વારાણસીમાં

એ દિવસોમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વારાણસી આવતા હતા. ગુરુદેવની આજ્ઞા લઈને વિંધ્ય પર્વત પાર કરીને શંકર ભોળાનાથની નગરી કાશી પહોંચ્યા. ત્યાં શંકર ગંગાના મણિકર્ણિકા ઘાટની સમીપ એક નિર્જન સ્થાનમાં રહેવા લાગ્યા. એ પવિત્ર તીર્થસ્થાનમાં રહેતા શંકર દરરોજ ગંગાસ્નાન કર્યા પછી શ્રીવિશ્વનાથ અને અન્નપૂર્ણાદેવીનાં દર્શન કરતા અને બ્રહ્મ-ચિંતનમાં મગ્ન રહેતા. ગંગાસ્નાન અને શિવપૂજા એમનાં નિત્ય કર્મો હતાં. થોડાક જ દિવસોમાં આ તરુણ સંન્યાસીનાં અગાધ પાંડિત્ય, અસાધારણ મેધા અને મધુર વ્યક્તિત્વની ચર્ચા સર્વત્ર થવા લાગી. દૂર દૂરથી અનેક સાધકો અને વિદ્યાર્થીઓ વેદ અને ઉપનિષદના અધ્યયન માટે એમની પાસે આવવા લાગ્યા. શંકરે થોડાંક વર્ષો સુધી કાશીમાં રહીને અધ્યાપન કર્યું.

પદ્મપાદ

શંકરના અતિ પ્રિય શિષ્યોમાં એકનું નામ સનંદન હતું. તેઓ બધા વિષયોમાં યોગ્ય હતા અને પોતાની તીક્ષ્ણ બુદ્ધિ, પાંડિત્ય, શાસ્ત્રાનુરાગ અને સૌથી વધુ તો તેમની અસીમ ગુરુ ભક્તિને કારણે શંકરને વિશેષ પ્રિય હતા. આથી શંકરના બીજા શિષ્યો સનંદનને ઈર્ષાની દૃષ્ટિથી જોતા હતા. શંકર આ જાણતા હતા. તેઓએ એક અદ્‌ભુત ઉપાય દ્વારા સનંદનને શ્રેષ્ઠ સાબિત કર્યા. એક દિવસ સનંદન કોઈ કામથી એક નાના પુલને પાર કરીને ગંગાને પેલે પાર ગયા હતા. શંકરે, જાણે એમનું ખાસ પ્રયોજન હોય, એ ભાવથી મોટા અવાજે બોલાવ્યા, ‘સનંદન! જલદી આવો.’ એ સમયે ગંગામાં અચાનક પૂર આવી ગયું. ગુરુદેવના આ આતુરતાભર્યા આહ્‌વાનથી સનંદન ઘણા વિચલિત થયા. પુલને પસાર કરીને સામે પાર જવામાં સમય લાગશે, એમ વિચારીને તે ગંગામાં કૂદી પડ્યા. આટલા તેજ પ્રવાહમાં સનંદનને કૂદતા જોઈને સામે કિનારે ઊભેલા શિષ્યો હાહાકાર કરી ઊઠ્યા. પરંતુ સનંદનની ગુરુનિષ્ઠા એટલી પ્રગાઢ હતી કે તે જ્યાં જ્યાં પગ રાખતા ત્યાં ત્યાં મહામાયાની ઇચ્છાથી કમળનું પુષ્પ પ્રકટ થઈ ઊઠતું. સનંદન આ પુષ્પો પર પગ રાખીને નદીના બીજા કિનારા પર પહોંચી ગયા. શંકરે ત્યારે બીજા શિષ્યોને કહ્યું, ‘તમે લોકોએ જોયું ને કે સનંદન ઉપર ભગવતીની કેટલી કૃપા છે! આજથી એનું નામ પદ્મપાદ રહેશે.’

ચાંડાળના વેશમાં ભગવાન શંકર

એક દિવસ આચાર્ય શંકર ગંગાસ્નાન કર્યા પછી બાબા વિશ્વનાથના મંદિરમાં જઈને પાછા આવી રહ્યા હતા. એ વખતે એમણે જોયું કે સામેથી એક કુરૂપ ચાંડાળ ચાર કૂતરાંને લઈને આવી રહ્યો છે. પોતાના રસ્તાને રોકેલો જોઈને આચાર્યે ચાંડાળને કહ્યું, ‘અરે ચાંડાળ, કૂતરાંની સાથે તું એક બાજુ ખસી જા.’ ચાંડાળે હસીને પૂછ્યું, ‘દ્વિજવર! આપ કોને ખસવાનું કહી રહ્યા છો? આત્માને કે આ શરીરને? આત્મા તો સર્વવ્યાપી અને નિષ્ક્રિય છે. તે તો અપવિત્ર થતો જ નથી. ગંગાજળમાં પ્રતિબિંબિત થતા સૂર્ય અને સુરામાં શું કોઈ ભેદ છે? અને જો આપ આ શરીરને ખસવાનું કહી રહ્યા છો, તો હે દ્વિજવર! શરીર તો જડ છે. તે કેવી રીતે હટી શકે છે? અને આપના શરીરથી બીજાં શરીરો કેવી રીતે ભિન્ન છે? તત્ત્વ દૃષ્ટિએ શું બ્રાહ્મણ અને ચાંડાળમાં કોઈ ભેદ છે? શું આ જ આપનું બ્રહ્મજ્ઞાન છે?’

ચાંડાળનાં આ જ્ઞાનગર્ભિત વચનો સાંભળીને શંકર આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તરત અદ્વૈત વેદાંતનાં ગૂઢ તત્ત્વોને પ્રગટ કરનારા ચાંડાળનાં ચરણોમાં પડી ગયા. પરંતુ ચાંડાળ અને કૂતરાં અંતર્ધ્યાન થઈ ગયાં. શંકરે જોયું કે હવે એમની સમક્ષ મહાદેવ બિરાજમાન છે. ભગવાન શંકર જ ચાંડાળના વેશમાં આચાર્ય શંકરને આ બોધ આપવા માટે આવ્યા હતા કે બ્રાહ્મણ, ચાંડાળ વગેરેમાં ભેદભાવ કરવો એક સંકીર્ણ માનસિકતાનું દ્યોતક છે.

Total Views: 683

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.