નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ’- હે અર્જુન! ચોક્કસ જાણ કે મારા ભક્તનો ક્યારેય નાશ નથી થતો.’

અમે લોકો સ્વાભાવિક રૂપે સંસારી મનુષ્યોના પનારે પડનારી વિપરીત અને અપ્રિય પરિસ્થિતિઓથી અત્યધિક વિક્ષુબ્ધ તથા વિષણ્ણ બનીને શ્રીરામકૃષ્ણદેવની પાસે આવતા, ત્યારે તેઓ અમને સાંત્વના આપતા: ‘લુહારની એરણ જેવા બનો.’ લુહાર દરરોજ એના પર અસંખ્ય વાર હથોડાના ઘા કરે છે. પરંતુ એરણ સદૈવ શાંત અને અચલ રહે છે. સંસાર તમારા પર પ્રહાર કરી શકે છે, પરંતુ તેનાથી તમે વિચલિત ન બનો અને લુહારની એરણની જેમ અચલ રહો. સર્વશક્તિમાન પ્રભુની કરુણા અને દયામાં શ્રદ્ધાવિશ્વાસ રાખો. પોતાના વિશ્વાસમાં દૃઢતાપૂર્વક સ્થિર રહો તો સંસારની અશાંતિ અને વિપત્તિઓ તમારા પર પ્રભાવ નહીં પાડી શકે, તમને ગભરાટમાં નાખવાને બદલે તે પોતે જ ગભરાઈ જશે. ગીતાને પોતાનો હંમેશનો સાથી બનાવી લો. સદૈવ ઉત્સાહી બની રહો, જે સદૈવ મુક્ત અને આનંદપૂર્ણ છે એવા તમારા આત્માને ક્યારેય દુઃખ અને નિરાશાને અધીન ન થવા દો. તમે પોતાના પ્રયત્નમાં સફળ નથી થતા એવી ફરિયાદ ન કરો. બધા મનુષ્ય સાથે આવું થાય છે. માત્ર થોડાક એવા મહાત્માઓ છે જે પહેલેથી જ પૂર્ણ છે, તે કહી શકે છે કે તેઓ મનસા, વાચા, કર્મણા પૂર્ણતઃ પવિત્ર છે. મનુષ્યથી ભૂલ થવી સ્વાભાવિક છે. આપણે તો માત્ર એટલું જ જોવું જોઈએ કે જગતના સ્વામી પ્રભુને પ્રેમ કરવાનું ન ભૂલીએ. અતઃ ધૈર્ય રાખો. ભલે તમે કયારેક કયારેક પડી જાઓ પરંતુ ફરીથી ઊઠવાનો પ્રયત્ન કરો. દરેક બાળક ચાલવાનું શીખતાં પહેલાં લાખ વાર પડે છે. હું તમને વિશ્વાસ આપી શકું છું કે જે પોતાની સહાયતા કરે છે તેને પ્રભુ સહાય કરે છે.

એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય, પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ સર્વાધિક પવિત્ર રહે છે, એટલો જ એના પ્રત્યે પ્રબળ અને તીવ્ર રહે છે. એક બાળક મોટું થઈને ભલેને હત્યારો બની જાય, પણ માનો પ્રેમ એના પ્રત્યે અક્ષુણ્ણ રહે છે. બધી માતાઓને એક સાથે એકઠી કરીએ, પણ ઈશ્વર એનાથી કેટલોય વધારે દયાળુ અને પ્રેમી છે. એમની પ્રેમપૂર્ણ કૃપામાં ક્યારેય શ્રદ્ધાવિશ્વાસ ગુમાવશો નહીં. તેઓ જઘન્યતમ પાપીઓ પર પણ સદૈવ દૃષ્ટિ રાખે છે, એ જાણીને પ્રસન્ન રહો. પોતાની જાતથી અસંતુષ્ટ ન બનો. તમે ઈશ્વરનું સંતાન છો અને પોતાની જાત પ્રત્યે અસંતુષ્ટ બનીને તમે ઈશ્વરનાં સંતાનો પ્રત્યે અસંતુષ્ટ બનો છો. શું આ ખરાબ વાત નથી? એટલે જ પોતાનું સન્માન કરો, કારણ કે તમે ઈશ્વરના પુત્ર છો અને તમને ઉત્પન્ન કરીને તેમણે કોઈ ભૂલ કરી નથી કેમ કે તેઓ બધી ભૂલોથી પર છે. એટલે તેઓ તમારા દ્વારા જરૂર એવું કંઈક કરાવશે કે જેને માટે તેઓ તમને આ પૃથ્વી પર લાવ્યા છે. ઈશ્વર પ્રત્યે તમારો અનુરાગ જેટલો વધશે એટલી જ તમારી વાસનાઓ ઓછી થતી જશે. સદૈવ સન્માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. સત્યવાદી અને સારા બનો તથા વિષયભોગની આકાંક્ષા ન રાખો. આને જ તમે પોતાનું લક્ષ્ય અને આદર્શ બનાવો. કઠિન સંઘર્ષ કરો અને જો આ સંઘર્ષ કરતાં કરતાં તમારા પગ લપસી પડે, તમે કેટલીય વાર પડી જાઓ તેનાથી શું? ફરીથી ઊભા થાઓ, સંઘર્ષ કરો. નિશ્ચિંત રહો કે અંતે વિજયી થશો. જ્યાં સુધી તમે પૂર્ણ ન બની જાઓ ત્યાં સુધી સંઘર્ષ ન છોડો. ભગવાન શ્રીરામકૃષ્ણ બધી વિપત્તિઓથી તમારું રક્ષણ કરે તથા તમને સુરક્ષિત અને સ્વસ્થ રાખે.

હા, તમારા પોતાના નિર્ણયમાં તમે સાચા છો. અહીં આપણે ભિખારીના રૂપે કે રાજાના રૂપે જીવન ચલાવવું છે. પરંતુ આપણાં આદર્શ અને લક્ષ્ય આપણે ગમે ત્યાં રહીએ તો પણ એ એવાં હોવાં જોઈએ કે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણને ક્યારેય ન ભૂલીએ. એ પણ સાચું છે કે ગમે ત્યાં રહીએ પણ ઈશ્વર આપણને ત્યજતા નથી. એ પ્રભુ જ આપણને જીવનના એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જાય છે. આ જાણીને આનંદમય સ્થિતિમાં રહો. હું હંમેશાં તમને યાદ કરું છું અને આપણા ગુરુમહારાજને તમારા માટે પ્રાર્થના કરું છું. જો કે તમારી પાસે ભગવાન શ્રીરામકૃષ્ણની છબી છે. એટલે મારી આ સલાહ છે કે તેમને ભગવાનના અવતારના રૂપે જુઓ. એમની છબી સામે પ્રાર્થના કરો. એટલું નક્કી માનજો કે તમારી કામનાઓ પૂર્ણ થઈ જશે. એમનાથી વધુ દયાળુ બીજા કોઈ નથી. અરે! જ્યારે હું એમના મહિમા અને મહાનતાનું સ્મરણ કરું છું, ત્યારે હું તરત જ આનંદવિભોર બની જાઉં છું. તેઓ તમારી સાથે નથી એવું ન ધારો. જે લોકો સારા છે એવા લોકોની પાસે તેઓ સદૈવ રહે છે અને તમે ઘણા સારા છોકરામાંના એક છો એટલે હું કહી શકું છું કે પ્રલોભનોથી તમારું રક્ષણ કરવા માટે તેઓ સદૈવ તમારી સાથે છે. એમની છબી એમનો સજીવ આત્મા છે. એને માત્ર એક ચિત્ર ન સમજો. એ એમનો સજીવ આત્મા છે.

જો શક્ય બને તો પુષ્પધૂપાદિ એમને અર્પણ કરો અને જો ન બને તો પોતાના હૃદયનાં તીવ્ર પ્રેમ અને પશ્ચાત્તાપરૂપી પુષ્પ એમને ચડાવો. સમગ્ર વિશ્વ જેટલાં પુષ્પધૂપાદિ ઉત્પન્ન કરે છે એ બધાંના ઢગલાની તુલનામાં પશ્ચાત્તાપપૂર્ણ હૃદયનું અર્પણ તેઓ વધારે પસંદ કરે છે. જો તમે સાચા હૃદયથી એમને સહાયની યાચના કરો તો તેઓ ચોક્કસ તમારી મદદ કરશે. તેઓ પ્રેમ અને કરુણાના અવતાર છે.

ભગવાન શ્રીરામકૃષ્ણ કહે છે: ‘જેવી રીતે પાણીને કોઈ રૂપ નથી, એને જે પાત્રમાં રાખો તેવો આકાર તે ધારણ કરે છે તેવી રીતે ઈશ્વરનું કોઈ વિશેષ રૂપ નથી. પરંતુ ઈશ્વર પ્રાણીમાત્રના પ્રભુ છે, એટલે તમારે એમને મનુષ્યના રૂપમાં જ સીમિત બનાવી ન દેવા જોઈએ. તમારા પિતા એક વિદેશી વેશ ધારણ કરી લે તો તેને કારણે તેઓ તમારાં સન્માન અને શ્રદ્ધા ગુમાવી દેતા નથી. એટલે ઈશ્વરનું ભલેને ગમે તે રૂપ હોય, તમારે સદૈવ એમના પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. તેઓ ‘તમારા ઈશ્વર છે.’ ઈશ્વરના કોઈપણ વિશેષરૂપને પોતાની ઈષ્ટમૂર્તિરૂપે કોઈપણ વ્યક્તિ નિઃસંદેહ પ્રેમ કરી શકે છે. વૈષ્ણવો કૃષ્ણરૂપને ચાહે છે, શાક્તો શક્તિના રૂપને ચાહે છે. એમનું જે રૂપ તમને સૌથી વધુ સારું લાગે એ રૂપે જ એમની પૂજા કરો, જેમ હિંદુ પરિવારની કુલવધૂ પરિવારના બધા સભ્યો પ્રત્યે પ્રેમસંબંધ રાખે છે પરંતુ પોતાના પતિ સાથે વિશેષ પ્રેમસંબંધ હોય છે, તેમ તમારે ઈશ્વરનાં ભિન્ન રૂપોમાં શ્રદ્ધા રાખવી. પરંતુ તમારા જીવનના એક માત્ર ઈશ્વર તો તમારા ઇષ્ટદેવતા જ બનવા જોઈએ. એ સારું છે કે શ્રીરામકૃષ્ણ પ્રત્યે તમારાં શ્રદ્ધા અને ભક્તિ છે. એમ નથી કે તેમની પૂજા કરવાથી તમે માના ભક્ત રહેતા નથી, કારણ કે શ્રીરામકૃષ્ણ તો શક્તિનું જ પ્રગટ રૂપ છે. શક્તિ અસીમ છે અને એટલે જ અગમ્ય છે. તેણે સર્વસુલભ થવા આ યુગમાં શ્રીરામકૃષ્ણનું સૌમ્યરૂપ ધારણ કર્યું છે. યુગારંભમાં જયારે તેણે શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કર્યું હતું, ત્યારે યુગે યુગે પોતે પોતાના અવતાર લેવાનું કારણ બતાવ્યું હતું.

(‘મનની શાંતિ’, પૃ.૧૬)

Total Views: 699

One Comment

  1. Kajallodhia January 20, 2023 at 9:56 am - Reply

    🙏🙏 ખુબ સરસ લેખ છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.