(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)

૧. શું ભગવાન પ્રાર્થના સાંભળે છે? જો હા, તો પ્રાર્થનાનું ફળ કેમ નથી મળતું? પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ?

વિચાર કરવાની જરૂર છે કે આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ, અને ક્યા પ્રકારની પ્રાર્થના આપણે કરીએ છીએ. કોઈ ખેડૂત કહે છે: “ભગવાન, અત્યારે વરસાદ થાય તો સારું; વરસાદ આપો.” તો કોઈ કહે છે; “મારે બહારગામ જવું છે એટલે વરસાદ બંધ થાય તો સારું, ભગવાન, વરસાદ બંધ કરો.” કોઈ કહે છે કે, “અમુક માણસ મારો દુશ્મન છે એને જો ભગવાન મારી નાખે તો સારું.” કોઈ કહે છે; “બધાને ભલે દુઃખ પડે પણ મારો દીકરો શાંતિમાં રહે.” આ પ્રકારની પ્રાર્થના આપણે હમેશાં કરીએ છીએ. જે પ્રાર્થનાથી કોઈનું કલ્યાણ ન થાય, અકલ્યાણ થાય, એવા પ્રકારની પ્રાર્થના પણ આપણે કર્યા કરીએ છીએ. તો ભગવાન બધાની વાત પણ સાંભળે કે ફક્ત મારી જ વાત સાંભળે? આપણને થાય છે કે પ્રાર્થના ભગવાન કેમ સાંભળતા નથી? પરંતુ આ પ્રકારની પ્રાર્થના થયા કરે છે, તો એ ભલા ભગવાન કેવી રીતે સાંભળે? એ બિચારાને કેટલી મુશ્કેલી પડે છે! એકને જેમાં સુખ થાય, એમાં બીજાને દુઃખ થાય એટલે પછી કોને સુખી કરવો અને કોને દુઃખી કરવો એ મુશ્કેલ છે. એટલે ભગવાન પ્રાર્થના કેમ સાંભળતા નથી, એનો જવાબ એમાં આવી ગયો.

આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ, એ પહેલાં શીખવાની જરૂર છે. પ્રાર્થના કરતાં આપણને આવડતું નથી. પહેલાં એનો અભ્યાસ કરવો જોઈએ. ભગવાન સારું કરે છે કે નરસું, એ પછી સમજાશે. આપણને બીજાના સુખની કોઈ પરવા નથી, પણ પોતાને સુખ જોઈએ છે. બીજાને એનાથી દુઃખ થતું હોય તો પણ આપણને એનો કશો વાંધો નથી ગમે તેમ પણ આપણને સુખ જોઈએ છે. આવી રીતે ભગવાન સાંભળે તો એનાથી જે લોકો દુઃખી થાય, એ લોકો કહે કે, ભગવાન આમ કેમ કરે છે?

એક માણસ બીમાર છે. એટલે કંટાળીને એ કહે છે કે, ‘આ બીમારીની તકલીફ મને બહુ છે. હે ભગવાન! મને લઈ જા તો સારું’. પછી ભગવાન જ્યારે એના પ્રાણને લેવા માટે દૂતોને મોકલે છે તો ત્યારે એ કહે છે: ‘અરે, ભગવાન, આ શું છે? ભગવાન કહે, “તમે કહો છો એટલે અમે તમને લેવા આવ્યા છીએ.” ત્યારે તે કહે છે, ‘અરે, મેં તો અમસ્તુ કહ્યું હતું.’

એક ડોસીમા લાકડાનો ભારો લઈને જતાં હતાં. ચાલતાં ચાલતાં ખૂબ થાકી ગયાં એટલે લાકડાં નીચે મૂકીને રડવા માડ્યાં. પછી હાથ જોડીને યમરાજને કહ્યું “તમે જલ્દી આવો તો સારું”. અંતરની પ્રાર્થના હતી એટલે યમરાજ આવી ગયા. આવીને કહે કે “હું આવ્યો છું.” ત્યારે ડોસીમા ગભરાઈને બોલ્યાં “અરે બાપા, આવી ગયા તો આ ભારો મારે માથે મૂકી દો!”

આમ, આપણી બધી પ્રાર્થનાઓ ભગવાન સાંભળતા નથી એમાં આપણું કલ્યાણ જ છે!

હવે, આપણે જે કંઈ બધું અંતરમાં ચાહીએ છીએ એ બધું આપણા કલ્યાણ માટે જ હોય, એવું નથી. બીજાનું કલ્યાણ તો બાજુ પર રહ્યું પણ આપણું પોતાનું કલ્યાણ પણ એમાંથી થતું નથી. છતાંય આપણે જે માગીએ તે ભગવાન સાંભળે તો જ આપણને ગમે!

બીજી વાત એ પણ જોવાની છે કે પ્રાર્થના આપણે કરીએ છીએ એ અંતરથી થાય છે કે નહીં. આમ તો ભગવાન છે કે કેમ, એ બાબતમાં પણ આપણને મનમાં સ્પષ્ટતા નથી. પછી તેઓ પ્રાર્થના સાંભળશે એ તો જુદી વાત છે! ખરેખર, ભગવાન છે કે કેમ, એ વિશ્વાસ પણ મનમાં થતો નથી. પછી કોની પાસે પ્રાર્થના કરીએ? ‘ભગવાન છે; ભગવાન સાંભળે છે’ એવો વિશ્વાસ છે? જો મનમાં વિશ્વાસ હોય તો પછી “ભગવાન આમ કરે છે, ભગવાન તેમ કરે છે, આમ કરતા નથી, તેમ કરતા નથી” એ વિચાર કેવી રીતે આવે? ‘ભગવાન તો સૌનું કલ્યાણ કરે’, એવો જ વિચાર કરવાનો હોય છે. એટલે આપણે જે ચાહીએ છીએ એમ જ જો ભગવાન કરે ત્યારે ઊલટું આપણા મનમાં શંકા થવી જોઈએ કે, ‘ભગવાન આ શું કરે છે? એટલે પહેલી વાત એ છે કે જેને પ્રાર્થના કરીએ છીએ, એના પ્રત્યે આપણને શ્રદ્ધા-વિશ્વાસ છે કે કેમ? એ જ તો શંકાસ્પદ વિષય છે! જો બીજે ઠેકાણે, બીજી જાતનો જ વિશ્વાસ હોય તો આ પ્રકારે પ્રાર્થના કેમ કરીએ છીએ? ઉપર બતાવેલ શ્રદ્ધાળુ જો ભગવાનને જ માને છે અને ભગવાન મંગલમય છે એમ માને છે એને માટે કાંઈ પ્રાર્થનાની જરૂર જ નથી. એ આપણે જે ચાહીએ છીએ તે અગાઉથી જ આપે છે! એટલે ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી કે કેમ એ સાથે એનો જવાબ મળી જાય છે.

બીજી વાત – પ્રાર્થના અંતરથી હોવી જોઈએ. અંતરથી ન હોય તો કોઈ સાંભળતું નથી. સાધારણ માણસો પણ ક્યાં સાંભળે છે? અંતરથી હોય તો સાંભળે. ભગવાન પાસે કઈ રીતે પ્રાર્થના કરવી એ સમજીને પછી પ્રાર્થના કરો. તમારે કેવી પ્રાર્થના જોઈએ છે, એ પણ વિચાર કરીને કરો. તો જરૂર ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે. એમાંથી તમારું મંગલ થશે. બીજી એક વાત છે શાસ્ત્રોમાં કહે છેઃ “ભગવાન જે કંઈ કરે એ ભલા માટે કરે છે” પણ કોઈને તકલીફ પડે તો ભગવાન પક્ષપાતી થઈ જાય છે! કોઈ પર ભગવાન કૃપા કરે છે તો બીજા પર કેમ નથી કરતા? ભગવાનમાં ત્રુટિ છે. વિષમતા છે. કોઈનું સારું કરે અને કોઈનું નરસું; કોઈ તરફ અણગમો અને કોઈ તરફ સ્નેહ! તો તે ભગવાન જ નથી. ભગવાન સમદર્શી હોવા જોઈએ. સમદર્શી- સૌ પ્રત્યે સમાન દષ્ટિવાળા ભગવાન હોય તો પછી આપણે કેમ ધારીએ છીએ કે મારા પ્રત્યે એની ખાસ સુદૃષ્ટિ હોવી જોઈએ? એ વાત તો ખોટી છે.

ખરી રીતે તો જેઓ ભગવાનને માને છે તેઓ ભગવાન પાસે કાંઈ માગતા જ નથી. કારણ કે તેઓ જાણે છે કે મારું કલ્યાણ પણ કરશે અને સૌનું કલ્યાણ પણ કરશે. તો એની પાસે શું માગવું? માગવા જેવું કંઈ છે જ નહિં અને ભગવાન ઉપર જેને પ્રેમ હોય એ ભગવાન પાસે કશું જ માગે નહીં. કારણકે ભીખ માગે, એને હંમેશા તે કંઈ મળે છે કે? માણસો પણ નથી આપતાં ભગવાન પાસેથી આપણે એવી વસ્તુ માગીએ છીએ જે જગતમાં દુર્લભ હોય. એ માણસ તો ભિખારી છે કે જે ભગવાન પાસે માગ્યા કરે. એ લોકોની પણ ભિખારી જેવી સ્થિતિ છે. એ વિચાર કરીને ભગવાનના વિષયમાં મનમાં એક સ્પષ્ટ ધારણા કરવી જોઈએ કે ભગવાન કેવા હોય? ભગવાન તો આપણા વિચારની બહાર છે, આપણે એમને સમજી શકીએ નહીં. ભગવાનનું જે વિધાન છે એને આપણે બિલકુલ સમજતા નથી. પહેલાં કહ્યું તેમ- જો વિશ્વાસ જ ન હોય તો પછી એની પાસે શું માગવું જોઈએ, અને કઈ રીતે માગવું, એ પણ ખબર ન હોય તો એવી આશા ક્યાંથી રાખીએ કે એ આશા પૂર્ણ કરશે? એ જ વાત છે. ભગવાન ખરેખર દુ:ખ આપે છે પરંતુ એ દુ:ખમાંથી કાંઈ મંગલ મળશે એવો વિચાર આપણો છે ખરો?

એક ગરીબ વિધવા હતી, એને કોઈ સગાંસંબંધી મદદગાર ન હતાં. તેની પાસે એક જ ગાય હતી અને તેના દૂધથી થોડુંક કમાતી હતી અને જીવતી હતી. એ ખૂબ મોટી ભક્ત હતી. ભગવાન એક બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા અને એ વિધવાએ એમનો ખૂબ સત્કાર કર્યો. પછી જતી વખતે બ્રાહ્મણે કહ્યું કે “તમારી પાસે જે ગાય છે તે મરી જશે!” સૌને નવાઈ લાગી કે “આ વિધવા આટલી ભક્તિ રાખે છે અને બ્રાહ્મણનો આ પ્રમાણે સત્કાર કરે છે છતાં ભગવાનના આશીર્વાદ આવા હોય? પણ અતિથિના આશીર્વાદને ભગવાનના આશીર્વાદ તરીકે લોકો સમજતા નથી. અતિથિના આશીર્વાદ એવા તે કેવા? પણ પછી એક માણસ જે ભગવાનને ઓળખતો ન હતો એણે કહ્યું: “ભગવાન, આ તમે શું કર્યું? ત્યારે ભગવાન કહે છે. “એનું મન મારા તરફ ખૂબ જ છે એ સમજું છું પરંતુ એનું મન એ ગાય તરફ વધુ ખેંચાય છે. એટલે પૂરેપૂરું મારું શરણ લઈ શકતી નથી. એટલે એની ગાય જો મરી જાય તો એનું મન મારા તરફ સ્થિર થઈ જાય એટલે એવા આશીર્વાદ આપ્યા કે એની ગાય મરી જાય.”

બીજો એક માણસ હતો. એ બહુ અધાર્મિક જીવન જીવતો હતો. એને ભગવાને કહ્યું… “તારી સંપત્તિ છે તે ખૂબ વધે અને ખૂબ આનંદમાં રહે!” આ કેવી વાત? ભગવાન કહે છે; “એ એવું જાણતો નથી કે આ સંપત્તિ એના બંધનનું કારણ હોય. કારણ કે એ ભગવાનમાં માનતો જ નથી. એટલે ભલે એ ખૂબ સંપત્તિ ભોગવે! પછી એક દિવસ એવો આવશે કે આપોઆપ એ બધું ખોવાશે, બધું જશે. ત્યાર પછી એનું મન મારા તરફ આવશે. અત્યારે કહું તો એ છોડશે નહિ. વિષયવિચાર તરફ એનું મન જાય છે. એટલે વિષય વધે અને વિષયમાં રચ્યોપચ્યો રહેશે પણ પછી એનો આઘાત લાગશે અને ત્યાર પછી જ એનું મન ભગવાન તરફ જશે.”

કુંતીજીની પ્રાર્થના છે: “હે ભગવાન, જ્યારે હું સુખમાં રહું ત્યારે તમને ભૂલી જાઉં છું એટલે મારા ઉપર દુઃખની પરંપરા આવે, જેથી કરીને હમેશાં. તમે સ્મરણમાં રહો, એ દુઃખ માગી લે છે. એ પ્રમાણે દુઃખ પણ મંગલકારક હોય છે. એટલે ભગવાન શું આપે છે કે શું કરે છે, એનો વિચાર કરી શકાય તેમ નથી. જ્યાં સુધી આપણા વિચાર અપેક્ષા વિનાના હોય છે, મન જ્યારે શુદ્ધ થાય છે, ત્યારે જ શુદ્ધ વિચાર થઈ શકે. ત્યારે જ ભગવાનની રીત આપણે સમજી શકીએ. એટલે ભગવાન શું કરે છે એ આપણે સમજતા નથી. એ સમજીશું તો જ ભગવાનના વિષયમાં જે કાંઈ સંદેહ છે, જે ફરિયાદ છે તેનું તાત્પર્ય સમજી શકીશું.

પરંતુ જો અંતરથી પ્રાર્થના કરવી હોય તો ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરવી જોઈએ કે, “હે ભગવાન! મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હું તમને જ ચાહું છું.” ભગવાનને જે ચાહે તેના પર ભગવાન જરૂર પોતાને ન્યોછાવર કરી દે. એટલે ભાગવતમાં કહે છે, “દાતાઓમાં તમે રાજા છો કારણ કે બીજા માણસો પોતાની સંપત્તિનો અમુક અંશ જ દાનમાં આપે છે. અને તમે તો પોતાને પણ આપી દો છો.” એટલે ભગવાન દાતાઓમાં રાજા છે. પણ આપણે તો ભગવાનને ચાહતા નથી. એટલે શું કરવું ભગવાનને લઈને?

અર્જુન અને દુર્યોધન બંને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા કે મહાભારતનું યુદ્ધ છે તેમાં ભગવાન એમની સાથે રહે. દુર્યોધન તો અભિમાની હતો. જઈને ભગવાનના માથા તરફ બેઠો; જે બાજુ ભગવાન પગ રાખીને સૂતા હતા એ તરફ કાંઈ બેસાય? અને અર્જુન આવીને એમના પગ પાસે બેસી ગયા. ભગવાને આંખ ખોલીને અર્જુન તરફ જોયું અર્જુનને પૂછ્યું: “અર્જુન, શું ચાહો છો? અર્જુન કહે: “ભગવાન, તમે અમારી સાથે રહો”, ત્યાર પછી દુર્યોધન તરફ જોઈ પૂછે છે: “દુર્યોધન, શું ચાહો છો? દુર્યોધન કહે: “તમને ચાહું છું” હવે આમ બે માણસ એક જ વસ્તુ માગે તો શું થાય? એટલે ભગવાન કહે છે, “જુઓ દુર્યોધન તમે બે જણા હાજર થયા છો પરંતુ અર્જુનને મેં પહેલાં જોયા અને તમને પછી જોયા; એટલે અર્જુનની પ્રાર્થના પૂર્ણ કરવી જોઈએ અને તમારી પ્રાર્થના પણ પૂરી કરવી જોઈએ. હવે તમે બંને મને માગો છો પણ બંને પાસે હું જઈ શકું તેમ નથી. એટલે તમે ખાસ કરીને એ નક્કી કરો કે કઈ વસ્તુની તમારે વધારે જરૂર છે? તમારે માટે બે વાત છે. એક બાજુ લડાઈમાં હું એકલો અસ્ત્ર-શસ્ત્ર ધારણ કર્યા વિના રહીશ અને બીજી બાજુ મારી અજેય નારાયણી સેના રહેશે. તો એ બંનેમાંથી તમે કઈ વસ્તુ માગો છો? એટલે દુર્યોધને તરત જ કહ્યું: “હે ભગવાન, તમારી નારાયણી સેના મને આપો.” એણે મનમાં ધાર્યું કે અરે, આ લડાઈમાં જશે અને અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરશે નહીં એ શું કામનું? અર્જુન કહે છે: “તમે મારી સાથે ચાલો. અસ્ત્ર-શસ્ત્ર હોય કે ન હોય મને તેમાં વાંધો નથી. તમે મારી સાથે ચાલો.” ભગવાન કહે છે: ‘કબૂલ’. બંનેએ જે માગ્યું તે બંનેને આપી દીધું. બંનેની પ્રાર્થના પૂર્ણ થઈ. પણ શું થયું ફળ? કૌરવોનો વિનાશ અને પાંડવોનો જય! આપણે એ વિચારતા નથી કે ભગવાન જ્યારે સાથે હોય ત્યારે માણસ એનાં જે લક્ષ્ય હોય તે અવશ્ય પ્રાપ્ત કરે એમાં શંકા નથી. તો આપણને શું જોઈએ છે? યોગ જોઈએ છે કે ભોગ જોઈએ છે? ભગવાન જોઈએ છે કે સંસાર? એમ વિચારવું જોઈએ. ભગવાનને શું કરવાનું એ વાત તો ત્યાર પછીની છે. આ ઉત્તર બધાંને ગમશે કે કેમ એ મને ખબર નથી.

મારી પાસે આવીને બધા કહે છે: “સ્વામીજી, બહુ અશાંતિ છે, શાંતિ કેવી રીતે મળે તે કહો.” હું કહું છું: બહુ સાધારણ ઉપાય છે; વાસના છોડી દો, એને કાઢી મૂકો. વાસના હોય એટલે અશાંતિ થયા કરે. વાસના છોડી દો તો અશાંતિ છે જ ક્યાં? જેને મનમાં કોઈ વાસના નથી એને અશાંતિ કેવી? માણસને શાંતિ જોઈએ છે પણ મનની અશાંતિનું કારણ પણ તેમની પાસે હોવું જોઈએ. એ કારણ મોજૂદ હોય તો ભગવાન શું કરે બિચાડા? હવે તમે જ કાંઈક રસ્તો ભગવાનને બતાવો તો ભગવાન કંઈક કરશે.

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.