સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ

પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર રીતે વર્ણવી દીધો છે. શ્રીઠાકુરે હાજરાને ઘરે જઈને માતાને જોઈ આવવા કહ્યું હતું. એમણે કહ્યું: ‘મા, સ્ત્રી, સંતાન વગેરે પ્રત્યે તમારું જે કર્તવ્ય છે, એને કરવું જ પડશે. તમારાં બાળબચ્ચાનું પાલન-પોષણ શું પાડોશી કરશે?’ હાજરા ઘરે જવા ઇચ્છતા ન હતા. તેઓ મહિમાચરણને કહે છે કે શ્રીઠાકુર એમને પરાણે ઘરે મોકલવા ઇચ્છે છે, એટલે મહિમાચરણ હાજરા વતી શ્રીઠાકુર પાસે એની વકીલાત કરે છે. તેના ઉત્તરમાં શ્રીઠાકુર કહે છે: ‘માને કષ્ટ દઈને શું ઈશ્વરને પુકારવાનું ક્યારેય સંભવ બની શકે છે ખરું?’ શ્રીઠાકુરની આ વાત થોડી વિરોધાભાસી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સાધુઓને મા નથી હોતી? શું એમને દુ:ખ નહિ થતું હોય? અહીં શ્રીઠાકુરનો અભિપ્રાય કે મત એ છે કે ઈશ્વરની સાથે બીજા કોઈની તુલના ન થઈ શકે. ભગવાનના પથ પર કોઈ વિઘ્ન અડચણને સ્વીકારવાથી કંઈ થાય નહિ. આ બાબતમાં કોઈ બાંધછોડ નથી, કારણ કે ત્યાં વૈરાગ્ય તીવ્ર ભાવનો હોય છે. જો એ ન રહે તો, માતા-પિતા, આત્મીય-સ્વજન, દેશ-સમાજ, વગેરે વિશે વિચારવાનું, એની ગણતરી-બણતરી બધું આવી પડે છે. ભગવાન માટે વ્યાકુળ બની ગયા પછી શ્રીઠાકુરની ભાષામાં ‘એ (ઈશ્વર માટે) પાગલ બની ગયા પછી એનું કોઈ કર્તવ્ય રહી જતું નથી.’ વૈરાગ્ય પ્રબળ ન બને ત્યાં સુધી જ કર્તવ્યનું બંધન છે. વ્યાકુળતા આવ્યા પછી તે બધાં બંધનોથી મુક્ત બનીને ભગવાન પ્રત્યે આગળ વધી જાય છે. જ્યારે કોઈના મનમાં સંસારત્યાગનો પ્રશ્ન ઊભો થાય ત્યારે તેણે અવશ્યપણે એ વિચારવું પડશે કે શું તે આ બધાં ઝંઝટ, ઝમેલાથી બચવા માટે સંસારનો ત્યાગ કરવા ઇચ્છે છે કે ઈશ્વરને પામવા માટેની વ્યાકુળતાને કારણે સંસારનો ત્યાગ કરે છે? હાજરા જેવા અનેક લોકો સંસારનાં ઝંઝટ-ઝમેલાથી હેરાન-પરેશાન છે. પણ સંસાર પોતાની વસુલાત શા માટે છોડે? એ તો વ્યાજ સહિત મૂળ ધન વસૂલ કરી લેવાનો.

શ્રીઠાકુરે એમ કહ્યું કે ‘માની યાદ આવતાં જ હું વૃંદાવનમાં રોકાઈ ન શક્યો, એ એક બીજી વાત છે.’ એમણે તો સંસારની સામે એક ઉદાહરણ રાખવું છે, એટલે એમને પણ બધા પ્રકારનાં ઉદાહરણ બતાવવાં પડે. અહીં એમણે એક વાત કહી, વળી પાછા એક બીજા સ્થળે કહે છે- ભગવાન માટે જ્યારે વ્યાકુળતા આવે છે ત્યારે એમનું કોઈ કર્તવ્ય નથી રહેતું. ગીતામાં કહ્યું છે :

યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવ: ।
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ૩/૧૭

‘જે આત્મરતિ, આત્મમાં જ તૃપ્ત અને સંતુષ્ટ છે, તેઓ બધાં કર્તવ્યબંધનોથી મુક્ત છે.’ અત: શાસ્ત્ર એમને માટે કોઈ કર્તવ્યનું બંધન રાખતું નથી, અન્યથા સંન્યાસ શાસ્ત્રસંમત ન હોત. આ વિશે મીમાંસકો અને જ્ઞાનીઓની વચ્ચે ચિરંતન વિરોધ ચાલતો રહ્યો છે. મીમાંસકોના મતાનુસાર સંન્યાસ શાસ્ત્રનિષિદ્ધ છે. એમાં કહેવામાં આવ્યું છે કે – જ્યાં સુધી જીવિત રહેશો ત્યાં સુધી અગ્નિહોત્ર કરવા પડશે. છતાં પણ એમના મતે અંધ, બધિર, પંગુ, વગેરે જેમનામાં કાર્ય કરવાની ક્ષમતા નથી, એમને છોડી શકાય, એમને માટે વિધાન કરવાથી શું ફાયદો? જે કરી શકે છે એમને માટે કહેવામાં આવે છે, ‘કરો’; જે નથી કરી શકતા એમને ‘કરો’ કહેવામાં કોઈ સાર્થકતા નથી. અત: જ્યાં સુધી કાર્યક્ષમતા છે, ત્યાં સુધી શાસ્ત્રીય કર્મ કરતા રહેવું પડશે, સંન્યાસ લેવાથી ચાલશે નહિ. અને જેમને માટે સંન્યાસ લેવાનું વિધાન છે, એમને માટે એમ સમજવું પડશે કે એમનામાં કર્મ કરવાનું સામર્થ્ય નથી.

બરાબર આનાથી વિપરિત વાત જ્ઞાનીઓ કરે છે. તેઓ કહે છે: જ્યાં સુધી કામના છે ત્યાં સુધી કર્મનું વિધાન છે. વિવાહ થઈ ગયા પછી સંતાનપ્રાપ્તિ બાદ એ જ સંતાન પિતાના અધૂરાં કર્તવ્યો પૂરાં કરશે, જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી જ એ બધી વાતો છે. જે વાસનામુક્ત બની ગયા છે કે તેવું કરવાના પ્રયત્ન કરે છે, તેઓ કહેશે કે આ બધું કરવાથી અમને શો લાભ? પ્રજા કે સંતાન ઇહલોક માટે છે; જેને ઇહલોક કે પરલોક ન જોઈતાં હોય, એમને માટે સંતાન કે યજ્ઞયાગની શું આવશ્યકતા છે? એમને માટે સંન્યાસ જ વિધાન છે. જ્યાં સુધી વાસના છે, ત્યાં સુધી કર્મ કરવાં પડશે. જ્યારે વિષયોમાં વૈરાગ્ય ઉદ્‌ભવશે ત્યારે ત્યાગ જન્મશે. ત્યારે કોણ છે, કોણ નહિ, કોના મનને દુ:ખ થશે, કોને આઘાત લાગશે, કેટલી હાનિ થશે, આ બધાનો હિસાબ રહેવાનો નથી. શ્રીઠાકુર કહે છે : નિયમો – કાયદા તો છે જ, પરંતુ પાગલ બની ગયા પછી કાયદા એમને લાગુ પડતા નથી. એટલે ભગવાનને માટે પાગલ બનનાર માટે તેનું કોઈ કર્તવ્ય રહી જતું નથી – ‘તસ્ય કાર્યં ન વિદ્યતે’. હાજરા વિશે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી એનામાં વૈરાગ્ય ન હતો. એનામાં દુનિયાદારી જ હતી, એટલે જ શ્રીઠાકુર કહે છે કે એનું કર્તવ્ય બાકી છે. કર્તવ્યોને છોડીને Escapism (પલાયનવૃત્તિ) ચાલે નહિ. ભલે ને ગમે તેટલાં શારીરિક કે અન્ય કષ્ટ કેમ ન હોય? કર્તવ્યનો નિર્વાહ તો કરવો જ પડે. જેમનું જીવન તીવ્ર વૈરાગ્યમય છે, જે વાસનાત્યાગ કરવાની ચેષ્ટા કરે છે, કે વાસનારહિત બની ગયા છે, એમને માટે આવું વિધાન છે કે તે સંસારનો ત્યાગ કરી દે. આ સંબંધે શાસ્ત્રોએ વિધાન આપ્યું છે: બ્રહ્મચર્યં પરિસમાપ્ય ગૃહી ભવેત્‌ ગૃહી ભૂત્વા વની ભવેત્‌, વની ભૂત્વા પ્રવ્રજેત્‌ । યદિ વા ઈતરથા બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેદ્‌ ગૃહાદ્‌વા (વનાદ્‌વા) … યદ્‌ હરૈવ વિરજેત્‌ તદ્‌ હરૈવ પ્રવ્રજેત્‌ (જાબાલ ઉપ.) બ્રહ્મચર્યની પરિસમાપ્તિ કરીને ગૃહસ્થ બનવું જોઈએ, ગાર્હસ્થ્ય પછી વાનપ્રસ્થ, વાનપ્રસ્થ પછી સંન્યાસ આવવો જોઈએ. એવું ન થાય તો બ્રહ્મચર્ય પછી કે ગૃહ કે વન પછી, અર્થાત્‌ જ્યારે વૈરાગ્ય ઉદ્‌ભવે, એ જ દિવસે સંન્યાસ લેવો જોઈએ. છતાં પણ જેમના મનમાં સંન્યાસ લેવાની તૈયારી નથી, તીવ્ર વૈરાગ્ય ઉદ્‌ભવ્યું નથી, એને એ માટે તૈયારી કરતાં કરતાં ક્રમશ: સંન્યાસના પથ પર આગળ વધવું જોઈએ.

માતાપિતાનું કર્તવ્ય અને શાસ્ત્રદૃષ્ટાંત

બ્રહ્મચર્ય બધા આશ્રમોનો પાયો છે. એટલા માટે પ્રારંભમાં બધા માટે બ્રહ્મચર્યનું વિધાન છે. બ્રહ્મચર્ય પછી વૈરાગ્યની તીવ્રતાના આધાર પર તે સંસારમાં રહે કે સંસારનો ત્યાગ કરીને ચાલ્યો જાય એવો નિર્ણય વ્યક્તિએ કરવાનો રહે છે. વૈરાગ્ય તીવ્ર ન હોય તો તેને ક્રમમુક્તિના માર્ગે થઈને જવું પડશે. વાત આવી છે – બ્રહ્મચર્ય પછી મનની તૈયારી થઈ, સંયમના અભ્યાસ દ્વારા બુદ્ધિ પરિમાર્જિત બની અને તેમાં વિચારશક્તિનો વિકાસ થયો; એના પછી તે સ્વયં પોતાના જીવનનો રસ્તો પસંદ કરી લે. માતાપિતા કે અન્ય કોઈ તેના વતી આવી પસંદગી કરી ન શકે. માતાપિતાનું કર્તવ્ય સંતાનોને શિક્ષા આપવાથી સમાપ્ત થઈ જાય છે. માતાપિતા વિચારે છે કે બાળકોને પાળીપોષીને મોટા કર્યા, શું હવે અમારા પ્રત્યે એમનું કોઈ કર્તવ્ય નથી? અનંત કર્તવ્યો છે, એ વાત બરાબર છે; પરંતુ જ્યારે તે માનવ એક મહાન લક્ષ્યને સુનિશ્ચિત કરીને તથા સંન્યાસના માર્ગે જવા માગે છે ત્યારે શાસ્ત્ર એને અડચણ કે વિઘ્ન રૂપ બનતું નથી પરંતુ પ્રોત્સાહિત કરે છે. પરંતુ માતાપિતા અડચણ ઊભી કરે છે. અને એ પણ એમનું શું થશે એવું વિચારીને. પરંતુ તેઓ એટલું પણ વિચારતા નથી કે સંતાન પ્રત્યે માર્ગમાં અડચણ ઊભી કરીને માબાપની યથાર્થ કલ્યાણ કામના કરવાનું કાર્ય નથી થતું. તેઓ જે કરે છે, એ બધું સ્વાર્થપરકતા સિવાય બીજું કંઈ નથી. એ સ્વાર્થને જાણે કે સોનાથી મઢીને કહેવામાં આવે છે અમારા પ્રત્યે શું એમનું કોઈ કર્તવ્ય નથી? આમ જુઓ તો એમનું કર્તવ્ય છે પરંતુ સંતાનનું પાલનપોષણ કરવાનો અર્થ શું માત્ર વિનિયોગ – Investment કરવા જેવું છે કે જે બદલામાં માતાપિતાનું પાલન કરશે? આવું બને તો માતૃત્વ અને પિતૃત્વ ક્યાં રહેવાનું? આ તો એક વ્યવસાય બની ગયું. આટલું મૂળ ધન લગાડીને દુકાન ખોલી, એ પણ એમ વિચારીને કે એમાંથી કેટલો લાભ થશે! આ વ્યવસાય છે, એમાં મહત્ત્વનું કંઈ પણ નથી. માતાપિતાનું કર્તવ્ય તો વધુ ઉચ્ચતર વસ્તુ છે. બાળક જન્મ લીધા પછી મોટું થઈને માતાપિતાની સેવા કરશે એ ભાવે માતાપિતા એનું લાલન-પાલન કરતા નથી. બાળકની અસહાયતાને લીધે તથા એમના પ્રત્યે સ્નેહવશ બનીને તેઓ એનું લાલનપાલન કરે છે અને એમાં આનંદ પણ પામે છે. પરંતુ પછીથી સંતાન શિક્ષણ પ્રાપ્તિ કરીને મોટા થયા પછી તેઓ ઇચ્છે છે કે પોતાનું સંતાન મૂળ ધન સાથે વ્યાજ સહિત પરત કરે. વ્યાવહારિક દૃષ્ટિએ તો આ જ સંગત લાગે છે, પરંતુ સંતાન જો ઉચ્ચતર લક્ષ્યને સામે રાખીને આગળ વધતું હોય તો શું એને પ્રોત્સાહિત કરવું ઉચિત નથી? દૃષ્ટાંત રૂપે કહી શકીએ કે દેશની રક્ષા માટે સૈનિકોની આવશ્યકતા રહે છે, તો તે સૈનિકો બીજાના છોકરા બને અને પોતાના નહિ! વિજયી સૈનિકોનો આપણે જયજયકાર કરીએ છીએ પરંતુ આપણા છોકરાને આપણે લશ્કરમાં આપી શકતા નથી! એવી જ રીતે આપણે સંન્યાસીઓને જોઈને કહીએ છીએ : કેટલું ઉચ્ચ જીવન; પરાર્થ ઉત્સર્ગીકૃત, સુંદર આદર્શ છે! પરંતુ આ આદર્શનું અનુસરણ બીજા લોકો કરે, આપણા છોકરા ન કરે! આની અંદર તો કપટ ભાવના છે, જેને શ્રીઠાકુર ‘પટવારી બુદ્ધિ’ કહેતા.

સ્વામી વિવેકાનંદે મદાલસાનું ઉદાહરણ આપ્યું છે. સતી મદાલસા સંતાનના જન્મથી જ ઘોડિયામાં હિચકાવતાં હિચકાવતાં કહેતાં : ‘તત્ત્વમસિ નિરંજન: – તમે જ તે નિરંજન છો, નિષ્પાપ શુદ્ધ આત્મા છો.’ શૈશવકાળથી જ મા પાસેથી આ વાત સાંભળીને એ બાળકની બુદ્ધિનો વિકાસ થયો અને તે વૈરાગ્યનું અવલંબન કરીને (સંસાર છોડી) ચાલ્યો ગયો. આવી રીતે એક પછી એક બધાં સંતાનો વૈરાગ્યનો પથ ગ્રહણ કરીને ચાલ્યાં ગયાં. શું એમાં માની ભૂલ થઈ? એવાં કોઈ માતપિતા નથી કે જે સંતાનનું સુખ ન ઇચ્છતાં હોય, પરંતુ અહીં એ જરૂરી નથી કે એમના જેવા જ થવાથી સંતાન સુખી થશે. સંતાન જે રીતે સુખી થાય, શું આપણે તેને એવી જ રીતે ધૈર્યપૂર્વક સુખી બનાવવા તથા એના સુખ પ્રત્યે સહાનુભૂતિ સંપન્ન થઈએ છીએ ખરા? સંતાનનો ત્યાગ કરતાં માતાપિતાનું દુ:ખી થવું સ્વાભાવિક છે. માતાપિતા પોતાની મમત્વબુદ્ધિથી સ્વયં જે રીતે જીવનને ઉપભોગ્ય સમજે છે, તેઓ ઇચ્છે છે કે એમનું સંતાન પણ એવી જ રીતે જીવનનો ઉપભોગ કરે અને સુખી બને. એમાં આ બાબતમાં એમનો કોઈ દોષ નથી. માબાપના મનમાં વૈરાગ્ય નથી એટલે તેઓ સંતાનને વૈરાગ્ય માટે પ્રોત્સાહિત કરી શકતા નથી. શ્રીઠાકુરે બધા પ્રકારનાં ઉદાહરણો આપ્યાં છે. બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદજી)ને એમણે પોતાના તરફ ખેંચી લીધા અને કહેવા લાગ્યા: ‘શું વધુ એકને ખેંચી લઉં?’ વળી પાછું કહે છે : ‘એકને ખેંચી લીધો છે એને રહેવા દો.’ સંતાનના ત્યાગમય જીવનનું અવલંબન કરવા પર માતાપિતા આનંદિત થઈને તેને આશીર્વાદ દે છે, આવાં દૃષ્ટાંતોનો આપણી પુણ્ય પવિત્ર ભારત ભૂમિ પર અભાવ નથી.

હવે વળી સંન્યાસના વિષયમાં પાછા આવીએ. જો કોઈ સંસારના ઝંઝટ-ઝમેલાથી બચવા માટે સંસારનો ત્યાગ કરે તો તે સાધુ તો બનશે નહિ, પરંતુ સમાજ માટે પણ અનુપયોગી બની જશે. મનુષ્ય કોઈ આકાશમાંથી ઊતરી આવ્યો તો નથી; એને તો આત્મીય પરિજન, સમાજ અને દેશની અંદર રહેવું પડે છે. એમના પ્રત્યે બહુ સ્વાભાવિક કારણોથી એનાં કેટલાંક કર્તવ્ય પણ છે. પરંતુ જ્યારે એનું મન ભગવાન માટે વ્યાકુળ બને છે ત્યારે આ બધાં કર્તવ્યો એના માર્ગને રુંધી શકતાં નથી. પરંતુ જે વૈરાગ્ય કેવળ સાંસારિક અશાંતિથી મુક્તિ મેળવવા માટે હોય છે એ તો કાપુરુષતાનું બીજું નામ છે. શાસ્ત્રમાં એને કોઈ સમર્થન નથી. ત્યાં સુધી કે કુરુક્ષેત્રના યુદ્ધના આરંભમાં આત્મીય સ્વજન પ્રત્યે અર્જુનની તથાકથિત દયાની નિંદા કરતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘આ દયા નથી, કાપુરુષતા છે.’ ફરીથી ભગવાન આ પણ કહે છે કે જે સંપૂર્ણ રૂપે આત્મતૃપ્ત છે, એનું કોઈ કર્તવ્ય નથી.

શ્રીરામકૃષ્ણની વિચારદૃષ્ટિ તથા પથનિર્દેશ

નાગ મહાશયની સંસાર ત્યાગની ઇચ્છામાં અવરોધ દેતાં શ્રીઠાકુરે કહ્યું: ‘તમે સંસારમાં રહો, તમને જોઈને લોકો શીખશે કે સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ.’ એમનામાં કોઈ કર્તવ્યબંધન ન હતું. તેમને તો જાણે સમાજના એક ઉચ્ચ આદર્શનું દૃષ્ટાંત દર્શાવવા માટે સંસારમાં રહેવાનું થયું. ૫ વર્ષના બાળક નારદે માના મૃત્યુ પછી સંસારનો ત્યાગ કરી દીધો. ભગવાને એને દર્શન આપીને કહ્યું: ‘તમે સર્વત્ર ભક્તિનો પ્રચાર કરતાં કરતાં વિચરણ કરો.’

જગતમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બે ધારાઓ છે. બંને ધારાઓ શાસ્ત્રસંમત અને અવસ્થા વિશેષમાં પ્રયોજ્ય છે. હવે જો આપણે બધા માટે સંસારમાં રહેવાનું કર્તવ્ય હોય તો તે નિતાંત હાસ્યાસ્પદ લાગશે; જાણે કે વિધાતાએ વિશ્વબ્રહ્માંડ ચલાવવાની જવાબદારી આપણને સોંપી છે. કોઈએ આપણને જવાબદારી આપી નથી. આપણે પોતે જ પોતાનું કર્તવ્ય નિશ્ચિત કરી લઈએ છીએ કે આપણે આ કરવું પડશે તથા આપણે એને કરી રહ્યા છીએ. જ્યાં સુધી મનમાં વાસના રહે છે ત્યાં સુધી આ કર્તવ્યનો ભાર આપણા ખભે આપણે વહન કરીએ છીએ. વાસના પુરી થતાં આ બધાં કર્તવ્ય એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે.

હાજરા પ્રત્યે શ્રીઠાકુરના ઉપદેશને સમજવા માટે આપણે આ દૃષ્ટિએ વિચાર કરવો પડશે. હાજરાના ચારિત્રિક સ્વરૂપ તથા એ આધ્યાત્મિક જીવનમાં કયા સ્તર પર છે એ બધું જોઈને શ્રીઠાકુરે એને માટે આવું વિધાન કર્યું. અને નરેન્દ્ર આદિ પોતાના ત્યાગી સંતાનો માટે આનાથી ઊલટો ઉપદેશ દેતાં કહ્યું હતું: ‘ભગવાન માટે સર્વસ્વનો ત્યાગ કરવો પડશે.’ તેઓ એક એક દૃષ્ટાંત આપતાં કહે છે: ‘ભગવાન સૌથી મહાન છે, બાકી બધું એમના પછી આવે છે. માતાપિતાથી પણ ભગવાન મહાન છે.’ વળી અહીં હાજરાને કહે છે : ‘માતાપિતાને કષ્ટ દેવાથી શું ધર્મસાધના થશે ખરી?’ શ્રીઠાકુર વિચક્ષણ વૈદ્ય છે, અધિકારીભેદે પથ્યનિર્દેશ કરે છે. બધા માટે એક જ પથ્ય નથી. બધાએ સંન્યાસી થવું જોઈએ એમ કહેવું અન્યાય રૂપ છે; તેવી જ રીતે બધાએ સંસારી થવું જોઈએ એમ કહેવું પણ ખોટું છે. માતાપિતા પ્રાય: પોતાની ધારણા પ્રમાણે સંતાનને ઘડવા ઇચ્છે છે. આ બરાબર નથી. સંતાનને પોતાનું વ્યક્તિત્વ હોય છે; એ વ્યક્તિત્વના વિકાસ દ્વારા જ એ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. એ રીતે સંતાનની સહાયતા કરવી એ માતાપિતા અને શિક્ષકનું કર્તવ્ય છે. પોતાના બીબામાં એને ઢાળવાની ચેષ્ટા કરવી ઉચિત નથી. સમાજની આવશ્યકતા પ્રમાણે તેણે મહાન બનવું પડશે. એ આવશ્યકતા ભલે દેશને રક્ષા માટે યુદ્ધ કરવાની હોય કે શારીરિક શ્રમ કરીને દેશની સેવા કરવા માટે હોય – પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે તેમણે કાર્ય કરવું પડશે. અથવા બની શકે તો ત્યાગના આદર્શ પર પ્રતિષ્ઠિત બનીને સમાજમાં ઉજ્જ્વળ આદર્શ સ્થાપિત કરીને સંતાનોને આગળ વધવામાં પણ માતાપિતાએ પોતાનાં કર્તવ્યનું પાલન કરવું પડશે. માતાપિતાનું કર્તવ્ય શું છે અને સંતાનોનું કર્તવ્ય શું છે – શ્રીઠાકુરે એ બંને દૃષ્ટિકોણોથી આ વિષયને જોયો તથા એ પ્રમાણે ઉપદેશ આપ્યો છે. આવો ઉપદેશ કથામૃતમાં અનેક સ્થળે જોવા મળે છે.

‘દક્ષિણેશ્વરમાં સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણ આમતેમ ફરી રહ્યા છે. સાંજ થઈ ગઈ છે શ્રીરામકૃષ્ણના ઓરડામાં ધૂપદીપ થઈ ગયાં છે. તેઓ ભગવાનની છબિઓને પ્રણામ કરીને બીજમંત્રનો જપ કરી રહ્યા છે, હરિનામ લઈ રહ્યા છે. દક્ષિણેશ્વરમાં એક સાથે ત્રણ મંદિરોમાં (કાલીમંદિર, વિષ્ણુમંદિર અને શિવમંદિર) આરતી થઈ રહી છે. આનંદમયીનો નિત્ય ઉત્સવ જીવને જાણે કે એનું સ્મરણ કરાવી રહ્યો છે કે અરે! નિરાનંદ ન બનો… અમારી મા છે, આનંદ કરો. ઓરડામાં શ્રીરામકૃષ્ણ હરિપ્રેમાનંદમાં બેઠા છે.’ માસ્ટર મહાશયનું સુંદર ચિત્ર સમું આ સંધ્યાકાળનું વર્ણન પ્રસ્ફુટિત થઈ રહ્યું છે.

શ્રીઠાકુરના ભક્ત ઈશાન મુખોપાધ્યાય આવે છે. તેઓ જપ, તપ, પુરશ્ચરણ કરે છે. શ્રીઠાકુર એમને કહે છે: ‘તમે જપ, તપ, આન્હિક, ઉપવાસ, પુરશ્ચરણ વગેરે કર્મ કરો છો, આ બરાબર છે. જેને ઈશ્વર સાથે આંતરિક પ્રેમ હોય છે એના દ્વારા તેઓ આ બધાં કર્મ કરાવી લે છે. ફળકામના ન રાખીને આ બધાં કર્મ કરી શકવાથી નિશ્ચિત રૂપે એમની પ્રાપ્તિ થાય છે.’

શ્રીઠાકુરની આ ઉક્તિ ધ્યાન દેવા યોગ્ય છે. પહેલાં તેઓ કહે છે કે તેઓ જે કરાવે છે તે જ કરું છું – એવી સમજ રાખવામાં અભિમાન આવતું નથી; બીજી વાત; નિષ્કામ કર્મ કરવાથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે. ‘સકર્મણા તમભ્યર્ચ સિદ્ધિં વિન્દતિ માનવ:’ – વર્ણાશ્રમવિહિત શાસ્ત્રમાં કર્તવ્યના રૂપે નિર્દિષ્ટ પોતાનાં કર્મ દ્વારા ભગવાનની આરાધના કરીને મનુષ્ય સિદ્ધિલાભ કરી શકે છે. પોતાનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે, શુભફળ, સ્વર્ગાદિ પ્રાપ્ત કરશે વગેરે આવી બધી કામનાઓ ન રહેવાથી ભગવાન મળે છે. વૈધિ ભક્તિ સારી છે, એ ભગવાનના પથ પર લઈ જાય છે. પરંતુ સકામ વૈધિ ભક્તિ કરવાથી કેવળ કામ્યવસ્તુની પ્રાપ્તિ એ જ એનું ફળ બને છે, અને કામશૂન્ય બનીને એમની આરાધના કરવાથી તેઓ સ્વયં મળે છે. ઈશાન મુખોપાધ્યાય પુરશ્ચરણ કરે છે, સકામભાવે. એના દ્વારા આધ્યાત્મિક જીવનમાં કલ્યાણ નહિ થાય. ‘યમ લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તત:’ (ગીતા-૬.૨૨) જે મેળવ્યું છે તેનાથી વધારે મેળવવા લાયક કંઈ છે, એવું પ્રતીત થતું નથી. ભગવાનને પ્રાપ્ત કરવા એ જ મેળવવાનું છે. એમને મેળવી લેવાથી બધું મળી જાય છે. મનુષ્ય ચિરતૃપ્ત બની જાય છે, મત્ત થઈ જાય છે, જડવત્‌ બનીને ચેષ્ટારહિત થઈ જાય છે, આત્મારામ બની જાય છે. – ‘મત્તો ભવતિ, સ્તબ્ધો ભવતિ, આત્મારામો ભવતિ’ – પોતાના હૃદયમાં સમગ્ર આનંદનો સ્રોત મેળવી લે છે. આ અવસ્થા જ સિદ્ધનું સાચું લક્ષણ છે.

એમની અર્ચના કરીને મનુષ્ય જે સિદ્ધિ પામે છે તે સાંસારિક ઉન્નતિની પ્રગતિ નથી. ભગવાન કે નિ:શ્રેયસની પ્રાપ્તિ અથવા જીવનની સમસ્યાઓનું ચિરકાલીન સમાધાન જ એ સિદ્ધિ છે. એટલા માટે શ્રીઠાકુરે ઈશાનને નિષ્કામ અને અભિમાનરહિત બનીને કર્મ કરવાનો નિર્દેશ આપ્યો; શાસ્ત્રનિર્દિષ્ટ કર્મો કરવાં એને વૈધિભક્તિ કહેવાય છે.

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.