શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal For the Present Age”માંથી લેવામાં આવેલ છે.

(ગતાંકથી આગળ)

વિદ્યાર્થીઓને શિક્ષણ માટે દુન્યવી કોલાહલથી દૂર તપોવનમાં પોતાના ગુરુ સાથે રહેવા જવું પડતું. તેમણે સંપૂર્ણ નૈતિક જીવન જીવી, બ્રહ્મચર્ય પાળી, ગુરુને માન આપી તેમની સેવા કરવાની રહેતી. તે લોકોએ શ્રદ્ધા કેળવવી પડતી જેથી તે લોકોને જે શીખવવામાં આવે તે યોગ્ય રીતે પચાવી શકે. આ રીતે વિદ્યાર્થીજીવન ઘણું સખત હતું. અત્યારના જેવું નહોતું કે, ટોળામાં જઈ, સૂત્રોચ્ચાર કરવા કે ભાંગફોડ કરવી. જે ભાંગફોડ કરવામાં આવે છે તે તો આપણી જ રાષ્ટ્રીય મિલકત છે. ગુમાવનાર કોણ છે? રાષ્ટ્ર પોતે જ. આ વસ્તુ તેઓ સમજતા નથી. તે લોકો તો એમ સમજે છે કે તેઓ જેનો નાશ કરે છે તે તો સરકારી મિલકત છે. પણ સરકારી મિલકત એ રાષ્ટ્રીય મિલકત છે અને જ્યારે તેનો નાશ કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્ર પોતાની કેટલી બધી સંપત્તિ ગુમાવે છે! આવું બધું પ્રાચીન કાળમાં શક્ય નહોતું. કેમ કે તે વખતે વિદ્યાર્થીજીવન કેટલીક ફરજો દ્વારા નિયંત્રિત થતું; નહિ કે હક્ક દ્વારા. આજે તો આપણે ફક્ત હક્ક વિષે જ વાતો કરીએ છીએ. તેથી જ તો વિદ્યાર્થી જગતમાં આટલી અશિસ્ત ફેલાયેલ છે. શિક્ષણ જગતમાં વિશ્વવિદ્યાલયોમાં, મહાશાળાઓમાં તેમ જ શાળાઓમાં બધે જ એક પ્રકારની અંધાધૂંધી વ્યાપેલી છે. તેનું એક કારણ તો છે ફરજ કરતાં હક્કને આપવામાં આવતું પ્રાધાન્ય, અને બીજું કારણ એ છે કે, ‘આપણું રાષ્ટ્ર ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે’ એમ દેખાડીને ધર્મના રાષ્ટ્રીય આદર્શને છોડી દેવાયો છે. પ્રાચીન સમયમાં આવું ન હોવાથી વિદ્યાર્થીજીવન ખૂબ જ શિસ્તમય હતું.

વિદ્યાર્થી જ્યારે આઠ વર્ષનો થતો ત્યારે તે પોતાના ગુરુગૃહે જતો અને પંદરેક વર્ષ ત્યાં ગાળી ત્રેવીસમા વર્ષે પહોંચે ત્યારે ઘેર પાછો ફરતો અને પછી જગતમાં પ્રવેશતો. લગ્ન કરીને ગૃહસ્થાશ્રમના તબક્કામાં પ્રવેશતો. આ ગૃહસ્થાશ્રમ એટલે? ગૃહસ્થાશ્રમ એટલે ફક્ત આનંદ-પ્રમોદ નહિ. ગૃહસ્થ માટે પણ કેટલીક ફરજો નિર્ધારિત હતી. તેણે સમાજમાં કેવી રીતે જીવવું, મહેમાનોની કેવી રીતે આગતા-સ્વાગતા કરવી, સમાજ સુધારણા માટે કેવી રીતે પૈસા વાપરવા વગેરે વગેરે. ગૃહસ્થ જીવનમાં મુખ્યત્વે સમાજ સેવાને પહેલું મહત્ત્વ આપવામાં આવતું. ત્યાર બાદ પોતાના કુટુંબને તથા છેલ્લે પોતાના અંગત આનંદ-પ્રમોદને મહત્ત્વ અપાતું, પરંતુ આજે સેવાનો તો કોઈ આદર્શ જ નથી, અને ફક્ત આનંદ-પ્રમોદ એ જ એક આદર્શ છે. મને એ કહેતાં પણ દિલગીરી થાય છે કે, મા-બાપ પોતાને જે ગમે તે કર્યા કરે છે, કલબ અને સિનેમામાં જયા કરે છે, અને તેઓ પોતાનાં બાળકો સંત બને તેવી અપેક્ષા રાખે છે; જે બિલકુલ જ શક્ય નથી. તમારે પોતે પહેલાં તો પોતાનાં બાળકો માટે સારું વાતાવરણ ઊભું કરવું પડે અને પછી તે લોકો તે વાતાવરણને પચાવે ત્યારે જ તમે તેમની પાસેથી જે અપેક્ષા રાખો છો તે કરી શકે. પરંતુ જો ઘરમાં તથા શાળાઓમાં યોગ્ય વાતાવરણ ન મળે તો બાળકોના અયોગ્ય વર્તન માટે કે પછી તેમની પાસે જીવનનો યોગ્ય આદર્શ નથી તેમ કહીને ગમે તે લોકોની નિંદા કરી શકો નહિ. પહેલાં તમારે એક આદર્શ જીવન, જેમ પહેલાંના લોકો તપોવનમાં તેમ જ ઘરે જીવતા તે રીતે જીવવું પડે. ગૃહસ્થાશ્રમ બલિદાનનો આશ્રમ ગણાય છે. કેમ કે ગૃહસ્થ ઉપર બીજા આશ્રમો જેવા કે બ્રહ્મચર્યાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ તેમ જ સંન્યાસાશ્રમ આધાર રાખે છે. સામાજિક જીવનનો મુખ્ય આધાર હતો ગૃહસ્થ, અને તેણે ઘણી ફરજો બજાવવાની રહેતી. અને ત્યાર બાદ આવતો વાનપ્રસ્થાશ્રમ, જેને ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની કડીરૂપ ગણી શકાય. છેલ્લે આવતો સંન્યાસ અથવા મોક્ષને સામે રાખતો સંપૂર્ણ ત્યાગનો માર્ગ. આ રીતે મહાન ધાર્મિક આદર્શની સાથે સંકળાઈને પ્રાચીન સમયમાં આપણો સમાજ ઘડાયેલો હતો.

આ રીતે જ જીવનનાં ચાર મૂલ્યો પણ હતાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ ધર્મ એટલે શું? ધર્મ એટલે સદ્‌ગુણીપણું, એટલે કે પોતાની ઇચ્છા પ્રમાણે નહિ પણ અનાસક્ત મનથી, શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે દરેકે પોતાની ફરજ બજાવવી તેમ જ, શાસ્ત્રોમાં જે કર્મોનો નિષેધ છે તે કરવાં નહિ. આ છે ધર્મ. બધા જ લોકો ધર્મના આ મહાન આદર્શને અનુસરે તેવી આશા રાખવામાં આવતી. પ્રાચીન ભારતમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ, પાંડવો, વગેરે મહાપુરુષો થઈ ગયા છે. તેઓ ધર્મના આ આદર્શોને દૃઢ રીતે અનુસરેલા તેમ જ શુકદેવ જેવાએ ત્યાગના મહાન આદર્શને વરેલો જે ધર્મ સ્વીકારેલો એ જ સામાજિક રચનાનો પાયો ગણાતો. ધર્મ પછીનું બીજું મૂલ્ય હતું અર્થ. ધન જરૂરી છે એ હકીકતનો કોઈ ઈન્કાર નહિ કરી શકે. પરંતુ પૈસા પણ ન્યાયી સાધનોથી કમાવા જોઈએ અને ફક્ત પૈસા કમાવા એ જ જીવનનું સર્વસ્વ ન હોવું જોઈએ. તે પણ શાસ્ત્રના આદર્શ મુજબ કરવું જોઈએ. ત્યાર બાદ આવે છે કામ, એટલે કે પોતાની ઇચ્છાઓની પરિપૂર્તિને પણ સ્થાન હતું. પણ આ ઇચ્છાઓ પણ શાસ્ત્રના ઉપદેશની મર્યાદારેખામાં આવતી. કોઈ પોતાની ઇચ્છા પડે તેટલા ઇંદ્રિયભોગો ભોગવી ન શકે. દરેકે દુન્યવી જીવનનો અનુભવ તેમ જ આનંદ મેળવવો જોઈએ. પરંતુ તે પણ ધર્મના મહાન આદર્શ દ્વારા સંયમિત હોવા જોઈએ. અને છેલ્લે આવતો મોક્ષ-મુક્તિનો આદર્શ. તે ક્યારેય ભુલાતો નહિ. દરેક પોતાના જીવનની હરેક ક્રિયામાં આ આદર્શને યાદ રાખતા. તો આ હતાં જીવનનાં ચાર મૂલ્યો.

ત્યાર પછી આવે છે ચાર વર્ણો – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. બ્રાહ્મણો બૌદ્ધિક હતા કે જેઓ સંસ્કૃતિનો પ્રચાર કરતા. ક્ષત્રિયો સંસ્કૃતિની રક્ષા કરતા. વૈશ્યો દેશને સમૃદ્ધ બનાવતા તેમ શૂદ્રો મજૂરો તરીકે કામ કરી સંપત્તિ પેદા કરતા અને આ બધા જ, દેશ માટે તેમ જ સમાજના નિભાવ માટે એકસરખી રીતે જરૂરી હતા. પાછળથી કેટલાક વર્ણોને વધુ અધિકારો આપવામાં આવેલા, પરંતુ તે મૌલિક વિચાર નહોતો. મૌલિક વિચાર તો એ હતો કે, દરેકે પોતાની શક્તિ પ્રમાણે સમાજને પ્રદાન કરવું. દરેકે પોતાની શક્તિ પ્રમાણે સમાજસેવા કરવી પડતી અને દરેક પોતાની જરૂરિયાત પ્રમાણે મેળવી પણ લેતા. મારા મત મુજબ સમાજવાદી સિદ્ધાંતમાંનો આ એક સિદ્ધાંત છે- દરેકે સમાજની સેવા જ કરવાની રહેતી. બ્રાહ્મણે પણ તેમ જ કરવું પડતું. તે લોકોનું જીવન કંઈ ફક્ત અધિકારોનું જીવન જ નહોતું. તે લોકોએ પણ રીતભાતના કેટલાક આદર્શોનું પાલન કરવાનું હતું. જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જાય તો તેમની બ્રાહ્મણ તરીકેની ગણના કરવામાં આવતી નહિ. ક્ષત્રિયોએ પણ કેટલાક લશ્કરી (લડાયક) આદર્શોને વળગી રહેવું પડતું. જ્યારે વૈશ્યો વેપાર-વાણિજ્ય વડે તેમ જ પરદેશમાં જઈ પૈસા કમાવી લાવતા. અલબત્ત, તે પણ ધર્મના પાયા ઉપર જ. તે જ રીતે, પરદેશી વ્યાપારથી દેશને સમૃદ્ધ બનાવનાર માલ તો શૂદ્રો દ્વારા જ તૈયાર કરવામાં આવતો અને તે લોકો પણ સામાજિક જીવનના એક અગત્યના ભાગરૂપ જ ગણાતા. તેનો ક્રમ પાછળ આવે છે તેમ ગણી તેમની અવગણના કરવામાં આવતી નહિ. આ લોકોની ઉપેક્ષા એ આ રાષ્ટ્રની પડતી માટે કારણભૂત છે. ઉચ્ચ વર્ણોએ પોતાને લોકસમૂહથી અળગા કરી, અને તે લોકોને (શૂદ્રોને) સાંસ્કૃતિક તેમ જ આધ્યાત્મિક પ્રકાશ મેળવી શકવા માટે ઇન્કાર્યા અને પરિણામે જેમ સ્વામીજીએ કહ્યું તેમ, હજારો વર્ષની ગુલામી મળી. કારણ કે રાષ્ટ્રના બનાવોમાં તે લોકોને ક્યારેય રસ દાખવવા દેવામાં આવતો નહિ. પરંતુ આજે, સ્વામીજીની ઇચ્છા પ્રમાણે તે લોકોને આર્થિક રીતે ઊંચા તેમ જ સ્વતંત્ર બનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ હવે આપણી હાલની ફરજ છે.

આપણા દેશના આધુનિક સમાજવાદીઓ પોતાના દૃષ્ટિબિંદુમાં પરોપકારી છે તેમાં શંકા નથી અને કોઈ તે બાબતને નકારી પણ નહિ શકે. પરંતુ કમનસીબે તે લોકો પાશ્ચાત્ય ભૌતિકવાદની પેદાશ છે. અને તે લોકો ફક્ત ભૌતિક અથવા તો આર્થિક સ્તરે જ કામ કરશે. નહિ કે બીજા સ્તરે કે- જે છે આધ્યાત્મિકતાનું સ્તર. આધુનિક ‘વાદ’ની આ એક ખામી છે. એટલે જ સ્વામીજી કહેતા કે, “સમાજવાદ તે આપણાં બધાં જ દૂષણોનો ઉપાય છે એમ હું નથી માનતો. પણ, ‘ન મામા કરતાં કહેણો મામો સારો.’ આર્થિક સદ્ધરતા એ ઘણા ઉપાયોમાંનો એક ઉપાય છે. જનસમૂહને તેમની મહેનતથી પેદા થયેલી રાષ્ટ્રીય સંપત્તિમાંથી ફક્ત તેમનો યોગ્ય ભાગ આપવામાં આવે, એટલું જ નહિ પરંતુ, તેમને આપણા મહાન પૂર્વજોએ વિકસાવેલી આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને આત્મસાત્ કરવાનો અધિકાર પણ આપવો જ જોઈએ. તેથી જ સ્વામીજી પોતાનાં લખાણોમાં એક જગ્યાએ ઉચ્ચ વર્ણના લોકોને ઉદ્‌બોધીને કહે છે :

“ઓ ભારતના ઉચ્ચ વર્ણો! તમે શું એમ માનો છો કે, તમે જીવતા છો? તમે તો માત્ર ૧૦,૦૦૦ વર્ષનાં સચવાયેલાં શબમાત્ર જ છો! માયાના આ જગતમાં તમે ખરેખર ભ્રમ છો, રહસ્ય છો, રણ માંહેના મૃગજળ છો! હા, માત્ર તમારાં હાડકાંની આંગળીઓમાં તમારાં પૂર્વજોએ સાચવેલી અને પહેરાવેલી કેટલીક અમૂલ્ય રત્નજડિત મુદ્રિકાઓ છે તથા દુર્ગંધ મારતાં તમારાં શબના આલિંગનમાં ઘણી પુરાણી રત્નપેટીઓ છે. હજુ સુધી તમારા વારસદારોને એ સોંપવાની તક તમને મળી નથી. હવે, બ્રિટિશ સલ્તનત તળે, સ્વતંત્ર શિક્ષણ અને જ્ઞાનના આ સમયમાં જેમ બને તેમ જલદીથી તમારા વારસોને સોંપી દો અને તમે શૂન્યમાં મળી, અદૃશ્ય થઈ જાઓ. તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો. તેને ઊભું થવા દ્યો ખેડૂતોની ઝૂંપડીમાંથી હળ લઈને, માછીમારની ઝૂંપડીમાંથી. તે જ રીતે મોચી, મહેતર…. તેને ઊભું થવા દો કારખાનામાંથી, બજારોમાંથી, વૃક્ષરાજિમાંથી, પર્વત ટેકરીઓમાંથી….. ”

મોટી સમાજવાદી ક્રાંતિના સાદ સિવાય આ બીજું કંઈ નથી. બીજી એક જગ્યાએ સ્વામીજીએ કહેલું, “જે મને અત્યારે રોટલો ન આપી શકે અને સ્વર્ગમાં શાશ્વત આનંદ ન આપી શકે તેવા ઈશ્વરમાં હું માનતો નથી.” આર્થિક સ્વતંત્રતા ભલે જરૂરી છે પણ ફક્ત એટલું જ પૂરતું નથી. સ્વામીજી એ વસ્તુનો ઉપદેશ આપવા માંગતા હતા. સ્વામીજીએ કહેલું, “જો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સત્યો રાષ્ટ્રને-ખાસ કરીને ગરીબ જનસમૂહને-શીખવવામાં આવે તો મહાન ક્રાંતિ સર્જાશે અને ભારત ફરીથી ઊભું થઈ પહેલાં કરતાં પણ વધુ ચડતી કરશે.”

બીજો મહાન આદર્શ જેના પર સ્વામીજી ભાર મૂકતા તે હતું સમન્વયનું તત્ત્વ કે જેનું અસ્તિત્વ પણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં હતું. પ્રાચીન સમયમાં એક મહાન ઋષિએ ઘોષણા કરેલી “एकं सत् विप्रा बहुधा वदन्ति” (સત્ય એક છે, સંતો તેને જુદાં જુદાં નામો આપે છે.) ત્યારથી તે આદર્શ આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિ અને સભ્યતાનું હાર્દ બની ગયેલ છે. આ આદર્શ પ્રાચીન સમયથી અત્યારના સમયમાં ઊતરી આવેલ છે. મોટા મોટા આચાર્યો અને અવતારોએ તેના પર ભાર મૂક્યો છે. સમન્વયના આ આદર્શ પર શ્રીકૃષ્ણે પણ “ભગવદ્‌ગીતા”માં ભાર મૂક્યો છે. અને આઠમી સદીની આસપાસ થઈ ગયેલ શ્રીશંકરે પણ તે જ આદર્શ ઉપર વજન મૂકેલું. તેઓ એક પ્રસ્થાનકાર કહેવાતા. તે સમયે પંચદેવપૂજા એટલે કે પાંચ દેવતાની પૂજાના પ્રસિદ્ધકર્તા ગણાતા. કોઈ પણ દેવની પૂજા શરૂ કરતાં પહેલાં તમારે પાંચ દેવતાઓની પૂજા કરવી પડે. આ પાંચ દેવતા એક વખત આખા ભારતવર્ષમાં ફેલાયેલ પાંચ ધાર્મિક સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરે છે. છઠ્ઠા દેવતા હતા કાર્તિકેય- કે જે આખા દેશના દેવતા ગણાતા નહોતા, તેથી શ્રીશંકર શન્મત સ્થાપકાચાર્ય – છ સંપ્રદાયના સ્થાપક તરીકે પણ ઓળખાય છે. ખરેખર તો, ફક્ત પંચદેવ પૂજા જ અત્યારે આખા દેશમાં પ્રચલિત (પ્રવાહિત) છે, અને તે શંકરાચાર્ય દ્વારા જ લોકપ્રિય બનેલી. આ આધુનિક યુગમાં ફરીથી શ્રીરામકૃષ્ણદેવે ધાર્મિક સંવાદિતા અને સમન્વયના આદર્શ પર ભાર મૂક્યો છે; અને તે પણ ફક્ત ઉપદેશ દ્વારા નહિ પણ હિંદુ ધર્મના જુદા જુદા સંપ્રદાયો તેમ જ જગતના જુદા જુદા ધર્મો દ્વારા પ્રબોધેલ તાલીમને પોતાના વ્યવહારમાં મૂકીને. તેમણે વિધવિધ પ્રકારે સાધના કરીને અંતે તે પ્રતિપાદિત કર્યું કે બધા જ રસ્તાઓ એક જ સત્ય તરફ જાય છે. તેમનું આ દર્શન તેમના પ્રત્યક્ષ અનુભવ ઉપર આધારિત છે. અને તેથી જ આધુનિક વૈજ્ઞાનિક અભિગમ કે જે પ્રત્યક્ષ અનુભવની સાબિતી ઈચ્છે છે તેની સાથે તેમનો આ અનુભવ એકદમ જ સુસંગત છે. આ મહાન સિદ્ધાંતની અત્યારે આપણા દેશમાં તાતી જરૂરત છે.

આપણા બંધારણ મુજબ ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર એટલે? ખરેખર એ નકારાત્મક દૃષ્ટિથી જોવા બરાબર છે. આપણે ખરેખર એમ કહેવું જોઈતું હતું કે જેવી રીતે સમ્રાટ અશોકે કરેલ તે પ્રમાણે આપણે બધા જ ધર્મોને સ્વીકારીએ છીએ. પોતે ભલે બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો છતાં તેણે જૈન ધર્મ તથા હિંદુ ધર્મનો સ્વીકાર કરેલ. પોતે બૌદ્ધ હોવા છતાં તેણે વિવિધ સંપ્રદાયોનાં મઠ તથા મંદિરો બંધાવેલાં. એ વખતે કોઈ રાષ્ટ્રીય ધર્મ હતો નહિ. અશોકે બધા જ ધર્મોનો સ્વીકાર કરેલો. પરંતુ આજે આપણે કહીએ છીએ કે આપણું રાષ્ટ્ર ‘ધર્મ-નિરપેક્ષ’ છે અને તેનો અર્થ એવો થવા માંડ્યો છે કે આપણે કોઈ ધર્મ જ નથી. આપણે આપણાં બાળકોને શાળાઓમાં કોઈ ધર્મ શીખવી શકતા નથી કારણ કે આપણા બંધારણ સાથે -આપણા ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના વિચાર સાથે- તે સુસંગત નથી. એ સંભવિત છે કે અત્યારે લોકો તેને એક વિશિષ્ટ પરિસ્થિતિ ગણે છે; અને શાળા-મહાશાળામાં ધાર્મિક શિક્ષણને સ્થાન અપાઈ રહ્યું છે. પરંતુ ધર્મ-નિરપેક્ષ રાષ્ટ્ર’ એ શબ્દ નકારાત્મક વલણ દર્શાવે છે. આપણે બધા જ ધર્મો સત્ય છે તેમ સ્વીકારીએ છીએ, અને તેથી જ આપણે બે વ્યક્તિના ધર્મ જુદા હોવાથી બંનેને જુદા કહી શકીએ નહિ. આ એકદમ જ ખરું વિધાન બની શક્યું હોત, જેવી રીતે મૂળભૂત હક્કો વિષે કહેવા કરતાં આપણે મૂળભૂત ફરજો બતાવવી જોઈતી હતી. પ્રાચીન ભારતમાં ફક્ત ચાર આશ્રમો માટે જ ફરજો બતાવેલી એવું નહોતું, પણ ચારેય વર્ણો માટે પણ બતાવેલી હતી. તે ફરજો પર આધારિત જીવન હતું અને જેમ સ્વામીજીએ કહેલું તેમ ભારતના આદર્શો હતા – ત્યાગ અને સેવા. આપણને બધાં જ કાર્યોમાં ત્યાગ શીખવવામાં આવતો; તેમ જ આપણે જે કંઈ કરીએ તેના દ્વારા આપણી જાતિના લોકોની સેવા શીખવવામાં આવતી. આ હતા મહાન સમાજવાદી આદર્શો, તે જો કે આધુનિક રૂપમાં મૂકવામાં આવેલ નથી. આખા જ ભારતીય સમાજનું જીવન તરફનું દૃષ્ટિબિંદુ સમાજવાદી હતું. પરંતુ સમય જતાં ઘણા ફેરફારો થતા ગયા અને અત્યારે આ પ્રાચીન ભારતીય પદ્ધતિ અથવા રચના અતિ ભયંકર ભાસે છે. પરંતુ ખરેખર તો એકદમ જ ઉદાત્ત વ્યવસ્થા હતી, જ્યાં દરેક બીજા માટે જ વિચારતો અને પોતાની જાતને પાછળ રાખતો. જ્યારે અત્યારે દરેક પોતાની જાત વિષે પહેલાં વિચારે છે; બીજા માટે પછી. આ છે આપણી પ્રાચીન ‘સ્મૃતિ’ અને આધુનિક ‘બંધારણ’ વચ્ચેનો મૂળભૂત તફાવત.

આજે આપણા દેશને આ બધા મહાન આદર્શો જેવા કે, પ્રાચીન ભારતનો સમાજવાદી આદર્શ, ‘મોક્ષ’નો આધ્યાત્મિક આદર્શ, ત્યાગ અને સેવાનો જુસ્સો અને ધાર્મિક સંવાદિતા એટલે કે બધા જ ધર્મો સાચા છે અને તે બધા જ ઈશ્વર-સાક્ષાત્કાર માટેના વિવિધ રસ્તાઓ છે તેવો અભિગમ : આ બધાંની જરૂરત છે. આપણા રાષ્ટ્રને એક મહાન રાષ્ટ્ર તરીકે બાંધવા માટે આ બધાંની આજે જરૂરત છે. આપણા આ દેશમાં જુદા જુદા વંશના તેમ જ જુદા જુદા ધર્મો અને ભાષાઓના લોકો છે. આપણે ત્યાં ઘણાબધા સંપ્રદાયો પણ છે. જો આ બધાને રાષ્ટ્રની એકસૂત્રતામાં બાંધવા હોય તો, તે આ જ સિદ્ધાંત ઉપર કરી શકાય કે, બધા જ ધાર્મિક માર્ગો સત્ય છે. આ જ સંદેશો શ્રીરામકૃષ્ણદેવે આપ્યો અને સ્વામીજીએ તેનો પ્રચાર કર્યો. આ આદર્શ વિના દેશમાં એકતા સ્થાપવી અતિ કપરું કાર્ય બની જાય છે. આપણે રાષ્ટ્રીય એકતા વિષે બોલીએ છીએ, આ રાષ્ટ્રીય એકતા શૂન્યમાંથી આવી શકવાની નથી. સૌ પ્રથમ તો બધાને લાગુ પડે તેવો તેમ જ બીજા બધાં જ આદર્શોનો જેમાં સમાવેશ થઈ જતો હોય તેવો કોઈ આદર્શ હોવો જોઈએ. ત્યાર બાદ તે આદર્શ માટે સંગઠિત સંઘર્ષ થવો જોઈએ, પછી જ તે આદર્શમાં સફળતા મળશે. ફક્ત તે જ આપણને રાષ્ટ્ર તરીકે એક કરશે. તો આ સર્વસામાન્ય આદર્શ ક્યો છે? સ્વામીજીએ બતાવ્યા પ્રમાણે તે છે સાર્વત્રિક સ્વીકાર પર આધારિત ધર્મ. ફક્ત આ જ આપણા રાષ્ટ્રને એકતા બક્ષી શકે. સ્વામીજી બહુમુખી પ્રતિભાવંત કોહીનૂર હતા જેને બધી બાજુથી જોતાં પ્રકાશિત ભાસે. અત્યારના સમયમાં કેટલાક લોકો સ્વામીજીને મહાન દેશભક્ત, કેટલાક મહાન કવિ, જ્યારે બીજા કેટલાક સામાજિક ક્રાંતિકારી, વળી કેટલાક શિક્ષણશાસ્ત્રી વગેરે રીતે જુએ છે. પરંતુ હકીકત એ છે કે, સ્વામીજી આ બધું તો હતા જ પણ તે ઉપરાંત પણ થોડું વધારે હતા. તેઓ તો હતા એક ઋષિ-આર્ષદ્રષ્ટા, કે જેણે આત્મસાક્ષાત્કાર કર્યો હોય. અને સાક્ષાત્કારની તે ઊંચાઈએથી તેઓ આપણા રાષ્ટ્રીય જીવનનાં જુદાં જુદાં પાસાં તરફ જોતા અને તે તે કાર્યક્ષેત્રને આત્માના પ્રકાશથી, તેની શક્તિથી પુનરુદ્ધાર કરી સમૃદ્ધ કરવા માંગતા હતા. તેઓ એ આત્માના પ્રકાશને આપણા રાજકીય જીવનનાં બધાં જ કાર્યક્ષેત્રમાં ફેંકવા માંગતા હતા કે, જેથી કરીને તે મહાન આદર્શ પ્રમાણે દેશનો કાયાકલ્પ થઈ શકે. આમ કરવાનો તેમણે પ્રયત્ન કરેલો.

જો આપણે સ્વામીજીને સમજવા ઈચ્છીએ તો, ફક્ત તેમનાં પુસ્તકો વાંચવાથી નહિ સમજી શકીએ. આપણે તો સ્વામીજી ઉપર ધ્યાન ધરવું પડશે, અને તે ધ્યાનના ઊંડાણમાં તેમની સાથે અનુસંધાન થશે ત્યારે આપણને તેમની મહાનતા તેમ જ તેમના સંદેશાની સમજ પડશે. એક વખત સ્વામીજીએ જ કહેલું કે, ‘જો અત્યારે બીજો વિવેકાનંદ હોય તો તે આ વિવેકાનંદે જે કર્યું તે સમજી શક્યો હોત.’ સ્વામીજી વિષેનો આપણો ખ્યાલ બિલકુલ સંપૂર્ણ નથી. સ્વામીજી દુનિયાને શ્રીરામકૃષ્ણનો ઉપર બતાવ્યો તે સંદેશો આપવા, તેમના કાર્યનો પૂરા વિશ્વમાં પ્રચાર કરવા આવેલા કે જેથી આ દેશ એક મહાન દેશ તરીકે પુનરુત્થાન પામે. અને સ્વામીજીએ શ્રીરામકૃષ્ણના જે સંદેશાને આત્મસાત્ કરેલ તે સંદેશાને ગ્રહણ કરવાથી જ ભારત મહાન બની શકશે. આપણે જેટલું જલદી આ સંદેશાને લઈ તે મુજબ આપણા દેશનું ગઠન કરીશું તેટલું ભારત માટે સારું થશે. નહિતર મૂળ મુદ્દા પર આવ્યા વગર વાતને ગોળ ગોળ કહેવા બરાબર છે, અને આ બધા ભાંગફોડીઆ આંદોલનથી આપણાં સમય, સંપત્તિ અને શક્તિનો વ્યય જ છે. સ્વામીજીએ પ્રબોધેલા આ આદર્શો પ્રમાણે દેશનું ઘડતર કરી તે રસ્તા પર ચાલવામાં જ આ દેશના ઉત્થાનની આશા છે. સ્વામીજીએ એક વાર નોંધેલું, “શ્રીરામકૃષ્ણ ખુદ ભારત છે અને ભારત દેશ શ્રીરામકૃષ્ણનો છે.” શ્રીરામકૃષ્ણ આખા દેશનું પ્રેરક બળ છે અને તેમની પતાકા નીચે બધા જ ધર્મો, સંપ્રદાયો, વગેરે એક મહાન રાષ્ટ્ર તરીકે એકત્રિત થશે. શ્રીરામકૃષ્ણદેવ જ આખા દેશનું પ્રેરક બળ, રાષ્ટ્રનું મધ્યબિંદુ છે. શ્રીરામકૃષ્ણ દ્વારા આચારમાં મુકાયેલા તેમ જ સ્વામીજી દ્વારા આખા વિશ્વમાં ઉપદેશાયેલા આ મહાન આદર્શો જ ભારતના પુનર્નિર્માણમાં મદદરૂપ થશે. જેટલું જલદી આપણે તે કરીશું તેટલું આપણા માટે તે સારું છે. સ્વામીજીની કૃપા આપણા પર વરસો, કે જેથી આપણે તેમના સંદેશાને આત્મસાત્ કરી તેમણે ચીંધેલ માર્ગે દેશનું પુનરુત્થાન કરવા માંડીએ.

અનુવાદક : કુ. સીમા માંડવિયા

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.