(કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨)

દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે.

જ્ઞાનપથ કઠણ

આ પહેલાં ઠાકુરે ‘કમજાત અહંકાર’ને દૂર કરવા અને ‘ભક્ત અહંકાર’, ‘દાસ અહંકાર’ને રાખવાનું કહ્યું હતું, કારણ કે આ ‘અહંકાર’ માં કોઈ દોષ નથી. આપણે ગુણદોષ કોને કહીએ છીએ? જે પ્રભુ પાસે લઈ જાય તે ગુણ છે અને જે પ્રભુથી દૂર કરી દે એ દોષ છે. ‘ભક્ત અહંકાર’ અને ‘દાસ અહંકાર’ ભક્તને ભગવાનથી થોડા દૂર તો રાખે છે પરંતુ આ અંતર એટલું વધારે નથી કે જે તેમનું આસ્વાદન કરવામાં બાધારૂપ નીવડે. જો કોઈ કહે કે ભક્ત અને ભગવાન વચ્ચે થોડું પણ અંતર શા માટે રહેવું જોઈએ તો તેના ઉત્તરમાં ઠાકુર કહે છે: પોતાનું અંતર સમાપ્ત કરવા માટેની વાત મોઢેથી કહેવી સહેલી છે પરંતુ કાર્યરૂપમાં તેને પરિણત કરવી એટલી સરળ નથી. ભલે હું એમ કહું કે મારામાં ત્રણ ગુણોમાંથી એક પણ નથી એટલે હું આ ત્રણેય ગુણોથી મુક્ત છું; પરંતુ, જ્યારે હું આ કહું છું એ સમયે પણ એ વાત જાણું છું કે હું સાવ મુક્ત નથી. આજે મોંએ કરેલી વાત અને અંત:કરણની વાત, એ બંને વચ્ચે અંતર છે; એ જ્યાં સુધી રહે ત્યાં સુધી મનુષ્ય પોતાના આદર્શ સુધી પહોંચી નહિ શકે. ગીતામાં ભગવાને કહ્યું છે :

क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ।।

જે ભગવાનના નિરાકાર ભાવ તરફ આકર્ષાયેલા છે એનું દુ:ખકષ્ટ અધિક છે, કારણ કે જે મનવાણીથી અતીત છે, એમના તરફ જઈ પણ શકાતું નથી, પછી અન્ય પ્રકારે એમનું આસ્વાદન કરવાની રુચિ પણ નથી થતી. એટલા માટે ઠાકુરે ‘સોઽહમ્‌’ ભાવ પ્રત્યે આપણને સાવધાન કરી દીધા છે. એમણે એમ નથી કહ્યું કે આ સિદ્ધાંત ખોટો છે, પરંતુ એમણે એ કહ્યું છે કે સાધારણ મનુષ્ય માટે આ ભાવ સહજસાધ્ય નથી. આપણે મોઢેથી તો એમ કહીશું ‘હું તે છું’ અને આ બાજુએ હજારો પ્રકારનાં સંશય અને આસક્તિથી ઘેરાયેલા રહીશું. એટલે ‘હું તે છું’ એમ કહીને આપણે પોતાની જાતને ભ્રમમાં નાખીએ છીએ અને બીજાને પણ ભ્રમિત કરી મૂકીએ છીએ. આપણે જે સાધનો માટે યોગ્ય છીએ એને છોડીને જેના માટે આપણે યોગ્ય નથી એવા સાધનો પ્રત્યે આપણે ખેંચાઈએ કે ઝૂકીએ તો આપણી દશા પોતાના જોડા છોડીને પોતાના પિતાના જોડામાં પગ નાખીને ચાલવાનો પ્રયત્ન કરતા નાના બાળક જેવી થાય છે. એના પરિણામે એ બાળક ચાલી શકતો નથી, એવી જ રીતે આપણે પણ આપણા સાધના પથ પર આગળ વધી શકતા નથી.

‘इतो नष्टस्ततो भ्रष्ट:’ જેવા આપણે બની ગયા છીએ. ‘तत: भ्रष्ट:’ એટલા માટે કે આપણે પોતાના લક્ષ્ય સુધી પણ પહોંચી નથી શક્યા. ‘इत: नष्ट:’ એટલા માટે કે જે સાધન જે તે વ્યક્તિ માટે ઉપયોગી છે એમાં એની પ્રવૃત્તિ ન થઈ; કારણ કે તે એમ સમજી બેઠો કે એ વાત સાધનહીન અધિકારી માટે છે. એટલે તમે જે સાધના કરી શકો છો એમાં જ નિષ્ઠાપૂર્વક મંડી રહો અને એના પર શ્રદ્ધા રાખો; આ જ મુખ્યવાત છે. જે સાધના આપણે કરીશું એના પર જો આપણી શ્રદ્ધા ન રહે, અને આપણને એમ લાગે કે એ સાધના તો હીન લોકો માટે છે તો તો એ સાધના આપણને ક્યારેય આગળ લઈ જઈ શકે નહિ.

જાર જેઈ ભાવ હોય તાર સે ઉત્તમ ।
તટસ્થ હોયે બિચારિલે આછે તદુત્તમ ॥

– સાધના કરતી વખતે જેનો જેવો ભાવ હોય છે તે જ એના માટે શ્રેષ્ઠ છે, કારણ કે એ જ ભાવને પકડીને તે આગળ વધી શકે છે. ગમે તે ભાવને સાથે રાખીને આપણે આગળ ભલે ને વધી જઈએ, પરંતુ લક્ષ્ય સુધી પહોંચીને જો આપણે વિચાર કરીને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ ભાવથી પણ શ્રેષ્ઠભાવ છે ખરો. જેવી રીતે અદ્વૈતભાવની સાધના કરતી વખતે સાધક જો એમ કહે કે ‘હું બ્રહ્મ છું’ એ ભાવે હું સાધના કરીશ તો એ વાત સત્ય છે કે એને માટે બીજી કોઈ પણ પ્રકારની સાધના કરવી સંભવ નથી. કારણ કે જો હું જ બ્રહ્મ છું તો પછી સાધના કરશે કોણ? આપણે પોતાને જ બ્રહ્મથી અભિન્ન સમજીએ, પહેલેથી જ જો આ અદ્વૈત-સિદ્ધાંતને અપનાવીએ તો તો એ પછી સાધનાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો.

પારમાર્થિક સત્ય

આ જે ‘अहम् ब्रह्म’ની સાધના છે એના પર તટસ્થ બુદ્ધિથી વિચાર કરવામાં આવે તો એવું માલુમ પડે છે કે એનાથી પણ ઉચ્ચતર ભાવ એ છે કે જ્યાં ‘હું બ્રહ્મ છું’ એમ કહેવાનું પણ ન ચાલે. ‘હું બ્રહ્મ છું’ એવું જે કહેવાનું છે તે ભેદનો સ્વીકાર કરીને જ કહેવાય છે. મનની ભીતર એક એવો ભેદ રહે છે કે હું અલગ છું અને બ્રહ્મ પણ અલગ છે. હું આ જે ‘હું’ અને ‘અમે’ કહું છું, આ બંને શબ્દોનું – વાતોનું તાત્પર્ય શું છે? ભેદની પ્રતીતિ મિથ્યા છે અર્થાત્‌ તે સત્ય નથી. ભેદની પ્રતીતિ હોવી એ સાધનામાં કોઈ સિદ્ધિની વાત નથી. અત: સત્ય પાસે રાખીને જો વિચાર કરવામાં આવે તો તેનાથી પણ મોટો ભાવ છે જેમાં પ્રતિષ્ઠિત થઈને અદ્વૈતવાદી કહે છે: 

न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधकः ।
न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता ।।

(માણ્ડૂક્યકારિકા, ૨/૩૨)

– ‘મનનો નિરોધ’ કહેવાથી કંઈ નથી, ‘જ્ઞાનની ઉત્પત્તિ’ એમ કહેવાથી કંઈ નથી, ‘બંધન’ કહેવાથી કંઈ નથી, ‘સાધક’ કહેવાથી કંઈ નથી; આ પારમાર્થિક સત્ય થયું. આપણે જે શબ્દોનો અદ્વૈત સાધનામાં ઉપયોગ કરીએ છીએ એ બધું તો કલ્પિત વસ્તુનો સ્વીકાર કરીને જ કહેવાય છે. કલ્પનાને વાસ્તવિક સમજીને જાણે કે આપણે વિચારીએ છીએ કે હું અદ્વૈતની સાધના કરું છું. ‘હું’ શું છે? એની સ્થિતિ ક્યાં છે? એનું સ્વરૂપ શું છે? જો એનું સ્વરૂપ બ્રહ્મથી ભિન્ન હોય તો તો ‘હું’ બ્રહ્મ હોઈ શકતો નથી અને ‘અહમ્‌’ જો ‘બ્રહ્મ’થી અભિન્ન હોય તો ‘હું બ્રહ્મ છું’ એ વાત નિરર્થક છે. બે વસ્તુઓનો સંબંધ એ બંને વચ્ચે ભેદ હોવાને લીધે જ હશે. જો વસ્તુ એક જ હોય તો સ્વયં પોતાની સાથે પોતાનો કયો સંબંધ હશે? અત: સાધનાને સમયે જ્યારે ‘હું બ્રહ્મ છું’ એવું કહેવાય છે ત્યારે આ કલ્પિત ભેદનો સ્વીકાર કરીને જ કહેવાય છે. અને આ કલ્પિત ભેદનો જો સ્વીકાર કરી લેવાય તો મારામાં દ્વૈતભાવ જ આવી ગયો. એટલા માટે આપણે એ પરમતત્ત્વમાં પ્રતિષ્ઠિત થઈને જોઈએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે આ વાતોની કોઈ સાર્થકતા નથી – न मुमुक्षुर्न वै मुक्त: – ત્યાં ન કોઈ મુમુક્ષુ છે ન કોઈ મુક્ત.

બંધન જો સત્ય છે ત્યારે તો મુક્તિનો પ્રશ્ન ઊભો થશે. જ્યારે બંધન જ સત્ય નથી તો મુક્તિ કેવી રીતે સત્ય હોઈ શકે? અત: જે દૃષ્ટિએ આ વિભિન્ન પ્રકારની સાધનાઓની વાત કહેવાય છે, તે અનુસાર એમાંથી પ્રત્યેકની ભીતર દ્વૈતભાવ સમાયેલો છે. એ દ્વૈત પરમાર્થત: ન હોવા છતાં પણ વ્યવહારમાં તો છે જ; અને આ વ્યવહારનું અવલંબન કરીને જ તો આટલાં બધાં શાસ્ત્રો છે, આટલી સાધનાઓ છે. આચાર્ય શંકરે ‘બ્રહ્મસૂત્ર’ની વ્યાખ્યા કરતા પોતાના ‘અધ્યાસભાષ્ય’ના પ્રારંભમાં જ કહ્યું છે: ‘सत्यानृते मिथुनीकृत्य नैसर्गिकोऽयं लोकव्यवहार:’ – લોકવ્યવહારમાં નૈસર્ગિક રૂપે સત્ય અને મિથ્યા મળેલાં ભળેલાં રહે છે.

સાધનામાં દ્વૈતભાવ

સત્ય અને મિથ્યાનું મિશ્રણ કરીને આ જગતનો બધો વ્યવહાર ચાલે છે. બધો વ્યવહાર જાણે કે લૌકિક વ્યવહાર અને વૈદિક વ્યવહાર બંને છે. આ દૃષ્ટિએ જોવાથી વેદોને પણ નિત્ય કહેવાનું શક્ય નથી. નિત્ય માત્ર એક છે. એક એમ કહેવું પણ જાણે કે ભૂલ છે; જ્યાં સમસ્ત દ્વૈતનું અવસાન થઈ જાય તે જ નિત્ય છે. આને વેદાંત દર્શનમાં અ-દ્વૈત કહેવામાં આવ્યું છે. આ અવસ્થામાં તે પરમસત્ય શું છે? તે શું છે એ મુખથી કહી ન શકાય. આ સત્યને મુખથી ન કહી શકવું એ વક્તાની અસમર્થતાનું કારણ નથી. તે મનવાણીથી આગોચર છે, પર છે તેથી એને મુખથી કહી શકાતું નથી. ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह’ – વાણીની સાથે મન પણ એને ન પામીને પાછું ફરે છે. આ વાણી કેવળ લૌકિક વાણી સુધી જ સિમિત નથી, વૈદિકવાણીની પણ આ જ દુરવસ્થા છે. આ વસ્તુને પ્રકાશિત કરી શકીએ છીએ એમ વેદ પણ ક્યારેય કહેતા નથી; કારણ કે ‘ तत्र वेदा अवेदा भवन्ति’ – અહીં વેદ અવેદ બની જાય છે, અર્થાત્‌ વેદ અજ્ઞાનની શ્રેણીમાં આવી જાય છે. અત: શાસ્ત્ર, લૌકિક કે વૈદિક વ્યવહાર ત્યાં કોઈ પણ પ્રકારના કામમાં આવતાં નથી. અદ્વૈત સાધના પણ આની અંતર્ગત આવી જાય છે. આ વાત જો આપણે સમજી શકીએ તો ‘अहं ब्रह्मास्मि’ કહીને પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાંથી આપણે વિરત થઈ શકીએ છીએ. હું કોણ છું? કોને મોટો કરું છું? કોણ મોટો અધિકારી છે? આ પ્રશ્નનો ઉત્તર કોણ આપશે? બ્રહ્મજ્ઞાનનો અધિકારી જો મોટો હોય તો તે કોનાથી મોટો છે? તાત્ત્વિક દૃષ્ટિએ જોવાથી તો એની કોઈ પૃથક્‌ સત્તા જ નથી. અત: તે કોની સરખામણીમાં કઈ રીતે મોટો હોઈ શકે? જે મિથ્યા છે તે મિથ્યા જ છે. મિથ્યાના રાજ્યમાં ‘નાનું મિથ્યા’ અને ‘મોટું મિથ્યા’ કહેવાનો શું અર્થ કે તર્ક છે? પરંતુ આ મિથ્યાના રાજ્યની અંદરથી જ કોઈ ને કોઈ પ્રણાલીનું અવલંબન કરીને આ મિથ્યાથી પાર થઈ શકાય છે. એ ધ્યાનમાં રાખવું પડશે કે આ બધી પ્રણાલીઓ મિથ્યા છે. જે કોઈ પણ પ્રણાલી હોય તે પ્રણાલી હોવાને કારણે મિથ્યા છે. આ દૃષ્ટિએ જોવાથી અદ્વૈત વેદાંતની સાધના પણ મિથ્યા છે અને દ્વૈત વેદાંતની સાધના પણ મિથ્યા છે.

દ્વિવિધ ભ્રમ

પણ કોઈ એવું ‘મિથ્યા’ છે કે જે આપણને સત્ય સુધી પહોંચાડી શકે. એને શાસ્ત્રોમાં ‘સંવાદી ભ્રમ’ કહ્યું છે. ભ્રમ બે પ્રકારના છે : ‘સંવાદી ભ્રમ’ અને ‘અસંવાદી ભ્રમ’. એક માણસને અંધકારમાં પ્રકાશ જોયો; એ જોઈને એને લાગ્યું કે એક મણિ ચમકે છે. તે એ મણિને લેવા માટે આગળ વધ્યો. એ પ્રકાશનું અનુસરણ કરતાં કરતાં તેણે ત્યાં જઈને જોયું તો જે પ્રકાશને તે મણિ સમજતો હતો તે એક મંદિરના બંધ દરવાજાની વચ્ચે રહેલાં છીદ્રમાંથી આવતો પ્રકાશ છે. દરવાજાને ખોલતાં જ એણે જોયું તો ત્યાં ખરેખર એક મણિ છે. મણિનો પ્રકાશ જે દરવાજાના છીદ્રમાંથી બહાર આવતો હતો એને જ એણે મણિ સમજી લીધો હતો. હવે તેણે જેને પેલા મણિ સમજી લીધો હતો, પછીથી એને સમજાયું કે એ મણિ નથી, છતાં પણ એ મિથ્યાનું અનુસરણ કરીને એ આગળ વધ્યો અને એને મણિ મળી ગયો, અર્થાત્‌ સત્યને પ્રાપ્ત કરી લીધું.

બીજા માણસે બરાબર આ જ રીતે પ્રકાશને જોઈને તેને મણિ સમજી લીધો એને મેળવવા માટે તે મંદિરના દરવાજાના છિદ્રમાંથી આવતા પ્રકાશ તરફ આગળ વધ્યો. દરવાજો ખોલતાં જ એણે જોયું કે ત્યાં એક દીવો પ્રજ્જ્વલિત છે, મણિ નથી. જ્યાં અનુસરણ કરીને અંતે મણિ પ્રાપ્ત થયો. તેને ‘સંવાદી ભ્રમ’ કહેવાયું, અર્થાત્‌ એવો ભ્રમ કે જે સત્યને પ્રાપ્ત કરાવી દે. અને જ્યાં અનુસરણ કરતા અંતે મણિ એટલે કે સત્યને પ્રાપ્ત ન કરી શક્યા, એને ‘અસંવાદી ભ્રમ’ કહેવાય છે. શાસ્ત્રોની જેટલી પ્રણાલીઓ છે એ બધી ભ્રમ છે; સાક્ષાત્‌ કે પરંપરાક્રમથી એ બધી આપણને સત્ય સુધી પહોંચાડી દે છે. એટલા માટે એ બધીને ‘સંવાદી ભ્રમ’ કહેવાય છે. બાકીની બીજી બધી ‘અસંવાદી ભ્રમ’ છે, જે આપણને સત્ય સુધી પહોંચાડતી નથી.

પોતપોતાના ભાવમાં નિષ્ઠા

જો વિરાટ સગુણ તત્ત્વને આપણે પોતાના જેવા વ્યક્તિત્વ સંપન્ન માની-સમજીને એની ભાવના કરીએ તો, ત્યારે ગમે તેવું હોય પણ, તેનું અનુસરણ કરતાં કરતાં આપણે એ પરમતત્ત્વમાં પહોંચી જઈશું. અત: ભ્રમ હોવા છતાં પણ તે ‘સંવાદી ભ્રમ’ છે, અર્થાત્‌ તે બ્રહ્મ સત્ય સાથે આપણું મિલન યોજી દે છે. શાસ્ત્રોમાં જેટલી સાધનાઓ વર્ણવી છે, એ બધી ‘સંવાદી ભ્રમ’ જેવી છે. શાસ્ત્રોમાં સર્વત્ર જે નિર્દેશ છે, એ બધા લગભગ ‘અરુંધતી ન્યાય’ સમા છે. અરુંધતી નક્ષત્ર બતાવતી વખતે પહેલેથી જ કોઈ આપણને એમ કહે ‘એ જુઓ અરુંધતી’ તો તો એને કોઈ શોધી નહિ શકે. એટલે જ પહેલાં બતાવવું પડે છે સપ્તર્ષિમંડળ. એને કોઈ પણ માણસ સરળતાથી શોધી શકે છે. એના પછી આ સપ્તર્ષિમંડળના પૂછડાં તરફ રહેલાં ત્રીજા વશિષ્ઠ નક્ષત્રને બતાવવું પડે છે. ત્યાર બાદ આ નક્ષત્રની પાસે નજરને સ્થિર કરીને જોવું પડે છે, એક અત્યંત અસ્પષ્ટ ક્ષીણ જ્યોતિવાળા નક્ષત્રને. આ નક્ષત્ર છે અરુંધતી. બરાબર આવી જ રીતે પહેલેથી જ જો એ પરમતત્ત્વને સમજવાની ચેષ્ટા કરવામાં આવે તો કોઈ એને સમજી નહિ શકે. એટલા માટે એને રૂપ દઈને, રસ દઈને, અનેક પ્રકારે પોતાને માટે આસ્વાદન યોગ્ય બનાવીને – જે અનુભૂતિઓ અને ભાવ સાથે આપણે સુપરિચિત છીએ એ બધા ભાવોની સાથે એને જોડીને, એનો સંબંધ સાધીને ક્યાંક એને ‘મા’ કહીને, ક્યાંક એને ‘સખા’ કહીને તો વળી ક્યાંક ‘પ્રભુ’ કહીને આપણે એને શાસ્ત્રોમાં નિર્દેશ્યા પ્રમાણે પામી શકીએ છીએ. ઠાકુર કહે છે: એના પછી એમનું સ્વરૂપ શું છે, એમની ભીતર કેટલું વૈચિત્ર્ય છે તથા તેઓ બધી વિચિત્રતાઓથી પર રહીને પણ તેમનું સ્વરૂપ શું છે, એ તેઓ જ બતાવી દેશે. અસલ વાત તો એ છે કે ગમે તે રીતે પણ એમનામાં મનને ડૂબેલું – લીન રાખવું પડશે, અથવા આના વિપરિત ક્રમે આમ પણ કહી શકીએ છીએ કે ગમે તે પ્રકારે પણ પોતાના આ ક્ષુદ્ર અહમ્‌ને દૂર કરવો પડશે. આનું નામ છે સાધના; પછી એ સાધના ભલે અદ્વૈત ભાવની હોય કે ભલે પછી આપણા પરિચિત કોઈ ભાવ સંબંધમાંથી પસાર થઈને દ્વૈત ભાવની હોય.

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram