(કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨)

જન્માંતરવાદ અને શાસ્ત્ર

દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ સમયે તેઓ બ્રાહ્મસમાજમાં સાધારણ સવેતન આચાર્ય છે, એટલા માટે એમણે બ્રાહ્મસમાજના સિદ્ધાંતોને માનીને ચાલવું પડે છે. પરિણામે સ્વતંત્ર ચિંતન કરી શકતા નથી. છતાં પણ એમણે પોતાની ભીતર પરમ વૈષ્ણવ અદ્વૈત ગોસ્વામીનો જે ભાવ ઉત્તરાધિકાર રૂપે પ્રાપ્ત કર્યો છે, તે અત્યારે એમના અંત:કરણમાં વિકસિત થઈ રહ્યો છે. એમનાં એ પ્રેમ એ ભક્તિ પર જે આવરણ પડ્યું હતું તે શ્રીઠાકુરના સંસ્પર્શમાં આવીને ધીમે ધીમે દૂર થતું જાય છે. તેઓ શ્રીઠાકુરનાં વચનામૃતનું આકંઠપાન કરે છે અને ક્યારેક ક્યારેક હરિપ્રેમમાં મતવાલા બનીને શ્રીઠાકુરની સાથે બાળકની જેમ નૃત્ય કરે છે. વાતચીત કરતાં કરતાં વચ્ચે એક ભક્ત બાળકની વાત નીકળી. આ ભક્ત બાળકે ગળામાં છરી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ વાત સાંભળીને શ્રીઠાકુર બોલ્યા: ‘એવું લાગે છે કે આ તેનો અંતિમ જન્મ હતો.’ શ્રીઠાકુરની આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા જેવી છે. જન્માંતર વિશે શ્રીઠાકુર સાધારણ રીતે કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન ન કરતા. કોઈ પૂછે તો કહેતા: ‘આવું સાંભળ્યું છે.’ અથવા એવું કહેતા: ‘શાસ્ત્રમાં એવું લખ્યું છે.’ અહીં શ્રીઠાકુર એમ કહે છે: ‘પૂર્વજન્મના સંસ્કાર વિશે આપણે માનવું તો પડે જ.’ જો આમ ન હોય તો કોઈ કોઈ માણસમાં બાળપણથી જ જે શુભ સંસ્કાર દેખાઈ આવે છે એ ક્યાંથી આવે છે? એણે આ જીવનમાં તો એ સંસ્કાર અર્જિત કર્યા નથી. એટલે કલ્પના કરવી પડે છે કે આ બધું તો એણે પૂર્વજન્મમાં પ્રાપ્ત કર્યું છે. અહીં દૃષ્ટાંત રૂપે શ્રીઠાકુર એક વાર્તા કરે છે: ‘એક માણસ શબસાધના કરવા બેઠો અને અનેક પ્રકારની વિભીષિકાઓ જોવા લાગ્યો. અંતે એને વાઘ ઉપાડીને લઈ ગયો. પરંતુ એક બીજો માણસ જે વાઘના ભયથી વૃક્ષ ઉપર ચડી ગયો હતો તે નીચે ઊતરી ગયો અને શબસાધનાની બધી તૈયારી થઈ ગયેલી જોઈને શબ ઉપર બેસીને સાધના કરવા લાગ્યો. થોડો ઘણો જપ કરતાં જ શ્રીમા કાલી પ્રસન્ન થયાં અને એને દર્શન આપ્યાં. એણે માને કહ્યું: ‘હે મા, તમને પ્રાપ્ત કરવા માટે જેણે આટલું બધું આયોજન કર્યું એને તો કંઈ ન મળ્યું; પણ જેણે કંઈ પણ કર્યું નથી એવા મારા પર તમારી આવી કૃપા થઈ!’ એ સાંભળીને જગદંબાએ કહ્યું: ‘બેટા, તારી આ સાધના જન્મજન્માંતરથી ચાલતી આવી છે. આજે એ પૂર્ણ થવાથી તને મારાં દર્શન થયાં છે.’ આ વાતનું તાત્પર્ય એ છે કે પૂર્વજન્મના સંસ્કારો સાથે મનુષ્યનો જન્મ થાય છે. એક જ જન્મમાં આ બધું થતું નથી. જો એક જ જન્મમાં બધું સમાપ્ત થઈ જાય તો તો ‘कृतहानि-अकृताभ्यागम’ રૂપ દોષ જન્મે. અર્થાત્‌ એક માણસે અનેક શુભકર્મો કર્યાં પરંતુ આ જન્મમાં એનું કોઈ ફળ ન દેખાયું – મળ્યું; પણ બીજો માણસ બાળપણથી જ શુભ કે અશુભ કર્મ ભોગવે છે, જેને એણે સંચિત કર્યાં નથી. ‘અકૃત’ એ છે કે જે એણે કર્યાં નથી, પણ એના ગુણ કે દોષ આવી ગયા. શાસ્ત્રકારો કહે છે કે કર્મફળ અંશમાત્ર પણ નાશ પામતું નથી. પછીના જન્મોમાં એ ભોગવવાં પડે છે. બરાબર આવી જ વાત આપણને ‘ગીતા’માં મળે છે. અર્જુન પૂછે છે કે જો કોઈ માણસ સાધના કરતાં કરતાં યોગભ્રષ્ટ થઈ જાય અથવા સિદ્ધિ મળતાં પહેલાં જ એનું મૃત્યુ થઈ જાય તો એનું શું થાય છે? ગીતા કહે છે કે એણે જે કાંઈ પણ કર્યું છે તે નાશ પામતું નથી – ‘न हि कल्याणकृत्‌ कशिचद्‌दुर्गतिं तात गच्छति’ – શુભ કર્મ કરવાવાળાની ક્યારેય દુર્ગતિ થતી નથી. અર્જુનનો આ પ્રશ્ન એક ચિરંતન પ્રશ્ન છે. ‘योगाच्चलितमानस:’ – યોગથી કોઈપણ કારણવશ જેમનું મન ચલિત થયું હોય તેમની કેવી અવસ્થા થશે? શું તે તૂટલાં વાદળાંની જેમ બંને બાજુએથી ભ્રષ્ટ થઈને નાશ પામશે? પર્વત પર જેમણે વાદળોનો આ ખેલ જોયો છે તેઓ તૂટેલાં વાદળોની જેમ નષ્ટ થવું એટલે શું એ બરાબર જાણે છે. એક મેઘખંડ આવીને પવર્ત સાથે અથડાય છે અને અથડાઈને જ્યારે તે ઉપર જાય છે ત્યારે તેનો એક ટૂકડો પહાડ સાથે જ ચોંટીને રહી જાય છે. આ ટૂકડો જોતજોતામાં થોડી વાર પછી અદૃશ્ય થઈ જાય છે. અર્થાત્‌  એ વાદળ ન તો વાદળસમૂહ સાથે સ્થાન મેળવી શક્યું કે ન પર્વતપ્રદેશમાં! તો શું યોગભ્રષ્ટ માનવનાં આ રીતે ઇહકાલ અને પરકાલ બંને નાશ પામે છે? શાસ્ત્રો કહે છે કે એનું કંઈ પણ નાશ પામતું નથી. આ જીવનમાં એણે જે કાંઈ કર્યું છે તે એને માટે આગલા જન્મનું ભાથું બનશે. એને સાથે લઈને તે આગામી જીવનનો પ્રારંભ કરશે. આ જ કારણે ભિન્ન ભિન્ન વ્યક્તિ ભિન્ન ભિન્ન સંસ્કાર લઈને જન્મ લે છે. કોઈની ભીતર જન્મની સાથે જ ભગવદ્‌પ્રેમ હોય છે તો વળી કોઈ મલિનમન લઈને જન્મે છે. આ જે શુદ્ધતા કે મલિનતા છે તે તો એણે આ જન્મમાં અર્જિત કરી નથી. એટલા માટે એમ સમજવું પડશે કે એના પાછલા પૂર્વજન્મોના સંસ્કાર રહે છે. એટલે જ ‘अवश्यमेव भोक्तव्यम्‌ कृतं कर्म शुभाशुभम्‌’ – શુભ કે અશુભ જે કાંઈ પણ કર્મ કર્યાં છે તેનું પરિણામ આપણે લોકોએ ભોગવવું પડશે. અહીં આ જે ‘अवश्यमेव भोक्तव्यम्‌’ કહેવામાં આવ્યું છે એને આપણે પોતાના આ જીવનમાં ન જોઈ શકવાને કારણે વિચારીએ છીએ કે આગામી જન્મોમાં પણ એનું ફળ ન મળે એમ બની શકે. અનેક દુરાચારી માણસ જીવનભર દુષ્કર્મ કરીને પણ મરતાં સુધી સુખચેન અને આબરુભેર જીવન વિતાવી દેતા જોવા મળે છે. આ બધું જોઈને આપણે એમ વિચારીએ છીએ કે એમના દુષ્કર્મોનું કોઈ પણ પરિણામ જોવા મળતું નથી! શાસ્ત્રો કહે છે કે મૃત્યુની સાથે સાથે માત્ર વ્યક્તિના શરીરનું પરિવર્તન થયું, પરંતુ સંસ્કારોની પોટલી તો એમની એમ રહી ગઈ; પરિણામે કોઈક સમયે તેણે પોતાનાં કરેલાં કર્મોનું ફળ ભોગવવું પડશે. આ રીતે સાધનાની ધારા આવનારા જન્મોમાં પણ ચાલતી રહે છે, ભલેને વ્યક્તિને એનું સ્મરણ રહેતું ન હોય. એટલે તો ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ‘ગીતા’માં કહે છે:

‘बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ।।’

‘તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે; હું આ બધું જાણું છું, પરંતુ તું જાણતો નથી’ આ શાસ્ત્ર વાક્યને શ્રદ્ધાપૂર્વક માની લેવા સિવાય આપણી પાસે એની પરીક્ષા કરવાનો કોઈ ઉપાય નથી. ‘कृतहानि-अकृताभ्यागम’ – ‘રૂપ યુક્તિ દ્વારા જન્મજન્માંતરવાદ સિદ્ધ કરી લેવાથી પણ તેના પર મનુષ્યનો વિશ્વાસ ટકતો નથી. છતાં પણ આ વિશે શ્રીઠાકુરનો અભિપ્રાય એ છે : જે જીવન અત્યારે તમારા હાથમાં છે, તેનો ઉપયોગ કરી લો; આગલો કે હવે પછીનો જન્મ જે આપણી પહોંચની બહાર છે એના વિશે બુદ્ધિ લડાવવાથી શો ફાયદો? જે જન્મ તમારા હાથમાં છે તેનો ઉપયોગ કરી લો; તેના પછી જો જન્માંતર હોય તો તેનો પણ ઉપયોગ થશે, અને જો નહિ હોય તો એમાં કંઈ નાશ પામવાનું નથી.

શ્રીરામકૃષ્ણ અને બાઈબલનું કથન

બાઈબલમાં એક કથા છે : એક વ્યક્તિ ઈસુને કહે છે કે આપ લેઝારસને મોકલી દો. એના મુખે જન્માંતર થવાની વાત સાંભળીને લોકો વિશ્વાસ કરશે અને ધર્મપરાયણ બનશે. ઈશુ કહે છે : ‘લેઝારસના કહેવાથી શું એ લોકો વિશ્વાસ કરવા માંડશે ખરા? શું અનેક મસીહા આ પૃથ્વી પર અવતરીને આ વાત લોકોને નથી કહી ગયા? અને છતાં ય શું લોકોએ એ બધા પયગંબરોની વાતોમાં વિશ્વાસ રાખ્યો?’

શ્રીઠાકુરની ઉપમા અને વ્યાખ્યા

સારું, માન્યું કે જન્માંતર છે. હવે શાસ્ત્રોનું કથન છે કે આત્મહત્યા મહાપાપ છે અને એ મહાપાપના ફળરૂપે મનુષ્યને વારંવાર જન્મ લેવો પડે છે. અહીં શ્રીઠાકુર કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ કરી લીધા પછી જે આત્મહત્યા કરીને શરીર છોડે છે તેને આ પાપ લાગતું નથી. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો આત્મહત્યા કરે છે તેઓ એક દુ:ખમય અંધકારભર્યા લોકમાં પડે છે, પુરાણ વગેરે આને ‘નરક’ કહે છે. માણસ આત્મહત્યા ક્યારે કરે છે? ત્યારે જ એ આત્મહત્યા કરે છે જ્યારે તેનાં શારીરિક કે માનસિક ક્લેશપીડા સહન કરવાની સીમા વટાવી જાય છે. આ બધું સહન ન કરી શકવાને લીધે જ તે  શરીરનાં બધાં દુ:ખોના મૂળનો સમજી જાણીને નાશ કરી નાખે છે. હવે આ શરીરનો નાશ કરીને પણ જો તેનાં દુ:ખોનો અંત ન આવે તો આ શરીરનો નાશ કરવામાં કોઈ સાર્થકતા નથી. એટલા માટે શ્રીઠાકુર કહે છે કે વારંવાર પાછા ફરીને – જન્મ લેવાનું બનવાનું છે. એટલે, આત્મહત્યાને બદલે દૃઢતાપૂર્વક દુ:ખકષ્ટ સહન કરવાં એ જ યોગ્ય છે. પરંતુ હા, શ્રીઠાકુર કહે છે કે જેમનું આ દેહનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. એમને માટે આત્મહત્યા કરીને શરીરનો ત્યાગ કરવામાં પાપ લાગતું નથી. બીજા એક સમયે શ્રીઠાકુર ઉપમા દેતાં કહે છે : કૂવો ખોદતાં ખોદતાં જ્યારે પાણીનો સ્રોત મળી આવે ત્યારે કેટલાક લોકો કૂવો ખોદવા માટેના કોદાળી, પાવડાં, વગેરે સાધનો કૂવામાં જ નાખી દે છે. આ દેહ દ્વારા ભગવાનને મેળવી લેવા એ જ આપણો ઉદ્દેશ્ય છે. હવે જેણે આ દેહમનના માધ્યમ દ્વારા ભગવાનને મેળવી લીધા છે એમને માટે આ દેહનું બીજું કોઈ પ્રયોજન રહેતું નથી. પરંતુ ભગવાનને મેળવી લીધા પછી જેના મનમાં લોકકલ્યાણની કામના જન્મે છે તે દુ:ખીપીડિત લોકોને એ અમૃતની શોધના કરવા માટે જેમ કૂવો ખોદી લીધા પછી કોદાળી, પાવડાં, વગેરે સુરક્ષિત રૂપે રાખી દેવામાં આવે છે તેમ પોતાના દેહને એ માણસ જાળવી રાખે છે. પરંતુ ઈશ્વરને મેળવી લીધા પહેલાં જે માણસ આત્મહત્યા કરે છે તેને માટે આ અત્યંત દુર્ભાગ્યજનક વાત છે, કારણ કે ત્યારે તેનાથી પોતાના દેહ દ્વારા ભગવાનને મેળવવાનું સંભવ બની શકે છે. આ સંભાવના હોવા છતાં પોતાનાં દેહનો આ રીતે નાશ કરવો એના માટે અનુચિત છે, હાનિકારક છે. આ જ વાત સમજાવવા માટે શ્રીઠાકુર કહે છે કે દેહ પ્રત્યે આટલી બધી તુચ્છબુદ્ધિ રાખવી યોગ્ય નથી. આ દેહ તો ભગવાનનું મંદિર છે અને એ મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવી એ જ આપણો ઉદ્દેશ્ય છે. એટલા માટે દેહને સ્વસ્થ, સુંદર અને સબળ રાખવો પડે. જે માણસ આ નથી કરતો તે પોતાની દુર્બળતા જ બતાવે છે. એની આ દુર્બળતા એને વધારે ને વધારે કષ્ટપ્રદ અવસ્થામાં લઈ જાય છે. આને શ્રીઠાકુર કહે છે – ‘વારંવાર પાછું આવવું.’

જો કોઈના શરીરને આપણો પગ અડી જાય તો આપણે એને પ્રણામ કરીએ છીએ. આપણે આ જે પ્રણામ કરીએ છીએ તે ભગવાનને કરીએ છીએ જે એના દેહરૂપી મંદિરમાં રહે છે. આબાલવૃદ્ધ સૌને આ દૃષ્ટિએ જ જોવા પડશે, કારણ કે બધાંનાં શરીર ભગવાનનાં મંદિર છે. એટલે આમાં નાના મોટાનો પ્રશ્ન ક્યાંથી આવે? આ મંદિરોમાં કોઈને માટે વિગ્રહ-મૂર્તિ પ્રકાશિત છે તો કોઈકને માટે અપ્રકાશિત. પરંતુ બધાંને માટે આ વિગ્રહ-મૂર્તિના પ્રકાશિત થવાની સંભાવના છે. એટલા માટે જે યંત્ર દ્વારા ભગવાનલાભ સંભવ બને એ યંત્રને તુચ્છ ન ગણવું જોઈએ, એની અવગણના ન કરવી જોઈએ. આ દૃષ્ટિએ શાસ્ત્રો કહે છે કે શરીરનો નાશ કરવો એ મહાપાપ છે. જે ભગવાન પ્રત્યે આપણને દોરી જવામાં સહાયક બને તે પુણ્ય છે અને જે ભગવાનથી માણસને દૂર લઈ જાય; એ પાપ. આ પાપ અને પુણ્યની કસોટી છે.

પુણ્યકર્મ – પ્રશંસા

ક્યારેક ક્યારેક મનુષ્ય સ્વર્ગપ્રાપ્તિ માટે પુણ્ય કરે છે. એક રીતે આ પ્રયત્ન પણ મનુષ્યના મનને શુદ્ધ કરીને ભગવાનની તરફ લઈ જવામાં સહાયક બને છે. પરંતુ શાસ્ત્રો તે નિર્દેશ કરવાનું ભૂલતા નથી કે સ્વર્ગ પ્રત્યેની આ દૃષ્ટિ, સ્વર્ગમાં જવા માટેનું આ આકર્ષણ પણ આપણા માટે બંધનકારક બની જાય છે. જેવી રીતે વિપુલ ઐશ્વર્ય વચ્ચે રહેનારો માણસ ભગવાનને ભૂલી જાય છે બરાબર એ જ રીતે સ્વર્ગના વિપુલ ઐશ્વર્યભોગ તરફ દૃષ્ટિ રહેવાથી મન પાછું ભગવાન તરફ વળતું નથી. છતાં પણ સ્વર્ગ પ્રાપ્તિની સાધના સ્વરૂપમાં જે શુભકર્મ, ઉપાસના, વગેરે બાબતો છે તે બધી મનુષ્યના મનને ધીમે ધીમે શુદ્ધ કરે છે તથા આ શુદ્ધિના પરિણામ રૂપે તે પ્રભુ પ્રત્યે થોડો આગળ વધે છે. એટલા માટે શાસ્ત્રોમાં પુણ્યકર્મની આટલી બધી પ્રશંસા કરવામાં આવી છે. લોભી માનવનું મન ભોગ માટે લલચાયેલું રહેવાનું જ. પણ આ લાલસા ક્યાંક એને દેહ કેન્દ્રિત બનાવીને અધોગામી ન બનાવી દે એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમે શાસ્ત્રોએ નક્કી કરેલા પથ પર આગળ વધશો તો તેનાથી તમારા ભોગનો ઉદ્દેશ્ય પણ સંતોષાશે. આ શાસ્ત્રનિર્દિષ્ટ પથ પર ચાલવાથી વ્યક્તિ અનેક પ્રકારના સંયમબંધનમાં બંધાઈ જાય છે. એને લીધે ફરીથી એને માટે પશુ જેવું જીવન જીવવાનો સંભવ રહેતો નથી. આ રીતે ભોગલોલુપ મનુષ્ય શાસ્ત્રનિર્દિષ્ટ પથ પર ચાલીને પોતાની જાણ બહાર પણ પોતાની પશુસુલભવૃત્તિ પર થોડો ઘણો અંકુશ લગાવવા સમર્થ બને છે. આ બાબત તેની ચિત્તશુદ્ધિના પથનું પહેલું સોપાન છે. એના પછી ક્રમશ: થોડા વધુ શુદ્ધ થયા પછી શાસ્ત્ર એને કહે છે : એ લોકો તરફ દૃષ્ટિ ન રાખો; તમે નિષ્કામભાવે જે યાગયજ્ઞાદિ કરો છો તે કરતા રહો. અથવા એમ પણ કહે છે : ભક્તિને જ સારતત્ત્વ સમજીને એને મેળવવાનો પ્રયત્ન કરો. અને એમ પણ કહે છે : આત્માને ઓળખો. આ બધી વાતો જો શરૂઆતથી જ કહી દીધી હોત તો તેનાથી કોઈ લાભ ન થાત.

માનવની ક્રમોન્નતિ

એટલે ઠાકુર કહે છે : ‘‘જ્યારે કોઈ માણસ મારી પાસે આવે છે અને દેખાય કે એની ભીતર પ્રબળ વાસના છે. ત્યારે હું તેને કહું છું: ‘ખાઈ પી લો, પહેરી-ઓઢી લો.’ અર્થાત્‌ ખાઈ-પી, પહેરી-ઓઢીને ભોગ ભોગવી લો. સાથે ને સાથે તેઓ એ પણ કહે છે : ‘પરંતુ, આટલું જાણી લેજો, એ જ સર્વકંઈ નથી.’ અર્થાત્‌ એના દ્વારા તમારું પરમ ઉદ્દેશ્ય સાધી નહિ શકો. અને જો તેઓ પહેલેથી જ ભોગનો નિષેધ કરી દે તો કોઈ સાંભળે પણ નહિ. તેઓ તો વિચારે છે કે જ્યારે શ્રીઠાકુરે ભોગ ભોગવવાનું કહ્યું છે તો તો ખાવા-પીવામાં અને ભોગ ભોગવવામાં શું વાંધો છે? વાંધો તો ક્યાંય નથી. શાસ્ત્રો પણ આપણને રોકતાં નથી. તેઓ તો કહે છે કે આ બધું કરો, પરંતુ એટલું સમજી લેજો કે ‘निवृत्तिस्तु महाफला’ – નિવૃત્તિ જ શ્રેષ્ઠ ફળ છે. ભોગ ભોગવવા એ મનુષ્યનો સ્વભાવ છે, એ બીચારો કરશે શું? મન ભોગ ઇચ્છે છે. જો આપણે એમ કહીએ કે ભોગ ન ભોગવો, તે અનુચિત છે તો તે સાંભળવાનું નથી. એટલે થોડો ભોગ ભોગવી લો એમ કહીને એને છોડી દેવું પડે છે. સાથે ને સાથે શાસ્ત્રો આપણને ભાર આપીને એ પણ કહે છે: ‘પરંતુ, આટલું જાણી લેજો, ક્યાંય કશું જ નથી.’ એટલા માટે વિચારપૂર્વક ભોગ ભોગવો. જ્યારે ચારામાં માછલી ફસાય છે ત્યારે દોરી ખેંચાવા લાગે છે. એ સમયે દોરીને ઢીલી કરવી પડે છે. પહેલાં દોરીને વધુ ઢીલી મૂકીને માછલી કંઈ ખાઈ લે પછી તેને ખેંચવી પડે છે; કારણ કે પહેલેથી જ દોરીને ખેંચી લેવાથી એ તૂટી જશે. એટલે જે લોકો પ્રબળ ભોગ પરાયણ હતા તેમને શ્રીઠાકુર ભોગ ભોગવવાનું કહેતા. પરંતુ અંતે આટલું પણ કહી દેતા: ‘પરંતુ, આટલું જાણી લેજો, ક્યાંય કશું જ નથી.’ સંભવ છે કે આ છેલ્લી વાત એ સમયે એ લોકોને યાદ ન રહેતી હોય, કેવળ પહેલી વાત જ યાદ રહી હોય. પરંતુ એક એવો ય સમય આવે છે જ્યારે આપણને યાદ આવે છે કે શ્રીઠાકુરે અંતે આપણને ખરેખર એક અત્યંત મહત્ત્વની વાત કરી હતી. એ શુભ ક્ષણનો ખ્યાલ આવે છે – એટલે જ શ્રીઠાકુરે કહ્યું હતું: ‘ક્યાંય કશું જ નથી.’ એટલા માટે આપણે શાસ્ત્રોમાં પણ જોઈએ છીએ કે તેમાં માણસને પોતાના મનની આકાંક્ષા પ્રમાણે ઉપદેશ આપવામાં આવ્યો છે. જે પુત્રની કામના કરે છે તેને માટે પુત્રેષ્ટિ યજ્ઞનું વિધાન છે; જે વિપુલ અન્ન ઉત્પાદન કરવા માગે છે તેને માટે કારીરી યજ્ઞનો ઉપદેશ આપવામાં આવ્યો છે; એટલું જ નહિ પણ જે શત્રુનો વિનાશ કરવા વ્યાકુળ છે એને માટે પણ શ્યેન યજ્ઞ દ્વારા શત્રુનાશનો ઉપાય વર્ણવ્યો છે. બાહ્ય દૃષ્ટિએ જોવાથી શાસ્ત્રો આવી રીતે આપણને અસત્‌ કર્મોમાં શા માટે પ્રવૃત્ત કરે છે? આનો ઉત્તર એ છે કે શાસ્ત્રો આપણને આ અસત્‌કાર્યો માટે પ્રવૃત્ત કરતાં નથી, માણસ પોતે જ પ્રવૃત્ત થાય છે. શાસ્ત્રો તેનાં ભોગપ્રવણ મનને થોડું શાસ્ત્રોન્મુખી કરવાનો પ્રયત્ન માત્ર કરે છે. શાસ્ત્રો કેવળ ઉચ્ચતમ આદર્શની જ વાત કહેતાં હોત તો મુઠ્ઠીભર લોકો માટે જ તેનું અસ્તિત્વ હોત અને મોટા ભાગના લોકોને શાસ્ત્રધર્મ છોડીને ચાલવું પડત. શાસ્ત્રોએ આપણા બધાની આ આવશ્કતાને સમજી છે, ઓળખી છે અને એટલા માટે જેનું જેવું મન છે એને માટે એને અનુરૂપ ઉપયોગી બનાવીને ઉપદેશ આપવામાં આવ્યો છે.

ઈસુનો ઉપદેશ

એક ભક્તે ઈસુની પાસે આવીને કહ્યું: ‘‘હું ભગવાનના માર્ગ પર ચાલવા માગું છું, શું કરું?’’ ઈસુએ તેને કહ્યું: ‘‘તું આમ-આમ કર.’’ તે બોલ્યો, ‘‘હું તો આ બધું પહેલાથી જ કરતો આવ્યો છું. હું મારી કમાણીનો એક દશાંશ ભાગ દાન આપું છું તથા બીજા નિયમોનું પણ પાલન કરું છું.’’ ત્યારે ઈસુ બોલ્યા: “Then leave all follow me” (તો પછી બધુ છોડી મારી સાથે ચાલ). અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે તેઓ પ્રારંભથી જ પોતાની સાથે ચાલવા માટે બધાને નથી કહેતા, કેમ કે એમ કહેવાથી બધા આવશે પણ નહિ. બે-ચાર વ્યક્તિ જ કદાચ તેમની વાત સાંભળે, બાકી બધા તો પોતપોતાના માર્ગે ચાલશે. એટલા માટે તેમને તે લોકોના રોગ સારા કરવા પડશે, મરેલાને સળગાવવા પડશે, સળગેલા ઉપર પગ રાખીને ચાલવું પડશે. બાઈબલ વાંચવાથી લાગશે કે તે આખું ચમત્કારોથી ભરેલું છે. તો શું ઈસુને બીજું કોઈ કામ નહોતું કે આ પ્રકારે જાદુગરની જેમ ચમત્કાર દેખાડતા હરતા ફરતા હતા? તેઓનું આ બધું કરવાનું કારણ એ હતું કે તેઓ જોવા માગતા હતા કે જેના માટે તેમનું આગમન થયું છે, તે લોકો તેમને કેવી રીતે જાણી શકશે, કેવી રીતે તેમનું અનુસરણ કરશે, ક્યાં સુધી ચાલી શકશે?

ઉપદેશમાં વૈચિત્ર્ય

એટલા માટે શ્રીઠાકુર કહે છે : જે જેવા છે તેમને તેવો જ ઉપદેશ આપવો પડશે. આપણા શાસ્ત્રો બરાબર એમ જ કરે છે. તો પણ આપણે જ્યારે બુદ્ધિની મદદ પડે શાસ્ત્રવિચાર કરીએ છીએ ત્યારે તે જોઈને આશ્ચર્ય પામીએ છીએ કે જે શાસ્ત્રમાં ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વની વાત છે, તેમાં જ બીજી જગ્યાએ અત્યંત નીચી કક્ષાના નીતિનિયમ પણ છે. એનું કારણ એ છે કે સમાજ જ આ પ્રકારનો છે. આ સમાજમાં જ કેટલા પ્રકારનાં લોકો છે. આ વિચિત્રતાના કારણથી જ ઉપદેશમાં પણ વિચિત્રતા આવશ્યક થઈ જાય છે. જે જ્યાં છે, તેને ત્યાંથી જ એક એક ડગલું આગળ વધારવું પડશે. એટલા માટે આપણે જોઈએ છીએ કે વેદ વગેરે શાસ્ત્રોમાં જ્યાં એક તરફ ચરમ લક્ષ્યની વાત છે, ત્યાં બીજી બાજુ અત્યંત અનુન્નત લોકોને સ્વીકારવા યોગ્ય ઉપદેશ પણ છે. વળી, આ બીજા પ્રકારનાં ઉપદેશ જ વધુ છે, કારણ કે આવા જ લોકોની સંખ્યા વધુ છે. આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખીને શાસ્ત્રોને સમજવા જોઈએ.

હવે જે આત્મહત્યા છે, શરીરને નષ્ટ કરી નાખવાનું છે, આ જનસાધારણ માટે અત્યંત અનુચિત વાત છે. કારણ કે તે શરીર દ્વારા અત્યાર સુધી જીવનનું પરમ લક્ષ્ય પ્રાપ્ત થયું નથી. પરંતુ ભગવત્પ્રાપ્તિ પછી શરીરનું કોઈ પ્રયોજન રહેતું નથી. ત્યારે તે રહે કે ન રહે એનાથી કંઈ ફરક પડતો નથી. અહીં એક પ્રશ્ન કરી શકાય કે ઓછામાં ઓછું બીજાનાં કલ્યાણ માટે તો શરીર રાખવું યોગ્ય છે! આનો ઉત્તર એ છે કે કલ્યાણ કરવાની આકાંક્ષા બધાના મનમાં રહેતી નથી, અને તેની આવશ્યકતા નથી, કારણ કે ત્યારે સાધક બધાની અંદર એ એક પરમેશ્વરને જ જુએ છે, પછી કોણ કોને કહે? જે ભૂમિકા પર પહોંચીને આવા પ્રકારનો અનુભવ થાય છે, ત્યાં રહીને ઉપદેશ આપવો સંભવ પણ બનતું નથી. પરંતુ શ્રીઠાકુર કહે છે કે કોઈની અંદર ભગવાન કંઈ ‘વિદ્યાનો અહં’ રાખી દે છે.

એક જગ્યાએ શ્રીઠાકુર કહે છે કે, ‘‘સારુ, શું મારે અહંકાર છે?’’ માસ્ટર મહાશય ઉત્તરમાં કહે છે, ‘‘જી, આપે લોકકલ્યાણ માટે થોડો રાખ્યો છે – લોકોને આત્મજ્ઞાન, ભગવાનની વાત સંભળાવવા માટે.’’ આના પર શ્રીઠાકુર કહે છે, ‘‘નહિ, મેં નથી રાખ્યો, તેમણે જ રાખી દીધો છે.’’ આ વાત વિશેષ રૂપથી મનન કરવા યોગ્ય છે. જે તેમના હાથનાં યંત્ર છે, તેને તેઓ રાખી પણ શકે છે અને આવશ્યકતા ન રહેવાથી છોડી પણ શકે છે. જ્યારે મારી જરૂરિયાત પૂરી થઈ જશે, ત્યારે શરીર રહે કે નાશ પામે, એ પોતાના પ્રયોજન પ્રમાણે તેઓ જ સમજશે. તેથી જેને ભગવત્પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેઓ પોતાની તરફથી આ નિર્ણય લેવાની આવશ્યકતા સમજતા નથી કે તેમનું શરીર રહે કે જાય. જે આની પાછળ સર્વનિયંતા વિદ્યમાન છે તેમની ઇચ્છાનુસાર જે થવાનું હશે તે થશે. જે વ્યક્તિ પૂર્ણકામ થઈ ગઈ હોય, તેને આ બધી વાતોનો વિચાર રહેતો નથી.

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.