાંસંબંધીઓ પોતાની શક્તિઓ બક્ષે છે. य છે ત્રીજો અક્ષર, જે તેનું ધ્યાન કરે છે તે સ્વર્ગે જાય છે.

સંહિતાઓમાં આવા ભક્તિપૂર્ણ ખ્યાલો, પ્રાર્થનાઓ અને ધ્યાન-પદ્ધતિઓ પ્રચુર માત્રામાં જોવા મળે છે. પ્રાચીનતર ઉપનિષદોમાંના એક શ્વેતાશ્વતર ઉપનિષદ (૬.૨૮)માં ભક્તિનું નિરૂપણ કરતાં લખવામાં આવ્યું છે:

‘જેની પરમેશ્વરમાં અત્યંત ભક્તિ છે અને જેવી પરમેશ્વરમાં છે તેવી જ ગુરુમાં પણ છે; તેવા મહાત્મા જ આત્મા-પરમાત્માનો ઉપદેશ ગ્રહણ કરી શકે છે.’

કૃપાના સંદર્ભમાં જપ વિષયક સૂચનો છે. यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम्‌॥ અર્થાત્‌ જેનું તે વરણ કરે છે, તેની સમક્ષ તે પ્રગટ થાય છે અને  वदेप्रसादात्‌ તેમજ धातु: प्रसादात्‌ (શ્વેતાશ્વતર ઉપનિષદ ૬.૨૧ અને ૩.૨૦) અર્થાત્‌ પરમાત્માની કૃપા દ્વારા. વેદોમાંનાં આ ઉદાહરણો એ બાબતનું ખંડન કરે છે કે ભક્તિ એ પૌરાણિક કાલીન વિકાસ છે. ભક્તિપરક ઉપાસનાનાં કથનો ઉપનિષદોમાં અત્રતત્ર જોવા મળે છે. પરંતુ ઉપનિષદો આટલેથી જ અટકતાં નથી, તેઓ પોતાના ઉદ્દેશને આગળ ધપાવે છે. તેઓ સાકાર ઈશ્વરથી પર, બધાંનું અતિક્રમણ કરીને નિરાકાર બ્રહ્મની અવધારણા કરે છે. તેથી તેઓ ઉદ્‌ઘોષણા કરે છેઃ यो वै भूमा तत्सुखं नाल्पे सुखमस्ति भूमैव सुखं भूमा त्वेव विजिज्ञासितव्य इति भूमानं। અર્થાત્‌ જે અનંત છે તે જ શુભ છે, અલ્પમાં સુખ નથી. સુખ અનંતમાં જ છે. અનંતની જ વિશેષરૂપે જિજ્ઞાસા કરવી જોઈએ.

આત્મૈક્ય દ્વારા ધ્યાન

વિશ્વભરમાં ક્યાંય ન મળે એવી ઔપનિષદિક લાક્ષણિકતા અહીં જોવા મળે છે. ઉપનિષદોએ અનંતત્વનું માત્ર અન્વેષણ જ કર્યું ન હતું પરંતુ સચરાચર જગતમાં સ્વ સાથેના પરમતત્ત્વના તાદાત્મ્યની ઉપલબ્ધિ પણ કરી હતી. તેઓએ સૌ પ્રથમ અનુભૂતિ કરી सर्वं खल्विदमेवाहं नान्यदस्ति सनातनम्। તત્પશ્ચાત્‌ અનુભૂતિ કરી હતી अहम् ब्रह्मास्मि। અર્થાત્‌ ‘સર્વ કંઈ બ્રહ્મ છે’ અને ‘હું બ્રહ્મ છું.’

આમ, ઉપનિષદોનું કાર્ય હતું સાધકને આત્મૈક્યની અનુભૂતિ માટે તૈયાર કરવાનું. સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધવાના સાધનરૂપે ઋષિઓએ ‘અહંગ્રહ ઉપાસના’ શોધી. આમાં સાધક સ્વયંની બ્રહ્મરૂપે અનુભૂતિ કરે છે. એક પ્રકારના ધ્યાનમાં વિરાટનું અન્નરૂપે ચિંતન કરવામાં આવે છે, જેમાં ઊર્ધ્વગતિ કરતા રહીને સચરાચરનું તેના કારણરૂપ અન્નના ઉપભોક્તામાં વિલીનીકરણ થાય છે. આમ જ્યારે બધુંય વિરાટ સાથે તદાકાર થાય છે અને કાર્ય-કારણ પોતાનું દ્વૈત ગુમાવે છે ત્યારે સાધક અદ્વૈત વિરાટ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરે છે. ટૂંકમાં, આ છે સંવર્ગ વિદ્યા કે ધ્યાન. બ્રહ્મના પ્રતીકરૂપે સ્વીકૃત ગાયત્રી પર આધારિત અન્ય પ્રકારની પણ ઉપાસના છે.

આ ઉપાસના સર્વસમાવેશક અને બ્રહ્મની જેમ અનંત સ્વરૂપે બતાવાઈ છે. આમાં સાધક ગાયત્રી-બ્રહ્મ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરે છે—અસ્તિત્વમાન સર્વ જીવો ખરેખર ગાયત્રી છે. વાક્‌ ખરેખર ગાયત્રી છે. કેમ કે વાક્‌ ખરેખર ઉચ્ચારણ કરે છે, બધાં પ્રાણીઓનું રક્ષણ કરે છે. અત્રે બ્રહ્મ એટલે દેહના બાહ્યભાગે આવેલ આકાશ. અંદરનું આકાશ અને બહારનું આકાશ ખરેખર સમાન છે. દેહની અંતર્ગતના આકાશ અને બાહ્યભાગના આકાશમાં કોઈ ભેદ નથી. આ આકાશ-બ્રહ્મ અનંત છે. ઔપનિષદિક મંત્રદ્રષ્ટા-ઋષિઓ ધ્યાન અને મનોસંકલ્પની ઉપાદેયતા અંગે અત્યંત સ્પષ્ટતયા અવગત હતા.

सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिदमभ्यात्तोऽवाक्यनादर एष म आत्मान्तर्हृदय एतद्ब्रह्मैतमितः॥ (છાંદોગ્ય ઉપનિષદ-૩.૧૪.૧)

શ્રદ્ધા વિશે પણ ઉપનિષદ કહે છે કે મનુષ્ય તેની શ્રદ્ધા દ્વારા ઓળખાય છે. જેવું તે વિચારે છે તેવો તે બને છે. તેથી તેને શ્રદ્ધા હોવી જોઈએ. ‘દૃઢ માન્યતા કરતાં ધ્યાન સાચે જ ઉચ્ચતર છે. પૃથ્વી ધ્યાનમગ્ન છે, આકાશ ધ્યાનમગ્ન છે; સ્વર્ગ, જળ, પર્વતો, મનુષ્યો, દેવો સર્વ ધ્યાનમાં છે. મનુષ્યો પોતાનો ઊર્ધ્વ-વિકાસ ધ્યાન દ્વારા પામે છે તેથી ધ્યાન બ્રહ્મ છે’—એમ છાંદોગ્ય ઉપનિષદ કહે છે.

ઉપર્યુક્ત બંને ઉદ્ધરણો અહંગ્રહ ઉપાસના સાથે સવિશેષ સુસંગત છે. સંક્ષેપમાં કહીએ તો મનના પ્રશિક્ષણ માટે ઉપનિષદો ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ કે યોગના આચરણથી સંતુષ્ટ ન હતાં. તેઓએ આ બંને પદ્ધતિઓનું સુસંકલન કર્યું અને સર્વોચ્ચ સિદ્ધિરૂપે અપરોક્ષાનુભૂતિનું નિદર્શન કર્યું અર્થાત્‌ આત્માની બ્રહ્મરૂપે પ્રત્યક્ષ અનુભૂતિ, વ્યષ્ટિની સમષ્ટિરૂપે અનુભૂતિ. ઉપનિષદોની દૃષ્ટિએ જીવનનો ઉદ્દેશ આત્મજ્ઞાન નહીં, પરંતુ પરમાત્મૈક્ય છે.

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.