ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી કદીય ભૂલશો નહિ. ખરેખર, તેમની કૃપાથી જ તમારું કલ્યાણ થશે, તમને અભીષ્ટ-પ્રાપ્તિ થશે. શ્રીભગવાનની જ સતત શરણાગતિ સ્વીકારીને મૌન અને શાંતિ જાળવો. અશાંતિ એ સ્વસ્થતાનું ચિહ્ન નથી. અશાંતિ તો નાદુરસ્ત બીમારીનું લક્ષણ છે. ધર્મનો અર્થ છે, ઉદાર હૃદયી, સહાનુભૂતિશીલ બનવું, સાથોસાથ ઈશ્વરીય ઇચ્છાને સંપૂર્ણ અધીન રહીને સંતોષ પામવો.

“Act, act in the living present,
Heart within and God overhead.”

ભાવાર્થ : આ જ પળે ને અત્યારે, તું એકનિષ્ઠાથી કર્મ કરજે; અંતર-મન પરોવજે-જગદીશ્વરમાં, અખંડ સ્મરણ-રત રહેજે.

સુખ અને દુ :ખ દરેક વ્યક્તિનાં ટાળ્યાં ન ટળે એવાં સાથીઓ છે. હા, એક સાથી આવીને ઊભો રહે ત્યારે બીજો સાથી વિદાયની વાટ પકડે છે, પરંતુ બન્નેમાંથી એકેય ઝાઝું ટકી શકે નહીં. એટલે આ સમજણ ઊગે ત્યારે એનાથી જરાય ધીરજ ગુમાવ્યા વિના બન્નેની અસથી અલિપ્ત રહેવું જોઈએ. ઈશ્વરમાં પૂરેપૂરો વિશ્વાસ રાખીને તમારું દરેક કર્તવ્ય પૂરું કરો. સદૈવ પ્રભુની મરજીમાં ચિત્ત સમર્પીને જે બધી ઘટનાઓ બનતી હોય, તેમાંની દરેકને શ્રેષ્ઠ હિતકારી ગણો. ભવિષ્યની ચિંતાઓ ટાળજો. આ સંસારમાં જે કંઈ બને, તે એકેએક ઘટનાથી આપણું કલ્યાણ જ થાય છે; કારણ કે જગત ચાલે છે મંગલમય પ્રભુની મરજીથી જ ચાલે છે. દરમિયાનમાં આપણી ફરજ તો કર્તવ્યનિષ્ઠ રહેવાની છે.

તમારી જાત પ્રત્યે અને જો તમે ગૃહસ્થી હો તો તમારાં પત્ની અને બાળકો પ્રત્યે કર્તવ્યનિષ્ઠાથી, કાળજીપૂર્વક ફરજ પૂરી કરવા પ્રયત્નશીલ રહો. તમારાં સગાંસંબંધીઓ, તમારાં બંધુ-બાંધવ, તમારા પડોશીઓ પ્રત્યેની ફરજ અદા કરો. અંતરથી ઉદાર, પ્રામાણિક, સરળ અને સત્યનિષ્ઠ બનો. સૌથી વિશેષ, અંતર્યામી ઈશ્વર પ્રત્યે ગાઢ ભક્તિપ્રેમ કેળવો.તમારા સ્વ-સ્વરૂપમાં મળીને સમરસ ન થાઓ ત્યાં સુધી આમ અનુશીલનથી જીવન પસાર કરો કારણ કે હું પ્રતીતિપૂર્વક કહું છું કે જો મનુષ્ય પોતાનાં શરીર-મનથી વિશુદ્ધ થાય નહિ, તો યોગના પરમપાવન મંદિરમાં પ્રવેશવાની પાત્રતાથી વંચિત થઈ ગયો કેમ કે ઊંડા શ્વાસોચ્છ્વાસ, પ્રાણાયામ અને જુદાં જુદાં આસન વગેરે ક્રિયાઓ કરવામાં જ યોગ આવી જતો નથી.

ચિત્તની વૃત્તિઓમાંથી, મનમાં ઊઠતી ઇચ્છાઓમાંથી મુક્ત થવંુ એટલે યોગ. અશુભ વાસનાઓની અનિષ્ટકારી અસરમાંથી માત્ર નિર્મળ-પવિત્ર મન જ મુક્ત થવામાં સફળ થશે. એટલે તમારાં માતાપિતા પ્રત્યે, તમારાં પત્ની અને બાળકો પ્રત્યે; સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ પ્રત્યે કર્તવ્ય બજાવવામાં અવિરત પ્રયત્નવાન રહીને નિર્મળ-પવિત્ર રહેવું. પહેલાં તો આદર્શ ગૃહસ્થ બનો, ત્યાર પછી તમે સાચેસાચા યોગી થશો.
જીવનના આપણા વાંછિત ક્રીડાંગણને એ પત્ની, પૈસો, મિત્રો અને કીર્તિ વડે સુશોભિત કરે છે ત્યારે ઈશ્વરની એ સુખદાયક કૃપા છે. એ સર્વને એ એક પછી એક લઈ લે, આપણને આંસુ પડાવે અને પોતાની તરફ પરાણે ખેંચે ત્યારે એની દુ :ખદાયક કૃપા છે.

Total Views: 359

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.