પોતાની ૩૯ વર્ષોની આવરદામાં, લગભગ પૂર્ણ થઈ ગયેલી આ અદ્‌ભુત પ્રાચીન સંસ્કૃતિને સ્વામીજીએ નવયૌવન બક્ષ્યું હતું. વેગવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્પર્શથી આ સંસ્કૃતિ સડી જઈ નાશ પામશે એમ અનેક સામ્ર્રાજ્યવાદી બ્રિટિશ લેખકોએ ભાખ્યું હતું. ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરનાર મેકોલેએ લખ્યું હતું કે આ સંસ્કૃતિ થોડા સમયમાં મરી જવાની છે. પણ બન્યું એથી ઉલટું જ. ભારત પુન: સામર્થ્યવાન બન્યું અને, નવી જીવનશક્તિ એને આગળ ધકેલવા લાગી. રામકૃષ્ણ અને વિવેકાનંદ આવ્યા ન હોત તો પણ, આપણે શક્તિવાન અને કાર્યરત હોત. અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિએ આપણને નિ:શંક શક્તિશાળી બનાવ્યા હોત પણ, આપણે આપણો આત્મા ગુમાવી દીધો હોત, આપણા પુરાતન ભૂતકાળ સાથેનું સાતત્ય તૂટી ગયું હોત. એ ન બન્યું આ મહાન ગુરુઓને કારણે.

ગીતાની શંકરાચાર્યની પ્રસ્તાવનામાં આવા વિચારો આપણને જોવા મળે છે. એ કાળના કેટલાક ભારતીય નેતાઓએ કહ્યું હતું કે, આપણે પશ્ચિમ સાથે કશો સંપર્ક રાખવો જોઈએ નહીં. પરદેશો પાસેથી કશા વિચારો ગ્રહણ કરવા જોઈએ નહીં અને આપણે આપણા વિચારોને જ વળગી રહેવું જોઈએ. પરંતુ દેશે એમનું કહેવું કાને ન ધર્યું. સ્વામીજીએ કહ્યું કે આપણી સંસ્કૃતિ મહાન હતી. પરંતુ, બીજાઓ પાસે પણ મહાન વિચારો છે અને આપણે તે નમ્ર્રતાપૂર્વક અપનાવવા જોઈએ. રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જાહેર બાબતો, વિજ્ઞાન અને ટેક્નોલોજી પશ્ચિમ પાસેથી શીખવા તેમણે આપણને અનુરોધ કર્યો હતો. અમેરિકાથી ભારતમાં લખેલા પોતાના એક પત્ર માં સ્વામીજીએ લખ્યું હતું :

‘‘સમાનતાની, સ્વતંત્રતાની, કામની અને શક્તિની ભાવનામાં, પાશ્ચાત્યોના યે ગુરુ તમે બની શકો છો ને તે સાથે, ધાર્મિક સંસ્કૃતિમાં અને સહજવૃત્તિઓમાં કરોડરજ્જુના મૂળ સુધીના પાકા હિન્દુ રહી શકો છો?’’

બીજાઓ પાસેથી શીખવાનો વિચાર કંઈ નવો નથી. મનુસ્મૃતિ (૨.૨૩૮)માં વાંચવા મળે છે :

श्रद्धानः शुभां विद्यां आददीत् अवरादपि,
अन्त्यादपि परं धर्मं, स्त्रीरत्नं दुष्कुलादपि –

‘‘હલકા માણસો પાસેથી પણ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરો; નીચ જ્ઞાતિના લોકો પાસેથી પણ પરમ ધર્મ ગ્રહણ કરો અને હલકા કુળમાંથી પણ સ્ત્રીરત્નને પત્ની તરીકે વરો.’’

કેવો તો વિશાળ સામાજિક અભિગમ આ કથનમાં જોવા મળે છે! પૂર્વ અને પશ્ચિમના સુભગ મિશ્રણ સમું નવીન ભારત થવું જોઈએ એમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું; આજે ભારતની ધરતી પર પ્રાચીન ગ્રીક પ્રાચીન ભારતીયને મળી રહ્યો છે. ફેબ્રુઆરી ૧૮૯૭માં મદ્રાસમાંના ‘વર્ક બિફોર અસ’ (આપણી સમક્ષ પડેલું કાર્ય) વિશેના પ્રવચનમાંના એમના પોતાના જ શબ્દો છે. પ્રાચીન ભારતનું આપણું શિક્ષણ એકત્રીકૃત હતું. આપણી સંસ્કૃતિને જાળવી રાખીને, બીજાને આપવાનું હતું તે આપણે ગ્રહણ કરીને આત્મસાત કરતા. આવું સંમિશ્રણ આજે પુન: નવા ભારતનું નિર્માણ કરશે. આ વિચાર ધીમે ધીમે પણ દૃઢ રીતે પ્રસારવાની જરૂર છે. આપણામાં અનેક અવળચંડાઈ, નિર્બળતાઓ અને અનિષ્ટો છે. પરંતુ, ચેતન પ્રાપ્ત કરતા રાષ્ટ્રના વિકાસની આ પ્રક્રિયા છે. વંચિત રખાયેલી પ્રજા, જીવનની તક મળતાં ભૂલચૂક કરવાની જ પરંતુ, મહાન આચાર્યોએ બતાવેલ રીત અને માર્ગ અપનાવી એ ભૂલચૂક સુધારી શકાય.

સંસ્કૃતિઓની સંકરતાનો વિચાર મહાન છે. વાસ્તવમાં અર્વાચીન યુરોપીય સંસ્કૃતિ સાંસ્કૃતિક સંકરતાની નીપજ છે. ૧૫મા – ૧૬મા સૈકામાં ગ્રીક ચિંતને યુરોપમાં પ્રવેશ કર્યો. ત્યારે ગ્રીસ તો મૃત રાષ્ટ્ર હતું. બીજી સદીની આસપાસ રોમન સામ્ર્રાજ્યે તે જીતી લીધું હતું. ત્રીજી સદીમાં એણે ખ્ર્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને એ ગ્રીક સંસ્કૃતિથી વિરુદ્ધનો હતો. ખ્ર્રિસ્તી ધર્મ કે ઈસ્લામ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં, સામાન્યપણે, એમણે ત્યાંની બધી પ્રાચીનતાનો નાશ કર્યો હતો. એટલે પ્રાચીન ગ્રીક ચિંતન માત્ર પોથીઓમાં પુરાઈ રહ્યું હતું. પશ્ચિમ યુરોપીય પ્રજા જંગલી હતી અને પ્રાચીન ગ્રીક ચિંતનથી સાવ અજાણ હતી. ડાન્યુબ નદીને પેલે પાર અને, રોમન સામ્ર્રાજ્યની હદની પાર, સ્કેંડિનેવિયન દેશો અને જર્મની સુદ્ધાં જંગલી હતા. પછીથી રોમનોએ, ખ્ર્રિસ્તી ધર્મ અપનાવ્યો પણ એ ધર્મનું જીવન પ્રત્યેનું દૃષ્ટિબિંદુ સાવ સંકુચિત હતું. ગ્રીક અને રોમન પ્રજાઓની મહાન સિદ્ધિઓને એ પિછાણી શક્યું નહીં અને એ પ્રજાઓને અધર્મી મૂર્તિપૂજકો કહી. એ સંસ્કૃતિઓનો નાશ થયો. યુરોપીય ઇતિહાસનો આ મધ્યયુગીન કાળ (ઈ.સ. ૧૨૫૦ સુધીનો કાળ) અંધાર યુગ તરીકે ઓળખાય છે.

 પછી, પૂર્વપશ્ચિમની સાંકળરૂપ, યુરોપના હૃદય સમાં કોન્સ્ટંટિનોપલ તુર્કોએ જીતી લીધું. મુસ્લિમ તુર્કો વધારે ને વધારે બળવાન થતા ગયા અને આજુબાજુના બધા ખ્ર્રિસ્તી મુલકો તેમણે જીતી લીધા. ઈ.સ. ૧૪૫૩માં કોન્સ્ટંટિનોપલનું પતન થયું અને, પોતાના ગ્રંથો સાથે ઘણા ગ્રીક વિદ્વાનો પશ્ચિમ યુરોપમાં વસવા ચાલી ગયા. તુર્કસ્તાનમાંથી પૂર્વ તરફ જવાની યુરોપીય પ્રજાઓને મનાઈ ફરમાવવામાં આવી, જેને પરિણામે, યુરોપનો પૂર્વ સાથેનો, ભારત સાથેનો, સંપર્ક સાવ કપાઈ ગયો. આશાની ભૂશિર-કેપ ઓફ ગુડ હોપ – ને માર્ગે ભારત આવવા પાછળનું અને, ભારતની ખોજમાં પશ્ચિમ તરફ પ્રવાસ કરી અમેરિકા પહોંચવા પાછળનું કારણ આ હતું. તત્કાલ તો અમેરિકાને જ ભારત માની લેવાયો હતો. આ સઘળો અર્વાચીન ઇતિહાસ છે. પરંતુ ઈ.સ. ૧૪૫૩ આસપાસ, કોન્સ્ટંટિનોપલના પતન સાથે ગ્રીક ચિંતને પશ્ચિમ યુરોપમાં પ્રવેશ કર્યો અને, એને માનવતાની, ધર્મનિરપેક્ષતાની, વિશાળતાની, નવી દૃષ્ટિ પ્રદાન કરી. યુરોપીય ઇતિહાસ રીનેસન્સ – પુનર્જીવન – કહે છે તે આથી આવ્યું. સોળમી સદી પછીથી ત્યાં થયેલી બધી પ્રગતિ આ યુરોપીય ચિત્ત ઉપર થયેલી ગ્રીકો-રોમન સંસ્કૃતિની વાવણીને કારણે થઈ છે.

પછીથી રેફર્મેશન – ધાર્મિક સુધારો – આવ્યો. ખ્ર્રિસ્તી ધર્મનું વિભાજન થયું અને, વોલ્તેર તથા જર્મનીનાં સુશિક્ષિત વૃંદો નાસ્તિકતા ભણી વળ્યાં. પરંતુ, પ્રાચીન ગ્રીસની માફક, નવા યુરોપનો ઉદય થયો, એમાં યુવાની ને જોમ હતાં અને પછી એ બહાર નીકળવા લાગ્યાં. ૨,૫૦,૦૦૦ની વસતિનું નાનકડું નગર એથેન્સ સમગ્ર ગ્રીસ ઉપર પ્રચંડ વર્ચસ્વ ભોગવવા લાગ્યું. એ સામ્ર્રાજ્ય બન્યું અને, એલક્ઝેન્ડરના હાથ નીચે, ભારત સુધીના અનેક દેશો એણે જીતી લીધા. યુરોપીય પ્રજાઓનું પણ બરાબર તેવું જ થયું. પ્રચંડ શક્તિ પ્રાપ્ત કર્યા પછી, એને વશમાં રાખવાનું ભાન નહીં હોવાથી, વિજ્ય મેળવવા, સંસ્થાનો સ્થાપવા, શોષણ કરવા અને વિનાશ કરવાને માર્ગે એ વળ્યા. પરંતુ, એમણે કેટલાક નવા વિચારો પણ આપ્યા. યુરોપમાં ત્યારે નવચેતના પ્રગટી હતી પરંતુ, એનું હવે પતન થઈ રહ્યું છે. બરાબર એ જ સમયે, વિશાળ અને તર્કપૂત ભારતીય આધ્યાત્મિક વિચારણા યુરોપ અને અમેરિકાની સંસ્કૃતિમાં નવો પ્રાણ પૂરવા જઈ રહી છે.

ભારત ઉપર બ્રિટિશ સામ્ર્રાજ્યની આણ પ્રવર્તી ત્યારે, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અણગમતા સામનાના સંજોગો ઊભા થયા. આજે હવે, એ સંબંધ સુખનો થયો છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વિચારોની આપલે થાય છે અને, પશ્ચિમના અનેક વિચારોનું લોકો સ્વાગત કરે છે. અર્વાચીન પાશ્ચાત્ય સભ્યતા રોમન સભ્યતાની માફક નાશ નહીં પામે. રોમન સભ્યતાને મરવું પડયું હતું અને એનું સ્થાન ખ્ર્રિસ્તી ધર્મે લીધું હતું. માત્ર ચર્ચ અને એની સત્તાનું અસ્તિત્વ હતું, બીજું સઘળું ઢંકાઈ ગયું હતું. રોમન સિનેટર સિમેકસ અને રોમના બિશપ એમ્બ્રોઝ વચ્ચેના, રોમન પેગેનિઝમ – મૂર્તિપૂજાવાદ – અને કેથલિક ખ્ર્રિસ્તી સંપ્રદાય વચ્ચેના સામનાનો ઉલ્લેખ ઇતિહાસકાર આર્નલ્ડ ટોય્‌ન્બીએ કર્યો છે. રોમન સામ્ર્રાજ્યમાં હવે બલવત્તર થતો જતો ખ્ર્રિસ્તી ધર્મ ઈશ્વરને પામવાનો એક જ માર્ગ છે એમ બિશપે વાત માંડી. રોમન પેગન (મૂર્તિપૂજક) સિનેટર સિમેકસે પ્રતિપાદન કર્યું કે ઈશ્વરને પામવાના માર્ગો અનેક છે. પણ ખ્ર્રિસ્તી ચર્ચે એ સિનેટરને બોલતા બંધ કર્યા. પણ, ટોય્‌ન્બી કહે છે કે, સિનેટરને ભલે બોલતો બંધ કરાયો, એણે જે દૃષ્ટિબિંદુ રજૂ કર્યું હતું તેને કરોડો હિંદુઓ આજે પણ સ્વીકારે છે.

પરંતુ, આજે, ભારતની પુનર્જાગ્રતિની સાથે, પશ્ચિમની બધી પ્રજાઓમાં નવા વિચારો પ્રવેશ કરશે અને, એ સૌ ફરી એકવાર નવયૌવન અને તાકાત પ્રાપ્ત કરશે. ખાવું, પીવું અને સુખ પાછળ પડવું – આ ઉપભોક્તાવાદી ફિલસૂફી પસંદ ન હોય તેવા અનેક લોકો પશ્ચિમમાં આજે આપણને જોવા મળશે. આનો પ્રથમ આવિષ્કાર હિપ્પી આંદોલન હતું – આરંભમાં ખાસ કરીને અમેરિકામાં અને પછી ફ્રાન્સમાં; છોકરો કે છોકરી ભલે જન્મે તવંગર ઘેર પણ, પોતાની જાતને એ છોળથી અલગ તારવી લે. સાવ સાદાં કપડાં એ લોકો ધારણ કરતા – એ ત્યાગનું ચિહ્‌ન હતું. લોકોમાં નવી શક્તિ પ્રગટ થવાનો એ પ્રારંભ છે. અત્યારે તો એ ઢંકાઈ ગઈ જણાય છે પરંતુ, ગમે ત્યારે ફરી જાગી ઊઠે.

શંકરાચાર્યના આ શબ્દો વાંચો છો ત્યારે, માનવસમાજ વિશે, સામૂહિક માનવ પ્રયાસ વિશેનું સત્ય તમે વાંચો છો. સંસ્કૃતિની ગતિ તરંગના જેવી છે, ઘડીમાં ઊંચે અને ઘડીમાં નીચે. મેં અગાઉ કહ્યા પ્રમાણે, આપણા દેશમાં, આ ઊર્ધ્વગતિનો પ્રારંભ હંમેશાં કોઈ મહાન ધર્મગુરુએ કર્યો છે. કોઈ રાજકારણી, સૈન્યનો સેનાપતિ, અરે ભૌતિક વિજ્ઞાની પણ આવું આંદોલન આરંભી શકે નહીં. માનવ હૃદયમાં રહેલા સત્યની ઊંડી જાણકારીવાળો કોઈ ભગવાનનો માણસ જ આવો પ્રવાહ રેલાવી શકે. આ સંદર્ભમાં, ‘મારા ગુરુદેવ’ પરની પોતાની સુંદર રજૂઆતવાળા સ્વામી વિવેકાનંદના ન્યુયોર્ક પ્રવચનમાં, ભારત અને પશ્ચિમના દેશો વચ્ચેના આદાનપ્રદાનથી નવો પ્રવાહ આરંભાયો છે તેનું અવતરણ મેં અગાઉ આપ્યું હતું. પારસ્પરિક આદાનપ્રદાનથી, નવી સંસ્કૃતિ અને વૈશ્વિક જાગ્રતિ આવશે અને સમાજમાં નવો વૈશ્વિક સમન્વય સ્થપાશે.

શ્રીકૃષ્ણને સ્વરૂપે પ્રાચીન કાળમાં ભારતમાં એક મહાન અવતાર થયો હતો એમ મેં અગાઉ જણાવ્યું હતું. આચાર્ય શંકરે કહ્યા મુજબ અને, મેં અગાઉ અવતરણ આપ્યા મુજબ, ધર્મને અધર્મે પરાજિત કર્યો હતો અને, ઇન્દ્રિયભોગની તૃષ્ણામાં અને, વિવેકવિજ્ઞાનના પતનમાં વૃદ્ધિ આવી હતી ત્યારે, વૈદિક દર્શનના અને સનાતન ધર્મની આધ્યાત્મિકતાના રક્ષણને માટે, ભગવાન નારાયણે, વસુદેવ અને દેવકીના પુત્ર, કૃષ્ણને રૂપે અવતાર ધારણ કર્યો હતો.

પછી મેં બ્રાહ્મણના આદર્શની વાત કરી હતી અને, ધમ્મપદમાંથી અવતરણો આપી, ભારતીય સમાજશાસ્ત્રમાંના આ ભારતીય આદર્શ માટે ભગવાન બુદ્ધનો મહા આદર્શ દર્શાવ્યો હતો. એ આદર્શ છે, જાતિ કે જ્ઞાતિ નથી કે વ્યક્તિ નથી અને, દરેક સમાજે એને પોતાના આદર્શ તરીકે સ્થાપવો જોઈએ. આત્મસંયમ, સરળતા, અનુકંપા, સેવાવૃત્તિ આ બધા ગુણો બ્રાહ્મણત્વ નિર્દેશે છે ને એમાં સત્ત્વગુણ પ્રધાનપદે છે. એ કદી આક્રમણ બનતો નથી, નિત્ય શાંતિપૂર્ણ છે અને સૌને આશીર્વાદ આપે છે. આપણા જમાનામાં આ આદર્શની અભિવ્યક્તિ આપણને મહાત્મા ગાંધીમાં જોવા મળી. જ્ઞાતિએ વૈશ્ય હોવા છતાં, ગુણદૃષ્ટિએ એ બ્રાહ્મણ હતા.

ભગવદ્‌ગીતાનો આ ગ્રંથ આ લક્ષણને તેમજ ક્ષત્રિયના લક્ષણની ચર્ચા કરે છે. રાજગાદીએ બેઠેલો કે માથે મુગટ પહેરેલો દરેક માનવી ક્ષત્રિય નથી. ગીતા કહે છે કે ક્ષત્રિય કદી રણભૂમિમાંથી ભાગતો નથી – युद्धे चाप्यपलायनम्, એ ધીર છે, વીર છે, કદી ક્ષુદ્ર કે ટૂંકા મનનો હોતો નથી. આપણા રાજકારણીઓએ અને વહીવટ કરનારાઓએ આજે આ ગુણો આત્મસાત કરવાના છે. પરંતુ, દરેકને માટેનું ધ્યેય તો છે બ્રાહ્મણનું, જે આદર્શમાં સમાજ નીચલી કક્ષાએથી ઊર્ધ્વગતિ કરે છે. માનવઉત્ક્રાંતિ સેન્દ્રિય નથી; તત્ત્વત: એ નૈતિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ છે. મનુષ્ય પ્રાણીઓને બહેતર અંગોની આવશ્યકતા નથી. આપણું ઉત્તમાંગ મગજ છે. આપણા અંગતંત્રની શક્તિનો ઉપયોગ ઉત્ક્રાન્તિને ઊર્ધ્વતર કક્ષાએ લઈ જવા માટે આપણે કરવાનો છે. સત્ત્વગુણની આવશ્યકતા અહીં છે. આજે આપણી પાસે પુષ્કળ શક્તિ છે અને એનો ઉપયોગ આપણે લોકોની હત્યામાં અને મકાનોને આગ લગાડવામાં કરીએ છીએ કારણ, એ શક્તિનું સત્ત્વગુણ વડે શોધન થયું નથી. તો એ શક્તિના શુદ્ધિકરણનો, માનવીકરણનો પડકાર ઝીલી બ્રાહ્મણત્વના આદર્શે પહોંચવાનું છે. અવતાર ब्राह्मणत्वस्य रक्षणार्थम् આવે છે. વેદોના અને બ્રાહ્મણના આદર્શના રક્ષણ માટે અવતાર આવે છે. વૈદિક ધર્મ, સનાતન ધર્મ વૈશ્વિક સ્વરૂપનો છે, ખૂબ વિશુદ્ધ અને તર્કપૂત છે. એક કાળે જગતના વિશાળ ભાગોમાં એ ફેલાયેલો હતો પણ પછીથી એ મર્યાદિત થઈ ગયો અને હવે એ પુન: ફેલાવા લાગ્યો છે. વૈદિક ધર્મ બધા ધર્મોનો સમાવેશક છે, બધા ધર્મોને સ્વીકારે છે અને, અન્યત્ર ક્યાંય આપણને એ વૈશ્વિક દર્શન જોવા મળતું નથી. વૈદિક ધર્મના રક્ષણ માટે અને બ્રાહ્મણના આદર્શને આગળ ધરવા માટે વસુદેવ – દેવકીના પુત્ર તરીકે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. પોતાની જાત પૂરતું એમને કશું પ્રયોજન ન હતું, स्वप्रयोजन अभावे अपि. પોતાની માયા વડે જ એમણે માનવરૂપ લીધું અને, वैदिकं धर्म द्वयं अर्जुनाय उपदिदेश-‘અર્જુનને પ્રવૃત્તિલક્ષણ અને નિવૃત્તિલક્ષણ, એ દ્વિવિધ ધર્મ એમણે ઉપદેશ્યો.’ અર્જુનની દશા એ વેળા કેવી હતી? शोक मोह महोदधौ निमश्नाय-‘શોક અને મોહના મહાસાગરમાં એ ડૂબેલો હતો.’ જીવનના કોઈ પણ પાશ્ર્વને આ બે બાબતો વિકૃત કરી શકે. ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુનની વિપત્તિના વર્ણનમાં આપણે જોશું કે અર્જુન શોક અને મોહના મહાસાગરમાં નિમજ્જિત થઈ ગયો છે.

અર્જુનને અને, એના દ્વારા આપણને સૌને, શ્રીકૃષ્ણે ગહન સંદેશ આપ્યો છે. અનુકંપાથી પૂર્ણ હોઈને, આ જગત પર એ મનુષ્યદેહે આવ્યા અને અનેક મુશ્કેલીઓ એમણે વેઠી. એમનું જીવન કઠિનાઈઓથી ભરપુર હતું. આવા ઉદાત્ત જીવનવાળા માનવીનું જીવન સુખસાહેબીવાળું હશે એમ આપણને લાગે પરંતુ, એ જરા પણ એવું ન હતું, એમનું જીવન કઠિનાઈઓથી ભરપુર હતું. એક મહાત્માની પીડા બીજા મહાત્મા જ જાણે એમ મહાત્મા ગાંધીએ કહ્યાનું કહેવાય છે. આપણા આજના રાજકીય જીવનમાં જોવા મળે છે. તેમ કૃષ્ણના ચારિત્ર્ય ખંડનના પણ પ્રયાસો થયા હતા. કોઈ યાદવે એમની ઉપર આરોપ મૂક્યો હતો કે, પોતાનો મૂલ્યવાન મણિ, સ્યામંતક, ચોરાયો છે ને, કૃષ્ણે એ ચોર્યો છે. બિચારા કૃષ્ણને પોતાની નિર્દોષતા પુરવાર કરવી પડી હતી! એમણે એ મણિની તપાસ કરી અને, બે ગરીબ બાળકોને એ મણિથી રમતાં જોયાં. પછી એ મણિ એમણે એના મૂળ માલિકને સોંપી દીધો. આવા ખોટા આળના, અપકીર્તિના, ઘણા પ્રસંગો છે. શ્રીકૃષ્ણ એમની ઉપેક્ષા કરી શક્યા હોત, કારણ, એમને કશુંય પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું ન હતું. પરંતુ, માનવ દેહ ધારણ કરે ત્યારે અવતારે પણ દુ:ખ અને અપમાન ભોગવવાં પડે. જે કંઈ આનંદ હોય તે, અનેક પીડાઓથી ઊણો થઈ જાય. મનુષ્યદેહધારી કોઈને પણ આમાંથી પસાર થવું જ પડે. પરંતુ દેહ મનુષ્યનો હોવા છતાં, ભીતરમાં ઊંડે ઊંડે દિવ્યતાની પૂર્ણતા છે તેનું અવતારને ભાન હોય છે. શ્રીકૃષ્ણના જીવનની પરમ ઘડી કુરુક્ષેત્રના યુદ્ધમાં પ્રગટ થઈ; ત્યાં એમણે અર્જુન દ્વારા માનવજાતને ગીતાનો બોધ આપ્યો હતો અને, એ માટે તો આ હજારો વર્ષોથી આપણે એમનું સ્મરણ કરીએ છીએ.

ઉપસંહાર

આ બોધ અર્જુનને આપવા પાછળનો શ્રીકૃષ્ણનો હેતુ શો હતો? હવે આપણે એ વિશે વિચારીશું. રણભૂમિ પર અર્જુન સાથે શ્રીકૃષ્ણ શા માટે સંવાદ કરતા હતા? એ જગતનો ઉદ્ધાર કરી શકશે? શાંકરભાષ્યમાં આ વાક્ય છે : गुणाधिकै: हि गृहीत: अनुष्ठीय मानश्च धर्म: प्रचयं गमिष्यति इति-‘અધિક ગુણોવાળાં નરનારીઓ સમજીને આચરણમાં મૂકે તે આધ્યાત્મિક વિચારો સરળતાથી પ્રસરે છે,’ એક પ્રગટેલા દીવામાંથી બીજો દીવો પ્રગટાવાય તેમ સમાજના નૈતિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને એ ધીમેથી સુધારે છે. જિસસ કહે છે કે, ‘થોડું મોણ આખા રોટલાને મોણવાળો બનાવે છે.’ આવા વિચારો સમાજમાં ધીમે ધીમે પ્રવેશ કરે છે અને અંતે સમાજનું પરિવર્તન કરે છે. આ કેવી રીતે બને છે તેની ચર્ચા આપણે કરીએ.

શંકરાચાર્ય આગળ કહે છે :

स च भावान् ज्ञान ऐश्वर्यशक्तिबलवीर्य
तेजोभी: सदा सम्पन्न: त्रिगुणात्मिकां
वैष्णवीं स्वां मायां मूल प्रकृतिं वशिकृत्य
अज: अव्यय: भुतानां इश्वर:, नित्य-
शुद्धबुद्धमुक्तस्ववभावोऽपि सन् स्वमायया
देहवान् इव, जात इव च, लोकानुग्रहं कुर्वत
लक्ष्यते. स्वप्रयोजना भावेऽअपि भूतानुंजिघृक्षया
वैदिकं धर्मद्धयं अर्जुनाय, शोकमोहमहोदधौ निमग्नाय,
उपदिदेश, गुणाधिकै, हि गृहित: अनु-
-ष्ठीयमानश्च धर्मः प्रचयं गमिष्यति इति.
तं धर्मं भगवता यथोपदिष्टं वेदव्यासः सर्वज्ञः
भगवान गीताख्यैः सप्तभिः श्लोकशनैः
उत्पनबबंधि –

‘જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી સંપન્ન એવા ભગવાન, પોતાની સર્વવ્યાપી, મૂળ પ્રકૃતિ, ત્રિગુણાત્મિકા માયાને વશમાં રાખી, પોતે પ્રાણી માત્રના અજન્મા, અને અવ્યય ઈશ્વર હોવા છતાં, નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત હોવા છતાં, પોતાની માયા વડે, જાણે કે જન્મીને અને દેહ ધારણ કરીને, લોક પર અનુગ્રહ કરતા દેખાય છે. પ્રાણીઓના કલ્યાણથી એને કશો ફાયદો નથી. મોહમાયાના મહાસાગરમાં ડૂબેલા અર્જુનને એમણે પ્રવૃત્તિ – નિવૃત્તિનો દ્વિવિધ વૈદિક આધ્યાત્મિક બોધ આપ્યો; એમને એ શ્રદ્ધા હતી કે, વિશિષ્ટ ગુણધારક લોકો એ બોધને સ્વીકારી, સમજી, આચરણમાં મૂકશે ત્યારે, (દીવે દીવો પેટાય તેમ) એ બોધ લોકોમાં પ્રસરશે. ભગવાન શ્રીકૃષ્ણે પ્રબોધેલા એ ધર્મને ભગવાન વેદવ્યાસે, સુપ્રસિદ્ધ ગીતાના સાતસો શ્લોકોમાં ગૂંથ્યો છે.’

ગીતાના ઉદ્‌ભવ વિશે આમ કહ્યા પછી આચાર્ય આગળ કહે છે :

तत् इदं गीताशास्त्रं समस्तवेदार्थसार संग्रहभूतं
दुर्विज्ञेयार्थंः तर्ध्या विष्करणाय अनेक: विवृत्त –
पदपादार्थवाक्यार्थन्यायं अपि अत्यन्त विरुद्ध
अनेकार्थत्वेन लौकिकै: गृऽपानं उपलभ्य, अहं
विवेकतः अथनिर्धारणार्थं संक्षेपतः
विवरणं करिष्यामि –

‘ગીતાશાસ્ત્ર, સમસ્ત વેદાર્થસારનો સંગ્રહ છે પણ, એનો અર્થ સમજવો કઠિન છે. એના શબ્દો, અર્થો અને એની સમગ્રતાને સમજાવવાનો પ્રયાસ ઘણાયે કર્યો છે. એકબીજાનો છેદ ઉડાડી નાખતા વિચારોનો એ સંગ્રહ છે એમ સામાન્યપણે કેટલાકને લાગ્યું છે. આને લક્ષમાં લઈ, ટૂંકમાં વિવેકપૂર્વક હું એનું વિવરણ કરીશ…’

પોતાની ચિંતનપ્રધાન પ્રસ્તાવનાની પૂર્ણાહુતિ આચાર્ય આ શબ્દો વડે કરે છે :

इमं द्विप्रकारं धर्मं निःश्रेयसप्रयोजनं परमार्थ-
तत्त्वं च वासुदेवाख्यं परं ब्रह्माभिध्येय भूतं
विशेषतः अभिव्यक् यित् विशिष्ट प्रयोजन-
संबंधाभिधेयवत् गीताशास्त्रम् यतः तदर्थ-
विज्ञाने समस्त पुरुषार्थ सिखि: अतः तद्विवरणे
यत्नः क्रियते मया –

‘વેદના (પ્રવૃત્તિ – નિવૃત્તિના) દ્વિવિધ ધર્મની સમજણ આપીને આધ્યાત્મના ધ્યેય ભણી દોરે છે; તેમજ, પરબ્રહ્મ વાસુદેવને અંતિમ સત્ય તરીકે પ્રસ્થાપિત કરે છે; એટલે એને વિશિષ્ટ પ્રયોજન, સંબંધ અને વિષયવસ્તુ છે. એને જાણવાથી સમસ્ત પુરુષાર્થ સિદ્ધ થાય છે તેથી, એનું વિવરણ કરવાનો પ્રયત્ન હું કરું છું.’

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.