જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની આ પંક્તિ ખરી રીતે તો પંક્તિનો ભાગ – છે. પોતે ભક્ત હતા પણ, તેમનામાં, કહેવાતું વેવલાપણું ન હતું. એમના જીવનની કિંવદન્તી અનુસાર તેઓ અભણ હતા. પરંતુ, શ્રીરામકૃષ્ણ પરમહંસની માફક એમના અંત:કરણમાં જ્ઞાનની પાતાળ સરવાણી હતી. તેઓ જ્ઞાની ભક્ત હતા.

શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં ચોથા અધ્યાયમાં જ્ઞાનની મહત્તા દર્શાવવામાં આવી છે. પોતાના કર્મનું ફળ કે ફળની આકાંક્ષા તજવાની ગીતાની વાત જાણીતી છે. એ કર્મ જ્ઞાનપૂર્વક આચરવું જરૂરી છે. જ્ઞાનાગ્નિથી પરિશુદ્ધ થયેલું કર્મ ન હોય તો, પેલી જાણીતી કહેવત પ્રમાણે, ધોધે જઈ ડેલે ફોગટ હાથ દઈ આવેલા હીરાના જેવું “નિષ્કામ” (નિષ્ફળ કામ) તે થાય. ગીતા કહે છે તેવું નિષ્કામ કર્મ એ ન બને. જ્ઞાન એટલે નરસિંહ મહેતે કહેલું તત્ત્વદર્શન.

ગીતાના તેરમા અધ્યાયમાં, અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં, ભગવાન શ્રીકૃષ્ણ તેને જ્ઞાનની સમજણ આપતાં કહે છે કે અધ્યાત્મજ્ઞાનમાં પાકી નિષ્ઠા અને તત્ત્વજ્ઞાનનું દર્શન એ જ જ્ઞાન છે, બીજું બધું અજ્ઞાન છે. એ અધ્યાયના અગિયારમા શ્લોકની જે બીજી પંક્તિનો અર્થ અહીં આપ્યો છે તે મહારાષ્ટ્રના સંત કવિ જ્ઞાનેશ્વરે અઢીસો જેટલી મધુર ઓવીઓમાં અદ્‌ભુત રીતે સમજાવ્યો છે. એમાંની એક અતીવ મનોહર ઓવી નીચે પ્રમાણે છે :

અને અધ્યાત્મજ્ઞાન નિર્મળ, ફળે જે એક ફળ તે જ્ઞેય (બ્રહ્મ) સરળ, તિહાં દૃષ્ટિ.

આ ઓવી એ અઢીસો ઓવીઓના નીચોડ જેવી છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસે જઈ જિજ્ઞાસુઓએ આ પ્રશ્ન ન રજૂ કર્યો હોય એ કેમ બને? “જ્ઞાન અને અજ્ઞાન કોને કહે? જ્યાં સુધી ઈશ્વર દૂર એવું લાગતું હોય ત્યાં સુધી અજ્ઞાન; જ્યારે અહીં એવું લાગે ત્યારે જ્ઞાન.”

(શ્રીરામકૃષ્ણ કથામૃત: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : (૧૯૮૫) પૃ. ૪૬)

જ્યાં સુધી બીજું કંઈ પણ “અહીં” હોય અથવા, એ “અહીં” હોવાની ઝંખના હોય ત્યાં સુધી, ઈશ્વર દૂર જ રહે. જનક અને અંબરિષ જેવા રાજાઓ અપવાદ જ ગણી શકાય, તે એ કારણે કે એમને રાજ્યની, વૈભવની કે બીજા કશાની આસક્તિ ન હતી. રાજ્યના કે ધનના, સત્તાના કે મદના મોહમાં તેઓ લોભાયા ન હતા. એ સુવર્ણ પ્રાત્રના ઢાંકણને ખસેડીને તેમણે સત્યદર્શન-કે તત્ત્વદર્શન-કરી લીધું હતું.

તો એ જ્ઞાન, ઈશ્વર અહીં છે તે જ્ઞાન શી રીતે મેળવી શકાય? પુસ્તકોમાંથી? શ્રીરામકૃષ્ણે એક મજાનો દાખલો આપ્યો છે :

“થોડીક ગીતા, જરાક ભાગવત્, લગારેક વેદાંત વાંચીને માણસો માને કે અમે બધું જાણી નાખ્યું છે. એક કીડી સાકરના પહાડ પાસે ગઈ. તેમાંથી એક દાણો સાકર ખાધી ને તેનું પેટ ભરાઈ ગયું. એટલે બીજો દાણો મોઢામાં લઈને દરમાં લઈ જાય છે. જતી વખતે મનમાં વિચાર કરે છે કે ફરી વાર આખો પહાડ તાણી જઈશ!”

શ્રીરામકૃષ્ણના આ શબ્દો આપણને જ્ઞાનના – ખરી રીતે તો, અલ્પજ્ઞાનના – અહંકાર વિશે, ઘણું કહી જાય છે. આમ, “જરાક” વાંચી, “લગારેક” જાણી પોતાની જાતને જ્ઞાનીમાં ખપાવનારાઓને મીઠામાં બોળેલો ચાબખો ફટકારતાં જ્ઞાની કવિ અખો કહે છે.

દેહાભિમાન હતું પાશેર,
વિદ્યા ભણતાં વધ્યું શેર;
ચર્ચા વધતાં તોલું થયો,
ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય,
આત્મજ્ઞાન એ મૂળગું ખોય.

શ્રીરામકૃષ્ણ પરમહંસ અખાના જેવો તેજાબી ચાબખો નથી વાપરતા. તેઓ સાકરનો કણ લઈ જતી કીડીનો “મીઠો” દાખલો આપે છે.

અજ્ઞાનનું પ્રથમ વલણ અહંકાર. અખો અને શ્રીરામકૃષ્ણ પોતપોતાની વિશિષ્ટ રીતે તેની ઉપર ભાર મૂકે છે.

આવા અહંકારી આચાર્યો આજે પણ ઉપદેશ દેતા જોવા મળે છે. એમનો ઉપદેશ પોથી માંહેનાં રીંગણાં જેવો જ નીકળે તેમાં શી નવાઈ?

આદિ બ્રહ્મસમાજના એક આચાર્યનો ઉલ્લેખ કરતાં શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે, “એ આચાર્યે બીજી કે ત્રીજી બૈરી કરી છે. ઘેર મોટા જુવાનજોધ દીકરા છે તે છતાં!” આવા આચાર્યોના ઉપદેશની શી અસર થાય?

અંગ્રેજ કવિ શેક્સપિયરનો સમકાલીન એક નાટકકાર થઈ ગયો. નામે બેન જોનસન. એના નાટકમાં એણે ખુરિટનો-ચોખલિયાઓ પર પોથી માહેનાં રીંગણાં જેવો સરસ ચાબખો લગાવ્યો છે.

અગ્યારસને દિવસે ઘઉંમાંથી બનાવેલ ચૂરમાના લાડુ કે શીરો નિષિદ્ધ તેમ કોઈ ખ્રિસ્તી તહેવારના ખાદ્યાખાદ્યના વિધિનિષેધને તહેવારે એક માણસ, તે તહેવારે ત્યાજય એવી વાનગીઓ થાળી લઈ એક પાદરીને ઘેર જઈ, એની સામે પડેલા ટેબલ પર મૂકે છે ને પછી પાદરીજીને પ્રશ્ન કરે છે : “મહારાજ, આજે આ ખવાય?”

વાનગીની મધમધતી સુગંધની લલચાયેલો ને, કદાચ આમ પણ આવી ભેટો પર નભતો, એ પાદરી થોડી દ્વિધા અનુભવે છે. એ ના કહે અને પેલો માણસ એ પાછી લઈ જાય તો? અને સીધી હા કહેવાય પણ કેમ? આખરે એ તડજોડ કરે છે. ને ધર્મમાર્ગે થતી બધી તડજોડ પતનગામી બને છે.

એ કહે છે : “આમ તો આજના પવિત્ર નહેવારે એ ખાઈ શકાય નહીં, અરે ખાવા સુધ્ધાનો વિચાર પણ કરી શકાય નહીં. પણ હવે જ્યારે એ રંધાઈ છે ત્યારે એને બગડવા ન દેવાય કે ડુક્કરોને ખવડાવી દેવાય. એ ખાવી, પણ ત્રણ દિવસનો ટાઢો રોટલો હું ખાઉં છું એ ભાવ મનમાં આણી એ ખાવામાં હરકત નથી.”

શ્રીરામકૃષ્ણ પરમહંસને પણ એકવાર કસોટીમાંથી પાર થવું પડ્યું હતું.

સિંથીંના એક ભક્ત, મહેન્દ્ર વૈદ્ય, શ્રીરામકૃષ્ણ પાસે અવારનવાર આવતા. એ જાણતા હતા કે ઠાકુર પૈસાને હાથ લગાડતા નથી અને વૈદ્ય ઠાકુર પાસે ભેટ ધર્યા વિના રજા લેવા માગતા ન હતા. એમણે માર્ગ શોધ્યો, આખરે વૈદ્ય ખરાને?

શ્રીરામકૃષ્ણના ભત્રીજા રામલાલ દક્ષિણેશ્વરમાં જ રહેતા હતા અને કાલીમાતાની પૂજાની જવાબદારી સંભાળતા હતા. ઠાકુરનાં વચનામૃતનું પાન કરી, તેમને પ્રણામ કરી, જતી વખતે મહેન્દ્ર વૈદ્ય રામલાલના હાથમાં, ઠાકુર ભણી ઈશારો કરી, રૂપિયા પાંચ આપી ગયેલા. શ્રીરામકૃષ્ણને આ ૨કમ ધરી હોત તેઓ જ ના કરી દેત, દસ હજાર રૂપિયા આપનાર મારવાડી ભક્તને ના કરી જ હતી ને? પરંતુ એમને અંધારામાં રાખી, એમને માટે વૈદ્ય દ્વારા રકમ અપાયેલી.

વૈદ્યના ગયા પછી ને પૂજા કાર્યમાંથી નવરા થયા પછી, અનુકૂળતાએ રામલાલે એ વાત કાકાને કરી.

“કોને માટે આપ્યા છે?” તરત જ શ્રીરામકૃષ્ણે પૂછ્યું. “અહીંને માટે,” રામલાલે ઉત્તર વાળ્યો.

શ્રીરામકૃષ્ણના મનમાં એકવાર વિચાર આવી ગયો : “દૂધના બાકી છે તે દેવાઈ જશે.” પરંતુ આવો વિચાર એમના મનમાં ક્યાં સુધી ટકી શકે? રૂપિયાને – કે પૈસાને – એઓ અડકી જ શકતા ન હતા. નરેને એક વાર એમની ગાદી નીચે રૂપિયાનો સીક્કો સંતાડેલો. બહારથી આવી તેઓ જેવા પાટ ઉપરની ગાદી ઉપર બેઠા તેવા જ ઊભા થઈ ગયા, “જાણે વીંછીએ ડંખ માર્યો.” ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગીનાં અને ચૌદમા અધ્યાયમાં ત્રિગુણાતીતનાં લક્ષણોનું વર્ણન કરતાં વપરાયેલા શબ્દો सम लोष्टश्म कांचन (તે યોગી, સમ જે દેખે માટી પાષાણ કંચન) અનુસાર જીવનની પળેપળ ચાલનારના ચિત્તમાં આવો વિપરીત વિચાર કેટલી વાર ટકી શકે?

“કથામૃત” ના લેખક “માસ્ટર” (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત)ના જ શબ્દોમાં – એમણે શ્રીરામકૃષ્ણના જ શબ્દો નોંધ્યા છે. એટલે ખરેખર તો શ્રીરામકૃષ્ણના પોતાના જ શબ્દોમાં – તે ઘટના જોઈએ.

કાકા ભત્રીજા વચ્ચે ઉપર કહેલી વાત, કદાચ રાતે સૂવા જતી વખતે થઈ હશે. વાત કરી બંને સૂઈ ગયા હશે. પણ આવો વિપરીત વિચાર ઠાકુરને કેટલી વાર નિરાંતે ઊંઘવા દે? ઠાકુર કહે છે : “પણ વોય મા! અર્ધી રાતે જાગી ઊઠ્યો. છાતીમાં જાણે બિલાડી નહોર મારી રહી છે!” એટલે રામલાલની પાસે જઈ મેં વળી પૂછ્યું કે, “એ પૈસા તારી કાકી (શ્રી શારદામણિ દેવી)ને માટે તે નથી આપી ગયો ને?”

રામલાલે કહ્યું કે “ના.”

ત્યારે મેં તેને કહ્યું કે, “તું અત્યારે ને અત્યારે એ પાછા આપી આવ!” ત્યાર પછી રામલાલ એ રૂપિયા પાછા દઈ આવ્યો ત્યારે, મને શાંતિ થઈ!

રકમ માત્ર પાંચ રૂપિયાની, ને તે પણ ભેટમાં રાજીખુશીથી અપાયેલી. પણ એ શ્રીરામકૃષ્ણને કેટલો અજંપો કરાવનારી નીવડી! ક્યાં શ્રીરામકૃષ્ણ અને ક્યાં સ્વિસ બેંકોમાં કરોડો અને અબજોને હિસાબે જમા કરાવનાર રાજકારણીઓ કે હજારો ને લાખો જમતા સરકારી કર્મચારીઓ!

આ રાજકારણીઓને અને અમલદારોને સ્વપ્નમાંયે ખ્યાલે નહીં હોય કે ગાડું ભરીને રૂપિયા દેવા આવનારને ના પાડનાર ન્યાયાધીશ આપણી ધરતીમાં પાક્યા હતા. એ ન્યાયાધીશને પણ બિલાડીના નહોર વાગતા હતા. બુલેટ-પ્રુફ બખ્તર પહેરીને ફરતા આપણા રાજકારણીઓને અને અમલદારોને એ શી રીતે વાગી શકે?

આ “ના” ક્યારે પાડી શકાય?

“તત્ત્વદર્શન” થાય ત્યારે. ત્યારે જ જન્મને “રત્નચિંતામણિ” કહી શકાય.

તો તત્ત્વદર્શન ક્યારે થાય?

જ્ઞાનાગ્નિ બધાં કર્મોને બાળી નાખે ત્યારે. અને કર્મ બળી જાય તે પછી પણ, પોતાને વેદાંતદર્શન કરાવનાર તોતાપુરી સંન્યાસીનું એક વેણ શ્રીરામકૃષ્ણ ઘણીવાર યાદ કરતા ને કરાવતા : “નાગાજી કહેતા કે લોટાને એક દિવસ ચોખ્ખો રાખ્યે શું થાય? રાખી મૂકો એટલે પાછો ઝાંખો પડી જાય!”

‘લોટા’ને રોજ માંજવો પડે. અજ્ઞાનનો, અહંકારનો, મમતાનો, કશાનો પણ, કાટ જ્ઞાનને ઝાંખુ ન કરે તેની સતત કાળજી લેવી જોઈએ.

ઠાકુરને ‘બિલાડીના નહોર’ કેવા વાગવા લાગ્યા હતા! એમને ‘તત્ત્વદર્શન’ થયું હતું. એમણે ‘રત્નચિંતામણી જન્મ’ દીપાવ્યો હતો. આજે પણ એ તેજ જગતને દોરે છે.

આ તત્ત્વદર્શન એમ જ થતું નથી. એ માટે પ્રયત્ન કરનારે જાતને અંદરથી ચોખ્ખી કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણ કહે છે કે “ચિત્તશુદ્ધિ થયા વિના સ્વરૂપ-દર્શન (અર્થાત્ તત્ત્વદર્શન) થાય નહીં. આરસી પર ધૂળ વળી ગઈ હોય તો તેમાં મોઢું કંઈ થોડું દેખાય? ને દેખાય તો યે અસ્પષ્ટ. એટલે સત્સંગ દ્વારા, સદ્ વાચન દ્વારા, સત્કાર્ય દ્વારા અને સત્ચિંતન દ્વારા આપણા અંતરની આરસી પર બાઝી ગયેલાં ધૂળનાં જાળાંને દૂર કરીએ, સતત દૂર કરતાં રહીએ, ત્યારે તત્ત્વદર્શન થાય.

શ્રીરામકૃષ્ણે શ્રીમદ્ શંકરાચાર્યનો પ્રસિદ્ધ દાખલો આપ્યો છે.

પતિતાપાવની ગંગામૈયામાં સ્નાન કરી, સ્તોત્ર પાઠ કરતા કાશીને રસ્તે જતા, જગતને અદ્વૈતનો બોધ દેનાર આદિ શંકરાચાર્યને અદ્વૈતનો પાઠ શીખવ્યો હતો પોતાના માથા પર માંસનો ટોપલો લઈ જતા ચાંડાલે. એ ચાંડાલના સ્પર્શથી શંકરાચાર્યનું લોકાચારબાદ્ય મન પોકારી ઊઠ્યું : “અરે, તું અસ્પૃશ્ય જાતિનો, માથે આવું લઈને જતો મને અડે છે ને અભડાવે છે?” “મા’રાજ, કોઈ કોઈને અડતું નથી. બ્રહ્મ બ્રહ્મને અડે છે, એમાં ગોકીરો શું કરો છો?” ચાંડાલે જવાબ વાળ્યો.

એ ચાંડાલને તત્ત્વદર્શન થયું હતું અને શંકરાચાર્યને તેણે વિસ્મૃતિના સાગરમાંથી સ્પૃશ્યાસ્પૃશ્યના વમળમાંથી ઉગારી લીધા.

તત્ત્વદર્શન થવું અઘરું છે ને એ સ્થિતિને જાળવી રાખવી તે એથીયે અઘરું છે. ઠાકુર જેવા વિરલ તો કોઈક જ.

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.