સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮, કિંમત ૨૫-૦૦ રૂપિયા.

આ પુસ્તકમાં ૪૪ મહિલા વિભૂતિઓની સામાન્ય માહિતી આપવામાં આવી છે. ભારતના વિવિધ પ્રદેશોમાં જન્મેલી આ વિભૂતિઓમાંની કેટલીક જનસેવામાં જ રામને નીરખતી પાવનચરિત મહિલાઓ છે, તો કેટલીક પ્રભુ પ્રત્યેની પ્રેમભક્તિમાં ડૂબેલી ભક્તસંતો છે. કેટલીક તપસ્વિનીઓ છે તો કેટલીક સિદ્ધાંગનાઓ છે. કેટલીક રૂઢિભંજકો છે તો કેટલીક પરમવિદુષીઓ પણ છે. વિદેશમાં જન્મીને પણ ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર સન્નારીઓનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકને સુપ્રસિદ્ધ ચિંતક-સાધક વિમલા ઠકારના આશીર્વાદ મળ્યા છે. તેમણે આ પુસ્તકને યોગ્ય રીતે મૂલવ્યું છે: “ભારતનાં સ્ત્રીરત્નોની સામાન્ય માહિતી ગૂજરાતની ગ્રામીણ નારીઓ સુધી પહોંચાડવાની ખેવનામાંથી તેમનું આ નાનકડું પુસ્તક જન્મે છે… માધ્યમિક શાળાઓમાં તથા ગ્રામીણ વાચનાલયોમાં આ પુસ્તક પહોંચશે એવી આશા સેવું છું.” આ સારસૂત્રાત્મક મૂલ્યાંકન સાથે અમે સૂર પુરાવીએ છીએ.

પુસ્તકનાં ૨૨૫થી ૨૩૮ પાનાં સુધી લેખિકાએ સ્વરચિત કાવ્યો પણ આ પુસ્તકમાં ઉમેર્યાં છે. કવિતાનું પોત નબળું છે છતાં લેખિકાનો કાવ્યરચનાનો છંદ આપણે આવકારી શકીએ. કારણ કે લઢણથી નબળું પોત સબળું બની શકે છે.

પુસ્તકમાં ક્યાંક-ક્યાંક હકીક્તદોષ રહી જવા પામેલ છે. ભાષાકીય દૃષ્ટિએ પણ અનેક ક્ષતિઓ કાળજીપૂર્વક નિવારણીય છે.

આમ છતાં આપણી ભાષામાં બહેનોનો મહિમા ગાતાં પુસ્તકો જ્યારે ઓછાં લખાય છે, ત્યારે આવું સુગમ વાચનક્ષમ પુસ્તક સંત સ્ત્રીરત્નના સાહિત્યમાં એક અગત્યનો ઉમેરો કરે છે, તેથી ઉપાદેય છે. લેખિકા ભવિષ્યમાં નારી મહિમાનાં ક્ષતિરહિત આલેખતો કરે, બાકી રહી ગયેલી અનેક નારીવિભૂતિઓનાં ચરિત્રો ઉપસાવે અને એવું પ્રેરક સાહિત્ય પૂરું પાડે એવી આશા આપણે રાખી શકીએ.

– કેશવલાલ વિ. શાસ્ત્રી

સહજસમાધિ: લેખક: કમલ સુથાર, પ્રકાશક: રમેશભાઈ બી. ઓઝા, મહાવીરનગર, હિંમતનગર, ૩૮૩૦૦૧, જિલ્લો સાબરકાંઠા, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૪, પૃ. ૩૨, કિંમત છાપી નથી.

બત્રીસ પાનાની આ નાનકડી પુસ્તિકામાં ચૌદેક ચિંતનિકાઓ સમાવાઈ છે. દરેક ચિતનિકાનું શીર્ષક ઘણે ભાગે કોઈ કાવ્યપંક્તિ, કોઈ ચોપાઈની પંક્તિ, પદપંક્તિ, દોહાપંક્તિમાંથી ઉપાડીને શીર્ષકને કાવ્યમય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ચિંતનિકાઓમાં તે શીર્ષકગત પંક્તિનો જનસાધારણ માટે સુગમ થાય અને આસ્વાદ્ય બને તેવી શૈલીમાં સોદાહરણ અર્થવિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે ઇચ્છુકોએ આ સંગ્રહ જોઈ જવા જેવો ખરો.

જો કે પુસ્તકનો ઉઠાવ, મુદ્રણ વગેરે આકર્ષક થયાં નથી. વળી કાળજીપૂર્વક તપાસાયેલું ન હોવાથી છાપકામમાં અનેક ભાષાકીય ક્ષતિઓ પણ રહી જવા પામી છે.

આમ છતાં આ બધું ભવિષ્યમાં નિવારી શકાય તેવું છે. કવરપેઈજને છેલ્લે પાને અપાયેલા લેખકના પરિચયથી જણાઈ આવે છે કે લેખક લેખનકાર્યમાં સભાનપણે ખૂબ ઉત્સાહી છે. એટલે આપણે એવી આશા રાખીએ કે તેઓ ભવિષ્યમાં વધારે ગંભીર ચિંતનવાળા અને વધારે વિશુદ્ધ-માંજેલી પ્રાંજલ ભાષામાં લેખો આપી શકશે.

અમે આ ચિતનિકાસંગ્રહને યથોચિતરીતે આવકારીએ છીએ. કારણ કે સામાન્ય જનોમાં આધ્યાત્મિકતા તરફ રસ, રુચિ અને વલણો જન્માવવામાં એ પણ યતકિંચિત ફાળો અવશ્ય આપી શકે.

કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.