બ્રાહ્મણત્વના આદર્શ વિશે ભગવાન બુદ્ધ

ઈસુ પૂર્વેની સાતમી સદીમાં ભારતમાં ભગવાન બુદ્ધ જન્મ્યા અને, એમણે પ્રેમ અને કરુણાનો પોતાનો સંદેશ આપ્યો તથા, જ્ઞાતિનાં અને વર્ગોનાં બંધનોને અવગણી બધી જ્ઞાતિઓના અને બધા વર્ગોના લોકોને પોતાના સાધુ સંપ્રદાયમાં પ્રવેશ આપ્યો હતો. પરંતુ બ્રાહ્મણત્વના આદર્શ પ્રત્યે તેમણે ઊંચો આદર દાખવ્યો હતો. સુત્ત પીટકના ખુદ્દક નિકાયના ભાગરૂપ, મહાન બૌદ્ધ ગ્રંથ, ધમ્મપદમાં બ્રાહ્મણના આદર્શની પ્રશંસા કરવામાં આવી છે. ધમ્મપદ (ના ડો. સ. રાધાકૃષ્ણનના અંગ્રેજી અનુવાદ; અધ્યાય ૨૬મો, ઓક્સફોર્ડ યુનિ. પ્રેસ, દસમું મુદ્રણ)માંથી કેટલાક ચૂંટેલા શ્લોકો આપું છું:

 यस्यं पारं अपारं वा पारापारं न विज्जति ।
वितदृरं विसंयुत्तं तं अहं ब्रुमि ब्राह्मणं ॥३॥

‘જેને માટે પાર કે અપાર નથી તેમ જ બંને નથી, જે ડર અને બંધનથી મુક્ત છે તેને હું બ્રાહ્મણ કહું છું.’

झायिं विरजमासीनं कतकिच्चं अनासवं ।
उत्तमत्थमनुप्पतं तमहं ब्रुमि ब्राह्मणं ॥४॥

‘ધ્યાની, વાસનામુક્ત, સ્થિર, કૃતકૃત્ય, કલંક વગરનો અને ઉત્તમ અર્થ પ્રાપ્ત કરેલો હોય તેને હું બ્રાહ્મણ કહું છું.’

बाहितपापो ति ब्राह्मणो समचरिया समणो ति वुच्चति ।
पब्बाजयमत्तनो मलं तस्मा पब्बजितो ति वुच्चति ॥ ६॥

‘પાપને દૂર કર્યું હોવાથી એ બ્રાહ્મણ કહેવાય છે; સમચર્ચાથી સમણ – શ્રમણ – કહેવાય છે; પોતાનો મેલ કાઢી નાખેલો (પ્રવ્રજિત કરેલો) હોઇ એ પબ્બજિત (પ્રવ્રજિત) કહેવાય છે.

 यस्स कायेन वाचाय मनसा नत्थि दुक्कतं ।
संवुतं तीहि ठानेहि तमहं ब्रूमि ब्राह्मणं ।। ९ ।।

‘જે કાયાથી, વાચાથી કે મનથી દુષ્કૃત કરતો નથી, જે ત્રણેય સ્થાનેથી સંવૃત છે, તેને હું બ્રાહ્મણ કહું છું.’

न जटाहि न गोत्तेन न जच्चा होति ब्राह्मणो ।
यम्हि सच्चं च धम्मो च सो सुची सो च ब्राह्मणो ॥ ११ ॥

‘જટાથી, ગોત્રથી, જ્ઞાતિથી બ્રાહ્મણ થતો નથી; જેનામાં સત્ય અને ધર્મ છે તે બ્રાહ્મણ છે.

गम्भीरपञ्ञं मेधाविं मग्गामग्गस्स कोविदं ।
उत्तमत्थं अनुप्पत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ २१ ॥

‘ગંભીર પ્રજ્ઞાવાળા, મેધાવી, માર્ગ અને અમાર્ગના મેળવનાર હોય તેને હું બ્રાહ્મણ કહું છું.’

અને આજના યુગમાં, બધા જ્ઞાતિભેદની અને અસ્પૃશ્યતાની આકરી ટીકા કરનાર સ્વામી વિવેકાનંદે, માનવ ઉત્ક્રાન્તિના આ બ્રાહ્મણત્વના આદર્શને આગળ ધર્યો છે. ( સ્વામી વિવેકાનંદ ગ્રં.મા.,ભાગ-૪માં પૃ.૧૬૬) ‘ભારતનું ભાવિ’ પરના પ્રવચનમાં સ્વામીજી કહે છે :

‘બ્રાહ્મણત્વ એ ભારતમાં માનવતાનો આદર્શ હોવાનું શંકરાચાર્યે ગીતા ઉપરના પોતાના ભાષ્યમાં સુંદર રીતે રજૂ કર્યું છે. બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ, ઈશ્વરદર્શી માનવી, જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે તે આદર્શ મનુષ્ય, પૂર્ણ પુરુષ રહેવો જ જોઈએ.’

અને જ્ઞાતિવાદનાં અનિષ્ટોની વાત કરતાં, વિશિષ્ટ અધિકારોના ઉચ્ચ વર્ણોના દાવા વિશે બોલતાં (એજન, પૃ. ૧૬૯ પર) એમણે કહ્યું હતું :

‘વિશિષ્ટ હક્કોના અને ખાસ અધિકારોના દિવસો હવે ચાલ્યા ગયા છે. સર્વ પ્રકારની આપખુદી અને જોહુકમીની ફરજ છે કે તેણે હવે પોતાનું જીવન સંકેલી લેવું; જેટલું વહેલું તે એમ કરશે તેટલું વધુ સારું છે; જેમ વધુ મોડું કરશે તેમ એ વધુ ગંધાશે અને વધુ ખરાબ મોતે મરશે.’

પાછોતરી સદીઓમાં એ મહાન શબ્દ બ્રાહ્મણને આપણે વિકૃત કર્યો છે અને એનો અર્થ જ્ઞાતિબદ્ધ, જાતને ઊંચેરી માનતો માણસ, જે બીજી બધી જ્ઞાતિઓને નીચી ગણે છે. ઓછા અધિકારોવાળા અને અધિકારહીન લોકોની વચ્ચે રહી, પોતાને માટે વિશેષાધિકારનો દાવો કરતા રહી બ્રાહ્મણ જ્ઞાતિએ આ મહાન શબ્દની છેલ્લાં હજાર વર્ષોથી અવનતિ કરી છે. અર્વાચીન ભારતની વિવેકબુદ્ધિએ એની સામે બંડ પોકાર્યું છે અને, ભારતીય સમાજમાંથી આ અનિષ્ટોને કાઢવા માટે જોરદાર પગલાં લેવા માંડ્યાં છે.

ઉપનિષદોમાંથી, બુદ્ધ અને શંકરાચાર્ય મારફત, આપણને શીખવવામાં આવ્યું હતું કે, જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે અને જે વ્યક્તિ પ્રેમ અને કરુણાથી પૂર્ણ બની છે તેવી વ્યક્તિ તે બ્રાહ્મણ. અને આ પ્રસ્તાવનાના ખંડમાં બ્રાહ્મણમાંથી બનેલો ભાવવાચક શબ્દ બ્રાહ્મણત્વ વાપરવામાં આવ્યો છે જે, મનુષ્યનો એક પ્રકાર સૂચવે છે. બ્રાહ્મણત્વ કોઈ વ્યક્તિ કે સમૂહનો નિર્દેશક શબ્દ નથી પરંતુ, માનવ ઉત્ક્રાન્તિની એક ઊર્ધ્વ કોટિ નિર્દેશે છે ને એ, કોઈ વર્ણ, વર્ગ કે, રાષ્ટ્ર પૂરતો મર્યાદિત નથી. રશિયા, અમેરિકા, ચીન અને સર્વત્ર, બ્રાહ્મણ પ્રકારનાં મનુષ્યો જોવા મળે છે. આપણામાં એક આશ્ચર્યકારક માન્યતા છે કે, પૃથ્વી પર દિવ્ય અવતાર આવે છે; કોઈ સામાજિક સુધારણાનું મંડાણ એ અવતાર કરતો નથી કારણ, સામાજિક કોયડાઓને ઉપરછલી રીતે હાથ ધરવાની વાત એ રોગની નહીં પણ રોગનાં ચિહ્‌નોની સારવાર કરવા જેવી વાત છે. અવતાર નવું મૂલ્યતંત્ર આપે છે; એ તંત્ર લોકોનાં હૃદયોને અને મનને ધીમે ધીમે પ્રેરે છે ને એમાંથી, બધા આવશ્યક સામાજિક સુધારાઓ આપતી નૈતિક અને માનવીય જાગ્રતિ આવે છે. બે બાબતોની સ્થાપના માટે એ આવે છે : સનાતન ધર્મના ગૌરવ અને વૈશ્વિકતા માટે અને, જેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી મનુષ્ય ઉત્ક્રાન્તિનું ધ્યેય સિદ્ધ કર્યું હોય, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું જે મૂર્તિમંત સ્વરૂપ હોય તેના રક્ષણ માટે.

બધાં લોકોએ એ દિશામાં વિકાસ સાધવો જોઈએ. भौमस्य ब्रह्मणो ब्राह्मणत्वस्य रक्षणार्थम्  સાથે શ્રીકૃષ્ણના અવતારને સંબંધ હતો. – भौमस्य ब्रह्मणो: – જગતનું બ્રહ્મ એટલે વેદો, જેમાં આ વૈશ્વિક ચિંતન રહેલું છે તે વેદોનું પ્રચંડ તત્ત્વદર્શન અને અધ્યાત્મ. આ તત્ત્વજ્ઞાન વિશે પ્રશ્ન કરતાં કોઈએ ડરવાની જરૂર નથી. પ્રશ્નોને એ આવકારે છે કારણ, એ ખૂબ તર્કબધ્ધ છે અને પ્રયોગશીલ છે. બીજું, જ્ઞાતિ, ધર્મ, રાષ્ટ્ર કે વંશમાં વિભાજિત નહીં એવી સમગ્ર માનવજાતિ વિશે વિચારતું એ વૈશ્વિક છે. વૈદિક પરંપરાની એ અગત્ય છે. એથી એ કહે છે -भौमस्य ब्रह्मणो અને – ब्राह्मणत्वस्य रक्षणार्थं. વેદો અથવા શ્રુતિ અથવા, ઉપનિષદોમાં પરમેશ્વર અને માનવજાત માટે માત્ર વૈશ્વિક સિદ્ધાંતો છે. એના અને, શ્રુતિને પોતાના જીવનમાં મૂર્તિમંત કરનાર વ્યક્તિના રક્ષણાર્થે શ્રીકૃષ્ણ આવ્યા હતા. આપણી પરંપરામાં અને આપણા સાહિત્યમાં આ બે બાબતો ઉપર સદાય ભાર મુકાતો આવ્યો છે. જેણે આ દ્વિવિધ ધર્મ પ્રચલિત કર્યો અને જેણે આ જગતને સ્થિર કરવા માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિના દૃષ્ટાંતરૂપ પ્રજાપતિઓને અને કુમારોને સર્જ્યા અને એમ કરીને જગતને વિમાર્ગે જતું અટકાવ્યું તે નારાયણ સ્વયં વસુદેવ અને દેવકીના પુત્ર તરીકે જન્મ્યા; એ અવતારનો હેતુ એ હતો કે જીવનની આધ્યાત્મિક વૃત્તિને, શ્રુતિના મહાન સંદેશને, બ્રાહ્મણત્વને સબળ કરવું; અવતારના કેન્દ્રમાં એ તત્ત્વ છે.

બૌદ્ધ ધર્મ બ્રાહ્મણ વિરુદ્ધ છે એમ આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આ મહાન ગ્રંથોમાં રજૂ કરાયેલો બ્રાહ્મણ ગોરપદું કરતા બ્રાહ્મણથી ભિન્ન છે એ નહીં સમજવાથી, આવી અનેક બાબતોને પાશ્ચાત્ય લેખકો ખોટી રીતે રજૂ કરે છે. પવિત્ર અને વિશુદ્ધ હોય એવા અનેક બ્રાહ્મણો થઈ ગયા છે. સમાજને ત્રાસદાયક હોય એવા પુરોહિત બ્રાહ્મણોને આજે આપણે જોઈએ છીએ. પરંતુ એ શબ્દનો ખરો અર્થ ભૂલશો જ નહીં ને તેથી બુદ્ધાવતારમાં ભગવાન બુદ્ધે પણ આ વ્યક્ત કરેલ છે. બ્રાહ્મણો માટે એમને ઘણો આદર હતો. શ્રેષ્ઠ આધ્યાત્મિક અને બૌદ્ધિક પરિશ્રમને માટે બ્રાહ્મણો ખ્યાત છે એ બુદ્ધ જાણતા હતા. વળી બ્રાહ્મણોનું જીવન ખૂબ સાદગીભર્યું છે તે પણ એ જાણતા હતા. આ આદર્શથી ઊણા ઊતરે એવા લોકો હતા જ પણ, તેથી આદર્શને વીસરવો જોઈએ નહીં. બુદ્ધના સંવાદોમાં બ્રાહ્મણ અને શ્રમણ શબ્દો વારંવાર આવે છે. બુદ્ધ કહે છે કે બ્રાહ્મણ અને શ્રમણ બંનેનો આદર કરો. સામાન્ય રીતે બ્રાહ્મણો ગૃહસ્થો છે અને શ્રમણો સાધુઓ છે. સાત્ત્વિક જીવન જીવતા ગૃહસ્થોનો પણ આદર કરવાનો છે.

કોઈપણ જાતના વેર કે દ્વેષ વિના અને, પ્રેમ અને કરુણાથી પૂર્ણ હૃદય સાથે, પ્રત્યેક મનુષ્યમાં બ્રાહ્મણ થવાની શક્તિ છે એમ આપણે અતિ પ્રાચીન કાળથી સમજતા હતા. આજના કાળમાં આપણી વચ્ચે મહાત્મા ગાંધી હતા. એક અર્થમાં, જ્ઞાતિની દૃષ્ટિએ, એ વૈશ્ય હતા પરંતુ, ચારિત્ર્યથી એ બ્રાહ્મણ હતા. કોઈની પ્રત્યે કદી પણ, દક્ષિણ આફ્રિકામાં એમને દંડા મારનાર પોલીસ પ્રત્યે પણ, એમનામાં દ્વેષભાવ ન હતો અને, કોર્ટમાં જઈ એ પોલીસ સામે જુબાની દેવાની એમણે ના પાડી હતી. આજે પણ આવા લોકો આપણી વચ્ચે વસે છે અને, ગાંધીજી જેવા મનુષ્યો, એ સ્થિતિની સિદ્ધિ અશક્ય નથી તે બાબતની આપણને ફરીવાર ખાતરી આપે છે. તો આપણે શું કરવાનું?

ઉત્ક્રાંતિના તખ્તા પર માનવપ્રાણીના આગમન પછી, જૈવિક ઉત્ક્રાંતિનું મહત્ત્વ નથી રહ્યું એમ અર્વાચીન જીવશાસ્ત્ર જણાવે છે; મનુષ્યોનાં વિકસિત મગજ આશ્ચર્યો સર્જી શકે છે; ઉત્ક્રાંતિનો વિકાસ હવે આપણે ઉચ્ચતર કક્ષાએ શોધવાનો છે અને, સર જુલિયન હક્‌સ્લી એને મનોસામાજીક ઉત્ક્રાંતિ કહે છે ત્યારે વેદાંત એને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કહે છે. માનવ ઉત્ક્રાંતિનું ધ્યેય જીવશાસ્ત્રને હજી સુધી હાથ લાગ્યું નથી. પરંતુ, એ ધ્યેય હવે રાશિ વિકાસ પર નહીં પણ ગુણ વિકાસ પર આધાર રાખશે એવું તારણ એણે કાઢ્યું છે. બ્રાહ્મણના આદર્શમાં ભારત એ ગુણને એની પૂર્ણતાએ જુએ છે. આ આદર્શ છે ને આ કેટલાંક ઉદાહરણો છે; તમે એ દિશામાં આગળ વધો. તમે તમસથી ભરપુર સામાન્ય માનવી ભલે હો. એમાં કંઈ વાંધો નથી પરંતુ, જીવનમાં પ્રગતિ છે અને એ પ્રગતિ એ દિશામાં કરો. લોકો સમક્ષ આ આદર્શ રાખવામાં આવશે ત્યારે, સમગ્ર ભારત બદલાઈ જશે. તમારી તાકાત મુજબ તે દિશામાં ધપો. એક પગલું, બીજું પગલું, ત્રીજું પગલું અને, તમારા જીવનમાં કેવું તો પરિવર્તન આવી લાગશે! માનવ ઉત્કૃષ્ટતાની આ બ્રાહ્મણત્વની ભારતીય વિભાવના રશિયા, જર્મની, ચીન, સર્વત્ર લાગુ પડે છે. સામાજિક ઉત્ક્રાંતિનું ધ્યેય એ છે એ સમજવાની આપણને આજે જરૂર છે. મોટાભાગનું પ્રવર્તમાન સમાજશાસ્ત્ર સામાજિક સંખ્યાશાસ્ત્ર છે પરંતુ, માનવીના આધ્યાત્મિક વિકાસ અને સામાજિક ઉત્ક્રાંતિ પર ભાર દે તે સાચું સમાજશાસ્ત્ર છે. એ દિશામાં ઉત્ક્રાંત થતા સમાજનું સ્વરૂપ કેવું હોય છે? આપણે એને આધ્યાત્મિક દિશા કહીએ છીએ. માનવ તબક્કે ઉત્ક્રાંતિનું ધ્યેય આધ્યાત્મિક દિશા છે. વીસમી સદીનું જીવવિજ્ઞાનશાસ્ત્ર ધીમે ધીમે એ પ્રસ્થાપિત કરે છે; આ દેહની મર્યાદા ઓળંગો; ઈન્દ્રિયોની મર્યાદાને ઓળંગો; આ ઉચ્ચતર મગજનો એ હેતુ છે. એ લોકો મનોસામાજિક ક્રાંતિની પણ વાત કરે છે. સૌ સાથે એકત્વ અનુભવે એવું મન જોઈએ. પછી શોષણ થશે નહીં અને એ બ્રાહ્મણ ભાવના છે.

તો, વીસમી સદીના જીવવિજ્ઞાનશાસ્ત્રે ઉત્ક્રાંતિને દરેક સમાજમાં બ્રાહ્મણ તરફથી દિશા આપી છે. શાંકરભાષ્યના વાક્યનો આ મર્મ છે.

વેદાંત અનુસાર માનવીય ઉત્ક્રાંતિનો માર્ગ અને એનું ધ્યેય આ છે. લોકોને આ ઉત્ક્રાંતિને માર્ગે મૂકવાને, એમને થોડો ધક્કો આપવાને ઈશ્વરનો અવતાર આવે છે. એ ધક્કો લાગે છે ત્યારે, સમય જતાં અનેક અનિષ્ટો અદ્દશ્ય થઈ જાય છે કારણ, તમારો અભિગમ બદલાયો છે, તમારું મૂલ્યતંત્ર બદલાયું છે અને, તમારા જીવનને તમે કોઈ ઉચ્ચતર હેતુ સાથે જોડ્યું છે. તમે નાની ભૂલો કરો તો તેથી કશું નુકસાન નથી થતું. મનુષ્ય વિકાસનો આ વિચાર છે અને, ઈતિહાસ ઘડનાર અને દિવ્ય કે, યુગ-પ્રવર્તક હોય તેવો ઈશ્વરાવતાર જ આ કરી શકે છે. આધ્યાત્મિક ઊર્જાના આ પ્રચંડ પ્રવાહને વેગ આપવાની શક્તિ આપણે જેને અવતાર કહીએ છીએ તે પ્રકારની વ્યક્તિમાંથી જ આવે છે. તમે બીજો શબ્દ પ્રયોજી શકો છો. એ શક્તિ અસાધારણ છે, સામાન્ય સાધુસંતમાં એ સાંપડતી નથી પરંતુ, નવો ઐતિહાસિક યુગ સર્જી શકે તેવી અસાધારણ ઊર્જા એ છે. જગતને હલાવનાર આવા લોકો બહુ જ થોડા હોય છે. શ્રીરામને, શ્રીકૃષ્ણને અને બુદ્ધને આવા જગત હલાવનાર પુરુષો કહીએ છીએ; એક જિસસ હતા અને, આજના યુગમાં આપણને શ્રીરામકૃષ્ણ સાંપડ્યા છે. આપણી પરંપરાની પીઠિકામાં એ આશ્ચર્યપ્રેરક અધ્યયન થશે. પરિસ્થિતિ વણસે ત્યારે, કોઈ ઊર્જાએ ફરી આવવું પડે છે અને એ આવે છે. ગીતાના ચોથા અધ્યાયમાં શ્રીકૃષ્ણને કહેતા સાંભળશું કે, ‘હું સામાન્યજન તરીકે આવું છું એટલે અનેક લોકો મને ઓળખી શકશે નહીં ’. તેમ છતાં, સમય જતાં, લાખો લોકો તેમને ઓળખશે. મહાત્માની ખૂબ નિકટ હોવાથી આપણે મહાત્માને ઓળખી શકતા નથી. ગીતાના ચોથા અધ્યાયમાં અવતારના આ ખ્યાલને વર્ણવવાના છે તે, સનાતન ધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં કેન્દ્ર સ્થાને છે. બીજા કોઈ ધર્મમાં અવતારની આ વિભાવના નથી. અર્વાચીન યુગમાં એવી વ્યવસ્થાની આવશ્યકતા ઊભી થઈ અને, શ્રીરામકૃષ્ણ પ્રગટ્યા. પોથીઓમાં બોધ તો પડેલો છે જ પણ, આપણે એને સમજી શકતા નથી કે અનુસરી શકતા નથી. આપણને નવતર સૂઝ પડે એ આપવા માટે કોઈકે આવવું જ રહ્યું. કોણ કરી શકશે એ? પંડિત નહીં, પુરોહિત નહીં, પ્રાધ્યાપક નહીં. એ તે શું જાણે? એ માટે પ્રચંડ આધ્યાત્મિક વ્યક્તિત્વ જોઈએ, અને, એ શાંતિથી, આસ્તેથી આવે છે અને, અધ્યાત્મનો નવો પ્રવાહ વહેતો કરે છે. ધીમે ધીમે એ આધ્યાત્મિકતા લોકો પર છવાઈ જાય છે અને ધીમે ધીમે જગતમાં પરિવર્તન આણે છે.

શ્રીરામકૃષ્ણની દિવ્યતા વિશે વિવેકાનંદ

સંસારનાં બળોના પ્રમાણમાં અવતાર ફેરફાર કેવી રીતે કરે છે? પોતાના ભાષ્યમાં યોગ્ય સ્થાને આચાર્ય શંકર આનો ઉત્તર આપશે પણ, આ તબક્કે, સંસારમાં પરિસ્થિતિ વણસે ત્યારે આવતા અવતારની અગત્ય વિશે સ્વામી વિવેકાનંદે જે કહ્યું છે તે આપણે જોઈએ. ‘મારા ગુરુદેવ’ એ અગત્યના વિષય પર સ્વામીજી અમેરિકામાં ન્યુયોર્કમાં બોલી રહ્યા હતા. પોતે ચાર વર્ષ અમેરિકા-યુરોપમાં હતા એ દરમિયાન એ કદી શ્રીરામકૃષ્ણ વિશે બોલ્યા ન હતા; માત્ર વેદાંતની જ વાત એ કરતા. અદ્‌ભુત વ્યક્તિત્વવાળા શ્રીરામકૃષ્ણ એમના ગુરુ હતા એ વિશે લોકોએ સાંભળ્યું ત્યારે, પોતાના ગુરુ વિશે બોલવા લોકોએ એમના પર દબાણ કર્યું. એટલે પછી, ન્યુયોર્કમાં અને લંડનમાં ‘મારા ગુરુદેવ’ વિશે એમણે એક વ્યાખ્યાન આપ્યું. એ પ્રવચનના આરંભમાં આચાર્ય શંકરનું આ વાક્ય આવે છે : ‘પરિસ્થિતિ કાબુ બહાર જાય છે અને સમાજ ભ્રષ્ટ થાય છે ત્યારે, નૈતિક મૂલ્યોની પુન:પ્રતિષ્ઠા માટે મહાન શક્તિ આવિષ્કૃત થાય છે.’ પ્રવચનનો આરંભ સ્વામીજી એ રીતે કરે છે. સુંદર અંગ્રેજીમાં અપાયેલું એ આશ્ચર્યપ્રેરક પ્રવચન છે અને એમાં એક મહાન આચાર્યનું સુંદર ચરિત્રનિરૂપણ થયું છે. ઘેર વિદ્યાર્થી તરીકે અને રામકૃષ્ણ મઠના બ્રહ્મચારી તરીકે એ પ્રવચન મેં લગભગ પચ્ચીસ વાર વાંચ્યું હશે. દરેક દૃષ્ટિબિંદુથી જોતાં એ એટલું અદ્‌ભુત છે. સ્વામીજી પ્રારંભ કરે છે (સ્વા.વિવે.ગ્રં.મા., ભાગ-૬માં, પૃ. ૭૮-૮૦ પર) :

‘‘ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં કહ્યું છે: ‘હે અર્જુન! જ્યારે જ્યારે ધર્મની પડતી અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું માનવજાતિના કલ્યાણને માટે અવતાર લઉં છું.’

જ્યારે જ્યારે આપણા આ જગતમાં વિકાસને તથા ઊભી થતી નવી પરિસ્થિતિને કારણે નવી સામાજિક ગોઠવણોની જરૂર ઊભી થાય છે, ત્યારે ત્યારે શક્તિનું એક મોજું આવે છે; અને માનવી આધ્યાત્મિક તેમજ ભૌતિક એમ બે ક્ષેત્રોમાં ક્રિયા કરતો હોવાથી એ બંને ક્ષેત્રોમાં સમન્વયતરંગોની અસર પડે છે. એક બાજુ, ભૌતિકક્ષેત્રોમાં આધુનિક સમયે મુખ્યત્વે કરીને યુરોપ જ સમન્વયના પાયારૂપ રહ્યું છે; એન બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રમાં સમગ્ર જગતના ઇતિહાસમાં એશિયા જ સમન્વયના પાયારૂપે રહ્યો છે.

આજે માનવે આધ્યાત્મિક ક્ષેત્રમાં ફરીથી સમન્વયની આવશ્યકતા ઊભી થઈ છે. આજે જ્યારે જડવાદ પોતાની શક્તિ તથા ગૌરવના શિખરે પહોંચ્યો છે; જ્યારે માનવી જડ વસ્તુઓ પર વધારે અને વધારે આધારે રાખતાં રાખતાં પોતાની દિવ્ય પ્રકૃતિ ભૂલી જઈને કેવળ ધનોપાર્જન કરવાનું એક યંત્ર જ બની જાય એવી સંભાવના ઊભી થઈ છે, ત્યારે ફરી એક વાર સમન્વયની જબરી આવશ્યકતા ઊભી થઈ છે. આવા પ્રસંગને માટે ઈશ્વરી અવાજ બોલી ઊઠ્યો છે અને વધતા જતા જડવાદરૂપી મેઘોને સાફ કરી દેવા માટે દૈવી શક્તિનું આગમન થઈ રહ્યું છે, આ શક્તિ ગતિમાન થઈ ચૂકી છે અને તે ટૂંક સમયમાં જ માનવજાતિને ફરીથી પોતાના સાચા સ્વરૂપની યાદ આપશે; અને વળી પાછું જ્યાંથી આ શક્તિનો ઉદ્‌ભવ થશે, તે સ્થળ પણ એશિયા જ હશે.

આપણું આ જગત શ્રમવિભાગની યોજના પર ચાલે છે. એક જ માનવી દરેક વસ્તુઓનો માલિક થશે એમ કહેવું અર્થહીન છે. તેમ છતાં આપણે કેવા બાલિશ છીએ! સમજણની ખામીને લીધે બાળક એમ ધારે છે કે દુનિયા આખીમાં મેળવવા જેવી વસ્તુ એક પોતાની ઢીંગલી જ છે. તે જ રીતે જે પ્રજા ભૌતિક શક્તિમાં આગળ પડતી હોય છે, તે એમ ધારે છે કે મેળવવા જેવી વસ્તુ માત્ર એ એક જ છે, તથા ઉન્નતિ કે સંસ્કૃતિનો અર્થ તે સિવાય બીજો કંઈ નથી; એટલું જ નહિ પણ જો કોઈ પ્રજાઓ એવી હોય કે જેમનામાં એ શક્તિ ન હોય, અથવા તો જે એવી શક્તિની પરવા કરતી ન હોય તેઓ જીવવા માટે લાયક નથી, તેમનું સમગ્ર અસ્તિત્વ જ નિરર્થક છે! બીજી બાજુએ જોતાં અન્ય પ્રજા એમ પણ માનતી હોય કે માત્ર ભૌતિક સંસ્કૃતિ સાવ નિરર્થક છે. વળી કોઈ વ્યક્તિની પાસે દુનિયાની સર્વ સંપત્તિ હોય, પરંતુ આધ્યાત્મિકતા ન હોય તો એ બધું નકામું છે એવું સમગ્ર દુનિયાને સંભળાવી દેનારો અવાજ તો પૂર્વના દેશોમાંથી જ ઊઠ્યો હતો. આ ભાવના છે પૂર્વની; બીજી છે પશ્ચિમની.

આ બંને ભાવનાઓ મહત્ત્વપૂર્ણ અને ગૌરવયુક્ત છે. વર્તમાન સમન્વય, આ ઉભય આદર્શોના સામંજસ્ય તથા મિશ્રણમાંથી ઊભો થશે. પાશ્ચાત્ય પ્રજાઓની દૃષ્ટિએ ઇન્દ્રિયગ્રાહ્ય જગત જેટલું સત્ય છે તેટલું જ પૂર્વની પ્રજાઓની દૃષ્ટિએ આધ્યાત્મિક જગત સત્ય છે. પ્રાચ્ય જે કંઈ ઇચ્છે છે અથવા જેની તે આશા કરે છે, તેમ જ જીવનને જે કંઈ સત્ય બનાવે છે, એ બધું તેને આધ્યાત્મિકતામાંથી મળી જાય છે. પાશ્ચાત્યની નજરે પ્રાચ્ય માનવ સ્વપ્નસૃષ્ટિમાં જ વિચરતો લાગે છે; એ જ રીતે પ્રાચ્ય પણ પાશ્ચાત્યને સ્વપ્નમુગ્ધ જ ગણે છે. તે માને છે કે આ તો માત્ર નાશવંત રમકડાં લઈને જ રમી રહ્યો છે; અને જે ક્ષુદ્ર ઐહિક પદાર્થો વહેલા-મોડા છોડવા જ પડે છે, તેમને માટે પ્રૌઢ નરનારીઓ પણ કેટલાં તલપાપડ બને છે, એ વિચારથી તે હસી પડે છે. બંને એકબીજાને સ્વપ્નસૃષ્ટિમાં રાચનારા સમજે છે. પરંતુ જેટલો પાશ્ચાત્ય આદર્શ માનવજાતિની ઉન્નતિ માટે આવશ્યક છે, તેટલો જ પ્રાચ્ય આદર્શ પણ છે; અને હું તો ધારું છું કે પાશ્ચાત્ય આદર્શ કરતાં પણ એ વધારે આવશ્યક છે. યંત્રોએ માનવને કદી સુખી કર્યો નથી, અને કદી કરશે પણ નહિ.જે લોકો આપણને આ વાત મનાવવા માગે છે, એમ જ કહેશે કે સુખ યંત્રોમાં રહેલું છે. પરંતુ ખરું સુખ તો મન ઉપર અવલંબે છે. જે વ્યક્તિ પોતાના મન ઉપર કાબૂ ધરાવે છે તે જ સુખી થઈ શકે છે, બીજું કોઈ નહિ. અને આખરે આ યંત્રની શક્તિ છે પણ શું? જે માણસ વીજળીના તાર મારફત વિદ્યુતપ્રવાહ મોકલી શકે તેને બહુ મોટો કે બહુ બુદ્ધિશાળી કહેવાની જરૂર શી છે? શું પ્રકૃતિ ક્ષણે ક્ષણે તેના કરતાં કેટલાય લાખ ગણું વધારે કાર્ય કરી રહી નથી? તો પછી આપણે પ્રકૃતિને જ પગે પડીને તેની પૂજા શા માટે ન કરવી? ધારો કે તમે સમસ્ત વિશ્વ ઉપર સત્તા જમાવી, તથા વિશ્વના પ્રત્યેક પરમાણુને પણ તમે વશ કરી લીધો; પણ તેથી શું? તેથી તમે સુખી થઈ શકશો નહિ. તમારી અંદર સુખી થવાની શક્તિ હશે, તમારી પોતાની ઉપર તમે વિજય મેળવી શકશો, તો જ તમે સુખી થઈ શકશો. માનવી પ્રકૃતિ પર વિજય મેળવવાને જ જન્મ્યો છે એ વાત સત્ય છે; પરંતુ પાશ્ચાત્યો ‘પ્રકૃતિ’ શબ્દથી કેવળ ભૌતિક વા બાહ્ય પ્રકૃતિ જ સમજે છે. એ ખરું છે કે પહાડો, સમુદ્રો, નદીઓ તથા વિવિધ પ્રકારની અનંત શક્તિઓથી ભરેલી આ બાહ્યપ્રકૃતિ અત્યંત મહાન છે; પરંતુ મનુષ્યની આંતરપ્રકૃતિ એનાથી પણ વધારે મહાન છે, સૂર્ય, ચંદ્ર તથા નક્ષત્રાદિથી પણ એ ચડિયાતી છે; આપણી આ પૃથ્વીથી, સમગ્ર જડ જગતથી પણ તે વધારે ઊંચી છે; આપણા આ ક્ષુદ્ર જીવનોથીયે તે પર છે. અને એ જ આપણી શોધનું વિશિષ્ટ ક્ષેત્ર છે. જેમ પશ્ચિમની જાતિઓએ બહિર્જગતની શોધમાં સરસાઈ મેળવી છે, તેમ પૂર્વની જાતિઓએ આંતરજગતની શોધમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. તેથી જ્યારે પણ આધ્યાત્મિક સમન્વયની આવશ્યકતા ઊભી થાય છે ત્યારે તેની શરૂઆત પૂર્વમાંથી થાય, એ યોગ્ય જ છે. સાથે સાથે એ પણ યોગ્ય જ છે કે જ્યારે પણ પૂર્વને યંત્રો સંબંધી શીખવું હોય ત્યારે તેણે પશ્ચિમની પાસે બેસીને એ શીખવું જોઈએ; અને જો પશ્ચિમી પ્રજાઓને ઈશ્વર, આત્મા તથા વિશ્વનાં રહસ્યો જાણવાની ઇચ્છા થાય, તો તે માટે તેમણે પૂર્વની પ્રજાઓને ચરણે બેસવું જોઈએ.

હું તમારી સમક્ષ એક એવા મહાપુરુષના જીવનનું વર્ણન કરવા માગું છું કે જેમણે ભારતમાં એક આવું મોજું ગતિમાન કર્યું છે.’’

શ્રીરામકૃષ્ણના જીવનની અદ્‌ભુત કથા કહ્યા પછી (એજન, પૃ. ૧૦૮-૯ પર), નીચેના શબ્દોમાં સમારોપ કરતાં સ્વામીજી કહે છે :

‘‘શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્‌ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ બધું તુચ્છ છે. માનવીની અંદર જેટલા વધારે પ્રમાણમાં આ ભાવની અભિવ્યક્તિ થાય છે, તેટલા પ્રમાણમાં તે જગતનું કલ્યાણ  કરવાને વધારે ને વધારે સામર્થ્યવાન થતો જાય છે. સૌથી પ્રથમ આ ધર્મધનનું ઉપાર્જન કરો. કોઈની અંદર દોષ ન જુઓ, કારણ કે બધા મત, બધા સંપ્રદાયો સારા છે. તમારા જીવન દ્વારા એમ બતાવી આપો કે ધર્મનો અર્થ કેવળ શબ્દ કે નામ અથવા સંપ્રદાય નથી; તેનો અર્થ તો આધ્યાત્મિક અનુભૂતિ છે. જેમને અનુભવ થયો હોય તે જ આ વાત સમજી શકે. જેઓ એ ધર્મપ્રાપ્તિ કરી છે, તેઓ જ બીજાઓમાં ધર્મનો સંચાર કરી શકે છે; તેઓ જ માનવજાતિના શ્રેષ્ઠ આચાર્યો થઈ શકે છે; માત્ર તેઓ જ જ્ઞાનની પ્રખર જ્યોતિરૂપ છે.’

જે દેશોમાં આવા મનુષ્યો વધારે જન્મશે, તે દેશ તેટલા પ્રમાણમાં વધુ ઉન્નત અવસ્થાએ પહોંચશે; જે દેશમાં આવા મનુષ્યો બિલકુલ નહિ હોય તે દેશનો નાશ થશે; તે કોઈ રીતે બચી શકશે નહિ. માટે મારા ગુરુદેવનો માનવજાતિ માટે સંદેશ આ છે કે, ‘પહેલાં તમે પોતે ધાર્મિક બનો અને સત્યની ઉપલબ્ધિ કરો.’ તમે પોતાનાં ભાંડુ સમી સમગ્ર માનવજાતિના કલ્યાણ અર્થે સર્વસ્વનો ત્યાગ કરો, એમ તેઓ ઇચ્છતા. તેઓ ચાહતા હતા કે ભાતૃપ્રેમની માત્ર વાતો જ ન કરો, પરંતુ તમારા શબ્દોને યથાર્થ કરી બતાવો. ત્યાગ તથા પ્રત્યક્ષાનુભૂતિનો સમય આવી પહોંચ્યો છે, અને તેમની મદદથી જ તમે જગતના બધા ધર્મોની સંવાદિતા જોઈ શકશો. ત્યારે જ તમને ખાતરી થશે કે આપસઆપસમાં ઝઘડાની કોઈ જરૂર નથી; ત્યારે જ તમે સમગ્ર માનવજાતિની સેવા કરવાને માટે તૈયાર થઈ શકશો. સર્વ ધર્મોનું મૂળ તત્ત્વ એક જ છે, એ વાત સ્પષ્ટરૂપે બતાવવા માટે જ મારા ગુરુદેવનો અવતાર થયો હતો. બીજા ધર્મસંસ્થાપકોએ સ્વતંત્ર ધર્મનો ઉપદેશ આપ્યો હતો અને તે તે ધર્મો તેમનાં નામોથી પ્રચલિત છે. પરંતુ ઓગણીસમી સદીના આ મહાપુરુષે પોતાને માટે કંઈ પણ દાવો કર્યો નથી, તેઓ કોઈ પણ ધર્મની આડે આવ્યા નથી, કારણ કે તેમણે પ્રત્યક્ષ અનુભવ કરી લીધો હતો કે વાસ્તવમાં બધા ધર્મો એક જ સનાતન ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે.’’

Total Views: 9
By Published On: August 26, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram