સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ની પ્રસ્તાવનામાંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીચૈતન્ય મહાપ્રભુ અત્યંત ભાવુક હતા અને એમણે પોતાનું સમગ્ર જીવન પ્રભુભાવના આવેગમાં વિલાપ કરવામાં અને પ્રભુગાન કરવામાં વીતાવ્યું છે. એમના જીવનમાં મહાપુરુષોની જેમ કોઈ અસામાન્ય વ્યક્તિત્વ, મહાનતા કે ઉચ્ચભાવ જોવા મળતો નથી. તેઓ બાળપણમાં જ ચંચળ રહેતા, કિશોરાવસ્થામાં ચપળ રહેતા, અને યૌવનકાળમાં પોતાની વિદ્યાના ગર્વમાં મસ્ત રહેતા. ત્યાર પછી અચાનક એમનામાં પ્રેતાવેશની જેમ એક અદ્‌ભુત ધર્મોન્માદ – ઈશ્વરોન્માદ તથા રુદનવિલાપની અવસ્થા આવી. એમના રુદન વિલાપ શરૂ થયાં અને એમનું સમગ્ર જીવન પ્રભુનાં રુદનવિલાપમાં વીત્યું. તેઓ તો વિલાપ કરી રહ્યા હતા સાથે ને સાથે સ્નેહમયી મા તથા પતિવ્રતા પત્નીને પણ વિલાપ કરાવી રહ્યા હતા. એમના અનુગામી ભક્તોનો દિવસ પણ આવા રુદનમાં પસાર થતો. રુદન વિલાપમાં જ એમણે પોતાની લીલા પૂર્ણ કરી અને આજ સુધી પણ એમનું એ રુદન અટક્યું નથી. જે કોઈપણ એમનું સ્મરણ કરશે તેને રડવું પડશે. એમણે વિલાપ ધર્મનો જ પ્રચાર કર્યો છે. એટલે આધુનિક શિક્ષણ મેળવનાર મોટા ભાગના લોકોનું કહેવું છે કે શ્રીચૈતન્ય દેવનું જીવન અને એમનો ધર્મ રાષ્ટ્રિય પ્રગતિમાં બાધક બને છે. એના પર ચર્ચા કરવાથી, નવ યુવાનોનું મન વિષાદમય બની જાય છે, એમનામાં અકર્મણ્યતા આવી જાય છે, પ્રબળ યુવક પણ પોતાની આત્મરક્ષાની બાબતમાં અસમર્થ બનીને દુર્બળ અને કાયર બની જાય છે, વગેરે.

પરંતુ પ્રાચીન પુસ્તકોનું અવલોકન કરતાં આપણને કોઈ બીજી જ વાત જોવા મળે છે. એમના બાલ્યજીવનમાં જ વિકસેલી એમની અદ્‌ભુત પ્રતિભા જોઈને આપણે વિસ્મિત થઈ ઊઠીએ છીએ. મોટા ભાઈ સંન્યાસી બની ગયા પછી માતપિતાને ખૂબ દુ:ખી-ખિન્ન જોઈને વિચારશીલ બાળક દ્વારા એમને સાંત્વના અપાય છે; અલ્પવયમાં જ પિતાનું અવસાન થતાં ઘરસંસારનો મોટાભાગનો ભાર પોતાના ખભે લઈને તેનું બહુ સારી રીતે નિર્વહન કરે છે; વિદ્યાર્થીજીવનમાં અલૌકિક મેધાશક્તિની અભિવ્યક્તિ તથા સહપાઠીઓના દુ:ખમાં સમસંવેદના પ્રગટ કરે છે; યુવાવસ્થાના પ્રારંભમાં જ ચતુષ્પાઠીની (ચાર વેદોનું શિક્ષણ આપતું વિદ્યાલયની) સ્થાપના કરીને એક સફળ આચાર્યના રૂપે અધ્યાપન કાર્ય કર્યું છે; આ બધું એમની જવાબદારીપૂર્ણ કર્મઠતાનું જ પ્રમાણ છે. ત્યાર બાદ શાસ્ત્રચર્ચા, પ્રતિદ્વન્દ્વી-પરાજય, દેશભ્રમણ, ધર્મપ્રચાર આદિ બધાં કાર્યોમાં એમની અસામાન્ય પ્રતિભા, અસીમ બુદ્ધિ, અપૂર્વ ચારિત્ર્ય, અતુલ કર્મદક્ષતા, મહાન હૃદય તથા અલૌકિક આધ્યાત્મિક સંપત્તિનો જ પરિચય મળે છે.

તેઓ નરસિંહ જ હતા. એમની આકૃતિપ્રકૃતિ વીરેન્દ્ર કેસરી જેવી હતી. તેઓ જ્યારે જયધ્વનિ કરતા ત્યારે એમનો સિંહનાદ ગગનભેદી બનતો; તેઓ કીર્તન કરતી વખતે સિંહવિક્રમ સાથે જાણે કે નૃત્ય કરતા અને સમગ્ર ધરતીને ડગમગાવી દેતા. એમની ગર્જના પાખંડીઓના હૃદયને ધ્રુજાવી દેતી અને એમની અભયવાણી પતીતોના પ્રાણને આશાથી ભરી દેતી. પશુરાજ સિંહની જેમ નિર્ભયતાપૂર્વક ૩/૪ ભારતભૂમિનું પગપાળા ભ્રમણ કર્યું અને નાસ્તિકતા તેમજ અધર્મનું દમન કરીને વૈદિક ધર્મ, ભગવદ્‌ભક્તિનો પ્રચાર કર્યો.

Total Views: 469

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.