શ્રીઠાકુર જન્મથી જ શિક્ષક હતા. તેમનું સમગ્ર જીવન એક લાંબો શિક્ષણપાઠ હતો… તેઓ એક નાનું બાળક પણ સમજી શકે તેવી સાદી સરળ ભાષા વાપરતા એ એમના ઉપદેશની એક વિશિષ્ટતા હતી. ભાષા ભલે સાદી સરળ હતી પણ એમાં રહેલા વિચારો તો હતા આર્ષર્દષ્ટા ઋષિના… શ્રીરામકૃષ્ણે ક્યારેય પોતાનો પ્રચાર કર્યો ન હતો. તેઓ કોઈ જગ્યાએ જતા તો તેનો હેતુ સાધુસજ્જન વ્યક્તિઓની વચ્ચે રહીને તેમના પવિત્ર સંગાથે ધન્ય થવા માટેનો હતો. પરંતુ શ્રીઠાકુર આવા સજ્જનસંગમાં રહેતા ત્યારે જગન્માતા તેમનામાં આવિર્ભૂત થતા અને તેમનો વાર્તાલાપ શરૂ થતો; પછી ભલે શ્રોતાઓ ગણ્યાગાંઠ્યા હોય કે અસંખ્ય એનું કોઈ મહત્ત્વ ન હતું. શ્રીરામકૃષ્ણ પોતાની વાતચીત અને વાણીવર્તનમાં ઘણા સચેત રહેતા. તેમની સરખામણીએ તો આપણે બધા અણઘડ અબુદ્ઘ. અજાણ્યા લોકો એમના વર્તનને કારણે એમને પાગલ ગણતા. આપણે માણસને પાગલ ક્યારે કહીએ? જ્યારે એનાં વાણીવર્તનમાં સુસંગતતા નથી હોતી અને બીજાથી તેની વર્તણૂક સાવ જુદી જ હોય. પરંતુ શ્રીરામકૃષ્ણની બાબતમાં આવું કાંઈ ન હતું. તેઓ વિવેકી અને વિનમ્ર હતા અને એમનો પ્રત્યેક શબ્દ પ્રજ્ઞાસભર હતો. તેઓને જગન્માતા સમક્ષ બેસીને તેમની સાથે વાતો કરતા જોઈને પણ લોકો તેમને પાગલ તો ન ગણી શકે. તે શું અને કોના માટે આવું બધું કરતા હતા ? જે લોકો આશ્ચર્યચકિત દૃષ્ટિએ આ બધી લીલા નિહાળતા તેમનું જાણે-અજાણ્યે શ્રીઠાકુર દ્વારા જીવનઘડતર થઈ જતું. શ્રીઠાકુર દરેકના હૃદયની આકાંક્ષાઓ સંતોષતા અને એમનો જીવનભાર ઓછો કરી દેતા. તેઓ એવી આશ્ચર્યજનક શક્તિ ધરાવતા હતા.

– સ્વામી રામકૃષ્ણાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.126)

Total Views: 119

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.